LITERATURE

જો પન્ના નાયકનો પરિચય એક જ વાક્યમાં આપવાનો હોય. તો હું કહું કે ‘પન્ના નાયક એટલે 40વર્ષની ડાયસ્પોરિક કવિતા.’

અત્યારે તો પરદેશમાં કાવ્યો, વાર્તાઓ, નિબંધો વિગેરે લખનારાં અનેક સર્જકો છે, પરંતુ પ્રારંભમાં, ચારેક દાયકા પહેલાં, અમેરિકા જઈને શરૂઆતથી જ, પોતાની લેખન પ્રવૃત્તિમાં સતત રત રહ્યાં હોય, એવી કોઈ કવયિત્રી હોય, તો એ છે પન્ના નાયક.

આમ એમનું વતન સુરત. જન્મ 28-12-1933, મુંબઈમાં. તેમની પાસે ત્રણ ત્રણ માસ્ટર ડિગ્રી છે. મુંબઈ યુનિવર્સિટિમાંથી એમણે ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ. કર્યું, ફિલાડેલ્ફિયાની ડ્રેક્સેલ યુનિવર્સિટિમાંથી લાઈબ્રેરી સાયન્સમાં એમ.એસ. કર્યું અને પેન્સિલવેનિયા યુનિવર્સિટિમાંથી સાઉથ એશિયન સ્ટડિઝમાં એમણે એમ.એસ. કર્યું. તેમણે પેન્સિલવેનિયા યુનિવર્સિટિમાં ગ્રંથપાલ તરીકે તેમ જ ગુજરાતી ભાષાનાં પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી છે.  

તેઓ અમેરિકામાં પોતાને ‘વિદેશિની’ કહીને ઓળખાવે છે. તેઓ ભારત જાય, ત્યારે પણ પોતાને વિદેશિની છું, એમ જ કહે છે. તેઓ કહે છે ‘અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું, છતાં અમેરિકા છૂટતું નથી. એટલે વિદેશિની.’ જ્યાં સુધી મુંબઈમાં હતાં, ત્યાં સુધી એમણે સાહિત્ય સર્જન કર્યું નથી. શબ્દ એમને અમેરિકામાં મળ્યો છે. એટલે જ તેઓ કહે છે કે ‘હું ફિલાડેલ્ફિયાના રસ્તા પર શબ્દનો કેમેરા લઈને ફરું છું.’  આમ અમેરિકા એમની કર્મભૂમિ છે. 

પન્નાબહેન ખૂબ વાંચે છે, અને નિયમિત લખે છે. તેઓની ચાર દાયકા લાંબી કાવ્યયાત્રામાં, તેમણે કવિતા, અછાંદસ, ગીત, હાઈકુ, ટૂંકી વાર્તા, એમ ઘણાં ઘણાં સાહિત્યસ્વરૂપમાં ખેડાણ કર્યું છે. ‘પ્રવેશ’, ‘ફિલાડેલ્ફિયા’, ‘નિસ્બત’, ‘અરસપરસ’, ‘આવનજાવન’, ‘ચેરી બ્લોસમ્સ’, ‘રંગઝરુખે’, ‘ગુલમહોરથી ડૅફોડિલ્સ’, એ એમનાં કાવ્યસંગ્રહો છે. ‘વિદેશિની’ એમની સંકલિત કવિતાનો સંગ્રહ છે. ‘અત્તર-અક્ષર’ એ હાઈકુ સંગ્રહ અને ‘ફ્લેમિંગો’ એમનો વાર્તાસંગ્રહ છે. ‘વિદેશિની’ નામે જ આવેલા આલ્બમમાં, એમનાં ગીતોની સંગીતમય રજૂઆત છે. આ ઉપરાંત, એમનાં ઘણાં નિબંધો પણ પ્રકાશિત થયા છે. એમની ઘણી કવિતાઓ - વાર્તાઓનાં અંગ્રેજીમાં અનુવાદ થયા છે, અને એમનાં ઘણાં પુસ્તકો પાઠ્યપુસ્તક તરીકે પણ સ્થાન પામ્યાં છે. 

મારે આજે વાત કરવી છે, એમનાં કાવ્યસંગ્રહ, ‘વિદેશિની’ અને હાઈકુ સંગ્રહ ‘અત્તર- અક્ષર’ વિશે.

તેમનાં સર્જનોમાં, એક ખાસ અને વિશિષ્ટ નારી સંવેદન સતત પ્રગટ થાય છે, અને તે ખૂબ જ અસ્વાદ્ય છે. એમનાં કાવ્યોમાં નારી સંવેદના જે કલાત્મક રીતે પ્રગટી છે, તે આપણા સાહિત્યમાં જુદી તરી આવે છે. કોઈ ઢાંચામાં નહીં ઢળેલાં ને છતાં ય જાણે સંપૂર્ણ કાવ્યમય, ગહન છતાં ય સરળ, અંગત છતાં ય નિખાલસ - આવી ઘણી ય ઉપમાઓ આપી શકાય, એમનાં કાવ્યોને. તેમનાં કાવ્યોમાં ખુમારી છે, વેદના અને સંવેદના છે. ક્યાંક મુલાયમ લાગણીઓ ભરપૂર ઉછાળા મારતી અનુભવી શકાય છે, તો ક્યાંક વસવસો.

આપણે એમને પૂછીએ કે તમારી કવિતામાં શું છે? તો તેઓ ખુમારીથી જવાબ આપે કે ..

એમાં પન્ના છે
ખુલ્લેખુલ્લી ..
ગમે તો સ્વીકારો
નહીં તો …

એમની કવિતાઓએ મારું ખાસ ધ્યાન ખેચ્યું છે, એમની ખૂબ ઓછાં શબ્દોમાં કાવ્ય કરવાની શૈલીએ. માત્ર 4-5 લીટી અને જૂજ શબ્દોમાં જ, એ કવિતાઓ ઘણું ઘણું કહી જાય છે. કોઈ કવિતામાં પ્રિયજનનાં આગમનની સુંદર અભિવ્યક્તિ હોય .. 

તારું આવવું -
મારી અધૂરી રચનાઓના
આડાઅવળા
અટવાતા
વેરવિખેર શબ્દોનું
અચાનક ગોઠવાઈને
અર્થસભર
કવિતા બની જવું …

તો ક્યાંક એ જ પ્રિયજનનાં સમયસર ન આવવનો વસવસો હોય ..

