ભાગ 1. અણધાર્યા આગંતુકો
અફાટ રણ, અગાધ જંગલ અને પડછંદ પહાડોને એક સાથે લઈને દરિયાને ખોળે રમતો આજનો ભર્યો ભાદર્યો દેશ એટલે ઑસ્ટ્રેલિયા. દુનિયાના લગભગ તમામ દેશોની પ્રજા આજે જ્યાં આવી વસી છે કે પછી આવી વસવા માટે પ્રયત્નશીલ છે, એવાં ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓ સહિત છએક લાખ જેટલાં તો ભારતીય મૂળનાં લોકો છે. ન્યુ સાઉથ વૅલ્સ, વિક્ટોરિયા, કવીન્સલૅન્ડ, વૅસ્ટર્ન ઑસ્ટ્રેલિયા, સાઉથ ઑસ્ટ્રેલિયા, ટાઝમેનિયા એ છ રાજ્યો અને નોર્ધર્ન ટેરિટરી ને ઑસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરી ધરાવતાં વિશાળ ઑસ્ટ્રેલિયામાં ગુજરાતીઓ આજે ઠેર ઠેર ફેલાયેલા છે. કેવી રીતે અને કેવા સંજોગોમાં એ બધા પહેલીવાર અહીં Down Under પહોંચ્યા એ જાણવા જેવું છે, અને આપણે એ જાણશું આ લેખો દ્વારા. એનો સંદર્ભ સમજવા માટે ઑસ્ટ્રેલિયાની ભૂમિ પર અંગ્રેજોના પહોંચ્યા પહેલાંની થોડી વાતથી માંડીને આજે મારા જેવા અનેક ગુજરાતીઓના અહીં સુખીસંપન્ન હોવા સુધીની વાત ત્રણ લેખોમાં ગૂંથી લેશું. સદીઓની વાતની આ સાંકળમાં પહેલી કડી એટલે ‘ઓળી ઝોળી પીપળ પાન..કેમ પડ્યું ઑસ્ટ્રેલિયા નામ ..!’
વિશ્વના નકશામાં પૃથ્વીનો આ ભાગ ‘Terra Australis’ ‘Land of south’ તરીકે ઓળખાતો, જે લૅટિન ભાષાના ‘Australis’ એટલે કે ‘southern’ મૂળ પરથી આવ્યો છે. એને પ્રચલિત કર્યો ઈ.સ. 1804માં મૅથ્યુ ફલિન્ડર્સ નામના એક સંશોધકે, અને એ પછી, ઈ.સ.1807થી આ ખંડનું અને એમાંના એક દેશનું સત્તાવાર નામ પડી ગયું ઑસ્ટ્રેલિયા. એવું કહેવાય છે કે ઑસ્ટ્રેલિયાનાં વતની એવાં કાંગારું અને ઈમ્યુ ક્યારે ય ઊલટી દિશામાં, પાછળની બાજુએ નથી ચાલતાં, અને કદાચ એટલે જ હંમેશાં એક જ દિશામાં, માત્ર આગળ ગતિ કરતાં રાષ્ટ્રનાં પ્રતિક તરીકે ઑસ્ટ્રેલિયાએ એ બંનેને પોતાનાં રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આપ્યો હશે. અંગ્રેજોએ પ્રથમવાર આ ભૂમિ પર પોતાનો ઝંડો ફરકાવ્યે આજકાલમાં હવે અઢી સો વર્ષ થશે. તો શું આ ‘Terra Australis’ અંગ્રેજોના આવ્યા પહેલાં શું ખરેખર ‘Terra Nullius (માલિકી વિહોણો વિસ્તાર)’ હતો?! ઉજ્જવળ ભવિષ્ય તરફ ગતિ કરતા આ દેશના વર્તમાન સુધી પહોંચવા આપણે કાંગારું અને ઈમ્યુથી જુદાં થઈને ઊલટી દિશામાં, આ દેશના ભૂતકાળમાં જવું પડશે. એ દિશામાં પરિવર્તનના પવનો ફૂંકાશે. એ પવન કેટલાંયને મૂળિયાં સમેત ઉખેડી ફેંકશે. અને પછી નંખાશે નવાં મૂળિયાં. શું જૂનું ઉખાડ્યા પછી જ નવું રોપાઈ શકાતું હશે ?! આવા પ્રશ્નોના જવાબ શોધવા મેં કેટલાંક પુસ્તકો ફંફોસ્યાં, થોડાંક માણસોને મૂંઝવ્યા, ઈન્ટરનેટને ગૂંચવ્યું ને એ બધા ખાંખાંખોળાને અંતે આદરી એક સફર. એ સફર પર આજે તમને સૌને સાથે જોડવાં છે. ઇતિહાસની મારી આજ સુધીની આવી વણખેડી સફરમાં આવતી મારી નાનીમોટી ક્ષતિઓને ક્ષમ્ય ગણશો. આપણી આ સફર આપણે શરૂ કરશું ઑસ્ટ્રેલિયાની આદિમસંસ્કૃતિ, કદાચ જૂનામાં જૂની ગણાતી માનવ-સંસ્કૃતિની સાથે, અને પછી કેટલાક મહત્ત્વના પડાવો પર અટકતાં-અટકતાં આગળ વધશું. એ પડાવોમાં વાત આવશે અંગ્રેજોના સારા – નરસા વ્યવહારોની અને એની સામે થનાર ઑસ્ટ્રેલિયાના કેટલાક આદિમવાસી શૂરવીરોની. તો ચાલો, મારીએ એક ડૂબકી ઑસ્ટ્રેલિયાના ઇતિહાસમાં. બહાર નીકળશું ત્યારે હાથ ભલે ખાલી હશે, પણ હૈયાં જરૂર ભરેલાં હોવાનાં.
ઑસ્ટ્રેલિયામાં લગભગ સાઠેક હજાર વર્ષ પૂર્વે આદિમવાસીઓ આવ્યા હોવાનું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે એ સમયમાં ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ- પૂર્વ ઍશિયા વચ્ચે દરિયો ઓછો અને જમીન વધારે હતી. એટલે ભારત અને આફ્રિકન મૂળના ઘણા આદિવાસીઓએ નાનાં- નાનાં હોડકાંઓમાં આ તરફ સ્થળાંતર કર્યું. ઑસ્ટ્રૅલિયા આવી વસેલા આ આદિમવાસીઓની એક બે નહિ, પણ અઢીસો જેટલી જુદી- જુદી જાતિ હતી. એટલું જ નહિ, એ બધી જાતિઓની સામાજિક અને સાંસ્કૃતિક સમજ પોતાની રીતે એટલી બધી સ્પષ્ટ હતી કે એમની જુદી ભાષા, જુદા રિવાજો, જુદાં ગીતો અને જુદા ઉત્સવો હતા. જો કે એ બધાંની આ પ્રદેશના ઉદ્દભવ વિષેની માન્યતા એક હતી. પારંપરિક રીતે તેઓ માનતાં કે સદીઓ પહેલાં અહીંની ભૂમિ સાવ સપાટ હતી, નદીઓ કે પહાડો વિનાની, એકદમ સમતલ. કોઈ અગમ જીવો, આમ તો એમના પૂર્વજો, એ મેદાનોમાંથી પસાર થયા અને એમના સ્પર્શથી ખડકો અને નદીઓ સર્જાયાં, અને એમણે જ છોડવાઓ, વૃક્ષો, પશુ- પંખીઓ અને મનુષ્યોની પણ રચના કરી. પૂર્વજોના એ યુગને ‘Dreaming’ કહેવાય છે અને જે સમયે એમણે આ સૃષ્ટિ સરજી એ સમય ‘Dreamtime’ તરીકે ઓળખાય છે. એ પૂર્વજોના સ્પર્શથી આકાર પામેલાં સ્થાનોને આ આદિમવાસીઓ ખૂબ પવિત્ર માનીને પૂજે છે, જેમાંનો એક એટલે વિશ્વભરના મુલાકાતીઓમાં જાણીતો બનેલો મધ્ય ઑસ્ટ્રેલિયામાં આવેલો ‘Uluru-ઉલુરુ’ ખડક. એમની ભૂમિનાં અસ્તિત્વની, સર્જનની આવી વાતો- ‘Dreamtime stories’ દરેક જાતિના વડીલો પોતાની આગલી પેઢીને જવાબદારી પૂર્વક કહે છે, જેથી એ પેઢી દર પેઢી સચવાઈ રહે. આ લોકો માટે એમની ભૂમિ એટલે સર્વસ્વ કેમ કે એ ભૂમિ જ એમને ખાવા માટે ફળ, ફૂલ, વનસ્પતિ, માછલીઓ અને પ્રાણીઓ આપે, પીવા માટે પાણી આપે, જરૂર પડ્યે ઋતુઓ સામે શરીર ઢાંકવા વલ્કલ ને ચર્મ આપે, તો રક્ષણ મેળવવા છાપરું પણ એ જ પૂરું પાડે. એટલે એ ધરતી પાસેથી જે કાંઈ જોઈએ તે જ, અને તે ય જરૂર પૂરતું જ લેવાનું. એમનું જીવન ટકાવનારી એ ભૂમિને જાળવવા માટેની એમની આવી તો કાળજી. કેવી આપણે ભણેલાંને ય શરમાવે એવી એ ગણેલાંઓની સ્પષ્ટ સમજ અને પ્રકૃતિ માટેની એમની દરકાર..!
