જામનગરના ‘બિરાદરી’ના પ્રખર ગાંધીવાદી ડૉ. પ્રફુલ્લભાઇ દવેએ 22 સપ્ટેમ્બર 2022ના રોજ વિદાય લીધી. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.
કાઠિયાવાડના વૈદરાજ બાળકૃષ્ણભાઈ દવેના પાંચ સંતાનોમાં પ્રફુલ્લભાઈ સૌથી પ્રથમ બાળક. એમનો જન્મ 24 માર્ચ 1940ના રોજ રાજકોટ મુકામે થયો હતો. મોટે ભાગે બાળપણ રાજકોટમાં વીત્યું. શિક્ષણ મેટ્રિક સુધી રાજકોટમાં જ પૂરું કર્યું. નાના હતા ત્યારે થોડો સમય નાનાં ગામડાંમાં સારી શિક્ષણ સંસ્થામાં રહેલા, પણ પછી રાજકોટની વિરાણી શાળામાં જ પૂરું કર્યું.
ત્યાર બાદ પિતાજી – વૈદરાજ બાલકૃષ્ણ દવેને જામસાહેબે જામનગર આયુર્વેદ યુનિવર્સિટી માટે વાઇસ ચાન્સેલર બનાવવા બોલાવ્યા, ત્યારે પ્રફુલ્લભાઇએ જામનગરથી B.A.M.S.ની સ્નાતક ડિગ્રી આયુર્વેદમાં લીધી. અને આગળ M.B.B.S.ની શક્યતા હતી, તો એ ડિગ્રી પણ મેળવી અને પોતાનું દવાખાનુ જામનગરમાં જ નાગરચલકા ખાતે શરૂ કર્યું. ઘરમાં ભાઈ – બહેનોમાં ખૂબ આદરણીય અને પ્રેમાળ, તેમ જ અનેક સગાંસંબંધીઓ સાથેના સહજીવન દરમ્યાન દરેક સાથે આનંદ અને મુક્ત વાતાવરણ આપીને સૌથી મોટા દીકરા તરીકે પોતાની આગવી છબી ઊભી કરેલી હતી.
ડૉ. પ્રફુલ્લભાઇ દવે વ્યવસાયે સેવાભાવી તબીબ હતા. નાનપણથી એમનો ઉછેર ગાંધીવાદી કુટુંબમાં થયેલો. સાથે સાથે અધ્યાત્મ અને સાધકની ભૂમિકા પર પણ રહ્યા હતા. તેઓનાં જીવન મૂલ્યો પણ એને લીધે જ ઊંચા હતાં. વર્ષો સુધી જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય જગતમાં જેટલું શક્ય બને તેટલાં સેવાકીય કાર્યો કરતાં રહેતા. આ કાર્યોમાં ગામડાઓમાં અસંખ્ય તબીબી કેમ્પ કર્યા જે સૌથી બહોળા પ્રમાણમાં થયેલું કાર્ય હતું.
એ સિવાય ધરતીકંપ બાદ જોડિયા તાલુકાના ચાર ગામોમાં સ્કૂલ બનાવવામાં આર્થિક ફાળો એકઠો કર્યો અને શ્રમ દાન કરી બધી રીતે મદદ કરેલી. જોડિયા તાલુકામાં પાણીના ટાંકા બનાવરાવીને તેમ જ કૂવા રિચાર્જ કરવમાં મદદ કરીને પાણીનો પ્રશ્ન હલ કરવામાં ખૂબ મદદરૂપ થયા.
ચૂંટણી દરમ્યાન લોકજાગૃતિ અભિયાન ચલાવતા અને સારા તેમ જ યોગ્ય ઉમેદવારને ચૂંટવા માટે અથાગ પ્રયાસો કરતા રહેતા.
જામનગર વિકાસગૃહ સંસ્થાની અનાથ બાળાઓને વર્ષો સુધી વિનામૂલ્યે નિદાન, સારવાર અને દવાઓ પૂરી પાડતા.
૧૯૮૫માં થયેલા કોમી તોફાનો બાદ ઊભા થયેલા કોમી વૈમનસ્યના પડકારને ઝીલવા વિમલા (તાઈ) ઠકારના કહેણ પર ‘ગુજરાત બિરાદરી’ની સ્થાપના કરી. જેમાં સાપ્તાહિક સભાઓ અને જનજાગૃતિ માટે અનેક કાર્યક્રમો ચલાવતા રહ્યા. લગભગ ૩૩ વર્ષ ‘બિરાદર’ માસિક લોકો સુધી પહોંચાડી અનેક વિષયો વિશે સાંપ્રત હકીકતો અને સમજણ ધરાવતા લેખો આપતા રહ્યા, જેમાં અનેક લેખકો અને કાર્યકર્તાઓનો એમને સાથ સહકાર મળ્યો.
સાપ્તાહિક સભાઓ નિરંતર આશરે ૪૦-૪૫ વર્ષ સુધી જામનગર મુકામે ચાલતી રહી, અને જેમાં અનેક પેઢીઓનાં યુવાનો સતત જોડાતા રહ્યાં અને અનેક રીતે એમનું માનસિક પોષણ પુસ્તકો રૂપે અને વ્યાખ્યાનો રૂપે થતું રહ્યું.
‘બિરાદર’ માસિક તેમ જ વિમલા ઠકારના સામાજિક જાગૃતિ પરનાં વ્યાખ્યાનો પુસ્તક સ્વરૂપે બહાર આવતા રહ્યા જેમાં પ્રફુલ્લભાઇનો ફાળો અથાગ રહ્યો.
