સંપૂર્ણ આધાર-પુરાવા અને તર્ક-વિગતપૂર્ણ રીતે લખાયેલા, આ લેખના છેલ્લા ફકરે આપણે વાંચીશું, “મોહનદાસ માટે શામળદાસ કૉલેજનો ટૂંકા ગાળાનો અભ્યાસ તેમના જીવનની એક નવી જ દિશા ચીંધનારો બની રહ્યો. જો મોહનદાસ શામળદાસ કૉલેજના અભ્યાસમાં સફળ રહ્યા હોત અને [પછી] કોઈ નોકરીમાં જોડાઈ ગયા હોત, તો તેમની કારકિર્દી એટલે સુધી જ મર્યાદિત થઈ ગઈ હોત. માટે મોહનદાસનો શામળદાસ કૉલેજનો અભ્યાસકાળ તેમના જીવનમાં આગવું અને પરિવર્તનકારી મૂલ્ય ધરાવે છે.”
“હા, વાત તો બરોબર છે. પણ આમાં વિશેષ શું છે? ગાંધી-જીવન અને કવન વિશે થોડુંઘણું જાણતી કોઈ પણ વ્યક્તિ; આ બાબત શું, એમના જીવનની બીજી કેટલીક બાબતોમાં પણ કેટલાક 'જો’ 'તો’ મૂકીને, અને એનાથી પણ આગળ વધીને તેમના જીવનમાં કઈ કઈ બાબતો 'આગવું અને પરિવર્તનકારી મૂલ્ય’ ધરાવે છે, એ કહી જ શકે ને?!”
“ચોક્કસ કહી શકે, આપણા દેશમાં તો કહી જ શકે … પણ પ્રસ્તુત લેખ(અને આ લેખ જે પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે તે પુસ્તક ‘મહાત્મા – સ્વરાજની સફર અને સૌરાષ્ટ્રનાં સાથીદારો’)ના લેખકની આ અભિવ્યક્તિ મૂકવા ખાતર મૂકવામાં આવતા ‘જો’-‘તો’થી કેટલી ઉપર છે, અને એનું મહત્ત્વ કેવું હટકે છે તે તો આ લેખ વાંચ્યા પછી જ સમજાય એમ છે. ખાસ કરીને ત્યારે, જ્યારે મોહનદાસ ગાંધી ભાવનગરની જે શામળદાસ કૉલેજમાં ભણ્યા હતા એ મકાન કયું તે અંગે સુજ્ઞજનોમાં દ્વિધા પ્રવર્તતી હોય અથવા કૉલેજના અન્ય કોઈ મકાનને મોહનદાસ ભણ્યા હતા એ મકાન તરીકે ગણવા-ગણાવવામાં આવતું હોય …. તો એમાં 'સુધારાનું દર્શન’ કરાવવું આવશ્યક બની રહે છે.”
“અચ્છા! તો ગાંધીજી ભણ્યા હતા એ મકાન અંગે 'ખરો સુધારો શું?’ ”
“આ તમે ઠીક પૂછ્યું. એ ‘સુધારો’ જ, ઐતિહાસિક એવા સાહિત્યિક અને સાંયોગિક આધાર-પુરાવા સાથે સૂચવે છે, શામળદાસ કૉલેજમાં (પણ અલગ મકાનમાં) આચાર્ય રહી ચૂકેલા સાહિત્ય-સંશોધક ડૉ. ગંભીરસિંહ ગોહિલ ….”