મારા મરણ પછી
તારા સમયસર ન આવવાની 
ફરિયાદ 
હવે હું શી રીતે કરું?
અહીં કેટલાય લોક હાજર છે 
અને 
મારા હોઠ બંધ છે !

આમ આ કવિતાઓ પ્રેમ અને વસવસા વચ્ચે લાગણીનો પૂલ બાંધતી જણાય છે. તો વળી ક્યાંક રોજ-બરોજની જિંદગીમાં મશીન થઈ ગયેલા માનવીની વાત હોય. 

મને ખબર નથી
હજી 
કેટલીય સવાર સાંજ
કેટલાંય વર્ષ 
હું 
મારી કાંડા ઘડિયાળ ને
ઑફિસની ઘડિયાળ સાથે 
મેળવ્યા કરીશ. 

આ કવિતાઓમાં તેમણે આપણી રોજ-બરોજની જિંદગીમાંથી, સાવ સામાન્ય લાગતી ઘટનાઓને, ખૂબ સરળતાથી, કાવ્યમાં ગુંથી લીધી છે અને તેથી જ તેમની કવિતા પોતાની લાગે છે. આપણે એમાં પોતાને પરોવી શકીએ છીએ. તેથી જ આ કાવ્યોનો અર્થ માત્ર કહેવાયેલા શબ્દો સુધી જ સીમિત રહેતો નથી, પરંતુ જે નથી કહેવાયા એ શબ્દોમાં વાચક એનાં અનેક અર્થ કરી શકે છે.

એમનાં અનેક કાવ્યોમાં પ્રકૃતિનું સુંદર કલ્પન પણ છે. 

ફૂલપાંદડી
ટપ ટપ ખરી -
જીરવવા એનો ભાર
નીચું નમી ગયું ઘાસ. 

કે પછી 

‘પાણી પર કાવ્ય લખતાં
કંપી ગયેલો પવનનો હાથ ..’

આ કાવ્યોનો પોતાનો એક અલગ જ મિજાજ છે. ક્યાંક ટૂંકીવાર્તાનું કેન્દ્રબિંદુ છે, તો ક્યાંક અંગત ડાયરીનું પાનું કવિતા બન્યું છે. પરંતુ પન્નાબહેનને તો કોઈ એક પાંજરામાં બંધાવું મંજૂર નથી. એટલે જ જ્યારે આપણે એમની કવિતાઓને, અંગત ડાયરી સમજવા લાગીએ, અને એની અંદર કવયિત્રીને શોધવા મથીએ, ત્યાં તો તેઓ આપણને હાથ ખેંચીને, એ પાનાંઓમાંથી બહાર ખેંચી લાવે, અને પોતાના કવિતા બહારનાં અસ્તિત્વનો અહેસાસ કરાવતાં કહે .. 

મારી કવિતામાં
પન્નાને શોધતાં 
એ વાચકો !

ઘુઘવાટા કરતાં એનાં કાવ્યોમાં

તો મળશે
છૂટાંછવાયાં મોજાં જેવી
માત્ર
ટાંચણપોથી.
જીવનની બધી વાત 
કવિતા 
નથી કહી શકતી.

આવાં અનેક નાનકડા પણ અર્થસભર કાવ્યો એમણે રચ્યાં છે. એમની આ થોડાંક જ શબ્દોમાં, અસરકારક રીતે વાત કહી દેવાની સિદ્ધિનો ખરો અનુભવ થાય છે, તેમનાં હાઈકુ સંગ્રહ ‘અત્તર-અક્ષર’માં. સુરેશ દલાલ એમનાં હાઈકુ વિષે કહે છે કે ‘આ હાઈકુ એની ચિત્રાત્મકતાને કારણે, એનાં કલ્પનને કારણે સ્પર્શી જાય એવાં છે.  ગુજરાતી કવિતાસાહિત્યમાં સ્નેહરશ્મિની પડખે જો કોઈનાં પણ હાઈકુ દમામથી બેસી શકે એવાં હોય, તો તે પન્ના નાયકનાં છે.’

એક હાઈકુ  છે.  

અમેરિકામાં
બા નથી, ક્યાંથી હોય
તુલસીક્યારો? 

આ હાઈકુમાં તુલસીક્યારો પ્રતિક છે અને પ્રતિક રૂપે છે બાની યાદ. પણ એમાં છૂપો એક વતનઝૂરાપો અને ઘરઝૂરપો છે. એક ઉનાળી બપોરની આબેહૂબ અભિવ્યક્તિ કવયિત્રી આ રીતે સામે મૂકે છે. 

બેઠા શ્વાનની
લટકતી જીભમાં 
હાંફે બપોર. 

આગઝરતી ઉનાળાની બપોર કેટલી આકરી હશે એ માટે બીજું કશું કહેવાની જરૂર રહેતી નથી. 

બીજું એક હાઈકુ છે - 

ધોધમાર તું
વરસ્યો, લીલોછમ્મ
થયો સમય

આ હાઈકુમાં પ્રણય અને મિલનની ઉત્કટ અનુભૂતિ છે. સમયનાં લીલાછમ્મ થવાની સુંદર કલ્પના છે. તો બીજા એક હાઈકુમાં જુદાઈનો ઘેરો વિષાદ ..

તારી જુદાઈ
ખૂંચે, પગ તળેના
કાંકરા જેવી

આવી અનેક સંવેદનાઓ અને કલ્પનાઓનું ઝીણું નક્શીકામ એમનાં હાઈકુમાં જોવા મળે છે. એમાં વિષયોનું ભરપૂર વૈવિધ્ય હોવા છતાં, એમાં ભારેખમ કવિતાનો બોજ વર્તાતો નથી, પણ સાવ સરળ શબ્દોમાં, એક ઊંડું સંવેદન પ્રગટે છે, જે વાચકને સીધું જ સ્પર્શી જાય છે. સત્તર અક્ષરનાં આ હાઈકુ તેમનાં સંગ્રહના નામને સાર્થક કરે છે. એક એક હાઈકુ જાણે અત્તરની સુગંધથી મહેકે છે. 

e.mail  : [email protected]

(અમેરિકી દ્વૈ સર્જક પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીના અતિથિ વિશેષપદે, 5 મે 2013ના રોજ, 'ગુજરાતી સાહિત્ય અકાદમી'ના 'અાંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ'ના અવસરે રજૂ કરાયેલું વક્તવ્ય)

