યુવા પત્રકાર ચેતન પગીની આ સાંભરણ અહીં ‘સાર્થક જલસો’ના [અંક 10; મે 2018; પૃ. 68-76] સૌજન્યથી સાભાર ઉતારીએ છીએ. એક રીતે આ કોરીધાકોર સાંભરણમાં સમેટાઈ જતો પીસ નથી, પણ બાળકિશોર અને યુવા તબક્કાઓમાંથી પસાર થતાં સમજ કેળવવાની અને વયોચિત પુખ્તતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનો એક આલેખ આ છે. (દાયકાઓ થયા એ વાતને જ્યારે રાજેન્દ્ર યાદવ ‘સારા આકાશ’ લઈને આવ્યા હતા. તરુણચિત્ત કેવું કેવું અટવાતે કેમ ઠરતું હોય છે – ‘સારા આકાશ’ના કિસ્સામાં સંઘ માટેના ખેંચાણની જિકર હતી અને આ પ્રકારની મૂર્છા કેમ વળે છે અને કેમ ઉતરે છે – એનું હદ્ય એટલું જ મનોવ્યાયામપૂર્વકનું નિરૂપણ હતું.) પગીએ લખ્યો તે અલબત્ત કોઈ નવલ મુસદ્દો નથી. પણ સ્મૉલ ટાઉન બૉયની ખીલતી નાગરિકતાનો વાચનક્ષમ દસ્તાવેજ એ જરૂર છે.
— “નિરીક્ષક” તંત્રી
અમારી સરકારી કૉલોનીના ધાબેથી ગોધરા શહેર ભણી આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઊડતા દેખાય એટલે અમે ચિચિયારીઓ પાડતા અને તોફાન થયું તોફાન થયું, કહીને કૉલોની ગજવી દેતા. આ બૂમાબૂમ પાછળનું કારણ લોકોને ચેતવવા કરતાં અંદરનો આનંદ વ્યક્ત કરવાનું વધારે રહેતું.
બાળપણના દિવસો તમે જ્યાં વિતાવ્યા હતા એ ગામ-શહેર છોડીને બીજે સ્થાયી થયા બાદ એ તમારી અંદર વસી જતું હોય છે. નાના ગામ-કસ્બામાંથી મોટાં શહેરોમાં સ્થાયી થયેલા સરેરાશ લોકોને આ પ્રકારનો અનુભવ થતો હોય છે. આ લખનાર પણ બાકાત નથી. એટલે જ અમદાવાદથી ગોધરા વચ્ચેનું અંતર હંમેશાં શૂન્ય કિલોમીટર લાગ્યું છે. અળગા થયા હોવ, તો અંતર માપવું પડે ને!
એંસી-પંચાસી પહેલાં જન્મેલા લોકો ખરા અર્થમાં નસીબદાર છે. આ નસીબદારપણું અનુભવવા માટેની શરત માત્ર એટલી જ કે તેઓ અત્યારે જીવતા હોય. આ એ પેઢી છે, જેમણે પોસ્ટકાર્ડ લખવાનો અનુભવ પણ મળ્યો અને હવે ફેસબુક લાઇવ પણ કર્યું છે. આ બન્ને અનુભવમાં તફાવત માત્ર એટલો છે કે અંગત પોસ્ટકાર્ડ આસપાસના વધુમાં વધુ બે-પાંચ લોકો સુધી લીક થઈ શકતા હતા.
અત્યારની પેઢી ફરી પોસ્ટકાર્ડ લખતી થઈ જાય અને લોકો ફરી પૈસા-દાગીના ચરુમાં ભરીને જમીનમાં દાટતા થાય એવા સંજોગો અત્યારે તીવ્ર ગતિએ આકાર લઈ રહ્યા છે.
એંસી-પંચાસી પહેલાંની જનરેશનનો એક હિસ્સો હોવાની તક મને પણ મળી છે. મેં પોસ્ટકાર્ડયુગ વતન ગોધરામાં વિતાવ્યો. હવેનો ફેસબુકઇરા અમદાવાદમાં કાઢી રહ્યો છું. આજીવન જેલની સજા ભોગવતા કેદીને પેરોલ મળે એમ વચ્ચે-વચ્ચે ગોધરા જવાનું પણ બને છે.
અર્સ્ટવાઇલ રજવાડું નામે ગોધરા
અમદાવાદથી ઉપડેલી ગાડી મહુધા-ડાકોર વટાવીને સેવાલિયા-ટુવાટીંબા પાર કરે એટલે અમારું અર્સ્ટવાઇલ ‘રજવાડું’ નામે ગોધરાની હદનો પ્રારંભ થાય. વતન અથવા જ્યાં બાળપણ વિતાવ્યું હોય, એ સ્થળ દરેક માટે પોતાનું અલાયદું રજવાડું હોય છે. ગોધરામાં અમદાવાદ અને વડોદરા એમ બન્ને તરફથી પ્રવેશી શકાય છે. આ બન્ને રસ્તેથી ગોધરામાં પ્રવેશતા જ મુસ્લિમ બહુમતી વિસ્તારમાંથી પસાર થવાનું રહે છે. આ જ કારણોસર સરેરાશ લોકોના મનમાં ગોધરા એટલે મુસ્લિમોની બહુમતી ધરાવતું શહેર, એવી એક છાપ પડી હશે, એવી એક માન્યતા છે. શહેરની લગભગ અડધી વસ્તી મુસ્લિમોની. મુસ્લિમોના વિસ્તારને અડીને એક છેડે શહેરાભાગોળ તરફ સિંધીઓની વસ્તી તો બીજે છેડે પટેલવાડ-સોનીવાડને અડીને વાણિયા, સોની, કાછિયાપટેલોની વસ્તી. એ પછી બીજા ઇતર સમાજ અને છેલ્લે બહારપુરા વિસ્તાર એટલે દલિત સમુદાયની વસ્તી. આટલું ગોધરા એ મૂળ જૂનું ગોધરા ગણાય. જો કે હવે બહારપુરાથી લઈને છેક દાહોદ રોડ સુધી શહેર વિસ્તર્યું છે.