— સંપાદક, ‘મહાત્મા – સ્વરાજની સફર અને સૌરાષ્ટૃનાં સાથીદારો’
•••
ઈ.સ. ૧૮૮૮નું એ વર્ષ હતું. તે વખતે સૌરાષ્ટ્રમાં ટ્રેન-વ્યવહાર હજી શરૂ થઈ રહ્યો હતો. ભાવનગર અને ગોંડલ રાજ્યે જેતપુર સુધીની રેલવેલાઇન નાખી દીધી હતી. ધોતિયું, લાંબો કોટ અને પાઘડી સાથેનો એક અઢારેક વર્ષનો યુવાન માથે પોટલું દબાવીને જેતપુરના રેલવેસ્ટેશને દોડતો હતો. તેની ભાવનગર જવા માટેની ટ્રેન ઊપડી રહી હતી. રાજકોટથી જેતપુર સુધી આવવા માટે યુવાને અબ્બુબકર જમાલની ભાડેની ઊંટગાડીમાં આવવું પડ્યું હતું. ટ્રેનમાં જેતપુરથી નીકળી સવારે ભાવનગર પહોંચતા તેને રામજી મંદિરની ઓરડીમાં જશોનાથ મંદિરના પૂજારીની ઓળખાણથી ઊતરવાની સગવડ મળી હતી. સવારે જશોનાથ મંદિર સામેના ગંગાજળિયા તળાવના કિનારે ચાલીને આગળ જતાં આલ્ફ્રેડ હાઈસ્કૂલની બાજુની દીવાલની સામેના મકાનના થોડા ખંડોમાં બેસતી કૉલેજમાં પ્રવેશ મળી ગયો. અને એ યુવાનના આ કૉલેજમાં ભણવાને કારણે પછીનાં વર્ષોમાં તે કૉલેજ વિશ્વભરમાં જાણીતી થઈ. તે યુવાન એટલે મોહનદાસ કરમચંદ ગાંધી અને કૉલેજ એટલે ભાવનગરની શામળદાસ કૉલેજ. આ કૉલેજ તેના પ્રારંભકાળથી અત્યાર સુધી અલગ અલગ કુલ ત્રણ મકાનોમાં ચાલી, એટલે ભવિષ્યમાં ‘મહાત્મા’ તરીકે વિશ્વભરમાં ઓળખાનારા યુવાન મોહનદાસ ભણ્યા એ શામળદાસ કૉલેજનું અસલ મકાન કયું, તે અંગે મતમતાંતર પ્રવર્તે છે, આ પ્રકરણમાં આધારો સાથે તે સ્પષ્ટ કરવા પ્રયત્ન કરાયો છે.
કૉલેજના સ્થાપનાકાળથી તેની વાત કરતાં આ મુદ્દે વધુ સ્પષ્ટતાથી આગળ વધાશે. ભાવનગરમાં સૌરાષ્ટ્ર વિસ્તારની પહેલી એવી શામળદાસ કૉલેજ શરૂ થતાં મુંબઈ યુનિવર્સિટીએ તેના ખર્ચ માટેની ખાતરી માગી હતી. મહારાજા તખ્તસિંહજીએ પોતાના રાજ્યની પૂરેપૂરી મહેસૂલી આવક તેની ખાતરી તરીકે ધરી દેતાં કૉલેજ શરૂ કરવાની માન્યતા મળી હતી. દીવાન શામળદાસ પરમાનંદદાસ મહેતાના સ્મરણમાં મહારાજાએ આ કૉલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. માટે તેનું નામ શામળદાસ કૉલેજ રાખવામાં આવ્યું હતું. કૉલેજને યોગ્ય પ્રિન્સિપાલની શોધ માટે ઇંગ્લંડમાં તપાસ કરવા ભાવનગર રાજ્યના પૂર્વ અધિકારી અને તે સમયે બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય મહેરવાનજી મંચેરજી ભાવનગરીને આ કામ સોંપાયું હતું. તેમણે જાહેરાત આપતાં ૧૩૦ અરજીઓ આવતાં તે માટે રચાયેલી ખાસ પસંદગી સમિતિએ પૂર્વની વિદ્યાઓના નિષ્ણાત આર.એચ. ગનિયનની આ માટે પસંદગી કરી હતી. દરમિયાનમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પ્રો. ઊનવાળાએ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જ કૉલેજના વર્ગો શરૂ કરી દીધા હતા. પ્રો. ગનિયને ફેબ્રુઆરી ૧૮૮૮માં ભાવનગર આવીને આચાર્ય તરીકેની કામગીરી સંભાળી.
