કાવ્યનો આસ્વાદ ~
નવરાત્રિ (ગીત)
સૂરની દેવી સરસ્વતી
ને સૂરના ઈશ સુરેશ
સૂર શબ્દનાં ઝાંઝર રણઝણ,
માએ કર્યો પ્રવેશ
શાંત ઝરૂખે બેસું ત્યાં તો
ઝગમગ દીવા થાય
શબ્દ સૂરની પાયલનાં
ઝરણાં આ વહેતાં થાય
પહેલા ટહુકે, પછી એ બોલે,
કિલકારી પણ થાય
ભીતર થનગન નાચે કોઈ,
ઝળહળ ઝળહળ થાય
ડમરુ લઈને તાલ દઈને,
નર્તન કરે રવેશ
– સૂરની દેવી સરસ્વતી …
મેઘધનુષી રંગોની રંગોળી
અહીં વેરાય
મોરપિચ્છના ટહુકે ટહુકે
અમૃતરસ રેલાય
શ્વેતકમળની પાંખડીઓથી
વેદઋચા વેરાય
સ્પર્શ માત્રથી રૂંવે રૂવે
સૂર બધાં રેલાય
માની આભા જોતાં જોતાં,
પામી કંઈ વિશેષ
– સૂરની દેવી સરસ્વતી ….
– ભૂમા વશી
નવરાત્રિ આવે અને માતાજીનાં અર્ચના, પૂજન, આરાધનાનો પર્વ બધાં જ રંગે ચંગે ઉજવે. માતાજીની પૂજા એ શક્તિપૂજા છે. આ શક્તિ ક્યારેક માતૃ રૂપેણ તો ક્યારેક વિદ્યા રૂપે તો ક્યારેક શત્રુઓના વિનાશ કરનારી હોય છે. આપણી હિંદુ ફિલસૂફી પ્રમાણે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે. આપણે આ સૌ દેવી-દેવતાઓનું સ્મરણ અને પૂજન કરીને કદાચ આપણી અંદર વસેલી સચ્ચાઈ અને સારપનો ઉત્સવ કરીએ છીએ પણ શક્તિ વિનાની સચ્ચાઈ, સારપ અને સમજદારી અધૂરી રહી જાય છે. નવરાત્રિની ઉજવણી એટલે આપણી અંદર રહેલી – “શક્તિ રૂપેણ સંસ્થિતા” -ની દિવ્ય Awareness – જાગરૂકતાનો ઉત્સવ.
આપણા પુરાણોમાંના એક, શ્રીમદ્ ભાગવત પુરાણમાં જ્ઞાન (Knowledge) અને વિજ્ઞાન(Science)નો મહિમા બરાબરની હિસ્સેદારીથી કર્યો છે. આપણે જો એ વૈજ્ઞાનિક દૃષ્ટિથી નિહાળીએ તો આ કરોડો દેવી-દેવતા બધાં જ – Permutation & Combinations of Genes – અનેક પ્રકારના જનિન તત્ત્વોના સંયોજન રૂપે દરેક માણસની અંદર, એની ખૂબી-ખામી બનીને જ ગૂંથાયેલા છે. આમ વિચારતાં જ अहम् ब्रह्मास्मिની અદ્ભૂત અનુભૂતિ અચાનક થઈ જાય છે. બ્રહ્મ અને શક્તિનો સંબંધ સૂક્ષ્મ રીતે, બીજું કંઈ નથી પણ જ્ઞાન અને વિજ્ઞાનનું સંયોજન જ છે.