પિતા સિંચાઈખાતાની સરકારી નોકરી કરતા, એટલે સરકારી કૉલોનીમાં મકાન મળ્યું હતું. સરકારી કૉલોનીમાં રહેવાનો એક આડકતરો લાભ એ હતો કે ત્યાં માત્ર પોતાની જ્ઞાતિના લોકો વચ્ચે નહીં પણ દરેક વર્ગ-જ્ઞાતિના લોકો રહેતા, એટલે જે કંઈ સંબંધો-ભાઈબંધી થઈ એમાં જ્ઞાતિ-સંપ્રદાયનું પરિબળ નહીંવત્ હતું. મેશરી નદીના એક કાંઠે કલેક્ટર-કચેરી-સરકારી કૉલોનીઓ અને બીજા કાંઠે આખું ગોધરા શહેર. કાંઠે બેસવાથી પ્રવાહને જોવા-સમજવામાં સરળતા રહે છે. એવું જ કંઈક યોગાનુયોગે ગોઠવાયેલી વસવાટની અમારી આ વ્યવસ્થાને કારણે બન્યું. નદી પરના પુલ પર થઈને રસ્તામાં આવતી સિવિલ હૉસ્પિટલ વટાવી અમે સ્કૂલ જતા. એમ ઍન્ડ એમ મહેતા હાઇસ્કૂલ એ મારી સ્કૂલ. અત્યારે અમદાવાદમાં સોસાયટી કે ફ્લૅટમાં રહેતા પરિવારના છોકરા રમવા જાય ત્યારે એમને કોઈ ઉપાડી જાય નહીં એવી બીક માતાપિતાને રહે છે. અમારા કેસમાં જુદું હતું. આખા દિવસની રખડપટ્ટીમાં અમે ક્યાંકથી કશું ઉપાડી લાવીએ નહીં એની ચિંતા માતા-પિતાને રહેતી.
મનોરંજનનાં ભૂખ્યાજનો
ચૅનલયુગ હજુ ઊગ્યો નહોતો અને મનોરંજન-ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ ઠારવા માટે દૂરદર્શન એકમાત્ર ઉપાય હતો. ત્યારે કૅબલ પર દર ગુરુવારે રાત્રે કે શનિ-રવિની રાત્રે ફિલમ મૂકાતી. દૂરદર્શન પર રાત્રે સાડા આઠના સમાચાર પૂરા થાય એટલે કૅબલના કારીગરો દૂરદર્શનનું કનેક્શન કાઢીને વી.સી.આર. પર પિક્ચર ચડાવતા. અને અમે અર્ધ ઊઘડેલા હોઠે-વિસ્ફારિત નેત્રે પાડોશીના ટીવી સામે તાકી રહેતા. મિથુન ચક્રવર્તી ગુંડાઓ વચ્ચે ફસાયેલી હિરોઇનને છોડાવવા માટે ચોથા માળેથી કૂદે, ત્યારે કે બચ્ચન દરવાજો તોડીને ઍન્ટ્રી મારે, ત્યારની ક્ષણો અમારું વગર ટૅન્શને બી.પી. હાઈ થઈ જતું. ત્રણ કલાકની એ ફિલ્મ અમારા મનમાં બે દા’ડા સુધી ચાલ્યા કરતી. ફ્લૅટના ધાબે કે કૉલોનીમાં જ્યારે પણ એકાંત મળે, એટલે અચાનક ક્યાંકથી પેલો ફિલ્મીહીરો અમારી અંદર પ્રવેશી જતો અને અમે હવામાં લાતો-મુક્કા મારીને અદૃશ્ય દુશ્મનના કાલ્પનિક અસ્તિત્વના ભુક્કા કાઢી નાખતા. ત્યારે અમે સો ટચના હીરો હતા પણ વિલન એકે ય જડતો નહોતો. હવેની સ્થિતિ તદ્દન વિપરીત છે.
અસલી હીરોની અનંત શોધના એ દિવસો હતા. આ શોધમાં મિથુન, ધર્મેન્દ્ર, અનિલ કપૂર, બચ્ચન જેવા પડાવો આવતા ગયા. પછીના દિવસોમાં જેકી ચાન, સિલ્વેસ્ટર સ્ટેલોન કે આર્નોલ્ડ શ્વોત્ઝનેગર પણ ઉમેરાયા. પુસ્તકો-વાંચનનો ચસ્કો લાગ્યા પછી આ યાદી વધુ લાંબી થઈ. એમાં પાછળથી ઉમેરાયેલું નામ એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. ના, એવું ન હતું કે પહેલાં એમના વિશે ખબર નહોતી. પણ ‘સત્યના પ્રયોગો’ના શરૂઆતનાં ચૅપ્ટરો પહેલી વાર વાંચ્યાં ત્યારે થયું કે ‘સાલું, આ માણસ તો આપણા જેવો જ હતો, છતાં એણે કેવું તોફાન મચાવી દીધું.’
એ દિવસોની મહામૂલી મિલકત અમારી ‘નિરાંત’ હતી. સો વાતની એક વાત એ હતી કે ‘બૉસ મઝા પડવી જોઈએ.’ ક્યાંકથી ટીવીબીવી જોવાનો મેળ પડે તો ઠીક છે, નહીંતર વાદળોના બદલાતા આકારોમાં માણસોના ચહેરા શોધીને પણ મોજ કરી લેવાતી. અકારણ રખડપટ્ટી અને કલાકો સુધી ચાલતી તર્ક વગરની ચર્ચા. જેમ કે દિવસો સુધી એ વાતે ચર્ચા ચાલી હતી કે અમેરિકા જેવો કોઈ દેશ છે જ નહીં. સુખ જેવા શબ્દો વિશે ત્યારે ખબર નહોતી, પણ એ મળતું ભરપૂર પ્રમાણમાં. ‘આજે સુખ શબ્દ તો ખબર છે, પણ સુખ જડતું નથી’, એવી ચિંતનાત્મક લાઇન ઉમેરવાનો અહીં પૂરેપૂરો સ્કૉપ છે, પણ હકીકત એ છે કે ગોધરામાં જીવેલા બાળપણની અસરો એટલી તો તીવ્ર છે કે એને યાદ કરવાથી પણ સુખનો અનુભવ થાય છે.
