સાહિત્ય, સંસ્કૃિત અને સત્તા વચ્ચેના આંતરસંબંધો પ્રાચીન સમયથી સંકુલ રહ્યા છે. આ સંબંધો વિશે સતત ટીકાટિપ્પણ થતાં રહ્યાં છે અને રહેશે કેમ કે દરેક પેઢી જે જે સત્તા હેઠળ રહે છે, તેનો પ્રતિભાવ સાહિત્ય દ્વારા કે સાંસ્કૃિતક અભિક્રમ દ્વારા આપતી આવી છે. આઝાદીપૂર્વે જ્યારે ભારત અંગ્રેજ સત્તા હેઠળ હતો, ત્યારે તત્કાલીન સાહિત્ય દ્વારા જે પ્રતિભાવ અપાયો, તે અને આઝાદી પછી સાહિત્ય કે સાંસ્કૃિતક ક્ષેત્રે જે ઉપક્રમ રહ્યો, તે વચ્ચેનો ફરક સુવિદિત છે.
આઝાદી પછીના સાતમા દાયકામાં ‘સત્તા’નું સ્વરૂપ જે રીતે પલટાયું તેને લીધે સાહિત્ય અને સંસ્કૃિત એવા ચાકડે ચઢ્યાં છે કે કેવો ઘાટ ઘડાશે તે ભાખવું અઘરું બની ગયું છે. ભારતની ભિન્ન-ભિન્ન ભાષાઓના સાહિત્યકારો તેમ જ અલગ-અલગ પ્રદેશોના કલાકારોએ ‘અસહિષ્ણુતા’ના મુદ્દે વિરોધ પ્રગટ કર્યો, તે જ સૂચવે છે કે સન ૨૦૧૪ના સત્તાપલટા પછીનું વાતાવરણ કેવું પલટાયું! આ પલટાયેલું વાતાવરણ સાહિત્ય અને સંસ્કૃિતના સત્તા સાથેના સંબંધોનું સમીકરણ દર્શાવે છે અને તે ત્રણેય વચ્ચેના સંબંધોને રેખાંકિત કરે છે.
કોઈ જરૂર એમ કહી શકે કે ‘અસહિષ્ણુતા’ના મુદ્દે સાહિત્યકારો વિભાજિત હતા અને છે. ઉદાહરણ રૂપે હિંદીના વિખ્યાત સાહિત્યકાર નામવરસિંહનું નામ મૂકવામાં આવે. તેઓ વામપંથી ગણાય, પરંતુ તેઓ નેવું વર્ષના થયા તે નિમિત્તે થોડાક મહિનાપૂર્વે દિલ્હીમાં જે સમારોહ થયો તેમાં વર્તમાન કેન્દ્ર સરકારના બે પ્રધાનોએ મુખ્ય સ્થાન શોભાવ્યું. ગયે વર્ષે જ્યારે સાહિત્યકારોએ ‘સાહિત્ય અકાદમી’ને પુરસ્કારો પાછા આપ્યા ત્યારે પણ નામવરસિંહે પુરસ્કાર પરત કરવાના વલણને વખોડી કાઢ્યું હતું.
સત્તા અને સાહિત્ય વચ્ચેના સંકુલ સંબંધોને કારણે ગુજરાતમાં પણ સાહિત્યકારો બે છાવણીમાં વહેંચાયા. વિશેષ કરીને ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ગુજરાત સાહિત્ય અકાદમીના સંદર્ભે ‘સ્વાયત્તતા’નો સવાલ મહાપ્રશ્ન બનીને શબ્દયુદ્ધમાં પલટાઈ ગયો. સાહિત્યને બદલે ‘સંસ્થા’ કેન્દ્રસ્થાને આવી અને તેનું સંચાલન સરકારી રાહે થાય કે નહીં તે અંગે સામસામી ગર્જનાઓ થઈ અને હજી પણ થઈ રહી છે. આ ગર્જનાઓ વચ્ચે જે મૂળ પ્રશ્ન અટવાયો તે છે સાહિત્ય અને સંસ્કૃિત વચ્ચે તથા સંસ્કૃિત અને સત્તા વચ્ચેના આંતરસંબંધોનો.
