મારાં પુસ્તક I Am A Trollમાં સંશોધનના ભાગરૂપે મેં ભારતીય જનતા પક્ષના ભૂતપૂર્વ નેતા અરુણ શૌરીની મુલાકાત લીધી હતી. જ્યારે અરુણ શૌરીએ કરણ થાપરના શૉ પર પહેલી વખત નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી હતી, ત્યારે સોશિયલ મીડિયા પર કથિત ‘ભક્તો’એ તેમને નિશાન બનાવીને ઝેર ઓક્યું હતું. શૌરી અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં વર્ષ ૧૯૯૯થી ૨૦૦૪ દરમિયાનની એન.ડી.એ. સરકારમાં મંત્રી હતા. વર્ષ ૨૦૧૬ના ઉનાળામાં મેં તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પહેલી વખત ‘ધ વાયર’માં પ્રકાશિત થઈ રહી છે.
મુલાકાત : સ્વાતિ ચતુર્વેદી
સ્વાતિ ચતુર્વેદી : નરેન્દ્ર મોદી દુનિયામાં એકમાત્ર નેતા છે, જે અભદ્ર અને અતાર્કિક રીતે દુષ્પ્રચાર કરતાં સોશિયલ મીડિયા ગ્રૂપને ફોલો કરે છે. જ્યારે તમે કરણ થાપરના શૉમાં નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી, ત્યારે આ ગ્રૂપે સેરેબ્રલ પાલ્સીથી પીડિત તમારા પુત્ર અને તમને અત્યંત અતાર્કિક પણે નિશાન બનાવ્યાં હતાં. આ ગ્રૂપે એટલે સુધી કહ્યું હતું કે, તમે મોદીની ટીકા કરી હોવાથી તમારાં કર્મની સજા તમારો પુત્ર ભોગવી રહ્યો છે (હકીકતમાં અરુણ શૌરીના પુત્ર તેમણે મોદીની ટીકા કરી એનાં વર્ષો અગાઉ સેરેબ્રલ પાલ્સીથી પીડિત છે).
અરુણ શૌરી : ચોક્કસ, આ પ્રકારના ગ્રૂપને ફૉલ કરીને મોદી સંદેશ આપી રહ્યાં છે : હું આ ગ્રૂપને ફૉલૉ કરી રહ્યો છે. તેનો સીધો અર્થ એ છે કે તમે આ ગ્રૂપને પ્રોત્સાહન આપી રહ્યાં છો. તમે કહી રહ્યાં છો કે ‘ભાઈ, મૈં દેખ રહા હૂં, તુમ કિતની ગાલિયાં ડાલ રહે હો’ (ભાઈઓ, હું જોઈ રહ્યો છું કે તમે કેટલી ગાળો ભાંડી રહ્યાં છો). પછી મને જાણકારી મળી હતી કે મોદીએ આ ગ્રૂપ માટે રિસેપ્શન રાખ્યું હતું. વળી આ જ લોકોને તમે પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને આવકારો છો. પછી આ લોકો પોતાનો ફોટો મોદી સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. પછી મને માહિતી મળી હતી કે આ જ ગ્રૂપમાંથી એક વ્યક્તિને ભા.જ.પ.ના આઈ.ટી. સેલનો વડો બનાવવામાં આવ્યો છે. એટલે સ્પષ્ટ છે કે આ લોકો હવે સરકારી કામગીરી કરી રહ્યાં છે, એક રાજકીય પક્ષ માટે કામ કરી રહ્યાં છે. એટલે આ બધી બાબતો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ એક એવું માધ્યમ છે, જેનો ઉપયોગ તમે સમગ્ર દેશમાં પોતાના વિરોધીઓને ચૂપ કરવા માટે કરો છો. કોઈને ગાળો ભાંડો, કાયદેસર સુવિધાઓથી વંચિત કરી દો, વગેરે. હજુ હમણાં ‘રાજસ્થાન પત્રિકા’ને આવો જ અનુભવ થયો છે. આ અખબારે કેન્દ્ર સરકાર વિશે કશું લખ્યું એટલે રાજ્ય સરકારે (રાજસ્થાનમાં વસુંધરા રાજેના નેતૃત્વમાં ભાજપની સરકાર છે) સરકારી જાહેરાતો આપવાનો ઇનકાર કરી દીધો છે.
ચતુર્વેદી : [૧૮૭૫માં ઇન્દિરા ગાંધીએ લાદેલી] કટોકટીનો તમે વિરોધ કર્યો હતો. અત્યારે કટોકટી જેવી સ્થિતિ છે?
શૌરી : તે સમયે કેન્દ્રિત કટોકટી હતી અને અત્યારે વિકેન્દ્રિત કટોકટી છે. હકીકતમાં આપણે એક વ્યવસ્થિત માફિયા સ્ટેટ બનવાની દિશામાં અગ્રેસર છીએ. તેમાં સ્થાનિક ગુંડાએ મનસ્વી રીતે વર્તશે. કહેવાનો અર્થ એ છે કે કેન્દ્રમાં બેઠેલા લોકો સ્થાનિક સ્તરે ગુંડાઓને છાવરશે. ‘ગૌરક્ષક’ અને ‘લવ જિહાદ’ની જેમ આ પ્રકારની ગુંડાગીરી પણ કોઈ પણ વ્યક્તિને મારવા કે પીટવા માટે પ્રોત્સાહન આપશે. હકીકતમાં ગૌરક્ષકનો ઉદ્દેશ ગાયનું રક્ષણ કરવાનો છે જ નહીં, સમાજમાં ધાક બેસાડવાનો છે.
ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અને અત્યારની કટોકટી વચ્ચે એક મોટો ફરક છે – એ સમયે ઇન્દિરા ગાંધીના રાજમાં કાયદાનું પાલન થતું હતું. અત્યારે આપણે ધીમે ધીમે ‘જિસકી લાઠી ઉસકી ભેંસ’ તરફ આગળ વધી રહ્યાં છીએ. હકીકતમાં આ ફાસીવાદ છે, કારણ કે હવે સરકાર કહે એ જ કાયદો છે. એક વ્યક્તિ જ સરકાર છે. તમે જુઓ, આ તમામ કામગીરી સરકારની બહારનાં તત્ત્વો કરી રહ્યાં છે. પણ સૌથી ખરાબ બાબત એ છે કે સરકારની અંદર વર્તમાન કાયદાઓનાં અસરકારક અમલનાં તમામ માર્ગો બંધ થઈ રહ્યાં છે – ઉદાહરણ તરીકે માહિતી અધિકારનાં કાયદા (આર.ટી.આઈ.)ને બુઠ્ઠો કરી નાંખવામાં આવ્યો છે. જનહિતની અરજી(પી.આઇ.એલ.)ના કાયદાને મરોડીને બિનઅસરકારક બનાવી દેવામાં આવ્યો છે. તે જ રીતે સર્વોચ્ચ અદાલતમાં તમે ખાલી જગ્યાઓ ભરતાં નથી. ન્યાયતંત્ર ૧૦૦ જેટલી જગ્યાઓ ભરવા જણાવે છે, પણ આ સરકાર એક યા બીજા આધારે તેનો ઇન્કાર કરી રહી છે. ન્યાયમાં વિલંબ થવાથી લોકોને કેટલી મુશ્કેલી પડે છે એનો તેમને ખ્યાલ નથી.
ચતુર્વેદી : આશિષ નાન્દીએ એક વખત મોદીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે જણાવ્યું હતું કે તેઓ કટ્ટર ફાસીવાદીને મળ્યાં હોય એવું અનુભવ્યું હતું. તમે મોદીને સારી રીતે જાણો છો. તમે તેમને પ્રધાનમંત્રી બનાવવા પ્રચાર પણ કર્યો હતો. તમે તેમની વિચારસરણી સાથે સંમત છો?
શૌરી : હા, મેં આવું કહ્યું છે. હવે હું વાતને આગળ વધારી રહ્યો છું અને કહું છું કે મોદી ડાર્ક ટ્રાઇડની કૅટેગરીમાં આવે છે. ડ્રાર્ક ટ્રાઇડ મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વની એક કૅટેગરી છે – જેમાં કોઈ વ્યક્તિમાં સ્થિતિસંજોગો મુજબ ત્રણ પ્રકારનું વ્યક્તિત્વ જોવા મળે છે – નાર્સિસિઝમ (સ્વસંમોહન), મેકિયાવેલિનિઝમ (શાસનકળામાં છળ કે કપટનો આશરો લેવો) અને સાઇકોપેથી (મનોરોગ). વળી તેમના વ્યક્તિત્વની અન્ય એક ખાસિયત પણ છે. તેઓ સરળતાથી ડરી પણ જાય છે. દિલ્હી અને બિહારની ચૂંટણીનાં પરિણામો પછી મોદી વિકાસની વાતો વિસરી ગયા છે. તેમણે તમામ લોકરંજક યોજનાઓ અપનાવી લીધી છે. આ બાબત દર્શાવે છે કે તેઓ ચૂંટણીમાં પરાજય મળ્યાં પછી અતિ ગભરાઈ ગયા હતા. બીજું, તેમનો એકમાત્ર ઉદ્દેશ ચૂંટણીઓ જીતવાનો છે અને આ માટે કોઈ પણ માર્ગ અપનાવવામાં આવે છે. જે લોકોએ મોદીનો વિરોધ કર્યો હતો એ તમામને કોઈને કોઈ કેસમાં ફસાવી દેવામાં આવ્યાં છે – પછી તે ગુજરાતમાં આઈ.એ.એસ. ઓફિસર પ્રદીપ શર્મા હોય કે એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડ. ઉપરાંત, બિનસરકારી સંસ્થાઓને યેનકેન પ્રકારે મુશ્કેલીમાં મૂકી દેવામાં આવે છે. પછી તેઓ તેમની કામગીરીને આ રીતે વાજબી ઠેરવે છે – ‘બધા મને હેરાન કરે છે, એટલે મારે આવું કરવું પડે છે.’
ચતુર્વેદી : તમે મોદીને સારી રીતે જાણો છો, તમે તેમને પ્રચાર અભિયાનમાં મદદ પણ કરી હતી.