ઉલુરુ ખડક નૉર્ધન ટેરિટેરી, ઍસ્ટૃેલિયા
પ્રકૃતિએ પણ એમને પુષ્કળ આપ્યું હતું; વિપુલ પ્રમાણમાં દરિયાઈ જીવો, ને સાથે વનસ્પતિજન્ય અને વન્ય સંપત્તિ. તો શું આદિમવાસીઓનો આ વિસ્તાર સીધો અંગ્રેજોની નજરમાં જ આવ્યો હતો? એવું કહેવાય છે કે લગભગ સત્તરમી સદીની શરૂઆતમાં ઈન્ડોનેશિયાના ખલાસીઓ દર ઉનાળે ‘દરિયાઈ કાકડી’ (Trepang) પકડવા ઉત્તર ઑસ્ટ્રેલિયાના દરિયા કિનારે આવતા અને એના બદલામાં ત્યાંના આદિમવાસીઓને તમાકુ અને ઝાડનાં પોલાં થડમાંથી બનાવેલાં હોડકાં આપતા. આ હતો ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓનો કદાચ પહેલો વેપાર. વિશ્વમાં બીજી તરફ, પંદરમી સદીમાં યુરોપિયનોમાં વહાણો હંકારીને વિશ્વ ખેડવાની હવા ચાલી હતી. તેઓ મસાલા, રેશમી કાપડ ને એવી બીજી મૂલ્યવાન વસ્તુઓની શોધમાં એશિયા તરફ પ્રવાસ કરી રહ્યા હતા. સત્તરમી સદીમાં એવા જ કેટલાક ડચ અને ફ્રૅન્ચ દરિયાખેડુઓ ઑસ્ટ્રેલિયાના જુદા- જુદા દરિયાકાંઠે થઈને નીકળ્યા હતા. કેટલાક સાથે આદિવાસીઓનો ભેટો થયો હતો તો કેટલાકને કોઈ નજરે ચડ્યા નહોતા. ઈ.સ. 1688માં વિલિયમ ડૅમ્પિયર નામનો અંગ્રેજ ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કાંઠે ઉતર્યો અને બે મહિના એણે અહીંની જમીન, વનસ્પતિ, પ્રાણીઓ અને માણસોના અભ્યાસમાં ગાળ્યા. એણે એનાં પુસ્તકમાં નોંધ્યું છે કે અહીંનાં લોકો એને ‘વિશ્વનાં સૌથી કંગાળ લોકો’ લાગ્યાં. ઑસ્ટ્રેલિયાની આવી છાપ સાથે એ અંગ્રેજ પરત થઈ ગયો હતો.
પછી લગભગ એંસી વર્ષે, અઢારમી સદીના અંત તરફ, ઈ.સ. 1768માં, અંગ્રેજ સંશોધક, પ્રવાસી અને નકશાનો જાણકાર જૅમ્સ કૂક ઇંગ્લૅન્ડથી Endeavour નામનાં જહાજમાં દરિયાઈ સફરે નીકળ્યો. સાથે એનો વૈજ્ઞાનિક મિત્ર જૉસેફ બેન્ક્સ પણ હતો. આમ તો એમનો ઉદ્દેશ પૅસિફિક સમુદ્રમાં કોઈ વૈજ્ઞાનિક અવલોકન કરવાનો હતો, પણ અંતરંગ વાત એવી હતી કે ઈંગ્લૅન્ડની જેલો ત્યારે કેદીઓથી ઉભરાતી હતી, એટલે એમને ક્યાંક બીજે ખસેડવાની જરૂરિયાત ઊભી થઇ હતી. એને લીધે કિંગ જ્યોર્જ- ત્રીજા તરફથી કેપ્ટ્ન કૂકને કોઈ નવી જગ્યા શોધવાનું કહેવામાં આવ્યું હતું. જૅમ્સ કૂકે એ નવા દેશના મૂળ રહેવાસીઓની પરવાનગી લઈને ત્યાંની જમીનની માલિકી ઇંગ્લૅન્ડના રાજા માટે મેળવવાની હતી. વાત કેવી મજાની છે કે એમના જ કહેવા પ્રમાણે જો એ નવો વિસ્તાર ‘માનવ માલિકી વિહોણો’ હતો તો એની માલિકી આપોઆપ કિંગ જ્યોર્જની થઈ જાય. તો પછી પરવાનગી કોની લેવાની હતી?! ખેર, આપણે આગળ વધીએ.
ઈ.સ. 1770ના એપ્રિલ મહિનામાં ઑસ્ટ્રેલિયાના પૂર્વ વિસ્તારના વતનીઓ પોતાનાં રોજિંદાં કામોમાં પરોવાયેલા હતા ને અચાનક દૂર દરિયામાં એમની નજરે ચડ્યું Endeavour. એ આદિવાસીઓએ તો આવું જહાજ પહેલાં ક્યારે ય જોયેલું નહિ, એટલે એમને એ પાંખોવાળાં કોઈ મોટાં હોડકાં જેવું લાગ્યું. જાણે આજના જમાનામાં પોતાનાં આંગણામાં કોઈએ એક અવકાશી યાન ઉતરતું ભાળ્યું ! અજાણી વસ્તુ ને અજાણ્યા લોકોને આદિવાસીઓ ત્યાંથી ચાલ્યા જવાનો સંકેત કરવા લાગ્યા. જહાજ લાંગર્યા પછી જૅમ્સ કૂકે થોડા દિવસ નાની- મોટી ભેટો આપીને તેમનો સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા, એ દરમિયાન જૉસેફ બેન્ક્સ ત્યાંની જમીન, છોડવાઓ અને પ્રાણીસૃષ્ટિ તપાસવા લાગ્યો. કૅપ્ટન જૅમ્સ કૂકને આ પૂર્વ વિસ્તાર ડૅમ્પિયરે જોયેલા પશ્ચિમ વિસ્તાર જેટલો કંગાળ ન લાગ્યો. એટલે એમનાં સંશોધનને અંતે, ત્યાંના વતનીઓની નારાજગી છતાં, ઈ.સ.1770માં એણે ઑસ્ટ્રેલિયા ખંડના એ પૂર્વ કિનારાની ઈંગ્લૅન્ડના રાજા માટે પસંદગી કરી લીધી.
કૅપ્ટન જૅમ્સ કૂક (1728 – 1779)
ઈંગ્લૅન્ડ પહોંચી જૅમ્સ કૂક અને જૉસેફ બેન્ક્સે અંગ્રેજ સરકારને ઑસ્ટ્રૅલિયાનાં આજનાં સિડની શહેરના મધ્યભાગથી તેર કિલોમીટર દૂરનો બૉટની બૅ વિસ્તાર એમની નવી વસાહત સ્થાપવા યોગ્ય છે એવું જણાવ્યું. સમય પસાર થતો ગયો, ને ઈ.સ. 1787ના મે મહિનામાં, લગભગ સત્તર વર્ષે, ઇંગ્લેન્ડનાં પોર્ટ્સમથથી 11 અંગ્રેજી વહાણોનો પહેલો કાફલો ઉપડ્યો ‘દરિયાપારના દેશ’ તરફ. જે સ્પૅન, બ્રાઝિલ અને આફ્રિકા જેવા દેશોમાં અટકી, ખાધા-ખોરાકીનો પુરવઠો ભેગો કરી, અંદાજે આઠ મહિનાની દરિયાઈ સફર ખેડીને ઈ.સ.1788ની 24મી જાન્યુઆરીએ સિડનીનાં બૉટની બૅમાં લાંગર્યો. આ અગિયાર વહાણોમાં HMS Sirius ને HMS Supply એ બે સંરક્ષણ જહાજો હતાં, Golden Grove, Fishburn ને Borrowdale એ ત્રણ જરૂરી માલ-સામાનથી ભરેલાં હતાં, અને Alexander, Charlotte, Scarborough, Friendship, Prince of Wales અને Lady Penrhynમાં કેદીઓ હતા. લગભગ 1480થી ય વધુ સ્ત્રી, પુરુષો અને બાળકો સાથેનાં આ જહાજોમાં અંદાજે 778 તો કેદીઓ હતા. વહાણોના આ કાફલાના કમાન્ડર હતા કૅપ્ટન આર્થર ફિલિપ. આજે સિડની જેનું મુખ્ય શહેર છે એ ન્યુ સાઉથ વૅલ્સ રાજ્યના એ પહેલા ગવર્નર થયા. કમાન્ડર ફિલિપ એવી સૂચના સાથે ઈંગ્લેન્ડથી નીકળ્યા હતા કે તેમણે આ નવા વિસ્તારના મૂળ રહેવાસીઓ સાથે મૈત્રી કેળવવી અને એમનો વિશ્વાસ જીતી ને ત્યાં એક સુમેળભર્યું શાસન સ્થાપવું. એટલે આવી માનસિક પૂર્વ ભૂમિકા સાથે એમણે ન્યુ સાઉથ વૅલ્સની ધરતી પર પગ મૂક્યો.
