LITERATURE

કેનેડામાં સ્થાયી થયેલ ઇન્ડો આફ્રિકન મૂળ ધરાવતા લોકપ્રિય સમકાલીન નવલકથાકાર એમ.જી. વસનજીનું સાહિત્ય જગત એટલે જાણે કેનેડાના બંધારણે પોતાને માટે પ્રયોજેલ મેટાફર 'મોઝેઈક'નું પ્રત્યક્ષ રૂપ. કેનેડાએ સપ્રેમ અપનાવેલ 'મલ્ટીકલ્ચરાલિઝમ'ની પોલિસી ત્યાં વસતી પ્રત્યેક ડાયસ્પોરિક પ્રજાને પોતાની વિશેષ આઈડેન્ટિટી સાથે જીવવાનો અધિકાર આપે છે. પોતાના વતનની જીવન પદ્ધતિ, વિચારધારા, ધર્મ ઇત્યાદિને અકબંધ રાખીને કેનેડામાં વસતી વિવિધ પ્રજાઓ એક એવું કેનેડા ઘડે છે કે જેમાં આ સમગ્ર પ્રજાઓનું વિવિધરંગી સુચારુ ભાતીગળ 'મોઝેઇક' બનીને ઉપસે છે.

વસનજીએ આજદિન સુધી નવ જેટલી નવલકથાઓ લખી છે. તેમાંની ત્રણ સાહિત્યિક પુરસ્કારોથી પોંખાઈ છે. આ બધી જ નવલકથાઓ લેખકના મલ્ટીપલ ડાયસ્પોરિક અનુભવોની અભિવ્યક્તિ સમી છે. આફ્રિકામાં જન્મેલ અને અમેરિકાની એમ.આઈ.ટી.માં ન્યૂિક્લયર ફિઝિક્સ ભણેલ તથા કેનેડાના ટોરેન્ટો નગરમાં સ્થાયી થયેલ મૂળ ભારતીય ઇસ્લાઈલી ખોજા જાતિના મોયેઝ વસનજી પોતાની નવલકથાઓના તાણાંવાણાં વિવિધ દેશોના પોતાના પ્રત્યક્ષ અનુભવથી વણે છે - જાણે કે કોઈ સુંદર મોઝેઈક જોઈ લો.

ભારતીય તેમ જ આફ્રિકન મૂળની ખોજ કરતી તેમની 2012માં પ્રકાશિત થયેલ અદ્યતન નવલકથા 'ધ મેજિક ઓફ સાયદા'નું ભારતીય વાચકોને મન વધુ મહત્ત્વ રહ્યું છે જે વાત સમજી શકાય તેમ છે. આ નવલકથાના નાયક કમલ દેવરાજ થકી મલ્ટીપલ ડાયસ્પોરિક અસ્તિત્વના મૂળની તેમ જ ઇન્ડો આફ્રિકન સમુદાયના ઇતિહાસની ખોજ આ નવલકથાના કેન્દ્રસ્થાને છે. પોતાની પાછલી આઠ નવલકથાઓમાં ક્યારે ય પ્રેમકથાનો આશ્રય ન લેનાર લેખક આ નવલકથામાં ઇન્ડો આફ્રિકન કમલ તથા આફ્રિકન સાયદાની પ્રેમકથાને નાયકની આત્મખોજ સાથે વણે છે. નવલકથાના કથાવસ્તુની વાત માંડીએ તે પહેલાં નાયક કમલનું એક ચોટદાર વિધાન જોઈ લઈએ. આફ્રિકામાં જન્મેલ તથા મોટો થયેલ ડો. કમલ નાછૂટકે કેનેડામાં સ્થિર થાય છે. ત્યાં તે 35 વર્ષ જેટલા દીર્ઘ સમય સુધી રહે છે. સફળતા મેળવે છે. પણ તેના મૂળ કેનેડાની ધરતીમાં જામતા નથી. તેનો આત્મા આફ્રિકા તથા ત્યાં વસતી સાયદાને ઝંખે છે અને તે બોલે છે, “જેમ જેમ હું મારા પૂર્વજોના ઇતિહાસને શોધતો જાઉં છું તેમ તેમ તેનાથી પ્રભાવિત થતો જાઉં છું. કેટલું અમૂલ્ય છે આ બધું ? અને કેટલું જરૂરી પણ. મારા બાળપણનો પ્રારંભ તથા અંત મારા માના મૃત્યુ સાથે આવ્યો. તે મને મારા ઇતિહાસની નાની-મોટી ઝલક આપ્યા કરતી. તે કહેતી, 'બાકી બધું ભગવાન જાણે ... મારા પિતાના પૂર્વજોને તેણે જાણે એરેબિયન નાઈટ્સના પાત્રો બનાવી દીધેલા ! આખા કિલવા ગામમાં એકમાત્ર કવિ ઝી બિન ઓમારીને જ મારા દાદા પૂંજા દેવરાજના જીવનની માહિતી હતી. પરંતુ એ માહિતીનો એક છેડો કવિના જીવનની શરમિંદગી સાથે બંધાયેલો હતો. એટલે પૂંજાની સઘળી વાત એ મને ક્યાંથી કરે ? અમારા પરિવારનો ઇતિહાસ આમ વેરણ-છેરણ, ભિન્ન-ભિન્ન લોકોમાં વહેંચાયેલો પડ્યો છે. તે ભૂંસાતી જતી સ્મૃિતઓમાં કે પુસ્તકોનાં પૃષ્ઠોમાં ક્યાંક ધૂળ ખાતો પડ્યો છે ... પણ ચલો જેવો છે તેવો એ ઇતિહાસ ક્યાંક છે તો ખરો. આપણે જે કરવાનું છે તે એ છે કે આ બધા વેરવિખેર પડેલ સૂત્રોને એક સાથે બાંધીને, જિગ્સોપઝલના આ બધા નાના નાના ટુકડાઓને સરખા ગોઠવીને, તેમાંથી પરિવારના ઇતિહાસની સ્પષ્ટ આકૃતિ ઉપસાવવી.”