શૌરી : હા, હું તેમને સારી રીતે જાણતો હતો, ખાસ કરીને તેઓ લવાસામાં અમારા ઘરે આવ્યાં પછી. તે મુલાકાત થયા પછી મેં પ્રચાર અભિયાનમાં મદદ કરી હતી. અમે બધા ખભેખભો મિલાવીને કામ કરતાં હતાં, કારણ કે અમે મનમોહન સિંઘની બીજી ટર્મ નિષ્ક્રિયતાથી કંટાળી ગયા હતા. પણ એ મારા માટે મોટો બોધપાઠ હતો. મને મારા જીવનમાં બીજી વખત બોધપાઠ મળ્યો હતો. મોદીનું સમર્થન કરવું મારા જીવનની બીજી મોટી ભૂલ હતી. તમે વર્તમાન સરકારથી કંટાળો છો ત્યારે કોઈને પણ સમર્થન આપો છો. રાજીવ ગાંધીના સમયે આવું જ થયું હતું અને એટલે જ અમે વી.પી. સિંહને સમર્થન આપ્યું હતું. એવું જ મોદીમાં થયું હતું. ચંદ્રશેખરે મને ચેતવ્યો હોવા છતાં મેં વી.પી. સિંહને ટેકો આપ્યો હતો. ચો. રામાસ્વામીએ ચંદ્રશેખરને કહ્યું હતું કે, ‘વી.પી. સિંહની કોઈ વિચારસરણી જ નથી એટલે તમે તમારા મિત્ર(અરુણ શૌરી)ને ચેતવો.’ પણ ત્યારે એક્સપ્રેસમાં અમારી સામે ઘણાં કેસ ચાલતાં હતાં એટલે મેં ચો. રામાસ્વામીને જણાવ્યું હતું કે ‘જ્યારે તમારું ઘર સળગતું હોય, ત્યારે તમે ગંગાના પાણીની રાહ ન જોઈ શકો.’ જો કે ચો.એ મને કહ્યું હતું કે ‘તમે આગને ઠારવા પાણીને બદલે પેટ્રોલ છાંટી રહ્યાં છો.’ પછી ખરેખર એવું જ થયું હતું.
બીજી વખત પણ એવું જ થયું છે. જ્યારે મેં મોદીને સમર્થન આપ્યું હતું, ત્યારે તેઓ મારી પ્રશંસા કરતાં હતા. પણ જ્યારે મેં તેમની કાર્યશૈલી સામે પ્રશ્રો ઉઠાવ્યાં, ત્યારે પછી મારે સાથે જે થયું તેનાથી હું નિરાશ થઈ ગયો હતો. હું ચોક્કસ હતાશ છું, નિરાશ છું, પણ તેનાથી હકીકતો બદલાતી નથી. પ્રશ્રો યથાસ્થાને છે જ. શું સરકારે વિવિધ સંસ્થાઓને પોતાના નિયંત્રણમાં લીધી નથી? લોકશાહીનાં મૂલ્યોનું પતન થઈ રહ્યું નથી? શું આપણે આપણે કહી શકીએ કે મોદી આ તમામ બાબતોથી અજાણ છે?
ચતુર્વેદી : શું તમે ખરેખર માનો છો કે મોદી તેનાથી અજાણ છે?
શૌરી : તમે એવો દાવો ન કરી શકો કે ‘અરે, મોદી બધું જાણે છે. તેઓ તેમના માટે સુપર ઇન્ટેલિજન્સ સર્વિસ ધરાવે છે.’ તેઓ જાણતા નથી કે તેમનાં મંત્રીઓ શું બોલી રહ્યાં છે? શું તેઓ વાકેફ નથી કે સાંસ્કૃિતક મંત્રી મહેશ શર્મા કે ભા.જ.પ.ના નેતાઓ શું કહે છે? હકકીતમાં સ્પષ્ટ પેટર્ન છે : કોઈ નિવેદન કરવામાં આવે છે, ઘટના ઘટે છે અને અભિયાન શરૂ થાય છે. પછી તેઓ ચૂપ રહે છે. બધા કહે છે, પ્રધાનમંત્રીએ બોલવું જોઈએ. પણ તેઓ કશું બોલતા જ નથી. જ્યારે અભિયાન ઠંડું પડી જાય છે, ત્યારે તેઓ કેટલાંક અસ્પષ્ટ નિવેદન કરે છે. જેમ કે, આપણે આપણી માતાનું સન્માન કરવું જોઈએ. ગૌરક્ષકોનું આંદોલન કે લવ જિહાદ આનું જ ઉદાહરણ છે.
ચતુર્વેદી : આ તમામ પ્રકારણો ગભરાવી દે તેવા છે.
શૌરી : હા, મુઝફ્ફરનગરનાં હત્યાકાંડમાં આવું જ થયું હતું. આવું જ અત્યારે કાશ્મીરમાં થઈ રહ્યું છે. ૬૧ લોકો માર્યા ગયા છે અને આ લોકો એટલી હદે મૂર્ખ છે કે તેઓ કોઈની પણ હત્યા કરશે – જમ્મુમાં માંસનાં મુદ્દે ટ્રક ડ્રાઇવરની. તેમને અહેસાસ જ નથી કે કાશ્મીર ચિનગારી છે, જેમાંથી ભડકો થશે. અત્યારે કેરળ, બિહાર કે ઉત્તરપ્રદેશમાં કાશ્મીર જેવું જ થઈ રહ્યું છે. ૧૯૪૦માં મુસ્લિમો એવું માનતા થઈ ગયા હતા કે હિંદુસ્તાનમાં આપણા માટે કોઈ સ્થાન નથી. આવી જ સ્થિતિ ઊભી કરવાના પ્રયાસ થઈ રહ્યાં છે.
