ગુજરાતીમાં કહીએ તો ‘કોઈએ બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહીં.’ આ બિલકુલ કાલ્પનિક વાત છે. તેને કોઈ જીવંત વ્યક્તિ, કોઈ (શહેર, મકાન, ઇ.ની) જગ્યા અને તેની આસપાસની સ્થિતિ, આસપાસના સંજોગો, વ્યવસાય, ઇ.ની પરિસ્થિતિ કે હાલત, સ્થિતિ, નોકરી, ચાકરી, નોકર પોતાનો ધંધો અથવા કામકાજ, કામ, મળવાનું પ્રયોજન, પોતાની ફરજ, કાર્યક્ષેત્ર, મહત્ત્વનું કામ, ધ્યાન આપવાની કે કરવાની વસ્તુ(ઓ), રંગમંચ પરની કામગીરી કે અભિનય, ખરીદ-વેચાણ, વેપાર, વેપારી પેઢી. એક પ્રદેશ કે સ્થાનમાં રહેનારા અથવા એક ધર્મ કે જાતિ કે વ્યવસાય કે સમાન હિત સંબંધોવાળા લોકો કે સમાજ, જાહેર જનતા, કુટુંબની જેમ રહેતા લોકોનું જૂથ, સહિયારી માલિકી, સમૂહ. વ્યક્તિગત, વ્યક્તિ, એક, એકલું, અટૂલું, અનોખું, અમુક, એક વ્યક્તિ કે વસ્તુનું કે એક વસ્તુ માટેનું, વિશિષ્ટ વ્યક્તિનું લાક્ષણિક, વ્યક્તિનું, વ્યક્તિગત, કોઈ જૂથ કે વર્ગની એક વ્યક્તિ, માનવ વ્યક્તિ, માણસ, જણ સાથે સંબંધ નથી.
•
તમે અવારનવાર હિન્દી સિનેમા કે ટીવી જોતાં જ હશો. ખાસ કરીને પશ્ચિમમાં વસેલાં ભારતીયો. અને તેમાં પણ નિવૃત્ત થયેલાં વડીલો અને ગૃહિણીઓ, જેઓ ઘરકામ કરીને આખા દિવસનો થાક ઉતારવા ટીવી સામે ગોઠવાઈ જાય છે. આપણે નાના પરદાની વાત કરીએ કારણ કે તે સહેલાઈથી ઉપલબ્ધ છે અને ગમે ત્યારે જોઈ પણ શકાય. તેમાં સિરિયલોની ખોટ નથી. તમે એવી અનેક સિરિયલો જોઈ જ હશે જે વાસ્તવિકતાથી બહુ છેટી હોય છે, પણ તે કૌટુંબિક/સામાજિક વાર્તા છે એટલે ચાલે છે.
આ સિરિયલોના એંજિનમાં કયું ઈંધણ વપરાય છે કે તે વર્ષો સુધી ચાલે છે?
એક કાલ્પનિક દ્રશ્ય : (મિટિંગ)
પ્રોડ્યુસર : આપણે સ્પર્ધકોને ટક્કર આપવા માટે એક સાવ નવી સિરિયલ તૈયાર કરવી પડશે, કારણ કે 964 હપ્તા પછી ચાલુ સિરિયલ હવે ઘરડી થઈ ગઈ હોય તેમ મને પણ લાગે છે. કોઈ વિચારો છે?
એક વક્તા : સાહેબ, આપણે પહેલાંના ખૂબ જ જાણીતા હાસ્ય લેખક શ્રી દિવેલિયાની વાર્તાઓ પર સિરિયલ બનાવીએ તો?
પ્રોડયુસર : દિવેલિયા? મેં તેની વાર્તાઓ વાંચી નથી. સમજાવો.