Category :- Diaspora / Literature

ભરતની અછાન્દસ રચનાઓ

સુમન શાહ
26-04-2013

ગુજરાતી કવિતા-સાહિત્યમાં આજે ગઝલ લગભગ સર્વપ્રિય કાવ્યપ્રકાર છે. એટલે, લખે તો માણસ ગઝલ લખે. અહીં, જોઇ શકાય છે કે ભરત ત્રિવેદીએ પણ ગઝલ લખી છે. પણ, કોઇ આજે છાન્દસ કાવ્યો કરે ? ભલો હોય તે કરે. કોઇ અછાન્દસ કાવ્યો લખે ? અહીં, જોઇ શકાય છે કે ભરતે અછાન્દસ લખ્યાં છે. વાતાવરણમાં અછાન્દસ જ્યારે વિરલ છે ત્યારે એ દિશામાં આટઆટલી સક્રિયતા દાખવવા બદલ એને શાબાશી આપવી ઘટે છે.

ભરત સાથેનો મારો સમ્બન્ધ ૪૪-૪૫ વર્ષ જેટલો જૂનો છે. ૧૯૬૬-૭૨ દરમ્યાન હું કપડવણજમાં પ્રાધ્યાપક હતો. ત્યારે એનો વિદ્યાર્થીકાળ ચાલતો’તો. એનો આ પૂર્વેનો કાવ્યસંગ્રહ, કલમથી કાગળ સુધી ૨૦૦૪માં પ્રકાશિત થયેલો. ભરતનો આગ્રહ કે મારે એ વિશે પ્રતિભાવાત્મક કંઇક લખવું. ૨૦૦૬માં એણે લવ પોએમ્સ ટુ ધ ટાઇગ્રેસ શીર્ષકથી પોતાનાં અંગ્રેજીમાં લખાયેલાં કાવ્યોનો સંચય પ્રકાશિત કરેલો. બ્રૂક્સ હોફમન એવું કવિ-નામ ધારણ કરેલું. એ સંચય વિશે તો મારે સવિશેષ ભાવે લખવું હતું. પણ અનેક કારણે એમાનું એકે ય નહીં થઇ શકેલું. વિ-દેશવટો-ના આ પ્રકાશન-પ્રસંગે એનો એવો જ આગ્રહ; બલકે આગ્રહ અદકેરો ય ખરો –એ રીતે કે, મારે એની આખેઆખી હસ્તપ્રત જોઇ જવી ને ન-કામી રચનાઓ પર ચૉકડા મારવા. મારા સ્વભાવ વિરુધ્ધની વાત. એવું કામ હું કરું નહીં ને અગાઉ કોઇએ કરાવ્યું ય નથી. એટલે પછી મેં માત્ર એ બી સી ડી એમ ગ્રેડેશન કર્યું. કહ્યું કે જે રચનાઓને રદ્દ કરવી હોય તેને તું રદ્દ કર, હું નહીં કરું. અનેક રચનાઓને ફટાફટ ડીલીટ કરતો હું એને જોતો’તો ત્યારે એ હસતો’તો ને મારાથી પણ સ્મિત થઇ જતું’તું. છતાં એની એ નિર્મમતાની મનમાં નોંધ લેવાયા કરતી’તી. એની એવી નિષ્ઠા પણ શાબાશીને પાત્ર ગણાય.

સૌ જાણે છે કે છાન્દસ અને ગઝલ બન્નેમાં બંધારણનું રચનાકારને બન્ધન છે. એથી લાભ એ છે કે બન્નેમાં કંઇ નહીં તો લયનું એક બાહ્ય માળખું તો મળી રહે છે. જ્યારે અછાન્દસમાં દેખીતું કશું જ બન્ધન નથી. ને તેથી એ માટેનું કશું લાગલું જ મળી રહે એમ બનતું નથી. રચનાકારે, સમજો કે કાવ્યવસ્તુ સિવાયનું બધું જ મેળવવું રહે છે. ઘણી વાર તો એ પણ રચનાપ્રક્રિયા દરમ્યાન જડતું હોય છે. અછાન્દસકારે ખાસ તો રચનાને અનુરૂપ લય પ્રગટાવવો રહે છે, એટલે કે, સમુચિત કાવ્યમાધ્યમ. લઘુ-ગુરુ કે રદીફ-કાફિયાની નિયત વ્યવસ્થાથી આમ જ પ્રગટતી કાવ્યબાનીની સગવડ અછાન્દસમાં નથી. એટલે, અછાન્દસમાં બાની પણ સ્વયંભૂ અને તેથી કઠિન બાબત. રચનાએ રચનાએ બાનીનો આગવો લહેજો પ્રગટે એવું વિલક્ષણ કવિકર્મ. સૉનેટ કે મુક્તકમાં ક્યાં વળ-વળાંક લેવાના કે ચોટ સાધવાની એ નક્કી હોય. ખાસ તો એમાં પંક્તિઓની સંખ્યા નક્કી હોય. બન્ને કાવ્યપ્રકારની એ અનિવાર્ય શરતો. પણ અહીં, એવું કોઇ માપ કે કદ પૂર્વનિયત નહીં. ઘણીવાર તો એવું લાગે, અછાન્દસ રચના કવિની મરજીએ પૂરી થઇ ! કોઇપણ કાવ્યરચનામાં વસ્તુ, માધ્યમ, બાની કે કાવ્યપ્રકાર મુખ્ય પરિમાણો છે. પણ અછાન્દસમાં એ ચારેયને વિશે રચનાકાર, આ પ્રકારે, મુક્ત છે. આમ હોય તો જ હા, નહીં તો ના –એવી અહીં હઠ નથી. ભાસે કે કશું પણ અવિનાભાવી નથી. ટૂંકમાં, અછાન્દસ એટલે, સમજો, મુક્તિધામ !

જો કે એટલે જ એમાં સર્જકતાની ભારોભારની કસોટી. એટલે જ એમાં એના પરીક્ષક સમીક્ષકની પણ કસોટી. જોકે એટલે જ એમાં માઠાં પરિણામોની શક્યતા પણ એટલી જ ચોક્ક્સ ! એટલે જ એમાં પરીક્ષા અને સમીક્ષા બાબતે સ્વૈરવિહારની સગવડ પણ એટલી જ ચોક્કસ !

