
પ્રૉફેસર અને મહાત્મા ! કૃપાલાણી અને ગાંધીજી
ગાંધીજી જીવતા હોત તો હિંદુસ્તાનની અત્યારની પરિસ્થિતિમાં તેમણે શું કર્યું હોત? આવો પ્રશ્ન જો કે કેવળ ચર્ચા પૂરતો જ છે; છતાં તેમણે શું કર્યું હોત તેની કલ્પના કરવી કઠણ નથી. કારણ કે ગાંધીજીની હત્યા થઈ તે પૂર્વે આઠ માસ દરમિયાન સ્વરાજ સરકારનું શાસન ચાલતું હતું. તે સમયે આપણા દેશના જાહેર જીવનમાં જે પ્રવાહો વહેતા હતા અને જેમણે છેવટે આપણને અત્યારની મુશ્કેલ સ્થિતિમાં આણી મૂક્યા તે જેઓ જોતા હતા તેમને તો સ્પષ્ટ દેખાતા હતા. આ સંદર્ભમાં જેઓને વિશેષ વિગતે જાણવું હોય તેઓ કાઁગ્રેસનું પ્રમુખપદ – જેને તે સમયે રાષ્ટ્રપતિપદ કહેતા – તે છોડતી વખતે મેં જે નિવેદન કર્યું હતું તે વાંચી શકે છે. આ નિવેદન ગાંધીજી પોતે જોઈ ગયા હતા અને તેમણે નિવેદનના મૂળ ભાવમાં ફેરફાર કર્યા વિના તેમાં થોડાં સૂચનો અને સુધારા સૂચવ્યાં હતાં.
તે દિવસોમાં કાઁગ્રેસની નેતાગીરી જે રાહ અપનાવતી હતી તેની સાથે ગાંધીજી સમરસ નહોતા એ વાત તો જાણીતી છે. હિંદુસ્તાનનો વિચ્છેદ જે પાછળથી ભાગલા કહેવાયો તેની તેઓ વિરુદ્ધ હતા. એક પરોઢિયે તેમના મુખમાંથી આ અંગે જે ઉદ્ગારો નીકળ્યા હતા તે તેમના ચરિત્રકારે નોંધી રાખ્યા છે.
તેમના શબ્દો આ હતા :
“આજે હું મને એકલો પડી ગયેલો જોઉં છું. સરદાર અને જવાહરલાલ પણ માને છે કે પરિસ્થિતિનો મારો ક્યાસ ખોટો છે. અને જો ભાગલાનો સ્વીકાર કરવામાં આવે તો દેશમાં સુલેહશાંતિ અવશ્ય સ્થપાશે. તેમને લાગે છે કે ઉંમરની સાથે મારી બુદ્ધિ પણ લથડી ગઈ છે.
તેમ છતાં હું કાઁગ્રેસ અને બ્રિટિશ પ્રજાનો સાચો અને વફાદાર મિત્ર છું એ મારે સાબિત કરી આપવું હોય તે મને જે લાગે છે તે મારે કહેવું જોઈએ … … મને સ્પષ્ટ દેખાય છે કે આપણે આ બાબતને ખોટી જ રીતે ઉકેલવા માંડીએ છીએ. આની પૂરી અસર આજે તરત આપણે ન અનુભવી શકીએ પણ હું સ્પષ્ટ જોઈ શકું છું કે આવી રીતે મેળવેલ સ્વાતંત્ર્યનું ભાવિ અંધકારમય જ થવાનું છે.
… કદાચ એમ પણ હોય કે તેઓ બધા ખરા છે અને હું એકલો જ અંધારામાં બાથોડિયાં મારું છું. એ જોવા માટે હું કદાચ જીવતો મારું છું. એ જોવા માટે હું કદાચ જીવતો નહિ હોઉં. પણ જે આફતનો મને ભય છે તે જો હિંદુસ્તાન ઉપર ઊતરી આવે તો … એના ખ્યાલથી આ બુઢ્ઢાના આત્માને કેટલી વેદનામાંથી પસાર થવું પડ્યું હતું તે ભારતની ભાવિ પ્રજા તો જાણે. હિંદુસ્તાનના વિચ્છેદમાં ગાંધીજીનો પણ હાથ હતો એવું કોઈ ન કહે. પણ આજે તો દરેક જણને હિંદુસ્તાનનું સ્વાતંત્ર્ય લેવાની અધીરાઈ થઈ છે. અને તેથી કોઈ ઉપાય છે નહીં!”
