કડવી વાસ્તવિકતા તો એ છે કે બે વ્યક્તિઓ વચ્ચેની આત્મીયતાને જાહેરમાં જોઈને છળી મરતા આ લોકો નજર સામે કોઈ સ્ત્રીની છેડતી થતી હોય કે કુમળી બાળકી પર અત્યાચાર થઈ રહ્યો હોય ત્યારે ઊકળી નથી ઊઠતા!
સામાન્ય રીતે બંગાળના લોકોને પોતાની બૌદ્ધિકતા અને આધુનિકતા વિશે બહુ ઊંચો ખ્યાલ છે. કલા તથા ક્રાન્તિની રાજધાનીનું બિરુદ પામેલા બંગાળના લોકોને ખાસ આવો વહેમ છે, પરંતુ ગયા અઠવાડિયે આવેલા એક સમાચારે બંગાળની એ છબીને ઊલટાવી દીધી છે. કલકત્તાના ગૌરવ જેવી મેટ્રો ટ્રેનમાં એક યંગ છોકરો અને છોકરી (જે કદાચ પ્રેમીઓ હશે) એકમેકની ખૂબ જ નિકટ ઊભાં હતાં અને આલિંગન આપતાં હતાં. એક સિનિયર પ્રવાસીને તેમની એ ‘અતિ નિકટતા’ (હા, સમાચારોમાં આવો જ ઉલ્લેખ છે કે તેઓ વધુપડતાં નજીક ઊભાં હતાં) ખૂંચી ગઈ. એ મહાશય એ બન્નેને ઠપકો આપવા માંડ્યા. સ્વાભાવિક છે કે પેલા યંગસ્ટર્સે પણ તેમને જવાબ આપ્યો હશે. એમાં તો આજુબાજુવાળા બીજા બે-ચાર જણ ગિન્નાયેલા વડીલના ટેકામાં ભળ્યા અને બધા મળીને તૂટી પડ્યા પેલા કપલ પર કે યંગસ્ટર્સને કંઈ માન-મર્યાદા કે મૅનર્સ જેવું જ નથી, જાહેરમાં કેમ વર્તવું ને કેમ નહીં એની ગતાગમ નથી ને એવું બધું. ટૂંકમાં આપણી ભવ્ય સંસ્કૃિત ને સંસ્કારને તેમના જેવાઓ આવી આછકલાઈથી ભ્રષ્ટ કરી રહ્યા છે, નષ્ટ કરી રહ્યા છે એ પ્રકારના આક્ષેપો વરસાવ્યા એટલું જ નહીં, તેમને ડમડમ સ્ટેશન પર ધકેલીને નીચે ઉતારી દીધાં અને ત્યાં ટોળે વળીને તેમની ધોલધપાટ કરી એવા પણ સમાચાર આવ્યા.
મતલબ કે બે પ્રેમીઓ બાઝીને ઊભાં હતાં એમાં આસપાસના લોકો તેમની સાથે બાઝી પડ્યા! આજના નેટયુગમાં આવા સમાચારને ફેલાતાં વાર લાગે? સોશ્યલ મીડિયા પર પેલા અસલી બંગાળી ક્રાન્તિકારી ટ્વીટ અને પોસ્ટના ધોધ વહેવા માંડ્યા. ‘વાહ, બે માણસ પ્રેમથી એકમેકને બાઝે એમાં તમારી સંસ્કૃિત અભડાઈ જાય છે, પણ ગંદી ગાળો બોલીને બાઝવામાં તમારી સભ્યતા લાજતી નથી?’ ‘જાહેર સ્થળોની દીવાલો પર પાનની પિચકારી મારી શકાય, ખુલ્લા પાર્કમાં કે મેદાનમાં મૂત્રવિસર્જન કરી શકાય; પણ જાહેરમાં બે વ્યક્તિ એકમેક માટેના પ્રેમને અભિવ્યક્ત ન કરી શકે!’
ટેક્નૉલૉજિકલ ક્રાન્તિના પ્રતાપે દુનિયા આજે આંગળીના ટેરવે આવી ગઈ છે.
