
કાન્તિભાઈ શાહ
હિંદુ-મુસ્લિમ સંબંધ, કોમી એકતા અને સાંસ્કૃતિક સંગમની દૃષ્ટિએ જોઈએ, તો છેલ્લાં સો વર્ષ એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગાળો છે. આ ગાળા દરમ્યાન વાતાવરણ ખૂબ ડહોળાઈ ગયું છે. કલુષિત બની ગયું છે તથા ભારતીય સંસ્કૃતિની આગવી એવી સમન્વયની પ્રક્રિયા રફેદફે થઈ ગઈ છે. સમન્વયના કરતાં વિભાજનનાં, સ્નેહ ને સદ્ભાવ કરતાં વેરઝેરનાં પરિબળો વધુ બળૂકાં પુરવાર થયાં છે તથા તે પરિબળો છેવટે આ દેશના ભાગલા તરફ તેમ જ કાયમના કોમી વિખવાદ તરફ દોરી ગયાં છે. આ સો વરસની દાસ્તાન એક અત્યંત દર્દભરી અને ભારતીય સંસ્કૃતિના અત્યંત કપરા સંઘર્ષકાળની દાસ્તાન છે.
આ ગાળાનો ઇતિહાસ ખાસ કરીને ચાર પરિબળોના આઘાત-પ્રત્યાઘાત અને આંતરદ્વંદ્વ દ્વારા રચાયો છે. આ ચાર પરિબળ છે ° પ્રજાકીય પરિબળ, ° કોમી કટ્ટરવાદી પરિબળ, ° રાજકારણનું પરિબળ અને ° રાષ્ટ્રવાદી પરિબળ. આ છેલ્લા રાષ્ટ્રવાદી પરિબળને વિવેકાનંદ-માર્ગી પરિબળ પણ કહી શકાય, કે જેણે વિવેકાનંદની સમન્વયકારી પ્રક્રિયાને આગળ વધારવાની સતત કોશિશ કર્યા કરી. પરંતુ કોમી કટ્ટરવાદી તેમ જ રાજકારણી પરિબળો વધુ બળૂકાં પુરવાર થયાં.
આ ગાળા દરમ્યાન એમ પણ જોવા મળે છે કે અમુક વ્યક્તિઓએ આ ઇતિહાસ રચવામાં ઘણી આગળ પડતી ભૂમિકા ભજવી છે ખરી, પણ તે ભૂમિકા જે-તે વખતની પ્રાપ્ત પરિસ્થિતિને પલાણીને નહીં, પણ તે પરિસ્થિતિનાં પ્યાદાં રૂપ બનીને ભજવી છે. એટલે કે ઇતિહાસ આ વ્યક્તિઓએ નથી ઘડ્યો, પણ પરિસ્થિતિએ આ વ્યક્તિઓ ઉપર હાવી થઈ જઈને ઘડ્યો છે. પરિણામે, એકની એક વ્યક્તિ જુદા જુદા સમયગાળામાં જુદી જુદી ભૂમિકા, સાવ એકબીજાથી વિરુદ્ધ ભૂમિકા ભજવી ગઈ છે.
સૌથી કમનસીબ કથની, મહમદઅલી ઝીણાની !
આનું સૌથી મોટું ઉદાહરણ છે, આ ગાળામાં જેમની એક મુખ્ય ભૂમિકા રહી અને જે પાકિસ્તાનના જનક ગણાયા તે મહમદઅલી ઝીણાની. ઝીણાની જાહેર કારકિર્દી એક પ્રખર રાષ્ટ્રવાદી તરીકે શરૂ થયેલી. દેશના ‘સ્વરાજ’નો સર્વ પ્રથમ ઉદ્ઘોષ કરનાર દાદાભાઈ નવરોજી ઝીણાના પ્રેરણામૂર્તિ. થોડો વખત ઝીણાએ એમના સચિવ તરીકે પણ કામ કરેલું. એક પારસી યુવતી સાથે પરણેલા. ધર્મનું કોઈ વળગણ એમને નહોતું. પૂરા બૌદ્ધિક હતા. અખંડ હિંદુસ્તાન અને હિંદુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી. ૧૯૧૫માં ગાંધીજી જ્યારે હિંદુસ્તાનમાં આવ્યા, ત્યારે ગોખલેએ એમને કહેલું કે, “આ ઝીણામાં સાચું ઝવેર છે, તેઓ હિંદુ-મુસ્લિમ એકતાના ઉત્તમ એલચી બની શકશે.” ૧૯૨૫ના અરસામાં એક વાર એક મુસ્લિમ યુવક વાત-વાતમાં બોલી ગયો કે, “હું સૌથી પહેલો એક મુસલમાન છું.” ત્યારે ઝીણાએ પ્યારથી એનો ખભો પકડી કહ્યું, “ના બેટા ! સૌથી પહેલાં તું એક ભારતીય છે, અને પછી એક મુસલમાન.” આ જ અરસામાં એમણે જાહેરમાં પણ એક વાર કહેલું કે, “હું સર્વ પ્રથમ રાષ્ટ્રવાદી છું, પછીયે રાષ્ટ્રવાદી છું, અંતે ય રાષ્ટ્રવાદી છું.”

