LITERATURE

वादे वादे जायते तत्त्वबोध:

મધુસૂદન કાપડિયા
04-09-2013

પ્રિય મિત્ર કિશોરભાઈ *

“ગુર્જરી”ના ‘મધુસૂદન કાપડિયા ગૌરવ અંક’થી આશ્ચર્યમુગ્ધ અને સ્તબ્ધ. થોડીક પળો તો થયું કે આ સાચું છે કે સપનું છે? स्वप्नो नु माया नु मतिभ्रमो नु । થયું કે આ મારા માનમાં commemorative અંક હશે, મરણોત્તર પ્રકાશન હશે. શિષ્ટાચાર એવો છે કે મૃત વ્યક્તિના ગુણોનું જ સંકીર્તન થાય, એમાં થોડીક અતિશયોક્તિ પણ ઇષ્ટ ગણાય, ત્રુટિઓ-મર્યાદાઓની ઉપેક્ષા થાય. પણ પછી પન્ના, નટવર ગાંધી, આર. પી.ની ટીકા વાંચીને શ્વાસ હેઠો બેઠો કે ના, હું જીવું છું ખરો. ભલા માણસ, વિશેષાંક ઉમાશંકરનો હોય, સુરેશ જોષીનો હોય, મધુસૂદન કાપડિયા કિસ ચીડિયા કા નામ હૈ? મારું આવું ગૌરવ કરવા માટે અને ‘સંપાદકીય’માં મારા અને મારા પુસ્તક વિશે આટલું ઉમળકાભેર લખવા માટે હું તમારો ઋણી છું.

----------------------------------

* “ગુર્જરી”ના જુલાઈ 2011ના અંકમાં મારા પુસ્તકનાં ટીકાટિપ્પણોના પ્રતિભાવ રૂપે અા લેખ લખાયેલો તેથી તેનું સ્વરૂપ મૂળ રૂપે જ રાખ્યું છે.

કિશોરભાઈના શબ્દોથી જ શરૂઆત કરીએ :

‘ગુજરાતી લિટરરી એકેડેમીએ જૂન 11, 2011ના દિવસે આ પુસ્તક વિશે વિચાર-વિમર્શ કરવા એક સમારંભ યોજ્યો હતો. કાપડિયાનું આ પુસ્તક હતું – એમનો પ્રસંગ હતો. એમાં માત્ર પોતાની પ્રશંસા થાય એ રીતના કાર્યક્રમની ગોઠવણ તેઓ કરી શક્યા હોત. પણ એમણે પુસ્તકમાં સમાવેલ કેટલાક સર્જકોના પ્રતિભાવો માટે પ્લેટફોર્મ ખુલ્લું રાખીને તેમને પણ સંવાદમાં સામેલ કર્યા. પરિણામે એક મહત્ત્વપૂર્ણ પ્રથાનો આરંભ થયો. ખેલદિલીપૂર્વક ચર્ચાઓ થઈ, સૌએ પોતાના મુદ્દાઓ રજૂ કર્યા. આ સમગ્ર ચર્ચાઓ અને તેમણે રજૂ કરેલા મુદ્દાઓ તેમના જ શબ્દોમાં આ અંકમાં રજૂ કર્યા છે.

‘જનોઈવાઢ ઘા થાય એવી ઉગ્ર ચર્ચા કર્યા પછી પણ સર્જકો ખેલદિલીથી વિવેચક સાથે એકમેકના ખભે હાથ પ્રસારીને હળવાશથી વ્યવહાર કરી શકે એવી પ્રણાલી સ્થાપિત કરીશું તો ગુજરાતી સાહિત્યમાં સર્જન અને વિવેચનની ગુણવત્તાનો આંક ઊંચો જશે એમાં કોઈ શંકા નથી. આ પુસ્તક અને પ્રસંગ દ્વારા મધુસૂદન કાપડિયાએ એક શુભ શરૂઆત કરી આપી છે એ માટે આપણે એમના ઋણી છીએ.’

– “ગુર્જરી”, જુલાઈ 2011

પ્રતિભાવોમાંથી પ્રશંસાત્મક અવતરણો ટાંકવામાં હું સંકોચ અનુભવું છું. પરંતુ ટીકાત્મક શબ્દો ટાંકવા અને પ્રશંસાત્મક ન ટાંકવામાં પ્રશંસા કરનારાને ઘણો અન્યાય થાય છે. તેથી શક્ય તેટલા સંક્ષેપમાં પ્રશંસાના સૂરોને પણ વ્યક્ત કર્યા છે. આત્મરતિનો દોષ લાગે તો ભલે, ક્ષમસ્વ. 

“ગુર્જરી”ના પ્રતિભાવોમાં પ્રશંસાનું પલ્લું થોડુંક ઝૂકે, છતાં પ્રશંસા અને ટીકા બન્નેનાં પલ્લાં લગભગ સમાન છે.

સૂચિ વ્યાસ :-

‘મારી જેવા મોટી ઉંમરે માંડ માંડ લખતા થયા હોય એવા નબળાંઓનું લખેલું વાંચવું અને પછી વિવેચન કરવું એ મધુભાઈ જેવા ચીકણા માણસને જ ફાવે ... આવી નાજુક તબિયત હોવા છતાં આવું સુંદર પુસ્તક તૈયાર કરી ગુજરાતી સાહિત્યમાં અમેરિકાના લેખકોનો મોટો ડંકો વગાડ્યો.’

હરનિશ જાની :-

‘મારાં લખાણો માટે – બધા સમીક્ષકો અને મધુસૂદનભાઈ – બે વાતમાં જુદા પડે છે. એક એ કે મધુભાઈએ મારા લખાણની મર્યાદાઓ દર્શાવી છે, તે બીજા કોઈ સમીક્ષકે દર્શાવી નથી. આપે મને મારા લખાણનાં ભયસ્થાનો બતાવ્યાં છે. તેને ધ્યાનમાં રાખવા પ્રયત્ન કરીશ. મને આપના તરફથી કાયમ માર્ગદર્શન મળતું રહ્યું છે. તે માટે આભારી છું.

‘બીજી વાત એ કે મારા નિબંધસંગ્રહ ‘સુશીલા’માં મેં મહમદ ગઝનવીની સોમનાથના મંદિર પર થયેલી 17 ચડાઈનો વ્યંગ કરતો લેખ લખ્યો છે .... એમાં ફક્ત નિર્ભેળ હાસ્ય જ છે, છતાં બીજા સમીક્ષકોએ ‘ફ્રિકવન્ટ રાઈડર’નું નામ સુદ્ધાં લીધું નથી. એના વિશે એક શબ્દ પણ લખ્યો નથી ... મારી દૃષ્ટિએ એમાં ઉત્તમ પ્રકારનું હાસ્ય છે ... લંડનમાં લોકોએ એ લેખની ખૂબ ચર્ચા કરી હતી. તેમના આગ્રહથી મારે ટીવી પર એ જ લેખ વાંચવો પડ્યો હતો. અને મધુભાઈ સાહેબ, તમે એ લેખને મારા સર્વ નિબંધોમાં શ્રેષ્ઠ ગણાવ્યો છે.. એટલે મારે કહેવું પડશે કે તમે સાચા સમીક્ષક છો .... ’

વિરાફ કાપડિયા :-

‘આપણે પ્રાણવાયુ વગર જીવી ના શકીએ. મધુસૂદન સાહિત્ય વગર જીવી ના શકે. મધુસૂદન પાસે સાહિત્યની કૃતિઓની પકડ છે. ગુજરાતી સાહિત્ય સાથે બહોળી અને ઊંડી એમની વર્ષો જૂની દોસ્તી છે. મધુસૂદન કસાયેલી પ્રભાવક શૈલીમાં રજુઆત કરે છે, અને સૌથી મોટી વાત કે એમને અન્યોની કૃતિઓમાં – સારી કૃતિઓમાં – અસલી દિલચસ્પી છે ... મધુસૂદનનો આલોચક મત્સ્યવેધી છે. સર્જકનું વિશેષ લક્ષણ, આગવું પ્રદાન સૂઝપૂર્વક પકડી લે છે, અને ચૂંટેલાં પ્રાય: ચોટદાર ઉદાહરણો સહિત ટૂંકમાં જ તે વિશેષતા રજૂ કરી દે છે.’

