રંગભૂમિ અને ફિલ્મ જાદુઈ માધ્યમો છે. મોટી સંખ્યામાં લોકો સાથે આનંદપૂર્વક સંપર્કમાં રહો. ચાહો તો કોઈ એક કક્ષાએ માત્ર મનોરંજન કરતા રહો, ચાહો તો અનુકંપા ઊમેરી સમાજના એ ઘટકો સાથે જોડાઓ, જેમને એની જરૂર છે. સાથોસાથ સમાજના સુખી ઘટકોમાં એ માટે જાગૃતિ પેદા કરો. આ પ્રકારનું કામ કરવાની સજ્જતા અને પ્રતિબદ્ધતા અભિષેક શાહમાં દેખાય છે.
આ દસકા દરમિયાન અભિષેકે એકાંકી નાટકો દ્વારા રંગભૂમિમાં નામ કાઢ્યું. સ્ત્રીને અન્યાય સામે ઝૂકી જવાને બદલે લડત આપતા રહેવા જુસ્સો આપે, વંચિતોની સમસ્યા માટે સહાનૂભૂતિ ઊભી કરે, કોઈ એક ધર્મ બીજાથી ચડિયાતો નથી એવું બતાવે. આરંભનાં જ નાટકોમાં લેખન અને દિગ્દર્શન દ્વારા આવું કૌવત દાખવેલું, અભિષેકે. દરમિયાન ફિલ્મો માટે યોગ્ય અભિનેતાની પસંદગીની, કાસ્ટિંગની કામગીરી નોંધપાત્ર રીતે કરી. ફિલ્મો જોઈ, ફિલ્મ બનાવવા અંગે વાંચતા રહી એક સમાજલક્ષી ફિલ્મ બનાવવાની એને ચળ ઊપડી અને એક ફિલ્મ બનાવી ’હેલ્લારો’ નામે એવી કે એનું સર્જન થયું એમ કહેવું પડે. એ સર્જન રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયું. હિન્દી સહિતની દેશની બધી જ ભાષાઓની ૨૦૧૮ના વર્ષની ફિલ્મોમાં કોઈ ખ્યાતનામ કલાકાર વિનાની આ ગુજરાતી ફિલ્મ શ્રેષ્ઠ ગણાઈ અને એને સુવર્ણ કમળ મળ્યું.
અભિષેકના પહેલા જ, પારિતોષિક વિજેતા, નાટકની શહેરી નાયિકાને ઉદ્દેશીને શીર્ષક હતું : ’તું લડતી રહેજે’. છત્રીસ વર્ષના આ યુવાનની પહેલી જ ફિલ્મમાં કચ્છના ગ્રામ્યપ્રદેશની તેર પરિણીત યુવાન સ્ત્રીઓ, જેમાં એક જ શિક્ષિત, આનંદથી ઊછળતી ખુલ્લા અવાજે ગાય છે : ’ઠેલ્યા મેં ઉંબરા ને ઠેલી મેં પાળ …’ પુરુષપ્રધાન સમાજનાં જોહુકમી નિયંત્રણો વચ્ચે જેમનું સ્મિત કચ્છના રણની સૂક્કીભઠ્ઠ ધરાની જેમ સુકાઈ ગયેલું તે અડીખમ બની ઘરબહાર નીકળી પડતી આ વીરાંગનાઓ એક બનીને એમની મુક્તિનો ગરબો ગાય છે. અભિનેત્રીઓનું કામ અને એમનો સંદેશ એવો કે જ્યૂરીએ તેરેયને સહિયારું વિશેષ પારિતોષિક આપ્યું.