0 0 0

'ધ મેજિક ઓફ સાયદા'(2012)નો પ્રારંભ સમગ્ર નવલકથાના ઘટનાક્રમના અંતથી થાય છે. પુસ્તકની 'પ્રોલોગ'માં નવલકથાનો પીઢ નાયક ડો. કમલ પૂંજા આફ્રિકાના દારેસલામની એક હોસ્પિટલના બેડ પર પડ્યો છે. કેનેડાથી ઇસ્ટ આફ્રિકા આવેલ ભારતીય મૂળ ધરાવતા પરંતુ અશ્વેત દેખાતા કમલ પૂંજાને અનાયાસે મળી ગયેલ માર્ટિન કિગોમા એક તાન્ઝાનિયન પ્રકાશક છે. જે કાંઈ બની રહ્યું છે તે જોઈ રહ્યો છે. કમલનો પુત્ર તથા પુત્રી કેનેડાથી દારેસલામ આવીને પિતાની ખબર કાઢીને પાછા ચાલી ગયા છે. પિતાને તેમણે સાથે લઈ જવાનો આગ્રહ કરેલો પરંતુ તેમણે તે સ્વીકાર્યો નહીં. તેમનું કહેવું હતું કે, જો મોત આવવાનું હોય તો તેમની પોતાની ધરતી પર, એટલે કે આફ્રિકામાં જ ભલે આવે. પરંતુ કમલ ક્યાં આફ્રિકન છે ? દેખીતી રીતે તે અહીંનો છે જ નહીં. કિગોમાને આશ્ચર્ય થાય છે. કેનેડાના આલ્બર્ટા નગરથી આ ડોક્ટર 35 વર્ષ બાદ અહીં આફ્રિકા આવ્યો છે, આવીને માંદો પડ્યો છે, અને તેને પાછા જવું નથી ! છેવટે તે કમલને પૂછી નાખે છે, 'શું થયું તમને ? તમે કેનેડા છોડીને અહીંયા, આ પછાત દેશમાં, કેમ આવી ચઢ્યા ?' જવાબમાં ડો. કમલ હસીને કહે છે, 'મારા આ બેહાલ કોઈ વન્ય વનસ્પતિના અર્કને લીધે થયા છે ... પેલીએ મને એ પીણું પરાણે પાઈ દીધું. પીધા વગર મારો છૂટકો ન હતો. હું કેનેડા છોડીને જે મિશન પર અહીં આવ્યો છું તે મિશન ખાતર કંઈ પણ કરી શકાય ... હું અહીંયા સાયદાની ખોજ માટે આવ્યો છું. મેં તેને વર્ષો પહેલાં પ્રોમીસ આપેલું કે હું પાછો ફરીશ .. પણ પાછા ફરતા ઘણું મોડું થઈ ગયું ... નાનપણમાં હું સાયદાને ઓળખતો હતો. પણ 11 વર્ષની ઉંમરે મને ઇન્ડિયન બનવા માટે મોકલી દેવાયો ... આટલાં વર્ષે હું તેને શોધવા પાછો ફર્યો છું. મારા ગળામાં તેણે મને નાનપણમાં આપેલ તાવીજ આજે પણ છે.'

ત્યારબાદ કુલ ચાર ખંડોમાં વહેંચાયેલ નવલકથાનો પ્રથમ ખંડ પ્રારંભાય છે. ખંડનું શીર્ષક છે 'બોય એન્ડ ગર્લ'. આ ખંડ ભારતીય પિતા ડો. અમીન તથા સ્વાહિલી માતા હમીદાનું હાફબ્રિડ સંતાન કમલ તેમ જ સ્વાહિલી છોકરી સાયદાના નાનપણની વાત લઈને આવે છે. ઇસ્ટ આફ્રિકાના કિલવા ગામમાં મોટાં થતાં આ બંને બાળકો તથા તેમની દોસ્તી મનમોહક છે. સાયદાના નાનાજી ઝી બિન ઓમારી તાન્ઝાનિયાના લોકપ્રિય ઋષિતુલ્ય કવિ છે. તથા કમલના દાદા પૂંજા દેવરાજના તેઓ સારા મિત્ર હતા. પૂંજા દેવરાજ મૂળ સૌરાષ્ટ્રનો હતો. સૌરાષ્ટ્રના કોઈક નાનકડા ગામમાં સીદી સૈયદ ઓલિયાના આશીર્વાદથી ગામડિયા પૂંજા દેવરાજનું ભાગ્ય ખૂલેલું અને એ સ્વદેશ છોડીને ઇસ્ટ આફ્રિકા આવીને વસેલો. અહીં તેણે એક આફ્રિકન સ્ત્રી સાથે સંસાર પણ માંડેલો. ભારતીય હોવા છતાં તે આફ્રિકાના રંગે એવો રંગાયેલો કે જર્મન શાસકોની ગુલામીમાંથી માતૃભૂમિસમા આફ્રિકાને છોડાવવા માટે તેણે હામ ભીડેલી. ઝી બિન ઓમારીના ભાઈ અબ્દુલ કરીમની સાથે જોડાઈને તેમણે માઉ માઉ મૂવમેન્ટનો પ્રારંભ કરેલો. અને છેવટે જર્મન શાસકોએ ગુપ્તવાસમાં રહેતા અબ્દુલ કરીમ તથા સમાજમાં સમ્માનપૂર્ણ સ્થાન ધરાવતા પૂંજા દેવરાજને ફાંસીની સજા કરેલી. કિલવા ગામની વચ્ચોવચ્ચ આવેલ વિશાળ આંબાનું એ 'મૃત્યુવૃક્ષ' આ બંનેને થયેલ ફાંસીના સાક્ષીસમું હતું. આ વૃક્ષની ડાળે જ બંને દેશપ્રેમીઓને ફાંસી અપાઈ હતી.