રાહુલ શુક્લ :-

‘.... overall I am greatly thankful to Madhusudan. એમને કદાચ આ વાત યાદ પણ નહીં હોય – પણ એ 2000માં મારા ઘેર એક પ્રોગ્રામમાં આવેલા. મેં બિઝનેસની ધમાલમાં વાર્તાઓ લખવાનું બંધ કરી દીધું હતું.

‘હું એમને બૅકયાર્ડમાં મારું નવું pond દેખાડવા લઈ જતો હતો ત્યારે એમણે મને કહ્યું, ‘તમે હવે લખતા નથી તે બરોબર નથી.’ પછી કહે, ‘હું તમને કાંઈ ભેટ આપું અને તમે તે ખોલો નહીં તો તે મારું અપમાન કહેવાય કે નહીં?’ મેં કહ્યું, ‘હા’.

‘એમણે કહ્યું, તો પછી સરસ્વતીદેવીએ તમને કલમની ભેટ આપી છે અને તમે તે ભેટનો ઉપયોગ ન કરો તો એ સરસ્વતીદેવીનું અપમાન ન કહેવાય?

‘મધુસૂદનભાઈ, તમે ત્યારે મારી આંખો ખોલી દીધી. મેં તે પછી ‘સમયના અભાવ’નું બહાનું બંધ કરી ફરી લખવાનું ચાલું કર્યું.

‘તો એ કારણસર, અને મારી વાર્તાઓ તમારા જેવી ચીવટ અને સૂઝથી વાંચીને આવી સચોટ અને સુંદર સમીક્ષા કોઈએ ક્યારે ય નથી કરી – એ બન્ને કારણોસર, મારી અંદરનો લેખક તમારો હૃદયપૂર્વક આભાર માને છે.’

કિશોર રાવળ :-

‘તમે ઝીણી ઝીણી વિગતો નિરખી શક્યા છો, માણી શક્યા છો તે ખૂબ સંતોષ અને આનંદ આપે તેવી વાત છે. ‘ગૌબ્રાહ્મણ પ્રતિપાળ’, ‘દેરાણીની દેરાણી’, ‘લેતું ખાય લંડન’, ‘સ્વચ્છ, સોહામણી, સુંદર, સુહાસિની, સુગંધી’, ‘હમદર્દી, હમરાહી, અપરિણીત, અપરિણીય દોસ્તો’, ‘મારાં ભાભી કેવાં સોહામણાં’ જેવી વાતો તમે ચૂક્યા નહીં એ માટે સલામ! વાર્તાઓ લખતી વખતે મારા મગજમાં ચાલતું સિનેમા તમે મારા દૃષ્ટિકોણથી નિરખી શક્યા છો એ આહ્લાદક અને અજાયબ અનુભવ છે. ખૂબ ધન્યવાદ. તમારા જેટલી નીતરી કહેણી તમારા સિવાય બીજા પાસે વિવેચનમાં મેં દીઠી નથી.’

િકશોરભાઈની ટીકા છે :

‘સંસ્કૃત ભાષા પરનું તમારું અવલંબન ક્યારેક થોડું અકળાવે અને મનમાં એક કોયડો ઊભો કરે છે કે આટલા સમૃદ્ધ વિચારક, ભાષાવિદ પાસેથી જો સંસ્કૃત છીનવી લેવામાં આવે અને ખાલી બોલાણની ગુજરાતી વાપરવા આગ્રહ રાખીએ તો એમની શું દશા થાય!’

મને ભય છે કે કિશોરભાઈનું ગુજરાતી વિવેચનનું વાચન ઝાઝું નહીં હોય. ગુજરાતી વિવેચનાને એક બાજુએ ભારતીય સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો વારસો મળ્યો છે અને બીજી બાજુએ પશ્ચિમની સાહિત્યમીમાંસાનો એણે આધાર લીધો છે. પશ્ચિમની સાહિત્યમીમાંસાના પારિભાષિક શબ્દોના સમાનાર્થ ગુજરાતીમાં સંસ્કૃતમાંથી જ સર્વાંશે નિષ્પન્ન થયા છે. સુન્દરમ, સુરેશ જોષી, ચંદ્રકાન્ત ટોપીવાળા અને સિતાંશુ યશચન્દ્રના વિવેચનના થોડાક સંસ્કૃતાઢ્ય નમૂનાઓ એકઠા કર્યા’તા પણ લંબાણભયે એ ટાંકવાનો લોભ જતો કરું છું. રામનારાયણ પાઠક આપણા ઉત્તમ છતાં સૌથી સરળ અને પ્રસાદપૂર્ણ વિવેચક. મારા પુસ્તકમાં મુદ્રામંત્ર તરીકે એમનું એક અવતરણ ટાંક્યું છે : ‘વિવેચનમાં કૃતની કૃતજ્ઞતા અને અકૃતનો અસંતોષ બન્ને હોવાં જોઇએ.’ કિશોરભાઈ, આનો ‘બોલાણની ગુજરાતી’ ભાષામાં અનુવાદ કરી આપો, ઇનામ આપું!’

ડૉ. રજની પી. શાહ :-

‘પ્રકરણ 1 – 25-30 વર્ષ પહેલાં મધુસૂદન એક પ્રાઇવેટ કલબ ચલાવે. સાહિત્યકરસિકો માટે. ડૉ. ભરત શાહે મને એ કલબમાં બેરેબેરે એન્ટ્રી અપાવેલી. અહાહા! જે કવિને મેં પાઠ્યપુસ્તકમાં વાંચ્યો હોય તેને હાજરાહજૂર જોવો, એનાં હાલતાચાલતા હોઠ, કે આંખો કે અવાજના સાક્ષી થવું એ મારું એક સૌભાગ્ય હતું. કાપડિયા સાહેબનો સૂર્ય તે વખતે મધ્યાહ્ને તપતો હતો.

‘એવા એક પ્રસંગે હું પણ સાહેબથી મંત્રમુગ્ધ થઈ ગયેલો ને મેં આવેશમાં એમને કહેલું, ‘સાહેબ! તમે આજે મને દિવ્યચક્ષુ આપ્યા, રીયલી!’ પછી એ દિવ્યચક્ષુથી તો મેં અનેક મેજિક મોમેન્ટો માણી. ઉમાશંકર, નિરંજન ... ને સુન્દરમ ને રાજેન્દ્ર, અખો કે મીરાં યુ નેમ ઇટ, તે બધા મારા પોકેટમાં આવી ગયા. પછી તો અનેક કવિઓ મળ્યા, સાહિત્યગોષ્ઠિઓ થઈ, ઉત્તમ ગાયકો પાસેથી સાહેબે જાતે ચૂનીચૂનીને શબરીચટક ગીતો ગવડાવ્યાં! એ આસિત ને પુરુષોત્તમ ને હંસા ને હેમા. એ બધી મારી ધન્ય પળો હતી. એ મધુસૂદનને મારાં સો સો પાયલાગણ.

