LITERATURE

1.

2007ના નવેમ્બર મહિનાની સાતમી તારીખને હું જિન્દગીમાં ક્યારે ય ભૂલવાનો નથી. મારા જીવનમાં, મારી કારકિર્દીમાં, એ દિવસે મોટો ધરતીકંપ થયેલો! હું ત્યારે અમેરિકાની રાજધાની વોશિન્ગ્ટનનો સી.એફ.ઓ. એટલે કે ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર હતો. એ દિવસે યુ.એસ.એટર્નીની ઑફિસમાં પ્રેસ કોન્ફરન્સ હતી. વોશિન્ગ્ટનના મેયર, એફ.બી.આઈ.ના અને શહેરના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. વોશિન્ગ્ટન પોસ્ટના અને બીજાં છાપાંઓ તેમ જ ટીવીના ભરાડી રિપોર્ટરોથી ખીચોખીચ આખો હોલ ભરાઈ ગયો હતો. એ બધા અમારા આવવાની રાહ જોતા ‘માણસ ગંધાય, માણસ ખાઉં’ એમ કરતા અધીરા થઈને બેઠા હતા.

મારા હાથ નીચે જે ટેક્સ ઑફિસ ચાલતી હતી એમાં પચાસ મીલિયન ડોલરનું કૌભાંડ થયું હતું. સી.એફ.ઓ. થયો એ પહેલાં ત્રણ વરસ હું વોશિન્ગ્ટનનો ટેક્સ કમિશ્નર હતો. જો કે આ કૌભાંડ લગભગ વીસેક વરસથી ચાલતું હતું. પણ મુદ્દાની વાત એ હતી કે જ્યારે ચોરી પકડાઈ ત્યારે હું સી.એફ.ઓ. હતો, અને એ ચોરી કરનારા ટેક્સ ઑફિસરો મારા હાથ નીચે કામ કરતા હતા. એમના ગેરવર્તનની જવાબદારી મારી.

2.

આ પ્રેસ કોન્ફરન્સમાં વોશિન્ગ્ટનના રિપોર્ટરો મેયરને એક પછી એક, એમ આકરા પ્રશ્નોથી પજવવા લાગ્યા. કહેતા હતા કે : ‘જુઓ તમારા હાથ નીચે કેવું મોટું કૌભાંડ થયું!’  એ વખતે હું મેયરની બાજુમાં જ; પણ પાછળ ઊભો હતો. ત્યાંથી તરત આગળ આવીને મેં કહ્યું કે : ‘આ બાબતમાં બધી જ જવાબદારી મારી છે. એમાં જે બદનામી થવી જોઈએ, તે મારી થવી જોઈએ; મેયરની નહીં. જે કંઈ સવાલ પૂછવા હોય એ મને પૂછો.’ પછી તો એ પ્રેસ કૉન્ફરન્સનું ટારગેટ હું બની ગયો. બધા મારી ઉપર તૂટી પડ્યા. હવે ટીવી કેમેરાઓએ મારી પર મીટ માંડી. આંખને આંજી દેતી કેમેરાની એ લાઈટ્સ, હાથમાં રેકોર્ડિંગ મશીન લઈને ધક્કામુક્કી કરતા અનેક રિપોર્ટરો, ટોકિંગ પોઈન્ટ્સ અને નોટ્સ લઈને તમને તૈયાર કરતો સ્ટાફ - ક્લાસિક વોશિન્ગ્ટન પ્રેસ કૉન્ફરન્સમાં જે બધું હોય તે અહીં હતું. 

3.

બીજે દિવસે અને પછી મહિનાઓ સુધી, વોશિન્ગ્ટન પોસ્ટ અને બીજાં છાપાંઓમાં મારા ફોટા સાથે એ કૌભાંડના સમાચારો પહેલે પાને પ્રગટ થયા. કહેવામાં આવ્યું કે વોશિન્ગ્ટનના ઇતિહાસમાં ક્યારે ય પણ આવું મોટું કૌભાંડ થયું નથી. ત્યાર પછી તો મહિનાઓ સુધી મારી ઉપર કંઈક માછલાં ધોવાયાં. અમેરિકામાં છાપાંવાળા જ્યારે કોઈની પણ પાછળ પડે ત્યારે એનાં છોતરાં જડમૂળથી કાઢી નાખે. ભલભલાને જોત જોતામાં ભોંય ભેગા કરી દે! 

4.