ચતુર્વેદી : ભા.જ.પ.ના આઇ.ટી. સેલના સભ્યો અને મોદીના એક ફોલોઅરે કોમવાદી આગ લગાવવા જૂઠ્ઠાણાં ફેલાવ્યાં હતાં. ઉદાહરણ તરીકે – દાદરીકાંડ પછી ભા.જ.પ.ના આઇ.ટી. સેલના સભ્યે ટિ્વટર પર ફોટોશોપ કરેલા પિક્ચર્સ મૂક્યાં હતાં, જેમાં ગાયની ચોરી કરીને લઈ જતાં લોકોએ પોલીસમેનને કચડી નાંખ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પછી ભા.જ.પે. તેની સાથે કોઈ સંબંધ ન હોવાની જાહેરાત કરી હતી. પણ ઉત્તરપ્રદેશની સરકારે આ વ્યક્તિ સામે એફ.આઇ.આર. દાખલ કરી પછી એક કલાકમાં તેમણે એ વ્યક્તિને ટેકો આપ્યો હતો. નથી લાગતું આ ડબલ ગેમ છે?
શૌરી : લોકોમાં ભાગલાં પડાવવાનો સ્પષ્ટ ઉદ્દેશ છે. બીજું, તેઓ જે લોકોને નિશાન બનાવવા ઇચ્છે છે તેમને રાષ્ટ્રવિરોધી ગણાવે છે.
ચતુર્વેદી : આ રાષ્ટ્રવિરોધીવાળો મુદ્દો તમે જે ઉપાડ્યો તે ખૂબ મહત્ત્વનો છે. અત્યાર સુધી આપણે રાષ્ટ્રવિરોધી શબ્દનો અર્થ થાય તેવી તમામ કામગીરી ન કરી હોય તેવી વ્યક્તિને રાષ્ટ્રવિરોધી માની નથી.
શૌરી : ઇન્દિરા ગાંધી તેમની સરકારને ઉથલાવવા માટે વિદેશી શક્તિઓનો હાથ હોવાનું કહેતાં હતાં. તેમણે ‘તેઓ વિરૂદ્ધ અમે’ જેવી સ્થિતિનું સર્જન કર્યું હતું. હકીકતમાં આપણી સંસ્કૃિત વિરોધી હોય તેઓ રાષ્ટ્રવિરોધી છે. મોદી અને શાહે ભા.જ.પ.નું ઇન્દિરાકરણ કર્યું છે. તમે જુઓ – મંત્રીમંડળમાં મોદી જ સર્વેસર્વા છે, પક્ષ સંપૂર્ણપણે મોદીભક્તોની મંડળી બની ગયો છે. મોદી અને શાહની હામાં હા મિલાવવાની જ છે. તેમની મુખ્યમંત્રીઓની પસંદગી જુઓ – ગુજરાતમાં વિજય રૂપાણી, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ, હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર. આ તમામ જનાધાર વિનાના નેતા છે. હવે પક્ષે અમિત શાહને મુખ્યમંત્રી બનવાની સત્તા આપતો ઠરાવ પણ પસાર કરી દીધો છે. તો પછી ધારાસભ્યોની સ્વતંત્ર વિચારસરણીનું શું થશે?
ચતુર્વેદી : તમે ભા.જ.પ.માં સામેલ હતા. અટલજીની સરકારમાં મંત્રી હતા. તમને લાગતું નથી કે એ ભા.જ.પ. અને હાલના ભા.જ.પ.માં ફરક છે? હવે તમે ગર્વ સાથે કહો છો કે તમે ભા.જ.પ.ના સભ્ય નથી.
શૌરી : હું આ ભા.જ.પ.નો ક્યારે ય સભ્ય ન બની શકું. મોદી જાણે છે કે હું આ ભા.જ.પ.માં રહી ન શકું.
ચતુર્વેદી : ભા.જ.પ. જણાવે છે કે તમે નાણાં મંત્રી બનવા ઇચ્છતા હતા. પણ તમારી ઇચ્છા પૂરી ન થઈ એટલે તમે મોદીને નિશાન બનાવો છો.
શૌરી : ધારો કે, હું નાણાં મંત્રી બનવા ઇચ્છતો હતો, પણ તેનાથી આ સરકારે જે કામગીરી કરી છે તેની હકીકતો બદલાઈ જતી નથી. પાકિસ્તાન સાથે નીતિ મામલે તમે મૂર્ખ સાબિત નથી થયા ? એન.એસ.જી. કે બીજી કોઈ વિદેશી નીતિ બાબતે ચીનનાં સંબંધે તમે મૂર્ખ સાબિત થયા નથી? એ હકીકતોનું શું? બૅંકોની બોજરૂપ લોનની સમસ્યાનું શું? આ બાબતે વર્ષ ૨૦૧૩માં તમારું ધ્યાન દોરવામાં આવ્યું નહોતું? અત્યાર સુધી તેના પર કોઈ કામગીરી થઈ છે? હા, મોદીએ છથી સાત કલાક પ્રેઝન્ટેશન સાંભળ્યું હતું, પણ તેના પર કોઈ કામગીરી કરી નહોતી.