તો પછી પ્રશ્ન એ ઊઠે છે કે કાઁગ્રેસની વર્કિંગ કમિટીએ ભાગલાનો સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે લોકોને તેમની સામે ઉશ્કેર્યા કેમ નહિ અથવા તો તેમણે કાઁગ્રેસની મહાસમિતિને કાઁગ્રેસના નેતાઓની સલાહ પ્રમાણે ચાલવા કેમ કહ્યું ?
તે કાળે દેશના ભાગલાનો સામનો કરવા બાબત તેમને પૂછવામાં આવ્યું હતું અને તેમનો જવાબ આ હતોઃ “જો મારી પાસે સમય હોત તો તે કર્યા વિના હું કેવી રીતે રહેત ? પણ જ્યાં સુધી હું બીજી નેતાગીરી ઊભી કરી લોકો સમક્ષ ન મૂકી શકું ત્યાં સુધી કાઁગ્રેસની અત્યારની નેતાગીરીને હું ન પડકારી શકું કે લોકોનાં મનમાં તેને વિશે જે શ્રદ્ધા છે તે ન ખંડિત કરી શકું. આવી નવી નેતાગીરી જમાવવાનો મારી પાસે સમય નથી. આવી પરિસ્થિતિમાં અત્યારની નેતાગીરીને નબળી પાડવી ખોટું કહેવાય. અને તેથી મારે આ કડવો ઘૂંટડો ગળ્યે જ છૂટકો.”
°°°
(2)
ગાંધીજી એક મહાન સંગઠનકાર હતા. તેમણે કોઈ પ્રવૃત્તિ એવી નહોતી ઉપાડી કે જે પાર પાડવા તેમણે સંગઠન ઊભું ન કર્યું હોય. ભાગલાનો સામનો કરવા તુરતા-તુરત આવું કોઈ સંગઠન ઊભું કરવાની શક્યતા તેમને લાગતી નહોતી. તેમ છતાં આ નવી સરકારનાં જે કાર્યો દેશનાં શ્રેષ્ઠ હિતનાં ન હોય તેમની સામે લોકમત કેળવવા કંઈક કરવાનું તેઓ વિચારી રહ્યા હતા. આ માટે કોઈ સંગઠન ઊભું કરવાનો વિચાર તેમના મનમાં ઘોળાયા કરતો હતો.
એક દિવસ મારાં પત્ની શ્રીમતી સુચેતાજી તેમને મળવા ગયાં ત્યારે તેમણે મારે વિશે પૂછતાછ કરી. હું મુંબઈ ગયો છું એવું તેમને કહેવામાં આવ્યું. તેમણે તેને કહ્યું : “પ્રોફેસર (મને તે એ નામથી બોલાવતા) છૂટા રહે એમ હું ઇચ્છું છું. મારે તેમનું કામ છે.” આ ઉપરથી તે અને હું એવું સમજ્યાં કે સરકારનાં જે કામો તેમને ખોટાં લાગતાં હોય તેનો પ્રતિકાર કરવા તેઓ એક મંડળ રચવાનું વિચારી રહ્યા હતા.