તે જ વક્તા : પહેલાં મુંબઈ રહેતા હતા, પણ હાલમાં તો તેઓ બહુ જ ઘરડા થઈ ગયા છે અને પોતાને ગામ રહે છે. તેમની હાસ્ય કથાઓ ઘણી જ પ્રસિદ્ધ થઈ હતી, અને આજ સુધી,એમના હાસ્ય ટૂચકાઓ વારંવાર સંભળાય છે. બોસ, તમે પણ તેમના ટૂચકાઓ અમને ઘણી વાર સંભળાવ્યા છે.
પ્રોડયુસર : તો કાલે જ મને વહેલી સવારે મળો. આપણે દિવેલિયાને ગામ જઈએ. અને હા, પેલા ભેજાને પણ ફોન કરી દો કે તે પણ આપણી સાથે આવે. (ભેજા = પટકથા લખનાર લેખક જેનું આખું નામ બી.જે. બાજપરા.)
કાફલો દિવેલિયાના ગામ પહોંચ્યો અને ઘર સામે મોટર ઊભી એટલે શ્રીમતી દિવેલિયા બહાર આવ્યાં, સ્વાગત કર્યું અને મહેમાનો ને અંદર લઈ ગયાં. શ્રીમતી દિવેલિયાને એટલી જ ખબર હતી કે કોઈ પ્રકાશક પોતાના પતિની છપાયેલ ચોપડીઓ લેવા આવ્યા હતા. તેઓ ખુશ હતા કારણ કે પૈસાની તાતી જરૂર હતી. કેટલા પૈસા મળશે તેનું અનુમાન ન હતું પણે તેઓએ મનોમન આવનાર પૈસા ખર્ચી નાખ્યા હતા – નળિયા ચૂતાં હતા, દીવાલો રંગવાની હતી અને ફળિયામાં ગાર કરાવવાની હતી. દીકરી પરણી ને સાસરે ગઈ, ત્યારે તેને ખબર હતી કે પોતે પોતાના વર સાથે મુંબઈ રહેવા નહિ આવી શકે, કારણ કે પિતાનું ઘર સાવ નાનું હતું. તેઓ ત્રણે સાંકડમોકડ સાથે રહેતાં હતા. કોઈ એક બીજું આવે ચડે તો ઉઠવા બેસવાની પણ તકલીફ પડતી. ગામના ઘરમાં થોડી મોકળાશ હતી. દીકરીએ પત્ર પાઠવ્યો હતો કે તે પોતાના પુત્ર અને પતિ સાથે દિવાળી માણવા ગામના ઘરે આવશે.
પ્રોડયુસરે ભેજાને સોદો કરવાનું કહ્યું હતું. ભેજાએ તેના શેઠને કાનમાં કશુંક કહ્યું એટલે શેઠે બેગ ખોલીને પૈસાનું મોટું બંડલ ભેજાના હાથમાં આપ્યું. તે લઇને ભેજા દિવેલિયાની સાવ નજીક બેઠા અને ગુસપુસ કરવા લાગ્યા. સોદો થઈ ગયો.
સૌ કારમાં ગોઠવાઈ ગયા અને મુંબઈ આવ્યા. ભેજાએ કારમાં શેઠને સમજાવ્યું હતું કે તેણે મૂળ લેખક પાસેથી તેની ચોપડીઓના ‘સર્વ હક’ ખરીદી લીધા હતા.
પ્રોડયુસર : બસ, તમે આજથી જ કામ શરૂ કરી દો, અને મને કાલે સાંજે રૂપરેખા આપો. તે સાંભળ્યા પછી હું આખા સ્ટાફની મિટિંગ બોલાવીશ.
ભેજાએ આખી રાત બેસીને રૂપરેખા ઘડી નાખી. સાંજે પ્રોડુયુસરને મળ્યા.
ભેજા : શેઠ કેટલા હપ્તા કરવા છે?
પ્રોડયુસર : ઓછામાં ઓછા બે વર્ષ ચાલે તેટલાં.