સૌથી પહેલાં તો સિડનીમાં એમણે બોટની બૅને બદલે એની ઉત્તરે આવેલા પૉર્ટ જૅક્સન પાસેનું એક સ્થળ વસવાટ માટે પસંદ કર્યું, જ્યાં મીઠાં પાણીનું ઝરણું હતું. ત્યાં રહેતી ગાડિગલ જાતિ એને વૉરાને કહેતી અને ફિલિપે એને નામ આપ્યું સિડની કૉવ. વિશ્વભરના સહેલાણીઓમાં જાણીતા સિડની હાર્બરની દક્ષિણે આવેલાં એ સ્થાન પર ઈ.સ. 1788ની 26મી જાન્યુઆરીએ ફિલિપે ગ્રેટ બ્રિટનનો ઝંડો ફરકાવી દીધો. ત્યારથી જ એ દિવસને ‘ઑસ્ટ્રેલિયા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાં આવતાંવેંત ફિલિપે નિર્ધારિત આયોજન મુજબ બધા પુરુષ કેદીઓને શ્રમનાં કામે લગાડ્યા; જેમ કે ઝાડ – પાન કાપી મકાનો માટે જમીન સાફ કરવી, જરૂર પડે ત્યાં સમથળ કરવી, મકાનો બાંધવાં, ખેતી માટે જમીન તૈયાર કરી ફળ, શાકભાજીની વાવણી કરવી, અને મહિલા કેદીઓએ આવેલાં અન્ય અંગ્રેજ કુટુંબોનાં ઘરકામ કરવાં.
આર્થર ફિલિપ, સિડની કોવ ખાતે, 26 જાન્યુઆરી 1788 [તૈલચિત્ર]
મૂળ સ્રોત : State Library of NSW
ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓ માટે પોતાના પ્રદેશને અચાનક કોઈ બહારનું આવીને પચાવી પાડે એવો આ ઘાટ થઇ ગયો. આવેલાં લોકોની ભાષા એમને ભલે નહોતી સમજાતી, પણ એમની સંખ્યા અને એમનાં વર્તન પરથી એમને એવું લાગવા માંડ્યું હતું કે પહેલાં આવી ગયેલી વિદેશી પ્રજાની જેમ આ લોકો પાછા જવા નથી આવ્યાં. પરિણામ સમજી શકાય એવું હતું, વિરોધ. આદિમવાસીઓએ એમના હાવભાવ, વાણી, વર્તન, જેટલી રીતે કરી શકાય તેમ આ અણગમતા આગંતુકોને ત્યાંથી ભગાડવાની કોશિશ કરવા માંડી.
આમ જોઈએ તો પરિસ્થિતિ બંને પક્ષે વિકટ હતી. એક પક્ષે હતી ઈંગ્લેન્ડથી આવેલી શ્વેત પ્રજા, જેમાં હતા જમાનાના ખાધેલા, વિશ્વના ઘણા દેશોમાં રાજ કરતા, ભણેલા, વ્યવહારુ, બોલ્યે- ચાલ્યે, પહેરે- ઓઢ્યે સંસ્કારી દેખાતા અંગ્રેજો, અને સામે હતી જન્મ સમયથી હતી એવી ને એવી સહજ, નિર્વસ્ત્ર, સ્વીકૃત સમજ પ્રમાણે અશિક્ષિત, અણઘડ, અવ્યવહારુ અને કુદરતે એમના માટે જ રચેલી સૃષ્ટિમાં ઋતુઓ મુજબ જીવનારી ઑસ્ટ્રૅલિયાની આદિજાતિ. બંને પ્રજાને એકબીજાને સ્વીકારવી અઘરી પડે એ સ્વાભાવિક હતું. અંગ્રેજો માટે આ કપડાં વિના ભટકતી, ઘર નહિ પણ તંબુઓમાં રહેતી અને ખેતી ન કરતી પ્રજા સમજની બહાર હતી, તો આદિવાસીઓને એ નહોતું સમજાતું કે આવાં રંગબિરંગી ચામડીવાળાં (અંગ્રેજોનાં કપડાં અને ટોપીને તેઓ એમના શરીરનો ભાગ જ માનતાં !) ને વિચિત્ર દેખાતાં લોકો પોતાની ભૂમિ પર કેમ રોકાઈ પડ્યાં હતાં અને પાછું મનફાવે એમ વર્તન કરતાં હતાં!
બંને પ્રજા વચ્ચે ઘર્ષણ થવું સ્વાભાવિક હતું. પણ ગવર્નર આર્થર ફિલિપ એમના ઉદ્દેશને વળગી રહેવા પ્રયત્નશીલ હતા. એ પ્રયાસના ભાગરૂપે, આદિમવાસીઓને વિશેષ સમજવા માટે એમણે એમના જ બે યુવાનોને પોતાની તરફ આકર્ષવાની યુક્તિ અજમાવી, જે યુવાનો હતા કોલબી અને બેન્નેલોન્ગ (1764-1813). આ બંનેને ફિલિપે, આમ તો બંદી તરીકે જ, સિડની કૉવની પોતાની વસાહતમાં રાખ્યા. કોલબી તો ત્રણેક અઠવાડિયાંમાં ત્યાંથી ભાગી છૂટ્યો, પણ અંગ્રેજોની વચ્ચે રહેતાં- રહેતાં બેન્નેલોન્ગ એમની બોલી ને રીતભાતની નકલ કરવા લાગ્યો, ને એમ કરતાં-કરતાં આદિજાતિમાંથી એ ફિલિપનો પહેલો મિત્ર બન્યો. આ બેન્નેલોન્ગ મને ઑસ્ટ્રેલિયાને સર કરવાનાં અંગ્રેજોનાં પગલાંનું પહેલું ને મહત્ત્વનું પગથિયું લાગે છે, એટલે એની વાત આપણે થોડી વિગતે કરશું. બેન્નેલોન્ગને અંગ્રેજી ભાષા થોડી આવડવા લાગી હોવાને લીધે એ અંગ્રેજો અને પોતાનાં લોકો વચ્ચેનો સેતુ બન્યો. થોડા સમયમાં એને એનાં નવાં જીવન વચ્ચે પણ પોતાની સ્વતંત્રતા સાંભરી ને એક રાતે એ પણ ત્યાંથી પોતાની મૂળ વસાહત તરફ ભાગી છૂટ્યો. ફિલિપને એની જરૂરિયાત તો હતી જ , સાથે એના તરફ લાગણી પણ બંધાઈ ગઈ હતી. એટલે એણે એની શોધ કરવી ચાલુ કરી. પણ બેન્નેલોન્ગ તો પાછો ફરતાંવેંત પોતાના સમાજમાં ભળી ગયો હતો.
