અહીં ફોટોગ્રાફ્સમાં જે દીકરીનો ફોટો તમને દેખાય છે, તે મારી દીકરી છે, મારી પુત્રવધૂ છે, મારી બહેન છે, મારી વિદ્યાર્થિની છે, મારી શિક્ષિકા છે, મારી મિત્ર છે, એનું નામ મા ભારતી પુત્રી નિર્ભયા છે એટલે કે એનું સાચું નામ જ્યોતિ સિંહ છે.
થોડાં વર્ષો પહેલાં નિર્ભયા ઉર્ફે જ્યોતિ ઉપર દિલ્હીમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળાત્કાર ગુજારીને મરણતોલ હાલતમાં એને રઝળતી મૂકવામાં આવી હતી.
બળાત્કારનો ભોગ બન્યા પછી પણ નિર્ભયાને જીવન જીવવું હતું, જીવન સંઘર્ષ કરવો હતો. પરંતુ નિયતિને મંજૂર નહોતું અને નિર્ભયા આપણા અસભ્ય અને અસંસ્કારી બર્બર સમાજને પડકારીને આપણી વચ્ચેથી ચાલી નીકળી.
નિર્ભયા ઉર્ફે જ્યોતિની બળાત્કારી હત્યા કરનારા ચારે ય આરોપીને સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા ફરમાવી દીધી છે. ચારે આરોપીના ડેંથ વોરંટ બહાર પડી ચૂક્યા છે. એમને ટૂંક સમયમાં ફાંસીને માચડે ચડાવી દેવામાં આવશે.
મારી દીકરી, મારી પુત્રવધૂ, મારી બહેન, મારી વિદ્યાર્થિની, મારી શિક્ષિકા, મારી મિત્ર જાગૃતિ ઉર્ફે નિર્ભયા માટે ચુકવાયેલા ન્યાયથી હું વ્યથિત છું, હું માનું છું કે ન્યાય ક્યારે ય હિંસક ન હોઈ શકે. મને ન્યાય જોઈએ છે તે બળાત્કારની ઘટનાને પડકારનાર નહીં, પરંતુ માણસમાં પડેલી બળાત્કારની વૃત્તિને પડકારનાર હોવો જોઈએ. બળાત્કારની વૃત્તિને નામશેષ કરનાર હોવો જોઈએ. એટલે મને બળાત્કારના આરોપીને ફાંસી અપાય તેમાં રસ નથી.
પરંતુ હું મારી લાગણી રજૂ કરું તે પહેલાં મારી જાતને પૂછવા માગું છું કે જાગૃતિ ઉર્ફે નિર્ભયા મારી દીકરી, મારી પુત્રવધૂ, મારી બહેન હોય તો હું શું કરું? અને મેં તરત જ મારી સગી બહેનને ફોન કર્યો અને કહ્યું કે જો જાગૃતિ ઉર્ફે નિર્ભયાની જગ્યાએ તારા પર બળાત્કાર થયો હોત તો હું બળાત્કાર કરનારા ચારેય આરોપીઓ માટે ફાંસીની સજાની માંગ નહીં કરત.
અને પછી તરત જ મારી સગી દીકરીને ફોન કર્યો અને કહ્યું કે જો જાગૃતિ ઉર્ફે નિર્ભયાની જગ્યાએ તારા પર બળાત્કાર થયો હોત તો હું બળાત્કાર કરનારા ચારેય આરોપીઓ માટે ફાંસીની સજાની માંગ નહીં કરત.
અને પછી તરત જ મારી સગી પુત્રવધૂને કહ્યું કે જો જાગૃતિ ઉર્ફે નિર્ભયાની જગ્યાએ તારા પર બળાત્કાર થયો હોત તો હું બળાત્કાર કરનાર ચારેય આરોપીઓ માટે ફાંસીની સજાની માંગ નહીં કરત.
પરંતુ મારી દીકરી, મારી પુત્રવધૂ, મારી બહેન, મારી પત્ની કે મારી મા પર કોઈ પશુતુલ્ય પુરુષ કે પશુતુલ્ય પુરુષોનું ટોળું બળાત્કાર કરે તો હું સૌથી પહેલાં મારી એ બધી જ સંબંધ સ્વરૂપા માતૃ વત્સલાઓ ને સમજાવી દઉં કે જુઓ તમારી ઉપર આ જંગલીપુરુષ કે જંગલીપુરુષ ટોળાંનો બળાત્કાર એ તમારા શરીર કે તમારા ચારિત્ર પર નો હુમલો નથી પરંતુ તમારી સ્વતંત્રતા, સમાનતા, ન્યાય અને બંધુતાની અભિપ્સા સામેનો અમારી પુરુષ જાતનો છેલ્લો હુમલો છે.