આજે હું નિવૃત્ત થઈને બેઠો છું ત્યારે વિચાર આવે છે કે આ જિન્દગીમાં હું ક્યાંથી નીકળ્યો અને ક્યાં પહોંચ્યો!  મારી ગતિ અને પ્રગતિ એવી અને એટલી તો અણધારી નીવડી છે કે મારા જન્મ સમયે કુંડળીમાં જે કાંઈ લખાયું હશે અથવા જોષીએ જે કાંઈ ભવિષ્ય ભાખ્યું હશે, તેમાંથી ભાગ્યે જ કંઈ સાચું પડ્યું હશે. ક્યાં અમારું ધૂળિયું ગામ, જેમાં મારા જન્મ વખતે હજી ઈલેક્ટ્રીસિટી પણ આવી નહોતી અને જ્યાં પીવાનું અને નાવાધોવાનું પાણી નદીએથી લાવવું પડતું, અને ક્યાં વિશ્વની મહાન સત્તા અમેરિકાની રાજધાની વોશિન્ગ્ટન? ક્યાં મુંબઈની મૂળજી જેઠા મારકેટમાં કરેલી અદના ગુમાસ્તાની નોકરી અને ક્યાં વોશિન્ગ્ટનના પાવરફુલ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસરની પોઝિશન? ક્યાં મુંબઈમાં એક ઘોલકી શોધવા માટે અસહ્ય મુશ્કેલીઓ વચ્ચે કરેલો આંધળો રઝળપાટ અને ક્યાં અદ્યતન સુવિધાઓથી સજ્જ અમારું વિશાળ ઘર અને એનું એકાદ એકરનું હરિયાળું બેક યાર્ડ? ક્યાં મારી મુંબઈની ગુલામગીરી અને ક્યાં અહીં ‘વોશિન્ગ્ટનોઅન ઑફ ધી ઈયર’ કે ‘મોસ્ટ પાવરફુલ વોશિન્ગ્ટનોઅન્સ’માં મારી ગણતરી? ક્યાં નાતની વીશીઓમાં જેમતેમ લુસલુસ ઊભડક ખાવાનું અને ક્યાં વ્હાઈટ હાઉસનું સ્ટેટ ડીનર? આવી એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓ વચ્ચે થયેલી મારી અણધારી જીવનયાત્રાનું મને જ મોટું આશ્ચર્ય છે. 

5.

અને આ બધાં ઓછાં હોય તેમ મારા જીવનમાં કોઈ એક વ્યક્તિને આદર્શ તરીકે ઠેઠ કિશોરવયથી મેં માની હોય તો એ છે : ‘ગાંધીજી’. હાઈ સ્કૂલમાં ગુજરાતી ગદ્યપદ્યના પાઠ્યપુસ્તકમાં ગાંધીજીની આત્મકથાના થોડાંક પ્રકરણ હું ભણ્યો હતો. એ મારો ગાંધીજીનો પહેલો પરિચય. એ પ્રકરણોમાં તેમના શરૂઆતના આફ્રિકાના દિવસોની, ખાસ કરીને ટ્રેનમાંથી તેમને ધક્કો મારી કાઢી મુકાયેલા અને સિગરામમાં એમની પર પડેલો સખત માર, ત્યાં તેમનો જે હુરિયો બોલાયેલો તે બધી વાતો હતી. નિરાડંબર અને સરળ ગુજરાતીમાં લખાયેલી આ વાતો મને એટલી તો ગમી કે દોડીને લાયબ્રેરીમાં જઈ એમની આત્મકથા લઈ આવ્યો.

બસ, ત્યારથી મને ગાંધીજીનું ઘેલું લાગ્યું. એમણે જે પ્રામાણિકતાથી પોતાને વિષે લખ્યું હતું - એમના બાળલગ્ન, યૌવનસહજ જાતીય ઉત્સુકતા, ભીરુતા, લંડનમાં એમના ખાવાપહેરવાના હાસ્યાસ્પદ પ્રયોગો, મુંબઈમાં એમના વકીલ થવાના નિષ્ફળ પ્રયત્નો, દક્ષિણ આફ્રિકામાં પડેલી અસહ્ય હાડમારીઓ - આ બધી વાતો આત્મકથાને અત્યંત રસપ્રદ બનાવે છે; પરંતુ સાથે સાથે એ એમના ચારિત્ર્ય અને એમના નિત્ય પરિવર્તનશીલ જીવનની પણ ઝાંખી કરાવે છે. સરળ, નિખાલસ અને નિરાડંબર શૈલીમાં લખાયેલી આ આત્મકથા માત્ર ગુજરાતી સાહિત્ય જ નહીં; પણ વિશ્વસાહિત્યનું એક ઉત્તમ આત્મનિવેદન છે.

6.

સાડા સાત દાયકાની આ જિન્દગીની સફર પછી મારી સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા પણ ધૂંધળી બની ગઈ છે. હવે મને ખબર નથી પડતી કે કોને મહાન કહેવા અને કોને પામર? હવે કોઈને એવાં લેબલ લગાડવાં એ પણ મને યોગ્ય નથી લાગતું. એક વસ્તુની સ્પષ્ટતા જરુર થઈ છે. જે લોકો એમ કહે છે કે એમની અસાધારણ સિદ્ધિઓ અને સફળતાઓ આપકમાઈની છે; તો એ વાતમાં હું માત્ર એમની બડાશનાં બણગાં જોઉં છું. ઊલટાનું આવા સફળ માણસની પાછળ હું એના જન્મ, કુટુમ્બ, સમાજ, ઉછેર, ભણતર, મિત્રો, જીવનસાથી, નસીબ, વગેરે વસ્તુઓ જોઉં છું. એનો અર્થ એ નથી કે વ્યક્તિગત બુદ્ધિ, પ્રયત્ન, ધગશ, પરિશ્રમ વગેરે જરૂરી નથી. કહેવાનું માત્ર એટલું જ કે, જેને ઇંગ્લિશમાં આપણે ‘self-made man' કહીએ છીએ તે વાત કપોળકલ્પિત છે! 

7.