સ્થાનિક મૂળનિવાસીઓની એક વિધિ
મૂળ સ્રોત : State Library of NSW
ગળ મેં વાત કરી એમ ઑસ્ટ્રેલિયાની સદીઓ પુરાણી આ આદિજાતિ બાહ્ય રીતે જોતાં ભલે અણઘડ જણાતી હોય, પણ એમનો પણ સમાજ હતો, પરંપરા હતી, ભાષાઓ હતી, જીવન વ્યવસ્થા હતી, જીવનનીતિને લગતા કાયદાઓ હતા, રીત-રિવાજો હતાં, સંગીત, નૃત્ય ને ઉત્સવો હતાં, હાથે બનાવેલાં ખડકો પરનાં ચિત્રો હતાં. એમનો કોઈ નેતા નહોતો, પણ કુટુંબનાં વડીલોનું કહેણ સર્વોપરી ગણાતું. લગ્ન કોણે કઈ જાતિમાં કરાય એ બાબતે પણ સ્પષ્ટ ખ્યાલો હતા. પુરુષો માછલીઓ કે પંખી – પ્રાણીઓનો શિકાર કરતા ને સ્ત્રીઓ રસોઈ બનાવતી ને ફળ, શાકભાજી ઉછેરતી. વાવેલાં અનાજ કે શાકભાજી કોઈ એકની માલિકીનાં નહોતાં, એના પર બધાંનો સમાન હક્ક રહેતો. ૠતુઓ પ્રમાણે એ લોકો સ્થાન ફેર કરતાં. એકવાર જે જગ્યાએ સારું રહેવા, ખાવાનું મળ્યું હોય, ત્યાં આગલા વર્ષે સરળતાથી પહોંચી શકાય એટલે જુદી-જુદી નિશાનીઓ રાખી જતાં. કુદરતની વચ્ચે આટલું મહેનતવાળું જીવન ગાળનારાં અને ખાધે-પીધે સુખી ને સંતોષી એ આદિમવાસીઓ એ સમયના દરેક યુરોપિયન કરતાં વધારે સ્વસ્થ ને તંદુરસ્ત હતાં એવું ત્યાં આવીને રહેનાર યુરોપિયનોએ જ નોંધ્યું હતું.
બેન્નેલોન્ગનું ચિત્ર
મૂળ સ્રોત : State Library of NSW
આવા સમૃદ્ધ પ્રદેશને પોતાનો કરવા અંગ્રેજોએ જેમને કામે લગાડ્યા હતા એ મોટા ભાગના કેદીઓ હતા. એમની પરિસ્થિતિ પર થોડી નજર નાખીએ તો જણાશે કે એમાંના ઘણાખરા લોકો નાની ઉંમરના ને ગરીબ હતા અને બ્રૅડ ચોરવાના કે એવા તદ્દન સામાન્ય કહેવાય એવા અપરાધ માટે આટલી દૂર, આવી સાવ અજાણી જગ્યાએ સજા ભોગવવા લાવવામાં આવ્યા હતા. એમનાં મા-બાપ કે કુટુંબને કદાચ હવે એ લોકો આજીવન મળી શકવાના નહોતા. આવી માનસિક પરિસ્થિતિમાં એક તો તનતોડ શારીરિક શ્રમ અને તે પણ સાવ અપરિચિત વાતાવરણ અને લગભગ પશુઓ જેવાં દેખાતાં લોકોની વચ્ચે, એટલે ઘર્ષણ એ એમના વચ્ચે સતત ચાલતી પ્રક્રિયા થઈ ગયું હતું. આ અંગ્રેજ કેદીઓ સૂચના પ્રમાણે મકાન બાંધવા માટે જમીન ખાલી કરવા આદિવાસીઓનાં ઝૂંપડાં બાળી નાખે, એમનાં હોડકાં ચોરી જાય, તો સ્વાભાવિક રીતે આદિવાસીઓ તેમના પર હુમલા કરે. અંગ્રેજો બટેટા વાવે, તો આદિવાસીઓ રાતે આવીને એ લઇ જાય. એમના માટે તો કુદરતમાં બનતું બધું સૌનું જ હોય ને! એને લીધે હતાશ થયેલા ને ક્રોધે ભરાયેલા કેદીઓ ગોળીબાર કરે. આમ, બંને પક્ષે વેર વધતું ચાલ્યું હતું.
આ બાજુ ફિલિપને બેન્નેલોન્ગને ફરી મેળવવામાં રસ હતો. બેન્નેલોન્ગના એમને ત્યાંથી ગયાના થોડા મહિનાઓ પછી આદિવાસીઓની એક ઉજવણી દરમિયાન એને બેન્નેલોન્ગ દેખાયો. ફિલિપ એની નજીક જતો હતો એવામાં બેન્નેલોન્ગે એને અટકાવવા એને ઘાયલ કર્યો. તેમ છતાં ફિલિપ એની મિત્રતા ફરી મેળવવામાં સફળ રહ્યો. પણ આ પ્રકારના ફિલિપના ઘણા પ્રયત્નો છતાં એ પોતાના અને આદિવાસીઓ વચ્ચેના સંબંધ બહુ સુધારી શક્યો નહિ. એક તરફ ઑસ્ટ્રેલિયામાં અંગ્રેજોનું જીવનધોરણ તો નીચું ગયું જ હતું, એ ઉપરાંત, એમનો ખાધા- ખોરાકીનો પણ પ્રશ્ન થવા લાગ્યો હતો. ફિલિપને અપેક્ષા હતી એટલી ઝડપે એ પરિસ્થતિ પર કે પ્રદેશ પર કાબૂ ન મેળવી શક્યો, અને પોતાની પેટની કોઈ બીમારીથી પણ એ કંટાળ્યો હતો, એટલે આખરે થાકીને ઈ.સ. 1792માં એણે પોતાનું પદ છોડી દીધું. જતાં પહેલાં એ એક વાત સમજ્યો હતો કે જેમણે કેદી તરીકેની પોતાની સજા પૂરી કરી લીધી હોય એવાં મુક્ત લોકોને જો અહીં તક આપવામાં આવે તો અહીં ઝડપથી વિકાસ થઇ શકે. અને એના ભાગરૂપે એણે ખેતીના જાણકાર જૅમ્સ રુઝને જમીન આપી, જેમાં એણે પાછળથી ઘણી ફળદ્રુપ ખેતી વિકસાવી. આમ, ઈ.સ.1788થી 1792 સુધી ઑસ્ટ્રેલિયામાં અંગ્રેજ રાજ્ય સ્થાપવાનાં પાયાનાં પગલાં લઈ ફિલિપ ઇંગ્લેન્ડ પરત ફર્યો.
ઑસ્ટ્રેલિયાના આદિમ માણસોનાં જીવનમાં 1788માં અંગ્રેજોએ આવીને ઉથલપાથલ તો કરી જ નાખી હતી, ત્યાં 1789માં ઓચિંતો જ શીતળાનો રોગ ફાટી નીકળ્યો. એક એવી માન્યતા પણ છે કે એ રોગનાં જંતુઓ અંગ્રેજોની સાથે આવ્યાં હતાં, એટલે એની સામે લડવા અહીંના રહેવાસીઓનાં શરીરમાં પૂરતી રોગપ્રતિકારક શક્તિ નહોતી, પરિણામે આદિવાસીઓ ટપોટપ મરવા લાગ્યા. જે કેટલાક બચ્યા એ ભાગ્યા સિડની શહેર તરફ, જ્યાં એમણે પોતાનું જીવન ટકાવવા અંગ્રેજોની દયા પર રહેવું પડ્યું. ત્યાંથી શરૂઆત થઈ પોતાના જ દેશમાં આશ્રિત જેવાં, ભિખારી જેવાં એમનાં જીવનની. હવે આર્થર ફિલિપના ગયા પછી દેશનું સુકાન આવ્યું આર્મીના હાથમાં. એમની સમજ કે સારપ કાંઈપણ ફિલિપના જેવાં નહોતાં. એ તો અંધાધૂંધ રીતે આદિમવાસીઓને મારવા લાગ્યા. આમ, હિંસા અને યુદ્ધનાં રોપાયેલાં બીજ વટવૃક્ષ થઈ ગયાં. આવો સમય જ બળતાંમાં ઘી હોમવાનું કામ કરે છે.