હવે, અછાન્દસ જો મુક્તિધામ છે, તો પ્રત્યેક રચનાને પણ અગાઉની રચનાથી મુક્ત ધારવી રહે. પરીક્ષા-સમીક્ષાએ નીકળેલા અધ્યાપકો કે વિવેચકો સામાન્યપણે નીવડેલી રચનાઓને આદર્શ ગણીને ચાલતા હોય છે. માપવા-જોખવાનાં ધોરણો પણ એમાંથી જ સારવતા હોય છે. દાખલા તરીકે, કોઇ ખણ્ડકાવ્ય લઇને આવે તો એની મુલવણી કવિ કાન્તના મૂલ્યે થાય. અછાન્દસ લઇને આવે તો એની મુલવણી લાભશંકર ઠાકરના મૂલ્યે થાય. સવાલ એ છે કે અછાન્દસ જો મુક્તિધામ છે, ને પ્રત્યેક રચના પણ જો એક મુક્ત વસ્તુ છે, તો એનાં માપિયાં એવાં પૂર્વકાલીન શી રીતે ચાલે ? જે-તે કવિના દૃષ્ટાન્તે વિવેચકે એને પણ ઉપજાવવાં પડે કે નહીં ? છાન્દસ કવિતાની રૂઢ પરમ્પરાથી અછાન્દસે છેડો ફાડ્યો તે સારી વાત છે. પણ એથી એના મૂલ્યાંકન બાબતે આ જાતનો મુશ્કેલ સવાલ ખડો થયેલો છે.

ભરતની રચનાઓ જોતાં મારું આ મન્તવ્ય ફરી વાર દૃઢ થયું. કેમકે એની આ રચનાઓ અછાન્દસની જાણીતી પરમ્પરામાં નથી. વસ્તુ અને તેના રૂપ અંગેનો ભરતનો વ્યવહાર સાવ નિજી છે. એની એકથી વધુ રચનાઓનો, જેને આપણે પુદ્ગલ કહેવા ટેવાયા છીએ, તે પિણ્ડ નથી બંધાયો. સળંગ લયવિધાન બાબતે પણ એ એટલી બધી સભાનતા નથી દાખવતો. એ એવી કોઇ માન્યતા સાથે પણ નથી વર્તતો કે કોઇ-ને-કોઇ પ્રકારે વાચકને આનન્દ તો મળવો જોઇએ. આ ઉપરાન્તની બાબતો પણ છે : ભરત વરસોથી અમેરિકામાં વસે છે. વિ-દેશવટો ભોગવે છે –દેશવટો ખરો, પણ વિશિષ્ટ. સાહિત્ય બાબતે પણ વિશિષ્ટ. એટલે એને આપણા સાહિત્યિક વાતાવરણની, એમાં જાગેલા-શમેલા વા કે વંટોળની ખબર નથી. એને ઉત્તમ ગણાયેલાં સર્જન કે તેનાં વિવેચનોની પણ ખાસ જાણ નથી. વરસોના વિ-દેશવટાથી એનું ગુજરાતી નંદવાયું છે. પણ સાથોસાથ, કાવ્યભાષા ગુજરાતીને એ નથી ભૂલ્યો. હું એનો ૧૯૮૯માં પ્રકાશિત પહેલો કાવ્યસંગ્રહ હસ્તરેખાનાં વમળ જોવા નથી પામ્યો. છતાં, આ સંગ્રહ જોતાં, મને કલ્પના આવે છે કે અછાન્દસ અને ગઝલને માટેની લગન એને લાગેલી છે, બલકે, સાતમા-આઠમા દાયકાના આપણા એ ઉન્મેષોની ભુરકી, એના પર જરૂર છવાયેલી છે. વિ-દેશવટો-ની અનેક રચનાઓમાં એને આપણા મનહર મોદી, લાભશંકર ઠાકર, આદિલ મન્સૂરી, સુરેશ જોષી, વિનોદ જોશી વગેરે કવિઓની કાવ્યપંક્તિઓનાં સ્મરણો થઇ આવે છે. એમને સહારે પોતાની રચનાને ભરત વિકસાવવા કરે છે, હસી લે છે કે વ્યંગ કરી લે છે. એનામાં નાના કે મોટા કોઇ પણ લેખકમાં હોય એ સર્જક-ફાંકો પણ છે. લેખનને માટેની ઉદ્યમ વૃત્તિ પણ છે, બલકે એ અવિરત પ્રવૃત્તિએ પળેલો જીવ છે –મને કહે, સુમનભાઇ, કાવ્યો હું રોજજે લખું છું…! મેં કહ્યું, હવે પછી દસે એક કરજો…

ભરતે અંગ્રેજીમાં જે રચનાઓ કરી તે એના સ્પ્રિન્ગફીલ્ડ-વસવાટ દરમ્યાન એને મળેલા અમેરિકન કવિમિત્રોના સાથ-સંગાથમાં કરી. મારું માનવું છે કે એ સમયગાળામાં એને કાવ્યકૃતિની અમુક જુદી જ કોટિનું ભાન થયું છે. એમાં ત્રણ બાબતો મને ખાસ બની દેખાય છે :૧: રચના સીધી-સાદી સરળ પણ હોય :૨: રચનામાં ચાન્સનો આશ્રય પણ કરાયો હોય :૩: રચનામાં ડાયસ્પોરિક વગેરે ભાવ-ભાવનાત્મક કથાનકની ગૂંથણી પણ હોય.
આ ત્રણેય બાબતોનો મૂળેરો સમ્બન્ધ સર્જકતા સાથે છે. સર્જકતાએ પલાણેલો જણ સાહસે ચડેલો જીવ હોય છે. અને તેથી સામાન્યપણે એને ખબર નથી હોતી કે પોતે ક્યારે અતિ સાહસિક થઇ ગયો. ને એટલે એ, કિંચિત્ કથા માંડી લે છે –જાણે પોરો ખાવા. પણ નોંધવું જોઇએ કે એ ત્રણેયના એવા દરેક રચના-પ્રસંગના ન વરતાતા લાભાલાભ હોય છે. આ તમામનો સગોત્ર સમ્બન્ધ આપણી અછાન્દસ પ્રણાલિકા સાથે પણ છે. અને ખાસ તો આ તમામથી સરજાતી જમીન પર વિ-દેશવટો-ની સૃષ્ટિ ઊભી છે. તેની લગભગ બધી લાક્ષણિકતાઓની તે જનની છે : બલકે, એ જમીન વિ-દેશવટો-ની પરીક્ષા-સમીક્ષા માટે મને ઉપયુક્ત જણાઇ છે. આ ‘આમુખ’-સ્વરૂપ લેખમાં ઉક્ત ત્રણેય બાબતોનું દૃષ્ટાન્તો લઇ થોડું વિવરણ કરું : સ્થળસંકોચને કારણે અમુક દૃષ્ટાન્તની જ વાત કરીશ.

