2020ની સાલ અસહકારની ચળવળની શતાબ્દી ઉજવવાનું પર્વ છે, જે 5 સપ્ટેમ્બર 1920થી શરૂ થયું છે. તે પહેલાં દેશ સાંસ્થાનિક સરકાર દ્વારા લાદવામાં આવેલ રોલેટ એક્ટ જેવા કઠોર કાયદા સામેના વિરોધથી ભભૂકી ઉઠેલો. રોલેટ એક્ટ એ એક કઠોર માર્શલ લૉ ભારતની પ્રજાને દમનથી પોતાના તાબામાં લાવવા માટે લદાયેલો કાયદો હતો. એ કાયદો 21 માર્ચ 1919ને દિવસે લાદવામાં આવ્યો. 13મી એપ્રિલ 1919માં ભારતની પ્રજા શાંતિપૂર્ણ દેખાવ માટે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકઠી મળી, જેને બ્રિટિશ લશ્કરના જનરલ ડાયર જેવા સામૂહિક હત્યા કરનારના હુકમથી તેના સૈનિકોએ નિર્દોષ જનતાને નિર્દય થઈને ગોળીથી વીંધી નાખ્યા.
ચંપારણમાં નિર્ધન અને ગુલામ બનેલા ગળી ઊગાડનારા ખેડૂતોને ન્યાય અપાવવા કરેલા સત્યાગ્રહમાં મળેલી સફળતાને કારણે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય તખ્તા ઉપર 1917ના ગાળામાં પ્રવેશ્યા. ચંપારણ સત્યાગ્રહ એ પ્રથમ એવી ઘટના હતી જેમાં કોઈ ભારતીય પ્રજાજને બ્રિટિશ સલ્તનતને પીછેહઠ કરવા વિવશ કરી.
1857ના બળવા બાદ ભારતની પ્રજાએ સ્વીકારી લીધેલું કે બ્રિટિશ સત્તા અજેય છે અને તેઓ આપણા ઉપર રાજ કરવા જ સર્જાયેલા છે. ચંપારણ સત્યાગ્રહની સફળતાએ દેશને અચંબામાં નાખી દીધા. ત્યાર બાદ જ્યાં વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ તરીકે ઉભરી આવ્યા એ ખેડા જિલ્લાનો સત્યાગ્રહ પણ સફળ થયો. અસહકારની ચળવળ સાથે કાઁગ્રેસે ખિલાફતની ચળવળને પણ ટેકો આપ્યો, જેથી ત્યાં સુધી અલગ રહેલા મુસ્લિમ લોકો પણ બ્રિટિશ શાસનની વિરુદ્ધમાં સાથે જોડાઈ ગયા. ક્રાંતિકારી પગલાં ભરવા માટે વાતાવરણ અનુકૂળ હતું.
ઉતેજના અને હૃદયભંગ :
અસહકારની ચળવળની સફળતા એવી હતી કે એ બ્રિટિશ સરકારની જેમ જ કાઁગ્રેસને પણ નવાઈ ઉપજાવી ગઈ. સમગ્ર દેશ એકજુટ થઈને ઊભો રહ્યો અને એક તબક્કે એવું લાગ્યું કે બ્રિટિશ સરકાર શરણાગતિ સ્વીકારી લેશે. તેવામાં 4 ફેબ્રુઆરીને દિવસે સંયુક્ત પ્રાંત(હાલના ઉત્તર પ્રદેશના)ના ગોરખપુર જિલ્લાના ગામડા ચૌરી ચૌરાની ઘટના બની.
અસહકાર કરનારાઓ સાથે ગામવાસીઓ એક બનીને કૂચ કરવા એકઠા થયા. નજીકની પોલીસ ચોકીના પોલીસ અમલદારોએ સત્યાગ્રહીઓના એક જૂથને માર માર્યો, જેનાથી દેખાવકારો રોષે ભરાયા, પોલીસ અમલદારોનો પીછો કર્યો, એ લોકોને ચોકીમાં ધકેલી દીધા અને તેનો કબજો લઇ લીધો. પોલીસની ટુકડીએ અંદરથી બારણું બંધ કરી દીધું, એટલે તેમને બહાર કાઢવા ટોળાંએ તેને આગ ચાંપી. જ્યારે એ પોલીસ અમલદારો બહાર આવ્યા, ત્યારે તેમની હત્યા કરીને પાછા આગમાં હોમી દેવામાં આવ્યા.