સાહિત્ય સંસ્કૃિતનું અંગ છે કે પછી સાહિત્ય સંસ્કૃિતનું ઘડતર કરનાર પરિબળ છે, તે સવાલ ચર્ચાતો રહ્યો છે. સાહિત્યને સંસ્કૃિતનું અંગ તથા પ્રેરકબળ એમ બંને રીતે વધાવીએ, તો અતિશયોક્તિ નહીં ગણાય. ભારતીય સાહિત્યની વાત માંડીએ કે ભારતીય સંસ્કૃિતની વાત માંડીએ, ‘મહાભારત’નો ઉલ્લેખ કરવો પડે. જો ગુજરાતી સાહિત્ય કે સંસ્કૃિતનું અવલોકન કરીએ, તો નરસિંહ મહેતાના ઉલ્લેખ વિના એ અધૂરું ગણાય. આમ, જ્યારે સંસ્કૃિતની વિચારણા થાય, ચર્ચા થાય, ત્યારે સાહિત્યની ચર્ચાવિચારણા આપોઆપ થવા માંડે.
સાહિત્ય અને સંસ્કૃિતના ક્ષેત્રમાં મુક્ત વિહાર થતો રહ્યો છે અને થતો રહેશે. પરંતુ ‘સત્તા’, પછી તે પ્રાચીન હોય એ અર્વાચીન હોય, મુક્ત વિહાર સીમિત રહે કે અંકુશમાં રહે તે માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સતત પ્રયાસો કરે છે. સત્તાધારીઓ આ પ્રયાસો સામ, દામ, દંડ અને ભેદ એ ચારે ય પ્રકારે કરતા આવ્યા છે અને પરિણામે સાહિત્ય તથા સંસ્કૃિતનાં ક્ષેત્રો સાથેનો ‘સત્તા’નો સંબંધ માયાવી બની રહે, એમાં કશી નવાઈ નથી.
ભારતમાં આઝાદીપૂર્વે રાષ્ટ્રવાદી સાહિત્ય અને સાંસ્કૃિતક મથામણો સામે તત્કાલીન શાહીવાદી સત્તાધીશોએ ચારે ય પ્રકારો અજમાવ્યા હતા, તે જાણીતું છે. આઝાદી પછી પણ સત્તાધારીઓ દ્વારા મુક્ત વિહારને અંકુશમાં રાખવા પ્રયાસો થતાં રહ્યા પરંતુ એકવીસમી સદીમાં ગુજરાતમાં અને છેલ્લાં બે વર્ષથી ભારતમાં સત્તાધારીઓ દ્વારા આવા પ્રયાસોને વેગ મળ્યો છે.
સત્તાધારીઓ સાંપ્રત સમયમાં વેગવંતા બન્યા, તેનું મુખ્ય કારણ એ છે કે તેમનો રાષ્ટ્રવાદ વાસ્તવમાં સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ છે. આ સાંસ્કૃિતક રાષ્ટ્રવાદના પાયામાં ‘હિંદુત્વ’ હોવાથી અને આ હિંદુત્વ પણ તત્ત્વતઃ બ્રાહ્મણવાદી હોવાથી અંકુશની તરાહ અને તાસીર પલટાઈ ગઈ છે.
વર્તમાન સત્તાધીશો સાંસ્કૃિતક રાષ્ટ્રવાદને કેન્દ્રસ્થાને રાખે છે, એટલે શિક્ષણ તથા સાહિત્યમાં તેનો પ્રસાર થાય એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. ગુજરાતમાં હિંદુત્વના સત્તાધારીઓ વર્ષોથી ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે એવા કુલપતિ / ઉપકુલપતિઓની પસંદગી કરતા આવ્યા છે જે સંઘપરિવારની સાથે સંકળાયેલા હોય, કેન્દ્ર સરકારમાં સત્તાધારી બન્યા પછી આ પરંપરા વિવિધ ક્ષેત્રોમાં આગળ ચાલી. માત્ર કેન્દ્રિય વિશ્વવિદ્યાલયને જ નહીં, પરંતુ કેન્દ્ર સરકારને આધીન શૈક્ષણિક-સાંસ્કૃિતક સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાને એવા ‘શિક્ષણવિદો’ ‘સાહિત્યકારો’ તથા ‘કલાકારો’ની પસંદગી થઈ, જેઓ સંઘ પરિવાર સાથે એક યા બીજી રીતે સંકળાયેલા રહ્યા હોય કે પછી તેના સમર્થક હોય.