ચતુર્વેદી : આપણે આર.બી.આઈ.ના ગવર્નર રઘુરામ રાજનની વાત કરીએ. સુબ્રમણિયમ સ્વામીએ સોશિયલ મીડિયા પર રાજનને “તેઓ સંપૂર્ણપણે ભારતીય માનસિકતા ધરાવતા નથી” તેવું નિવેદન કરીને તેમને નિશાન બનાવ્યા હતા.
શૌરી : હું અંગત રીતે માનું છું કે રાજનના પ્રકરણમાં કોર્પોરેટ હિતો જવાબદાર હતા. રાજન બૅંકોની કામગીરીને સીધા પાડે ચઢાવી રહ્યા હતા. બૅંકોમાં નાણાકીય શિસ્ત લાવવા અગ્રેસર હતા. જે કોર્પોરેટને બૅંકોને નાણાં ચુકવવાનાં હતાં, તેમનાં નામ બૅંકોને જાહેર કરવાની રાજને ફરજ પાડી હતી. એટલે રાજન કોર્પોરેટ જગત માટે જોખમકારક બની ગયા હતા. વળી તેઓ ભારતીય નાગરિક પણ નહોતા બન્યા. એટલે તેમની સામે એ જ પેટર્ન અપનાવવામાં આવી હતી.
ચતુર્વેદી : પ્રધાનમંત્રીએ આ મુદ્દે તેમનું મૌન તોડ્યું હતું, પણ તમને લાગે છે તે બહુ નબળો બચાવ હતો?
શૌરી : હકીકતમાં આર.બી.આઈ.ના ગવર્નરનો ભોગ લેવાયો હતો. તેણે ચાર બાબતો સ્પષ્ટ કરી દીધી હતી : એક, સરકારે કોર્પોરેટ ગૃહોની તરફેણ કરી છે. બે, જો તમે સરકાર કહે તેમ નહીં કરો તો તમને અમે ઉખેડી ફેંકીશું. ત્રણ, આ સરકારમાં કુશળ માણસોને કોઈ સ્થાન નથી તથા ચોથી અને સૌથી મહત્ત્વપૂર્ણ બાબત કે કોઈ સંસ્થા સ્વાયત્ત નહીં રહે.
ખરેખર આ જ કથિત ગુજરાત મોડલ છે. એક જ વ્યક્તિ કે મંડળી કહે એમ થશે, અન્ય કોઈના અવાજને સ્થાન નથી. આ માણસને અહેસાસ પણ નથી કે રાષ્ટ્રીય રાજકારણમાં નાટકો કરવાથી કોઈનું ભલું થયું નથી અને નાટક કોઈ સિદ્ધિ નથી. અડવાણીજીએ એ સમયે કહ્યું હતું કે, મોદી સારાં ઇવેન્ટ મેનેજર છે. પણ મારે કહેવું છે કે મોદી અત્યારે ઇવેન્ટ મૅનેજર હોય એવું જણાય છે, પણ સારાં ઇવેન્ટ મૅનેજર નહીં.
ચતુર્વેદી : તમને એવું લાગતું નથી કે દિલ્હીમાં પોતાની સરકાર રહે એ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મોદી અને શાહ સાથે સમાધાન કર્યું છે?
શૌરી : ના, પણ સંઘ અને મોદી અલગ છે તેવું કેવી રીતે માનો છો? મોદી અને શાહ દરરોજ સંઘનાં મૂલ્યોનું જ અનુમોદન કરે છે. સંઘનાં મૂલ્યો જ મોદી અને શાહનાં મૂલ્યો છે. સત્તાનું કેન્દ્ર જ સંઘ છે અને સંઘ જ સત્તામાં છે. દેશની વિવિધ સંસ્થાઓમાં જે લોકોની નિમણૂક કરવામાં આવે છે એ જુઓ. તેનાં પરિણામો લાંબા ગાળે જોવાં મળશે. દેશની, દેશપ્રેમની જે વાતો થઈ રહી છે એ દેખાડો છે, મૂળ ઉદ્દેશ તો આ સંસ્થાઓ પર કબજો જમાવવાનો છે.
ચતુર્વેદી : તાજેતરમાં આપણે એક અભૂતપૂર્વ ઘટનાના સાક્ષી બન્યાં હતાં. દિલ્હીના ચૂંટાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વીડિયો મૂકીને કહ્યું હતું કે મોદી તેમની કે તેમના ધારાસભ્યોની હત્યા કરાવવાની હદ સુધી જશે તેવો તેમને ડર છે. ભા.જ.પે. તેમની ઘણી મજાક ઉડાવી હતી અને સોશિયલ મીડિયા પર નિશાન બનાવ્યાં હતા. પછી કેજરીવાલના સમર્થકોએ મોદી જે ટિ્વટર હેન્ડલને ફોલો કરે છે તેના સ્ક્રીન શોટ્સ મૂક્યાં હતાં, જેમાં આ હેન્ડલના ફોલોઅર્સ એવું કહે છે કે તેઓ કેજરીવાલની હત્યા કરવા ઇચ્છતાં હતાં. તમારું શું માનવું છે?
