અનુવાદકની નોંધ : તાજેતરમાં બાંગ્લાદેશના પાટનગર ઢાકા મુકામે ‘હેલી આર્ટિઝન બૅકરી’માં આઇ. એસ.ના ત્રાસવાદીઓએ ફક્ત ૨૦ મિનિટમાં ૨૦ બંધકોનો શિરચ્છેદ કરી નાંખ્યો હતો. ત્યાર બાદ ભારતમાં નિર્વાસિત તરીકે સ્થાયી-અસ્થાયી જીવન પસાર કરતી, ઇસ્લામ સામે વર્ષોથી બગાવત કરતી બાંગ્લાદેશી ક્રાંતિકારી લેખિકા તસ્લીમા નસરીનને આ અમાનવીય ઘટના પછી મોતની ધમકીઓ મળવા માંડી છે. ભારતના કેરાલા રાજ્ય સ્થિત આઈ.એસ.આઈ.એસ. પુરસ્કૃત ‘અન્સાર ખિલાફત’ સંસ્થા તરફથી મોતની ધમકી મળી છે. જો આ ત્રાસવાદી સંગઠનના ત્રાસવાદીઓને આઈ.એસ.આઈ.એસ. દ્વારા તાલીમ આપવામાં આવી હશે, તો ‘મારું તારણ છે કે તેઓને બંધકોનો શિરચ્છેદ કરવાની ઉત્તમમાં ઉત્તમ તાલીમ આપવામાં આવી હશે.’
હું ખૂબ જ નાજુકાઈથી વારંવાર મારા ગળા પર હાથ ફેરવું છું. હું વારંવાર મારા માથા પાછળ પણ હાથ ફેરવું છું. પછી હું એ વિચાર કરું છું કે જ્યારે તે લોકો મારો શિરચ્છેદ કરતા હશે, ત્યારે મારા મનની સ્થિતિ કેવી હશે! મારી ઇચ્છા તો એવી છે કે તે લોકો મને બંધક બનાવે પછી બંદૂકની ગોળી મારા માથામાં મારીને જ મને મારી નાંખે. મેં મારા વિચારોને કારણે ‘જીવતેજીવ’ અસહ્ય સહન કર્યું છે અને હજુ પણ સહન કરું જ છું. મારે મારા મૃત્યુ સમયે બિલકુલ રિબાવું નથી. મારે મૃત્યુ બિલકુલ ક્ષણિક કે ત્વરિત જ જોઈએ છે. પણ જેના તાબામાં હું બંધક બનીશ, તે લોકો મારી અંતિમ ઇચ્છા સાંભળશે ખરાં? હું જિંદગીભર માનવમૂલ્યોના સંવર્ધન માટે ઝઝૂમી રહી છું, તો પછી મને તેઓ કેવી રીતે મારી નાંખે, તે માટે હું ભીખ શા માટે માગું? તે માટે આજીજી શા માટે કરું? મારો જીવ બચાવવા દયાની માંગણી તો હું બિલકુલ નહીં જ કરું. હું વિચારું છું કે મારા શિરચ્છેદના સમયે હું મારી આંખો બંધ કરીને રવીન્દ્રસંગીતમાંની મારી પ્રિય ધૂનો મનમાં ગણગણીશ. મારી પાસે તે સમયના દુઃખને નિવારવા માટેનો બીજો વિકલ્પ મને સૂઝતો નથી.
… ફરાઝહુસેને કુરાનની આયાતો પઢી … તેને બંધક તરીકે મુક્ત કરવામાં આવ્યો … પણ તે ગયો નહીં … ફરાઝ હુસેન સદીમાં (૧૦૦ વર્ષમાં) કદાચ એક જ જન્મે છે …
આ માનવસંહાર સમયે બધા બંધકોમાંથી ફરાઝહુસેનને બંધક તરીકે મુક્ત કરવામાં આવ્યો. પણ તે તેના બંધક બનેલા મિત્રોને આતંકવાદીઓ મુક્ત ન કરે, તો તે મુક્ત થવા માંગતો ન હતો. આતંકવાદીઓ પાસેથી મળેલી સ્વતંત્રતા તેણે સ્વીકારી નહીં.