સામાન્યપણે કવિઓ રચનામાં પ્રારમ્ભ મધ્ય અને નિર્વહણ જેવા તબક્કાઓનું ધ્યાન રાખતા હોય છે. ખાસ તો તે માટે ઘાટઘૂંટનો અથવા તો નક્શીનું અચરજ અનુભવાય તે માટેની કોતરણીનો આશ્રય કરતા હોય છે. અહીં એમ જોવાય કે એવી કોઇપણ જુક્તિનો એવો કોઇ મહિમા નથી. એને સ્થાને, રચનાને લઘુક રખાઇ છે અને સીધા-સાદા લેબાશમાં મૂકી દેવાઇ છે. દાખલો આપું : પૂર્વોક્ત અંગ્રેજી સંચયમાં ઑરેન્જીસ નામની એક લઘુક રચના આમ છે : ઑરેન્જીસ / ઇન ગ્રીન બાઉલ્સ / લીવ લાસ્ટિન્ગ ઇમ્પ્રેશન્સ / લાઇક પોએમ્સ. // પોએમ્સ / રીટન ઑન ઑરેન્જીસ / સ્ટાર્ટ ટુ ફેડ ઍટ સનસૅટ : કાવ્યો અને નારંગીઓનાં પરિણામોની આ અવળસવળ થતી જીવન્ત ભાતમાં, લાઇવ પૅટર્નમાં, કાવ્યત્વ છે –અને એમ કહેવાની જરૂર પણ રહેતી નથી.

વિ-દેશવટો-માં ભરતે આ જ રચનાને ગુજરાતીમાં નારંગી  શીર્ષકથી મૂકી છે. પણ એમાંની ઇશ્વર, કવિતાની પરખ, સર્જન, માનો ફોટોગ્રાફ, અને, ગ્રેહાઉંડ રચનાઓ તપાસો. દરેક રચના લઘુક છે અને દરેકને કાવ્યત્વ મળે તેવી તેમાં સાદગી છે. ઇશ્વર રચના એક જ વાક્યની બની છે : પાસેના  ઝાડની  ડાળીએથી   / ઊંધા માથે  /  લટકી  / કોઇ અવાવરુ કૂવાની અંદર દેખાતો  / ચાંદ  / એક હાથે પકડીને  / લેવા મથતા  / તેને એમ કે અહીં / તો કોણ જોવાનું છે !  ચાંદને ઇશ્વર માનતાં મોટી ભૂલ ન થાય, પણ દૃષ્ટાની કરુણ ભાસતી સાહસિકતાનું તો કહેવું જ શું ! નાયકને બૅક્યાર્ડમાં  / સવારના તડકે / કમાન જેવી વળેલી / પડોશીના ગ્રેહાઉંડ ડૉગની સોનેરી કાયા છલાંગો ભરતી જોવા મળે છે, ને એને ગાંડીવનો ટંકાર / આખા કુરુક્ષેત્રમાં છવાતો સંભળાય છે. રચનાકારની એવી છલાંગ વિચારપ્રેરક છે. સર્જન રચના વધારે સાદી લાગે, જો એને કવિતાની પરખ સાથે મૂકવામાં આવે. કવિતાની પરખ કરનારને અહીં કહેવાયું છે કે ચુપચાપ તેની પાસે / પહોંચી જવાનું, ને / પકડી લેવાની // કોઇ અણીદાર  સોય લઇને / તેની બેઠક પર ઘોંચી દેવાની / જો તે સામી બાટકે તો / સાચી કવિતા // બાકી તો  –આપણને સવાલ થાય, બાકી તો શું ? સામો સવાલ કરે છે : બાકી તો નમાલી માછલીનું / માછીમાર શું કરતો હોય છે ? માછલીના નિર્દેશથી કવિતાના સાગર કે નદી સમા પેટાળનો ખયાલ ઊપસી આવે છે અને થાય છે કે માછીમારની નિર્મમતા દરેક કવિ પાસે હોય તો કેવું સારું…

સંગ્રહમાં, કેટલીક એવી રચનાઓ પણ છે જેની આવી જ લાક્ષણિકતાઓ છે, પણ, કદમાં તે લઘુક નથી : ખેડૂત, એક ગાયની સ્વગતોક્તિ, અગાસી, બારી બહાર-, એક સફેદ ગાય, સાંજને રસ્તે, વગેરે. પ્રાસ-રચનાએ આકર્ષક બનેલી રચના, ગાડી લઇ લો, વાડી લઇ લો-માં નાયક એ બે ઉપરાન્ત એના ડૉલર લઇ લેવાનું ય કહે છે; પણ માગે છે શું ? જો આપો તો લાવી આપો, / ગામ-ગલી-ઘર મારાં. વિદેશમાં, આંખ ખૂલતાં રોજ સવારે એ સપનું આવે ખરું, પણ, સમજાય નહીં કે વેશ ધરી મળતા લોકોમાં / કોણ પરાયું અપનું. છેવટે થાય, સાંજ પડી આ ટોળામાં / પણ મળ્યું નહીં જણ ખપનું. વિદેશવાસની અનેક વિષમતાઓમાં શ્રેષ્ઠ તો આ છે : હેલ્લો કહેતા પાડોશી  /  પણ બાંધે ઊંચી વાડો…પ્રતીક્ષા-૧-રચનામાં, ડોસી આંગણામાં / ખાટલો ઢાળીને સૂતી છે… મનને કોરી ખાય છે / એક કાગડો / વહેલી સવારે આવીને…ક્રાઉં ક્રાઉં કરતો રહે…બપ્પોર સુધી…પછી, ટપાલી પણ આજકાલ / ઘર છોડીને આગળ નીકળી જાય છે, ને / છેલ્લી ટ્રેન તો રાત્રે છેક નવ વાગે આવે…ડોસી વિચારે છે કે, હવે ફાનસ ઓલવી નાખું ? ડોસીની પ્રતીક્ષાનો એવો નિરાશાભર્યો અન્ત આવ્યો, પણ વાચકના કાવ્ય-કુતૂહલનું તો સ-રસ શમન થયું…