છતાં આ લખું છું, તે કદાચ કોઈને ઉપયોગી નીવડી શકે, એવો છૂપો આશય પણ છે.

ગઈ સદીના વચલા દાયકાઓમાં દેશનાં નાનાં ગામોમાં તેમ મુંબઈ જેવા શહેરમાં, સામાન્ય લોકો હાડમારીભર્યું જીવન કેમ જીવતા એનું અહીં વર્ણન કરવા પ્રયત્ન છે. સાસરે ગયેલી વહુ, પિયરની વાત કરતા જેમ લાગણીશીલ કે રોમેન્ટિક બને છે; તેમ દેશ છોડીને વર્ષોથી પરદેશમાં વસતા લોકો વતનની વાતો કરતા આવી લાગણીઓ પ્રદર્શિત કરે છે. હું એવી લાગણીઓથી બચ્યો છું કે નહીં એ તો વાચકે જ નક્કી કરવાનું છે. 

અહીં જે ઘટનાઓ રજૂ થઈ છે તેને થયે તો ભવ વીતી ગયો છે. મારા વતનમાં જ્યાં મારો જન્મ અને ઉછેર થયો, મુંબઈમાં જ્યાં જ્યાં મેં નોકરીઓ કરી, અને અમેરિકામાં મેં જ્યાં જ્યાં શરૂઆતમાં વસવાટ કર્યો - એ વિશેની વાતો પચાસ–સાંઠ વરસ જૂની છે. એ બધી હકીકતો પર, એ અનુભવો પર સ્મૃિત-વિસ્મૃિતના કંઈક થરો લદાયેલા છે. અહીં એ ઘટનાઓ, એ અનુભવોની વાત જરૂર છે; પણ એ બધું જેમ અને જેવી રીતે યાદ રહ્યું છે તે પ્રમાણે લખાયું છે. ક્યારેક સ્મૃિત દગો દે છે, તો ક્યારેક એવું પણ બને છે કે, જેમ કોઈ જૂના તામ્રપત્ર પર જે લખાયેલું હોય તે ભુંસાઈ જાય છે; છતાં ઇિતહાસકાર એ કાળનો ઇિતહાસ તો લખે જ છે. એ ઇતિહાસમાં કેટલું સાચું માનવું એ પ્રશ્ન પણ ઊભો રહે છે. કોઈ પણ આત્મકથનાત્મક લેખનમાં આવી મર્યાદા પણ રહે છે. માનસશાસ્ત્રીઓ આ પ્રકારના લેખનને palimpsest કહે છે. એવું લખાણ પણ અહીં હશે જ એમ હું માનું છું. અને છતાં વિખ્યાત મનોવિજ્ઞાની ઓલિવર સેક્સ કહે છે તેમ મોટે ભાગે આપણી સ્મૃિતઓ ભાગ્યે જ ખોટી પડતી હોય છે. હા, એ બધી સ્મૃિતઓ આપણા આત્મરંગે જરૂર રંગાયેલી હોય છે. અને જેમ જેમ પરિસ્થિિત બદલાતી રહે છે તેમ તેમ એ રંગ બદલાતો રહે છે. છતાં આ સ્મૃિતઓ બનેલી ઘટનાઓને વફાદાર રહેતી હોય છે. આ આત્મકથનમાં કેટલીક જીવન્ત વ્યક્તિઓનાં નામ લખ્યાં નથી અથવા તો ફેરવ્યાં છે. છતાં હકીકતો અને બનેલા બનાવો વિષે સચ્ચાઈ અને પ્રામાણિકતા જાળવીને જ લખ્યું છે.

આ પ્રાસ્તાવિક નિવેદન પછી પણ જો વાચકમિત્રો ચેત્યા ન હોય અને આગળ વધવું જ હોય તો જરૂર આગળ વધે ! પોતાના હિસાબે અને જોખમે !

સર્જક સમ્પર્ક: 4301 Military Road NW, Suite 510, Washington, DC 20015

વહાલા વાચકો,

વાંચી ગયાને ઉપરના બધા અંશો ? તમને થશે : ‘આ તો જબરો ગાંધી છે ને! કામે ય જબરાં કર્યાં છે!’

પણ ભાઈ, હું તમને છેતરું નહીં. આ આત્મકથાના અંશો છે જ નહીં! આ તો છે 344 પાનાંની આત્મકથાના આ ગ્રંથની શરૂઆતમાં, લેખકે જાતે લખેલી પૂ...રાં બાવીસ પાનાંની ‘પ્રસ્તાવના’ના કેટલાક અંશો .. આમાં આત્મકથાનો એકે અક્ષર નથી. આત્મકથા વાંચવા તો તમારે તે પુસ્તક પાસે જ જવું પડે .. લો, તેની વિગત નીચે આપું :

‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ : નટવર ગાંધી : ઈ.મેલ : [email protected]

પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિમિટેડ, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુમ્બઈ-400 002

ફોન : +91 22 2200 2691; 2200 13588

1-2, અપર લેવલ, સેંચુરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380 006

ફોન : +91 79 2656 0504; 2644 2836 ઈ.મેલ : [email protected]

પ્રથમ આવૃત્તિ : મૂલ્ય : 400 રૂપિયા; એરમેલ સાથે વિદેશમાં : 15 ડૉલર; પાન સંખ્યા : 344

હવે આ પુસ્તકની ઈ.બુક નીચેની લીંક પર ઉપલબ્ધ છે :

e-Shabda link :

http://www.e-shabda.com/Ek-Ajaanya-Gandhini-Atmakathaa-Natwar-Gandhi-Politics-Autobiography-Gujarati-1803196725079

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 381 –August 20, 2017

Category :- Diaspora / Literature

ગૉડ બ્લેસ હર !