તસ્લીમા નસરીન કહે છે કે, હું તો ખૂબ જ લાગણીશીલ માનવી છું. હું તો હરહંમેશ લોકકલ્યાણની જ વાતો કરું છું. ચિંતા કરું છું. મેં મારી જિંદગી તે માટે ન્યોચ્છાવર કે સમર્પિત કરી દીધી છે. પણ મને જો માનવશિરચ્છેદ કરનારાઓની ટોળકીમાંથી સહીસલામત માર્ગ આપવામાં આવે તો હું માનું છું કે હું ચોક્કસ પાછું જોયા વિના, અરે કોઈની પણ રાહ જોયા વિના નાસી જાઉં. મારા મત પ્રમાણે કોઈ પણ જાતની સ્વસ્થતા મેળવ્યા સિવાય આપણે બધા જ આવી સ્થિતિમાં ‘આમ જ કરીએ’ ફક્ત ફરાઝે તેવું ન કર્યું! ફરાઝ જેવાઓ કદાચ સદીમાં એકાદ જ જન્મતા હશે. (Only Faraaz didn’t. Faraazs are perhaps born only once in a century.)
આપણે આતંકવાદના મૂળનો અંત લાવ્યા સિવાય. આતંકવાદીઓને ગોળીઓથી મારી નાંખવાથી આતંકવાદનો ખાતમો બોલાવી શકવાના નથી. (“You cannot uproot terrorism by killing terrorists. You need to uproot terrorism at source to end terrorism.”)
આતંકવાદીને કોણ તૈયાર કરે છે?
આતંકીઓ જે ઇચ્છતા હતા, તે મળી ગયું. તેઓના પોતાના ઘાતકી કૃત્યથી વિશ્વને એક આંચકો આપવો હતો, તે આપી શક્યા. તેઓને ગેરમુસ્લિમની હત્યા કરીને ધાર્મિક પુણ્ય કમાવવું હતું જે કદાચ તે બધાને મળ્યું હશે. તેઓ આટલાં બધાં જુવાન સ્ત્રી-પુરુષોનો એકીસાથે શિરચ્છેદ પહેલી જ વાર કરી શક્યા. આ પહેલાં આવું કૃત્ય તે બધાએ ક્યારે ય કર્યું ન હતું. કેવી રીતે તેઓ એક કે બે નહીં પણ ૨૦ બંધકોનો શિરચ્છેદ કરી શક્યા? મારું તારણ છે કે માન્યતાઓ અને ખાસ કરીને ધાર્મિક માન્યતાઓ તે બધાને અશક્ય લાગતાં કૃત્યો કરવા કટિબદ્ધ બનાવે છે. મને ખબર પડતી નથી કે આવા આતંકવાદીઓની નિષ્ઠુર, બેરહમ, અમાનવીય માનસિકતા કોણ અને કેવી રીતે તૈયાર કરતું હશે?
પણ આતંકીઓનાં મગજમાં વૈચારિક રીતે જે ભાથું ભરવામાં આવતું હશે, તેને આ બધાના પોતાના મનમાં સંશય કર્યા સિવાય કે પ્રશ્નો પૂછ્યા સિવાય કેવી રીતે સ્વીકારી લેવામાં આવતું હશે? આ બધા ભણેલા ‘સ્માર્ટ’ યુવાનો હતા, પણ તે બધાની પાસે જે વૈચારિક રીતે મૂકવામાં આવતું હતું, તેને બૌદ્ધિક અને તાર્કિક કે રેશનલી મૂલ્યાંકન કરવાની ક્ષમતા તેમનામાં દેખાતી ન હતી. તેઓએ સ્વીકારી લીધેલું હતું કે ‘ધર્મ સત્ય છે; પોતાના ધર્મનું ધાર્મિક પુસ્તક સત્ય છે.’ ધાર્મિક પુસ્તકની રચના તો ધર્મના સ્થાપકે પોતે જ કરેલી હતી, તેથી તેમાં જે લખેલું છે તેને તો વગર દલીલે સ્વીકાર્યા સિવાય બીજો માર્ગ કેવી રીતે હોઈ શકે? (હિંદુધર્મના પુસ્તક ગીતામાં તેના રચયીતા કૃષ્ણે આ જ વાત કરી છે : મૂળ સ્રોતના તંત્રી.) ટૂંકમાં, ધાર્મિક સત્યોને જ્ઞાન આધારિત માહિતી કે મૂલ્યાંકનોને આધારે ચકાસાય કે પડકારાય નહીં. તે ઉપદેશોને તો અમલમાં જ મૂકવા પડે, તો જ ઉપદેશોનું પાલન કરનારાને મોક્ષ મળે.