૧૯૯૧ : ટર્નિંગ પૉઇન્ટ
હંમેશાં એવું લાગ્યું છે કે ૧૯૪૭-૪૮ અને ૧૯૯૧-૯૨નું વર્ષ બે મહત્ત્વનાં ટર્નિંગપૉઇન્ટ અથવા તો કટઑફ વર્ષ રહ્યાં છે. આ બન્ને વર્ષથી એક યુગનો અંત થયો અને બીજાનો પ્રારંભ થયો. આશરે છઠ્ઠા-સાતમા ધોરણથી ઘરે ‘ગુજરાત સમાચાર’ આવવાનું શરૂ થયું પણ એટલું પૂરતું નહોતું. છાપામાં ચમકતા કેટલાક સમાચાર જવાબ કરતાં સવાલ વધારે પેદા કરતા. ‘સ્વરૂપવાન યુવતીનું ભેદી સંજોગોમાં મોત’ જેવા સમાચાર વાંચીને કુતૂહલ એ વાતનું થતું કે યુવતી એવી તે કેવી સ્વરૂપવાન હતી કે છાપાને પણ એનો ઉલ્લેખ કરવો પડે છે? ‘ઇન્સેટ સિરીઝનો ઉપગ્રહ સફળતાપૂર્વક તરતો મુકાયો’ એવા સમાચારો વાંચવા મળતા ત્યારે ઉપગ્રહ શું છે અને એના માટે કેમ આટલી માથાકૂટો થાય છે, એ સવાલોના જવાબ ક્યાં ય જડતા નહીં. સ્કૂલમાં શિક્ષકોની ધાકને કારણે સવાલ પૂછીશું, તો તોપના નાળચે ઉડાવી દેવાશે, એવી પ્રબળ શક્યતાઓ રહેતી. ઘણા મહિને માંડ ઇતરવાચનમાંથી (મોટે ભાગે સ્કૉપ કે બીજા કોઈ મૅગેઝિન થકી) ઉપગ્રહ શું છે એ ખબર પડી. એ ખબર પડ્યા પછી પહેલું કામ નોટબુકના પાછલા પાને ‘મોટા થઈને ઇન્સેટ સિરીઝનો ઉપગ્રહ બનાવવો.’ એવા નિર્ધારની લેખિત નોંધ કરવાનું કર્યું હતું. એ ઉપગ્રહ આજ સુધી ભ્રમણકક્ષામાં પહોંચ્યો નથી, એ જુદી વાત છે. એ દિવસોમાં કુતૂહલો પરપોટાની જેમ ફૂટતા પણ એનું સમાધાન બિરબલની ખીચડી જેવું.
૧૯૯૧ના વર્ષમાં અચાનક અખબારમાં ઉદારીકરણ, નરસિંહરાવ, મનમોહનસિંહ, અર્થતંત્રના દરવાજા ઊઘડ્યા જેવા શબ્દો ઊછળવા લાગ્યા. જો કે ત્યારે એના વિશે કોઈ ખાસ કુતૂહલ નહોતું થયું.
છાપામાં આવતા સેન્સેક્સની ઊછળકૂદ, આર્થિક નીતિ જેવા શબ્દો ભાગ્યે જ આકર્ષતા. પણ ઉદારીકરણના એ સમાચારોનાં થોડા મહિનાઓ કે એકાદ-બે વરસ પછીની એ સાંજ બરાબર યાદ છે. વૅકેશનના એ દિવસો હતા. બપોરની ઊંઘ બાદ આંખો ઊઘડી તો ઘરના સામેના સરકારી ફ્લૅટના ધાબે મસમોટી ડિશનું ફિટિંગ થઈ રહ્યું હતું. ઘરના ધાબે દૂરદર્શનના પેલા ચિરપરિચિત ઍન્ટેનાથી ટેવાયેલી આંખો માટે આ ડિશનું દૃશ્ય આશ્ચર્યજનક હતું. ફિટિંગ થઈ ગયા બાદ કૉલોનીના ભાઈબંધો ટોળે વળીને ડિશની નજીક પહોંચ્યા. કોઈએ કહ્યું. ઉપર કૅમેરો ફિટ થયેલો છે, જેની સામે ઊભા રહેવાથી નીચે ટીવીમાં આપણો ચહેરો દેખાય. બે-ત્રણ પ્રયાસ કર્યા બાદ અમે એ તારણ પર પહોંચ્યા કે વાત સાચી છે, પણ કૅમેરામાં કંઈક લોચો છે.
એ દિવસોમાં પણ ઘરે ટીવી તો નહોતું જ. બે-ચાર દિવસ પછી વૅકેશનની બપોરની એક અકારણ રખડપટ્ટી દરમિયાન કોઈના ઘર પાસેથી પસાર થતી વખતે અચાનક પગ થંભી ગયા. ઘરના દરવાજામાંથી ડ્રૉઇંગરૂમમાં મુકાયેલા ટીવીનો સ્ક્રીન દેખાતો હતો. સ્ક્રીન પર હાથમાં સફેદ મોજાં, કાળી હેટ, ચળકતાં કાળાં જેકેટ-પૅન્ટધારી અને લાંબા વાંકડિયા વાળ ધરાવતો માણસ કંઈક અદ્ભુત ડાન્સ કરી રહ્યો હતો. સ્ક્રીનના ખૂણામાં દૂરદર્શનનો લૉગો ગાયબ હતો, એની જગ્યાએ અંગ્રેજી ‘એમ’ વંચાતો હતો. અચાનક એ ડાન્સર એવી રીતે ચાલવા લાગ્યો કે જાણે જમીન એના પગ તળેથી લપસી રહી હોય. ઘરે ભલે ટીવી નહોતું, પણ ટીવીએ મગજ પર કબજો મેળવી લીધો હતો. ટીવી પડદે આવતાં દરેક દૃશ્યો કોઈ પણ સંજોગોમાં અમારી આંખ સામેથી પસાર થવાં જોઈએ, એવું અમે સજ્જડપણે માનતા. આ સ્થિતિમાં જીવનમાં પહેલી વાર જોયેલો એ ડાન્સ અને મ્યુઝિક મગજ પર છવાઈ ગયાં. ધીરે ધીરે ખબર પડી કે ટીવી પર જોવા માટે હવે માત્ર દૂરદર્શન નથી, બીજા પણ વિકલ્પો આવી ગયા છે. એટલું જ નહીં, જેને પહેલી વાર નાચતો જોઈને આંખો પહોળી થઈ ગઈ હતી એનું નામ માઇકલ જેક્સન છે, એ પણ ખબર પડી. જતે – દહાડે એ રહસ્ય પણ સામે આવ્યું કે છાપામાં વાંચેલા પેલા ઉદારીકરણના સમાચારોના પ્રતાપે જ ટીવી પર એકસાથે આટલી બધી ચૅનલો જોવા મળે છે. જે એક વસ્તુ સતત અનુભવાતી તે એ હતી કે ઉદારીકરણ પહેલાંની પરિવર્તનની ઝડપ ભલે ધીમી હતી, પણ ત્યારની ‘નિરાંત’ એનું જમાપાસું હતી, ૯૧-૯૨ પછી અચાનક જાણે બધું ફાસ્ટ ફૉરવર્ડ થઈ રહ્યું હોય, એવું લાગવા માંડ્યું.