ભારતના ઇતિહાસમાં જેમ ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ કે રાણી લક્ષ્મીબાઈ જેવાંઓએ વિરોધનો વાવટો ફરકાવ્યો, એવું જ ઑસ્ટ્રેલિયાના ઇતિહાસમાં પણ બન્યું. પૂર્વ ઑસ્ટ્રેલિયામાં અચાનક અંગ્રેજોના આવી જવાથી, અને પોતાના પ્રદેશમાં કાયમ માટે રહી પડવાની બાકીની ગતિવિધિથી જ જે કેટલાક આદિમવાસીઓ ક્રોધે ભરાયા હતા, એમાંથી પેમલ્વે (1750-1802) નામના એક આદિવાસીનો પિત્તો છટક્યો. આ વાત છે ઈ.સ. 1790ની, જ્યારે ગવર્નર આર્થર ફિલિપનો શિકાર સાથી જ્હોન મેકિનટાયર હાલતાં ને ચાલતાં આદિવાસી સ્ત્રીઓનું શોષણ કરતો. એનું વર્તન અસહ્ય બનવાથી પેમલ્વેએ એને ભાલો મારી દીધો અને થોડા સમયમાં મેકિનટાયર મૃત્યુ પામ્યો. ત્યારથી એને અને એના કેટલાક સાથીદારોને મારવા અંગ્રેજો પાછળ પડ્યા હતા, પણ એ બચતો ગયો. પછીનાં દસેક વર્ષો, ઈ.સ.1792થી ઈ.સ.1802માં તો એણે પોતાના આતંકથી અંગ્રેજોના નાકે દમ લાવી દીધો. એમની મિલિટરી છાવણીઓ પર હુમલા કર્યા, એમનાં પાલતુ પ્રાણીઓને માર્યાં, એમના પાક બાળી નાખ્યા ને એમની ચીજ-વસ્તુઓની ચોરી કરી. આ દરમિયાન એને કેટલી ય વખત ઈજાઓ પહોંચી, એ ઘવાયો, પણ દરેક વખતે ફરી બેઠો થઇ ગયો. જન્મથી જ એના ડાબા પગની ખોડને લીધે આપણે આગળ જેની વાત કરી ગયાં, એ કોલબી એને એમની જાતિનો ‘કાબેલ’ માણસ કહેતો. બધા આદિમવાસીઓ તો શું, અંગ્રેજો પણ એમ માનવા લાગ્યા હતા કે કોઈ ગોળી પેમલ્વેને મારી શકે એમ નહોતી ! ઈ.સ. 1802માં ગવર્નર ફિલિપ ગિડલી કિંગે એને જીવતો કે મરેલો પકડનાર માટે ઇનામ જાહેર કર્યું ને એની યુક્તિ કામ કરી ગઈ. અંદાજે 1802ના જૂન મહિનામાં એ ઠાર મરાયો. એ પછી એનું માથું વૈજ્ઞાનિક સર જૉસેફ બેન્ક્સને એના સંગ્રહ માટે ઈંગ્લેન્ડ મોકલી દેવામાં આવ્યું. જો કે લૉર્ડ હોબાર્ટે આ પછી ગવર્નર કિંગને લખેલા એક પત્રમાં ઑસ્ટ્રેલિયાના મૂળ વતનીઓ સાથેના એના આવા ક્રૂર વ્યવહાર માટે ઠપકો આપ્યો હતો. ગવર્નરે પણ પાછળથી પેમલ્વે માટે લખ્યું છે, ‘અંગ્રેજો માટે ભલે એ મોટો ઉપદ્રવ હતો, પણ હતો એ ખૂબ બહાદુર લડવૈયો, જેણે જીવતે જીવત તો ખરી જ, પરંતુ એના મૃત્યુ પછી પણ એનાં લોકોને પોતાની ભૂમિ માટે લડવાની પ્રેરણા આપી.’ એક યોદ્ધા માટે વિરોધીએ કરેલી આવી પ્રશંસાથી મોટું બીજું શું હોય ! આ અને આવા કેટલા ય વીરોનાં ચિત્રો ન મળી શકવાને લીધે આપણે એમના ચહેરા આપણી કલ્પનામાં જ ઉપસાવવા રહ્યા.
વિન્દ્રાડાઇનનું આલેખન
એના જેવો જ, બીજી એક વિરાજુરી (Wiradjuri) પ્રદેશની કોમનો યોદ્ધો હતો વિન્દ્રાડાઇન (Windradyne: 1800-1829). એની વાત કરતાં પહેલાં થોડો સંદર્ભ જાણી લઈએ. વિરાજુરી આજનાં ન્યુ સાઉથ વૅલ્સની મધ્ય-પશ્ચિમે આવેલો એક મોટો વિસ્તાર હતો. ઑસ્ટ્રેલિયામાં ગોઠવાઈ રહેલા અંગ્રેજોમાંથી કેટલાકને આસપાસ ફરીને નવો વિસ્તાર શોધવાનો વિચાર આવ્યો. આ શોધની ઈચ્છા પાછળ ફળદ્રુપ જમીનની અછત પણ કારણભૂત ખરી. એમની નજર હતી સિડનીની પશ્ચિમે આવેલી બ્લુ માઉન્ટેઇન્સ તરીકે ઓળખાતી પર્વતમાળા પર, જે આજે ઑસ્ટ્રેલિયાના મુલાકાતીઓનું ખૂબ માનીતું સ્થળ છે. એ વિસ્તાર સ્વાભાવિક રીતે ખૂબ ખડકાળ અને વિશાળ હતો. ઘણા પ્રયત્નોને અંતે આખરે ઈ.સ. 1813માં, યુરોપિયનોના ઑસ્ટ્રેલિયા આવ્યાનાં પચ્ચીસમે વર્ષે, ગ્રેગરી બ્લેક્સલેન્ડ, વિલિયમ લૉસન અને વિલિયમ વેન્ટવર્થ સફળતાપૂર્વક એ બ્લુ માઉન્ટેઇન્સ પાર કરી શક્યા. ત્યાંની જમીન એમની ધારણા મુજબ જ ઘણી ફળદ્રુપ હતી. એટલે વર્ષોથી ત્યાં વસતા વિન્દ્રાડાઇન જેવા આદિમવાસીઓનું જીવન ખેતી અને શિકાર ઉપર જ આધારિત હતું. પોતાના પ્રદેશમાં આવેલા નવા આગંતુકો સાથે પહેલાં તો વિન્દ્રાડાઇન મિત્રતાપૂર્ણ વર્તતો હતો. એમણે વિન્દ્રાડાઇન વિષે લખ્યું છે કે પોતાનાં કુટુંબ અને કોમ માટે ખૂબ ભાવવાળો વિન્દ્રાડાઇન જાણે ગ્રીક ગૉડ ઍપોલો હતો. એ એકદમ સુદૃઢ બાંધાવાળો અને ખૂબ દેખાવડો હતો. પોતાનાં લોકો માટે કાંઈ પણ કરી છૂટવા એ હંમેશાં તૈયાર રહેતો. સમય જતાં અંગ્રેજોએ હંમેશની જેમ એમની જમીન પચાવવા માંડી, એમના માટે પવિત્ર ગણાતાં વૃક્ષો કાપીને પોતાનાં રહેઠાણ બનાવવા લાગ્યા.
એવામાં સરકારમાં ફેરફાર થયા અને ઈ.સ. 1821માં ટોમસ બ્રિસબેઇન ગવર્નર બન્યા. આવતાંવેંત એમણે બ્લુ માઉન્ટેઇન્સ તરફની જમીનો ખેતી કરવા ઈચ્છતા અંગ્રેજોને આપવા માંડી, જેના પરિણામે ઘણાબધા લોકો એ વિસ્તારમાં વસવાટ કરવા આવી પહોંચ્યા. કેટલાક વખતથી વિન્દ્રાડાઇનને લાગવા તો માંડ્યું જ હતું કે આ લોકો અહીં હંમેશ માટે રહી જવા આવ્યા છે અને પોતાના પ્રદેશ પર માલિકી જતાવવા માંડ્યા છે. એટલે હવે એ અંગ્રેજો પર પદ્ધતિસરના હુમલા કરવા લાગ્યો. રાતે ટોળાંમાં જઈને છાપો મારે, એમનાં પશુઓ ઉપાડી જાય ને ખેતરો બાળી નાખે. એમના આવા હુમલાથી અંગ્રેજો આતંકિત થઇ ગયા અને એમની સામે બંદૂકો ચલાવવા લાગ્યા. એમણે આદિવાસી સ્ત્રીઓ ને બાળકોને પણ પોતાનાં નિશાન બનાવ્યાં, એટલે આ યુદ્ધે જોર પકડ્યું. એવામાં ઈ.સ. 1824ની શરૂઆતમાં, બાથર્સ્ટ ગામના એક અંગ્રેજ ખેડૂતે સંબંધો સુધારવાના નાતે થોડા આદિવાસીઓને પોતે ઉગાડેલા બટેટા આપ્યા. એ બટેટા બધાને એટલા ભાવ્યા કે એ લોકો તો બીજે દિવસે ત્યાં જઈને પોતાની રીતે બટેટા લેવા માંડ્યાં. આપણે આગળ વાત કરી ગયાં એમ એ લોકોમાં જમીન કે પાક ઉપર સૌનો સમાન અધિકાર રહેતો, એટલે એમને મન તો આ સહજ હતું, પણ પેલા ખેડૂતે ગુસ્સામાં આવીને એમના પર બંદૂક ચલાવી દીધી અને એમાં વિન્દ્રાડાઇનની પત્ની સહિત ઘણાં આદિવાસીઓ ઠાર મરાયાં. આ છેલ્લી ઘટના પછી તો વિન્દ્રાડાઇન અંગ્રેજોનો કટ્ટર વિરોધી થઇ ગયો. અંગ્રેજોના ગોળીબારનો બદલો લેવા એણે પણ કેટલાયને મારી નાખ્યા. હવે ગવર્નર બ્રિસબેઇનને પરિસ્થિતિ કાબૂ બહાર લાગતાં ઈ.સ. 1824ની 14મી ઑગસ્ટે બાથર્સ્ટમાં એણે લશ્કરી કાયદો – માર્શલ લૉ લાગુ પાડી દીધો. આ ભયંકર કાયદા મુજબ કોઈ પણ અંગ્રેજ ગમે ત્યારે ગમે તેટલા આદિવાસીઓને મારી શકે. આ ક્રૂરતામાંથી એમણે સ્ત્રીઓ અને બાળકોને પણ બાકાત ન રાખ્યાં. ઑસ્ટ્રેલિયાના ઇતિહાસનો આ એક કાળો ચહેરો હતો. એ દરમિયાન વિન્દ્રાડાઇનને પકડનાર માટે ગવર્નરે 500 એકર જમીનનું ઈનામ પણ જાહેર કર્યું હતું. વિન્દ્રાડાઇનને લાગ્યું કે પોતાની જાતિનો થઈ રહેલો આ સામૂહિક નરસંહાર અટકાવવાનો એક જ રસ્તો હતો ને એ શરણાગતિ સ્વીકારવી. ઈ.સ. 1824ના ડિસેમ્બરમાં વિન્દ્રાડાઇને સંખ્યાબંધ આદિવાસીઓ સાથે એ બ્લુ માઉન્ટેઇન્સથી લઈને પેરામેટા (આજનાં પશ્ચિમ સિડનીનું એક પરું) સુધીનું ખૂબ લાબું અંતર કાપ્યું, ‘Peace’ લખેલી ટોપી પહેરીને ગવર્નરને મળ્યો, માર્શલ લૉ પાછો ખેંચાયો અને આ જાતિસંહાર અટક્યો. પોતાનાં લોકો, પોતાના પ્રદેશ માટે શરણે થનાર આ લડવૈયાની વીરતાને એનાં મૃત્યુ પછી ય શું લોકો ભૂલી શકે?