‘પ્રકરણ 2 : આ પુસ્તકમાં સાહેબે લગભગ બધા જ સર્જકોની પ્રશંસા સાથે ‘મર્યાદા’ઓ પણ આલેખી છે. મારે પણ એમની એક મર્યાદા બતાવવી છે. મારા વિશે એમણે લખ્યું છે : (page 265)

‘આર. પી.ના પ્રમાદનું એક દુષ્પરિણામ એ છે કે ‘મારી નિગાર સુલતાના’નું માય ડીયર જ્યુની નવલિકા ‘મેરે સપનોં કી રાની કબ આયેગી તૂં’ સાથે એટલું અસાધારણ સામ્ય છે કે માત્ર અનુકરણ નહીં, પણ ઉઠાંતરીનો કોઈ આક્ષેપ કરે .... જ્યુ પ્રતિષ્ઠિત સાહિત્યકાર છે, આર. પી.નું એક પણ પ્રકાશન નથી તો આક્ષેપ કોના પર આવે?’

‘પ્રોફેસર કાપડિયા, એ આક્ષેપ તમારા પર આવે છે. કારણ તમે તમારું હોમવર્ક કર્યું નથી. કોઈ પણ જાતની રિસર્ચ કર્યા વગર એ પૅરેગ્રાફ તમે લખ્યો તે તમારી બેદરકારી છે. … માય ડિયર જ્યુએ 2001માં એ “શબ્દસૃષ્ટિ”માં પહેલવહેલી છપાવેલી.

‘હવે આર. પી.નું નાટક ‘મારી નિગાર સુલતાના’ ભજવાયેલું માર્ચ 1993માં! એ વાર્તાના આઠ વર્ષ પહેલાં! મારું નાટક ભજવાયું ક્યાં? અહીં, એકૅડેમીમાં! આપણી પાસે એનો દસ્તાવેજી વિડિયો છે. અરે! એકૅડેમીના મુખપત્ર “દેશવિદેશ”માં પણ એનો અહેવાલ છે. તો કહો 1993માં ભજવાયેલા મારા નાટકમાંથી જો કોઈએ ઉઠાંતરી કરી પણ હોય તો એ કોણે કરી?

‘સારાંશ? સાહેબ ! વિવેચક તરીકે તમે મારા કેસમાં ગાફેલ રહી ગયા. I regret, it is not acceptable.

હવે? તમને સારું લાગે માટે કહું, આ શબ્દ, દિવ્યચક્ષુ એની મેં ઉઠાંતરી કરી છે. ક્યાંથી કરી છે, તે પણ કહું. સન 1951, વડોદરાની મોડેલ હાઈસ્કૂલ ઉર્ફે મોડલ ઠાંઠિયું. અમારા માસ્તર હતા મ. મો. દેસાઈ, લવકુમાર દેસાઈના ફાધર. એ કવિ ન્હાનાલાલની એક પંક્તિ અમારા પાઠ્યપુસ્તકમાંથી ગાતા :

‘પેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ ક્યારે ઊઘડશે?
મ્હારાં નયણાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી!’

Anyway, તમે મારાં દિવ્ય લોચનિયાં તો ઉઘાડી જ આપ્યાં છે. માટે I will be happy no matter what.’

આર.પી.ના આક્રોશ પછી મેં માય ડિયર જ્યુની નવલિકા ફરી વાંચી. મૂળ લેખ લખતી વખતે આઠ દસ વર્ષ પહેલાં એ નવલિકા વાંચેલી. તેની સ્મૃિતના આધારે એ નવલિકા અને આર.પી.ના એકાંકીની તુલના કરેલી. મારો લૂલો બચાવ કરવા ઉમેરું કે માય ડિયર જ્યુનો નવલિકાસંગ્રહ જ્યારે પ્રકટ થયો ત્યારે ચાર છ વર્ષ પહેલાં એનું અવલોકન વાંચેલું ને તેમાં પણ આ નવલિકાનો ઉલ્લેખ હતો તેથી સ્મરણ તાજું થયેલું. આજે વાંચતી વખતે જોયું કે બે કૃતિઓમાં શીર્ષક સિવાય ભાગ્યે જ કંઈ સામ્ય છે. ડૉ. ભરત શાહને મોટે ઉપાડે સ્મૃિતમાંથી અવતરણો ન ટાંકવાની સલાહ આપનારે એનાથીયે વધારે ગંભીર ભૂલ કરી. અને સામ્ય જ નથી ત્યાં અનુકરણ કે ઉઠાંતરીનો પ્રશ્ન જ રહેતો નથી. સૉરી, આર. પી.

આર. પી., તમારી જાણ ખાતર એક વિગત ઉમેરું? ન્હાનાલાલે આ ‘દિવ્ય લોચનિયાં’ની ‘ઉઠાંતરી’ ક્યાંથી કરી છે તે કહું? ભગવદ્ગીતાના અગિયારમા અધ્યાયના दिव्यं ददामि ते चक्षुः पश्य मे रूपमैश्वरम શ્લોકમાંથી.

પન્ના નાયક :-

પન્નાએ રજૂ કરેલા કેટલાક ગૌણ મુદ્દાઓ જેવા કે મુદ્રણદોષો, સૂચિનો અભાવ વગેરે હું જતા કરું છું. લેખક તરીકે મારા પ્રથમ પુસ્તકના પ્રકાશનનો કડવો અનુભવ વર્ણવવા બેસું તો બીજું કશું લખવાનો અવકાશ જ ન રહે. પન્ના આવી ફરિયાદ કરે તેનું મને આશ્ચર્ય થાય છે. એના પ્રકાશનના અનુભવો મારા કરતાં વધારે દુ:ખદ છે. પણ આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ. પન્ના લખે છે : ‘મધુસૂદને પ્રસ્તાવનામાં સ્પષ્ટતા કરી છે કે એમણે કૃતિને જ નજર સમક્ષ રાખી છે, એના કર્તાને નહીં ... મારા [વિશેના] લખાણમાં કેટલેક ઠેકાણે કૃતિ અને કર્તા ભેળસેળ થઈ ગયાં છે ...’ ‘બારાખડીની અંદર, બારાખડીની બહાર’ કાવ્ય એમને મતે મારી સર્વોત્તમ રચના છે. હા, એ માને છે કે એમને મારા જીવનની પૂરી ખબર છે. એટલે જે એમણે લખ્યું છે કે, ‘આ કાવ્ય પન્નાને, પન્નાના વ્યક્તિત્વને, પન્નાની વેદનાને, જીવનના કટુકઠોર અનુભવોને, લગ્નજીવનની વિષમતા અને વિષમયતાને, પ્રેમની ઝંખનાને, લગ્નબાહ્ય સંબંધોની વિરસતાને ધારદાર અભિવ્યક્તિથી મૂર્ત કરે છે.’

પન્ના ચાહીને આ મુદ્દાને ગૂંચવે છે. પન્નાની કવિતામાંથી જે પન્નાનું વ્યક્તિત્વ, એનું અંગત જીવન, લગ્નજીવનની વિષમતા અને નિષ્ફળતા, પરપુરુષો સાથેના સંબંધો વ્યક્ત થાય છે તેની જ આલોચના કરી છે. આ પ્રકારનાં કાવ્યોની વિવેચનાને શીર્ષક જ આપ્યું છે : ‘એકરારની કવિતા’. મારા પુસ્તકમાંથી જ મારા શબ્દો ટાંકું છું. જુઓ એની શરૂઆત : ‘પન્નાનાં કાવ્યો કેવળ આત્મલક્ષી નથી, આત્મચરિત્રાત્મક અને અંગત પણ છે ... કવયિત્રીએ ... એના હૃદ્ગતને કશાય આવરણ વિના, કોઈ પણ વિધિનિષેધ વિના, સાદ્યંત નિખાલસતાથી પૂરેપૂરું યથાતથ પ્રકટ થવા દીધું છે! સત્ય ગમે તેટલું કઠોર હોય, અપ્રિય હોય, અકળાવનારું હોય પણ એને પ્રગટ કરવામાં કવયિત્રીએ કોઈ આડપડદો નથી રાખ્યો, કોઈ દંભ નથી આચર્યો, કોઈ દિલચોરી નથી કરી, કશાં છોછ કે આભડછેટ નથી રાખ્યાં.’ આપણે ‘બારાખડીની અંદર – બારાખડીની બહાર’ કાવ્યથી જ શરૂ કરીએ. મારાં ટીકાટિપ્પણ – અલબત્ત, ઉપરના અવતરણની જેમ સર્વત્ર મુક્ત કંઠે કરેલી પ્રશંસા જ છે – અને અવતરણો શબ્દશ: કોઈપણ સુધારાવધારા વિના યથાતથ ટાંકું છું, થોડુંક ટૂંકાવીને : ‘પન્નાનાં કાવ્યોમાં એની અંગત – વૈયક્તિક અભિવ્યક્તિ છે – તેની સંપૂર્ણ પ્રતીતિ આ કૃતિથી થશે. એની શરૂઆત જ જુઓ :