શૌરી : ના, મહત્ત્વનો મુદ્દો એ નથી કે કેજરીવાલે આ પ્રકરણ પૂર્ણ કરવાનું નેતૃત્વ લીધું છે. મુદ્દો એ છે કે લોકો તેમની હત્યા માટે પૂછી રહ્યાં છે. આ લોકોને મોદી દ્વારા પ્રોત્સાહન મળે છે. આ વાત એવી છે કે તમે મને નિશાન બનાવી શકતાં નથી એટલે તમે તમારાં શ્વાન મારી પાછળ છોડી દો છો.
ચતુર્વેદી : ભા.જ.પે. કેજરીવાલને ભાતભાતના હાસ્યાસ્પદ વિશેષણો આપ્યાં છે. વળી, પોતાને રાષ્ટ્રવાદી ગણાવતો મીડિયાનો એક વર્ગ પણ તેમની સાથે જોડાઈ ગયો છે. કેટલાંકે તો જે.એન.યુ. કેસમાં બનાવટી કે ઉપજાવી કાઢેલો વીડિયો પણ પ્રસારિત કર્યો હતો.
શૌરી : જ્યારે આમ આદમી પાર્ટીએ તેના પ્રચારની શરૂઆત કરી હતી, ત્યારે મોદીની મજાક ઉડાવી હતી. અમે અમદાવાદમાં હતા. મને યાદ છે કે કેજરીવાલ શું કરી રહ્યા છે, આપ તેનો પ્રચાર કેવી રીતે કરે છે તેના પર વ્યવસ્થિત પ્રેઝન્ટેશન થયું હતું. કોઈએ એવું પણ કહ્યું હતું કે આપની સૌથી મોટી સફળતા સોશિયલ મીડિયા પર ભા.જ.પ.ને પાછળ રાખી દેવાની છે.
અત્યારે ટિ્વટર પર જુઓ. કોઈ વ્યક્તિ નહીં, પણ મોં-માથા વિનાનાં વિવિધ સંગઠિત જૂથો ઝેર ઓકી રહ્યાં છે. અત્યારે સોશિયલ મીડિયા માટે પણ સેના ઊભી કરવામાં આવી છે. આ સેના કે ભક્તજન મંડળીઓ જ ભારતમાં લોકશાહી માટે ખતરાની ઘંટડી છે. ભારતમાં લોકતાંત્રિક મૂલ્યો નબળાં પડી રહ્યાં હોવાનો આ સંકેત છે. આ મંડળીઓ દેશનું સ્વસ્થ વાતાવરણ પ્રદૂષિત કરી રહી છે. હકીકતમાં આ ટોળા સુવ્યવસ્થિત વ્યૂહરચનાનો ભાગ છે. દેશમાં જાગૃતિ લાવવાની જરૂર છે. લોકોએ જાગૃત થવાની જરૂર છે.
આ લોકો પાગલ નથી. મને મુસોલિનીનાં કાળા શર્ટ પરનું એક વાક્ય યાદ આવે છે. તેનો અર્થ કંઈક આવો થાય છે – મારી રહેમનજર વિના મારાં ટોળાંઓ કશું નથી, પણ મારી છત્રછાયામાં તેઓ જ સરકાર છે. જ્યારે સરકાર ટોળાંશાહીને પ્રોત્સાહન આપે છે, ત્યારે ટોળાં જ સરકાર બની જાય છે. આ જ વાત અત્યારે મોટા ભાગના મીડિયા ગ્રૂપને લાગુ પડે છે. મને મારા મિત્રો પાસેથી જાણકારી મળે છે. તેમના કહેવાનો અર્થ એ છે કે ભારત કમનસીબ છે અને એટલે જ તેના પર હજારો વર્ષ સુધી રાજ કરવું સરળ હતું. કહેવાય છે ને કે ન્યાય અને પ્રામાણિકતા સારી ચીજો છે, પણ જો કોઈ બીજો તેના માટે શહીદ થાય તો વધારે સારું. અત્યારે આવી માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે.
ચતુર્વેદી : તમે સરકાર અને તેની નીતિઓને જુઓ છો. ઉદાહરણ તરીકે રાજનાથ સિંહને સાર્ક બેઠકમાં પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા. આ બેઠકમાં બાંગ્લાદેશે પણ પોતાના મંત્રીને મોકલ્યાં નહોતાં. આપણે બધા જાણીએ છીએ કે આ બેઠકમાં રાજનાથ સિંહનું અપમાન થયું હતું. પણ તેઓ ભારત આવીને કહે છે કે, ‘હું ત્યાં લંચ કરવા ગયો નહોતો.’ ખરેખર આ સરકાર શું કરી રહી છે?