નયના પટેલ
27-05-2015

નવરી પડું એટલે સામે ખાલી પડેલી દુકાનને ઓટલે રોજ ભેગાં થતાં હોમલેસ (બેઘર) લોકો તરફ મારું ધ્યાન અચૂક જાય. એમાંના કેટલાક મારી દુકાનમાં ક્યારેક આવીને ભીખમાં મળેલું ચેઈન્જ આપીને પાઉન્ડની નોટ લઈ જાય.

સાચું કહું, મને એ લોકોએ આપેલાં ચેઈન્જને અડકવું પણ નહીં ગમે. કેટલાય દિવસો સુધી નહાયા ન હોય પછી કપડાં બદલવાનો તો કોઈ સવાલ જ ન હોયને ! યાદ કરું તો ય કંપારી છૂટે એવા ગંદા નખ, મોઢામાંથી આવતી ડ્રગ અથવા તો દારૂની વાસ …અરર છી, આ લખતી વખતે યાદ કરું છું તો ય ઉબકો આવે છે!

ખેર, જે વાત કરવા બેઠી છું તે વાત કરું. એ હોમલેસોનાં ટોળામાં નવા હોમલેસ ઉમેરાતાં જતાં હોય તો કેટલાક ચહેરા અદૃશ્ય થતા રહે તેની નોંધ પણ અજાણતા હું રાખવા લાગી !

બે ત્રણ દિવસથી આવેલો એક નવો હોમલેસ એ બધાથી જુદો તરી અાવતો હતો. થોડો સ્વચ્છ લાગતો હતો એના તરફ મારું ધ્યાન એટલે ખેંચાયું કે તેના હાથમાં દારૂની બૉટલ દેખાતી નહોતી ! જૂના હોમલેસ તેની સાથે બોલતા નહોતા અને એ બે દુકાન છોડીને આવેલી દુકાન બહાર ફૂટપાથને ખૂણે ટૂંટિયું વાળીને સાવ એકલો જ બેસી રહેતો હતો.

તે દિવસે હું દુકાનમાં બીઝી હતી અને મેં જોયું તો પેલો નવો આવેલો હોમલેસ દુકાનની બારીમાંથી અંદર જોયા કરતો હતો.

હશે, મેં મારું કામ આટોપવા માંડ્યું. ગ્રાહકો જાણીતા હતા એટલે માલ લેતાં લેતાં વાતો કરતી જાઉં પણ નજર તો પેલા હોમલેસ પર જ હતી. જો કે અમારી ગ્રીટિંગ કાર્ડ્સની શોપ હતી. એમાંથી એ લોકોને ચોરવા જેવું તો શું હોય? એક બે ગ્રાહકોની નજર પણ ગઈ અને એ લોકોએ મને ચેતવી - ‘સંભાળજે, તું એકલી છે તેનો લાભ ન લે !’

હું સાબદી થઈ ગઈ !

પણ પછી તો કામમાં એટલી તો વ્યસ્ત થઈ ગઈ કે એ ક્યારે ત્યાંથી હટી ગયો તેની પણ મને ખબર ન રહી. લંચ ટાઈમ પત્યો એટલે હવે શ્વાસ લેવાનો વખત મળ્યો.

બારી બહાર નજર ગઈ અને પેલો ત્યાં ઊભેલો દેખાયો નહીં એટલે હાશ થઈ !

‘ક્લોઝ’નું બોર્ડ લગાવી, બારણાને લૉક કરી મારું લંચ લેવા હું માળ પર ગઈ. બારી પાસે એક ટેબલ ખુરશી હતાં, લંચ ગરમ કરીને લાંબા પગ કરી બેઠી અને લન્ચ ખાવાનું શરૂ કર્યું અને રોજની ટેવ મુજબ પેલા ઓટલે નજર ગઈ. તેમાં પાંચ પુરુષો હતા અને બે સ્ત્રીઓ હતી. એમાંની એક સ્ત્રી પેલા પાંચમાંના એક પુરુષ સાથે ફ્લર્ટ કરતી હતી, એક યુવાન જેવો લાગતો ખૂણામાં જઈને ડ્રગ્સ લેતો હોય એમ લાગ્યું. બીજા બે જોર જોરથી કોઈ વિષય પર દલીલ કરતા હતા. અને પેલી બીજી સ્ત્રી દારૂની બોટલ ખલાસ થઈ ગઈ હતી અને તેથી બીજી બૉટલ ખરીદવા માટે જતા આવતા લોકો પાસે પૈસા માંગતી હતી.