મહમ્મઅલી જિન્હા
ઝીણા બાહોશ વકીલ હતા. બંધારણવાદી હતી. એમના એક ચરિત્રકારે લખ્યું છે કે ઝીણાને મુસ્લિમ ગોખલે થવાની ઉત્કટ ઇચ્છા હતી. કૉંગ્રેસમાં એ વગવાળું સ્થાન ધરાવતા થયા હતા. એની બેસન્ટની હોમરૂલ લીગમાંયે ઝીણાનું આગળ પડતું સ્થાન હતું. તેઓ મુસ્લિમ લીગમાંયે ભાગ લેતા. ત્યારે કૉંગ્રેસ અને લીગ વચ્ચે હજી વૈમન્સ્ય નહોતું. તે વરસોમાં તો ઘણી વાર કૉંગ્રેસ અને લીગનાં અધિવેશનો એક જ શહેરમાં લગભગ સાથે સાથે ભરાતાં અને બંનેના આગેવાનો એકબીજાના મંચ ગજવતા. આવી રીતે લખનૌમાં એકી સમયે મળેલ બંનેનાં અધિવેશનોમાં એક સંયુક્ત યોજના માન્ય થયેલી તથા બહુ જાણીતા થયેલા લખનૌ કરાર ઉપર લોકમાન્ય તિલક અને ઝીણાની સહીઓ હતી. આ સમયગાળામાં એક રાષ્ટ્રવાદી મુસ્લિમ તરીકે ઝીણાની પ્રતિષ્ઠા શિખર ઉપર હતી તથા લગભગ ૧૯૨૭-૨૮ સુધી હિંદુ-મુસ્લિમ એકતા માટે ઝીણા બહુ પ્રયાસ કરતા રહ્યા હતા.
પરંતુ ઝીણા બહુ મહત્ત્વાકાંક્ષી માણસ હતા. પોતે કેન્દ્રમાં રહે એવી અપેક્ષા એમને સતત રહેતી. કૉંગ્રેસના થઈ રહેલા નવા રૂપાંતરમાં ગાંધીજી, નહેરુ, સરદાર, રાજાજી, રાજેન્દ્રબાબુ વગેરે નેતાઓ વચ્ચે ઝીણાનું પોતાની અપેક્ષા પ્રમાણેનું સ્થાન જળવાતું નહોતું. આમ, વ્યક્તિત્વોની ટક્કર ચાલ્યા કરતી. એમ લાગે છે કે ગાંધીજીનો એમની સાથેનો વર્તાવ બહુ સલુકાઈ-ભર્યો રહ્યો નહોતો. કાંઈક વડીલપણાનો રહ્યો હતો. બીજા નેતાઓના વ્યવહાર-વર્તનથીયે પોતે અપમાનિત થઈ રહ્યા છે એવી લાગણી ઝીણાના મનમાં રહેતી. વ્યક્તિગત સ્વભાવોએ, પૂર્વગ્રહોએ અને મિથ્યા અભિમાનોએ પણ ઘણો ભાગ ભજવ્યો. ઝીણાને કૉંગ્રેસમાં જોઈએ તેટલો માન-મરતબો ન મળ્યો.
અને મુખ્ય વસ્તુ તો એ બની કે કૉંગ્રેસનું નવું સ્વરૂપ ઝીણાને માફક ન આવ્યું. ગોખલેની જેમ બંધારણીય માર્ગે આઝાદી મેળવવાનું ઝીણાનું વલણ હતું. ઝીણા ઝાઝા ‘માસ’ના માણસ નહોતા. અંગ્રેજી બોલચાલ અને અંગ્રેજી રહેણીકરણી એમને વધુ માફક આવતી હતી. આને લીધે ગાંધીજીના આવ્યા બાદ કૉંગ્રેસનું રાજકારણ વધુ ને વધુ આંદોલનાત્મક ને લોકસમૂહનું થતું ગયું તેમ તેમ ઝીણા તેમાં બહુ બંધ – બેસતા થઈ શકતા નહોતા. આમ, છેવટે ૧૯૩૦ના અરસામાં ઝીણા અહીંનું રાજકારણ છોડીને ઇંગ્લેંડ રહેવા ચાલ્યા ગયા. ત્યાં એમણે ફરી બેરીસ્ટરી શરૂ કરી દીધી.