આ બધા ધર્મના ઠેકેદારો અને તેમના અનુયાયીઓ પુરાણા ધાર્મિક ગ્રંથોને આધુનિક માહિતી, જ્ઞાન અને વૈજ્ઞાનિક તારણોને આધારે તપાસવા કે મૂલ્યાંકન કરવા બિલકુલ તૈયાર નથી. તર્કવિવેકશક્તિનાં પરિણામોને તેમને ‘બાપે માર્યું વેર’ છે. જો ધાર્મિક પુસ્તકોમાં લખવામાં આવ્યું હોય કે નાસ્તિકો, કાફર, કે નિરીશ્વરવાદીઓને (નોન-બિલીવર્સ) અને વિધર્મીઓને મારી નાંખવા, તૌ બૌદ્ધિક રીતે મગજ વિહોણા આ ઉગ્રવાદીઓ ધાર્મિક ફરજ સમજીને આવા લોકોને મારી નાખવામાં સહેજ પણ રંજ નથી પણ દૈવી અનુભતિનો આનંદ અનુભવે છે અને મોતને ભેટે છે. ધાર્મિક પુસ્તકોનાં લખાણોનાં તેઓ બીજો કોઈ અર્થ જ કાઢતા નથી.
જ્યાં આખો સમાજ ધર્મના ઘેનમાં જીવતો હોય, ત્યાં બાળકોના મનને ધાર્મિક ઘેલછામાં જોડવાનું કામ તેમના જન્મની સાથે જ શરૂ થઈ જાય છે. આ મગજ બંધ થઈ ગયેલા ધાર્મિક ઉન્માદોમાં રાચતા યુવાનો જન્મથી જ ઘર, નિશાળો, કૉલેજો, રમતનાં મેદાન, શેરીઓ, ટ્રેઇન અને બસ- ટ્રાન્સપોર્ટ, ટેલિવિઝન, રેડિયો, ચલચિત્રો કે સિનેમાઓ વગેરેમાં, તે બધાનું ધાર્મિક માનસિકતાની તરફેણમાં બ્રેઇન વૉશિંગ સતત ચાલુ થઈ જાય છે.
તે બધાને ઢોલ પીટીને કહેવામાં આવે છે કે ધર્મના ઉપદેશો પ્રમાણે જીવનારાને મોક્ષ મળશે. પણ જો તમે ધર્મની આજ્ઞાઓ અને ઉપદેશોનું ઉલ્લંઘન કરશો તો નર્કમાં જશો. તે બધાને બધા પ્રશ્નોના ઉકેલો આપ્યા હોવાથી ધાર્મિકોએ પોતાના પ્રશ્નો માટે ધાર્મિક પુસ્તકો બહાર ઉકેલ શોધવાના પ્રયત્નો જ ન કરવા જોઈએ. ધર્મ પોતે જ જ્ઞાન છે. ધર્મ જ વિજ્ઞાન છે અને ધર્મનું બીજું નામ જ શાંતિ છે. સતત આવા વિચારો અને ઉપદેશોનો ધોધ બાળપણથી તમારા મન પર ઠોકી બેસાડવામાં આવતો હોય, તો તે તમારા અર્ધજાગૃત મનનો એક ભાગ બની જાય છે. તે આપણા બધાનો એક મજબૂત પણ વૈચારિક ધાર્મિક પાયો બની જાય છે, જેના ઉપર સહેલાઈથી આત્યંતિક ધાર્મિકતાનો મહેલ બનાવી તેના પરથી કૂદકો મારી આપઘાત કરવા યુવાનોને તૈયાર કરી શકાય છે.
માનવીને પોતાની સમસ્યાઓના ઉકેલ માટે ધર્મના ઉપાયો વૈજ્ઞાનિક સંશોધનોનો માટેના કોયડાઓ અને ગણિત-ભૂમિતિના કૂટપ્રશ્નો વગેરેના ઉકેલો કરતાં સરળ અને સહેલા લાગ્યા છે. માટે જ ધર્મ અભણ, શ્રમજીવી અને વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓને સંમોહી શકે છે. કારણ કે વિજ્ઞાનને સમજવું ધર્મ જેટલું સહેલું નથી.
ગુજરાતી અનુવાદ : બિપિન શ્રોફ
(સદર મૂળ લેખ બંગાળી ભાષામાં લખાયો હતો, જેનો અંગ્રેજી ભાવાનુવાદ સંઘમિત્રા મજમુદારે ઇન્ડિયન એક્સપ્રેસ માટે કરેલો. અમે તે બધાના આભારી છીએ.)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 04 & 19