અમે આધિપત્યવાદી પુરુષો તમને સ્વતંત્રતા, સમાન ન્યાયી અને બંધુત્વ તથા સખિત્વના ખ્વાબોમાં જીવવા દેવા માંગતા નથી. એ વાત બરાબર સમજી લો.
હું મારી એ સંબંધ સ્વરૂપા માતૃ વત્સલાઓને સમજાવી દઈશ કે તમે બધાં તમારાં યૌન પાવિત્ર્યના પિતૃસત્તાક સંસ્કારમાંથી મુક્ત થઈ જાવ કે જે તમને કહેવાતા ચારિત્રના અપરાધભાવમાં સળગાવી દે છે. હું મારી એ સંબંધ સ્વરૂપા માતૃ વત્સલાઓને સમજાવી દઈશ કે તમે બળાત્કાર કે ગેંગરેપના ભોગ બનો ત્યારે કોઈપણ પ્રકારનો અપરાધભાવ અનુભવશો નહીં. એ તો રસ્તાની ડાબી બાજુએ ચાલતા વટેમાર્ગુ સાથે પાછળથી આવતી ટ્રકે કરેલો અકસ્માત બરાબર છે. હું મારી એ સંબંધ સ્વરૂપા માતૃ વત્સલાઓને હૈયા ધરપત આપીશ કે તમે જો બળાત્કાર કે ગેંગરેપના ભોગ બનશો તો મારા અસ્તિત્વના ભોગે એ બળાત્કારીઓને પડકારીશ અને અહિંસક ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડી લઈશ. પરંતુ એ બળાત્કારીઓની ન્યાયને નામે હિંસા કરાવીશ નહિ. મારું ચાલે તો એ પશુતુલ્ય બળાત્કારના આરોપીઓને મૃત્યુપર્યંતની કેદ કરાવીને તે દરેકને એક એક અનાથ બાળકીના પાલક પિતા બનવાની ફરજ પાડું.
મારું દ્રઢપણે માનવું છે ન્યાય ક્યારે ય હિંસક ન હોઈ શકે. હિંસક ન્યાય દ્વારા સમાજ સુધારણા ન થઈ શકે. અપરાધી વૃત્તિ નષ્ટ ન કરી શકાય પરંતુ રૂપાંતર જરૂર કરી શકાય. જો આપણે પ્રેમમય સહજીવન જીવતો માનવ સમાજ રચવો હોય તો વ્યવસ્થા, કાયદો, શાસન અને ન્યાય સૌથી પહેલાં અહિંસક હોવાં જોઈએ.
ચાલો, આપણે બળાત્કારનો ભોગ બનતી આપણી બધી જ માતૃ વત્સલાઓને કહી દઈએ કે ….. બુરખો કે ઘુંઘટ પહેર્યા વગર ખુલ્લા માથે, પિતૃસત્તાક પુરુષ આધિપત્યવાદી સમાજની સુરક્ષા વગર, કરાટે કમાન્ડો કે બાહુબલી બન્યા વગર, અડધી રાતે મહાત્મા ગાંધીની જેમ નીડર અને નિર્ભય બનીને ઘૂમતી રહેજે , સ્કૂટી પર ફરતી રે’જે !
કાયરોના બળાત્કારનું જોર ત્યાં સુધી જ ટકશે જ્યાં સુધી તું ડરપોક અને ભયભીત બનીને જીવતી રહેશે. હજારો વર્ષનું અમારા અધિપત્યવાદી પિતૃસત્તાક પુરુષનું આધિપત્ય સ્ત્રી સ્વતંત્રતા, સમાનતા, ન્યાય અને બંધુતા સામે બળાત્કાર રૂપે છેલ્લો જંગ ખેલી રહ્યું છે. મારી મા, બહેન, પત્ની, દીકરી, પુત્રવધૂ, વિદ્યાર્થિની, શિક્ષિકાઓ, અને સખીઓએ એને અહિંસા, પ્રેમ, કરુણા અને સમજણ દ્વારા સાતત્યપૂર્વક પડકારતા રહેવું પડશે.
સૌજન્ય : લેખકની ફેઇસબુક વૉલ પરેથી સાભાર; 08/01/2020