સાંપ્રત પેઢી સામેનો પડકાર એ છે કે તે સાંસ્કૃિતક રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપી સત્તાધારીઓની વ્યૂહરચનાનો ભાગ બને છે કે પછી તેનો વિરોધ કરે છે. જેઓ સાંસ્કૃિતક રાષ્ટ્રવાદનો ભાગ બની રહે છે, તેઓ વાસ્તવમાં માત્ર ‘વિધર્મીઓ’, અર્થાત્ મુસલમાન, ઈસાઈ વગેરે અન્ય ધર્માવલંબીઓ જ નહીં, દલિતો તથા આદિવાસીઓને પણ હાંસિયામાં ધકેલી દેવાની વ્યૂહરચનાનો ભાગ બની રહે છે. જેઓ વિરોધ કરે છે તે ભારતની સર્વધર્મ – સમભાવની પરંપરાને આગળ ધપાવે છે એટલું જ નહીં દલિતો તથા આદિવાસીઓ હાંસિયામાંથી બહાર નીકળી મુખ્ય ધારાના નાગરિક બની રહે તેવા જનપથના સહપ્રવાસી બની રહે છે.
આજના સત્તાધારીઓ કે જેઓ રાષ્ટ્રવાદનો મહિમા કરે છે, તેઓ એકાધિકારવાદી મનોદશા ધરાવે છે, તે વીસરી શકાય તેવું નથી. આ એકધિકારવાદી વલણને કારણે તેમના સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ સાથે જેઓ અસહમત હોય તે સૌ દેશપ્રેમી નથી, રાષ્ટ્રવાદી નથી, એવી ઘોષણાઓ કરતા રહે છે. આવી ઘોષણાઓને તેઓ જયઘોષ માને છે, પરંતુ આવી ઘોષણાઓ ભારતવર્ષની પરંપરા જે મૂળથી વિવિધતાને પુરસ્કારે છે, તેનાથી વિપરિત એકવિધતાને પુરસ્કારે છે. આ એકવિધતા એટલે હિંદુસંસ્કૃિતનો જ મહિમા અને ભારતવર્ષની સમગ્ર સાંસ્કૃિતક પરંપરાને હિંદુપરંપરા ગણવાનું તથા ગણાવવાનું વલણ.
એકાધિકારવાદી મનોદશા લોકશાહીના મૂળમાં પ્રહાર સમાન છે અને તેને કારણે જ સંસ્કૃિત તથા સાહિત્ય સાથે જોડાયેલા સંવેદનશીલ નાગરિકો વર્તમાન સત્તાધારીઓનો વિરોધ કરે છે. આવા વિરોધને પરિણામે સત્તાધારીઓ એવા લોકોને સરકારી સંસ્થાઓ કે સરકારી અનુદાનથી ચાલતી સંસ્થાઓના સંચાલન માટે નિયુક્ત કરે છે, જે સાંસ્કૃિતક રાષ્ટ્રવાદના પુરસ્કર્તા હોય કે પછી નિવૃત્ત અમલદારો હોય, જે આદેશ પાલન કરતા હોય. આ પ્રકારની નિયુક્તિઓથી સત્તાધારીઓ પોતાનો એટલે કે સાંસ્કૃિતક રાષ્ટ્રવાદનો માર્ગ મોકળો કરે છે.
કેટલાક સર્જકો અને કલાધરો આવી રાજરમતોને પારખી શકતા નથી, એટલે તેમને એવું લાગે છે કે તેમના સહકારથી સાહિત્ય તથા સાંસ્કૃિતક વિધાઓનો ઉત્કર્ષ થઈ રહ્યો છે કે થતો રહેશે. પરંતુ વાસ્તવમાં તેઓ સત્તાધારીઓના રાજપથને જનપથ ગણીને આગળ ચાલે છે તેમ જ સાહિત્ય, સંસ્કૃિત તથા સત્તાના સંકુલ સંબંધોની ભુલભુલામણીમાં સાંજ-સવારના ભેદને વિસારે પાડી દે છે.
E-mail : setumail@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 11-12