હું વિચારતી હતી - એ લોકોની દુનિયા કેવી હશે? ન ઘર, ન કોઈ જવાબદારીઓ, ન કોઈ રાહ જોનારું કે ન કોઈની રાહ જોવાની ! ભૂતકાળના ભારેલા અગ્નિને અંતરમાં સંઘરીને ભર ઠંડીમાં ઠૂંઠવાવાનું અને રાત્રે જે ઓટલો મળે ત્યાં સૂઈ રહેવાનું ! કોઈએ આપેલી સ્લીપિંગ બેગ કે બ્લેન્કેટ હોય તો હોય, નહીં તો કાર્ડ્બોર્ડ બોક્સ તો કોઈ પણ શોપમાંથી મળી રહે !

ઠંડી ઉડાડવા દારૂ અને પછી નશામાં કોને ખબર કેવાં સ્વપ્નો જોતા હશે એ લોકો ? અથવા પછી જે મળે તેની હૂંફે પડી રહેવાનું ! ત્યારે રહે છે એક આદમ અને એક ઈવ-બસ ! કદાચ બે આદમ અને બે ઈવ પણ ….. મને એક લખલખું આવી ગયું.

રાત્રે રોન મારતી પોલીસ ક્યારેક એમને ઉઠાડીને હોમલેસો માટે ખાસ તૈયાર કરેલા શેલ્ટરમાં મૂકી આવે તો જાય, પરંતુ બીજે દિવસે એ જ દશા ! માત્ર બરફ કે અનરાધાર વરસે ત્યારે જ શેલ્ટરો ભરાઈ જાય.

પણ પેલો કેમ નથી દેખાતો ? મારું કૂતુહલ સળવળ્યું !

કોઈ બારણું ખટખટાવતું હોય એમ લાગ્યું, ઘડિયાળ પર નજર ગઈ - બાપરે બે વાગી ગયા ! ઝટપટ ઊઠી લંચનાં વાસણો સિંકમાં મૂકી, હાથ ધોઈ જલદી જલદી નીચે આવી. છેલ્લા પગથિયે હતીને મારી નજર બારણા તરફ ગઈને મારું કાળજું થોડું કંપી ઊઠ્યું ! એ જ બારણા પાસે નેજવું કરી અંદર જોતો હતો. એક સેકંડ મને થયું પાછી ઉપર જતી રહું, પણ મને લાગ્યું કે એણે મને જોઈ લીધી છે, હવે ઉપર પાછા જવું પણ શક્ય નથી !

હિંમત કરી સાવ નોર્મલ રહેવાનો મરણિયો પ્રયાસ કરતી કરતી બારણા તરફ ગઈ અને લોક ખોલ્યું અને જલદી જલદી ટીલ પાછળ જઈને ઊભી રહી ગઈ. એ આસ્તેથી અંદર આવ્યો અને ‘ઓપન’ તરફ ફેરવવાના રહી ગયેલા બોર્ડને એણે ફેરવ્યું. અને નત્ મસ્તક થોડીવાર ઊભો રહ્યો. મેં મારા અવાજને સાવ સામાન્ય રાખવાનો ધરખમ પ્રયત્ન કરતાં કરતાં પૂછ્યું, ‘મે આઈ હેલ્પ યુ’ ?

એણે ઊંચું જોયું. આંખો લાલ હતી, પણ નશો કર્યો હોય એવી નહીં, રડ્યો હોય એવી ! મને અનુકંપા છૂટે તે પહેલાં ફરી મેં મારો પ્રશ્ન દોહરાવ્યો.

‘યસ પ્લીઝ. મને એક સ્પેિશયલ બર્થડે કાર્ડ જોઈએ છે.’ કહી હાથમાં થોડું ચેઈંજ બતાવી પૂછ્યું, ‘આટલામાં મળી શકશે?’

અવાજમાં આવી નરી માર્દવતા અને ખૂબ સંસ્કારી અવાજની મેં જરા ય અપેક્ષા નહોતી રાખી.

મેં તરત જ કહ્યું, ‘યા, યા, ચોકક્સ. કોને માટે જોઈએ છે ?’

થોડી ખામોશી પછી કહ્યું, ‘મારી એક્સ વાઈફ માટે.’

હું ગૂંચવાઈ ગઈ, ક્યા સંબોધનનું કાર્ડ બતાવું ?

એ સમજી ગયો, ‘જસ્ટ, લવ વન્સનો વિભાગ બતાવી દો, હું શોધી લઈશ.’

હાશ, મને થયું છૂટી.

એ વિભાગ બતાવી અને હું પાછી કાઉંટર પાછળ જઈને બેસી ગઈ. એ વિભાગ એવા ખૂણામાં હતો કે હું સીધું ધ્યાન ન રાખી શકું એટલે ‘એ કાર્ડ તો ચોરતો નથીને!’ એ જોવા માટે સી.સી.ટી.વી પર હું એનું ધ્યાન રાખવા લાગી, પરંતુ ખબર નહીં કેમ મને એમ કરવાનું શરમજનક લાગ્યું.

મારું અચાનક ધ્યાન ગયું એ ત્યાં ઊભો ઊભો કોટની બાંયથી આંખો લૂછતો હતો - અવાજ મારા સુધી પહોંચે નહીં એટલે મોઢે હાથ દઈ દીધો હતો !’

મેં ત્યાં રહ્યા રહ્યા જ પૂછ્યું, ‘ ઈઝ એવરીથિંગ ઓકે ?’

એણે મારા અવાજની દિશા તરફ મોં ફેરવી ધ્રૂસકાથી ભરેલા અવાજને સામાન્ય બનાવતાં કહ્યું, ‘યસ, આઈ એમ ફાઈન, થેંક્સ.’