ભેજા : થઈ જશે. મારી પાસે ઘણો મસાલો છે.
પ્રોડયુસર : અને આપણે તેમાં કોઈ નવા ચહેરાઓ લેવા નથી. જૂની સિરિયલના જ ચાલશે અને જો તમારે કોઈ નવા ચહેરાઓ દાખલ કરવા હોય તો મારી પાસે ઘણી બધી અરજીઓ છે. સિરિયલ લોકપ્રિય થાય એટલે સસ્તામાં પટાવી લઈશું. આ બાબત તમે જરા સંશોધન કરીને લખજો.
તો ચાલો સાંભળો એમના મુખેથી જ :-
શેઠ મને ‘ભેજા’ કહે છે, કારણ કે જ્યારે જ્યારે એમની સિરિયલ ડગુમગુ થવા લાગે ત્યારે ત્યારે તે મને તેમાં ‘જાન’ પૂરવાનું કહે છે. આમ તો મારું આખું નામ બી.જે. બાજપરા છે.
અગાઉ મેં ઘણી વાર્તાઓ લખી છે, અમુક તો સામયિકોમાં છપાણી પણ ખરી. પૈસાની કાયમ તંગી. તેવામાં એક દિવસ ચાના સ્ટોલ પર ચા પીતા પીતા એક સજ્જન મળી ગયા. ચા પીધા પછી તેઓએ ગજવામાં હાથ નાખ્યો તો પાકીટ ન હતું. મેં પૈસા ચૂકવી દીધા અને અમે ચાલતા ચાલતા ઘેર જવાનો રસ્તો પકડ્યો. વાત કરતાં કરતાં તેઓએ મને તેઓના કામે મળવાનું આમંત્રણ આપ્યું જે મેં સહર્ષ સ્વીકાર્યું. ત્યાં મારી ઓળખાણ એક ટીવી સિરિયલ બનાવનાર સાથે થઈ જેણે મને સીધું આહ્વાન આપ્યું કે જો હું તેમની માંદલી સિરિયલ જરાક વધારે ચલાવું અને દર્શકોને ફરીથી તે સિરિયલ જોતાં કરું તો તેઓ મને કાયમી કામ આપશે.
મારી પહેલી પટકથા વાંચીને તેઓ બોલ્યા, ‘આ તો ચીલાચાલુ વાર્તા છે. નહીં ચાલે.’ કાંઈક નવું કરી બતાડો. હું ઘેર આવ્યો અને વહી ગયેલી આખી વાર્તા ફરીથી વાંચી અને મને વિચાર આવ્યો કે મારા સિવાય આ વાર્તા ક્યાં પૂરી કરવી, તેનો ખ્યાલ કોઈને જ ન હતો. એટલે હું ભગવાન બન્યો. વાર્તાની નાયિકા જે બહુ જ લોકપ્રિય હતી તેનો પતિ આગળ અભ્યાસ માટે અમેરિકા ગયો. કોણ જાણે કેમ પણ તેનો અભ્યાસ પૂરો જ થતો ન હતો. એકને બદલે પાંચ વરસ વીતી ગયાં. તેની સાસુ રોજ તેને છપ્પરપગી, અપશુનિયાળ વગેરે વિશેષણોથી નવાજતી અને કનડતી. મેં ત્યાંથી વાર્તા શરૂ કરી.
