
ઝેન્તા મૉરિના, લાટવિયન લેખિકા
પોતાના દેશ અને પ્રજાના આત્માને જેટલા પ્રમાણમાં ગાંધીએ મૂર્તિમંત કર્યો તેટલા પ્રમાણમાં હમણાંના સમયમાં કોઈ પણ એક રાજદ્વારી, મુત્સદ્દી અથવા કવિ અને લેખકે કર્યો નથી. એમની વાણી અને વર્તન વચ્ચે લગીરે અંતર નહોતું, અને પોતાના જીવનકાળમાં જ એ મહાત્મા તરીકે ઓળખાયા હતા.
આ તપસ્વી એક આદર્શવાદી, ઉચ્ચ કક્ષાના પ્રૌઢ લેખક છે. બને કે, પોતાની સ્વચ્છ સંયમી શૈલી એમણે પોતાનાં ઇંગ્લેંડનાં અભ્યાસનાં વરસો દરમ્યાન કેળવી હોય; એમ છતાં એમનું માનસ ત્રણ ઘટક તત્ત્વોનું બનેલું છે : હિંદુ ધર્મની પ્રાચીન પ્રણાલિ, ટૉલ્સ્ટૉય અને પ્લેટો. પ્લેટોનું આત્માની અમરતા વિષેનું પુસ્તક Phaidon તો એમણે પોતાની ભાષામાં ઉતાર્યું છે.
દરેક હિંદીને એ ટૉલ્સ્ટૉયનાં ત્રણ પુસ્તકો વાંચવાની હંમેશ ભલામણ કરતા : The Kingdom of God is Within You (વૈકુંઠ તારા હૃદયમાં); What is Art? (કલા એટલે શું ?); અને What Must We Do Then? (ત્યારે કરીશું શું?). 1921માં જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ટૉલ્સ્ટૉય સાથે તમારે સંબંધ કેવો હતો ત્યારે એમણે જવાબ આપ્યો હતો : “હું અંતરથી એમનો ભક્ત છું. મારા જીવનમાં એમની પાસેથી મને ઘણું મળ્યું છે.”
જેમ સત્ય બોલવાની, અહિંસાનું પાલન કરવાની, ડોળ અને દંભને તિરસ્કારવાની અદમ્ય ઈચ્છાઓ, આધુનિક સુધારા પ્રત્યેના અણગમા, અને અંતે પોતાના કોઈ પણ સ્ખલન કે ભૂલને માફ ન કરવાના વલણે અને પોતાની નબળાઈઓનું હર વખત પ્રાયશ્ચિત્ત કરવાની વૃત્તિએ તેમને ટૉલ્સ્ટૉય સાથે જોડ્યા હતા; તેમ નમ્રતા અને તપસ્વી જેવી સાદાઈ એ બે વસ્તુએ પણ જોડ્યા હતા.
લોકો આ મહાત્માને સંત કહેતા ત્યારે એ જેવી અકળામણ અનુભવતા એવી તે બીજા કશાથી અનુભવતા નહિ:
“કોઈ પણ ધર્મપરાયણ હિંદુની જેમ હું પ્રાર્થના અને પૂજા કરું છું અને માનું છું કે આપણે બધા જ ઈશ્વરના સંદેશવાહક બની શકીએ. પણ મને ઈશ્વર તરફથી કોઈ પ્રકારના ખાસ સંદેશ મળ્યા નથી. હું તો સીધોસાદો મજૂર, હિંદ અને માનવજાતનો નમ્ર સેવક બનવા ચાહું છું.”