શામળદાસ કૉલેજ, ભાવનગર
આલ્ફ્રેડ હાઈસ્કૂલ
દીવાન શામળદાસ પરમાનંદદાસ મહેતાના સ્મરણમાં મહારાજા તખ્તસિંહજીએ કૉલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો. ૧૮૮પમાં શામળદાસ કૉલેજની સ્થાપના પછી પ્રારંભના કેટલાક મહિના કૉલેજ આ મકાનમાં ચાલી હતી.
ગાંધીજી ભણ્યા હતા એ મકાન
હાલની માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલના મકાનનો જૂનો ભાગ જે ૧૮૮રમાં બંધાયું. ત્યારે તેનું નામ ‘બાર્ટન લાઈબ્રેરી એન્ડ મ્યુઝિયમ’ હતું. ૧૮૯ર સુધી શામળદાસ કૉલેજ અહીં બેસતી. જ્યાં ૧૮૮૮માં એક સત્ર દરમિયાન મોહનદાસે અભ્યાસ કર્યો.
તે સમયે કૉલેજનાં સત્રો જાન્યુઆરીથી જૂન અને જુલાઈથી ડિસેમ્બર સુધીનાં હતાં. આથી મોહનદાસનો અભ્યાસ ૧૮૮૮ના જાન્યુઆરીની પહેલી તારીખ આસપાસ શરૂ થયેલો. એક ઉલ્લેખ પ્રમાણે શામળદાસ કૉલેજના નવા મકાનનું ઉદ્ઘાટન મુંબઈ પ્રાંતના ગવર્નર લૉર્ડ રેના હસ્તે ૧૮૮૬ની ૧૭ ડિસેમ્બરે થયું હતું, પરંતુ પ્રમાણો દર્શાવે છે કે તે ઉદ્ઘાટન કૉલેજના નવા મકાનનું નહીં, નવા મકાનના મુખ્ય હૉલનું માત્ર હતું. શામળદાસ કૉલેજના આરંભકાળની રૂપરેખા આપતાં ૧૯૬૭માં પ્રો. કે.સી. શાહે લખ્યું છે તેમ, જ્યાં સુધી કૉલેજનું નવું મકાન તૈયાર ન થાય ત્યાં સુધી કૉલેજના વર્ગો બાર્ટન લાઇબ્રેરીમાં ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેની શરૂઆત ૧૮૮રમાં થઈ હતી. આ સ્થળે મોહનદાસ ૧૮૮૮માં ભણેલા એવી તકતી પણ મુકવામાં આવી છે, પણ તેમાં કૉલેજ શરૂ થવાનું વર્ષ ૧૮૭૪ લખ્યું છે, જે ગંભીર ભૂલ છે, તે ૧૮૮પ જોઈએ.
કૉલેજ સંબંધે મળેલાં અન્ય આધારભૂત પ્રમાણો અનુસાર મુંબઈ યુનિવર્સિટીના ૧૯૨૯-૩૦ના કૅલેન્ડર(વાર્ષિક અહેવાલ)માં પૃષ્ઠ ૪૮ ઉપર એ હકીકત નોંધાઈ છે કે હાલના આયુર્વેદ કૉલેજવાળા મકાનનો ઉપયોગ ઈ.સ. ૧૮૯૩માં આરંભાયો હતો. તેમાં સ્પષ્ટ લખ્યું છે : The lecture hall was declared open by his excellency the Right Honourable Lord Reay, on the 17th December, 1886. The College classes were opend in January, 1885, and the new building was occupied in 1893. આ વિગતનો ક્રમિક ફલિતાર્થ એ છે કે ભાવનગરમાં ઈ.સ. ૧૮૮રમાં બાર્ટન લાઇબ્રેરી અને મ્યુઝિયમની સ્થાપના થઈ. ૧૮૮પમાં શામળદાસ કૉલેજની સ્થાપના થઈ. પ્રારંભના કેટલાક મહિના કૉલેજ આલ્ફ્રેડ હાઈસ્કૂલના વર્ગોમાં ચાલી. એ પછી ઇ.સ. ૧૮૯ર સુધી બાર્ટન લાઇબ્રેરીના એટલે કે હાલના માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલવાળા મકાનના જૂના ભાગમાં કૉલેજ ચાલી. મોહનદાસે ૧૮૮૮માં જાન્યુઆરીમાં ત્યાં પ્રવેશ મેળવ્યો અને એક સત્ર એટલે કે જૂન સુધી ભણ્યા. હાલનું આયુર્વેદ કૉલેજવાળું જાણીતું મકાન, ભાવનગર રાજ્યના બાહોશ બાંધકામ અધિકારી આર. પ્રોક્ટર સિમ્સે ખંતપૂર્વક તૈયાર કર્યું હતું તે મકાનમાં તો છેક ૧૮૯૩થી શામળદાસ કૉલેજ શરૂ થઈ.