કાસ્ટિંગ-ડિરેક્ટર તરીકે અભિષેકની કાબેલિયતનો પરિચય આ ફિલ્મમાં પણ મળે છે. ફિલ્મનો ‘હીરો’ છે પેલી તેર સ્ત્રીઓ, જેની ભૂમિકામાં છે શ્રદ્ધા, નીલમ, તેજલ, ડેનિશા, રિદ્ધિ, તર્જની, એકતા, કૌશામ્બી, શચિ, બ્રિન્દા, કામિની, જાગૃતિ, પ્રાપ્તિ. દરેકનું અલગ વ્યક્તિત્વ, પણ સાથે પાણી ભરવા જાય, ત્યારે વેદનાના તાંતણે ગુંથાયેલું એક વૃંદ. કૂવે જતાં દબાયેલી વેદનાને વાચા મળે. આ જ સમય છે, જ્યારે તેઓ ભૂંગાની બહાર પગ મૂકી શકે, થોડી પણ વાત કરી શકે. બાકી તો જાળીવાળી નાની બારીમાંથી જોવાનું. ગરબા પણ પુરુષો રમે. ફિલ્મના આરંભે જ કરડા અવાજે સાંભળવા મળે છે : ’બહાર ન જવાય અને પુછાય પણ નહીં કે કેમ.’ એક હાલરડાના શબ્દો છે : ‘સપનાં વિનાની આખી રાત …’.
આ બહેનોને એક દિવસ કૂવે જતાં રસ્તામાં એક ઢોલી મળ્યો, તે મીઠાં પાણીના ઝરા જેવો. મૃતઃપ્રાય પડ્યો હતો, તેને પાણી પાઈને બેઠો કર્યો, તેમણે. નવરાતમાં પણ પુરુષો ગરબા કરે આ પંથકમાં. સ્ત્રીઓથી ભૂલેચૂકે ઘરબહાર પગ ન મેલાય. પરણીને હમણાં જ ગામમાં આવેલી મંજરી (શ્રદ્ધા) થોડું ભણેલી. તેણે વૃંદમાંથી બહાર નીકળી ઢોલીના તાલે પગ માંડ્યો અને બીજી બહેનો ધીરે ધીરે જોડાતી ગઈ. જેની ઇચ્છા આજ સુધી અંદર ધરબી રાખી હતી, તે કરવાની તક મળી ગઈ તેમને. ઢોલીના તાલે પગમાં, હાથમાં, આખા દેહમાં અને વિશેષે હૃદયમાં નવાં સ્પંદનો જાગ્યાં. રેઢિયાળ જીવનમાં પ્રાણસંચાર થયો. મુક્ત હવાના સ્પર્શે નવોન્મેષો પ્રગટ્યા અને તે અભિવ્યક્ત કરવાનું માધ્યમ પણ અનાયાસ મળી ગયું. સાથોસાથ ફિલ્મની કથાને આગળ ધપાવતું એક નવું પરિમાણ ઉમેરાયું. ત્રુટક શબ્દોથી ઇશારો મળતો ગયો કે ઢોલીના દિલમાં કોઈક વાત ઢબુરાઈને પડી છે. આ ઢોલીની ઢમકે તેમના મનની ઘૂઘરીઓ રણકી ઊઠી અને પગમાં વીજચમકાર થયા. જે થવાનું હોય તે થાય, સૌ મોકળા મને મુક્તિની ઉજવણી કરે છે. પાંખો ફૂટ્યાનો અહેસાસ થાય છે સૌને. એકે સૌના અંતરને વાચા આપી : ’મરવાની બીકે જીવવાનું નહીં છોડીએ.’ છેવટ સુધી જીભ સીવી રાખતા ઢોલીના પાત્રને જયેશ મોરે હૃદયદ્રાવક રીતે પ્રગટાવે છે. ઢોલી અને સ્ત્રીઓને જોતાં વારેવારે અંગ્રેજકવિ શેલીની પંક્તિ યાદ આવ્યા કરે : આપણાં સૌથી મધુર ગીતો એ છે જે આપણા દર્દને વ્યક્ત કરે છે (Our sweetest songs are those that tell of saddest thoughts).