યુરોપના માંધાતાઓ જ્યારે ખૂન, જૂઠાણાં, નાસ્તિકતા અને વેર વાળવાનાં લોહીતરસ્યાં કૃત્યોથી માનવોનો કીડીમકોડાની જેમ સંહાર કરતા હતા, પોતાની અલ્પજીવી સત્તા વધારતા હતા અને સેતાની અણુ બોમ્બ ફેંકતા હતા; ત્યારે ગાંધી ન્યાય, સત્ય અને સત્યાગ્રહથી હિન્દની મુક્તિ કાજે ઝૂઝતા હતા. સરકાર ચલાવવાની પદ્ધતિ તરીકે ભય અને ત્રાસને અપનાવનાર લેનિન ગાંધી કરતાં માત્ર એક વરસ નાના હતા, અને સ્ટેલિન હિંદના મુક્તિદાતા પછી દસ વર્ષે જન્મ્યો હતો. ગાંધીનો જાદુઈ શબ્દ “સત્યાગ્રહ” એ ટૉલ્સ્ટૉયના non-resistence(અપ્રતિકાર)નો પર્યાયવાચક નથી, કેમ કે એ કાર્ય માટે હાકલ કરે છે. સરકાર અને સત્તાવાળાનાં અન્યાયી કૃત્ય સામે મનુષ્યે હિંસાનું એક પણ કૃત્ય આચર્યા વિના મરતાં લગી ઝૂઝવું જ રહ્યું. કાયરતાભર્યા શાંતિવાદ સાથે સત્યાગ્રહને ગૂંચવવો ન જોઈએ. ગાંધીએ તો હાથમાં શાંતિની તરવાર ધારી હતી.
-2-
જેમ સૌમ્ય ઈસુએ સાગરનાં મોજાં ઉપર આધિપત્ય ભોગવ્યું હતું તેમ જ ગાંધીએ ચાળીસ કરોડ માનવોના મહેરામણ પર આધિપત્ય ભોગવ્યું હતું. લોકોનાં ટોળાં જો પાગલ બને, જો ઘાતકી બળાત્કારનાં કૃત્યો આચરે—કોઈ રાષ્ટ્ર કચરા વિનાનું નથી—તો ગાંધી ઉપવાસ પર ઊતરીને બળવાખોર તત્ત્વોને શમવાની ફરજ પાડતા. જેમ એથેન્સવાસીઓએ સોક્રેટિસને જેલમાં નાખ્યો ત્યારે તેણે તેનો વિરોધ નહોતો કર્યો તે જ પ્રમાણે 1922માં અંગ્રેજોએ ગાંધીને જેલમાં પૂર્યા તે તેમણે સ્વીકારી લીધું. જેલમાંથી તેમણે પોતાની પ્રજાને શાંતિ જાળવવાના, અહિંસાનું પાલન કરવાના અને યાતનાઓ વેઠવા તૈયાર રહેવાના સંદેશા મોકલ્યા. બે વરસ જેલમાં ગાળ્યા પછી ગંભીર માંદગી અને અનિવાર્ય ઓપરેશનને કારણે એમને છુટકારો થયો. એ વખતે એમનું શરીર સાવ હાડપિંજર થઈ ગયું હતું; છતાં સત્યાગ્રહના સિદ્ધાંતમાંથી એક તસુ પણુ ચળ્યા વિના કઠોરતાથી એ પોતાના ધ્યેયની પાછળ મંડ્યા રહ્યા. 1932માં અંગ્રેજોએ એમને ફરી જેલમાં પૂર્યા હતા ત્યારે મુંબઈની શેરીઓમાં લોકોએ હૃદયફાટ આક્રંદ કર્યું હતું અને ઘરોમાંથી સ્ત્રીપુરુષના રુદન અને ડૂસકાંનો એવો મોટો અવાજ આવતો હતો કે પ્રવાસીઓ એમ સમજ્યા હતા કે કોઈ આસમાની આફત તૂટી પડી છે. અસંખ્ય સાઈરનોના ધ્વનિની પેઠે શોક અને દુઃખ ઝૂંપડામાં અને મહેલમાં—સર્વત્ર ફેલાઈ ગયા. નેવું હજાર હિંદીઓની ધરપકડ થઈ— એ આંકડો ત્રીસ હજારનો હતો એ વાતને અંગ્રેજો આજ સુધી વળગી રહે છે – પણ આમાં કેવળ આંકડાનું ઝાઝું મહત્ત્વ નથી; ગાંધીના અનુયાયીઓ જે શાંત સ્વસ્થતાથી જેલ જવાને તત્પર હતા તે આજે પણ આપણાં દિલ હલાવી મૂકે છે.