ચોર નજરે હું સી.સી.ટી.વી તરફ જોતી રહેતી હતી - હવે એ કાર્ડ ચોરે છે કે નહીં તે જોવા નહીં પરંતુ હજુ રડે છે કે નહીં તે જોવા. મારા કૂતુહલમાં ખબર નહીં કેમ પણ કરુણા ભળવા માંડી.

દબાવવા માટે પ્રયત્ન કરવા છતાં છટકી ગયેલા કોઈ કોઈ ધ્રૂસકા સંભળાતા હતા, પરંતુ ત્યાં જવાની મારી હિંમત નહોતી ચાલતી.

હું ઇચ્છતી હતી કે કોઈ ગ્રાહક આવે. પરંતુ એને નિરીક્ષણ કરવામાં બહાર જોરદાર વરસાદ પડતો હતો તેનો પણ મને ખ્યાલ ન રહ્યો. આવા વરસાદમાં કોઈ પણ ગ્રાહક આવવાની શક્યતા નહોતી.

ત્યાં તો એ ધીમે ધીમે કાઉંટર તરફ આવ્યો અને કાર્ડ આપતા પૂછ્યું, ‘તમને લાગે છે કે આ યોગ્ય કાર્ડ છે ?’

મારા અંતરમાં સળવળી ઊઠેલી સહાનુભૂતિને મેં રોકી અને વ્યાવસાયિક સ્વરે કહ્યું, ‘તમારે શું કહેવું છે તેના ઉપર અને છૂટા પડતી વખતે સંબંધો કેવા હતા એના ઉપર આધાર રાખેને!’

થોડી સેકંડની ખામોશી પછી, ઉપર સીલિંગ તરફ નજર કરી એ છુટ્ટા મોંએ રડી પડ્યો.

‘થોડા દિવસથી જ જેલમાંથી છૂટ્યો છું’ રડવાને કાબૂમાં લેતાં લેતાં તે બોલ્યો, ‘અને મને ખબર નથી કે …’ અને બહાર નીકળતા એના શબ્દો એના લાગણીનાં પ્રવાહમાં તણાઈ ગયા. હું એને ચૂપચાપ સાંભળતી હતી, કરું તો ય શું કરું?

મનને મજબૂત કરી મેં પૂછ્યું, ‘તમને એના સરનામાની ખબર નથી કે …?’

એક મોટો નિશ્વાસ નાંખી, દેવદાસ જેવું હસીને બોલ્યો, ‘મારું સરનામું હવે એનું થઈ ગયું છે, હું સરનામા વગરનો છું!’ બહાર ધોધમાર પડતા વરસાદની જેમ તેના આત્માની ઉદાસી એના આખા વ્યક્તિત્વમાંથી ટપકતી હતી.

મેં એને પાણીની બોટલ આપી, બે ઘૂંટડા પી થોડો સ્વસ્થ થયો લાગ્યો. ત્યાં તો એકલ દોકલ ગ્રાહકો આવ્યા અને કાંઈ પણ લીધા વગર જતા રહ્યા. એને સ્વસ્થ થવાનો સમય મળ્યો એટલે એક ‘ઇંગ્લિશમેન’ની સભ્યતાએ એને ખ્યાલ આપાવ્યો હશે કે એ સાવ એક અણજાણ વ્યક્તિ સામે અંગત જીવનની લોહી નીંગળતી વાતો કરવા બેઠો હતો !

‘સોરી, મેં તમને ખોટાં ડિસ્ટર્બ કર્યાં.’ કહી કાર્ડનો જે ભાવ હતો તે મુજબ ચેઈંજ ગણવા માંડ્યો.

મારા અંતરની કરુણાને આટલી છંછેડ્યા પછી આમ જતો રહે તે કેમ ચાલે ?

‘ડોન્ટ વરી, તમારે જે કહેવું હોય તે કહી શકો છો.’ પછી રોકી રાખેલી સહાનુભૂતિને છૂટી મૂકતાં મેં કહ્યું, ‘મને કહેવાથી જો તમારું મન હળવું થતું હોય તો ….’ અને મેં જાણી જોઈને વાક્યને અધૂરું રાખ્યું.

થોડીવાર એ કાર્ડના લખાણને વાંચતો હોય તેમ તાકી રહ્યો.

‘મેં મારા દિલનાં ઊંડાણથી એને ચાહી છે - ઇન્ફેક્ટ, ચાહું છું, નહીં તો મારી સાથે કેટલું છળ કર્યું તો ય આ આંખો હજુ પણ એને માટે કેમ ચૂઈ પડે? મારે એને મારા સમગ્ર અસ્તિત્વથી ધિક્કારવી છે પણ હું એને ધિક્કારી જ શકતો નથી ! જેમ જેમ એને ધિક્કારવાનો પ્રયત્ન કરું છું તેમ તેમ અમારા પ્રેમ પાંગર્યાના પ્રસંગો, દિવસો, વણ બોલાયેલી લાગણીઓ જ્યાં ને ત્યાં ફૂટી નીકળે છે.’

મેં હિંમત કરી પૂછ્યું, ‘તમને વાંધો ન હોય તો એક વાત પૂછું?’ અને જવાબની અપેક્ષાએ એના તરફ તાકી રહી.