કમલ તથા સાયદાની વિશેષ પ્રકારની મૈત્રીનું ચિત્રણ કરતો આ ખંડ ઇસ્ટ આફ્રિકામાં પ્રચલિત અંધશ્રદ્ધાઓ તથા માન્યતાઓની વાત પણ કરે છે. કમલ અને સાયદા બંને નાના હતા ત્યારે સાયદાના દાદા લગભગ દર અઠવાડિયે રાત્રે છુપા વેશે ગધેડા પર જીવન જરૂરિયાતની વસ્તુઓ લાદીને ક્યાંક જતા. પાછળથી ખબર પડેલી કે તેઓ પોતાના સગા મોટાભાઈ અબ્દુલ કરીમ પાસે જતા હતા. તેમનો એ ભાઈ એટલે પૂંજા દેવરાજનો સાગરિત. તે એક રાષ્ટ્રપ્રેમી હતો. તેમ જ બ્રિટિશ અને જર્મન શાસકોનો કટ્ટર દુશ્મન પણ ખરો. ભૂગર્ભમાં રહીને તે આફ્રિકાની સ્વતંત્રતા માટે ચાલતી માઉ માઉ મૂવમેન્ટનું પ્રેરક બળ હતો. તેની જીભે સરસ્વતી વસતી. તેના કાવ્યથી મડદા પણ ઊભા થતા. પણ એમ કહેવાતું કે એ માણસને કવિતા કરતાં સ્વદેશ વધુ વહાલો હતો. અજ્ઞાતવાસમાં જીવતા આ ભાઈને નાનોભાઈ દર અઠવાડિયે રેશન આપી જતો. અને મોટાભાઈ અબ્દુલકરીમે રચેલ કાવ્યો પ્રેમથી સાંભળતો. અને સાંભળતાં સાંભળતાં ચોરી પણ જતો. આગલી રાત્રે સાંભળેલાં કાવ્યોને કિલવા ગામ પાછા ફરીને તે પોતાના નામે કાગળ પર ઉતારીને વાંચતો અને ગામના લોકો તેનાં કાવ્યને સાંભળીને વારી વારી જતા. એવું કહેવાતું કે મહાકવિ ઝી બિન ઓમારીની કલમે આફ્રિકાનો ઇતિહાસ જીવંત રાખેલો. પરંતુ સાચી વાત તો એ હતી કે આ કાવ્યો તેના હતાં જ નહીં!

− 2 −

કેનેડિયન નવલકથાકાર એમ.જી. વાસનજીની નવલકથા : ’ધ મેજિક ઓફ સાયદા’

નવલકથાનો બીજો 'ખંડ ઓફ ધ કમિંગ ઓફ ધ મોર્ડન એજ' કહેવાતા કવિ ઝી બિન ઓમારીની કલમે લખાયેલ ઇસ્ટ આફ્રિકન ઇતિહાસના તાણાંવાણાં વણે છે. દોમ દોમ સાહ્યબી તથા માન-અકરામથી ટેવાયેલ ઝી બિન ઓમારી સતત એક ગિલ્ટ સાથે જીવે છે. કેમ કે જે કાવ્યો માટે તે સમ્માન પામે છે તે કાવ્યો તેના છે જ નહીં. છેવટે ઝી બિન ઓમારીનો ભાઈ અબ્દુલકરીમ પકડાય છે. જર્મન શાસકોની દૃષ્ટિએ અપરાધી એવા સ્વતંત્રતાસેનાની અબ્દુલકરીમ તથા પૂંજા દેવરાજને ફાંસી થાય છે. આ ફાંસી સાયદાના દાદા ઝી બિન ઓમારીને લગભગ ગાંડા કરી મૂકે છે. એક રાતે તેઓ પોતાનાં સઘળા સાહિત્યને એક સંદૂકમાં મૂકીને ગામની મધ્યે આવેલ 'મૃત્યુવૃક્ષ' નીચે દફનાવી દે છે. તેમને હતું કે આમ કરવાથી તેમના દુષ્કૃત્યનો પાર આવી જશે, પરંતુ તેમ બનતું નથી. ગમગીન એવો પીઢ કવિ હવે કલમ છોડી દે છે. ગામમાં ચર્ચા છે કે કવિશ્રીના કાગળ ખૂટી પડ્યા છે. નાનકડા ભૂલકા સાયદા તથા કમલ શું જાણે કે સાચી વાત શું છે ? તે બંને પોતાની નોટોના કાગળ ફાડીને દાદાને આપવા જાય છે. તો ય દાદા કવિતા લખતા નથી ! કાવ્ય ન લખી શકનાર દાદા અને તેથી અત્યંત ઉદાસ બનેલી સાયદા તથા તેના પરિવારને છોડીને લગભગ આ જ વખત દરમિયાન કમલની મા કમલને કોઈ અજાણ્યા સગાઓ સાથે ક્યાંક મોકલી આપે છે. મા કહે છે કે એ લોકો કમલના સગા છે. તથા દારેસલામ લઈ જઈને તેઓ કમલને પૂરેપૂરો ઇન્ડિયન બનાવી દેશે ! કમલને ઘણી આપત્તિ છે. તે બોલી ઊઠે છે, 'હું આફ્રિકન છું. મા હું નથી ઇન્ડિયન બોલતો કે નથી ઇન્ડિયન ખાતો. ઇન્ડિયનો તો દાળ ખાય. હું ક્યાં દાળ ખાઉં છું ?' 'ના તું ઇન્ડિયન છે ... સાંભળ દીકરા, ઇન્ડિયન બને તો સુલતાન બનાય. પરદાદા પૂંજા દેવરાજની જેમ મોટા માણસ બનાય. ' (27) એમ કહીને મા તેને પટાવીને વિદાય કરે છે.