બીજો પણ એક મહત્ત્વનો પુરાવો મળે છે. સુરતના ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી જનાર્દન વીરભદ્ર પાઠકજી ‘સરદાર’ પાસેથી. ભાવનગરનાં સંસ્મરણો વર્ણવતાં તેઓ લખે છે કે ગાંધીજીના સહાધ્યાયી હતા. જો કે તેમને અને મોહનદાસને તે વખતે પરિચય થયેલો નહોતો. મોહનદાસ ૧૮૮૮માં દાખલ થયા ત્યારે પાઠકજી ૧૮૮૭માં દાખલ થઈ આગળના વર્ગમાં ભણતા હતા. સરદાર જનાર્દન પાઠકજીએ સ્પષ્ટ લખ્યું છે કે કૉલેજની શરૂઆત થોડાં વરસથી થઈ હતી અને તેનું કાર્ય બાર્ટન લાઇબ્રેરીવાળા મકાનમાં ચાલતું હતું. મોહનદાસ સહિત તેઓ ત્યાં જ ભણ્યા હતા. કૉલેજના તે સ્થળથી કેટલેક અંતરે આવેલાં સ્થળો મોતીબાગ પૅલેસ, ગંગાજળિયા તળાવ, ગંગાજળિયો કૂવો, જશોનાથ મહાદેવનું મંદિર, રૂવાપરી દરવાજો, ભાદેવાણીની શેરી, નાગરપોળ વગેરેનું તેમણે વર્ણન કરેલું છે.
ભાવનગરના જાણીતા શાયર અને લેખક કપિલ ઠક્કરે ‘ભાવનગર સમાચાર’માં પોતાની લેખમાળા ‘પાછળ નઝર’ના ૧ર મે, ૧૯પ૧ના અંકમાં લખેલ છે કે તેમના પિતાશ્રી પરમાણંદ ઠક્કર ગાંધીજીના સહાધ્યાયી હતા. શામળદાસ કૉલેજ દ્વારા ૧૮૮૮ના એપ્રિલમાં સ્કોલરશિપ માટેની પરીક્ષા લેવાયેલી તેના પરિણામપત્રકમાં મોહનદાસનું નામ ૧રમા ક્રમે અને પરમાણંદ વિઠ્ઠલ ઠક્કરનું ર૪મા ક્રમે વાંચી શકાય છે એટલે કપિલ ઠક્કરની વાતની ખાતરી થઈ શકે છે. તેઓ પણ ગાંધીજીના સહાધ્યાયીઓના નામ સરદાર પાઠકજીએ આપેલાં નામને લગભગ મળતાં જ આપે છે. કપિલભાઈ પોતે પણ શામળદાસ કૉલેજમાં ૧૯૧૦થી આરંભીને અભ્યાસ કરતા હતા. ૧૯૧૭માં એમ.એ. થયેલા અને થોડો સમય તે જ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક હતા. તેઓ પણ લખે છે કે ગાંધીજી અને તેમના પિતાશ્રી હાલના માજીરાજ કન્યા હાઈસ્કૂલવાળા મકાનમાં જ ભણ્યા હતા. આમ, ભાવનગરમાં ગાંધીજીના અભ્યાસનું સ્થળ શામળદાસ કૉલેજનું નવું મકાન નહીં, પણ માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલવાળું મકાન હતું એ વિગત વધુ આધારભૂત જણાય છે.