ક ખ ગ ઘ

----
પ ફ બ ભ મ
પ પન્નાનો
મ મીરાંનો
આ પ થી મ સુધીની / યાત્રા
મારે માટે મુશ્કેલ છે / અશક્ય છે

પછી સમસ્ત કવિતામાં, આ યાત્રા શા માટે અશક્ય છે એનો કરુણ, હૃદયદ્રાવક, નિખાલસ, આત્મનિર્ભર્ત્સનાથી સભર ચિતાર છે. ગુજરાતી કવિતામાં આવી પારદર્શક નિખાલસ અને પ્રામાણિક સ્વીકારોક્તિ વિરલ છે ... !’

‘પરંતુ આનાથી વધારે કઠોરતાથી કટુતાથી કોઈ પણ ઓપ આપ્યા વિના, કોઈ પણ ઢોળ ચડાવ્યા વિના, વાણીની કશી ય વરણાગી વિના, પ્રકટપણે, પ્રામાણિકતાથી, પ્રગલ્ભતાથી પરપુરુષો સાથેના સંબંધોની વાત આ કાવ્યમાં થઈ છે. પરંપરાગત અર્થમાં થતું અલંકરણ આ કાવ્યમાં ક્યાં ય નથી અને તેની જરૂર પણ નથી કારણ કે નિર્ભીક સત્યકથન એ જ આ કૃતિનો અલંકાર છે :

મને/પુરુષોનું વૃંદ મળ્યું
પણ/મીરાંનું વૃંદાવન નહીં.
.....
મારી આસપાસ/એક નહીં
અનેક રાણાઓની/વાડ
....
આખી જિંદગી ... રાજી કર્યા
આસપાસના રાણાઓને ...
.....
મારા કરંડિયામાં કેટલાય નાગ
....
શરીરભૂખ્યા નાગ!
...
કોઈ વીક એન્ડ પર
પુરુષધારી શરીરને
મારે ત્યાં / આવવું હોય તો આવે
અને / મારા ભિક્ષાપાત્રમાં / ડૉલર જેવો
પ્રેમનો સિક્કો નાખીને / આઘોપાછો થઈ જાય

અંગ્રેજી કવિતામાં ... confessional poetryનાં ઉત્તમ દૃષ્ટાંતો મળશે પણ એકરારની આવી કવિતા ગુજરાતી કાવ્યસાહિત્યમાં અપૂર્વ અને અદ્વિતીય છે.’

વધુ એક દૃષ્ટાંત, ‘આ અંગત વેદનાનાં કાવ્યો છે, એ વિશે ક્વયિત્રીએ કોઈ સંદેહ રહેવા નથી દીધો, કોઈ આડપડદો નથી રાખ્યો. ‘લાગે છે’ કાવ્યમાં અમેરિકા, એનું ઘર-સરનામું, એની લાઇબ્રેરીની જોબ, અને પછી તો અંગત નામોલ્લેખ –

આ બધામાં શોધું છું હું ખોવાઈ ગયેલી પન્નાને
બેડરૂમની દીવાલમાં તો એક હાડપિંજર ચણાઈ ગયું છે

હવે આમાં કૃતિ અને કર્તાની ‘ભેળસેળ’નો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે? એકકારનાં કાવ્યો – ઉપર નિર્દેશિત અને અન્ય-માં વ્યક્તિ પન્ના અને કવયિત્રી પન્ના એક અને અભિન્ન છે. આમાં આલોચક દ્વારા કર્તાનો પ્રક્ષેપ થયો છે એવી ફરિયાદને અવકાશ જ ક્યાં છે? ઊલટું, કોઈ ધારે તો પણ કવયિત્રી પન્નામાંથી વ્યક્તિ પન્નાને ઉતરડી શકે તેમ નથી. આલોચકે તો આ કાવ્યોની શુદ્ધ કાવ્યદૃષ્ટિએ સમીક્ષા કરી છે, બલકે એની ઉત્કટ પ્રશંસા કરી છે. કાવ્યોની આલોચનામાં કાવ્ય બહારની દુનિયાનો ક્યાં ય પ્રવેશ સુદ્ધાં નથી. કાવ્યોને જ બોલવા દીધાં છે. આ કાવ્યોનું સમગ્ર ગુજરાતી કાવ્યસાહિત્યમાં કેવું અને કેટલું મૂલ્યવાન અર્પણ છે તેનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય આપ્યો છે અને કાવ્યોનો આસ્વાદ કરાવ્યો છે.

એક બીજી ગેરસમજૂતીની સ્પષ્ટતા કરવાનું જરૂરી છે. ‘આ લખતી વખતે કૃતિને જ નજર સમક્ષ રાખી છે, એના કર્તાને નહીં.’ કાવ્યની આલોચનામાં કવિજીવન જો પ્રસ્તુત હોય તો ન આવે એવો એનો અર્થ નથી. માત્ર રાગદ્વેષ વિનાનું વિવેચન કરવાનો પ્રયત્ન છે એટલું જ અભિપ્રેત છે. થોડુંક વિગતે સમજાવવાનો પ્રયત્ન કરું.

‘કાન્ત’નું જીવન અને કવન આ ચર્ચાવિચારણાનું ઉત્તમ દૃષ્ટાંત છે. રામનારાયણ પાઠકે ‘કાન્ત’ની કવિતાના અનુસંધાનમાં આની સરળ અને સ્પષ્ટ સમજણ આપી છે : ‘તેમનાં કાવ્યો સમજવાને માટે પણ તેમનું જીવન જાણવાની જરૂર છે ... પરલક્ષી કાવ્યો લખનાર કવિનું જીવન ન જાણીએ તો પણ તેનાં કાવ્યો સમજવામાં કશો પ્રતિબંધ આવતો નથી .... આત્મલક્ષી ... કાવ્યો અંગત જીવનના પ્રસંગમાંથી ઉત્પન્ન થતા ભાવનું પ્રગટ કલાસ્વરૂપ હોય છે. તેની ભોંયરૂપ કવિમાનસની પરિસ્થિતિ કાવ્યમાં દર્શાવેલી હોતી નથી. એ કાવ્યને સમજવાને એ ભોંયનું દર્શન આવશ્યક છે ... ભાવનિષ્પત્તિને માટે એ પરિસ્થિતિ જાણવી આવશ્યક છે.’