ત્રીજા ખંડ ‘ગોલો'માં, કમલ પોતાના પિતાના સાવકા ભાઈ તથા દાદીના કુટુંબમાં આવીને વસે છે. તેને અહીં લાવવાનું કારણ વિચિત્ર છે. ઘરડાં દાદીની તબિયત સારી નથી અને તેમને બચાવવા માટે અનુભવી મોગેન્ગોએ (ભૂવાએ) સલાહ આપી છે કે પરિવારનું લોહી ધરાવતા કોઈ ગરીબ બાળકને જો આ કુટુંબ સ્વીકારી લે અને તેને ભણાવી-ગણાવીને મોટું કરે તો માજી બચી જશે. અને આ કારણસર સાવકા પુત્રના અશ્વેત સ્ત્રી દ્વારા જન્મેલ સંતાન કમલને આ ઘરમાં આશરો મળે છે. અહીં તેને ભારતીય બનતા શીખવાડાય છે. પરંતુ તેનું નામ તો 'ગોલો' (નોકર) જ છે. આ પરિવાર સાથે રહીને 'ગોલો' ભારતીય બનતા શીખે છે અને પોતાની જાતને ઘસી ઘસીને ધુએ છે તો ય તેની અંદર વસેલ આફ્રિકનપણું જતું જ નથી ! ચામડીની નીચેથી ઘઉંવર્ણો રંગ દેખાતો જ નથી. 'આ આફ્રિકનપણું જાણે મારું ભાગ્ય છે.' ગોલો બબડે છે 'તમે બધા મને ઇન્ડિયન કહો છો, પણ ઇન્ડિયનો મને ઇન્ડિયન કહેતા નથી.' નાનકડો કમલ કહેતો. મા હંમેશાં હસીને કહેતી, 'એવું એટલા માટે છે કે અહીંનો કોઈએ ઇન્ડિયન તારા જેટલો આફ્રિકન નથી ... અને અહીં વસતા સઘળા બનિયા દુકાનદારોમાં તારા કરતાં સારો ઇન્ડિયન કોઈ નથી.' (136) કમલના જીવનનો મુખ્ય કોયડો તેની માએ તેને નાનપણમાં જ જણાવી દીધેલો.

કાગળ કલમ વિહોણા નિષ્ક્રિય કવિ ઝી બિન ઓમારીના દુઃખનું અન્ય એક કારણ તેણે જર્મન શાસકની તરફેણમાં લખેલ પ્રશસ્તિકાવ્ય પણ હતું. છેવટે એક કાળી રાત્રે કવિ ઝી બિન ઓમારીએ ગામ વચ્ચે આવેલ 'મૃત્યુવૃક્ષ' પરથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી !

દાદાની વિદાય બાદ ઘરમાં આવકનું કોઈ સાધન ન રહેતા સાયદાની માતાએ સાયદાને મોગેન્ગો બનાવી દેવાની યુક્તિ ઘડી. તેણે ગામમાં ખબર ફેલાવી દીધી કે આ છોકરી પાસે કોઈ મેજિક પાવર હતો કે જેથી તે લોકોના જીવનની મુશ્કેલીઓ દૂર કરી શકતી હતી. જોતજોતામાં નાનકડી સાયદા મોગેન્ગો બની ગઈ. અને પછી તેનાં લગ્ન ગામના એક મોટા મોગેન્ગો સાથે થઈ ગયા. આ મોગેન્ગો મોટો ગુંડો પણ હતો.