તેઓ કદાચ ત્યાં જ સ્થાયી થઈ ગયા હોત. પરંતુ મુસ્લિમ લીગના લિયાકતઅલી ખાન અને બીજા કેટલાક નેતાઓ જઈને એમને મનાવી લાવ્યા અને ઝીણા ૧૯૩૪-૩૫માં ભારત પાછા આવ્યા. અહીં એમને મુસ્લિમ લીગના કાયમી પ્રમુખ બનાવી દેવામાં આવ્યા.
આ અરસામાં ડૉ. આંબેડકરને એવી અપેક્ષા હતી કે ઝીણા એક બિન-કોમવાદી સંયુક્ત પક્ષ રચે, જેમાં મુસ્લિમો, અત્યંત રૂઢિચુસ્ત ન હોય એવા હિંદુઓ, અને દલિત વર્ગના લોકો ભેળા થાય. આમ થાય તો હિંદુ-મુસ્લિમ વચ્ચે પણ કોમી સદ્ભાવ ઊભો થાય અને સાથે જ મુસ્લિમો તેમ જ દલિતોને ડર હતો એવો ‘હિંદુ રાજ’નો ખતરો ટળે. આંબેડકરનો મત એવો હતો કે, “ઝીણા આ જરૂર કરી શકશે, એમને માટે આ મુશ્કેલ કામ નથી, એમનામાં સંગઠન ઊભું કરવાની શક્તિ છે અને એક અસલ રાષ્ટ્રવાદી તરીકેની એમની નામના છે.”
પરંતુ આમ ન થઈ શક્યું. ઝીણા અહીં પાછા આવીને રાષ્ટ્રના નહીં, એક કોમના જ નેતા બન્યા. અને ધીરે ધીરે કોમવાદી રાજકારણના કટ્ટર ઘડવૈયા ને લડવૈયા બનતા ગયા. ‘ઝીણાનું ઝવેર’ હિંદુ-મુસ્લિમ એકતા માટે નહીં, હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય માટે વપરાઈને વેડફાઈ ગયું. અંતતોગત્વા ઠેઠ દેશના ભાગલા સુધી દોરી જતી આ પ્રક્રિયા હતી. આ વિધિની કેટલી વિચિત્રતા ને વક્રતા છે કે એકની એક વ્યક્તિ સાવ બદલાઈ જઈને પોતાની શરૂની ભૂમિકા કરતાં છેવટે કેવી તદ્દન વિરુદ્ધની ભૂમિકા ભજવી જાય છે !
વ્યક્તિ પરિસ્થિતિના પ્યાદા રૂપ !

મુહામ્મદ ઈકબાલ
આવું જ શાયર ઈકબાલ વિશે પણ બન્યું. ‘સારે જહાં સે અચ્છા….’નો ગાનારો છેવટે પાકિસ્તાનનો સમર્થક બની ગયો. ઈકબાલના આ પરિવર્તન વિશે રાજમોહન ગાંધી લખે છે : “કવિ ઈકબાલ પશ્ચિમના દેશોના પ્રવાસ દરમ્યાન તેની પ્રગતિથી અભિભૂત થયેલા. સમાજવાદી વિચારધારાનો એમના ઉપર બહુ પ્રભાવ પડેલો. પરંતુ સામ્યવાદમાં ઈશ્વરનો ઇન્કાર હતો તે એમને પસંદ નહોતો. બીજાનો નાશ કર્યા વિના સંવાદી સભ્યતાવાળું વિશ્વ બનાવવાની એમને તમન્ના હતી. તે માટે કોઈ નવા મોડેલની શોધ કરતાં એમને છેવટે ઇસ્લામની જ વિચારધારા આને માટે અનુકૂળ જણાઈ. નૂતન આધુનિક મુસ્લિમ રાજ્ય દ્વારા જ વિશ્વમાં ભ્રાતૃભાવ વધશે, એમ એમને લાગ્યું. આમ, છેવટે એ મુસ્લિમ રાષ્ટ્રના હિમાયતી બન્યા.”