માનવી અને દુન્યવી વ્યવહારમાં કરુણતા વિનાની મહાનતા કલ્પી શકાતી નથી. મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય અને ન્યાય તેમ જ અહિંસાને ખાતર આદર્શ જીવન ગાળ્યું; અને હિંદુ ધર્મમાં નવો પ્રાણ પૂરવો અને તેને નવો અર્થ બક્ષવો તેમ જ પોતાના લોકોમાં માણસ તરીકેના ગૌરવની ભાવના જાગ્રત કરવી—એ બે જ ઉદ્દેશ પાર પાડવા એ જીવનભર મથ્યા : પરંતુ 1948માં કોઈ અંગ્રેજને હાથે નહિ પણ એક અત્યંત સંકુચિત માનસ ધરાવનાર હિંદુ બ્રાહ્મણને હાથે એમની હત્યા થઈ. એ હત્યારાની દૃષ્ટિ એટલી સંકુચિત હતી કે એ મહાપુરુષની મહત્તા માપી જ ન શકે.
વિશ્વની શસ્ત્રાસ્ત્રોની દોડમાં અને ઉદ્યોગીકરણ તરફની ગતિમાં હિંદ ભવિષ્યમાં ગાંધીના આદર્શોને વફાદારીપૂર્વક વળગી રહેશે કે કેમ, તથા કોઈ પણ સ્વરૂપની હિંસા કરતાં શાંતિમય સમજાવટનો માર્ગ પસંદ કરશે કે કેમ, તે વિષે કોઈ અનુમાન કરવું મુશ્કેલ છે. એ જે હોય તે ખરું, પરંતુ આપણા આ નિર્ભ્રાંત થયેલા અને નિરર્થક યુગમાં હિંદુ ધર્મના અધ્યયનથી આપણે નવી દિશામાં પ્રયાણ કરી શકીએ અને અલ્પજીવી ક્ષુલ્લક વસ્તુઓની પાર જોઈ શકીએ તો અને ત્યારે જ સાચી અને કાયમી એકતા આવી શકે. આ વાતની આપણી જાતને યાદ આપીને જ આપણે આંતરિક સુધારો કરી શકીએ, કેમ કે સમસ્ત જીવન અને અસ્તિત્વની કૃતાર્થતા ક્ષુલ્લક વસ્તુઓમાં નહિ, પણ સમગ્રતામાં રહેલી છે.
પ્રેમની સૌમ્ય શક્તિથી પોતાના દેશને સ્વાતંત્ર્ય પ્રતિ દોરી જનાર ગાંધી જેવા માનવ જીવી ગયા છે, એ હકીકતના જ્ઞાનથી આપણું દ્વેષ અને હિંસાથી છિન્નભિન્ન થઈ ગયેલા યુગનો બોજ આપણે વધુ સરળતાથી વહી શકીએ છીએ.
ગાંધી વિષે વિચાર કરીએ છીએ ત્યારે મનુષ્ય પોતાના આસુરી આવેગોનું દમન કરવા સમર્થ છે, એ આપણી શ્રદ્ધા બળવત્તર થતી હોય એેવો અનુભવ થાય છે.
માનવજાતમાં પરિવર્તન લાવવાને માટે ફિલસૂફીની સર્વ પદ્ધતિઓ અને તમામ ધર્મસિદ્ધાંતોના કરતાં આદર્શ રીતે જિવાયેલું જીવન વધારે સમર્પક છે.
07-08 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 336-7