રમખાણો મારી પ્રિય ઘટના
આશરે ૧૯૮૯ કે ૯૦નું વર્ષ. સ્કૂલમાં રાબેતા મુજબ પ્રાર્થના-પ્રતિજ્ઞા બાદ અમે બધા વર્ગમાં ગોઠવાયા. ટીચર આવીને હજુ તો ડસ્ટર ફેરવતા હતા, ત્યાં અચાનક હો-હા, બૂમાબૂમ થઈ અને સ્કૂલનો બેલ રણકી ઊઠ્યો. યુવાનોનું ટોળું સ્કૂલ બંધ કરાવવા આવ્યું હતું. ટીચરની મંજૂરી મળતા જ અમે બધા ફટાફટ નોટ-ચોપડી બૅગમાં ભરીને નીકળી ગયા. પેલા યુવાનો ત્યારે દેવદૂત જેવા લાગ્યા હતા. પછી ખબર પડી કે એ લોકો અનામત નામની કશીક વાતનો વિરોધ કરતા હતા. બીજા દિવસે છાપામાં જોયું, તો ખબર પડી કે આવું આખા દેશમાં ચાલી રહ્યું છે. પછી તો દિવસો સુધી આ જ નિત્યક્રમ રહ્યો. સ્કૂલે આવવું, પ્રાર્થના થાય, એટલે તરત સ્કૂલ છોડી મૂકવામાં આવે.
અનામતવિરોધી આંદોલન હોય કે કોમી રમખાણો, ગોધરા ક્યારે ય બાકાત રહ્યું નહોતું. ભણવાનું, ખાસ કરીને ગુજરાતી, સમાજશાસ્ત્ર કે વિજ્ઞાન જેવા વિષયોમાં રસ તો ઘણો પણ શિક્ષકો પગાર પૂરતું ભણાવી લેતા, એટલે સ્કૂલનું ક્યારે ય આકર્ષણ રહ્યું નહીં. આ સ્થિતિમાં માત્ર હું જ નહીં, પણ અમે સૌ વિદ્યાર્થીઓ કાગડોળે રમખાણ કે છમકલું થાય, એની વાટ જોતા. સદ્ભાગ્યે તોફાની તત્ત્વો અમને ભાગ્યે જ નિરાશ થવા દેતાં. અમારી સરકારી કૉલોનીના ધાબેથી ગોધરા શહેર ભણી આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઊડતા દેખાય, એટલે અમે ચિચિયારીઓ પાડતા અને તોફાન થયું. તોફાન થયું કહીને કૉલોની ગજવી દેતા. આ બૂમાબૂમ પાછળનું કારણ લોકોને ચેતવવા કરતાં અંદરનો આનંદ વ્યક્ત કરવાનું વધારે રહેતું. તોફાન થાય એટલે સ્કૂલ-ટ્યૂશનમાં દિવસો સુધી રજા પડે. ગામના છેવાડે સરકારી કૉલોની હોય અને એ પણ પોલીસલાઇન, કલેક્ટરબંગલાથી નજીક એટલે તોફાનની કોઈ સીધી અસર થાય નહીં. એટલે અમે સૌ રમખાણોના દિવસોમાં ભરપૂર મોજમજા કરતા, પણ રમખાણોના દિવસોમાં થતી મોજમજાનો ૧૯૯૦ની એક ઘટના બાદ અંત આવ્યો. એ વર્ષે ગોધરાના મુસ્લિમ વિસ્તારમાં આવેલી એક મદ્રેસામાં કેટલાક હિંદુ શિક્ષકોને મારી નાખવાની ઘટના બની. આ ઘટના ‘મદ્રેસાકાંડ’ નામે ખાસ્સી કૂખ્યાત બની. આ ઘટનાએ પહેલીવાર સૌને ડરાવી દીધા. મારી આસપાસના સૌ કોઈ મુસ્લિમને ધિક્કારવા લાગ્યા અને એમાં હું પણ બાકાત નહીં. ગોધરા શહેરની વચ્ચે રામસાગર તળાવ છે. એની કાંઠે આવેલા એક મકાનમાં હું ટ્યૂશન માટે જતો. રસ્તામાં મુસ્લિમોનો વિસ્તાર પણ આવે. એક દિવસ સાઇકલ પર ટ્યૂશને જતા રસ્તામાં માથે ભગવા પટ્ટા બાંધેલા યુવકોનું ટોળું વાહનો પર સવાર થઈને જયજય શ્રી રામના નારા પોકારતું પસાર થયું. થોડા દિવસ પછી આવા જ યુવાનો અમારી કૉલોનીમાં પણ જોવા મળ્યા. તેઓ અમારી કૉલોની અને આસપાસમાં આવેલી અન્ય સરકારી કૉલોનીમાં ટીવી-વીસીઆર ગોઠવીને એક કૅસેટ બતાવતા હતા. ડૉક્યુમેન્ટરી પ્રકારની એ ફિલ્મમાં જે લાશો દર્શાવવામાં આવતી, એ હિંદુ કારસેવકોની હોવાનું અમને કહેવાયું. કોઈએ કહ્યું કે ઉત્તરપ્રદેશ નામના રાજ્યમાં કોઈ મુલાયમસિંહે મુસ્લિમોની સાથે મળીને હિંદુઓ પર ભયંકર અત્યાચારો કર્યા છે અને લોહીની નદીઓ વહી ગઈ છે.
આ બધી વાતો સાંભળીને મનમાં મુસ્લિમો પ્રત્યેનો ગુસ્સો અનેક ગણો વધી ગયો. એક પણ મુસ્લિમ ના હોય એના માટે શું કરવું જોઈએ. એ વિશે સૌ ગંભીરતાપૂર્વક ચર્ચા કરતા. સાતપુલથી લઈને પોલન બજાર સુધીનો ગોધરાનો વિશાળ વિસ્તાર મુસ્લિમોનો ગણાતો, જેમાં દરેક વર્ગના મુસ્લિમો, વહોરા આવી જતા. પણ અમારા સૌના માટે મુસ્લિમો એટલે ઘાંચી અને ઘાંચી એટલે આપણા દુશ્મન. આજે વિચાર આવે છે કે ટીવી-વીસીઆર ગોઠવીને થયેલું કૅસેટદર્શન માત્ર મારી કૉલોની પૂરતું નહીં જ હોય. મારા શહેર કે આવાં બીજાં પણ ગામો-શહેરોમાં આ કૅસેટદર્શન થયું જ હશે. કદાચ એને જ ‘સંગઠન’ કહેવાતું હશે.
૧૯૮૯-૯૦ પછી વાતાવરણ વધારે ઝેરી બનતું ગયું. એ દિવસોમાં ક્યારેક સાંજે વીજળી ગૂલ થતી. જો ચાલુ ફિલમે વીજળી ગૂલ થાય તો અમે નિરાશ થતા અને જો ભણતી વખતે વીજળી જતી તો સૌ મનોમન નાચી ઉઠતા. એ દિવસોમાં વીજળી ગૂલ થયા પછીના અંધકારમાં મોટેરાઓ ટોળે વળીને મંદિર-મસ્જિદ, મુસલમાનોની વાતો કરતા અને અમે બાળકો કાન સરવા કરીને આ વાતો સાંભળતાં. ’૯૨માં બાબરી- ધ્વંસ પછી રમખાણો-તોફાનો અને મુસ્લિમદ્વેષનો એક નવો દોર શરૂ થયો. આ દ્વેષમાં અમુક હદ સુધી હું પણ બાકાત નહોતો. પણ સદ્ભાગ્યે પુસ્તકો કે વાંચનના શોખના સમયસર આગમને બાજી બગડતી અટકી ગઈ.