વિનાયક સાવરકર
હિંદુ-મુસ્લિમ એકતાના મેઘધનુષમાં સૌંદર્ય નીરખતા સાવરકર પણ છેવટે આ સૌંદર્યને મસળી નાખનારા બની ગયા. આવો જ એક કમનસીબ કિસ્સો સૈયદ અહમદનો છે. એમના વિશે દાદા ધર્માધિકારીએ કહ્યું છે કે, “સૈયદ અહમદ ભારતવર્ષના આધુનિક મુસ્લિમ જીવનના જનક અને આદ્યપ્રણેતા કહેવાય છે. તેઓ અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સંસ્થાપક અને મુસ્લિમ એજ્યુકેશનલ કોન્ફરન્સના સંયોજક હતા. એમણે મુસ્લિમોમાં અંગ્રેજી શિક્ષણનો વ્યાપ વધે તે માટે બહુ પ્રયત્નો કર્યા, કેમ કે નહીં તો બ્રિટિશ શાસનકાળમાં મુસ્લિમો પાછળ પડી જશે, એમ એમને લાગ્યું. રામમોહન રાયે જે કામ હિંદુ સમાજમાં કર્યું, તે જ કામ મુસ્લિમ સમાજમાં કરવાની એમને ખેવના હતી.” પરંતુ આ જ સૈયદ અહમદ આગળ જતાં કોમવાદી વલણ ધરાવતા થઈ ગયા અને એમની અલિગઢ યુનિવર્સિટી કોમવાદી વલણ વધુ દૃઢ કરવામાં કાણભૂત બની, એ મોટું દુર્દૈવ છે. એમ કહેવાય છે કે એમની પણ હિંદુ-મુસ્લિમ એકતા માટેની આશાને ઘણી ઠેસ પહોંચી હતી. આ વિશે રાજમોહન ગાંધી લખે છે : “સૈયદ અહમદ ઇસ્લામમાં સુધારાવાદી હતા. આધુનિકીકરણના તરફદાર હતા. શિક્ષણ વધે તે માટે પ્રયત્નશીલ હતા. પરંતુ બનારસમાં હિંદુઓએ ઉર્દૂ ભાષાને બદલે હિંદી ભાષાનો જ આગ્રહ રાખ્યો, તેનાથી અકળાઈને પાછળથી મુસ્લિમ-તરફી બની ગયા.” વાસ્તવમાં, આ એક નહીં બીજાં પણ અને કારણો હશે, પરંતુ તેઓ પણ બે કોમને નજીક લાવવાને બદલે દૂર કરવામાં જ કારણભૂત બન્યા.
કટ્ટરવાદી તત્ત્વો માથું ઊંચકતાં ગયાં
આ રીતે હિંદુ-મુસ્લિમ સમાજના તેમ જ સંસ્કૃતિના સમન્વયની પ્રક્રિયા વધુ ને વધુ રૂંધાતી ગઈ. આની સાથોસાથ બંને સમાજનાં કોમી કટ્ટરવાદી તત્ત્વો માથું ઊંચકતાં ગયાં. તેઓ બંને કોમ વચ્ચે અવિશ્વાસ વધારતાં રહ્યાં અને દુશ્મનાવટ ફેલાવતાં ગયાં. એમણે ઇતિહાસની ખોટી ને વિકૃત રજૂઆત કરતા રહીને બંને બાજુ ધર્મઝનૂન વધાર્યા કર્યું. મુસ્લિમ માનસમાં એવું ઝેર રેડાતું રહ્યું કે આપણે તો સેંકડો વરસ સુધી આ હિંદુઓ ઉપર રાજ ચલાવ્યું છે, અને આપણે લઘુમતીમાં હોઈએ તેથી શું થઈ ગયું ? આપણે તો શાસન કરવા જ સર્જાયા છીએ. બીજી બાજુ, હિંદુ માનસને એમ કહીને ઉશ્કેરાતું રહ્યું કે આ મુસ્લિમોએ જ આપણને આટલાં વરસ ગુલામ રાખ્યા, આપણે આટલી મોટી બહુમતીમાં હોવા છતાં એમનાથી દબાઈએ શું કામ ? ઊલટાના આપણે જ એમના ઉપર આપણું આધિપત્ય સ્થાપવું જોઈએ. બંનેએ એકબીજાનાં સમાન તત્ત્વો જોવાને બદલે એકબીજાનાં વિરોધી તત્ત્વોને જ વીણી-વીણીને પ્રગટ કરવા માંડ્યાં. અને બંનેએ પોતપોતાનાં કોમી સંગઠનો ઊભાં કરવા માંડ્યાં.