વિશ્વના અનેક દેશોમાં આ રીતે પોતાનું શાસન સ્થાપવા નીકળેલા ‘સેટલર્સ’ તરીકે જાણીતા અંગ્રેજોને તો આખા ઑસ્ટ્રેલિયા ખંડનો બધી જ રીતે લાભ લઇ લેવો હતો. દુનિયાભરના દરિયાખેડુઓ ઑસ્ટ્રેલિયાના ટાઝમેનિયા ટાપુ પર વ્હેલ માછલીનો શિકાર કરવા આવતા. વ્હેલની ચામડી અને એનાં માંસ ઉપરાંત એ લોકો ટાઝમેનિયાની સ્ત્રીઓનો સ્વાદ ચાખવા લાગ્યા હતા. આગળ બધે જ બનતું આવ્યું હતું એમ અહીં પણ એ લોકોએ દુર્વ્યવહાર ચાલુ કરી દીધો. વ્હેલ, કાંગારુનો શિકાર અને સ્ત્રીઓને ઉઠાવી જઈને એમના પર બળાત્કાર કરવો એ તો એમના માટે સામાન્ય બની ગયું હતું. ત્યાંના આદિમવાસીઓની નારાજગી અને વિરોધે હવે સ્વબચાવ માટે હિંસાનું રૂપ લીધું, પણ આ લોકો સામે ટકવું સહેલું થોડું હતું! ઈ.સ. 1828માં ગવર્નર આર્થરે બાથર્સ્ટની જેમ અહીં પણ માર્શલ લૉ જાહેર કરી દીધો. ખૂનામરકી જાણે કોઈ રમત ન હોય! પરિણામ આવ્યું મૂળ રહેવાસીઓનો અંધાધૂંધ સંહાર. સૅટલર્સ અને આદિમવાસીઓ વચ્ચે ઈ.સ.1804થી ઈ.સ.1830માં થયેલું આ ઘર્ષણ ઑસ્ટ્રેલિયાનું ‘બ્લૅક વૉર’ કહેવાયું. આ બ્લૅક વૉર દરમિયાન જન્મ થયો ટ્રગાનિનીનો (1812-1876). મોટી થતાં સુધીમાં તો એની માતાનું ખલાસીઓએ અને કાકાનું સિપાહીઓએ ખૂન કરી નાખ્યું, બહેનને સીલ માછલીના શિકારીઓ ઉઠાવી ગયા, પોતાની સાથે બળાત્કાર થયો, એટલું જ નહિ જેની સાથે પોતાનાં લગ્ન નક્કી થયાં હતાં એને પણ વેપારીઓએ મોતને ઘાટ ઉતારી દીધો. આ બધું થયા છતાં પણ ટ્રગાનિનીએ યુદ્ધ અટક્યા પછી થોડી સંખ્યામાં બચેલી પોતાની જાતિના લોકો અને સંસ્કૃતિનું રક્ષણ કરવાના ઈરાદાથી અંગ્રેજોને મદદ કરી. હિંસાથી બચેલા આદિવાસીઓને દુશ્મનોથી રક્ષણ આપવાનાં બહાને અંગ્રેજોએ મૂળ ટાપુથી દૂરના એક ફલિન્ડર્સ ટાપુ પર મોકલી દીધા. મૂળે કેદીઓને રાખવા માટેની એ જગ્યામાં એમને ગોંધી રખાયાં! પોતાની ભૂમિ છોડ્યાનાં દુઃખ, પીડા અને અભાવથી એમાંનાં કેટલાં ય મૃત્યુ પામ્યાં. વર્ષો સુધી કૈંક સારું બનવાની રાહ જોયા પછી, અંગ્રેજો દ્વારા પોતાને આપવામાં આવેલાં તમામ વચનો ખોટાં ઠર્યાંનાં દુઃખ સાથે ટ્રગાનિની ટાઝમેનિયાની રાજધાની હોબાર્ટમાં મૃત્યુ પામી.
ટૃગાનિની
મૂળ સ્રોત : Local history museum at Devonport, Tasmania
આ બધું બની રહ્યું હતું એ દરમિયાન, ઈ.સ. 1836માં ઉત્ક્રાંતિવાદનો જનક ચાર્લ્સ ડાર્વિન ટાઝમેનિયાની રાજ્યની રાજધાની હોબાર્ટ આવ્યો હતો, જેણે ભવિષ્ય ભાખ્યું હતું કે આવતાં ત્રીસ વર્ષમાં આ આદિમ માનવજાતિ એમની ભૂમિ પરથી નામશેષ થશે. ઐતિહાસિક અને ભૌગોલિક દૃષ્ટિએ તદ્દન અધૂરી બાતમીથી ફેલાયેલી આ વાતને અંગ્રેજોએ સર્વસ્વીકૃતિની મહોર મારી દીધી. ટ્રગાનિનીને સાવ ખોટી રીતે છેલ્લી ટાઝમેનિયન મૂળની વ્યક્તિ જાહેર કરી દીધી. વિજ્ઞાનને તો રસ જ હોય છે મૃત શરીરોમાં, અને એ માટે માનવતાનું વસ્ત્રાહરણ કરતાં પણ એ સંકોચ અનુભવતું નથી. ને એટલે, ટ્રગાનિનીને બીક હતી એ મુજબ એનાં મૃત્યુ પછી એનાં હાડપિંજરને લોકોમાં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું હતું. છેક ઈ.સ.1976માં, એનાં મૃત્યુનાં સો વર્ષે, ટ્રગાનિનીની ઈચ્છા મુજબ એના અંતિમ સંસ્કાર કરી એનાં અસ્થિઓ વિસર્જિત કરવામાં આવ્યાં.