પુસ્તકાલયે બચાવ્યો
ઘરે છાપું આવતું થયું પછી વાંચનનો શોખ શરૂ થયો પણ વાંચનની ભૂખ તીવ્ર હોવાથી અખબાર નાનું પડતું હતું. મમ્મી-પપ્પા ખરીદી કરીને આવે, ત્યારે કશુંક વાંચવાનું મળી જાય, એ આશાએ પડીકાના કાગળો પણ તપાસી લેવાતા. એક દિવસ ગોધરાના શહેરાભાગોળ વિસ્તારમાં સાઇકલ પર પસાર થતી વખતે એક જૂના બિલ્ડિંગ પર નજર પડી. બિલ્ડિંગ પર ‘સરકારી જિલ્લા પુસ્તકાલય’ એવું બોર્ડ લટકતું હતું. સંકોચાતા-બીતા દાદર ચડીને ઉપર પહોંચ્યો તો એક તરફ અનેક અખબારો, મૅગેઝિનો પડ્યાં હતાં તો બીજી તરફ મોટા ઓરડામાં સંખ્યાબંધ પુસ્તકો ખડકાયેલાં હતાં. આ જોઈને મગજ ચકરાવે ચડી ગયું. ખબર પડી કે અખબારો-મૅગેઝિન વાંચવા પૈસા નથી આપવા પડતા. માત્ર એક ચોપડામાં સહી કરવાથી બધું વાંચી શકાય છે. બસ પછી તો રોજ સાઇકલ લઈને ત્યાં ઊપડી જવાનું અને છાપાં, ખાસ કરીને મૅગેઝિનો વાંચ્યાં કરવાનાં. પછી તો પૈસાનો મેળ કરીને સભ્યપદ મેળવી લીધું અને પછી શરૂ થઈ પુસ્તકોની દુનિયાની રોલરકોસ્ટર રાઇડ. વાંચનના વિસ્તારનો એક તત્કાળ ફાયદો એ થયો કે રમખાણોના કારણે મનમાં જે કચરો ભરાયો હતો, એ જરા સાફ થયો. નવી બારીઓ ઊઘડતી ગઈ. પછી તો સરકારી પુસ્તકાલય મારું બીજું ઘર બની ગયું. દર બીજા ત્રીજા દિવસે લાઇબ્રેરીમાં જવાનું અને કલાકો ગાળવાના.
લેખકોની સોબત, અશ્વિની ભટ્ટનું વ્યસન
કિશોરાવસ્થાના એ દિવસોની મજા એ હતી કે અન્યના અભિપ્રાય-સૂચનને આધારે નહીં પણ જાતે જ ખેડાણ કરીને પુસ્તકો-લેખકોની પસંદગી થતી. ગૂર્જર ગ્રંથરત્ન દ્વારા ભગતસિંહ, સુખદેવ, લક્ષ્મીબાઈ જેવાં ક્રાંતિકારીઓ વિશે પુસ્તકોની શ્રેણી કરી હતી. લાઇબ્રેરીની સોબત લાગ્યા પછી આ શ્રેણી સૌથી પહેલાં વાંચી હોવાનું યાદ છે. એ વખતે ઉંમર આશરે સોળ-સત્તર વર્ષની. કલાકો સુધી લાઇબ્રેરીનાં સંખ્યાબંધ પુસ્તકો ફંફોસવાનાં. લેખકનો પરિચય, પ્રસ્તાવના જોવાની અને પછી અંતે બે પુસ્તક પસંદ કરવાનાં. ‘ગુજરાત સમાચાર’ની પૂર્તિમાં લખતા હોવાથી ચંદ્રકાન્ત બક્ષી, ગુણવંત શાહનો પરિચય હતો. પણ લાઇબ્રેરીમાં બીજા પણ લેખકો મળ્યા, જેમા ખાસ કરીને પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા કે ધૂમકેતુ જેવા આપણા સિદ્ધહસ્ત સર્જકો તો ખરા જ, પણ સાથોસાથ પ્રેમચંદ, ફણિશ્વરનાથ રેણૂ, અજ્ઞેય સહિતના બીજા હિન્દી લેખકો, ટાગોર, સમરેશ મજુમદાર જેવા બંગાળી (આજની ભાષામાં પરપ્રાંતીય) લેખકો અને હ્યુગો, કૉન્સ્ટાટીન ગોર્ગ્યુ, ઍલેક્ઝાન્ડર ડૂમા જેવા વિદેશી સર્જકોની કૃતિઓના ગુજરાતી અનુવાદે ભારે જલસો કરાવ્યો. લાઇબ્રેરીનાં જે કેટલાંક ખાના પાસે વારંવાર અટકી જવાતું એમાંનું એક ખાનું અશ્વિની ભટ્ટનું હતું. એમની સૌથી પહેલી વાંચેલી નવલકથા ‘આશકા માંડલ’. અશ્વિની ભટ્ટની શૈલી, નવલકથાઓની લોકપ્રિયતા વિશે ઘણું લખાઈ ચૂક્યું છે. એમની વાર્તા વાંચતી વખતે સાથે-સાથે વિઝ્યુલાઇઝ પણ થતી જાય. ‘આશકા માંડલ’માં નાયક સિગાવલ કેશી અને નાયિકા આશકા સહિતનો કાફલો રણમાંથી પસાર થાય છે, ત્યારે વચ્ચે પાણીની તરસ અને એને માટેની ઝપાઝપીનાં વર્ણનો આવે છે. બરાબર યાદ છે કે એક – એક ટીપા પાણી માટેનો સંઘર્ષ વાંચીને એક તબક્કે હું ચોપડી મૂકીને અમારા ઘરની પાણીની ટાંકીએ પહોંચી ગયો અને ઢાંકણ ખોલીને ઘડી વાર સુધી ટાંકીમાં ભરાયેલું પાણી જોયું અને મનોમન થયું કે હાશ, મારી પાસે તો પૂરતું પાણી છે. વાચનને કારણે સ્વાભાવિકપણે જ નવી દિશાઓ વિસ્તરી. બાકી હતી એ દિશાઓ રેડિયોએ ઉઘાડી. ટીવી સુલભ નહીં હોવાથી રેડિયોનો સંગ લાગ્યો. ખાસ કરીને વિવિધભારતી, બી.બી.સી. હિન્દીના નિયમિત રસપાને યાદગાર જલસા કરાવ્યા. ગૂગલ કઈ બલા છે, એનો પરિચય બી.બી.બી. હિન્દી સેવાના દૈનિક કાર્યક્રમમાંથી મળ્યો.