અભિષેકનું કાસ્ટિંગ દરેક વિભાગમાં ઝળકી ઊઠ્યું છે. સંવાદોના અસાધારણ સામર્થ્ય પર તેમ ગરબાનાં વેદનાભર્યાં ગીતોની નાજુક અભિવ્યક્તિ પર સૌમ્ય જોશીના હસ્તાક્ષર છે. પ્રતીક ગુપ્તાને સાથે રાખી અભિષેકે લખેલી પટકથા, કથાને પ્રવાહિતા આપતું એનું દિગ્દર્શન અને સૌમ્યના સંકેતસમૃદ્ધ શબ્દો ફિલ્મને એવી ઊંચાઈ પર લઈ જાય છે, જે ગુજરાતી સિનેમાએ જોઈ હોય એવું સ્મૃતિમાં નથી. ફિલ્મ માટે કચ્છના રણમાં ઊભું કરવામાં આવેલું ગામ પણ સાંકેતિકતા ધારણ કરે છે. એને બહારની દુનિયા સાથે ભાગ્યે જ કોઈ સંપર્ક હતો.
ફિલ્મના નાટ્યાત્મક અંશો દિગ્દર્શનની વિશિષ્ઠ શૈલીને મહેક આપે છે. ગામનાં પુરુષો અને સ્ત્રીઓ, મંજરી અને વૃંદની અન્ય યુવતીઓ ઉપરાંત અફાટ વિસ્તાર અને બંધિયારપણું, તેજ અને અંધકાર, શ્વેત અને શ્યામ રંગો, મુક્તિ અને ગૂંગળામણ, સ્થગિતતા અને વહન જેવાં વિરોધ દ્વંદ્વો સૂઝપૂર્વકના દિગ્દર્શન હેઠળ સિનમેટોગ્રાફર્સે સુંદર રીતે ઝડપ્યાં છે. આગળ વૃંદ દૃશ્ય, પાછળ અમાપ રણવિસ્તારની ઝલક અને તેમાં દૂર સામેના છેડાનું લઘુ દૃશ્ય જોઇને ’વાહ’ કહેવાનું મન થાય. ઍડિટિંગ પણ નાટ્યાત્મકતાને ઉઠાવ આપે.
મૌલિક સાઉન્ડટ્રૅક સહિતનું મેહુલ સુરતીનું સંગીત વિષયવસ્તુ પ્રમાણે જકડી રાખી બદલાતું રહે. તેમાં ગીતો પ્રાણ પૂરે. ’વાગ્યો રે ઢોલ’ (ભૂમિ ત્રિવેદી) અને ’અસવાર’(ઐશ્વર્યા મજમુદાર – મુરા લાલા)ના પડઘા આવતા સમયમાં ગુજરાતભર અને મુંબઈમાં પડતા રહેશે. ફિલ્મ બહાર કેટલીક કલાકાર બહેનો ફેસબુક પર એ ગીતો પર અભિનય આપતી જોવા મળે છે. આરંભે એક નવતર પ્રકારનું હાલરડું છે : ’તારા પગનાં ઝાંઝર રોકજે … માવડી પાસે માંગજે ખાલી રાત.’ તે આદિત્ય ગઢવીએ ગાયું છે. શ્રુતિ પાઠકે ’હૈયા’ ગાયું છે. તેર યુવામાનુનીઓ ફિલ્મમાં છવાઈ જાય છે. બાકી અભિનયમાં બીજા કલાકારો ક્યાં પાછા પડે છે? તેરમાં નહીં એટલે સ્વાતિ દવે પોંખાઈ નહીં. પિતૃપ્રધાન સમાજનું ચિત્રણ, એટલે જોમભર્યા ભાયડાઓના અભિનયને દાદ ન અપાય તે ચાલે? મૌલિક, આર્જવ, શૈલેષ અને બીજા અનેક. સામાન્ય રીતે કરકસર કરે તે પ્રોડ્યૂસર્સ પણ અહીં ઉદાર. દિગ્દર્શકે કલા અને સમાજલક્ષિતા પ્રત્યે આવો અનુકૂળ પ્રતિભાવ જન્માવ્યો. કદાચ પ્રેક્ષકોમાં જન્માવશે.
આ સર્જનની કરોડરજ્જુ છે, આખા વૃંદની સમાજનિષ્ઠા. ’હેલ્લારો’નાં છાંટણાં ગુજરાતી સિનેમાને ભીંજવે!
E-mail : sureshmrudula@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 15 તેમ જ 14