અત્યાર સુધી અસહકારની ચળવળ અહિંસક ગણાયેલી તેને બદનામ કરવા આ બનાવના સમાચાર વ્યાપકપણે ફેલાવવામાં આવ્યા. જ્યારે બાપુને આ ઘટનાના સમાચાર મળ્યા ત્યારે પોતાની અગેવાનીથી શરૂ થયેલી ચળવળ આમ કાબૂ બહાર થઇ જાય તે તેમને સ્વીકાર્ય નહોતું. જો કે અસહકારની ચળવળની સફળતા ગણનાપાત્ર હતી અને બીજા કાઁગ્રેસી નેતાઓએ લડત ચાલુ રાખવા અનુરોધ કર્યો, પરંતુ બાપુએ એ ચળવળ મોકૂફ રાખી.
ઘણા નેતાઓએ દલીલ કરી કે બ્રિટિશ સરકાર હાર માનવાની તૈયારીમાં હતી, પણ બાપુએ તેમનું કહેવું ન સ્વીકાર્યું. તેમના માટે સાધનો સાધ્ય જેટલાં જ મહત્ત્વનાં છે. તેમણે ચળવળ પાછી ખેંચી લીધી. એ ચળવળની મહત્તાને ધ્યાનમાં લેતાં તેને એકલે હાથે સદંતર બંધ કરવાની તેમની શક્તિ અને બળનું એ અભૂતપૂર્વ પ્રેરણાદાયી પ્રદર્શન હતું.
કાઁગ્રેસ શા માટે આ વિસરી ગઈ?
આ કોઈ સ્વાતંત્ર્યની લડતના ભાગ રૂપ મળેલો પાઠ નથી, જો કે, સાંપ્રત સમયના ઇતિહાસના સંદર્ભમાં તેની યાદ અપાવવી જરૂરી છે. એક રાષ્ટ્ર તરીકે આપણે પુરાતન કાળના ઇતિહાસ અને દંતકથાઓ તરફ પીછેહઠ કરી હોય તેમ લાગે છે. અસહકારની ચળવળ એ રાષ્ટ્રના જીવનમાં એક મહત્ત્વનો તબક્કો હતો, પરંતુ આજે તેની શતાબ્દી ટાણે પણ જાણે તે વિસરાઈ ગઈ છે. સરકાર અને નવાઈ ઉપજાવે તેવી વાત તો એ છે કે ખુદ કાઁગ્રેસ પણ તેની ઉજવણી નથી કરી રહી.
મને રાજીપો એ વાતનો છે કે સરકાર આ ચળવળની શતાબ્દી નથી ઉજવી રહી. જો જે સંગઠને બ્રિટિશ રાજ સાથે મળીને આપણી સ્વાતંત્ર્યની ચળવળને ડામી દેવાના પ્રયાસ કરેલા તેના વંશજો એ યાદગાર ચળવળ, કે જે આપણી મુક્તિ તરફ દોરી ગઈ તેની ઉજવણી કરે તો એ વિધિની વક્રતા કહેવાત.
મને ખેદ એ વાતનો છે કે કાઁગ્રેસ આ ઘટનાને તદ્દન ભૂલી ગઈ. ડિસેંબર 1920માં તેની નાગપુર ખાતે મળેલી 35મી બેઠકમાં અસહકારનો ઠરાવ પસાર થયેલો. વર્તમાન સમયની કાઁગ્રેસ જો કે સ્વતંત્રતા પહેલાંની કાઁગ્રેસ કરતાં ઘણી અલગ બની ગઈ છે, છતાં જે પક્ષે સ્વતંત્રતા ચળવળમાં આગેવાની કરેલી તેના કાયદેસરની ઉત્તરાધિકારી છે. કે પછી એ પણ પેલા ભવ્ય ભૂતકાળની દેણગીને ભૂલી જશે?
ફરીથી જાગૃત થવાનો સમય પાકી ગયો છે.
ચંપારણ અને ખેડા જિલ્લાના સત્યાગ્રહો, રોલેટ એક્ટનો બહિષ્કાર અને જલિયાંવાલા બાગનો હત્યાકાંડ જેવી – અસહકારની ચળવળ પહેલાં બનેલી ઘટનાઓની માફક આજનું ભારત વિકટ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યું છે. ફરી વખત સમગ્ર રાષ્ટ્ર ત્રાસજનક હાલતમાંથી પસાર થઇ રહ્યું છે, કિસાનો મુશ્કેલીમાં આવી ગયા છે તથા બેરોજગારી અને સારી કક્ષાના શિક્ષણના અભાવે યુવા પેઢીને ચિંતિત કરી મૂકી છે. ગયે વર્ષે 370ની કલમના ઉચ્છેદ અને નાગરિક સુધારા કાયદની કલમ લાગુ કરવાને પરિણામે લઘુમતી કોમમાં પોતાની સલામતી અને સ્થાન માટે ચિંતા પ્રગટી છે, જે વ્યાજબી જ છે. રામ મંદિરના બાંધકામ માટે સરકારનો વિધિસરનો ટેકો મળવાને કારણે ખિલાફતની ચળવળ સમયે પડેલી તેવી જ તિરાડ બે મુખ્ય કોમ વચ્ચે પડી છે.
