ગયા વરસની પહેલી ઑગસ્ટે તીન તલાક વિરુદ્ધનો કાયદો પસાર થયો હતો. ભારતીય જનતા પક્ષે મુસ્લિમ મહિલા (વૈવાહિક અધિકારોમાં સંરક્ષણ) ૨૦૧૯ કાયદાની આ વાર્ષિક તિથિ ‘મુસ્લિમ મહિલા અધિકાર દિવસ’ તરીકે મનાવી. સોશ્યલ મીડિયા પર ‘થેન્ક્સ મોદી ભાઈજાન’ ખૂબ ચાલ્યું. એ બાબતમાં કોઈ શંકા નથી કે આપણા દેશમાં એકતરફી મૌખિક તલાક કે તીન તલાકની વિરુદ્ધના કાયદાની ખૂબ જ જરૂર હતી. સુપ્રીમ કોર્ટના ૨૦૧૭ના ચુકાદા છતાં તીન તલાકની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી હતી. એ સ્થિતિમાં મુસ્લિમ મહિલાને સંરક્ષણ મળે તે યોગ્ય હતું. તેની સાથે એ પણ કહેવું જોઈએ કે તીન તલાક ઉપરાંતની ઘણી સમસ્યાઓનો મુસ્લિમ મહિલાઓ સામનો કરી રહી છે.
પિતૃસત્તાના પ્રશ્નો
સરકાર તીન તલાકના જેટલું જ ધ્યાન ગરીબી, રોજગાર, સામાજિક ન્યાય અને સમાન નાગરિક અધિકારો પર આપે તે જરૂરી છે. વ્યાપક મુસ્લિમ સમાજ સાથે ભેદભાવ અને કટુતાને ચાલુ રાખીને મુસ્લિમ મહિલાને ન્યાય આપી શકાશે નહીં. આમે ય કોઈ પણ સમાજમાં સ્ત્રીઓના અધિકારની વાત ઉઠાવવી આસાન નથી હોતી. માનવજાતનો પુરુષ પ્રાધાન્યનો અને સ્ત્રી શોષણનો સદીઓ પુરાણો ઇતિહાસ છે. દુનિયાભરના દેશોમાં પિતૃસત્તાનું વર્ચસ્વ આધુનિક યુગમાં પણ બરકરાર છે. સ્ત્રીઓના હકના કાયદા કે નીતિનિયમો બનાવવા ખૂબ જ મુશ્કેલ બને છે.
વિકસિત દેશોમાં પણ મહિલાઓને મતદાન અને સંપત્તિનો અધિકાર આપતાં નવ નેજાં પાણી આવ્યું હતું. વળી આપણા દેશમાં તો પિતૃસત્તાક માનસિકતાની સાથે બધી જ બાબતો રાજકારણ પ્રેરિત હોય છે. મહિલા અધિકારોના કાયદા બનાવવાના માર્ગમાં ઘણા રાજકીય અવરોધો ઊભા કરી દેવામાં આવે છે.
ભારતીય સંસદને ૧૯૫૫માં હિંદુ લગ્ન કાયદો ઘડતાં ઘણા વિરોધોનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક કટ્ટરતાવાદી ધાર્મિક નેતાઓ અને રાજકીય સંગઠનોને હિંદુ મૅરેજ એક્ટમાં સુધારા મંજૂર નહોતા. આજે ભા.જ.પ., કૉંગ્રેસ અને બીજા રાજકીય પક્ષોનાં રાજકીય હિતોને તડકે મૂકી સ્ત્રી અધિકાર અને સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરવી અઘરી છે.
કૉંગ્રેસ-ભા.જ.પ.ની કોમી નીતિઓની આકરી કિંમત
આપણા દેશમાં મુસ્લિમ મહિલાઓના અધિકારો સાથે જોડાયેલી બીજી પણ મુશ્કેલીઓ છે. દેશનું બંધારણ તમામને સમાન અધિકાર અને ધર્મસ્વાતંત્ર્યનો અધિકાર આપે છે પરંતુ લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો શરિયત અને પારિવારિક બાબતોને લઈને હંમેશાં સંવેદનશીલ રહ્યાં છે. તેના લીધે મુસ્લિમ કૌટુંબિક કાયદાઓમાં સુધારા થઈ શક્યા નથી. ૧૯૮૬નું શાહબાનુ પ્રકરણ સૌને યાદ છે. ભારતમાં સેક્યુલરિઝમ કે ધર્મનિરપેક્ષતાના નામે હંમેશાં રાજનીતિ થઈ છે. કૉંગ્રેસના સેક્યુલરિઝમની કિંમત મુસ્લિમ સમાજ, ખાસ કરીને મુસ્લિમ સ્ત્રીઓ ચુકવે છે. કૉંગ્રેસે હંમેશાં પર્સનલ લૉ બોર્ડ અને પુરુષવાદી કટ્ટર સંગઠનોને જ સાથ આપ્યો છે. તીન તલાક કે એકથી વધુ લગ્નો કે નિકાહ હલાલા જેવા કુરિવાજો પર કૉંગ્રેસ શાસનમાં કદી કાનૂની રોક લગાવી શકાઈ નહીં. પરંતુ શિક્ષણ અને જાગૃતિના કારણે ૧૯૮૬માં જે અશક્ય હતું તે ઘણી મુસ્લિમ મહિલાઓએ ૨૦૧૬માં શક્ય કરી દેખાડ્યું.