શૌરી : (હસે છે) ઢેફું ભાંગીને ધૂળ, પણ આ વિદેશી નીતિ છે. એક દિવસ તમે પાકિસ્તાન સામે લાલ આંખ કરો છો. બીજા દિવસે તમારી નીતિ બદલાઈ જાય છે. રાજનાથસિંહે નિવેદન કર્યું હતું કે હું ત્યાં લંચ કરવા ગયો નહોતો. હકીકતમાં તેમનું આ નિવેદન મોદી પર ટિપ્પણી હતી. આપણે જાણીએ છીએ કે મોદી પાકિસ્તાનના પ્રધાનમંત્રી શરીફ સાથે નાતાલનું લંચ લીધું હતું. એટલે સિંહે તેમના મિત્રોને જણાવ્યું હતું કે મારામાં પાકિસ્તાનને ઇંટનો જવાબ પત્થરથી આપવાની તાકાત છે.
હવે એન.એસ.જી.ની વાત લો. મોદી બે બાબતો વિચારે છે. એક, આપણે સભ્ય બનીને વાહવાહી લૂંટી શકીએ. બીજું, જો કોઈ સભ્ય ડગમગુ થાય, તો તેને પોતાની સાથે કરવા એટલે મીડિયાની ઝાકઝમાળ વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડ અને મેક્સિકોના પ્રવાસ થયા હતા. હકીકતમાં આ બધું હવામાં બાચકા ભરવા જેવું છે, દિવાલો સાથે માથું અફળાવવા જેવું છે. તમે અવલોકન કરશો તો સ્પષ્ટપણે એ સમજાઈ જશે ખરેખર શું થયું હતું. મોદી આ પ્રવાસોમાં પોતાને બરાક ઓબામા સાથે, બ્રિટનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડેવિડ કેમરુન અને જર્મન ચાન્સેલર ઍન્જેલા માર્કલ સાથે હસ્તધૂનન કરતાં દેખાય તેવું ઇચ્છતાં હતાં. નવાઈની વાત તો એ છે કે માર્કલે તો તેમની સામે પણ નહોતું જોયું.
બીજું, આ સરકાર હેડલાઇન મેનેજમેન્ટ કરી રહી છે એટલે જો કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનો થાય કે ગુજરાતમાં ગાંધીવાદી નેતાઓની આગેવાનીમાં દલિતોનું આંદોલન થાય, તો બીજી કોઈ સ્ટોરી કે વધારે સ્ટોરી પ્લાન્ટ કરવી. દરેક મીડિયા આ સ્ટોરી ચલાવશે, કારણ કે અત્યારે મીડિયા પર પણ તમારો દાબ છે. અત્યારે મીડિયાની હાલત ‘કહ્યાગરાં કંથ’ જેવી છે. બીજા દિવસે તમારે કાશ્મીર કે ગુજરાતની ચિંતા નહીં કરવાની. તમે મીડિયાનું ધ્યાન બીજે દોરીને પોતાની પીઠ થાબડો છો. પણ હકીકતમાં તેમાં સમસ્યાઓ વધે છે. તેનો અર્થ એ છે કે તમે પોતે જે આગ લગાવી છે તેના પર તમે ધ્યાન નહીં આપો. તમને સમસ્યાનું સમાધાન કરવામાં રસ નથી, પણ જનતાનું ધ્યાન તેના પ્રત્યે ન જાય એટલે તમે પોતે અન્ય કોઈ મુદ્દે સફળતા મળી હોય તેવું તરકટ રચો છો. તમને મીડિયામાં છવાયેલા રહેવાનું ઘેલું લાગ્યું છે. તમને દેશમાં જે સ્થિતિ ઊભી થઈ છે તેમાં રસ નથી. રાજીવ ગાંધી તો જંગી બહુમતી સાથે પ્રધાનમંત્રી બન્યા હતા, પણ સ્થિતિસંજોગો તેમના પર હાવી થઈ ગયા હતા. મોદી બે દાયકા કરતાં વધારે સમય પછી બહુમતી સાથે દિલ્હીમાં આવ્યા છે. મોદી એમ માને છે કે સંસદ તેમના નિયંત્રણમાં છે, મીડિયા પર બરોબર દાબ ઊભો કર્યો છે, એટલે પ્રજા આપણી મુઠ્ઠીમાં છે. પણ ગમે ત્યારે સ્થિતિસંજોગો વણસતી શકે છે.
ચતુર્વેદી : તમે અટલજીના મંત્રીમંડળમાં મંત્રી હતા. ભા.જ.પ. (ભારતીય જનતા પક્ષ) મોભમ(મોદી ભક્ત મંડળી)માં પરિવર્તિત થઈ ગયો છે. અત્યારે અટલજી તંદુરસ્ત હોત તો તેઓ આ વિશે શું માનતા હોત? તમે અટલજીની અત્યંત નજીક હતા. ગુજરાતમાં કોમી રમખાણો થયા પછી મોદી વિશે અટલજી શું માનતા હતા?