દારેસલામ લઈ જવાયેલ કમલ ભણીગણીને ડોક્ટર બન્યો. ડોક્ટર બનતાની સાથે પોતાની અશ્વેત પ્રિયતમા સાયદાને મળવા તે ઇસ્ટ આફ્રિકા પાછો ફર્યો. તે હજી કુંવારો હતો. સાયદાને પરણવા તત્પર હતો. પરંતુ કિલવા પહોંચીને અધેડ મોગેન્ગોને પરણેલ સાયદાને જોઈને તે ગમગીન બની ગયો. નામચીન ગુંડાની પત્ની હોવા છતાં સાયદાએ પોતાના પ્રેમી કમલને મળવાની ગજબ હિંમત કરી. દરિયાનાં શાંત જળ બંને પ્રેમીઓની પ્રેમભરી ક્ષણોના સાક્ષી બની રહ્યાં. પરંતુ બેચાર વખત થયેલા આ ગુપ્ત મિલનની વાત છાની ન રહી. સાયદાનો પતિ પોતાની ગેંગ સાથે કમલની પાછળ પડ્યો. ને કોઈ રીતે જાન બચાવીને કમલ કિલવા ગામથી સુરક્ષિત પાછો ફરી શકયો. મોગેન્ગોએ પત્ની સાયદાને ઘસડીને ઘરમાં પૂરી દીધી.

આવી રીતે નિરાશ થઈને પાછા ફરેલ કમલને મેડિકલ સ્કૂલમાં તેની સાથે ભણતી શિરિને ઇદી અમીનના ત્રાસથી ત્રસ્ત આફ્રિકા છોડી કેનેડા જતા રહેવા સમજાવ્યું. કમલ તથા શિરિન આફ્રિકા છોડી કેનેડા આવી ગયા. બંનેએ લગ્ન કરી લીધા, તથા ડોક્ટર તરીકે કામ શરૂ કરી દીધું. 35 વર્ષને અંતે હવે ડોક્ટર કમલ પાસે પોતાનું મોટું ઘર, સફળ પ્રેક્ટિસ તથા ત્રણ ત્રણ ક્લિનિક હતા. તેમ છતાં આફ્રિકા વિસરાતું નહોતું. શિરિન સાથે વધતા જતા મતભેદોને કારણે અંતે ડિવોર્સ થઈ ગયા. અને ડિવોર્સ બાદ ડો. કમલે પોતાની જુની પ્રેમિકા સાયદાની શોધમાં તાન્ઝાનિયા જવાનો નિર્ણય કર્યો.

નવલકથાના ચોથા તથા અંતિમ ખંડ 'સાયદા'માં 1950ની આસપાસ કિલવા છોડીને ઇન્ડિયન બનવા જનાર મિશ્રિત લોહીવાળો એ હાફબ્રિડ છોકરો આજે આટલાં વર્ષે ડો. કમલ તરીકે પોતાના મૂળ શોધવા પાછો ફરી રહ્યો હતો. જાણે સાયદાનો જાદુ તેને આફ્રિકા પાછા આવવા પોકારી રહ્યો હતો. એ જ ગામ, એ જ રસ્તા. પરંતુ લોકો એ નથી. સાયદાનો કોઈ પત્તો નથી. તેની ભાળ મેળવવા ડો. કમલ ઘણો ખર્ચો કરે છે. છેવટે તેને કોઈ દૂર ગામમાં વસતી કંઈક વિચિત્ર નામ ધરાવતી પરંતુ સાયદા સાથે કંઈક સામ્ય ધરાવતી એવી સ્ત્રીની વાત તેને મળે છે. પગપાળા કમલ તે ગામમાં જાય છે. ત્યાં જઈને તે એક અજાણ સ્ત્રીને મળે છે. શું આ જ એ સાયદા છે જેને મળવા તે આટલો તત્પર છે ? પરંતુ એ સ્ત્રીની આંખમાં તો કોઈ ઓળખ દેખાતી નથી ! સસ્પેન્સ કથાની જેમ ઊંધા ક્રમથી પ્રારંભાયેલ નેરેટિવના રહસ્યો ક્રમશઃ ખુલતા જાય છે. સાયદાની ખોજ કમલ માટે જાણે એક પ્રતિક બની ગઈ છે. સાયદા એટલે મેજિક. સાયદા એટલે અમરત્વનો સ્પર્શ, સાયદા એટલે ઉત્કટ પ્રેમ અને સાયદા એટલે મૃત્યુનો પાશ પણ. સાયદા માટે કમલ કંઈ પણ કરવા તૈયાર છે અને તેથી જ પેલી અજાણ સ્ત્રીએ તેની સામે ધરેલ ઉકાળો પીવાની શરતને તે મંજૂર રાખે છે. તેને ખબર છે કે આ ઉકાળો પીવાથી તેની જાન પણ જઈ શકે છે. તેમ છતાં તે જાનના જોખમે સાયદાનો વાવડ મેળવવા તૈયાર છે. કેમ કે સાયદાની શોધ એટલે ફક્ત વ્યક્તિગત ગંતવ્ય જ નહીં પરંતુ કિલવા આખાનો ઇતિહાસ. ઉકાળો પીવાનું પરિણામ ધાર્યું હતું તેવું જ આવે છે.