દેશ-વિદેશની સંસ્કૃિતઓ અને લાઇફ-સ્ટાઇલ એકબીજામાં ભળવા લાગી છે. મુંબઈની હાઇ-ફાઇ હોટેલ કે પાર્ટીમાં ગયા હો તો મુંબઈમાં છો કે ન્યુ યૉર્કમાં એ ખબર ભાગ્યે જ પડે. લેટેસ્ટ ફૅશન અને લાઇફ-સ્ટાઇલ હવે કોઈ એક દેશ સુધી સીમિત નથી રહ્યાં. આ સંજોગોમાં આપણી આધુનિક પેઢીના વર્તન-વ્યવહારમાં ખાસ્સું પરિવર્તન દેખાવાનું જ. અને આપણે જોઈએ છીએ કે આધુનિકતાની બાબતમાં દુનિયાની સાથે બરોબરી કરતી આપણી યુવા પેઢી અંગત લાગણીઓનું જાહેરમાં પ્રદર્શન કરવા બાબતે ખાસ્સી ઉદાર થઈ જ ગઈ છે. પણ સામાન્યત: જૂની પેઢીનો અભિગમ હજી જુનવાણી છે. જો કે સવાલ એ વડીલશાહી માનસિકતા સામે છે જે બે દોસ્તો કે પ્રેમીઓ વચ્ચેના પ્રેમને સમાજનાં દૂષણોનું કારણ ગણાવે છે! કડવી વાસ્તવિકતા તો એ છે કે બે વ્યક્તિઓ વચ્ચેની આત્મીયતાને જાહેરમાં જોઈને છળી મરતા આ લોકો નજર સામે કોઈ સ્ત્રીની છેડતી થતી હોય કે કુમળી બાળકી પર અત્યાચાર થઈ રહ્યો હોય ત્યારે ઊકળી નથી ઊઠતા! અરે, જોવાની વાત તો દૂર, કેટલાક તો એવી હરકતો કરતાં પણ શરમાતા નથી. આ આલિંગન-આક્રોશની ઘટનાના સમાચારની બાજુમાં એક વયસ્ક શખ્સે પાડોશીની ત્રણ વર્ષની બાળકી પર જાતીય અત્યાચાર કર્યાના સમાચાર પ્રગટ થયા હતા!
વડીલોની હાજરીમાં પોતાના પ્રિયજનની સાથે આત્મીય ન થવાય એવી તાલીમ અને ઉછેર હજી પણ ઘણા પરિવારોમાં મળે છે. મને ઘણી વાર થાય કે પોતાનાં સંતાનો તેમના જીવનસાથી સાથે પ્રેમથી ભેટે કે પ્રેમભરી વર્તણૂક કરે ત્યારે મા-બાપ કે વડીલોના મનમાં તો કેવી શીતળ શાંતિ અને પ્રસન્નતાનો સ્પર્શ થવો જોઈએ, એને બદલે ‘તેમના દેખતા એવું ન કરાય’ એવો સંકોચ આપણે કેમ યંગસ્ટર્સના મનમાં રોપી દીધો છે? નાનપણથી જે બાળકના મનમાં પ્રેમ કરવો એ કંઈક શરમજનક ચેષ્ટા છે એવું વવાઈ જાય તે મોટું થઈને પ્રેમ કરતાં કોઈ ગ્રંથિ નહીં અનુભવે? એને બદલે ઝઘડવું, લડવું, કોઈને દબાવવા કે ડરાવવા એ શરમજનક બાબત છે એવું તેમના બાળમાનસમાં દૃઢ કરાતું હોય તો! મને યાદ આવે છે મારા દાદાજી લાલચંદ મેઘાણીના હાથે લખેલાં કેટલાંક પાનાં, જેને બાપુજી દાદાજીનું વિલ કહેતા. એમાં કુટુંબમાં બહેન-દીકરીઓ કે વહુઆરુઓ સાથે શાલીનતાથી અને સમાનતાથી વર્તવું એવી શીખ લખી હતી! આવા સંસ્કાર પામેલા દીકરાઓ ક્યારે ય સ્ત્રી સાથે અયોગ્ય વ્યવહાર કે વર્તન ન કરી શકે. કોઈ પણ છોકરી કે સ્ત્રી પર અત્યાચાર થતો હોય ત્યારે તે ઊભો-ઊભો તમાશો ન જોઈ શકે. તે ચોક્કસ એવી સ્થિતિમાં મુકાયેલી સ્ત્રીને મદદરૂપ થવા પ્રયાસ કરે જ કરે. કમનસીબે આજના મોટા ભાગના યુવાનોને ન તો આવી શીખ મળી છે ન આવી તાલીમ મળી છે.
દેશમાં ઉત્તરનાં અનેક રાજ્યોમાં આવી સંકુચિતતાનો લોકોને પરિચય છે, પરંતુ કહેવાતા કલ્ચર્ડ બંગાળમાં આવી સંકુચિતતા જોઈને સ્તબ્ધ થઈ જવાયું છે. જો કે બંગાળના યંગિસ્તાનીઓએ (યંગસ્ટર્સે) આ ઘટનાનો જોરદાર વિરોધ કરવા આલિંગન મોરચાનું આયોજન કર્યું અને પેલી ઘટનાના બે દિવસ બાદ તો કલકત્તાની મેટ્રો રેલવેનાં એક નહીં, અનેક સ્ટેશનો પર ‘હગિંગ પ્રોટેસ્ટ’ યોજાયો. હજારો યંગસ્ટર્સ કે સ્ત્રી-પુરુષો એકમેકને ભેટતાં નજરે ચડ્યાં. નૈતિકતાના કહેવાતા ઠેકેદારોની ખોખલી શાલીનતાને યુવા પેઢીનો એ તમતમતો તમાચો હતો. ક્રાન્તિકારી બંગાળની લાક્ષણિક અદા હતી. નવી પેઢીની ખુલ્લી અને ઉદાર માનસિકતાની મહોર હતી.
સૌજન્ય : ‘સોશ્યલ સાયન્સ’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 મે 2018