ગાંધીજીએ ભિન્ન-ભિન્ન ધર્મોના સમુદાયો અને અનુયાયીઓ વચ્ચે ‘સમભાવ’ કેળવવાનો સંદેશ જીવનપર્યંત આપ્યો હતો. એ સુવિદિત છે, પરંતુ રાજ્ય અને નાગરિક વચ્ચેના સંબંધસૂત્ર અંગે તેઓની ભૂમિકા ‘સેક્યુલર’ એટલે કે ‘ધર્મનિરપેક્ષ’ રાજ્યની હતી. વીસમી સદીના ચોથા દાયકાથી એક અથવા બીજા સંદર્ભે તેઓનું આ મંતવ્ય પ્રગટ થતું રહ્યું છે. એ નોંધપાત્ર છે કે ગાંધીજીએ રાજ્ય ‘સેક્યુલર’ હોવું ઘટે, એવું મંતવ્ય અંગ્રેજી શબ્દ ‘સેક્યુલર’ પ્રયોજીને એકાધિક વાર વ્યક્ત કર્યું છે.
ગાંધીજીએ તેમના પુસ્તક ‘મંગળપ્રભાત’માં આશ્રમવાસીઓ માટે ‘સર્વધર્મ – સમભાવ’ના વ્રત વિશે ભાષ્ય કર્યું તે પછીના જ વર્ષે, સન ૧૯૩૧માં, કરાંચીમાં કૉંગ્રેસનું અધિવેશન યોજાયું. પ્રમુખસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને ગાંધીજી ઉપરાંત પંડિત નેહરુ તથા મૌલાના આઝાદની તેમાં ચાવીરૂપ ભૂમિકા હતી. આ અધિવેશન ઐતિહાસિક બની રહ્યું, કેમ કે તેમાં ભવિષ્યનું સ્વરાજ કેવું હશે, તેની રૂપરેખા આંકવામાં આવી. મુખ્યત્વે ‘મૂળભૂત અધિકારો તથા આર્થિક કાર્યક્રમ’ અંગે ઠરાવ થયો અને તેમાં સ્વતંત્ર ભારતમાં દરેકને સરખા અધિકાર સાથે, વાણીસ્વાતંત્ર્ય આદિ મૂળભૂત અધિકારોની માંડણી થઈ. આ અધિકારોની માંડણીમાં એમ સ્પષ્ટ રૂપે જણાવાયું કે ‘રાજ્ય ધર્મની બાબતમાં તટસ્થ રહેશે’. આ મુદ્દો, અંગ્રેજી ભાષામાં જેને ‘સેક્યુલર’ કહેવામાં આવે છે, તેવા રાજ્ય વિશે હતો પરંતુ ઠરાવમાં ‘સેક્યુલર’ શબ્દનો સીધેસીધો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. પરંતુ પછીનાં થોડાંક જ વર્ષોમાં ગાંધીજીએ ‘સેક્યુલર’ શબ્દ સાથે વિચારોની માંડણી કરી હતી, એ સૂચક છે.
કરાંચી કૉંગ્રેસમાં આ ઐતિહાસિક, ઠરાવ પંડિત નેહરુએ ઘડ્યો હતો. આ કારણે પછીના સમયમાં એવી ચર્ચાને વેગ મળ્યો કે ગાંધીજીની ‘સર્વધર્મસમભાવ’ની ભાવના ઠરાવમાં પ્રતિબિંબિત ના થઈ તે સૂચવે છે કે ગાંધીજી અને નેહરુ વચ્ચે વિચારભેદ હતો. અલબત્ત, માનવ-જીવનમાં ધર્મની ભૂમિકા અંગે વિચારભેદ કે દૃષ્ટિભેદ હોઈ શકે છે, પરંતુ જ્યાં સુધી રાજ્ય અને ધર્મનો સવાલ છે, ત્યાં સુધી તો બન્નેની