શૌરી : ગુજરાતમાં તોફાનો થયા પછી અટલજી અંગત રીતે અતિ વ્યથિત હતા. ગુજરાતમાં કોમી રમખાણો થયા પછી અટલજીએ શરણાર્થી શિબિરોની મુલાકાત લીધી હતી અને ત્યાંથી પરત ફરીને અમે તાત્કાલિક સિંગાપોર અને કંબોડિયાની મુલાકાત લીધી હતી. વાજપેયીજીના અગ્રસચિવ બ્રજેશ મિશ્રાએ મને જણાવ્યું હતું કે ‘જરા અટલજી કે પાસ જાઓ, બહુત અપસેટ હૈ.’ મેં તેમને મળીને અપસેટ હોવાનું કારણ પૂછ્યું હતું. ત્યારે તેમણે મને જણાવ્યું હતું કે ‘હું અપસેટ છું. મને સમજાતું નથી કે મને ત્યાં (અમદાવાદમાં શરણાર્થી શિબિરોની મુલાકાતે) શા માટે લઈ જવામાં આવે છે? હું શું મોઢું લઈને વિમાનમાંથી નીચે ઉતરીશ. કલંક લગાવી દીધું છે.” એટલે મેં તેમને કહ્યું હતું કે, “તમે વિમાનમાંથી ઉતરીને અડવાણીજીને કહો કે તેમણે મોદીને રાજીનામું આપવાનું કહેવું જોઈએ.’ પછી અટલજીએ કશો જવાબ આપ્યો નહોતો.
પછી બ્રજેશ મિશ્રાએ મને પ્રધાનમંત્રીના વિમાનમાં બેસીને ગોવામાં ભા.જ.પ.ની બેઠકમાં જવા કહ્યું હતું. તે સમયે મેં ગોવા જવા વિમાનની ટિકિટ ખરીદી લીધી હતી. તેમણે મને વિમાનમાં અડવાણીજી અને જસવંતસિંહ પણ હશે તેવું જણાવ્યું હતું. એટલે મેં તેમને આ ત્રણેય વરિષ્ઠ નેતાઓ મોદીના રાજીનામા પર ચર્ચા કરે એ વધારે અનુકૂળ હોવાનું જણાવ્યું હતું. પણ પછી મિશ્રાએ મને કહ્યું હતું કે ‘ઉન લોગોં કો બાત હી નહીં કરની હૈ.’ એટલે અમે પ્રધાનમંત્રીની સાથે વિમાનમાં ગોવા ગયા હતા. વિમાનમાં તેઓ અને અડવાણીજી સામસામે બેઠા હતા. અટલજી અને અડવાણી બંને એકબીજાની સામે જોવાનું જ ટાળતા હતા. એટલે મેં અટલજીના હાથમાંથી અખબાર લઈને કહ્યું કે ‘અટલજી, અખબારનો અભ્યાસ ગમે તે સમયે કરી શકશો. તમારે બંનેને મોદી વિશે વાત કરવી છે. મહેરબાની કરીને શરૂ કરો.’ પછી ચર્ચા શરૂ થઈ હતી. તેમાં પ્રથમ નિર્ણય એવો લેવાયો હતો કે ભા.જ.પ.ના પ્રમુખ જના ક્રિષ્નામૂર્તિના સ્થાને વૈંકયા નાયડુને બનાવવા. બીજો નિર્ણય એવો લેવાયો હતો કે અડવાણીજી ભા.જ.પ.ની રાષ્ટ્રીય કાર્યકારિણીને જાણકારી આપશે કે મોદીએ રાજીનામું આપ્યું છે.
અમે ગોવા પહોંચ્યાં. બેઠક શરૂ થઈ. અટલ, અડવાણી અને જના મંચ પર બેઠા હતા. બેઠકમાં વચ્ચે મોદી ઊભા થયા અને કહ્યું કે ‘હું ઇચ્છતો નથી કે પક્ષને મારા કારણે કોઈ નુકસાન થાય એટલે મેં ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનું નક્કી કર્યું છે.’ બેથી ત્રણ સેકન્ડમાં જ ૧૦થી ૧૫ લોકોએ દેકારો કરવાની શરૂઆત કરી. તેઓ સૂત્રો ઉચ્ચારતાં હતાં કે ‘બિલકુલ નહીં, ક્યોં દેંગે, ક્યા હુઆ, કુછ ગલતી નહીં હુઈ.’ પછી અડવાણીજીએ નિર્ણય જાહેર કર્યો કે મોદી રાજીનામું નહીં આપે. અટલજી સ્તબ્ધ થઈ ગયા હતા. હકીકતમાં આ તેમની સામે શરૂ થયેલો બળવો હતો. ત્યારબાદ તેમણે સ્થિતિ ઠારે પાડવાનો પ્રયાસ કર્યો અને આવતીકાલે વાત કરીશું તેવું જણાવ્યું. પછી આ વિશે ક્યારે ય વાત ન થઈ અને ઊલટાનું આ વિશે શા માટે વાત કરવી જોઈએ તેવા પ્રશ્રો પૂછાવાં લાગ્યા.
હવે વર્તમાન પરિસ્થિતિની વાત કરું. જો અટલજી અત્યારે તંદુરસ્ત હોત, તો તેમણે દેશમાં પ્રવર્તમાન સ્થિતિ હરગિજ ન ચલાવી લીધી હોત.
[ટૂંકાવીને અનુવાદ : કેયૂર કોટક]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2017; પૃ. 03-06