ઓગણીસમી સદી સમગ્ર ઑસ્ટ્રેલિયા માટે પરિવર્તનનો સમય હતો. નવો સમાજ વિકસી રહ્યો હતો. સ્વતંત્ર આદિમવાસીઓનું એ મુક્ત ઑસ્ટ્રેલિયા હવે અંગ્રેજોનું બની રહ્યું હતું. આ સદીના અંતભાગમાં ઑસ્ટ્રેલિયાનાં લગભગ તમામ રાજ્યોમાં આદિવાસીઓને પોતાના જેવા સભ્ય બનાવવા, એમનાં રોજિંદાં જીવન પર નજર રાખવા ઍબરિજિનલ પ્રોટેક્શન બૉર્ડ બનાવવામાં આવ્યાં. એમને રહેવા માટે જુદાં-જુદાં રિઝર્વ્સ, જમીનના કેટલાક ટુકડા ફાળવવામાં આવ્યા. એમાં એમને શિક્ષણ આપવા પાદરીઓ, મિશનરીઓ ગોઠવવામાં આવ્યા. આવાં પરિવર્તનો કેટલાકની જીત અને બાકીનાની હાર બનીને આવતાં હોય છે. પણ સમજદાર વ્યક્તિ પરિસ્થિતિ નાણીને, હાર ન માનીને એમાંથી રસ્તો કાઢે છે. એવો જ હતો આજનાં વિક્ટોરિયા વિસ્તારનો એક નેતા સાયમન વૉન્ગા (1821-1874). નાની ઉંમરે શિકાર દરમિયાન એને એકવાર પગમાં ઈજા થઇ. વિલિયમ ટૉમસ નામના એ સમયના આસિસ્ટન્ટ ઍબરિજિનલ પ્રોટેક્ટર એને સારવાર માટે પોતાને ત્યાં લઈ ગયા. વૉન્ગા એમની સાથે લાંબો સમય રહ્યો. એ ગાળામાં એણે એમને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ વિષે વાત કરી, ને પોતે પણ એમના રીત રિવાજો, વાણી-વર્તન શીખવા લાગ્યો. એ સમજી ગયો હતો કે ઑસ્ટ્રેલિયાના આદિમવાસીઓ માટે હવે આ શ્વેત લોકોને સ્વીકારવા અને એમની જીવનશૈલી અપનાવવી એ જ સારો રસ્તો છે. જો કે એને લાગ્યું કે અહીંનાં લોકો માટે થોડી પણ પોતાની માલિકીની જમીન હોવી જરૂરી છે, ને આ એનું જીવન ધ્યેય બની ગયું. એ ધ્યેય સુધી પહોંચવા એને સાથ મળ્યો જ્હોન ગ્રીનનો. જ્હોન ગ્રીન ધાર્મિક રીતે ચુસ્ત પણ એક શ્રદ્ધાળુ ખ્રિસ્તી હતા. બીજા કેટલાક પાદરીઓની જેમ ધર્માંતરણ એમનો મુખ્ય હેતુ નહોતો. એમને ઑસ્ટ્રેલિયાના મૂળ વતનીઓ માટે પ્રેમ હતો, એમની પરંપરાઓમાં એમને વિશ્વાસ હતો. એમની મદદથી વૉન્ગાએ આદિમવાસીઓને શિક્ષિત કરવાનું કામ કર્યું. વૉન્ગા એનાં લોકોને સમજાવતો કે આપણે હવે લડવા ઝગડવાને બદલે આ ‘white’ લોકોની જેમ રહેવાનું છે. જ્હોન ગ્રીન સાથેના વૉન્ગાના પ્રયાસોને પરિણામે એમને યારા નદી પાસેનો કેટલોક વિસ્તાર મળી ગયો, જે કોરંડર્ક રિઝર્વ (Coranderrk Reserve) તરીકે ઓળખાયો. થોડાં વર્ષો તો બધું સમુંસૂતરું ચાલ્યું, પણ પછી એમની જ જમીન ઉપર આદિમવાસીઓને મજૂરની જેમ રાખવા લાગ્યા. ધીમે-ધીમે તેમને ત્યાંથી કાઢી મૂકવાની વેતરણ ચાલી. એમનાં રક્ષણને નામે ચાલતાં પ્રોટેક્શન બૉર્ડ દ્વારા એમની સુરક્ષા સિવાયનાં જ કામ કરવામાં આવ્યાં. એમને આપેલા ઘણા વાયદાઓ તોડવામાં આવ્યા. ‘White’ લોકો જેવું જીવન અપનાવવા માટે બનતું બધું કરવા છતાં એમના દ્વારા થતા અન્યાયથી માનસિક રીતે ભાંગી ગયેલા વૉન્ગાનું ઈ.સ.1874માં મૃત્યુ થયું.
ટ્રગાનિની અને સાયમન વૉન્ગાની લડત કૈંક અંશે ગાંધીજી જેવી અહિંસક હતી, તો પેમલ્વે, વિન્દ્રાડાઇન જેવાઓએ હિંસાનો સાથ લેવો પડ્યો હતો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલો જંદમારા (Jandamarra: 1870-1897) ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ વિસ્તારનો એવો જ એક લડવૈયો હતો. યુરોપિયનો એને ‘પિજન’ – કબૂતર કહેતા કેમ કે તેઓ માનતા કે ખૂબ પ્રભાવક અને શક્તિશાળી જંદમારા ઊડી શકતો અને કાળો જાદુ પણ જાણતો. ઢોરોના નેસમાં મજૂરી કરતાં-કરતાં જંદમારાને સમજાયું કે આ વિદેશીઓ અમારા જ હાથે અમારાં લોકોને મરાવે છે. લડ્યો એ તો એમની સાથે એકલે હાથે, અને એવા તો એમને હંફાવ્યા કે છેવટે એને હરાવવા એમની જાતિના જ એક બળિયા માણસની મદદ લેવી પડી, ને એમ, એક આદિમવાસી યોદ્ધો એના જ એક સાથી દ્વારા હણાયો (હણાવાયો)!
અત્યાર સુધી આપણે વાત કરી એ એવા આદિવાસીઓ હતા જે અણધારી આવી પડેલી પરિસ્થિતિનો સામનો કરવા, એને ટાળવા એની સામે પોતાની રીતે ઝઝૂમ્યા. પછીની સદીમાં, એ સો વર્ષના ગાળામાં, આદિમવાસીઓની પેઢી પણ સમય સાથે બદલાઈ. આપણે હમણાં જેની વાત કરી ગયાં એ સાયમન વૉન્ગા એ બદલી રહેલી પેઢીનો હતો. જેને લાગ્યું કે આપણે ઓસ્ટ્રેલિયામાં રહેવું હશે તો સમજદારી અને ક્ષમતા કેળવીને મુખ્ય પ્રવાહમાં ભળવું પડશે, અંગ્રેજોને સ્વીકારવા પડશે. એવા પરિવર્તનશીલ માહોલમાં વિક્ટોરિયામાં આવેલાં કમરગંજા (Cummeragunja) રિઝર્વમાં જન્મ થયો ડગ્લાસ(ડગ) નિકોલ્સનો (1906-1988). ત્યાં રહેતાં અન્ય બાળકોની જેમ એને ખ્રિસ્તી મિશનરી દ્વારા સારું પ્રાથમિક શિક્ષણ મળ્યું અને માતાપિતા પાસેથી મળ્યા સારા સંસ્કાર અને પોતાની સંસ્કૃતિ માટેનું ગૌરવ. પોતે પૂરાં દસ વર્ષના પણ નહોતા થયા ને ઍબરિજિનલ પ્રોટેક્શન બૉર્ડવાળા એની મોટી બહેન હિલ્દાને બળજબરીથી એનાં કુટુંબથી વિખૂટી પાડીને લઈ ગયા. આવી પેઢીઓ ‘The Stolen Generations’ કહેવાઈ. ઑસ્ટ્રેલિયાના આદિમવાસીઓના ઇતિહાસના આ ખૂબ મહત્ત્વના અને દુઃખદ વળાંક વિષે આપણે પછીના લેખમાં વાત કરશું. અત્યારે ડગ નિકોલ્સની વાત આગળ વધારીએ, તો જે રીતે એ લોકોએ બહેનને એની માથી અળગી કરી, એ જોઈને ડગ સમજી ગયા હતા કે અન્યાય જોવાના એમના દિવસો શરૂ થઈ ગયા હતા. એ કહેતા કે આ લોકો આપણને મરઘાં જેટલું ખવડાવીને આપણી પાસેથી ગરૂડ બનવાની અપેક્ષા રાખે છે. ચૌદ વર્ષની ઉંમરે એમને પણ કામ શોધવા રિઝર્વમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. નાનપણથી જ સારા કસરતબાજ એવા ડગ એક સારા દોડવીર, કુસ્તીબાજ અને ફૂટબૉલર હતા. જાતિવાદ (Racism) જેવી અનેક મુસીબતોનો સામનો કરતાં- કરતાં આખરે તેઓ પોતાની મહેનત, કૌશલ્ય અને ધીરજથી વિક્ટોરિયા ફૂટબૉલ અસોસિએશનમાં સ્થાન પામ્યા, ખૂબ રમ્યા અને ઘણા ઈનામો જીત્યા. કદમાં નીચા હોવાને લીધે એમના વિષે એવું કહેવાતું કે એક ઠીંગુએ કદાવરોને પાછળ છોડી દીધા ! આ બધાં છતાં એમને અને એમનાં લોકોને થઈ રહેલા અન્યાય તરફ એ બેધ્યાન નહોતા. દેશના નવા આગંતુકો સાથે સુમેળ સાધવાને એ સમયની જરૂરિયાત ગણતા. એ કહેતા કે પિયાનોની કાળી કે ધોળી કળ દબાવવાથી એમાંથી અવાજ ચોક્કસ નીકળે, પણ સૂરીલાં સંગીત માટે તો એ બંને પ્રકારની કળને દબાવવી પડે. આમ, શ્વેત લોકો વચ્ચે આદિમવાસીઓનાં સ્થાન અને માન માટે પત્નીના સહકારથી તેઓ હકારાત્મક રીતે કાર્યરત થયા. પોતાના સમાજ માટે એમણે ખૂબ કામ કર્યું, સાથે ચર્ચના પાદરી પણ રહ્યા. દેશનાં અને એમનાં લોકોનાં હિતમાં એમનાં પ્રદાન બદલ એમને અનેક સન્માન અને હોદ્દાઓ મળ્યા. ઈ.સ. 1976માં તેઓ દક્ષિણ ઑસ્ટ્રેલિયાના ગવર્નર નિમાયા. આદિમવાસી જાતિમાંથી આવેલા એ સૌથી પહેલા ગવર્નર હતા. એમની આ નિમણૂક ઑસ્ટ્રેલિયાનાં જાહેર ક્ષેત્રમાં આદિમવાસીઓના સ્વીકારરૂપ બની રહી.