કૉલેજના શિક્ષકગણમાં પ્રો. જમશેદજી ઊનવાલા (ભૌતિકવિજ્ઞાન), પ્રા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી (સંસ્કૃત), પ્રા. બરજોરજી એન્ટી (ઇતિહાસ), અને પ્રા. શેખ મહમ્મદ ઇસ્ફહાની (ફારસી) મુખ્ય હતા. મોહનદાસ ૧૮૮૮ના જાન્યુઆરીમાં કૉલેજના વિદ્યાર્થી તરીકે પ્રવેશ્યા ત્યારે તેમનાથી આગળ કૉલેજના ૧૮૮પમાં પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ ચોથા વર્ષમાં અભ્યાસ કરતા હતા. તેમાંથી ૧૮૮૮ના અંતે લેવાયેલી મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષામાં સૌપ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવનારા કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી (ઇતિહાસકાર અને અનુવાદક, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ-૧૯૩૧) હતા. તે ઉપરાંત તેમની સાથે ભણેલા વિદ્યાર્થીઓમાં જાણીતા કવિ અને વિવેચક બ.ક.ઠા. (બળવંતરાય કલ્યાણરાય ઠાકોર), જહાંગીર ગંભીર, વરજદાસ બારૈયા, હરિહરશંકર દવે, કે. ખુશરો એન્ટી, નાનચંદ દોશી, પરીખ ભોગીલાલ બાબુલાલ, ઈશ્વરરાય બાબુભાઈ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એ વખતે કૉલેજમાં અભ્યાસ કરનારાઓમાં પછીથી ગોંડલ રાજ્યના દીવાન થયા એ પ્રાણશંકર ભવાનીશંકર જોશી, ભાવનગર રાજ્યના ચિફ જસ્ટિસ થયા તે મણિલાલ હરિલાલ મહેતા, શાંતિલાલ કે. મહેતા, મણિલાલ એચ. મહેતા, વિઠ્ઠલદાસ જી. ત્રિવેદી, ત્રંબકલાલ સી. ભટ્ટ, સાકરલાલ આર. દેસાઈ, ડૉક્ટર પેસ્તનજી બી., મોહનલાલ જે. મારૂ, મોતીલાલ પી. મહેતા, ભોગીલાલ બી. પરીખ, મણિલાલ સી. મહેતા, ગુલાબશંકર કે. વૈદ્ય, મોતીચંદ સી. શાહ, બળવંતરાય એચ. બૂચ, ડૉક્ટર નટવરલાલ બી., નટવરલાલ કે. ગામી, ફૂલચંદ બી. મહેતા, દિનશા એમ. મુનશી વગેરે મોહનદાસના સહાધ્યાયીઓ હતા.
મોહનદાસ કરમચંદ ગાંધીનો ભાવનગરની શામળદાસ કૉલેજમાં થયેલો થોડા મહિનાનો અભ્યાસ તેમના જીવનનો દિશા પરિવર્તનકારી તબક્કો હતો. ૧૮૮૮ના જાન્યુઆરીથી એપ્રિલ સુધીના પહેલા સત્ર પૂરતા જ તેઓ ત્યાં ભણ્યા હતા. રહેવા માટે તેમને હોસ્ટેલની રૂમ તરીકે જશોનાથ મંદિરના સામેના દરવાજા પાસેની ઓરડી મળી હતી. વૅકેશન શરૂ થતાં તેઓ રાજકોટ આવી ગયેલા. તેમનો આ સમય દરિમયાન થયેલો અભ્યાસ વખાણવા જેવો નહોતો રહ્યો. સત્ર મધ્યે લેવાયેલી સ્કોલરશિપ માટેની પરીક્ષાઓમાં તેઓએ ત્રણ વિષયમાં પરીક્ષા આપી ન હતી અને ચાર વિષયમાં લગભગ નાપાસ થયેલા. આત્મકથામાં તેમણે શામળદાસ કૉલેજ માટે લખ્યું છે : ‘‘ત્યાં મને કાંઈ આવડે નહીં, બધું મુશ્કેલ લાગે, અધ્યાપકોનાં વ્યાખ્યાનોમાં ન પડે રસ ને ન પડે સમજ. આમાં દોષ અધ્યાપકોનો નહોતો. મારી કચાશનો જ હતો. તે કાળના શામળદાસ કૉલેજના અધ્યાપકો તો પહેલી પંક્તિના ગણાતા.’’ તે સમયના પ્રાધ્યાપકોમાંથી સંસ્કૃતના પ્રાધ્યાપક અને સાહિત્યકાર મણિલાલ નભુભાઈ દ્વિવેદી પ્રત્યે તેમને ઘણું માન હતું. ‘‘કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’’ તે કાવ્યરચના તેમને ખૂબ ગમતી. વૅકેશનમાં તેઓ રાજકોટ પહોંચ્યા ત્યારે પોતાના અભ્યાસના પરિણામે તેઓ અકળાયેલા અને મૂંઝાયેલા હતા. કૉલેજના આગળ અભ્યાસ અંગે તેમના મનમાં કોઈ સ્પષ્ટતા નહોતી.