બીજી બાબત એ કે ઇરાદાપૂર્વકની કે ઇરાદા વગરની ભાષિક અથડામણોના રસ્તે જતાં, આંચકા કે ઉલાળિયાંથી, કશોક કાવ્યચમકાર કરાય તો કરી શકાય છે. બને કે ચમકાર જે જગ્યાએથી પ્રગટ્યો તે જગાએ પાછો ફરીને વાચક કશુંક લાભી શકે તો લાભી શકે છે. મતલબ, ચાન્સ અહીં ચાલકબળ છે. દાખલો આપું : એ અંગ્રેજી સંચયમાં ટાઇગર્સ ટેઇલ નામની એક રચના છે : બારીમાંથી કૂદીને આવેલા વાઘના પુચ્છને અનુસરવાની વાત કરતાં નાયકે કહ્યું : યુ કૅન ફૉલો ઇટ્સ ટેઇલ / લાઇક ઍન ઍરો ઇન ધ ડાર્ક. પણ પછી આંચકો આપતાં આમ કહ્યું : યુ કૅન ઑલ્સો ગ્રોપ / ઇન ધ ડાર્ક … પણ કેવી રીતે ? તો કે– લાઇક ઍલિફન્ટ્સ / ઑન ધ થર્ડ શિફ્ટ ઇન બર્મા…! છેલ્લે, ઉલાળિયું કરતાં, બારીમાંથી કૂદી આવેલા એ વાઘને એના પુચ્છ સમેત જંગલમાં પાછો મોકલી દીધો, પણ પુચ્છ તો કાવ્યની રીતે બ્રશ બની ગયું ! શું  ચીતરે છે ? ધ ટાઇગર્સ ટેઇલ ડ્રૉઝ / પિક્ચર્સ ઓવ ધ અન્ટૅમ્ડ જંગલ …

વિ-દેશવટો-માં, આ લક્ષણો સૂચવતી અનેક રચનાઓ છે : કીડી, કેટલા ટકા ?, સ્વપ્ન, બત્રીસ કોઠા વાવ, વડોદરાના એક વૃક્ષ હેઠળ-, વરસોવરસ લખાશે ગીત-, વતનમાં સંધ્યા,  ભ્રષ્ટાચાર, વગેરે. પણ, નથી ઊતરતો આ પડછાયો / કેમ કરી ખભેથી મારા  જેવા આકર્ષક ઉપાડથી શરૂ થયેલી રચના ઓ રે પિયા, મોરે પિયા-માં, કવિ હું કહું છું એવા અતિ સાહસે ચડ્યા જણાશે. વિશાળ ખભે બેસાડાયેલી સ્ત્રી, કિશન મુરાર, દાદાનો ડંગોરો, સીમ, ભીડ, મસ્જિદ, વડોદરાના વડલા, મહેલો મેં રહનેવાલી તું –વગેરે અનેક આંચકાભરી ચડ-ઊતરમાં પડછાયાને ઘણીક વીંઝામણ થાય છે એ ગમી જાય એવું છે, પણ, તેની સાથે ને સાથે એ તમામ ચાન્સ તત્ત્વોને સમજવામાં રચના મુશ્કેલ પણ એટલી જ થતી જાય છે. તુલનાએ, હેષા અને સમય- રચનાઓ સંયત રહી છે. સમય-માં, સવારથી સાંજ લગીના પટમાં સમયને જુદી જુદી રીતે રૂપાન્તરિત કર્યો છે. સવારે એ તડકાની માફક અંદર આવી જાય છે / બંધ બારીના પારદર્શક / કાચ પર / લપસે છે ભીનું ભીનું…પછી સરસ પૂછ્યું કે પણ તેની સામે જોતાં બેસી રહેવાય ખરું…કેમકે રોડ પર કારોની વણજાર હાઇસો હાઇસો કરતી નીકળી હોય…કોણ જાણે કેટલીયે કારો મોતના કૂવા જેવી સડકોની આંટીઘૂંટીમાં અટવાઇ પડતી હોય…બપોર પંખા નીચે કણસતી હોય, પવન વાંદરાની જેમ હૂપાહૂપ કરી જતો હોય, હાથની છાજલી કરીને આથમણે તાકતાં શું દેખાય ? નમતા સૂરજ પર છવાઇ જવા ઊડતી અધીરી રેતી. કેવી ? દરિયાનાં મોજાં જેવી. દિવસ આખો નાયકને કોઇ વેરાન ગલીના નાકે આવેલા લૅમ્પ-પોસ્ટ જેવો નવરો તો લાગે છે પણ ઑર્ડર મળવાની વાટ જોતા / હોટલના વેઇટર જેવો પણ લાગે છે –જે પાછો ગરદન ઝુકાવીને ખડો છે. સમયને મૂર્ત કરતી આ દૃશ્યાવલિ ઠીક આસ્વાદ્ય રહી છે.

