અમારા ગામની ભાગોળે અાવેલા બસ સ્ટેન્ડ ઉપર જે જોયેલું અને અનુભવેલું એની અા વાત છે. ગામડેથી શહેરમાં જવા માટે આ સ્ટેન્ડ ઉપરથી બસો મળતી. ધૂળના ગોટા ઉડાડતી બસ આવે એટલે અંદર ઘૂસવા પડાપડી થતી. ક્યારેક અંદર ઘૂસવા મળતું. નહીંતર કંડકટરની કૃપાથી સળિયો પકડીને બહારના પગથિયા ઉપર ઊભા ઊભા જ મુસાફરી કરવાની.
હાઇસ્કૂલ પાસ થયા પછી નોકરી મેળવવા માટે હું આકાશ પાતાળ એક કરતો હતો. ક્યાં ય કશો પત્તો લાગતો જ નહોતો. હાઇ સ્કૂલના શિક્ષણની કોઈ કિમ્મત જ નથી એ સત્ય ત્યારે જ સમજાયેલું. રોજી-રોટી કમાવાની મારી આ શરૂઆત હતી. સરકારી ખાતામાં નોકરી મેળવવા માટે કેવી કેવી ઓળખાણ અને લાગવગ જોઇએ તે પણ સમજાવા માંડ્યું હતું. ખાનગી વેપારીઓની દુકાનોમાં તો એમનાં સગાં સંબંધીઓ જ ભરાઈ ગયેલાં હોય. નોકરી માટેનાં બધાં બારણાં ખખડાવીને રોજ સાંજે ઘરે આવું ત્યારે માબાપ રાહ જોઈને બેઠાં હોય કે દીકરો પાંચ પૈસા કમાય એવી કોઈ નોકરીના સારા સમાચાર લાવ્યો છે કે ? પણ હું તો ભયાનક નિરાશા લઈને જ ઘરે આવતો. માએ પીરસેલી એ થાળીમાંથી શાક રોટલો ખાવાનું મન પણ ના થાય.
એ દિવસો પણ વીતી ગયા.
મને શહેરની એક ખાનગી શાળામાં નોકરી મળી ગઈ. ચાર ધોરણ સુધીની શાળા હતી. મને પગાર રોકડા રૂપિયામાં અપાતો પણ કાગળ ઉપર મારે ત્રણ ગણા પગાર ઉપર સહી કરી અાપવી પડતી. હું બહુ ખુશીથી સહી કરી અાપતો. … એમ જ ચાલે.
પેન્ટ, બુશશર્ટ, ચંપલ તથા ખિસ્સામાં રૂમાલ. આ મારો વટવાળો પોષાક. એ શર્ટને ‘બુશ-શર્ટ’ કેમ કહેતા હશે તે મને હજી પણ ખબર નથી. બસની રાહ જોતાં ક્યારેક કોઈક બાંકડા ઉપર બેસવાનું થાય તો રૂમાલ પાથરીને બેસતો. પછી જરૂર પડ્યે એ જ રૂમાલથી મોં અને ગરદન ઉપરનો પસીનો લૂછતો. આરોગ્યશાસ્ત્રનું કંઈ ખાસ ભાન નહોતું.
એક દિવસ હું એકાદ કલાક વહેલો બસ સ્ટેન્ડ ઉપર આવી ગયો. મારે થોડું કામ હતું. ચંપલ નવાં લીધેલાં હતાં. એની નીચે તળિયામાં ટાયરનાં સોલ નંખાવવાં હતાં. શહેરના ડામરના રસ્તા ઉપર તળિયાં વધારે ઘસાય. આ ટાયરનાં સોલ નંખાવવાથી ચંપલનું અાયુષ્ય લાંબું થતું.
બસ સ્ટેન્ડ પાસે બહુ મોટો, જૂનો લીમડો હતો. એના થડ સાથે કંતાનનો ટૂકડો બાંધી એના છાંયડામાં એક મોચી બેસતો. કામ ધંધો ના હોય એવા બીજા બેત્રણ માણસો પણ ત્યાં બેસીને મોચી સાથે ગામ ગપાટા કરતા હોય. ચાની એક લારી પણ હતી. એક લારી ઉપર પરચૂરણ વસ્તુઓ લઈને એક બાઈ બેસતી. સૌનું ગૂજરાન ચાલતું.