૧૯૦૬માં ઢાકાના નવાબની આગેવાની નીચે મુસ્લિમ લીગની સ્થાપના થઈ. પંજાબમાં આર્યસમાજના નેતા પંડિત લેખરામે તેમ જ બીજા કટ્ટરવાદી લોકોએ ઇસ્લામ વિરુદ્ધ બહુ પ્રચાર કરવા માંડ્યો. એમણે બધાએ મળીને ૧૯૦૭માં પંજાબ હિંદુ સભાની સ્થાપના કરી. ૧૯૧૫માં હિંદુ મહાસભાની સ્થાપના થઈ અને ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ. લાલા લજપતરાય ત્યારે કૉંગ્રેસના એક આગેવાન હતા. એમણે ૧૯૨૦માં ૧૩ લેખ લખીને એવું પ્રતિપાદન કરવાની કોશિશ કરી કે હિંદુ અને મુસલમાન એકસાથે રહી શકે તેમ નથી, અને તેથી બંગાલ અને પંજાબ પ્રાંતનું વિભાજન થવું જોઈએ. આપણે અગાઉ વિગતે જોયું તેમ ૧૯૨૩માં સાવરકરે ‘હિંદુત્વ’ પુસ્તક લખ્યું, જેમાં એમણે હિંદુ અને મુસ્લિમ બે જુદાં રાષ્ટ્ર જ છે, એવો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો અને ‘હિંદુસ્તાન હિંદુઓનું’ એવો નારો ગજવ્યો.
રાષ્ટ્રીય મુસ્લિમોનું ઉપયોગી પ્રદાન
કૉંગ્રેસ ત્યારે રાષ્ટ્રવાદી સંગઠન મનાતું. ગાંધીજીએ આવીને તેને હિંદુ-મુસ્લિમ એકતા માટે પ્રતિબદ્ધ પણ કરેલું. પરંતુ ત્યારે એવું હતું કે કૉંગ્રેસનો સભ્ય અન્ય સંગઠનોનો, એટલે કે હિંદુ મહાસભાનો કે મુસ્લિમ લીગનો સભ્ય પણ રહી શકતો હતો. આને લીધે કૉંગ્રેસમાંયે એવા ઘણા હિંદુઓ હતા જે હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારસરણી પ્રત્યે ઢળતું વલણ ધરાવતા અને તેને લીધે ઘણી વાર કૉંગ્રેસના નિર્ણયો ઉપર એમનો પ્રભાવ પણ પડતો. ઠેઠ ૧૯૩૪માં કૉંગ્રેસે એક ઠરાવ કરીને એવો નિયમ કર્યો કે કૉંગ્રેસી કાર્યકર હિંદુ મહાસભા, મુસ્લિમ લીગ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સભ્ય ન બની શકે. ત્યારે કૉંગ્રેસમાં ઘણા રાષ્ટ્રીય મુસ્લિમો હતા, અને તેઓ કૉંગ્રેસના પ્રમુખ પણ બનેલા.
ઇંગ્લેંડથી પાછા આવ્યા બાદ ઝીણાએ કૉંગ્રેસને રાષ્ટ્રીય સંસ્થા તરીકે માનવાનો ઇન્કાર કર્યો. ત્યાર બાદ ઝીણા એમ જ કહેતા રહ્યા કે કૉંગ્રેસ તો હિંદુઓનું પ્રતિનિધિત્વ કરે છે અને માત્ર મુસ્લિમ લીગ જ બધા મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે. કૉંગ્રેસમાંના રાષ્ટ્રવાદી મુસ્લિમો પ્રત્યે ઝીણા અત્યંત તુચ્છકારનો ભાવ દાખવતા. મૌલાના આઝાદ જેવા કૉંગ્રેસના વરિષ્ઠ નેતાને ય તેઓ કૉંગ્રેસના ‘શો બોય’ – શોભાના ગાંઠિયા કહી ઉતારી પાડતા. ૧૯૩૭ પછી ઝીણાએ એ જ કક્કો ઘૂંટ્યે રાખ્યો કે મુસ્લિમ લીગ જ મુસ્લિમોની એકમાત્ર પ્રતિનિધિ છે.
જો કે મુસલમાનોમાં એવા પણ ઘણા હતા, જેઓ ઝીણાના વલણ સાથે બિલકુલ સંમત નહોતા. આવા એક ઇસ્લામી વિદ્વાન મૌલાના કાસિમ અહમદે તો મુસ્લિમોને અનુરોધ કર્યો હતો કે તેમણે કૉંગ્રેસમાં જોડાઈ જઈને સ્વાતંત્ર્ય-આંદોલનમાં પૂરેપૂરો સહયોગ આપવો જોઈએ. કેમ કે અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા તે તેમની ધાર્મિક ફરજ હતી. એમણે તે સમયના સોએક જેટલા ઉલેમાઓ પાસેથી આવા ફતવા બહાર પડાવ્યા હતા. આ બધાએ મળીને ઇસ્લામના અભ્યાસની એક પ્રમુખ સંસ્થા દારુલ ઉલુમ, દેઉબન્દની સ્થાપના કરી હતી. આ સંસ્થાએ કદાપિ ઇસ્લામી રાજ્યનું સમર્થન કર્યું નહોતું અને બિન-સાંપ્રદાયિક રાષ્ટ્રવાદનું જ સમર્થન કર્યું હતું. આ સંસ્થાના એક મોટા વિદ્વાન મૌલાના હુસેન અહમદ મદાનીએ ‘સંમિશ્રિત રાષ્ટ્રવાદ અને ઇસ્લામ’ એ નામનું એક પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતનો વિરોધ કર્યો હતો તથા કુરાનનાં અને પયગંબરનાં કથનોને તેમ જ વહેવારોને આધારે સંમિશ્રિત રાષ્ટ્રવાદનું જ ભારપૂર્વક પ્રતિપાદન કર્યું હતું.