અજાણ્યાપણાની દિવાલની ઈંટ ખરી પડતી અમે અનુભવી !

‘ઓફકોર્સ યુ કેન’ સંમતિ આપતાં એના થોડા ન ખોલેલા મનના દરવાજાને સાવ જ ખોલી નાંખ્યા.

‘શું એ કોઈ બીજાને …’

એણે હકારમાં માથું હલાવ્યું અને બોલ્યો, ‘મારી પાસેથી એને જે કાંઈ ન મળ્યું તે મેળવવા ફાંફાં મારતી હશે તો જ કોઈ બીજા તરફ એ આકર્ષાઈ હશેને? એમાં કદાચ એનો વાંક ન હોય એમ બનેને?’

એણે છૂટો મૂકેલો પ્રશ્નાર્થ દુકાનમાં ફરી વળ્યો !

જેણે એને બેઘર કર્યો, મને ખબર નથી કે ક્યા કારણસર એ સ્ત્રીએ એને જેલમાં મોક્લાવ્યો, જેણે એની લાગણીઓને લોહીલુહાણ કરી મૂકી એને એ સ્ત્રીનો વાંક નથી વસતો !

પછી કંઈ તાળો મેળવતો હોય તેમ બોલ્યો, ‘અમારા બન્નેની પ્રકૃતિ તદ્દન અલગ - એને જે ગમે તે મને ન ગમે અને મને ગમે તે એને ન જચે ! અને તો ય અમે અઢળક આનંદ માણ્યો છે, અને અમને જે પણ સહિયારું ગમ્યું તેનો અમે સાચ્ચે જ ગુલાલ કર્યો છે.

હવે આગળની વાત કરવી કે નહીં તેની થોડી વિમાસણમાં પડ્યો હોય તેમ ચૂપચાપ બહાર વરસતા વરસાદને જોયા કર્યો પછી વેચવા મૂકેલા કેલેન્ડરોમાં એક સુંદર હસતાં બાળકના ફોટા તરફ જોઈ બોલ્યો, ‘મને બાળકો અતિશય વહાલાં અને એને બાળકો દીઠ્ઠાં ન ગમે!’

શોપમાં રાખેલા ટેડીબેરોથી માંડી, કાર્ડ્સ, રેપિંગ પેપર્સ અરે શોપમાં હતું તે બધું જ સાંભળવા માટે કાન માંડીને બેઠું હોય તેમ મને લાગ્યું. ત્યાં, હત્ત તેરી, કોઈ એક સ્ત્રી બાળકને પ્રામમાં લઈને આવી. એની છત્રી બહાર ઝાટકતી હતી ત્યારે મારી નજર અનાયાસે પેલા તરફ ગઈ. એ મોં ફેરવીને ઊભો રહી ગયો હતો. મને કાંઈ સમજણ પડે તે પહેલાં પેલી સ્ત્રી જેવી થોડી અંદર ગઈ ત્યાં તો કાર્ડ પણ લીધા વગર એકદમ ઝડપથી શોપ બહાર જતો રહ્યો. પેલી સ્ત્રીને કાંઈ ઓળખાણ પડી હોય તેમ પાછળ જોયું. પછી મને પૂછ્યું, ‘એ બર્ટ હતો?’

‘સૉરી, મને એનું નામ નથી ખબર.’ પછી અચકાતાં અચકાતાં મેં કહ્યું, ‘જસ્ટ નવો આવેલો કોઈ હોમલેસ છે. આજે જ મારી શોપમાં આવ્યો મને એનું નામ નથી ખબર.’

‘હં’ કહી એક કાર્ડ લીધું અને પૈસા આપતાં આપતાં કહ્યું, ‘અમારા ટાઉનમાં એક ચિલ્ડ્રન એન્ટરટેઈનર હતો -બર્ટ - બિલકુલ એના જેવો જ લાગ્યો. મારા મોટા છોકરાની બર્થડે પાર્ટીમાં એણે છોકરાંઓને ખૂબ મનોરંજન કરાવ્યું હતું. વેલ, હી વોઝ અ જેન્ટલમેન.’

‘હવે તમારા ટાઉનમાં નથી રહેતો?’

શોપમાં કોઈ નહોતું તો ય એણે આજુબાજુ નજર કરી ધીરા અવાજે કહ્યું, ‘ એની વાઈફને કોઈ બીજા સાથે અફેર હતું. બર્ટની ગેરહાજરીમાં એનો બોયફ્રેંડ એકવાર એના જ ઘરમાં હતો અને અચાનક કોઈ કારણસર બર્ટ ઘરે આવી ચઢ્યો. બર્ટે એ લોકોને સાથે જોયા પછી તો કહે છે કે ખૂબ મારામારી થઈ અને શું થયું તે ખબર નથી પણ બર્ટ્ને પોલીસ એરેસ્ટ કરી ગઈ પછી ક્યારે ય કોઈએ એને જોયો નથી.’

પૈસા આપતાં આપતાં સ્વગત બોલતી હોય તેમ બોલી, ‘એક્ઝેક્ટ બર્ટ જેવો જ લાગતો હતો. એની વે હી યુઝ્ડ ટુ લવ ચિલ્ડ્રન વેરી મચ.’ અને મને ‘થેંક્સ, સી યુ.’ કહીને ગઈ.