ધર્માંતર ‘કાન્ત’ના જીવનની કપરી કટોકટી હતી. એક બાજુ સ્વીડનબોર્ગને અનુસરીને ખ્રિસ્તી ધર્મનો અંગીકાર અને બીજી બાજુ પત્ની, મિત્રો, સમાજથી વિખૂટા પડવાની વેદના. આ સંઘર્ષમાંથી ‘વત્સલનાં નયનો’નું મોતી જેવું સુરેખ કાવ્ય જન્મ્યું છે. આ કૃતિમાં કવિજીવન પંક્તિએ પંક્તિમાં કેવું પ્રતિબિંબિત થાય છે તેની વાત કરવાનો અવકાશ નથી. પણ એના આસ્વાદ માટે જુઓ આ લખનારનો લેખ ‘કુસુમરજ’, ‘વત્સલનાં નયનો : પારિજાતનું ફૂલ’, પૃ. 226-231

‘સાગર અને શશી’ વધારે પ્રસિદ્ધ રચના છે. આ કૃતિ તો સંપૂર્ણપણે પ્રકૃતિસૌંદર્યનું રમણીય કાવ્ય છે. છતાં ‘પિતા કાલના સર્વ સંતાપ શામે’ વિશે નિરંજન ભગત સૂક્ષ્મ દૃષ્ટિથી એનું અનુસંધાન ‘‘કાન્ત’ના જીવનના સંદર્ભમાં’ કરે છે. ‘કુસુમરજ’, પૃ. 223. આ જ પ્રમાણે ‘કાન્ત’નું ઉત્તમ કાવ્ય ‘ઉપહાર’ ‘કાન્ત’-ઠાકોરની મૈત્રીની પૂર્વભૂમિકા વિના પામી જ ન શકાય.

સાચી વાત એ છે કે એકરારની કવિતા સર્જાતા સર્જાઈ ગઈ. 

જોઈ શકાશે કે આત્મલક્ષી અને એથીયે વિશેષ અંગત કાવ્યોની સમીક્ષામાં કવિના જીવનનો નિર્દેશ સ્વાભાવિક બલકે અનિવાર્ય છે.

નટવર ગાંધી :-  

નટવર ગાંધી નાહક પન્નાની ચાલતી ગાડીએ ચડી ગયા છે. ‘મધુસૂદન કવિને અને વ્યક્તિને જુદા રાખી શકતા નથી. એ ભલે કૃતિલક્ષી વિવેચનની વાત કરે, છતાં વિવેચન કરતી વખતે એ કવિતાથી કે કૃતિથી અટકતા નથી, એ અનાયાસે જ કવિ-વ્યક્તિ સુધી પહોંચી જાય છે. મધુસૂદન અહીં કવિના જીવનની સારી-મીઠી ઘટનાઓને કવિતા સાથે જોડીને કવિતાને સમજવાનો અને સમજાવવાનો, એનું મૂલ્યાંકન કરવાનો પ્રાધ્યાપકીય પ્રયત્ન કરે છે. અને એમ કરવાથી એમના કવિ અને કવિતા પ્રત્યેના પૂર્વગ્રહો અનિવાર્યપણે છતા થાય છે. આ બાબતમાં પન્ના નાયકે જે વાત કરી છે તેમાં હું સર્વથા સંમત થાઉં છું.’

નટવર ગાંધીનાં જ બે કાવ્યવિભાગોમાંથી દૃષ્ટાંતો આપું. ‘સદ્દગત પત્નીને’નાં કાવ્યોથી વધારે અંગત બીજું શું હોઈ શકે? આ કાવ્યોની વિવેચનામાં કવિનો શોક કેવી રીતે કરુણમાં ઉપચય પામે છે તેની જ ચર્ચા કરી છે. ક્યાં ય પણ લગ્નજીવનની સફળતાની કે નિષ્ફળતાની કે લગ્નબાહ્ય સંબંધોની કટુતાની ગંધ સુદ્ધાં આ કાવ્યચર્ચામાં તમે નહીં જોઈ શકો. કાવ્ય જ નજર સમક્ષ છે, કર્તા નહીં. આ વિભાગના સૌથી ઉત્તમ સૉનેટની સમીક્ષા માટે જુઓ, ‘અમેરિકાવાસી ... સર્જકો’. પૃ. 175

‘આત્મનેપદી’નાં કાવ્યો આત્મલક્ષી અને અંગત છે. આ કાવ્યોની આલોચનામાં વ્યક્તિ નટવર ગાંધી અને કવિ નટવર ગાંધી બંનેની મેં તો સરાહના કરી છે. જુઓ એ જ પૃષ્ઠ 167-169. આમાં નટવરભાઈને ‘પૂર્વગ્રહો’ ક્યાં દેખાયા, ન જાને.

નટવર ગાંધી કહે છે, ‘કયા સર્જકને લેવા, કોને ન લેવા, કોના વિશે કેટલું લખવું, એ બધું એમના દુરાગ્રહી વલણથી વલોવાયું છે ...’ આવું વિધાન કરવાની સાથે નટવર ગાંધીએ અમેરિકામાં ઘનશ્યામ ઠક્કર, પન્ના નાયક, વિરાફ કાપડિયા કે આર. પી., ભરત શાહ, હરનિશ જાની કે પ્રીતિ સેનગુપ્તાથી વધારે ચડિયાતા કવિઓ કે ગદ્યકારોનો નામોલ્લેખ કર્યો હોત તો આપણને થોડાક નવા સર્જકોની ઓળખ થાત અથવા આમાંથી કયા સાહિત્યકારો લેવા લાયક નહોતા એ પણ જણાવ્યું હોત તો આપણને એમના પરિપ્રેક્ષ્યનો લાભ મળત.

નટવર ગાંધી સાથે ગંભીર મતભેદ છે કાવ્યની વિભાવનાનો. મારા પુસ્તકની પ્રસ્તાવનામાં અહીંના સાહિત્યકારો વિશે મેં એક ફરિયાદ કરી છે – વાચનનો અભાવ. નટવરભાઈ એમાં અપવાદ છે. અર્થકારણ, રાજકારણ, ઇતિહાસ, અંગ્રેજી સાહિત્યનું એમનું વાચન વિશાળ છે. કવિની ગંભીર મર્યાદા છે ભારતીય અલંકારશાસ્ત્ર કે પશ્ચિમની સાહિત્યમીમાંસા કે ગુજરાતી વિવેચનાના વાચનના અભાવની. બીજા વિષયોની જેમ વિવેચનાનો પણ થોડો ઘણો અભ્યાસ હોત તો તેમનાં કાવ્યોમાં વધારે દીપ્તિ આવી હોત, નીરસ શુષ્ક કાવ્યો ઓછાં રચાયાં હોત અને એમના પ્રતિભાવમાં ચિંતનાત્મક કાવ્યોની મારી ટીકાનો આટલો વિરોધ ન કર્યો હોત અને બે અકાવ્યોનો આટલો બચાવ ના કર્યો હોત. નટવર ગાંધીની કાવ્યવિભાવના કાલગ્રસ્ત છે.

એક બાઈની આત્મહત્યા

મારી ટીકાનો નટવર ગાંધીનો પ્રતિભાવ છે : ‘મધુસૂદન કહે છે કે આ કવિતા નથી. આ સમાજશાસ્ત્ર છે. કવિતાનું વસ્તુ એક સાચી બનેલ હકીકતમાંથી મને મળેલું હતું.’ ततः किम્? કવિતાની પાયાની શરત એ છે કે એમાં વાસ્તવિકતાના કથનનું કાવ્યના સત્યમાં રૂપાંતર થવું જોઇએ. આપણા આલંકારિકોએ આ જ સત્યનું પ્રતિપાદન કર્યું છે કે સ્થાયીભાવનું રસમાં રૂપાંતર થવું જોઇએ. આનંદવર્ધનના શબ્દો સચોટ છે : न हि क्वेरितिवृत्तमात्रनिर्वहणेन किंचित् प्रयोजनम્ । માત્ર ઇતિવૃત્ત – કથા, પ્રસંગ, હકીકત, ઇતિહાસ-ના નિર્વહણનું કવિને કોઈ પ્રયોજન, નિસબત નથી; વિષય નહીં નિરૂપણ, ભાવના નહીં સ્વરૂપ કાવ્યની સર્જકતા માટે આવશ્યક છે. લાભશંકર ઠાકરના શબ્દોમાં ‘કળાસર્જકને ઘાટઘટન કરવું પડે છે. માત્ર ‘સામગ્રી’ પર્યાપ્ત નથી, એ સામગ્રીને રૂપ, form આપવું પડે છે. છાપામાં આવતી ‘ઘટના’ તો એક માણસની હોય. સર્જકને તો સ્થળકાળ નિરપેક્ષ માણસને પામવો છે તેમ પામવા માટે રૂપનિર્મિતિ અનિવાર્ય છે. હા, તેનો ઘાટ ઘડવો પડે છે. ફૅક્ટ એ તો સપાટી પરનું વાસ્તવ છે. મનુષ્યનાં ઋતને, નિત્ય સત્યને પામવાની પ્રક્રિયારૂપ form, કળાઘટન, ઘાટ કાવ્યનો મહિમા છે, કળાનું પરમ સત્ય છે.’ વિચારને મૂર્ત સ્વરૂપ મળવું જોઈએ. ઉમાશંકરે સૂત્રાત્મકતાથી કહ્યું છે, Thinking એટલે જ Thinging –વિચારણા એટલે વસ્તુિનર્મિતિ. ‘એક બાઈની આત્મહત્યા’ એટલે ઉમદા વિચાર, કનિષ્ઠ કવિતા. કવિનું પ્રયોજન કાવ્યસર્જન નહીં, સમાજસુધારણા છે. આ કૃતિમાં દલપતરામનું પગલું દેખાય છે. 