સાસુને લકવા થયો, ખાટલાવશ થઈ અને સ્વર્ગે સીધાવી. વહુ સસરાનું ધ્યાન રાખવા લાગી, સસરાનું હાર્ટ ટ્રાંસપ્લાંટ કરાવ્યું અને સસરા જુવાન જેવા થઈ ગયા. અહીં ફિલ્મી સામયિકોમાં અને બ્લોગ પર વાત ચર્ચાનાં ચોતરે ચડી. સૌને એમ લાગતું હતી કે સસરા વહુનું ચક્કર ચાલશે. સિરિયલ પૂરી કરવાના એપિસોડ હવે લગભગ ૧૦૦૦ થવા આવ્યા હતા, એટલે હું ભણતા દીકરાને અચાનક ઘેર લાવ્યો. (મસાલો – અમેરિકન ગોરી, જેની સાથે તે ભણતા ભણતા પરણી ગયો હતો, એને દગો આપ્યો અને લૂંટી લીધો હતો.) અમેરિકાથી તે માંડમાંડ ઘેર પહોંચ્યો અને પોતાની વહુ સાથે ઈમોશન્લ મિલન થયું. વહુએ તેને અપનાવી લીધો. વાત પૂરી.
‘મસાલો એટલે?’
જેમ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં જુદા જુદા મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ,જ સિરિયલને રુચિકર બનાવવા માટે હું જુદા જુદા મસાલાઓનો ઉપયોગ કરું છું. આ માટે હું જૂના છાપાઓમાંથી રસ પડે તેવા સમાચારોની કાપલીઓ સાચવી રાખું છું અને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરું છું.
એક દિવસ શેઠ ધૂંઆપૂંઆ થતાં ઓફિસમાં આવ્યા અને મોબાઈલનો જોરથી ઘા કર્યો અને બબડવા લાગ્યાં, ‘મારો ફોન કાપી નાખ્યો. એની એ હિમ્મત.’
‘ભેજા, તમે અબીહાલ કાનનને (સિરિયલની મુખ્ય નાયિકા) કાઢી નાખો. તેની મા એક વખત મારી પાસે પગ પકડીને બહુ કરગરી, એટલે મેં કન્નીને નાયિકા બનાવી. હવે જરા જાણીતી થઈ એટલે આપણા પ્રતિસ્પર્ધીએ તેને વધારે પૈસાની લાલચ આપીને તેની સિરિયલમાં મુખ્ય રોલ આપ્યો છે, એટલે તેની માનો પારો ઊંચો ગયો છે. ઝટ કરો અને મને જલદી કથા આપો.’
નવી મુખ્ય નાયિકા નવા ચહેરા સાથે સિરિયલમાં ફીટ થઈ જાય, તે માટે મેં મસાલાનો ડબ્બો ખોલ્યો. મેં કાનનને વિમાનમાં તેની માનો જન્મદિવસ ઉજવવા મોકલી, અને વિમાનનો અકસ્માત કર્યો. કાનનને પ્લાસ્ટિક સર્જરી કરાવી અને નવો ચહેરો આપ્યો અને વાર્તા આગળ ચાલી. શેઠ ખુશ થયા.
સાહેબ, આ ઉપરથી તમને લાગશે કે સિરિયલની વાર્તા લખવી સહેલી છે. મન ફાવે ત્યારે ભગવાન બનીને વાર્તાને કોઈ પણ વળાંક આપી શકાય. પણ, ના તેવું નથી. અમારે તો અનેક પાસાઓનું ધ્યાન રાખવું પડે. વારંવાર લોકેશન ન બદલવું પડે તેનું ધ્યાન રાખવાનું જ, અને ન છૂટકે બદલવું પડે તો જે સાવ સસ્તું હોય તેવું