મહિલાઓએ પોતાના કુરાની અને બંધારણીય અધિકારો માટે લોકતાંત્રિક લડત કરી. સુપ્રીમ કોર્ટે એકતરફી મૌખિક કે તીન તલાક વિરુદ્ધ સ્ત્રીઓના અધિકારની તરફેણમાં ચુકાદો આપ્યો. કેન્દ્રની ભા.જ.પા. સરકારે આ ચુકાદો યથાર્થ રીતે લાગુ પાડવા ગયા વરસે તીન તલાક કાયદો પસાર કર્યો. સરકારના આ પગલાનો મુસ્લિમ સમાજે જોરદાર વિરોધ કર્યો. નોંધપાત્ર છે કે ૨૦૧૪માં ભા.જ.પ. કેન્દ્રની સત્તામાં આવી તે પછી ઘણી એવી ઘટનાઓ બની, જેનાથી મુસ્લિમ નાગરિકોમાં અસલામતીની ભાવના પેદા થઈ. ગોરક્ષાના નામે હિંસા, લવજેહાદના નામે પોલીસ દમન, વારંવાર પાકિસ્તાન ભેગા થઈ જવાનું કહેવું, સી.એ.એ. જેવો કાયદો, એન.આર.સી., એન.પી.આર. જેવી બાબતોએ મુસ્લિમ સમાજને વધુ ભયભીત કર્યો. સરકારર્ની નીતિઓ અને નિયત પર સવાલો ઊભા થયા. આ નીતિઓનો જોરદાર વિરોધ થયો અને મુસ્લિમ મહિલાઓએ વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કર્યું. દેશભરમાં મુસ્લિમ મહિલાઓએ વિધાર્થીઓ, યુવાનો અને કર્મશીલો સાથે ખભેખભો મિલાવીને ન્યાય અને સમાનતા માટેના ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો.
નાગરિક હકો વિના ન્યાય કેવો?
તીન તલાક પણ માનવ અધિકાર અને સામાજિક ન્યાયને સંબંધિત પ્રશ્ન છે. તેને અલગ પાડીને જોવો તે મજાક છે. જ્યારે નાગરિકતા પર જ પ્રશ્નચિન્હ લાગે ત્યારે મુસ્લિમ મહિલાઓનાં દુ:ખ કે તીન તલાક વિશે વિચારવાની કોઈને ફુરસદ ન હોઈ શકે. સરકારે પણ એ સમજવું પડશે કે મુસ્લિમ સ્ત્રીઓ પણ વ્યાપક મુસ્લિમ સમાજનો હિસ્સો છે. તેને મુસ્લિમ સમાજથી જુદી પાડીને તેના અધિકારો ન આપી શકાય. સરકારની બંધારણીય જવાબદારી પણ તમામ નાગરિકો પ્રતિ છે. પછી તે હિંદુ હોય, મુસ્લિમ હોય કે ખ્રિસ્તી હોય.
તીન તલાક કાયદાની ઘણી જોગવાઈઓની પણ ચર્ચા જરૂરી છે. તેમાં મુસ્લિમ પતિને ત્રણ વરસની સજાની જોગવાઈ છે. આ કાયદાના વિરોધમાં કેટલાક લોકોએ કહ્યું હતું કે આ કાયદો મુસ્લિમ મદરસાઓથી જેલો ભરવાની સાજિશ છે. તેમ છતાં આ કાયદો અસરકારક સાબિત થયો છે. તીન તલાકનું પ્રમાણ ઘટ્યું છે. જે કામ મુસ્લિમ મર્દોએ પોતે ન કર્યું તે કાયદા અને સજાના ડરે કરી બતાવ્યું. સારું થાત કે મુસ્લિમ ઉલેમાઓએ જાતે જ, સ્વચ્છાએ આ સુધારા કરી દીધા હોત. એનાથી મહિલાઓને તેમના કુરાની હક મળી શક્યા હોત. આ પૂર્વે દેશમાં દહેજવિરોધી કાયદો અને ઘરેલુ હિંસાવિરોધી કાયદો પણ અસરકારક નીવડ્યા છે. કાનૂની સંરક્ષણ મહિલાઓનો બંધારણીય અધિકાર છે.
૨૦૧૯માં પુન: ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌના સાથ અને સૌના વિકાસ સાથે સૌનો વિશ્વાસ હાંસલ કરવાની વાત કરી હતી. આ સૌનો વિશ્વાસ હાંસલ કરવાની વાતને હકીકતમાં તબદિલ કરવાના પ્રયાસો થવા જરૂરી છે. તીન તલાક કાયદો અને સાધારણ જાણકારીમાં વધારાથી દેશમાં એક તરફી મૌખિક તલાકમાં જરૂર રોક લાગી છે. કેબિનેટે તીન તલાક કાયદા પર જે પહેલ કરી એ જ દૃઢતાથી એણે મુસ્લિમ નાગરિકોની લોકતંત્રમાં ભાગીદારી માટે પણ પહેલ કરવી જોઈએ.
‘રાષ્ટ્રીય સહારા’, તા.૫-૮-૨૦૨
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 10 ઑગસ્ટ 2020; પૃ. 06-07