કમલની અર્ધમૂર્છિત અવસ્થામાં હવે પેલી સ્ત્રી પોતાનું મોં ખોલે છે. હા તે પોતે જ સાયદા છે ! વર્ષો પહેલાં દરિયાકિનારે કમલ સાથે એકાકાર થયેલી તેની પ્રેમિકા તે પોતે જ છે. તેમના એ મિલનથી તેને એક પુત્ર થયેલો પરંતુ તેના ક્રૂર પતિએ સાયદાના ભૂંડા હાલ કરેલા અને બે દિવસના બાળકને ગૂમ કરી દેવાયેલું. આવું કરવામાં સાયદાની માએ જમાઈને સાથ આપ્યો હતો. કહેવાય છે કે બાળક મારી નખાયું હતું. હવે તે એકલી-અટૂલી ગામથી ઘણે દૂર આવેલી આ જગ્યામાં મૃત્યુની રાહ જોઈ રહી છે. કમલ પ્રત્યે તે કોઈ લાગણી બતાવતી નથી. કમલને પાવામાં આવેલ પીણાંની અસર ઘેરાતી જાય છે. હથિયાધારી અજાણ્યા લોકો આવીને કમલને ઘેરી વળે છે. તથા તેને મારી નાખવાનો પ્રયત્ન કરે છે પરંતુ ત્યાં અચાનક જ કોઈ તેને બચાવી લે છે. અને જીપમાં નાખીને દારેસલામના દવાખાનામાં દાખલ કરે છે. કેનેડાથી કમલને મળવા આવેલ તેના બાળકો તેને કેનેડા પાછો ફરવા સમજાવે છે પણ કમલ તે માટે તૈયાર નથી. તેને જન્મભૂમિમાં જ મરવું છે. તેનો ગમે તેટલો અસ્વીકાર તેમ જ તિરસ્કાર થાય તો ય આ ધરતી તેને પ્રિય છે. આ જ તેના જીવનનો અંતિમ પડાવ છે. કમલના આ નિર્ણય સાથે નવલકથા વિરમે છે.

વસનજીની નેરેટિવ ટેકનિક તથા સ્વાહિલી તેમ જ ગુજરાતીના મિશ્રણવાળી તેમની અંગ્રેજી ભાષાની પણ નોંધ લેવી ઘટે. આ પ્રકારના પ્રયોગ કરવામાં સક્ષમ વસનજી 'કેનેડિયન મોઝેઇક'ના જાણે પ્રતિનિધિ બની રહે છે. 1988માં કેનેડાના બંધારણમાં સ્વીકારાયેલ 'મલ્ટીકલ્ચરાલિઝમ' એક્ટના અંતર્ગત કેનેડિયન ઓળખનું રૂપક એટલે 'મોઝેઇક'. એક એવો મોઝેઈક કે જેમાં પોતપોતાની ભાષા, ધર્મ તથા રીતિરિવાજ જાળવી રાખીને ત્યાં વસતી દરેકે દરેક પ્રજા કેનેડિયન હોવાનું ગૌરવ લઈ શકે. આનાથી તદ્દન વિરુદ્ધ અમેરિકાનો રાષ્ટ્રીય મેટાફર 'મેલ્ટિંગ પોટ'નો. એવી ભઠ્ઠીનો કે જેમાં તપીને વિવિધ રાષ્ટ્રીયતાઓ ઓગળીને એકસમાન બીબાંઢાળ અમેરિકન બની જાય !

e.mail : [email protected]

Category :- Diaspora / Literature

ડાયસ્પોરાને મૂળવિહીન લીલાછમ વૃક્ષનું યાદગાર કલ્પન આપીને વાચકોના મનમાં ડાયસ્પોરાની અવિસ્મરણીય છબી ઊભી કરનાર કેનેડામાં વસતા ભારતીય ડાયસ્પોરિક સાહિત્યકાર, વિવેચક તથા પ્રોફેસર એવાં ઉમા પરમેશ્વરન્‌ની ચર્ચા આગળ થઈ છે.

આ જ સર્જક પોતાના એક દીર્ઘ કાવ્યમાં ડાયસ્પોરાને ત્રિશંકુની વ્યાખ્યા આપે છે. 1988માં પ્રકાશિત પરમેશ્વરન્‌નું ત્રિશંકુ એક દીર્ઘ પ્રયોગાત્મક કાવ્ય છે. લગભગ દસેક જેટલાં પાત્રોના મોનોલોગ્સ (આત્મ-સંવાદો) આ દીર્ઘ કાવ્યમાં નાટ્યાત્મકપણે ગૂંથાયા છે. આ બધા જ પાત્રો પોતાનું વતન ભારત છોડીને કેનેડામાં સ્થાયી થવા પ્રયત્નશીલ છે. પ્રત્યેક પાત્રની પોતાની ભાષા, શૈલી તથા વતન છોડીને કેનેડા આવવાનાં કારણો છે. એક વિશેષ અભિગમ છે. એમના મોનોલોગ્સમાં જો કોઈ એક વસ્તુ કોમન હોય તો તે છે તેમનું ત્રિશંકુપણું.

ત્રિશંકુનું મીથ જાણીતું છે. વિશ્વામિત્રે એક રાજઋષિને સ્વર્ગનું વરદાન આપ્યું અને તેઓ ધરતી છોડી સ્વર્ગને દ્વારે પહોંચ્યા. પરંતુ ત્યાં તેમને પ્રવેશ ન મળ્યો. કેમ કે તેઓ સદેહે સ્વર્ગ આવ્યા હતા. સ્વર્ગે પહોંચવા ધરતી અને દેહ બંને છોડવા પડે. સ્વર્ગથી પાછો ધકેલાયેલ એ રાજઋષિ હવે ધરતી પર પાછો ફરી શકે તેમ પણ ન હતો. તેથી ધરતી અને આકાશ વચ્ચે તે ત્રિશંકુ બનીને લટકી રહ્યો.