જ શોધવું પડે. તેમાં પણ જો કોઈ જાહેર જગ્યાએ શૂટિંગ કરવાનું હોય, તો સ્થાનિક સત્તાવાળાઓની પરવાનગી મેળવતાં મેળવતાં નાકે દમ આવી જાય, અને વધારામાં, તેઓની કોઈ ઝૂંબેશને (ધૂમ્રપાન નિવારણ, જ્યાં ત્યાં થૂંકવું નહીં, વગેરેને) પણ પબ્લિસિટી આપવી પડે. મહામહેનતે અને મોટા ખર્ચે સ્ટુડિયોમાં જે સેટ તૈયાર કર્યો હોય, તેમાં જ બધુ પતાવવાનું હોય. કોઈ કોઈ વાર કોઈ ધંધાને કે તેઓના પ્રોડક્ટને દેખાડવાના હોય, તો તેને અનુરૂપ વાત કરવી પડે (સિરિયલમાં ચીંથરેહાલ; ફાટેલતૂટેલ કપડાં પહેરેલ હોય તેવાં કેટલાં પાત્રો જોયાં? પાત્રોને નવા છેલ્લી ડિઝાઈનના કપડાં જ જોઈએ, નવા મોબાઈલ ફોન જ જોઈએ, રૂપકડાં બાળકો સ્વચ્છ કપડામાં જ હોય, પછી ભલેને ધૂળમાં રમતાં હોય.). ઘણી વાર તો દર્શકોની માગણી જેવી કે તમારી સિરિયલમાં અમુક જાતિના કે ધર્મના જ લોકો કેમ ? તમે અમારા ગામનું નામ ખરાબ કર્યું છે, તમે દેખાડ્યા તેવા દુષ્ટ માણસો ત્યાં રહેતા જ નથી, તેમ હું આજીવન ગામવાસી તરીકે કહી શકું છ,ું વગરે પણ સંતોષવી પડે છે. વળી, દરેક એપિસોડ સસ્પેન્સમાં જ પૂરો થવો જોઈએ, જેથી દર્શકો આગલા એપિસોડનો ઈંતજાર કરે. આ માટે ચીલાચાલુ મસાલાઓ છે :- જેવું બારણું ખૂલ્યું તો સામે ….? લાઈટ બંધ થઈ તો …? જે વ્યક્તિની લાંબા સમયથી શોધ હતી તે જ સામેના રસ્તા પર દેખાય અને …..? ભૂત,પ્રેત, ……
મોટે ભાગે સિરિયલ કેટલી લાંબી છે તેના પર વાર્તા ઘડાય છે. કોણ ક્યારે રજા પર જશે, કોણ બીમાર છે, કોનું વજન, દાઢી/મૂછ વધારવાની કે ઘટાડવાની છે, કોઈ નટનટી પોતાના ખર્ચે પરદેશ ફરવા જાય તો તેને વીડિિયો કેમેરા આપીને તેની પરદેશની યાત્રા કચકડે મઢવાની હોય છે, અને જરૂર પડ્યે વાર્તામાં સમાવવાની હોય છે. પરદેશમાં શૂટિંગ કરવું કોઈ પણ પ્રોડ્યુસરને ન પોસાય, કારણ કે તેનું વળતર ઘેર બનાવેલી સિરિયલ કરતાં ઓછું મળે તો પાયમાલ થઈ જવાય.
મોટા ભાગની સિરિયલોમાં જ્યારે અતિરેક થવા માંડે, ત્યારે તે નિષ્ફળ જાય છે. જેમ કે અતિશય કાવાદાવા, પ્રેમ, ગીતો, હાસ્ય, ખૂન ખરાબા, વેવલાપણું, એક વાતમાં અનેક ગૌણ વાતો વણી લઈને સિરિયલને લંબાવે જ રાખવી વગેરે. આમાં કોણ જવાબદાર છે તે કહેવું મુશ્કેલ છે. ઘણી વખત પાત્ર ભજવનારાઓ એક જ જાતનો અભિનય કરતાં કરતાં થાકી જાય છે અને બીજે કામ શોધતાં હોય છે.