ત્રીજી વસ્તુ એ કે અનેક રચનાઓમાં આછુંઅમથું કથાનક ગૂંથાય છે. કશીક સ્મૃતિશેષ અને વતનકાલીન ભાવભાવના. ડાયસ્પોરિક કહેવાતી મનોસૃષ્ટિ. ઘાટઘૂંટની ગેરહાજરીને લીધે મળનારી પાતળી સાદગીનો એને લાભ મળે છે. તો, આંચકા-ઉલાળિયાંની હાજરીને લીધે મળનારી આછોતરી સંકુલતાનો ય એને લાભ મળે છે. એ જ સંચયમાંથી દાખલો આપું : ઑન ધ મૅમરી લેન નામની રચનામાં કથનકાર કહે છે કે અમે બધા ભાઇબન્ધો નાના હતા ત્યારે ઉનાળાની બપોરો નદીકિનારે ગાળતા, પણ નદીકિનારો કેવો ? તો કે– વ્હૅર ધ ગ્રેટ ગ્રે રૉક્સ / લિફ્ટ ધૅર હેડ્ઝ લાઇક ક્રૉકોડાઇલ્સ. એ નદી તે નર્મદા. ધોવાનાં કપડાંના ગાંસડા ગધેડાં પર લઇ ધોબી આવતા, તેથી ત્યાં, ધોબીઘાટ. એ લોકો કપડાં ધોવામાં વ્યસ્ત હોય ત્યારે શું થતું ? કહે છે : વ્હૅન ક્લીનર્સ વેર બિઝી / હૅન્ગિન્ગ વૉશ્ડ ક્લોથ્સ ઑન રોપ્સ / લાઇક ડ્રાય ફિશીઝ / ડૉન્કીઝ સ્કૅટર્ડ / ટુ ગ્રેઝ ઇન ઓપન ફીલ્ડ્ઝ…સૂકવેલાં કપડાં તે સૂકાં માછલાં; અને એની જોડે ? ડૉન્કીઝ સ્કૅટર્ડ / ટુ ગ્રેઝ ઇન ઓપન ફીલ્ડ્ઝ-નું દૃશ્ય. આ વૈચિત્ર્ય રચનાને મનનીય બનાવે છે. ટૅલ મી ત્રિષ્ણા નામની એક બીજી રચનામાં નાયકે ત્રિષ્ણાને એમનું મિલન યાદ કરાવતાં આમ કહ્યું છે : ત્રિષ્ણા ! / વી મેટ ઇન ધ ઍલી / બીહાઇન્ડ ધ પૉર્નો શોપ / વ્હૅન યુ વેર લૂકિન્ગ ફૉર યૉર સિસ્ટર. પૉર્નો શોપ અને સિસ્ટર –જેવો વિષમ યોગ રચનામાં દૃઢ થાય છે જ્યારે નાયક પોતાની ઓમ્-ને વિશેની વાર્તા જોડે છે ! કહે છે : ઑલ ઑફ અ સડન / ઇટ અકર્ડ ટુ મી ધૅટ / આઇ વૉઝ લૂકિન્ગ ફૉર ધૅટ ઓમ્  / સિન્સ ધ ચાઇલ્ડહૂડ / બટ આઇ ગૉટ લૉસ્ટ ઇન ધ કન્ટ્રી ફૅર, ઍન્ડ / ધ પીપલ આર ચેન્જિન્ગ ધૅર માસ્ક્સ / સો ફ્રીક્વન્ટલિ. નાયક કાફ્કા-કામૂ અને બુદ્ધને ચિન્તવતો હોય છે ત્યારે એની આ ત્રિષ્ણા ચ્યુઇન્ગ-ગમ ચાવવામાં વ્યસ્ત હોય છે ! ત્રિષ્ણા મૂળે તો તૃષ્ણા છે અને તેનો ભારતીય સંદર્ભ નામનો જ નથી એ સૌ જાણે છે.

વિ-દેશવટો-માં, આ લક્ષણ સૂચવતી અનેક રચનાઓ મળશે. કવિ અને કાગડો, ઇશ્વરને ઘેર જઇ આવ્યો-, પશાકાકા, એક ચકલી, નાથદ્વારા, અગાસી વગરેમાં ગૂંથાયેલાં કથાનકો અતીતરાગ અને વિદેશ-લગાવની સંમિશ્ર ભાતમાં તપાસવાં જેવાં છે. આ વાતના દાખલા જેવી રચના અવાંતર-માં, જેને સૅટલ થયા કહે છે એવો થતાં નાયક, ગલુડિયામાંથી ટાઇગર તો થઇ ગયો છે, પણ અસલમાં તો પોતે સાલ્લો વાઘ-બકરી ચ્હાની ચુસ્કીઓ લેનારો દેસીભાઇ છે ! એને શિકાગો યાદ હોય પણ રાતેય સુરસાગરને / લેકશોરમાં પલટવા પડખાં  બદલ્યા કરે કે પછી એને લેકશોરમાં સુરસાગર જોવા મથતો કોઇ દેસી ભટકાય. બને કે બન્ને એ-ના-એ હોય ! ભરતના કાવ્યનાયકને વડોદરા રચનામાં, કાલા-ઘોડા, વિશ્વામિત્રી ને ગાયકવાડી મહેલ વગેરેની નિ:સાર યાદ સતાવે છે. પણ છેલ્લે એ એમ કહે છે કે, હવે તો થાય છે કે / બચેલું એકાદ વટવૃક્ષ / નજરે ચડી જાય તો બસ / તેની હેઠળ આસન જમાવી બેસી જાઉં. જાણીતું છે કે એ વટપ્રદ શહેરમાં હવે વડ ઝાઝા નથી બચ્યા ! વર્ષો પછી વતનમાં જતાં રચનામાં, નાયકને ખડની જેમ વધતી વસતીમાં પૂર્વજો નામે ખોરડું આજેય ઊભું જણાયું છે. મારા પછી રચનામાં, વડવાઓના મકાનને પોતાના મર્યા પછી ઉતારી લેવડાવજો એમ કહીને નાયકે પોતાના એ ઘરઝુરાપાને ચિરંજીવી કરી મૂક્યો જણાશે. પણ અમેરિકા-નિવાસ ભરત પાસે સ્પ્રિન્ગફીલ્ડ અને ફોલીનબ્રુકનું મારું મકાન એવી બે રચનાઓ કરાવે છે. સ્પ્રિન્ગફીલ્ડ, શહેરનું એ નામ, એના નાયકને છેતરામણું અને ઠગતું રહેતું લાગે છે. કેમકે હિમછાયાં મકાનો અને રસ્તા પાસે લીલાંછમ ખેતરો શી રીતે હોય ? વસંતો પિકનિક પાર્કમાં; અને ફૂલો બાબતે શું ? તો કે– ફૂલો પાસે / કર વસૂલ કરતા / ભમરા જેવી યાદો, ગોળ ગોળ ફેરવતા હાથની રેખાઓ જેવા રસ્તા, હાથી જેવી ટ્કો  –વગરે એને રસ્તાની એક તરફ હડસેલી મૂકે છે, ને એ આંખો ચોળતો ઊભો રહી જાય છે. પોતાને એ કેવો લાગે છે ? ઘરનો રસ્તો ભૂલેલા / મુસાફર જેવો. વિન્ટર અને હું રચનામાં સ્નો-આચ્છાદિત પરિવેશનું અંકન છે. વતનમાં સંધ્યા-માં, વતનની સન્ધ્યાને બરાબર યાદ કરી લીધી છે. પણ તડકો-માં, નાયકનું પીડાકારી નિરીક્ષણ એમ છે કે કૅલેન્ડરમાં વસન્તનું આગમન લખાયેલું છે, તો પછી / મારા આ આંગણામાં હજી સ્નોના ઢગલા શા કારણે પથરાયેલા પડ્યા છે– ? નાયકને ફોલીનબ્રુકમાં લીધેલા મકાન અને ગુલબાઇ ટેકરા વચ્ચે એક બસ દોડ્યા કરતી લાગે છે ! મને થાય છે, આ બસ ભરતને એની આ પ્રકારની અનેક રચનાઓમાં સુખદ-દુખદ આવ-જા કરાવ્યા જ કરે છે…