સાબરમતી આશ્રમે

મારા શબ્દો છે : ‘આ [ગાંધીજી વિષયક] પાંચે કાવ્યોમાં ગાંધીવિચાર સુપેરે વ્યક્ત થયો છે પણ ગાંધીનું વ્યક્તિત્વ કે ગાંધીનું દર્શન સ્પર્શક્ષમ બન્યું નથી. આપણે ત્યાં મેઘાણી, સુન્દરમ્, ઉમાશંકર, નિરંજન ભગત કે હસમુખ પાઠકનાં ગાંધીકાવ્યોમાં કવિત્વની જે ઝલક જોવા મળે છે તે આ કાવ્યોમાં નથી.’ નટવરભાઈએ એમના પ્રતિભાવમાં એમના કાવ્યનું પઠન કર્યું હતું અને કહ્યું કે ‘તમે જ નક્કી કરજો કે આ સૉનેટમાંથી ગાંધીજીની કોઈ છબી ઊપસે છે કે નહીં.’ હસમુખ પાઠકનું ‘રાજઘટ પર’ – બે જ પંક્તિનું અદ્દભુત કાવ્ય છે તેથી ટાંકું છું –

આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતો ન’તો –

અને નટવર ગાંધીનું ‘રાજઘાટે’ તમે સરખાવી જોજો, એટલે કાવ્ય અને અકાવ્યનો ભેદ સ્પષ્ટ થઈ જશે.

‘સાબરમતી આશ્રમે’ અને અન્ય ગાંધીજી વિષયક કાવ્યોને એ જ મુશ્કેલી નડી છે, જે ત્રીસી-ચાલીસીના કવિઓને નડી હતી. ઉમાશંકર-સુન્દરમ્ જેવા સમર્થ કવિઓએ પણ ઉછીનાં લીધેલાં ગાંધીમૂલ્યોથી જે રચનાઓ કરી તે બધી જ નિષ્ફળ નીવડી. આ અને આવાં વિભૂતિકાવ્યો માત્ર biodata આપે, કાવ્ય ન બને. ઉમાશંકરનું ‘સમગ્ર કવિતા’ જુઓ. કવિએ દાન્તે, શેક્સપિયર, રવીન્દ્રનાથ, ગોવર્ધનરામ ત્રિપાઠી, નર્મદ, લિંકન વગેરે મહામનાઓ ઉપર કાવ્યો લખ્યાં છે. બધાં જ નિષ્ફળ છે. લગભગ એવી જ સ્થિતિ નટવર ગાંધીનાં વિભૂતિકાવ્યોની છે. ‘સાબરમતી આશ્રમ’માં ગાંધીજીની બુલંદ ઉક્તિ કે કાગડા-કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના આશ્રમમાં પગ નહીં મૂકું. તેને પદ્યમાં ગોઠવવાથી કાવ્યનો ચમત્કાર કેવી રીતે બને? ડર્યા વિના લોર્કાને ટાંકું? ‘The greatness of a poem does not depend on the magnitude of its theme. The form and fragrance of just one rose can be made to render an impression of eternity.’

કવિતા સંવેદના માગે છે. વિચારને ઊર્મિથી આર્દ્ર કરવો પડે છે. સેસિલ ડે લૂઈએ ભયસ્થાન બતાવ્યું જ છે : Emotions are dangerous to poetry. But there is one, more dangerous to it, the lack of emotions. નટવર ગાંધીના કાવ્ય ‘ભુલાય કેમ’ની એક પંક્તિ છે : ‘હું દેશનો બહુ વિચાર કર્યા કરું છું.’ આ તો પદ્ય પણ નથી, નકરું શુષ્ક ગદ્ય છે. ગદ્યને પદ્યના વાઘા ઓઢાડવાથી કૃતિ કાવ્ય નથી બનતી. પદ્યદેહી ચિંતનાત્મક નિબંધ જ બને છે. બૉદલેરને 150થી વધુ વર્ષો થયાં. ઘર આંગણે સુરેશ જોષીને 50થી વધુ. છતાં આજે ઈશુના 2011ના વર્ષે કવિતા શબ્દોની કળા છે એનું પ્રતિપાદન કરવું પડે તે કેટલું ખેદજનક છે.

પાંડિત્યનો ડોળ

કેટલાક પ્રતિભાવકોને મારા પુસ્તકમાં પાંડિત્યનો ડોળ દેખાયો છે. એ સાચું છે કે મારા લેખનમાં સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતી કાવ્યસાહિત્યની તેમ જ વિવેચનાની કૃતિઓનાં સંદર્ભો અને અવતરણો અવારનવાર આવે છે. પણ વાચક તરીકે મારો અનુભવ જુદો છે. હું જ્યારે સુ. જો.ને વાંચું છું ત્યારે માત્ર સુ. જો.ને જ નથી પામતો પરંતુ પશ્ચિમના સાહિત્ય અને વિવેચનનું એક વિશાળ વિશ્વ ખૂલે છે. બૉદલેર, માલાર્મે ને વાલેરી, દોસ્તોયેવ્સકી, કાફકા અને કામુ, કાન્ટ અને સાર્ત્ર – અને આ યાદીને ક્યાં ય સુધી લંબાવી શકાય અને કેટકેટલી ઉત્તમ સાહિત્યકૃતિઓનો પરિચય અને મર્મ અનાયાસે મળી જાય છે. ભોળાભાઈને વાંચું છું ત્યારે આખો કાલિદાસ ઊઘડે છે, રવીન્દ્રનાથની સમગ્ર સાહિત્યસૃષ્ટિ ખૂલે છે, કબીર, તુલસીદાસ, સૂરદાસ વગેરે મધ્યકાલીન સંતકવિઓને માણવા મળે છે. હું તો આથી ધન્યતા અનુભવું છું. આ મહાનુભાવો સાથેની તુલના અભિપ્રેત નથી જ. ક્યાં રાજા ભોજ અને ક્યાં હું ગાંગો તેલી. પરંતુ મારી માન્યતા એવી છે કે આ સંદર્ભોથી લેખન પ્રમાણભૂત બને છે અને વાચકની ક્ષિતિજો વિસ્તરે છે.