મોચી પાસે સૌથી વધારે કામ રહેતું. એની બાજુમાં બેચાર જૂનાં બૂટ ચંપલની જોડી પડી રહેતી. જુદી જુદી સાઈઝના ટાયરના ટૂકડા રાખતો. જોડાં પલાળીને પોચાં કરવા માટે પાણીની ડોલ પણ બાજુમાં પડી રહેતી. અને સાથે એનાં ઓજારો હોય. મારાં ચંપલ નીચે સોલ નાખવાના ભાવતાલ નક્કી થઈ ગયા. બન્ને ચંપલ એને સોંપીને હું ત્યાં છાંયડે ઊભો રહ્યો.
એટલામાં ત્યાંથી એક કૂતરું પસાર થયું. મોચીની નજર એના ઉપર પડી. બાજુમાં નવરા બેઠેલા એના મિત્રોને એણે કહ્યું : ‘અલ્યા, હાહરુ અા કૂતરું બે તૈણ મહિનાથી રિબાય છે. એના કાન પાછળનાં ગૂમડામાં જીવડાં પડી ગયાં છે. એને પકડીને એનો કંઈક ઇલાજ કરીએ. જાવ, એને પટાઈ ફોસલાઈને અહીં લઈ આવો.’
પેલા મિત્રોએ રોટલાના બેચાર ટૂકડા હાથમાં લીધા અને કૂતરા પાસે ગયા. એક ટૂકડો નાખ્યો. પછી બીજો જરા દૂર નાખ્યો. એમ નાખતા નાખતા એને છેક લીમડા પાસે લાવ્યા. ધીમે રહી મોચીએ કહ્યું : ‘હવે એ ભડકીને ભાગી ના જાય એ રીતે એકદમ ઝડપથી એના અાગલા અને પાછલા ટાંટિયા પકડીને નીચે પાડી બરાબર દાબી રાખો.’
તરત જ પેલા બન્ને જણાએ કૂતરાના પગ પકડીને નીચે પાડ્યું અને બરાબર દાબી રાખ્યું. કૂતરું બરાબરની રાડો પાડતું હતું. મોચીએ બાજુમાં પડેલા ટીનના ડબલામાંથી ઘાસતેલ લઈ એક ગાભો પલાળ્યો અને પેલા કીડા ઉપર ધીમે ધીમે એ ઘાસતેલ નીચોવ્યું. કીડા મરવા લાગ્યા. લીમડાની સૂકી સળી લઈને ધીમે ધીમે મોચીએ એ બધા કીડા નીચે ખેરવવા માંડ્યા. કીડા નીકળી ગયા પછી ફરી થોડું ઘાસતેલ ઘા ઉપર રેડ્યું અને એક મોટો ગાભો લઈ એ ઘા ફરતે પાટો બાંધી દીધો. હવે ઘા ઉપર માખીઅો પણ નહીં બણબણે. કૂતરાને જાણે હાશ થઈ. એની રાડારાડ ઓછી થઈ. એના પગ છોડ્યા એટલે તરત બેઠું થઈ ગયું. મોચીએ પોતાના ડબ્બામાંથી એને રોટલાનો મોટો ટૂકડો આપ્યો અને વહાલથી પંપાળ્યું. મોચીનો આભાર માનતો હોય એમ કૂતરાની પૂંછડી પટપટી.
મનમાં મને દયા અાવતી − ‘બીચારું કૂતરું’ અને નાકે રૂમાલ દાબીને અા બધું જોતો ઊભો હતો.
પછી તરત મોચીએ મારાં સોલ નાખી આપ્યાં. પૈસા ચૂકવી હું ચાલતો થયો.
બીજા દિવસે બસ પકડવા હું આવ્યો ત્યારે પેલું કૂતરું ત્યાં જ મોચી પાસે બેઠું હતું.
નોંધ :
Sympathy અને Empathy − અા બે શબ્દો વચ્ચેનો વિસ્તૃત તફાવત સમજાવતો, યેલ યુનિવર્સિટીમાં પી.એચડી. કરી રહેલા લેસલી જેમિસનનો અભ્યાસુ નિબંધસંગ્રહ બહાર પડ્યો છે. એના ઉપરથી મને મારી યુવાન વયમાં અનુભવેલો અા કૂતરાનો પ્રસંગ યાદ અાવી ગયો. (મોચીની સક્રિય ‘એમ્પથી’; મારી નિષ્ક્રિય ‘સિમ્પથી’ !) − અાનંદ રાવ
e.mail : gunjan_gujarati@yahoo.com