ભૂમિકા સમાન છે, એવું ગાંધીજીના સન ૧૯૩૧ પછીનાં વક્તવ્યો કે લખાણોથી સુપેરે સ્પષ્ટ થાય છે. સન ૧૯૩૩માં જ્યારે તત્કાલીન કેન્દ્રીય ધારાસભામાં ‘અસ્પૃશ્યતા’ અંગેનો ખરડો વિચારાધીન હતો, ત્યારે ગાંધીજીએ આ ખરડાને ટેકો આપીને જણાવ્યું કે ‘જે રૂઢિ માનવજાતની નૈતિક ભાવનાથી વિપરીત હોય તેને ‘સેક્યુલર’ રાજ્ય ટેકો આપી શકે નહીં. આપવો ઘટે પણ નહીં (ધી ક્લેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી, વૉ. ૫૫, પૃ. ૧૧૯. હવે પછી આ સ્રોત સી. ડબલ્યુ. એમ.જી. તરીકે) આ ખરડા સામેની ટીકાટિપ્પણમાં જ્યારે એમ કહેવાયું કે એ ખરડો ધાર્મિક બાબતમાં અનુચિત દખલ કરે છે, ત્યારે ગાંધીજીએ સ્પષ્ટતા કરી કે એવી ઘણી બાબતો છે, જેમાં રાજ્ય દ્વારા ધાર્મિક પરંપરામાં દાખલ કરવાનું જરૂરી બની રહે છે. અલબત્ત, અનુચિત દખલ ટાળવી રહી. આ પછી સન ૧૯૩૫માં તેઓએ કેન્દ્રીય ધારાસભાના કેટલાક સભ્યો સમક્ષ જણાવ્યું કે ‘જો સમગ્ર હિંદુ સમાજ અસ્પૃશ્યતા દૂર કરવાની વિરુદ્ધ મત ધરાવતો હોય તો પણ તેઓ ‘સેક્યુલર’ ધારાસભાને આવું વલણ સહી લેવાની સલાહ નહીં આપે.’ (સી. ડબલ્યુ. એમ.જી.વૉ. ૬૦, ૧૧૭)
આ સઘળાં મંતવ્યો સૂચવે છે કે ગાંધીજી રાજ્ય અને ધર્મ વચ્ચેના સંબંધો અંગે પૂરી સ્પષ્ટતા ધરાવતા હતા એટલું જ નહીં ‘સેક્યુલર’ શબ્દનો પ્રયોગ પણ વીસમી સદીના ચોથા દાયકા દરમિયાન કરતા રહ્યા હતા. પાંચમા દાયકા દરમિયાન જ્યારે આઝાદી બારણે ટકોરા દઈ રહી હતી, ત્યારે અને આઝાદી પછી તરતના ગાળામાં પણ તેઓએ રાજ્યના ‘સેક્યુલર’ લક્ષણ વિશે વક્તવ્યો આપેલાં છે. સન ૧૯૪૬ના સપ્ટેમ્બરમાં તેઓએ એક ખ્રિસ્તી મિશનરીને જણાવ્યું હતું કે,
જો હું સરમુખત્યાર હોત, તો રાજ્ય અને ધર્મને અલગ રાખત. હું મારા ધર્મ માટે પ્રતિજ્ઞાબદ્ધ છું. એને માટે હું પ્રાણ આપું, પરંતુ તે મારી અંગત બાબત છે. રાજ્યને એની સાથે કંઈ લાગતું-વળગતું નથી. રાજ્ય તમારી ઐહિક સુખાકારી, સ્વાસ્થ્ય, સંદેશાવ્યવહાર, વિદેશ સાથેના સંબંધો અને ચલણ આદિ વિશે પગલાં લેશે, પરંતુ તમારા ધર્મ અંગે નહીં. એ(ધર્મ) દરેકની વ્યક્તિગત બાબત છે. (સી.ડબલ્યુ.એમ.જી., વૉ. ૮૫, પૃ. ૩૨૮).