ભરતે એક ડાયસ્પોરા કવિતા નામે, એક દીર્ઘ રચના કરી છે. તેને પણ આમાં ઉમેરી શકાય. વિદેશમાં જેમ સંકડામણો અનુભવાય તેમ મૉકળાશો પણ અનુભવાય. સંદર્ભ ડિશ-વૉશર મશિનનો છે. નાયક કહે છે, વાસણ થઇ ગયાની / વ્હીસલ વાગે / ને ગરમાગરમ વાસણ / હાથરૂમાલ વડે લૂછવા જતાં / કિચન કેબિનેટમાં / ગોઠવી દીધા પછી મળતી / મોકળાશ / શબ્દોમાં વ્યક્ત કરવી અઘરી હોય છે // ક્યારેક / તે વાત મારા જેવા બેવતનીઓ / સારી રીતે સમજતા હોય છે, પણ / કહે કોને ને કેવી રીતે ? કેમકે, વાત એ રીતે ફંટાઇ છે, કે બધા કવિ નથી હોતા ! ને વળી આવી ન જેવી વાતની કવિતા તે કરાય ? તો, કોને વિશે કરાય કહેતાં, મા-બાપને યાદ કર્યાં છે : માના ચહેરા પરની કરચલીઓની અને બળદ બનીને હળ ખેંચતા બાપની, એવા ઓલ્ડ મૅનની કરાય. વિદેશ વસતા (સાહિત્યકાર કે) કવિજન માટે આ પ્રશ્ન પાયાનો બને કે કવિતા કરાય તો કોની કરાય. કવિતા રચનામાં, પોતે કવિતા લખવા બેસે કે તરત જ તે પણ પોતાની રમત શરૂ કરી દે છે, એમ કહીને કહ્યું છે, હું લખવા મથું આકાશ વિશે તો / તે લખાવે છે લીલાંછમ ખેતરો વિશે / હું આંખો તાણીને નજર માંડું ક્ષિતિજની પેલી પાર / ત્યારે તે સામે અરીસો ધરી દે છે ! કવિઓ કવિતાને લખે છે કે કવિતા એઓને લખે છે નામની એક બહુ મોટી વાત અહીં સરળતાથી કહી દેવાઇ છે. કવિ માણસની અળવીતરાઇની પણ ભરતને ખબર છે : કવિ રચનામાં કહે છે, કવિ સૂરજ સામે આઇનો ધરે છે / ને અજાણ્યો થઇને / આખા નગરમાં ફરે છે / જતાં આવતાં ફૂલોને / રસ્તા પૂછે છે / પુસ્તકાલયમાં / પુસ્તકો છોડીને / ચહેરા વાંચે છે ને / રમતાં બાળકોનાં ખિસ્સામાં / મુઠ્ઠી લઇ તડકો ભરે છે. વગેરે.

છતાં, વિ-દેશવટો-ની સમગ્ર કવિતાને હું એક જુદા જ દૃષ્ટાન્ત રૂપે જોઉં છું : વિદેશવસવાટથી સંભવ છે કે જીવન ખારું લાગે, ન પણ લાગે; સારું લાગે, ન પણ લાગે. વિદેશવસવાટનો અતીતરાગ અને વિદેશ-લગાવ સાથેનો એવો દ્વિવિધ સમ્બન્ધ હવે બહુ જાણીતો છે. એ સંવેદનાને વાચા આપતી વાર્તાઓનું કે એવી કાવ્યકૃતિઓનું મૂલ્ય પણ હવે ઘણી ચવાઇ ચૂકેલી વસ્તુ છે. પણ એથી ભરત ત્રિવેદી જેવી વ્યક્તિને કાવ્ય કે લેખન માત્ર બનાવટ ભાસે, આગળ વધતાં, પોતાની સર્જકતા કે લેખન ચ્હૅરાઇ ગયેલાં, ખોડાઇ ગયેલાં, કે વંઠી ગયેલાં લાગે, એ ઘાતક સંવેદનને હું રેખાન્કિત કરવા ચાહું છું, એટલે કે, વધારે ધ્યાનપાત્ર ગણું છું. એ સંવેદનનું બીજું નામ છે, સ્વકીય કવિતાની સંભવિતતા અને તેની સાર્થકતાને વિશેનો પ્રશ્નાર્થ. જાણે એ ભરતનો સ્થાયી ભાવ છે. કલમથી કાગળ સુધી-માં એ છે અને અહીં ચાલુ છે. જુદી જુદી રીતે ઘુંટાયા કરે છે. નોંધવા સરખું એ છે કે એ મનોભાવને એણે કાવ્યશબ્દમાં વ્યક્ત કર્યો છે.  કવિતાની કળા નામની રચનામાં કહે છે : કશું જ નહીં / કલમ અને કાગળ હાથવગાં હોય છે / ને / પંખી નીકળી પડે તેમ / નીકળી પડું છું / કોરા કાગળના અંતરીક્ષમાં  / ક્ષિતિજની સીમાઓને / આંબી જવાના મનસૂબા સાથે…હું આશા રાખું છું કે આ ભરત ત્રિવેદી નામના વિ-દેશી પંખીના એ મનસૂબા ફળે…

(ભરત ત્રિવેદીના તાજેતરમાં પ્રકાશિત ‘વિ-દેશવટો’ કાવ્યસંગ્રહનો આમુખ)

સૌજન્ય : http://www.sumanshah.com/2012/08/18/ભરતની-અછાન્દસ-રચનાઓ/

Category :- Diaspora / Literature