સૈયદ અહમદે સ્થાપેલી અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી પણ મુસ્લિમ બૌદ્ધિકો માટે વિચાર-મંથન અને પ્રવૃત્તિનું ધામ હતું. જો કે તેમાં બે ફાંટા પડી ગયા. અમુક લોકોએ કોમવાદી વલણ અપનાવ્યું, જ્યારે બીજાઓએ રાષ્ટ્રવાદી વલણ. ૧૯૨૦માં ગાંધીજીએ અસહકારનું આંદોલન ઉપાડ્યું ત્યારે અલિગઢ યુનિવર્સિટીના રાષ્ટ્રવાદી વલણ ધરાવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેમાં ઝંપલાવ્યું. એમણે અલિગઢ યુનિવર્સિટી છોડીને જામિયા મિલિયા ઇસ્લામિયા(રાષ્ટ્રીય મુસ્લિમ યુનિવર્સિટી)ની સ્થાપના કરી. તેમાં ઘણા રાષ્ટ્રીય મુસલમાનો જોડાયા હતા. હકીમ અજમલખાન, ડૉ. ઝાકિરહુસેન વગેરે આ જામિયા મિલિયા સાથે જોડાયેલા.
આઝાદીના લડવૈયા સંકીર્ણ કોમવાદી માનસથી મુક્ત
સરવાળે એવું જોવા મળે છે કે જેમણે-જેમણે દેશની આઝાદી માટેનાં આંદોલનોમાં ભાગ લીધો તેઓ બધા રાષ્ટ્રવાદી અને બિન-સાંપ્રદાયિક વલણ ધરાવનારા હતા તથા જેમણે આઝાદીની લડતમાં ભાગ ન લીધો, દેશની સ્વતંત્રતાનાં આંદોલનોથી જેઓ કોઈ ને કોઈ કારણસર અળગા રહ્યા, તે બધા સંકીર્ણ, કોમવાદી અને ધર્મઝનૂની માનસ ધરાવતા હતા. આ વસ્તુ આઝાદી માટેની અહિંસક તેમ જ હિંસક બેઉ લડતને લાગુ પડે છે. અંગ્રજો સામે સશસ્ત્ર બળવાના ઝંડાધારી એવા શહીદ ભગતસિંહ અને એમના ક્રાંતિકારી સાથીઓ બધા પૂરેપૂરા બિન-સાંપ્રદાયિક હતા. એમને ધર્મ ને સંપ્રદાયોના કોઈ ભેદભાવ સ્પર્શ્યા નહોતા. તેઓ હિંદુ-મુસ્લિમ વચ્ચે પણ કોઈ ભેદભાવ માનતા નહોતા.
આમ તો જોવા એમ મળે છે કે પ્રજાકીય સ્તરે હિંદુ-મુસ્લિમ એકતા હજી હેમખેમ રહી હતી. સામાન્ય લોકો ગામેગામ પ્રેમથી હળી-મળીને રહેતા હતા. બંને પોતપોતાનો ધર્મ પાળતા અને સમાજમાં સુલેહ-શાંતિથી જીવતા. જે કોમી વિખવાદ ઊભો થઈ રહ્યો હતો, તે ધર્મને કારણે નહીં, રાજકારણને કારણે ઊભો થઈ રહ્યો હતો. અત્યાર સુધી હિંદુ અમે મુસ્લિમ રાજાઓ વચ્ચે લડાઈઓ થયેલી, પરંતુ બે કોમ વચ્ચે હુલ્લડો થયાં નહોતાં. બંને કોમ એકબીજા પ્રત્યેના વૈમનસ્યથી લડી મરી હોય, એવું ઓગણીસમી સદી સુધી બન્યું નહોતું. એવાં કોમી હુલ્લડો એ આધુનિક ઘટના છે. અને તેના મૂળમાં કોમી રાજકારણ રહ્યું છે. જુઓ ને, હિંદુ-મુસ્લિમ સંબંધમાં સૌથી અગ્રણી ભાગ ભજવી જનાર હિંદુ-મુસ્લિમ નેતાઓ – સાવરકર અને ઝીણા ચુસ્ત ધાર્મિક કહેવાય એવા હતા જ નહીં. છતાં એમનું રાજકારણ એમને કટ્ટરતાના પ્રવક્તા બનાવી ગયું ! રાજકારણે ધર્મનો દુરુપયોગ કરીને બંને કોમની ધાર્મિક લાગણીઓને ઉશ્કેરવાનું શરૂ કર્યું અને ત્યારથી કોમી હુલ્લડોની શરૂઆત થઈ છે. આરંભમાં કોમી વૈમનસ્ય રાજકારણી અગ્રવર્ગ પૂરતું મર્યાદિત રહ્યું, પણ પછી તે પ્રજાકીય સ્તરે પણ પ્રસરતું ગયું. જો કે તે ય શહેરોમાં જેટલું પ્રસર્યું હતું, તેટલું ગ્રામીણ સ્તરે નહોતું પ્રસર્યું. એટલે કોમી હુલ્લડો ભાગલાના વખત સુધી મોટે ભાગે શહેરોમાં થયેલાં.