સન ૧૯૪૭ના ઑગસ્ટની સત્તરમીએ, આઝાદી પછીના ત્રીજા જ દિવસે પશ્ચિમ બંગાળના નારખેલદંગા મુકામે તેઓએ જણાવ્યું કે ‘રાજ્ય સંપૂર્ણપણે’ ‘સેક્યુલર’ હોવું ઘટે. વધુમાં સૂચવ્યું કે ‘રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મવિશેષની શૈક્ષણિક સંસ્થાને સહાય ના કરવી જોઈએ.’(સી.ડબલ્યુ.એમ.જી.,વૉ.૮૯, પૃ. ૫૬)
ગાંધીજી કેવળ મંતવ્ય વ્યક્ત કરીને અટક્યા નથી. જ્યારે સોમનાથ મંદિરમાં જીર્ણોદ્ધારની ચર્ચા ચાલી, ત્યારે સન ૧૯૪૭ના નવેમ્બરમાં, તેઓએ દિલ્હીની પ્રાર્થનાસભામાં જણાવ્યું,
એક ભાઈ મને લખે છે કે જે સોમનાથ મંદિર હતું, તેનો જીર્ણોદ્ધાર થશે. તેને માટે પૈસા જોઈએ અને ત્યાં જૂનાગઢમાં શામળદાસ ગાંધીએ જે આરઝી હકૂમત બનાવી છે, તેમાંથી તે પચાસ હજાર રૂપિયા તેને માટે આપી રહ્યા છે. જામનગરે એક લાખ રૂપિયા આપવાનું કહ્યું છે. સરદાર (વલ્લભભાઈ) આજે જ્યારે મારી પાસે અહીં આવ્યા, ત્યારે મેં એમને પૂછ્યું કે સરકાર થઈને તમે ત્યાં એવી હકૂમત બનાવશો કે જે હિન્દુધર્મને માટે પોતાના ખજાનામાંથી જેટલા પૈસા જોઈએ તે કાઢીને આપી દે. હકૂમત તો બધા લોકો માટે બનાવવામાં આવી છે. અંગ્રેજી શબ્દ તો તેને માટે ‘સેક્યુલર’ છે. અર્થાત્ તે કોઈ ધાર્મિક સરકાર નથી અથવા એવું કહો કે તે એક ધર્મની નથી. ત્યારે તે એવું તો ના કરી શકે કે ચલો, હિંદુઓ માટે આટલા પૈસા કાઢીને આપી દે, શીખો માટે આટલા અને મુસલમાનો માટે આટલા. આપણી પાસે તો એક જ મુદ્દો છે અને તે એ કે બધા લોકો હિંદી છે. ધર્મ તો અલગ-અલગ વ્યક્તિનો અલગ-અલગ રહી શકે છે. મારી પાસે મારો ધર્મ છે અને તમારી પાસે તમારો. (પ્રાર્થના-પ્રવચન, ખંડ-૨, પૃ.૧૩૫, સસ્તા સાહિત્ય મંડળ તથા સી. ડબલ્યુ. એમ. જી., વૉ. ૯૦, પૃ. ૧૨૭)
ગાંધીજીના સન ૧૯૩૩થી શરૂ કરી આઝાદી આવી ત્યાં સુધીનાં વક્તવ્યો દર્શાવે છે કે આઝાદ ભારતનું રાજ્ય ‘સેક્યુલર’ રહેશે, તે અંગે તેઓ અને પંડિત નેહરુ વચ્ચે કોઈ વિચારભેદ નહોતો. અહીં પ્રશ્ન એ થાય છે કે સર્વધર્મસમભાવ તથા ‘સેક્યુલર’ રાજ્ય કે તેના ‘સેક્યુલારિઝમ’ વચ્ચે કોઈ પ્રકારનું અંતર ખરું કે નહીં? ગાંધીજીની જે અપેક્ષા આશ્રમવાસીઓ પાસે હતી, તેને તેઓની દૃષ્ટિએ આદર્શ સ્થિતિ ગણવી જોઈએ, પરંતુ રાજ્યના સંદર્ભમાં, સ્વતંત્ર ભારતના રાજ્યના સંદર્ભમાં ગાંધીજી તે ‘સેક્યુલર’ હોય, ધર્મની બાબતમાં તટસ્થ હોય – એવી ભૂમિકા ધરાવતા હતા. એક ડગલું આગળ જઈને એમ પણ કહી શકીએ કે રાજ્ય સર્વે ધર્મો પ્રત્યે સમાન આદર રાખે, તેવી ગાંધીજીની આશા-આકાંક્ષા હતી. તેઓની વિચારસૃષ્ટિમાં આધ્યાત્મિક પાસું અગ્રગણ્ય હોવાની સાથે રાજ્યપ્રકરણી પાસું પણ સંકલિત હતું, એ નોંધવું રહ્યું. આ રાજ્યપ્રકરણી પાસું ગાંધીજી જેને પ્રાચીન ભારતની ‘સાંસ્કૃતિક લોકશાહી’ની પરંપરા ગણતા હતા, તેની સાથે પશ્ચિમની લોકશાહીની તેમજ નાગરિકત્વની પરંપરાના સરવાળાની સહિયારી ભૂમિકા પર અંકુરિત થયું હતું, એમ કહી શકીએ.
e.mail : setumail@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2014, પૃ. 02 અને 17