વતન છોડી અંતહીન આકાશની ધરતી એવા કેનેડામાં પોતાનું સ્વર્ગ શોધનારાઓ પણ ત્રિશંકુએ જે ભૂલ કરેલી તે જ ભૂલ કરે છે. ત્રિશંકુ સશરીરે સ્વર્ગે જવા પ્રયત્નશીલ હતો. આ લોકો ભારતને મનમાં રાખીને કેનેડાના સ્વર્ગમાં પ્રવેશવા પ્રયત્નશીલ છે. અને તેથી તેઓ નથી ત્યાંના થઈ શકતા કે નથી વતનના રહી શકતા. બસ ત્રિશંકુની જેમ બંને વિશ્વો વચ્ચે લટકતા રહે છે.

આ પ્રયોગાત્મક કાવ્યનો પ્રારંભ કવિના સંબોધનથી થાય છે. તે સૂત્રધારની અદાથી વાચકોને સંબોધે છે. અને કાવ્ય શરૂ થાય છે.

કવિઃ હું છું એક એવો જણ કે જે એક કાયદા સાથે જન્મ્યો, બીજા કાયદાને વર્યો અને ત્રીજા કાયદાથી બંધાયેલ છે. હું મનુષ્યમનના પ્રેમનું સંતાન. મને મારી ફેરી ગોડમધર ગ્રાસિયા રજઈના કોઈ સુદૂર અજાણ્યા પ્રદેશથી ઉપાડી લાવેલી પણ જ્યારે તે ફેરી(પરી)ને ધરતી છોડી આકાશમાર્ગે જવાનો વખત આવ્યો ત્યારે તેણે મને યુનિયન જેકમાં લપેટીને હળવેકથી ધરતી પડતી મૂકી. ફરી એકવાર કોઈ પ્રેમાળ મનુષ્યની નજર તરછોડાયેલી આ બાળકી પર પડી. વર્ણશંકર પ્રજા પ્રત્યે નફરત ધરાવતા એ મનુષ્યે તેની નફરત જતી કરીને મારા જેવી વર્ણશંકર તરછોડાયેલી બાળકીને ઉપાડી લીધી અને ઉછેરી ... પણ હવે મારું શું. મારે શું કરવાનું. શું મારે ત્રિશંકુની જેમ ઘઉંવર્ણી ધરતી અને શ્વેત આકાશની વચ્ચે લટકી રહેવાનું. મારા પર કયો કાનૂન લાગુ પડશે.

કવિની આટલી પૂર્વભૂમિકા બાદ હવે વિવિધ પાત્રો પોતપોતાની વિટંબણાઓ મોનોલોગ્સરૂપે વ્યક્ત કરે છે. ચંદર, ચંદરની મા, તેના પિતા, તેની બહેન, મિ. સતીષ અગ્રવાલ, ઉષા, વિઠ્ઠલ જેવા અનેક પાત્રો ડાયસ્પોરા જીવનના પ્રશ્નોને લઈને આવે છે. આ બધા પાત્રોની અપેક્ષાઓ, આકાંક્ષાઓ અને સ્વપ્નો અને તેનાથી તદ્દન વિરુદ્ધ એવી કેનેડિયન જીવનની વાસ્તવિકતાઓનો ચિતાર અહીં પ્રસ્તુત થાય છે.

જેમ કે કેનેડા આવીને નિભ્રાંત થયેલ ચંદર પોતાનું બાળપણનું સ્વપ્ન સ્મરે છે. એક મોટી નૌકાને પાણીમાં ઊભા રહીને ધક્કો મારતો બાળક ચંદર. એમ કરતાં પાણીમાં ડૂબી જઈને અજાણ દેશના સમુદ્ર કિનારે પહોંચતો કિશોર ચંદર અને ત્યાં તો કેનેડામાં સૂતેલ ચંદરની આંખ ઉઘડી જાય છે. આ તે કેવું સ્વપ્ન. આનું આ સ્વપ્ન વારંવાર આવે છે. સ્વપ્નમાં અને સ્વપ્નમાં ચંદર પોતાની જાતને ટકોર કરે છે, ડરીશ નહીં આ તો સ્વપ્ન છે, સત્ય નથી. વળી સ્વપ્નમાં તેની આસપાસના માછીમારોની ગૂસપૂસ તેને સંભળાય છે. આ અબૂધ છોકરો સાત દરિયા ખેડીને આ અંતહીન આકાશની ધરા પર ક્યાં આવી ચડ્યો. કોણ જાણે કઈ લાલચે અહીં આવ્યો હશે.

ચંદરને ઘરેથી આવતા પત્રોઃ નાની બહેન લખે છે, ભાઈ તું તો પૈસાદાર થઈ ગયો. હવે ભારત પાછો આવે ત્યારે મારે માટે મોટી ગાડી લાવજે, બોઈંગ 707નું પિક્ચરકાર્ડ, મેજિક સ્લેટ અને ત્યાંનું ફ્રોક પણ મને જોઈએ જ.

પિતા લખે છેઃ ચંદર ભણવામાં ધ્યાન આપજે. નોકરી શોધજે. સમય બગાડીશ નહીં. વાંચીને ચંદર મનોમન બબડે છે, આટલે દૂરથીયે હું ડોસાને આરામખુરશીમાં બેસીને હિન્દુ વાંચતા જોઈ શકું છું.