મને ખાતરી થઈ ગઈ કે એ ‘બર્ટ’ જ હતો પણ પછી સાંજ સુધી એ દેખાયો જ નહીં.

શોપ લોક કરવા જતી હતીને એ આવ્યો.

મેં, એણે લીધેલું કાર્ડ બાજુ પર રાખ્યું હતું. તેને બ્રાઉન બેગમાં મૂકીને એને આપી કહ્યું, ‘ લો, બર્ટ’.

થોડું મ્લાન હસીને કહ્યું, ‘ગુડ, મારી સ્ટોરીનો અંત લિન્ડાને મોઢે તમે સાંભળ્યોને!’

‘સોરી, બર્ટ, હજુ અંત નથી આવ્યો, તમને વાંધો નહીં હોય તો એક વાત પૂછવી છે!’ કહી હવામાં પશ્નને તરતો જ રહેવા દીધો અને એના સામે જોયું!

ડોકું હલાવી એણે સંમતિ આપી.

‘તમે ભણેલા લાગો છો ….. તમારી ભાષા …..’

‘હું ભણેલો હોઉં કે નહીં શું ફેર પડે છે? હું જેલ ભોગવી આવેલો અસંસ્કારી માણસ છું જેણે એની પત્નીને સમજવાની જગ્યાએ એના બૉયફ્રેંડને મરણતોલ માર માર્યો!

પછી શૂન્યમાં જોતો હોય તેમ બોલ્યો, ‘યસ, યુ આર રાઈટ, હું માનસશાત્રનો લેક્ચરર હતો! પછી જ્યારે જાણ્યું કે મારી પત્ની પાસેથી મને મારું બાળક મળવાની કોઈ શક્યતા જ નથી એટલે બાળકોનો એન્ટરટેઈનર બની ગયો!’

હવે મારાથી ન રહેવાયું, ‘બર્ટ, વિશ્વાસ અને પ્રેમ ઉપર તો દુનિયાના સંબંધો ઊભા છે અને સ્વાભાવિક છે કે એ હચમચી જાય ત્યારે માણસથી ન કરવાનું થઈ જાય - જેમ તેં એના બૉયફ્રેંડને માર્યો.’

માત્ર ‘હં’ કહીને એણે કાર્ડ લીધું અને પૈસા આપવા ગજવામાં હાથ નાંખ્યો. મેં કહ્યું, ‘ડોન્ટ વરી, ધિસ ઈઝ ફ્રોમ  મી. એ પૈસામાંથી ખાવાનું ખરીદજે.’

થોડીવાર માટે બારી બહાર જોઈ રહ્યો પછી કાર્ડ લીધા વિના બારણા તરફ પગ માંડ્યા, પછી અટકીને બોલ્યો, ‘એની વે, હવેથી એને કાર્ડ મોકલવું નથી.’

મેં ખૂબ જ આશ્ચર્ય અને આઘાતભરી નજરે એના સામે જોયું.

‘યુ નો વાઈ? હમણાં થોડીવાર માટે હું બહાર ગયો હતો, ત્યારે આ બાજુમાં આવેલા બાય પાસના પુલ નીચે ખૂણામાં હું બેઠો હતો. તમારી સાથે ભૂતકાળ ઉખેળ્યા પછી મારું સમગ્ર અસ્તિત્વ એને ઝંખતું હતું, મારે એની એકવાર માફી માંગવી છે એમ વિચારતો હતો ……. ત્યાં મેં પરિચિત હસવાનો અવાજ સાંભળ્યો, મેં ઊંચું જોયું. હું બેઠો હતો ત્યાં અંધારું હતું.’

કહી એ અટક્યો.

વાતની પરાકાષ્ઠા પર જ એ અટક્યો એટલે વિવેક ભૂલી મેં પૂછ્યું, ‘પછી?’

‘એ કોઈ બીજા જ પુરુષના હાથમાં હાથ નાંખી મારી પાસેથી પસાર થઈ - એના જે બૉયફ્રેંડને મેં માર્યો હતો તે નહોતો! ........ ખબર નહીં એ શું શોધે છે? કે પછી રોજ જેમ ડ્રેસ બદલે છે તેમ પાર્ટનરો બદલવાનો શોખ હશે?

….. વિચારું છું કે એને મારા એકતરફી પ્રેમની કોઈ કિંમત તો હશે જ નહીં તો પછી દર વર્ષે બર્થડે કાર્ડ મોકલાવી વર્ષમાં એકવાર પણ શા માટે મારા અસ્તિત્વને અભડાવું? એની વે, ભગવાન એને સદ્દબુદ્ધિ આપે.’

મનમાં ગણગણતો હોય તેમ ‘ગોડ બ્લેસ હર!’ કહી, ધીમે ધીમે એ બારણું ખોલી જતો રહ્યો.

મેં કાર્ડ ફાડીને ફેંકી દીધું !

************************************

[પ્રથમ પ્રગટ : “નવનીત સમર્પણ”, માર્ચ 2015, પૃ. 94-100]

છવિ સૌજન્ય : “નવનીત સમર્પણ”

29 Lindisfarne road,Syston, Leicester LE7 1QJ

e.mail : [email protected] 

Category :- Diaspora / Literature