નવ નવેમ્બરનાં ચૂંટણી પરિણામો પછી આવનારા દિવસોમાં ટ્રમ્પ શાસનમાં શું થશે? આપણે રાષ્ટ્ર તરીકે/સમૂહ તરીકે શું કહી શકીએ એનાં વિચારોની આપ-લે સ્વાભાવિક ક્રમમાં શરૂ થઈ ગઈ. ચૂંટણી દરમિયાન ઉમેદવાર ટ્રમ્પે સ્ત્રીઓ વિષે કરેલા આકરા, અન્યાયી અને અસહ્ય વિધાનોનો વિરોધ તો કરવો જ પડે.
એના અનુસંધાનમાં હવાઈનાં દાદીમા ટેરેસા શુક, ન્યૂ યોર્કના જુવાન ફૅશન ડિઝાઇનર બૉંબ બ્લાન્ડ અને બીજા સંગઠનોએ મળીને WOMEN’S MARCH ON WASHINGTON નામની કૂચનું આયોજન કર્યું. અમેરિકા અને વિશ્વનાં ઘણાં દેશોમાં નાની-મોટી થઈને લગભગ ૭૦૦ જેટલી શાંતિ કૂચ થઈ. મુખ્ય કૂચ વૉશિંગ્ટન ડીસીમાં હતી તેમાં આગલા દિવસની પ્રમુખની શપથવિધિનાં પ્રસંગ કરતાં ત્રણ ગણાં લોકોએ ભાગ લીધો.
એમાં સ્ત્રીઓનો અવાજ ‘અમારું શરીર, અમારું મન, અમારી શક્તિ’નાં સૂત્ર દ્વારા પ્રગટ થયો, સાથે સાથે ‘સ્ત્રી હકો, માનવ હકો, સામાજિક ન્યાય, સમાનતા, સ્વતંત્રતાના નારા પણ સંભળાયા.’ ન્યૂ યોર્ક શહેર કે જેની ઓળખ ‘મેલ્ટિંગ પોટ’ તરીકેની છે; જ્યાં અલગ અલગ રંગના, જાતિનાં, દેશનાં, ધર્મના લોક સુમેળથી રહે છે, ત્યાં સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી દાગ હેમરશુલ્ડનાં ચોકથી નવા પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પનાં રહેઠાણ સુધી કૂચ યોજાઈ. જે ખૂબ સૂચક હતું. દાગ હેમરશુલ્ડનું ડિપ્લોમેટ તરીકે ઈઝરાયેલ, આરબ દેશો, આફ્રિકાનાં દેશોમાં સુલેહ સ્થાપવાનું પ્રદાન છે અને તેના નામનો ચોક લોકો (પબ્લિક) માટે છે. ત્યાંથી ડોનાલ્ડ ટ્રમ્પ કે જેની નીતિ સ્ત્રીઓ, મુસ્લિમ મિત્રો, પર્યાવરણ વગેરે વિષે અણગમાની છે, તેનાં અંગત (પ્રાઈવેટ) મકાન સુધીની કૂચ હતી.
ન્યૂ યોર્કની કૂચની શરૂઆત શહેરનાં પ્રથમ નાગરિક-મેયર-નાં આફ્રિકન અમેરિકન પત્ની શારલીન મેકરેએ કરી. તેમણે કહ્યું, ‘ન્યૂ યોર્ક શહેર સ્ત્રીઓની ચળવળનું જન્મસ્થળ છે. આપણાથી આ અપમાન સાંખી ન લેવાય. આપણે નિયમિત રીતે કર (ટૅક્સ) ભરીએ છીએ. મહેનતથી પરિવારને પોષીએ છીએ. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે.’
મારી ૧૦ વરસની દીકરી સુરતા અને હું પણ ન્યૂ યોર્કના લગભગ ચાર લાખ મિત્રો સાથે જોડાયાં. મેં નારીવાદી આફ્રિકન અમેરિકન લેખિકા ઓડી લોર્ડનો વિચાર પોસ્ટર પર લખ્યો. “આપણી અલગતા (ડિફરન્સીઝ) આપણને બીજાથી અળગા નથી કરતી પણ આપણી અણસમજને કારણે આપણે બીજાને જાણી શકતાં નથી, માણી શકતા નથી અને સ્વીકારી શકતા નથી. અને આપણી વચ્ચે ભિન્નતાનો અનુભવ થાય છે.”
સ્કૂલમાં સુરતા સામાજિક ન્યાય વિષય પર પ્રોજેક્ટ કરે છે. એ ભૂમિકાને કારણે સહજતા અને ઉત્સુકતાથી સુરતા અને તેનાં મિત્રો કૂચમાં ભાગ લેવાં તૈયાર થઈ ગયેલાં. તેણે પોસ્ટર પર પોતાનો હાથ દોર્યો અને પાંચે આંગળીઓ પર પ્રેમ, શાંતિ, સમાનતા, ન્યાય અન સન્માનની અંગૂઠી પહેરી.
સુરતા લખે છે : “આ કૂચમાં લોકોના ટોળા હતાં – જાણે લોકોનું વાવાઝોડું દરેક શેરીમાં ફરી વળેલું – એક ચમત્કાર લાગે છે કે આટલાં બધાં લોકો આપણાં જેવું વિચારે છે. સહુ અવિરત સૂત્રો પોકારે છે. ગળું બેસી જાય ત્યાં સુધી સંદેશાત્મક પોસ્ટરો લઈને ઊભા રહ્યાં છે. હાથ દુઃખી જાય ત્યાં સુધી. પ્રતીકાત્મક પીન્ક પુસી હેટ પહેરીને ઊભાં રહ્યાં છે – પગ દુ:ખી જાય ત્યાં સુધી. મને ભૂખ લાગી હતી. થાક લાગ્યો હતો. પણ મને ખ્યાલ હતો આ તો હજી શરૂઆત છે.”
ખરું, આ તો શરૂઆત છે. આ લખું છું, ત્યારે ટ્રમ્પ શાસનનો હજુ તો ત્રીજો દિવસ છે. પણ એમનાં રાજનીતિનાં પગલાંના વિરોધમાં આજે વૉશિંગ્ટન સ્ક્વેરમાં મુસ્લિમ અને પરદેશી રહેવાસીઓના હક માટેની રેલી છે. તેમ જ ગ્રાન્ટ સેન્ટ્રલ ટર્મિનલમાં ડાકોટા ઍક્સેલ પાઈપલાઈનનાં વિરોધમાં રેલી છે.
Email : rutanyc@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2017; પૃ. 09