કોમી વિખવાદનું કારણ ધર્મ નહીં, રાજકારણ
ખેર, આ કોમી વિખવાદનું કારણ ધર્મ નહીં, રાજકારણ હતું. અને તેથી જ એમ જોવા મળે છે કે જે લોકો આઝાદીના બૃહદ્દ ને ઉદાત્ત રાજકારણમાં પડેલા તથા કોમવાદી સંકીર્ણ રાજકારણથી ખરડાયેલા નહોતા, તેઓ સંપૂર્ણપણે બિન-સાંપ્રદાયિક હતા તથા આ નવા ઊભા થતા જતા કોમી વિખવાદને લીધે અત્યંત દુ:ખી હતા અને આઝાદીના આંદોલન માટે આને સૌથી મોટા વિઘ્નરૂપ માનતા હતા. તેઓ બધા જ હિંદુ-મુસ્લિમ એકતાના હૃદયથી ઉપાસક હતા. તેથી જ શહીદ ભગતસિંહ પણ કોમી વિખવાદમાં બિલકુલ માનતા નહોતા, અને આ જ કારણે તેઓ પોતાના ગુરુ ને માર્ગદર્શક એવા લાલા લજપતરાયથીયે છૂટા પડી ગયા હતા.

ભગતસિંહ
ભગતસિંહના વખતમાં કોમી હુલ્લડો થતાં. તે વિશે એ બહુ ચિંતિત હતા. તે અંગે એક લેખ એમણે ૧૯૨૮માં હિંદી સામયિકમાં લખેલો. તેમાં રાષ્ટ્રની આઝાદી માટે સમર્પિત સ્વાતંત્ર્ય-વીરોની આ અંગેની વેદના-વ્યથા વેધકપણે વ્યક્ત થાય છે : “દેશની હાલની દશા ખૂબ દયનીય છે. એક ધર્મના અનુયાયી બીજા ધર્મના અનુયાયીના કટ્ટર દુ:શ્મન બન્યા છે. હવે જાણે એક ધર્મના હોવું એ જ બીજા ધર્મના કટ્ટર શત્રુ હોવા બરાબર બની ગયું છે. આ મારકાપ એટલા માટે નહોતી કે ફલાણો માણસ દોષી છે, પણ એટલા માટે થઈ કે, ફલાણો હિંદુ છે, શીખ છે કે મુસલમાન છે …. આવી પરિસ્થિતિમાં હિંદુસ્તાનનું ભાવિ અંધકારમય જણાય છે. આ ધર્મોએ હિંદુસ્તાનને કેદખાના જેવું બનાવી દીધું છે. બધા ય, આ ધર્મવાળા અને તે ધર્મવાળા ડંડા, લાકડીઓ, તલવારો ને છૂરા હાથમાં લઈને એકબીજાનાં માથાં વધેરી રહ્યા છે. આવાં કોમી હુલ્લડો પાછળ સાંપ્રદાયિક નેતાઓ અને અખબારોનો હાથ હોય છે. હિંદુસ્તાનની નેતાગીરીનું દેવાળું નીકળી ગયું છે. આ સ્થિતિ જોઈ રડવું આવી રહ્યું છે. દિલમાં સવાલ ઊઠે છે કે હિંદુસ્તાન એક રાષ્ટ્ર બનશે ખરું ?”
‘હિદુત્વ’ના આજના નાદાન ઝંડાધારીઓ આજે આ જ ભગતસિંહનું નામ લઈ પોતાના રોટલા શેકી રહ્યા છે, તે કેવી મોટી વિડંબના છે ! ભગતસિંહ એક-રાષ્ટ્રના, ભારતીય રાષ્ટ્રના હિમાયતી હતા, હિંદુ અને મુસલમાન એવા દ્વિ-રાષ્ટ્રના કદી નહીં, હરગિજ નહીં. અને એ જ વિવેકાનંદનો માર્ગ હતો. રાષ્ટ્રવાદી પરિબળ એ, આપણે અગાઉ કહ્યું તેમ, વિવેકાનંદમાર્ગી પરિબળ હતું.