કૅમેરાના લેન્સ થકી સેન્સનો વિસ્તાર
પુસ્તકો-સામયિકો કે રેડિયો થકી દુનિયાની જોવા-સમજવામાં મર્યાદા એ વાતની છે કે એમાં આઇમેક્સમાં શૂટ થયેલી ફિલ્મ ૧૪ ઇંચના પૉર્ટેબલ ટીવીના પડદે જોતા હોય એવી લાગણી થાય. લખાણ ક્યારેક સારું કે ઘણું સારું હોય, ત્યારે આ પડદો ૧૪ ઇંચથી વધીને ૩૨ કે ક્યારેક ૫૨ ઇંચ જેવો લાગે. પણ ઇંચની મર્યાદા તો ખરી જ. આ બધું ડહાપણ ભલે અત્યારે સૂઝતું હોય, પણ ત્યારે તો પુસ્તકો મન ભરીને માણ્યાં. પણ આ ઇંચની મર્યાદા કૅમેરા-ફોટોગ્રાફી સાથેના જોડાણને કારણે દૂર થઈ. બન્યું એવું કે દસમું ધોરણ પાસ કર્યું. હું જલદી કમાતો થાઉં એ માટે મને ઇલેક્ટ્રીશિયનનું ભણવા માટે ઔદ્યોગિક તાલીમસંસ્થામાં મૂકવામાં આવ્યો. કહ્યાગરો હોવાથી ભણી તો લીધું. પણ એ દરમ્યાન ‘શુભપ્રસંગોમાં વાજબી દરે ફોટો-વીડિયોગ્રાફી કરતા’ મિત્રનો પરિચય થયો. ફોટો પાડવા ગમે પણ માત્ર થોડા પૈસા કમાવવા (જેથી થિયેટરમાં મૂવી જોઈ શકાય અને મૅગેઝિન ખરીદી શકાય.) માટે આ ઉદ્યમ હાથ ધર્યો હતો. પહેલાં એ મિત્રની મદદે જવાનું બનતું અને પછી જાતે ફોટો અને વીડિયો કૅમેરા ચલાવતા શીખ્યા પછી આશરે સાતેક વર્ષ ગોધરા સહિત સમગ્ર પંચમહાલનાં ગામો-શહેરોમાં ફોટોગ્રાફી માટે ઘણું ફરવાનું બન્યું. અત્યાર સુધી પુસ્તકો વાચવાનો અનુભવ થયો, હવે ચહેરા વાંચવા મળ્યા.
ગામેગામ વિવિધ ધર્મ-જ્ઞાતિના લોકો વચ્ચે રહેવા મળ્યું. એના કારણે લોકોનાં સ્વભાવ, વિચાર, માન્યતાઓ વિશે જાણવા-સમજવાની તક મળી. એટલું જ નહીં. ઘણી ગેરમાન્યતાઓ દૂર થઈ. એક ઉદાહરણ. આશરે ૨૦૦૦-૦૧ના વર્ષની વાત છે. હું જેમના માટે કામ કરતો એ ફોટોગ્રાફરને ગોધરાના ગીચ મુસ્લિમ વિસ્તાર એવા પોલન બજાર પાસેના ઘાંચી મુસ્લિમ પરિવારે લગ્નમાં ફોટોગ્રાફીનો ઑર્ડર આપ્યો હતો. એક દિવસ બપોરે આશરે એકાદ વાગ્યે એ પરિવારના ઘરેથી કોઈ મહિલાનો ફોન આવ્યો અને મને કૅમેરા લઈને આવી જવા કહ્યું. હું મારા સામાન તથા એક સાથીદારને લઈને અપાયેલા સરનામે પહોંચ્યો. અત્યંત સાંકડી એવી શેરીના ચાર માળના જૂનાપુરાણા મકાનના ત્રીજા માળે અમને લઈ જવામાં આવ્યા. અંધારિયા દાદર ચડીને અમને એક મોટા રૂમમાં આવી પહોંચ્યા. રૂમમાં અમે બે જણને બાદ કરતાં એક પણ પુરુષ નહીં. આશરે પંદર-વીસ મુસ્લિમ યુવતીઓ-મહિલાઓ. બધાએ પરંપરાગત મુસ્લિમ વસ્ત્રો પહેર્યાં હતાં. અમે પહોંચ્યા એટલે પરસ્પર વાતો કરતી બધી જ મહિલાઓ ઊભી થઈ ગઈ. પરિવારની મોભી જેવી મહિલાએ અમને આવકારીને તરત ગોખલામાં રાખેલી મ્યુઝિક-સિસ્ટમ ચાલુ કરી. અમારા આશ્ચર્ય વચ્ચે એમાંથી હેમંત ચૌહાણના અવાજમાં અંબેમાતાના ગરબા શરૂ થયા. ગરબાનું સંગીત શરૂ થતાં જ બધી મુસ્લિમ મહિલાઓએ બહુ વિશાળ ન કહેવાય, એવા એ રૂમમાં ગરબા રમવાનું શરૂ કર્યું. મેં ફટાફટ કૅમેરા-લાઇટ્સ કાઢીને આશરે અડધો કલાક વીડિયોગ્રાફી કરી. ગોધરાના સરેરાશ લોકો, જેને પાકિસ્તાન તરીકે વગોવે છે, એવા પોલન બજારના ઘાંચી મુસ્લિમ પરિવારની મહિલાઓ ગરબા રમે છે અને એ પણ માતાજીના નામના. આ દૃશ્ય મારા માટે ચોંકાવનારું હતું.