તે દિવસોની તેમની પ્રાર્થના સભાઓમાં તેઓ સરકારની એક બાબતમાં સતત ટીકા કરતા. યુદ્ધસમયની રેશનિંગની પ્રથાને છોડી ન દેતા તે ચાલુ રાખવાની સરકારની ખચકાતી નીતિની તેઓ વારંવાર ટીકા કરતા. મને શંકા નથી કે જો તેઓ થોડાં વધુ વર્ષ જીવ્યા હોત તો સરકારની જે નીતિઓ તેમને ખોટી અને ભૂલભરેલી લાગતી હતી તેમની સામે લોકમત કેળવવા તેમણે એક સંગઠન અવશ્ય ઊભું કર્યું હોત. સ્વાતંત્ર્ય મેળવવા માટે અને મેળવ્યા પછી તે ટકાવવા માટે તેમણે લોકો સમક્ષ પરદેશી રાજ્ય સામે લડવા માટે જેમ સત્યાગ્રહનું શસ્ત્ર મૂક્યું હતું તેમ જ રચનાત્મક કાર્યક્રમ પણ મૂક્યો હતો; જેનો હેતુ તેમના કહેવા મુજબ હિંદુસ્તાનની આત્મશુદ્ધિનો હતો.
તેઓ માનતા હતા કે શુદ્ધિ પામેલું હિંદુસ્તાન જ સાચા અર્થમાં સ્વતંત્ર હિંદુસ્તાન થશે.
એ જાણીતી વાત છે કે તે સમયે તેમનું સર્વ ધ્યાન હિંદુ-મુસ્લિમ એકતામાં કેન્દ્રિત થયું હતું. આ માટે તેઓ પાકિસ્તાનની મુલાકાતે જવાનું પણ વિચારતા હતા પણ એક ક્રૂર હત્યારાના હાથે તેમની જીવાદોરી એકાએક કપાઈ ગઈ.
રચનાત્મક કાર્યક્રમના બીજા મુદ્દાઓ પણ તેમના સતત ખ્યાલમાં હતા.
હિંદી કે પરદેશી કુશાસન યા જુલમ વચ્ચે ગાંધીજી કોઈ ભેદ કરતા નહોતા. જેમનો એક જ ધર્મમાં સમાવેશ થતો હતો તેવા લાખો લોકો પ્રત્યે અસ્પૃશ્યતા દ્વારા આચરાતી ક્રૂરતા કે અવમાનના એ કંઈ પરદેશીઓનું નહીં પણ આપણું જ પાપકૃત્ય હતું. એ જાણીતી વાત છે કે ગાંધીજીને અંગ્રેજો સાથે કોઈ ઝગડો નહોતો; પાણ તેમણે હિંદુસ્તાનમાં જે શાસનપદ્ધતિ દાખલ કરી હતી તેની સાથે ઝઘડો હતો. આપણે અંગ્રેજોને કાઢ્યા પણ તેમની આ શાસનપદ્ધતિ જીવતી રાખી.
એમના અત્યંત સ્નેહપાત્ર જવાહરલાલનો પણ એમણે જરૂર પડ્યે સામનો કર્યો હોત. સર્વન્ટ્સ ઑવ ઇંડિયા સોસાયટીવાળા શ્રીનિવાસ શાસ્ત્રી પ્રત્યે તેમ જ તેના બીજા સભ્યો પ્રત્યે તેમને આવો જ સ્નેહભાવ હતો. પણ જ્યારે તેમને લાગ્યું કે તેમની પ્રવૃત્તિઓ પાછળ હેતુ ગમે તે હોય છતાં તે દેશની સેવાને બદલે તેને નુકસાન કરતી હતી, ત્યારે તેમણે તેમનો વિરોધ કર્યો હતો. સ્વરાજ આવ્યા પછી શાસનકર્તા આ લોકો મારા સ્વાતંત્ર્ય સંગ્રામના સાથીઓ હતા એવો વ્યક્તિનિષ્ઠ ખ્યાલ તેમની નીતિરીતિનો વિરોધ કરવા જતાં તેમને સ્પર્શ્યો ન હોત. તેમના મનમાંનો સર્વોપરી ખ્યાલ એક જ હતો, અને તે દેશની સેવા.
મને એ વિશે લગારે શંકા નથી કે તેઓ આજે જીવતા હોત તો જે સડાએ દેશને અત્યારની વિફળતા કે હતાશાના ગર્તમાં ધકેલ્યો છે તેને તો તેમણે રોક્યો જ હોત.
05-06 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 354/5