મારી ટીકાથી છંછેડાયેલા narcissism – આત્મરતિમાં રાચતા સાહિત્યકારોને નોર્મન વિન્સન્ટ પીલનું અવતરણ સપ્રેમ ભેટ : The trouble with most of us is that we would rather be ruined by praise than saved by criticism.

e.mail : [email protected]

Category :- Diaspora / Literature

ન્યૂરોલોજિસ્ટ્સે પૂરવાર કર્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ લાંબું જીવે છે. તેનું એક કારણ એ છે કે સ્ત્રીઓ એકબીજાના સુખદુઃખમાં સહભાગી બને છે. કોઈક રોમાન્ટિક સંબંધ તૂટી જાય, તો પણ તે ભાંગી નથી પડતી, કેમ કે તેની પાસે તેના સ્ત્રી મિત્રોનો સંગાથ છે, જેને તે પેટછૂટી વાત કરી, મનનું દુઃખ કે દ્વિધા હલકાં કરી શકે છે. આ વાતનો પુરાવો આપ સમક્ષ આજે મોજૂદ છે. પન્નાબહેનને જોઈ, કોણ કહી શકશે કે આ વર્ષની ૨૮ ડિસેમ્બરના તેમને ૮૦ વર્ષ પૂરાં થશે. દીર્ઘ આયુષ્ય માટે, હું તો પેટછૂટી વાત બહેનપણીઓને કહેવાનું કહું છું, જ્યારે પન્નાબહેન તો તેમની અંતરની વાતો સમગ્ર ગુજરાતી વાચકવર્ગ સુધી પહોંચાડે છે. પછી તેમના ઉપર કોઈ પણ જાતના સ્ટ્રેસની અસર શા માટે થાય ? કેટલાં સુંદર અને યુવાન દેખાય છે, જુઓ તો ખરાં !

તરફડાટ એટલે ? -


તમે કહેશો,
જલની બહાર આણેલા


કોઈ મીનને પૂછી જુઓ !

પણ ઘૂઘવતા ઉદધિના ભીતર


જે


કોરું કોરું તરફડે,


એને તમે શું કહેશો ?

આવા આવા તરફડાટને પન્નાબહેને પોતાની કવિતામાં કશા ય ક્ષોભ કે છોછ વિના છતા કર્યા છે.

અને એ પ્રેરણા તેમને મળી એક અમેરિકન કવયિત્રી પાસેથી. એમના જ શબ્દોમાં કહું, ‘લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (1967) મારી આંખે વસી ગયો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય, એવું અનુભવતી જાઉં. ટીવી પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે, એનો ખ્યાલ મને આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે – દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્ત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે, ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.’

એ વાત કરી પન્નાબહેને. તેવી જ રીતે હું પણ લાઈબ્રેરી માટેનાં પુસ્તકોનું કેટેલોગીંગ કરી રહી હતી, ત્યારે, મારા માટે તે સમયે સાવ અજાણ, એવાં પન્નાબહેનનું, 'તું આંખોમાં આંખ પરોવી દીર્ઘ ચુંબન કરે' કાવ્ય મેં વાંચ્યું. મારાથી બોલાઈ ગયું, 'Wow! શયનગૃહની અંદરનું આટલું અંગત દૃશ્ય, એક ગુજરાતી સ્ત્રી, આટલી હદે ખુલ્લી રીતે વર્ણવી શકે ? 'ત્વચાની રજાઈ ઓઢાડે, વાઘા ઉતારે’ - કેટલી ૠજુતા સમાયેલી છે આ શબ્દોમાં ? અમે પુષ્ટિમાર્ગીઓ ઠાકોરજીનાં વસ્ત્રોને વાઘા કહીએ. મને ખબર નથી કે પન્નાબહેને પણ એ શબ્દ અહીં એ જ કારણસર વાપર્યો છે કે નહીં, પણ મારા માટે સંભોગની પ્રક્રિયાને તેમણે સમાધિની કક્ષાએ પહોંચાડી છે. એ જ કાવ્યમાંની બીજી એક પંક્તિ ય મને સ્પર્શી ગઈ તે હતી, 'આ બધું મને એટલું ગમે છે, એટલે હવે હું પણ મને ગમવા માંડી છું.'

આધ્યાત્મિક લખાણોમાં આપણે વાંચીએ છીએ કે 'સૌ પ્રથમ પોતાને પ્રેમ કરતાં શીખો, તો જ બીજાને પ્રેમ આપી શકશો.' પન્નાબહેન માટે પોતાને ગમવાનું કારણ ભલે બીજું છે, પણ એમાં આધ્યત્મિક્તાની થોડી છાંટ કદાચ છૂપાઈ હશે ? એ છાંટ વિશે ત્યારે મને વિચાર નહોતો આવ્યો, પણ હવે વિલાસબહેનના રંગે રંગાઈ છું, અને ઉંમરલાયક થઈ છું, એટલે આવે છે.

પ્રેમની પરાકાષ્ટાને પોરસતી એ જ કવયિત્રી ઘેલછાભર્યા પ્રેમ માટે ટકોર પણ કરી જાણે છે ઃ

પાંદડી વાયરાને વળગી શું કામ ?
વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?

અને વળી ક્યારેક પુરુષપ્રધાન સમાજમાં પત્નીને જે રીતે પતિનો પડછાયો થઈને રહેવું પડે છે, તેને પડકાર આપવામાં પણ પન્નાબહેને પાછું જોયું નથી. મને પ્રિય તેમનું આ કાવ્ય માયા એનજેલુની કૃતિ Phenomenal Woman ની ઝાંખી કરાવે છે.

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,

ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઇચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજૂર નથી.

 

પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હામાં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

 

માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું,
માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું,
મને આવું પીગળવાનું મંજૂર નથી.

 

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.

 
તો વળી આ કાવ્યમાં કોઈ વિધવાની વ્યથાનો ભાસ થાય છે. એક લોકગીતના શબ્દો લઈ, એક નવી જ ભાવના અહીં વર્ણવી છે.
 

સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું
આંખની સામે જે ચહેરો હતો
એ ચહેરાને હું તો ખોળ્યાં કરું.

 

બારણાની બ્હાર આ રસ્તો પડયો છે
પણ ચાલવાનું મન મને થાતું નથી.
ક્યારનો ઉજાગરાનો દીવો બળે ઃ
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.

 

હાલ આસ્થા ચેનલ પર, ‘અસ્મિતા પર્વ’ સમયે, બિન્દુ ભટ્ટની અખેયપાતર નવલકથાના સર્જન વિશે તેમણે જે કહ્યું તે હું સાંભળતી હતી. તેમાંથી પન્નાબહેનની સર્જક્તા વિશે એમનાં અમુક વિચારો અપનાવી શકાય તેમ મને લાગ્યું. બિન્દુબહેન કહે છે કે ‘શેરીએ શેરીએ પતિ હોવા છતાં જીવનની ધાર જીરવી રહે છે, એવી કેટલીયે સતીઓ છે.’ અહીં એવી સતીઓને, એ પરિસ્થિતિમાંથી છૂટવા માટે, પન્નાબહેન આમ કહી પ્રોત્સાહન આપવા માગે છે.

સતી નામના કાવ્યમાં તેમણે લખ્યું છે ઃ

પતિને પરમેશ્વર માનનારી

હું સતી સ્ત્રી નથી.

અને એટલે જ

પતિના અવસાન પછી

રદ્દ થઈ ગયેલા અસ્તિત્વમાં

મૂરઝાયેલા ફૂલ જેમ જીવી જઈ

શેષ આયુષ્ય વીતાવવાના

આપણા ઉત્કૃષ્ટ રિવાજને

હું

વધાવી શકતી નથી.

હું

સ્વર્ગે જઈશ

એવી કોઈ ગણતરી  

મારા ગણિતમાં છે જ નહીં !

બિન્દુ બહેને કહ્યું કે દરેક સ્ત્રી એક અક્ષયપાત્ર છે, તેમાં સુંદરતા, સ્વાદ, કળા, પકૃતિ માટે જે રુચિ છે, તે અવર્ણનીય છે. અને પન્નાબહેનનાં કાવ્યોમાં આવાં આવાં સ્ત્રી સુલભ પાસાં આવરી લેવાયાં છે. સમયની મર્યાદાને ખ્યાલમાં રાખી, એ બધાંને હું અડી નથી શકતી.
 
