ભોળાભાઇને પણ યાદ કરવાનો આ દિવસ છે.
બાવીસ વરસ પહેલાં એક યોગ એવો થયો કે એમની વરસગાંઠ (7 ઑગસ્ટ) અને રવીન્દ્રનાથની પુણ્યતિથિ (શ્રાવણી પૂર્ણિમા) પણ એક દિવસે, અને એ મારી પણ જન્મતિથિ (શ્રાવણી પૂર્ણિમા) હતી. આ યોગની ખુશાલીના મારા બે અક્ષરોના ઉત્તરમાં જે ઉપહાર પામ્યો હતો એ વહેંચીને એમનો આ જન્મદિવસ ઊજવું.
એમણે લખ્યું : “મારો જન્મદિવસ, મેં 65મામાં પ્રવેશ કર્યો, શ્રાવણી પૂર્ણિમાનો એ દિવસ, એ તમે 60 પૂરાં કર્યાનો હતો. …. અને રવીન્દ્રનાથની પુણ્યતિથિ. ….. આપણે કેવાં કેવાં અદૃષ્ટ છતાં જાણે સ્પર્શ્ય સૂત્રોથી જોડાતા હોઇએ છીએ! …. આપણે જ્યારે હવે ઉત્તરવયમાં છીએ ત્યારે જન્મદિને પાછા વળીને જોઇએ છીએ. એવે વખતે રવીન્દ્રનાથની આ પંક્તિઓ સ્મરણમાં ગુંજે છે કે જીવતે જગતે આપણને એટલું બધું આપ્યું છે કે શું નથી મળ્યું એનો હિસાબ કરવા મન રાજી થતું નથી.” પછી એ બંગાળી કાવ્ય મારે માટે લિપ્યંતર કરીને ઉતારે છે :
કી પાઇ નિ તારિ હિસાબ મિલાતે મન મોર નહે રાજિ.
આજ હૃદયેર છાયાતે આલોતે બાંશરિ ઉઠિછે બાજિ.
[આખું કાવ્ય અહીં નથી ઉતારતો.]
પછી લખે છે : “ચાલુ કલમે ગુજરાતી કરું છું :
શું શું પામ્યો નથી એનો હિસાબ મેળવવા મારું મન રાજી નથી. આજ હૃદયનાં
છાયા-પ્રકાશમાં વાંસળી બજી ઊઠી છે. આ ધરતીને મેં ચાહી છે – એ જ સ્મૃતિ બસ મનમાં ફરીફરીને જાગે છે. …..”
આગળ લખે છે : “ટાગોરનું આ ગીત મને ગમે છે. ગાતાં આવડતું નથી, પણ પહેલી લીટીનું ગુંજન અનેકવાર થાય. પામ્યા છીએ એ એટલું બધું છે કે ન પામ્યાની ફરિયાદ શી? ઊંડે જઈ આ શબ્દો પરમ સાંત્વના આપે છે. …. ટાગોરનું આ ગીત તમને હૃદયની શુભેચ્છાઓ આપતાં પાઠવું છું.”
*
એક નિબંધમાં એમણે સોનેરુનો મહિમા કર્યો હશે. મારું આંગણું પણ ગ્રીષ્મમાં એના વૈભવથી ઓપે. (અસમિયા ભાષામાં ગરમાળાનું નામ સોનેરુ, કાકાસાહેબ લાવેલા.) મેં એ વિશે લખ્યું તો એનો જવાબ આ શબ્દોની સુગંધ લઈને આવ્યો : “તમારા ઘરના પ્રવેશદ્વારના સોનેરુની હળવી સુવાસ આટલે દૂર મારે નાકે પહોંચી અને પેલા જળપાત્રમાંની તેમની પાંખડીઓનો રંગ આંખે લાગ્યો. સોનેરુની એ અસર એ પછી ત્રણેક દિવસે વાયા ગાંધીનગર મારે ગામ જતાં સડકનો એક આખો પટ્ટો અત્યારે સોનેરુથી શોભિત થઈ ઊઠેલો જોતાં સઘન બનતી ગઈ છે. મેં મોટરગાડીના કાચ નીચે ઉતાર્યા એક સોનેરુને જોવા, તો ગાડી ચલાવતા મારા પુત્રે ગાડી બંધ કરી નીચે ઊતરી સોનેરુની એક ડાળખી જાણે મારી ઘેલછા પોષવા લઈ આવ્યો! તે વખતે તમે અને તમારું સોનેરુ યાદ આવ્યા. … તમારો સોનેરુ હજુ પીળાં ફૂલ ખેરવે છે?”
પોસ્ટકાર્ડના સાંકડા હાંસિયામાં આમ લખ્યું છે : “આજે રવીન્દ્રનાથનો જન્મદિવસ છે. એકાદવાર તમારે ત્યાં રવીન્દ્રસંગીત સાંભળતાં સાંભળતાં રવીન્દ્રચર્યા કરવાની ઇચ્છા થઈ આવે છે.”
[જયંતભાઈ મેઘાણીની ફેઈસબૂક વૉલ પરેથી સાભાર]