પ્રેમ, ઈશ્ક, મહોબ્બત, પ્યાર, લવ, ભ્રષ્ટાચાર, રાજકારણ, લાંચરૂશ્વત, દેશદાઝ, વફાદારી વગેરે મસાલાઓ એક સમયે ફિલમોનો ઈજારો હતો. તે જોઈ જોઈને પ્રેક્ષકો કંટાળી ગયાં અને નાના પરદા તરફ વળ્યા. કોઈ વાર એવું પણ બને કે એક પાત્રને એક બિબામાં ઢાળી દીધા બાદ, પ્રેક્ષકો તેની પાસેથી બીજા વર્તનની આશા રાખતા જ નથી. જો કોઈ બબાલ ઊભો થાય તો એક જ જવાબ, ‘પ્રેક્ષકોને જે ગમે તે જ પીરસવું પડે.’ અમુક વખતે વિજ્ઞાન સાથે પણ લેખકને છૂટ લેવી પડે છે. વિજ્ઞાન વર્સિસ શ્રદ્ધા – કોઈ મરણ પથારીએ હોય અને હોસ્પિટલના જ મંદિરમાં ભગવાનની મૂર્તિને ખખડાવીને દર્દીનો જીવ પાછો મેળવવો, નવી રસી કે દવા સમયસર મળવી, બાબાના આશીર્વાદ ફળવા, અણીના સમયે અંગનું ટ્રાન્સપ્લાન્ટ કરવું, વગેરે. સિરિયલનો/ના ફાઈનન્સિયરની પોતાની વગ હોય છે અને તે કહે તો તેના પુત્રને, પુત્રીને કે કોઈ સગાંને થોડાક એપિસોડમાં ફીટ કટવા પડે. આ ઉપરાંત પ્રેસ સાથે મીઠા સંબંધો જાળવવા માટે અનેક વ્યક્તિઓને હાથમાં રાખવી પડે છે. પાર્ટીઓ કરવી પડે અને જેને કક્કાનો ‘ક’ પણ ન આવડતો હોય, (પણ જેને લક્ષ્મી વરી હોય) તેનું સાહિત્ય પણ વાર્તામાં વણવું પડે.
એક દિવસ વહેલી સવારે શેઠનો ફોન આવ્યો, ‘જલદી પહોંચી જાવ, મારા ખર્ચે ટૅક્સી લઈ લેજો.’ કહીને મને સરનામું આપ્યું. દરિયા કિનારે એક ભવન હતું. હું અંદર ગયો તો શેઠે તરત શરૂઆત કરી, ‘આ બંગલો જયંતભાઈએ (બીજા પ્રોડ્યુસર) એક એન.આર.આઈ. પાસેથી તેની સિરિયલ બનાવવા છ મહિને ભાડે લીધો છે. સિરિયલનું શૂટિંગ વહેલું પૂરું થઈ ગયું છે, અને હજી ૩૩ દિવસ બાકી છે, એટલે બાકીના દિવસ માટે આપણને આ બગલો મળ્યો છે. તમે ફટાફટ આઠ દસ એપિસોડની વાર્તા લખી નાખો. આપણે ક્યાંક ફીટ કરી દઈશું. સાલું બધુ તૈયાર છે, ફક્ત શૂટિંગ જ કરવાનું છે.’
આટલું કહીને શેઠે સોફા પર પડતું મૂક્યું અને બબડવા લાગ્યા, ‘સાલી, આ તે કંઈ જિંદગી છે? હું ધંધો કરવા બેઠો છું, કંઈ સદાવ્રત નથી ખોલ્યું. બીજા ધંધા સારા, એક જ બ્રાંડનો માલ વેચવાનો. મારે તો રોજ રોજ નવું જ કરવાનું હોય. પડદા પર એકના એક ચહેરાઓ, પછી ભલે ના રૂપાળા હોય, તો ય તે જોઈને પબ્લિક થાકી જાય છે. પબ્લિક રોજ રોજ નવી નવી વાર્તાઓ, નવા નવા ચહેરાઓ, નવા નવા લોકેશનો માગે છે. શેઠને ઘોરણ ચડવા લાગ્યું, એટલે હું વાર્તામાં ક્યાં વળાંક લાવવો, તેનો હું વિચાર કરતો કરતો ઘેર આવ્યો ને કામે લાગી ગયો.
e.mail : d.upen@btinternet.com