ડગ નિકોલ્સ
ડગ નિકોલ્સ કહેતા કે ઑસ્ટ્રેલિયાના મૂળ રહેવાસીઓ ક્ષુલ્લક કે તુચ્છ નથી, પણ તેઓ જે સ્થિતિમાં રહે છે એ તુચ્છ છે. આ તો ઑસ્ટ્રેલિયાના મૂળ, મુખ્ય ખંડ પર રહેનારની વાત હતી. હવે આપણે વાત કરશું ઑસ્ટ્રેલિયાના કવીન્સલૅન્ડ રાજ્યનો ભાગ ગણાતા ટોરિસ સ્ટ્રેઇટ આઈલેન્ડ(ટાપુ)ની અને એના વતની (આઈલૅન્ડર) ઍડવર્ડ કોઈકી માબોની (1936-1992). એડ્ડી માબો તરીકે વિશેષ ઓળખાતા એ બાળકની માતા એને જન્મ આપ્યાના થોડા દિવસોમાં જ દુનિયા છોડી ગઈ ને ત્યારથી એનો એના મામાનાં ઘરે ઉછેર થયો. માછલી પકડવી, ખેતી કરવી ને ભણવું એ એની દિનર્યા. શાળાના એક શિક્ષકે એને અંગ્રેજી ભાષાનું મહત્ત્વ જણાવી એના પર પ્રભુત્વ મેળવવા સમજાવ્યું, અને એડ્ડીએ એમની સલાહ પ્રમાણે કર્યું. થોડાં વર્ષોમાં કામ કરવા એ કવીન્સલેન્ડનાં ટાઉન્સવિલ શહેરમાં આવી વસ્યા. નેતૃત્વના ગુણની સાથે અંગ્રેજી સારું હોવાને લીધે તેઓ જુદી-જુદી દરેક નોકરીમાં આગળ પડતા રહ્યા અને લોકોના હક્કો માટે લડ્યા. ટાઉન્સવિલમાં એમણે ઍબરિજિનલ અને આઈલૅન્ડર લોકો માટેની જાહેર સ્વાસ્થ્ય સેવા શરૂ કરાવી. ઈ.સ. 1967માં તેઓ જૅમ્સ કૂક યુનિવર્સિટીમાં માળી તરીકે જોડાયા. ત્યાં નવરાશના સમયમાં એમણે ખૂબ વાંચ્યું. ઈ.સ.1972માં એમને પોતાને ઘેર પોતાના પિતાની તબિયત જોવા જવું હતું, પણ પોતાના ટાપુ પર પહોંચે એ પહેલાં જ શ્વેત લોકોએ એમને અને એમનાં કુટુંબને રોકી લીધું. રાજકારણમાં આગળ પડતા હોવાને લીધે સરકારને ડર હતો કે ટાપુની પરિસ્થિતિ જોઈને એના માટે પણ એ કોઈ ચળવળ ચલાવશે. આ ઘટનાના થોડાક જ સમયમાં એમનાથી દૂર એમના પિતાનું અવસાન થયું. આ ઘટનાએ એમનાં મન પર ઊંડો ઘા કર્યો.
એવાંમાં એકવાર જૅમ્સ કૂક યુનિવર્સિટીમાં નોકરી દરમિયાન બપોરના જમવાના સમયે ત્યાંના ઇતિહાસકારો લૂઝ અને રિનોલ્ડ્સ સાથેની વાતચીતમાં એમણે ટાપુ પરની પોતાની જમીનનો ઉલ્લેખ કર્યો. થોડી મૂંઝવણ પછી એ બંનેએ એડ્ડીનું ધ્યાન દોર્યું કે ટાપુ પરની એ જમીન એડ્ડીની નહિ પણ રાણીની માલિકીની છે. આ તદ્દન માની ન શકાય એવી વાત સાંભળીને એમને એટલો ધક્કો પહોંચ્યો કે ત્યારથી પોતાની જમીન પરના હક્ક માટે એમણે વિધિસરની લડત આદરી. શ્વેત લોકોના પ્રભાવ હેઠળ પોતાની મૂળ સંસ્કૃતિ ન ભૂલાય એટલે એમણે ‘બ્લૅક કમ્યુનિટી સ્કૂલ’ તો શરૂ કરી જ દીધી હતી, હવે આદિમવાસીઓના એમની જમીનના વારસાઈ હક્ક માટે એમણે ઠેરઠેર વ્યાખ્યાન આપવા માંડ્યાં. કેટલાક શિક્ષણવિદ્દ અને વકીલોએ એમને આ અંગે સરકાર સામે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવાની સલાહ આપી. એ મુજબ કરતાં, મે 1982થી શરૂ થયેલા આ કેસનો જૂન 1992માં એમની તરફેણમાં ચુકાદો આવ્યો. અહીંનાં લોકોમાં જમીનની માલિકી અંગે કોઈ કાયદો નહોતાં 18મી સદીમાં યુરોપિયનોએ આવતાંવેંત જેને ‘Terra Nullius’ (માલિક વિહોણી જમીન) જાહેર કરી હતી, એ લગભગ બસ્સો વર્ષે, આખરે 20મી સદીમાં, હજુ છવ્વીસ વર્ષ પહેલાં જ ઑસ્ટ્રેલિયાના મૂળ વતનીઓની જાહેર થઇ! આ ખૂબ ચર્ચાયેલા અને મહત્ત્વના કેસના ઘણા દાવેદારોમાંથી છેવટ સુધી લડનાર હતા એડ્ડી માબો. જો કે પોતાનાં લોકોના હક્કમાં આવેલા એ ચુકાદાને જોવા એ પોતે જીવતા ન રહ્યા, પણ આ ઐતિહાસિક કેસમાં એમનાં બહુમૂલ્ય પ્રદાનને લીધે આજે પણ એ કેસ ‘માબો કેસ’ તરીકે ઓળખાય છે.
પોતાના હક્કો માટેની આવી લડત તો સદીઓથી લડાતી આવી છે, અનેક પ્રકારે લડાતી આવી છે. ગઈકાલની એ દરેક લડાઈની આજ પર એક ચોક્કસ અસર હોય છે. ઑસ્ટ્રેલિયાના ઇતિહાસની આવી ક્ષણો અને આવા લડવૈયાઓ જ આજના ઑસ્ટ્રેલિયાના ઘડવૈયાઓ છે. જુઓ ને, આપણે જ લગભગ અઢીસો વર્ષની સફર એમની સાથે ખેડી આવ્યાં. આપણે પણ એમની સાથે જોઈ ઑસ્ટ્રેલિયાની બદલાતી સંસ્કૃતિ, સૂરત અને સીરત. ત્રણ કડીની લેખમાળાની આ પહેલી કડીમાં ઓસ્ટ્રેલિયાની પ્રાચીનતમ સંસ્કૃતિને આપણે શ્વેતરંગી બનતી જોઈ. ત્રીજી અને અંતિમ કડી એમાં ગરવો ગુજરાતી રંગ પૂરશે. પણ એ પહેલાં હવેની કડીમાં જોઈશું કે કેમ પૂર્યા એ શ્વેતરંગી ઑસ્ટ્રેલિયામાં દેશ વિદેશથી આવેલાં લોકોએ આજના બહુસાંસ્કૃતિક રંગ ..!
~~~~~~~~~~~
જેલમ હાર્દિક સિડની(ઓસ્ટ્રેલિયા)સ્થિત મીડિયા બ્રૉડકાસ્ટર છે.
e.mail : jelamhardik@gmail.com
પ્રગટ : “ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક”; પુસ્તક 84, અંક 3; જુલાઈ – સપ્ટેમ્બર 2019; પૃ. 45-59