સુરેશ દલાલે કહ્યું છે તેમ, પન્નાબહેનની કવિતામાં, વેદના અને સંવેદના, વહાલ અને વસવસો સંપીને રહે છે. તેમની કૃતિઓ તૄપ્તિના અહેસાસની કવિતા છે, અલ્લડ સ્ત્રીનો ઉદ્દગાર નથી, તેમાં તરસનો તહેવાર છે, ખુમારીનો ઉધ્ધાર છે. હું ઉમેરીશ કે તેમાં સ્ત્રીત્વનો ઉત્સવ છે.
 
એમના એક ગદ્ય પદ્યમાં પન્નાબહેન લખે છે :
 
‘મારામાં એક ટોળું વિરાટ સમુદ્રના પાણીની જેમ ધસમસી આવે છે અને અહીંથી તહીં, તહીંથી અહીં રહીરહીને મને ફંગોળે છે. કોઈ કોણી મારે છે, કોઈ ધક્કા. કોઈ મને ઉપાડે છે, કોઈ પછાડે છે. મને ક્યાંય કોઈ જંપવા દેતું નથી. આ ભીડ મારી પોતાની છે. આ મારી જ ભીડમાં હું ખોવાઈ જાઉં છું. ખવાઈ જાઉં છું. હું મારા એકાંતના નીડમાં પાછી વળી શક્તી નથી. કપાઈ ગઈ છે મારી પાંખ. આંધળી થઈ ગઈ છે મારી આંખ, ગહનઘેરા અંધકારમાં હું મને ફંફોળું છું પણ કેમે કરીને હું મને મળતી નથી, મળી શક્તી નથી.’
 
પણ વર્ડસ્વર્થે કહ્યું છે કે  Poetry is the spontaneous overflow of powerful feeling, recovered in tranquility. કવિતા એ તીવ્ર લાગણીઓનો સ્વયંસ્ફૂર્ત ઊભરો છે, જે સંપૂર્ણ શાંતિમાં ડૂબી જઈને જ અંકુશમાં લાવી શકાય છે.
 
ભલે અહીં પન્નાબહેને લખ્યું છે કે ‘મારા એકાંતની નીડમાં પાછી વળી નથી શકતી’, પણ એ જાતની લાગણીનો અનુભવ લેવા પણ તેમને એકાંતમાં ઉતરવું પડતું જ હશે.
 
એક સર્જક તરીકે તેમણે એ tranquility - પરમ સ્થિરતા, સંપૂર્ણ શાન્તિમાં ડૂબી જઈને જ આવાં સર્જનો કર્યાં હશે. જેને પ્રકૄતિ પ્રત્યે આટલો પ્રેમ હોય, તેને ઘોંઘાટની વચ્ચે પણ, આંતરમુખ થઈ, મનોભાવોને હૃદયના એક ખૂણામાં છૂપાઈ રાખતાં આવડતું જ હશે. સીતાજીને સખીઓએ પૂછ્યું કે તમે આટલા બધા દિવસો અશોકવાડીમાં રહ્યાં, તો અમને કહો કે રાવણ કેવો દેખાય છે. સીતાજી કહે છે ‘મેં તો ફક્ત તેના પગનો અંગૂઠો જ જોયો હતો’, છતાં પણ સખીઓના આગ્રહથી તે રાવણનું ચિત્ર દોરે છે. બિન્દુબહેન કહે છે, 'એ ચિત્રનો રાવણ આગવો જ હશે.' સર્જકનું પણ એવું જ છે તેમને એક આવો અંગૂઠો મળે છે અને તેમાંથી એ કશુંક અદ્દભુત સર્જન કરી શકે છે.
 
પન્નાબહેને મા વિશે પણ કાવ્યો લખ્યાં છે, કેમ કે સંવેદનાનું સૂત્ર મા સાથે જોડાતું હોય છે. માના ખોળામાં જે વિસામો મળે છે, તે બધી વ્યાધિ-ઉપાધિને નષ્ટ કરી શકે છે. સૂરક્ષેત્રની એક સ્પર્ધામાં મહેશ ભટ્ટ એક ગાયકને કહે છે 'તારી ગાયકીમાં આત્મા પૂરવા માટે માના ખોળામાં સૂતાંસૂતાં જે ખામોશી - tranquilityનો અહેસાસ તું કરે છે, એ ખામોશીને યાદ કરી, રાત્રે એકાંતમાં કોઈના માટે નહીં ફક્ત તારા જ માટે તું ગાજે. પછી જોજે તેમાં શું માધુર્ય આવે છે.' તેવી જ રીતે આ કવયિત્રી પણ વચ્ચે વચ્ચે માના ખોળાનો આસરો લઈ, પોતાનું સર્જન કરતી હશે એવું હું માનું તેમાં અતિશયોક્તિ નહીં જ હોય.
અહીં મને કવિ રણછોડદાસની આ પંક્તિઓ પણ યાદ આવે છે

દિલમાં દીવો કરો રે દીવો કરો

દયા દીવેલ, પ્રેમ પરણાયું લાવો,


માંહી સુરતાની દીવેટ બનાવો;


મહીં બ્રહ્મઅગ્નિ પ્રગટાવો રે ... દિલમાં દીવો કરો

માનવ પાસે પોતાનો આંતરિક દીવો પ્રગટાવવા માટે બધી સામગ્રી હશે – દયાનું દીવેલ, પ્રેમનું પરણાયું અને સુરતાની દીવેટ - પણ દીવાને બ્રહ્મઅગ્નિથી એ પેટાવશે નહીં, ત્યાં સુધી તેમાંથી પ્રકાશ ઉત્પન્ન નહીં થાય. તે જ રીતે પન્નાબહેન સંવેદનશીલ કૃતિઓ સાથેસાથે, દરરોજની સામાન્ય વસ્તુઓ પર પણ, હૃદયસ્પર્શી કાવ્યો લખી શકે છે, પછી તે છત પરનો કરોળિયો હોય કે કપડે ચોટ્યું ઘાસ હોય કે પછી ભીંત પર પડતો સવારનો તડકો હોય કે કરમાયેલો તુલસીછોડ હોય. તેમની કલમ હેઠળ એ બધાં કવિતા બની જાય છે, કેમ કે આ કવયિત્રીમાં એક કારીગરની કળા અને આત્મા વસેલાં છે. તેમણે કવિતારૂપી દીવો પ્રગટાવવા એકઠી કરેલી સામગ્રીઓ - વિચારો, લાગણીઓ, સંવેદનાઓ, આસપાસની ઝીણી ઝીણી વસ્તુઓ, માનવસંબંધો - ને સુંદર રીતે ગોઠવીને તેમાં બ્રહ્મઅગ્નિને પેટાવ્યો છે; તેમાં પોતાનો આત્મા રેડ્યો છે, એટલે જ એમની કૃતિઓ ઉત્કૃષ્ટ છે.

એવાં એ મારાં સખી પન્નાબહેનને, તેમના આગામી ૮૦મા વર્ષગાંઠ નિમિત્તે, અત્યારથી જ, અભિનંદન પાઠવું છું; અને પ્રભુ તેમને સુંદર સ્વાસ્થ્ય સહિતનું દીર્ઘાયુ અર્પે એવી પ્રાર્થના કરી વંદુ છું.

e.mail : [email protected]

(અમેરિકી દ્વૈ સર્જક પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીના અતિથિ વિશેષપદે, 5 મે 2013ના રોજ, 'ગુજરાતી સાહિત્ય અકાદમી'ના 'અાંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ'ના અવસરે રજૂ કરાયેલું વક્તવ્ય)

Category :- Diaspora / Literature