વિમલાતાઇ (ઠકાર)ના અત્યંત નીકટના સ્વજન એવા ડૉ. પ્રફુલ્લભાઇ સૌના આદરપાત્ર, તેમ જ અનેક યુવાનો માટે રાહબર રહ્યા હતા અને દરેકના આત્મીય સ્વજન જીવનભર રહેતા. તેઓના સંપર્કમાં જે કોઇ આવે તે તમામમાં તેઓ ઉત્તમ શું રહેલું છે તે નિહાળતા અને તેનો સ્વ-પરિચય કરાવતા. તેમના પ્રેરણાત્મક અને પ્રેમાળ નેતૃત્વનો લાભ સૌ કોઈને મળતો રહ્યો. વિમલા ઠકારના અનેક આધ્યાત્મિક શિબિરો કર્યા, જેમાં યુવા પેઢીને ખૂબ લાભ મળ્યો પોતાના જીવનને સુધારવાનો. વ્યક્તિગત જીવનમાં સાધક બનીને સામાજિક જીવન કઇ રીતે જીવવું સમાજસેવા કઇ રીતે કરવી, તેની સ્પષ્ટ અને ઊંડી સમજણ તેમને હતી. જેનું દરેકને માર્ગદર્શન મળતું રહેતું. જેને લીધે સમ્પર્કમાં આવનારનું વ્યક્તિગત જીવન સાધનાપરાયણ અને સામાજિક જીવન શુદ્ધિ પરાયણ બનતું રહ્યું.
પ્રફુલ્લભાઇ એક સારા ડોક્ટર તો હતા જ, સાથે સાથે જિજ્ઞાસુ લેખક, ઉત્તમ વકતા અને તેનાથી પણ વધુ – એક ઉત્તમ વ્યક્તિ રૂપે હતા. માનવીય મૂલ્યોથી ભરેલું તેમનું શ્રેષ્ઠ જીવન જ એક બહુ મોટો સંદેશો આપી જાય તેવી રીતે તેઓ જીવ્યા.
જામનગરના નાગરચકલામાં આવેલું તેમનું દવાખાનુ એ માત્ર દવાખાનુ નહોતુ, પરંતુ એક સુંદર લાઇબ્રેરી હતી, જ્યાંથી સૌ જીવનપ્રેમીઓને વિનોબા ભાવે, રજનીશ, જે. કૃષ્ણમૂર્તિ, ગાંધીજી, વિમલા ઠકાર, રમણ મહર્ષિ વગેરે સંતો અને મહાનુભાવોનાં ઉત્તમ પુસ્તકો વાંચવા મળી રહેતાં. સાથે અનેક મૂલ્યવર્ધક મેગેઝીનો અને પત્રિકાઓ – શાશ્વત્ ગાંધી, ભૂમિપુત્ર, નયા માર્ગ, નિરીક્ષક, નવનીત સમર્પણ વગેરે મૂલ્યવાન સાહિત્ય વાંચવા મળતું.
તેમનું દવાખાનું કોઈ માટે વિસામો હતું, તો કોઇની પાઠશાળા હતું, તો કોઇનું દુઃખ વ્યહત કરવાનું સ્થળ પણ હતું. અનેક મિત્રો ત્યાં આવતા અને વિધવિધ વિષયો પર નિરાંતે ચર્ચાઓ ચાલતી.
તેઓ જેટલા સારા વક્તા હતા, એટલા જ એક સારા શ્રોતા હતા. નાનામોટા, સુખી-દુ:ખી સૌને ધ્યાનથી સાંભળતા અને તેમનાથી જેટલું ઉત્તમ અપાય એટલું આપતા.
‘ચિંતા ના કરો એવું’ કહેવાવાળુ હવે કોઈ હોતું નથી, ત્યારે આ વડિલ વડલાની શીતળ છાયામાં સૌ કોઈ મોકળા મને હસતા અને રડી પણ શકતા. સૌના દિલમાં અપાર લાગણી અને માન હતા.
નતમસ્તક થઇ જવાય એવું શ્રેષ્ઠ જીવન જીવી જાણનારાના દિલમાં શું કોઇ જખમ જ નહી હોય? પણ તેઓએ હંમેશાં દુઃખ સામે મૌન જ સેવ્યું. અને પૂર્ણ વિવેકથી તમામ સુખ-દુ:ખની પર થઇને સ્થિતપ્રજ્ઞ મહામાનવની ચીર વિદાયની ખોટ પૂરવી મુશ્કેલ છે.
ગાંધીની કુંપળો, શ્રેયાર્થી ચિકિત્સક, નફરત નહીં જ કરું, વગેરે જેવાં ૫૦થી વધુ જીવનલક્ષી ઉત્તમ પુસ્તકો લખનારા, ગુણાનુરાગી, ભારોભાર ખાનદાની, સૌજન્યશીલ, સ્ત્રી દાક્ષિણ્ય ધરાવનારા પોતે સ્વયં વર્ષો સુધી એક જ આંખે કાર્યરત હતા, પરંતુ અન્ય સૌને બંને આંખોથી જગતને જોવાની વિવેક દૃષ્ટિ આપી, અને માનસિક આઝાદી આપવાનો દિવ્ય પ્રયાસ જીવનભર કરતા રહ્યા.
આવા દિવ્ય આત્માની પરમ શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના.
સૌજન્ય : અનિરુદ્ધસિંહજી જાડેજાની ફેઇસબૂલ દીવાલેથી સાદર