સરકારનો લોકશાહી પદ્ધતિ અને પાર્લામેન્ટના કપટી અને ચાલાકી ભર્યો ઉપયોગ આપણી લોકશાહી માટે ખતરનાક છે. જે રીતે ઠરાવો કાયદાનું રૂપ લે છે અને પ્રજા ઉપર ઠોકી બેસાડવામાં આવે છે તે ચિંતાજનક છે. તત્કાલીન કિસાન અંગેનો ઠરાવ ખેતી વિષયક સમસ્યાની આગમાં ઘી હોમવા બરાબર પુરવાર થયો છે. કાયદાના મજૂર વિરોધી સુધારાઓ સાથે રોજગારીની તકો ઓછી થવી એ કામદાર વર્ગમાં ચિંતા અને અસંતોષનું કારણ બન્યા છે. કોવીડ 19ની પરિસ્થિતિને યોગ્ય રીતે કાબૂમાં ન લીધી હોવાને પરિણામે મોટાં શહેરોમાંથી ડરના માર્યા પોતાને વતન સ્થળાંતરિત થયેલા લાખો હંગામી મઝદૂરોને તેમનો કોઈને ખપ ન હોય તેવી લાગણીનો ભોગ બનવું પડ્યું અને આપણા ઔદ્યોગિક ક્ષેત્રનું તકલાદી પણું સિદ્ધ થયું.
નાગરિક અધિકાર બિલ (CAA) અને નાગરિકોના નેશનલ રજીસ્ટર(NRC)નો શાહીન બાગ, જામિયા મિલિયા ઇસ્લામિયા અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રવ્યાપી વિરોધ થયો તેનાથી એક રીતે ઉપર્યુક્ત રીતે જ અસહકારની ચળવળનું શતાબ્દી વર્ષ શરૂ થયું. એ ધારણાનું દેશ આખામાં – લખનૌમાં ઘંટાઘર, કલકત્તા, મુંબઈ, ચેન્નાઇ અને અન્ય શહેરો તેમ જ કેમ્પસમાં અનુસરણ થયું. ત્યારે એવો ભાસ થયો કે તેના ઉદ્દગમ સ્થાને બરાબર શતાબ્દી ટાંકણે અસહકારનું તત્ત્વ હજુ જીવિત છે. જાણે પ્રજાની ચળવળ એક ઐતિહાસિક પ્રજાકીય ચળવળની સ્મૃતિમાં ઉજવણી કરી રહી હતી.
સરકારે એ વિરોધને ડામવા માટે મેલી રમતનો ઉપયોગ કર્યો. દિલ્હીના રમખાણો તેમની એકતાને તોડી પાડવા માટે ચાલાકીપૂર્વક યોજવામાં આવેલા, અને ત્યારથી જ બ્રિટિશ રાજના સહભાગીઓના વંશજોની બનેલી આ સરકાર રોલેટ એક્ટના વિરોધ સમયે ઉપયોગમાં લીધેલી એવી જ સત્તાધારી રીત નાગરિક અધિકાર બિલ અને નાગરિકોના નેશનલ રજીસ્ટરના વિરોધમાં ભાગ લેનારાને ચોકઠામાં પુરવા અને તેમના પર કાયદેસર કામ લેવા અપનાવી રહી છે. કાયદેસરના વિરોધને કચડી નાખવા રાજદ્રોહ અને આતંક વિરોધી કાયદાનો સરેઆમ દુરુપયોગ થયો. લોકશાહી શાસનમાં જો કોઈ ધારો કે તેનો અમલ ખોટો છે એમ લાગે તો પ્રજાને સરકારને સવાલ પૂછવાનો કાયદેસર અધિકાર છે.
સો વર્ષ પહેલાં ભારતની પ્રજાએ વિદેશી અને બિન લોકશાહી શાસકો સામે માથું ઊંચકેલું. હાલની સરકારની ઉદ્ધતાઈ અને આપખુદશાહી તરફનું વલણ દર્શાવે છે કે ભારત માટે બીજી અસહકારની ચળવળનો સમય પાકી ગયો છે. આપણે તૈયાર છીએ?
e.mail : 71abuch@gmail.com
(મૂળ સ્રોત : All Indians Matter – November 7, 2020)
https://www.allindiansmatter.in/100-years-on-time-for-another-non-cooperation-movement/