ગાંધીએ વિવેકાનંદનો તંતુ આગળ વધાર્યો
ગાંધીએ પણ વિવેકાનંદનો જ માર્ગ પકડ્યો હતો. સર્વ ધર્મ-સમભાવ અને રાષ્ટ્રના સાંસ્કૃતિક પુનરુત્થાનની રામકૃષ્ણ-વિવેકાનંદની વાત વીસમી સદીમાં એકચિત્ત, એકપ્રાણ થઈને કોઈએ આગળ ચલાવી હોય, તો તે ગાંધીએ. વિવેકાનંદના તંતુને એમણે આગળ વધાર્યો. ગાંધીને મન દેશની આઝાદી અને હિંદુ-મુસ્લિમ એકતા એ કોઈ સામાન્ય ધ્યેય નહોતાં, એમની આધ્યાત્મિક સાધનાનો જ એ એક ભાગ હતો. કોમી એકતા માટેની એમની અવિચળ નિષ્ઠાનાં મૂળ ભૂતમાત્રની એકાત્મતાના આધ્યાત્મિક દર્શનમાં રહેલાં છે. એમણે કહ્યું છે : “હિંદુ ધર્મ માને છે કે જીવમાત્ર (માત્ર મનુષ્યો જ નહીં, મનુષ્યેતર સૃષ્ટિ પણ) એક છે. …. હું કેવળ માનવ સાથે જ નહીં, ધરતી પર સળવળતાં ક્ષુદ્ર જંતુઓ સાથે પણ મારું તાદાત્મ્ય સાધવા ચાહું છું, કારણ કે આ બધી એક જ ઈશ્વરની સૃષ્ટિ છે.”
આમ, હિંદુ-મુસ્લિમ એકતા એ ગાંધી માટે કોઈ ચર્ચાની કે વિવાદની બાબત નહોતી. જીવન-સાધનાની બાબત હતી. ધર્મના ભેદ તેઓ સ્વીકારી જ ન શકે. રામકૃષ્ણ પરમહંસને માટે સર્વધર્મની એકતા એ જેમ આત્મ-પ્રત્યયની બાબત હતી, તેમ ગાંધીને પણ આ બાબત આવો આત્મપ્રત્યય હતો. એવી જ રીતે દેશની આઝાદી પણ ગાંધી માટે માત્ર રાજકીય આઝાદી નહોતી, પણ ‘સ્વ-રાજ’ એટલે કે આત્માનું રાજ સ્થાપવા માટેની એક આધ્યાત્મિક જરૂરિયાત હતી. અને ‘હિંદુ-સ્વરાજ’નું, સ્વતંત્ર હિંદુસ્તાન માટેનું એમનું દર્શન પણ વિવેકાનંદની જેમ જ દેશના સાંસ્કૃતિક-આધ્યાત્મિક પુનરુત્થાનનું જ હતું. એટલે કે ગાંધી માટે કોમી એકતા અને સાંસ્કૃતિક પુનરુત્થાન, બંને આધ્યાત્મિક સાધનાનાં અંગરૂપ હતાં. ઉપરાંત, એ બંને બાબત પણ ગાંધી માટે એક જ સિક્કાનાં બે પાસાં જેવી હતી. આથી એમણે આઝાદીનું તેમ જ કોમી એકતાનું, એ બંને આંદોલનો સાથે સાથે ચલાવ્યાં. રામકૃષ્ણ-વિવેકાનંદે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ સમેત સર્વ ધર્મોના સમન્વયમાં તેમ જ સાંસ્કૃતિક સંગમમાં ભારતીય સંસ્કૃતિનો ઉત્કર્ષ જોયો હતો. ગાંધીએ વિવેકાનંદના તંતુને જ આગળ વધાર્યો.
આવી રીતે વીસમી સદીના પૂર્વાર્ધમાં આ ચાર પરિબળો – પ્રજાકીય, કોમી કટ્ટરતાવાદી, રાજકારણી અને વિવેકાનંદમાર્ગી – મુખ્ય રહેલાં જણાય છે તથા આ ગાળાનો ઇતિહાસ આ ચાર પરિબળોના આઘાત-પ્રત્યાઘાત અને આંતરદ્વંદ્વ દ્વારા રચાયો છે.
સૌજન્ય : “ભૂમિપુત્ર” : 16 સપ્ટેમ્બર 2024; પૃ. 04-07