ફોટોગ્રાફર તરીકે જે પ્રસંગોમાં મારે જવાનું થતું એ માત્ર પારિવારિક નહોતા. વિવિધ સરકારી કાર્યક્રમોમાં પણ બતૌર ફોટોગ્રાફર પણ જવાનું થતું. અને તેના કારણે વહીવટી કામો, અધિકારીઓ-રાજકારણીઓને નજીકથી જોવા-સમજવાની પણ તક મળી. બરાબર યાદ છે આજના વડાપ્રધાન જ્યારે સીએમ હતા, ત્યારે દેવગઢબારિયા નજીકના ગામ(મોટે ભાગે ધાનપુર)માં કોઈ લોકાર્પણ પ્રકારના કાર્યક્રમમાં જવાનું થયું. લોકાર્પણકર્તા તાજેતાજા વિકાસપુરુષ બનેલા પૂર્વહિંદુહૃદયસમ્રાટ હતા. કાર્યક્રમમાં લાવવામાં આવેલા લોકોમાં મોટા ભાગે આસપાસના આદિવાસીઓ મુખ્ય હતા. સરકારી કાર્યક્રમોના જોવા મળે છે એમ સ્થાનિક ધારાસભ્યે પ્રસંગોપાત્ત સ્વાગતપ્રવચન કર્યું. પ્રવચનમાં એમણે આદિવાસીઓને ઉદ્દેશીને કહ્યું કે આપણા મુખ્યમંત્રી એ કોઈ સામાન્ય મનુષ્ય નથી. આપણો ઉદ્ધાર કરવા માટે સ્વયં ઈશ્વર જાતે અવતાર ધરીને ધરતી પર આવ્યા છે. આ સાંભળીને મને મનોમન હસવું આવ્યું, પણ ખાતરી હતી કે મુખ્યમંત્રી જ્યારે બોલવા ઊભા થશે, ત્યારે પોતે અવતાર નહીં હોવાનો ખુલાસો અવશ્ય કરશે. પણ એમના ભાષણમાં એવું કશું જ સાંભળવા મળ્યું નહીં. (તા.ક. આજે એ ધારાસભ્ય રાજ્ય સરકારમાં પ્રધાન છે.)
જમ્પ કટ ટૂ ૨૦૦૨
આશરે સાતેક વર્ષ ફોટોગ્રાફી કર્યા પછી આડા હાથે મુકાઈ ગયેલું ભણતર ફરી ચડ્યું. સ્કૂલમાં સૌથી પ્રિય વિષય ઇતિહાસ રહ્યો હતો. એટલે કૉલેજમાં ઇતિહાસ વિષય રાખ્યો. ૨૦૦૨માં હું કૉલેજના બીજા વર્ષમાં હતો. ફેબ્રુઆરીના અંતમાં સત્રપરીક્ષાનું સમયપત્રક આવી ગયું હતું. પિતાની છોટાઉદેપુર ભણી બદલી થઈ હોવાથી એ દિવસોમાં હું ગોધરાથી ૧૪ કિમીના અંતરે વેજલપુર નજીકના વતનના ગામમાં રહેતો. અને ભણવા માટે ત્યાંથી ગોધરા અપડાઉન કરતો. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ પહેલું પેપર આપવા માટે ઘરેથી નીકળ્યો. રસ્તામાં કોઈએ ચેતવણી આપી કે ગોધરા સ્ટેશન પર કંઈક આગ ચાંપવાની ઘટના બની છે, ધ્યાન રાખજે. એ દિવસે પરીક્ષા હતી, એટલે આ વાતને ગંભીરતાથી લીધા વિના ગોધરા પહોંચ્યો. નવેક વાગ્યે ગોધરા બસ-સ્ટેશન પહોંચ્યો. બસ-સ્ટૅન્ડ પર દોડાદોડી હતી. વેપારીઓ ઝડપથી સામાન દુકાનમાં ભરી રહ્યા હતા. કેટલાક શટર પાડી રહ્યા હતા. પરીક્ષાનો સમય થતો હતો એટલે હું ઝડપથી કૉલેજ પહોંચ્યો. પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્રો અપાય એ પહેલાં જ એક અધ્યાપકે આવીને પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાની જાણ કરી અને સૌને ઘરે પાછા ફરવા જણાવ્યું. જો સ્થિતિ વણસે, તો બસો બંધ થઈ જાય, એમ હોવાથી હું ઝડપથી બસ પકડીને ઘરે પાછો ફર્યો. એ વખતે મોબાઇલફોન પર અત્યારની જેમ નોટિફિકેશન્સ આવતાં નહોતાં. ખરેખર શું બન્યું છે અને એની શું અસર થઈ છે, એની સાચી માહિતી મળતી નહોતી. જે કોઈ મિત્રો કે પરિચિતો મળે એ બધા જ તીવ્ર ગુસ્સામાં ભાંડી રહ્યા હતા, અને હવે તો સફાયો જ કરી નાખવો જોઈએ અને એકને પણ છોડવા ન જોઈએ, એવી વાતો કરી રહ્યા હતા.
મારા જીવનમાં રમખાણનો આ ત્રીજા દોર હતો. પહેલા દોરમાં મને તોફાનો ગમતાં, કારણ કે સ્કૂલમાં રજાઓ પડતી. બીજા દોરમાં આસપાસના વાતાવરણમાં હું પણ ભળી ગયેલો હતો. પણ આ ત્રીજા દોરમાં મારું મગજ જરા ઠેકાણે હતું. ૨૭ ફેબ્રુઆરીના એ દિવસથી લઈને આશરે એકાદ મહિના સુધી સંપૂર્ણપણે ઘરે જ રહ્યો. વેજલપુર એટલે ગોધરાથી વડોદરા તરફ જતા આવતું પહેલું સ્ટૅન્ડ. ત્યાંથી મારે મારા ગામ તરફ જતાં બે-ત્રણ નાનાં બજાર તથા મુસ્લિમવસ્તી પાર કરીને જવું પડે. તોફાનો દરમિયાન વેજલપુર ગામમાં પણ ઘણી લૂંટફાટ-આગજની થઈ. અમારા ગામના લોકો એવી માહિતી લઈ આવ્યા કે બચવા માટે મુસ્લિમો આપણા ગામ તરફ આવી શકે એમ છે, એટલે આપણે એમને ભગાડવા માટે તૈયાર રહેવું જોઈએ. રસ્તો રિપૅર કરવા માટે એકાદ ટ્રૅક્ટર માટી નાખવાની વાત હોત, તો કોઈ આવ્યું ન હોત પણ કથિત મુસ્લિમ આક્રમણની થિયરી સાંભળીને બધા જે કંઈ હાથમાં આવ્યું એ લઈને આવી પહોંચ્યા. કોઈએ સ્થાનિક રાજકીય કાર્યકરનો હવાલો આપીને જે કંઈ કરવું હોય એના માટે બે દિવસની છૂટ મળી હોવાનું પણ જણાવ્યું. મારા ગામમાં જ નહીં, પણ ગોધરા તથા આસપાસનાં ગામોમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ખમતીધર મુસ્લિમ ખેડૂતો-ધંધાદારીઓએ ખેતીલાયક જમીનો-મકાનોની માતબર ખરીદી કરી હતી, ઘણાએ નાની-મોટી ફૅક્ટરીઓ સ્થાપી હતી. રમખાણો દરમિયાન મોટે ભાગે આ મુસ્લિમોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા. ઘણા લોકો ઘરબાર દુકાન છોડીને દેવગઢબારિયા ભણીનાં જંગલોમાં પણ ભાગી ગયાની વાતો મળી, તો એમને શોધવા માટે લોકો ટોળકી બનાવીને જંગલોમાં ભટકતા હોવાની પણ ખબર પડી.