માણસની અંદર જે જૈવિક તત્ત્વ (Genetics) છે, એને લૌકિક કે દૈહિક સંદર્ભમાં માત્ર બહારના દેખાવથી ન મૂલવીએ તો આત્માના અલૌકિક ને પારલૌકિક તત્ત્વને જોવા માટે ને એની અનુભૂતિ માટે મનની આંખો ખૂલી જાય છે અને દિવ્ય દર્શનની અનુભૂતિ અનાયાસે થઈ જાય છે. પણ, આ દર્શનને પચાવવા સમજદારી સ્વરૂપે શક્તિની અને વિવેકબુદ્ધિ સ્વરૂપે શિવની કૃપા હોવી ખૂબ જરૂરી છે. આમ તો શિવ ભલે સંહાર-વિસર્જનના દેવતા ગણાય છે પણ વિનાશ કે સંહાર કરતા સમયે સૌથી વધુ વિવેક જાળવવાની ક્ષમતા અને સમતા હોવી આવશ્યક છે. બ્રહ્મા સર્જન કરે અને ક્યારેક એ સર્જન સહેજ નબળું પણ થઈ જઈ શકે, તો વિષ્ણુના શિરે જે પણ સર્જન થયું હોય એને નિભાવવાની અને સુધારવાની જવાબદારી આવી જાય છે. પણ શિવ? એને માથે તો દરેક સર્જિત જીવને એનાં કર્મો પ્રમાણે વિલય પમાડવાની જે જવાબદારી છે એમાં જો જરાકે વિવેક ચૂકી જવાયો તો? તો, તો, વિશ્વમાં કેવી અંધાધૂંધી તથા “શત્ મુખ વિનિપાત્”ની સ્થિતિ થઈ જાય!
નવરત્રિમાં શિવ અને શક્તિ બેઉનો મહિમા ગવાય છે, જે આપણને યાદ અપાવે છે કે વિવેકહીન શક્તિ અને શક્તિહીન વિવેક, બેઉ એકબીજા વિના અપંગ છે. Genetics – જનિન તત્ત્વોના સંયોજનના પરિપ્રેક્ષ્યમાં આ વાત કેટલી સચોટ છે!
શક્તિની ઉપાસના અનેક દેવીના રૂપમાં કરાય છે. મા સરસ્વતી, વિદ્યાની શક્તિ પ્રદાન કરનારી મા સરસ્વતી સૂર અને શબ્દોની દેવી છે.
અને સુરેશ એટલે કે સુર-દેવોના ઈશ્વર, ઈન્દ્રદેવને પણ સ્મરી લેવાય છે.
સુરેશ- ઈન્દ્રને યાદ કરીને એના દરબારમાં વહેતા સૂર અને ગીત-સંગીતનો મહિમા બહુ સિફતથી કવયિત્રી કરી જાય છે.
સૂર, શબ્દો અને સંગીતના ઝાંઝરને રૂમઝુમ કરતી શ્વેતાંબરા સરસ્વતી મનોજગતમાં વિરાજે તો જીવન ન્યાલ થઈ જાય! દેવી સરસ્વતીની કૃપા પામવા માટે અંતરમાં જ્ઞાનવિજ્ઞાનને પામવાની આરત હોવી જરૂરી છે. આ આરતની પરાકાષ્ઠા મનના બધાં જ સંતાપને શાંત કરી દેવાય તો જ થાય છે. જ્ઞાનની, વિદ્યાની દેવી, સરસ્વતીની આગતાસ્વાગતામાં શાંતિની શક્તિ ન હોય તો એની પ્રાણપ્રતિષ્ઠા થતી નથી. આ બહુ મોટી વાત કહી છે. આ સાથે જે અધ્યાહાર રહ્યું છે તે એ છે કે મનની શાંતિ સાથે વિદ્યાની દેવી પ્રસ્થાપિત તો થાય છે, પણ, એના કાયમી નિવાસ માટે મનમાંથી અહંકાર ખેરવી નાખવો પડે છે અને નમ્રતા કેળવવી પડે છે. કારણ, જ્ઞાનને રોમરોમ Assimilate – આત્મસાત કરવા માટે કે પચાવવા માટે નમ્રતા હોવી આવશ્યક છે. મનની પરમ શાંતિની જેમ જ, નમ્રતા – Humblenessથી મોટી શક્તિ બીજી નથી અને એક શક્તિ જ બીજી શક્તિના ધોધને સહજતાથી ઝીલી શકે ને?
અહીં બહાર બતાડવાની કે દેખાડાની નમ્રતાની વાત નથી પણ, અંતરથી નમ્રતા અનુભવીને, દેવી સરસ્વતીની કૃપા ઝીલી લઈને, એની સેવામાં સમર્પિત થવાની વાત છે. એકવાર આ સમર્પણ થઈ જાય પછી બહારના કાવાદાવા અને એકમેકને ઊંચા-નીચા દેખાડવાના વરવાં પ્રદર્શનોની (કુ)ઈચ્છાશક્તિથી નિર્લેપ થઈ જવાય છે.