આ દિવસોમાં મોહનદાસના પિતા કરમચંદના મિત્ર અને કુટુંબના સલાહકાર વ્યવહારકુશળ માવજી દવે સૌને મળવા માટે આવ્યા. તેમને કુટુંબના કુશળ સમાચાર પૂછવા સાથે મોહનદાસના અભ્યાસ વિશે જાણકારી માગી. વાતચીતમાં માવજી દવેએ કહ્યું કે, કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી ‘પચાસ સાઠ રૂપિયાની નોકરી મળશે, દીવાનપદ નહીં મળે.’
કુટુંબના સભ્યોએ માવજી દવેની સલાહ માનભેર સાંભળી. તેમણે મોહનદાસને બારિસ્ટર બનવા વિલાયત ભણવા મોકલવાની સલાહ આપી. મોહનદાસ તો તેમાં સહમત થઈ ગયા કેમ કે તેમને બીજો કોઈ રસ્તો સૂઝતો નહોતો. કરમચંદ ગાંધીના અવસાન પછી કુટુંબની આર્થિક સ્થિતિ સારી રહી ન હતી. છતાં મોટા ભાઈ લક્ષ્મીદાસે પૂરા પ્રયત્નો કરીને મોહનદાસને બારિસ્ટર થવા માટે વિલાયત મોકલવાનો નિર્ણય કર્યો. ઘણા પ્રયત્નોના અંતે જોઈતી રકમ એકત્ર કરીને તેમણે મોહનદાસ સાથે મુંબઈ જઈને તે જ વર્ષે એટલે કે ૧૮૮૮ના સપ્ટેમ્બર મહિનામાં મોહનદાસને આગબોટ દ્વારા લંડન જવા વિદાય આપી.
આમ, મોહનદાસ માટે શામળદાસ કૉલેજનો ટૂંકા ગાળાનો અભ્યાસ તેમના જીવનની એક નવી જ દિશા ચીંધનારો બની રહ્યો. જો મોહનદાસ શામળદાસ કૉલેજના અભ્યાસમાં સફળ રહ્યા હોત અને કોઈ નોકરીમાં જોડાઈ ગયા હોત, તો તેમની કારકિર્દી એટલે સુધી જ મર્યાદિત થઈ ગઈ હોત. માટે મોહનદાસનો શામળદાસ કૉલેજનો અભ્યાસકાળ તેમના જીવનમાં આગવું અને પરિવર્તનકારી મૂલ્ય ધરાવે છે.
રાજકોટ
મહાત્મા – સ્વરાજની સફર અને સૌરાષ્ટ્રનાં સાથીદારો : લેખક – ગંભીરસિંહ ગોહિલ, સંપાદક – કેતન રુપેરા : પ્રકાશક : 3S Publication : પ્રથમ આવૃત્તિ : ડિસેમ્બર ૨૦૧૯; પેપરબૅક, સાઇઝ : ૫.૫” x ૮.૫”; પૃષ્ઠ : ૮ ૧૭૬; કિં. ૨૨૦/-
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 04-06