ઘણા દિવસો પછી ફરી હું ગોધરા મિત્રના ફોટો-સ્ટુડિયો અને લૅબોરેટરી પર પહોંચ્યો. સતત કફ્ર્યુના કારણે બજારો બંધ હતાં, પણ નુકસાનીના સર્વેની તસવીરોના ઘણા બધા રોલ ડેવલપ કરવાનું કામ આવ્યું હોવાથી મિત્રએ લૅબોરેટરી ખોલી હતી. અડધા ઊઘડેલા શટર નીચે થઈને હું પણ પહોંચ્યો. લૅબમાં રોલ ડેવલપ કરવાનું અને ફોટોપ્રિન્ટ કાઢવાનું કામ ચાલી રહ્યું હતું. મશીનના એક છેડે ફોટોગ્રાફ્સની થપ્પી પડી હતી. મેં એકાદ થપ્પી લઈને ફોટો જોયો. જીવતી સળગેલી લાશો, મકાનોના એકસાથે આટલા બધા ફોટોગ્રાફ્સ જીવનમાં પહેલી વાર જોયા હતા. કેટલીક લાશ મહિલાઓની હતી, જેમાં બ્રેસ્ટનો ભાગ ગાયબ હતો, તો પ્રાઇવેટ પાટ્ર્સમાં કોલ્ડ્રિંક્સની બૉટેલો ખોસાયેલી હતી. કેટલીક લાશો બે-ત્રણથી લઈને સાતેક વર્ષનાં બાળકોની હોવાનું સ્પષ્ટ જણાઈ આવતું. આ જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. કારણ કે આવી તસવીરો બે-પાંચ નહીં, અનેક હતી. કમનસીબે એ તસવીરોના દસ્તાવેજી મૂલ્ય વિશે ત્યારે સભાનતા નહોતી.
૨૦૦૨માં ગોધરામાં લગભગ એક વર્ષ સુધી સંચારબંધી રહી. સમયાંતરે એમાં દિવસના અમુક કલાક છૂટછાટ અપાતી. જનજીવન કથિતપણે થાળે પડ્યા બાદ હું મારા ફોટોગ્રાફીના કામમાં અને કૉલેજના અભ્યાસમાં ફરી સક્રિય બન્યો. ડિસેમ્બરમાં ચૂંટણી હતી અને મુખ્યમંત્રી ગૌરવયાત્રાએ નીકળ્યા હતા, જેનો એક પડાવ ગોધરા પણ હતું. ગોધરાના કૉલેજગ્રાઉન્ડ પર વિશાળ જનમેદનીને એમણે સંબોધન કર્યું. તેઓ હિન્દીમાં બોલી રહ્યા હતા. એ સભામાં એમના મુખે બોલાયેલો એક ડાયલોગ આજે પણ યાદ છે. ચોમેર દેખાતી ભીડ તરફ આંગળી કરીને એમણે લલકાર્યું હતું કે,
‘જહાં ભી જાતા હું યહી નજારા દેખને કો મિલતા હૈ ..
(થોડી સેકન્ડનો પૉઝ)
ક્યું કી જો આગ મેરે દિલ મેં હૈ વહ તુમ્હારે દિલ મેં ભી હૈ …’
(તાળીઓનો ગડગડાટ. ચોમેર ચિચિયારીઓ)
એ પછી ૨૦૦૫માં તેમણે રમખાણના કેસમાં ‘ક્લિનચીટ’ મળ્યા બાદ હિંસામાં નિર્દોષ લોકોનું લોહી રેડાયું એ બદલ થયેલી પીડા પોતાના બ્લૉગમાં વર્ણવી. પોતે અંદરથી હચમચી ગયા હોવાનો (શૅકન ટૂ ધ કૉર) એકરાર પણ કર્યો. ગોધરાની એક સરકારી કૉલોનીમાં ગાળેલા કિશોરાવસ્થાના દિવસોમાં અમે રમખાણોના દિવસોમાં ઘણી મઝા કરતા. અને એટલે જ તોફાનો અમને ગમતાં. પછી જરા સમજ વિસ્તરી, એટલે કોમી તોફાનોના એ આકર્ષણ બદલ ગિલ્ટની ભાવના આવતી, પણ કાચી વય હોવાથી આવું બને એમ કહીને મન મનાવી લીધું. પણ સમજ વિસ્તરી, ત્યારે એ ખ્યાલ આવ્યો કે રમખાણો માત્ર અમને એકલાને ગમતાં નહોતાં.
૨૦૦૪માં ગોધરામાં ગ્રૅજ્યુએશન પૂરું કર્યું અને જર્નલિઝમના અભ્યાસ માટે અમદાવાદની બસ પકડી. ત્યારથી ગોધરા સાથેનો જીવંત સંબંધ કપાઈ ગયો અને અમદાવાદ સાથે જોડાણ થયું. થોડાં વરસ પછી ફરી ગોધરા જવાનું બન્યું. મિત્રએ પોલન બજારના સુલેમાનને ત્યાં જવાનો પ્રસ્તાવ મૂક્યો. હું તરત તૈયાર થયો. ગોધરાની કૉલેજમાં ભણતા, ત્યારે ઘણીવાર સુલેમાનના ઠેલે ઑમલેટ ખાવા માટે જતા. તે દિવસે પણ અમે પહોંચ્યા. ઑર્ડર આપ્યો અને ખાધુંપીધું ને ઘણી વાતો કરી. છેલ્લે પૈસા ચૂકવતાં પહેલાં સુલેમાનને પૂછ્યું કે ‘અમને ઓળખ્યા કે નહીં?’ એની લારીએ રોજના અનેક લોકો આવે અને અમે વર્ષો પછી ગયા હતા એટલે એ ઓળખી ના શક્યો. પછી અમે કહ્યું કે વર્ષો પહેલાં અમે તારે ત્યાં નિયમિત આવતા હતા. સુલેમાન આ સાંભળીને અત્યંત ગળગળો થઈ ગયો. અમે પૈસા પૂછ્યા, તો એણે લેવાની ધરાર ના પાડી અને કહ્યું, ‘આપ હમારે મહેમાન હો, આપસે કૈસે પૈસે લે સકતા હુઁ.’ એ ટાણે અમને સુલેમાનની મહેમાનવાજી નહીં, ટનલના છેડેથી આવતો પ્રકાશ દેખાયો હતો.
e.mail : chetanpagi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2019; પૃ. 07 – 11