હવે આંખ મીંચીને એ દૃશ્ય મનમાં ખડું કરી જુઓઃ – ‘મનના ઝરુખામાં જઈ શાંત બેઠાં હોઈએ, મા સરસ્વતીના આશિષના, કૃપાના, બારે કોઠે દીવા પ્રગટ્યા હોય, ક્યારેક શબ્દ, સૂર અને સંગીતની પાયલની રૂમઝુમનો રવ નિર્મળ ઝરણાંનો કલરવ બની અત્ર, તત્ર, સર્વત્ર વહેતો હોય તો ક્યારેક એ મુક્ત પંખીના ટહુકા બનીને રોમરોમમાં વ્યાપી જતો હોય…!” પછી તો “ન દીન, હૈ, ન દુઃખ હૈ, ન સુખ હૈ, ન દુનિયા – સિર્ફ મૈં હું સિર્ફ મૈં…..!”ની અનુપમ અનુભૂતિ બાકી રહી જાય છે.
આચાર્ય રજનીશ કહે છે તેમ, “આ ‘હું’ તત્ત્વને અહમ્થી અલગ કરીને ઈશ્વરના અંશ તરીકે જોશો તો એક આખું અનંત બ્રહ્માંડ ઉઘડી જશે.”
અહીં અનાયસે નરસૈયો યાદ આવી જાય છે કે “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ સાથે!”
જ્યારે આ બ્રહ્મ અને ‘હું’ (‘અહમ્’ રહિતનો) એક બની જાય છે ત્યારે અંગેઅંગ આનંદ, નૃત્ય બનીને નીતરે છે. દેવી સરસ્વતીના શક્તિપ્રપાત સાથે શૈવ તત્ત્વ ત્રીજી આંખ બનીને ખૂલી જાય છે અને અંતરમાં એક Liberation – બંધનમુક્તિની પ્રતીતિ થાય છે.
આ પ્રતીતિ એકવાર થઈ જાય પછી તો એ શૈવતત્ત્વનું ડમરું એક અનોખા લય અને તાલ સાથે આત્મામાં વાગતું રહે છે અને આ નશ્વર દેહ સ્વયં જ રવેશ બની જઈને નર્તન કરવા માંડે છે.
આવી સ્થિતિ જો કાયમ રહે તો એ જ સદેહે પામેલી સમાધિ અને પરમ મુક્તિ બની જાય છે. આ છે શિવ અને શક્તિના સાયુજ્યથી નીપજતો પરમ આનંદ, જેની આગળ ન કશું છે, ન પાછળ કશું છે.
“બસ, એક અદ્વૈત બ્રહ્મ છે અને હું છું …!
તારી સીમા ક્યાં ય નથી,
અને સીમાહીન તારી સંગે વિસ્તરેલી હું છું ..!”
આમ બધી સીમાઓની પેલે પાર, મેઘધનુષો રંગોની રેલમછેલ કરી રહ્યાં હોય અને સૂર-સંગીત વાતાવરણમાં મહેકી રહ્યાં હોય, ત્યાં જો મોરપિચ્છધારી શ્રીકૃષ્ણની વાંસળીના સૂરોનું માધુર્ય મમતા બનીને વરસી ન રહ્યું હોય તો જ નવાઈ!
બંસીધર શ્રીકૃષ્ણ, શક્તિ ને શિવ જ્યાં પરસ્પર સંગ હોય ત્યાં બસ, અહમ્ ઓગળે જ છે અને વેદવાણીનું નવનીત જિહ્વા પર વસી જાય છે. એ પાવન ક્ષણે પછી બધી જ ઐહિક અને દૈહિક ઈચ્છાઓ ખરી પડે છે.
આ કાવ્ય થકી ‘પેલે પાર’ના દ્વાર આપણા જેવા સંસારીઓ માટે કદાચ ન પણ ખૂલે, છતાં પેલે પાર શું હશે એ માટેની એક જિજ્ઞાસા તો આ ગીત જરૂર જન્માવી જાય છે. આત્મા થકી આત્માને પામવાની સુષુપ્ત અને અદમ્ય ઝંખના ન હોય તો આવું કાવ્ય લખી જ ન શકાય.
ડૉ. ભૂમા વશીને આ પારલૌકિક અનુભૂતિને કવિતામાં સુંદર રીતે સજાવવા બદલ ખૂબ અભિનંદન.
એમની કલમ વધુ ને વધુ સજ્જતા કેળવતી જાય એવી જ શુભેચ્છા.
***
September 25, 2022
e.mail : jayumerchant@gmail.com