મા લખે છેઃ ઓમ, દીકરા અભણ માના આશીષ. હું મજામાં. તું પણ મજામાં હઈશ. જીવતો રહેજે ને વહેલો પાછો આવજે. ચંદર કોમેન્ટ કરે છે, આ છે માનો પ્રથમ અને અંતિમ પત્ર.

ચંદરની સાથે ગામડે ગામથી કેનેડા આવવા નીકળેલ મિ. સતીષ અગ્રવાલનું સશક્ત શબ્દચિત્ર તેમના મોનોલોગ્સમાંથી પ્રગટે છે. ચંદર લખે છેઃ પેલો પોતાની જાતને મિ. સતીષ અગ્રવાલ કહીને સંબોધ્યા કરે છે. પણ એ મિસ્ટર છે નર્યો ગામડિયો. અમે બંને એક જ પ્લેનમાં ભારત છોડેલું. બંનેનું સ્વપ્ન હતું કેનેડા. હું જાણું છું કે પેલા અણઘડ ગામડિયાને ટોઇલેટ ફ્લશ કરતાં ય આવડતું ન હતું. સાવ રોંચો હતો. મોન્ટ્રીઅલમાં અમે બંને ટ્રાન્ઝીટ પેસેન્જરરૂપે હોટલના એક જ રૂમમાં હતા. પણ ત્યાં એ રૂમમાં એવું કંઈ બન્યું કે મને પેલા દેશી, અણઘડ મિ. અગ્રવાલ પર દયા આવી ગઈ. મોન્ટ્રીઅલના હોટલ રૂમમાં કોટ પર બેસીને તે બાળકની જેમ પોક મૂકીને રડ્યો અને ડૂસકાં ભર્યા સ્વરે બોલ્યોઃ વતનના મારા લીંપેલા કાચા ઘરના વાડામાં વાણ ભરેલ ખાટલા પર ઊંઘવા માટે હું ગમે તે કરવા તૈયાર છું. મારે નથી જોઈતો પરદેશ. નથી જોઈતા હથેળીમાં સ્વપ્નો. હું આ ચાલ્યો પાછો. એક ક્ષણે મને મારા દેશબંધુની ઇર્ષ્યા આવી ગયેલી. અંતહીન આકાશવાળી આ ધરતીમાં સ્વપ્ન વાવવાની પળોજણ મારા એ દેશી મિત્રને ખપતી ન હતી.

મૃત્યુશૈયા પર સૂતેલ એક વૃદ્ધની માંદગી આ વિવિધ ડાયસ્પોરિક પાત્રોને સાંકળે છે. આ વૃદ્ધની માંદગી બધાને મનુષ્ય જીવનની નશ્વરતાનું સ્મરણ કરાવે છે. કેનેડામાં વહેતી એસિનીબોઈન નદીનાં સઘળાં નીર આ ભારતીય વૃદ્ધના ઘઉંવર્ણા રંગને ધોઈ શકે તેમ નથી. ગંગાજળ લાવો. ગંગાજળ ક્યાં. શું એસિનીબોઈનનાં જળમાં જ ગંગાજળ શોધવાનું છે. મા અંબે તેં અમને તે કેવો તમાચો માર્યો છે કે અમે બધા એક જ મૂળના લોકો આ પારકી ધરતી પર એકબીજાથી દૂર થતા જઈએ છીએ. અને આ દૂરીઓ પણ કોને માટે. એવા અજાણ્યા જણ માટે જે અમને અમસ્તો જ મળી ગયો હતો. મા કૃપા કર. આ શબ્દો સાથે આ પ્રયોગાત્મક નાટકીય કાવ્ય સમાપ્ત થાય છે.

ડાયસ્પોરા જીવનના ત્રિશંકુપણાનું આવું નિરૂપણ ભાગ્યે જ અન્યત્ર મળશે. ઉમા પરમેશ્વરન્‌ની કલમ તેમણે પોતે જીવેલા અને અનુભવેલા ત્રિશંકુપણાને વ્યક્તિગત ન રહેવા દેતા સાર્વત્રિક બનાવીને અહીં સબળપણે વ્યક્ત કરે છે.

ત્રિશંકુ કાવ્યની વિશેષતા તેની ટેકનિક છે. ડ્રામેટિક મોનોલોગ્સ તેમ જ પાત્ર વૈવિધ્યથી સર્જાતી નાટકીયતા આ કાવ્યના હાર્દસમા ત્રિશંકુપણાને સુપેરે ઉઘાડી આપે છે.

તા.ક.

સફળતાના શિખરે બિરાજેલ વિશ્વભરમાં વસતી ભારતીય ડાયસ્પોરિક પ્રજાના અંતરમનમાં ડોકિયું કરો તો આજે ય આ ત્રિશંકુપણું તેમના મનને કોઈ ખૂણે ઢબૂરાઈને બેઠેલું દેખાશે - તેથી જ તો ડાયસ્પોરિક સ્ટડીની આજના શિક્ષણજગતમાં આટલી બોલબાલા છે.

e.mail : [email protected]

સૌજન્ય : ‘અંતર્મનની આરસી’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 27 સપ્ટેમ્બર 2017

Category :- Diaspora / Literature