HISTORY

- 1 -

કેન્યાના અંગ્રેજ સામ્રાજ્યશાહી વિરોધી સંઘર્ષમાં અનેક દેશપ્રેમી એશિયન કેન્યાવાસી પત્રકારો, સંપાદકો, પ્રકાશકો, મુદ્રકો તેમ જ ચોપડી બાંધનારોએ ઘણો મોટો ફાળો આપેલો છે. આપણે પહેલાંના લેખોમાં મણિલાલ દેસાઈ, અંબુભાઈ પટેલ, પીઓ ગામા પીંટો અને મખનસિંહ વિશે જાણ કરી છે. આ સિવાય બીજા પણ ઘણા રષ્ટ્રભક્તોએ આ લડતમાં ભાગ લીધેલ, આ લડત હતી અંગ્રેજ શાસન સત્તાની જાતિય અને રંગ ભેદભાવની રાજ્યનીતિને પડકાર દેતી લડત અને દેશની આઝાદીની લડત.

આ દેશપ્રેમીઓના બાપદાદાઓ ભલે ભારત અથવા પાકિસ્તાનથી આવેલા, પરંતુ તેઓની માન્યતા હતી કે એશિયન કેન્યાવાસીઓની વફાદારી કેન્યા પ્રત્યે પહેલી હોવી જોઈએ. આનો મતલબ એમ ન થયો કે આપણે આપણી અસલિયત ભૂલી જઈએ. આપણે આપણી સંસ્કૃિત, આપણી ભાષાઓ વગેરેને ઉત્તેજન આપવું જોઈએ પણ એ સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જે દેશમાં આપણે જન્મ લઈએ એ દેશ આપણો, અહીંની હવા અને અહીંનાં અન્નપાણીથી આપણે પોષાયા, એટલે આ દેશ તરફની ભક્તિ, એના તરફની વફાદારી એ આપણી ફરજ છે. આવી માન્યતા રાખવાવાળા આ દેશપ્રેમીઓ કેન્યાના ગોરા વિરોધી આંદોલનમાં પરોવાઈ ગયા. આ સાથે ભારતમાં જે સામ્રાજ્યશાહીની સામે સંઘર્ષ ચાલી રહ્યો હતો તેની સાથે પણ સંબંધ રાખ્યો. બન્ને દેશોની લડતના દુ:શ્મન એક હતા : અંગ્રેજ સામ્રાજ્યવાદ.

પત્રિકા કે ખબરપત્ર દ્વારા પરદેશી શાસન સત્તાને પડકાર કરવાવાળા સૌપ્રથમ કેન્યાવાસી એશિયન સીતારામ આચાર્ય હતા. તેઓ 1912માં દક્ષિણ ભારતથી પૂર્વ આફ્રિકા આવ્યા. અહીં તેઓએ રેલવેમાં અને અંગ્રેજ લશ્કરમાં ટેલિગ્રાફરનું કામ કર્યું. ભારતમાં તેમ જ દુનિયાના બીજા મુલકોમાં વસેલા ભારતીયોએ ભેગા મળી સામ્રાજ્ય સરકારને પડકાર કરવા માટે એક છૂપો રાજકીય પક્ષ શરૂ કરેલ, આનું નામ હતું ગદ્દર પક્ષ. આ પક્ષની માન્યતા હતી કે બિનહથિયારી લડતથી પરદેશી કબજો આપણા દેશોમાંથી નહિ નીકળે. આ કામ કરવા માટે સશસ્ત્ર બળવો પોકારવો પડશે.

ગદ્દર પક્ષની પૂર્વ આફ્રિકાની શાખાના નેતા આચાર્ય હતા. પહેલી વિશ્વ લડાઈ દરમ્યાન તેઓએ એક છૂપું ખબરપત્ર છપાવી અને તેની વહેંચણી કરી. આ વાતની જાણ ગોરાઓને થતા તેઓએ આચાર્યને દેશનિકાલ કર્યા અને પંજાબમાં તેઓને નજર કેદ રાખ્યા. જ્યારે 1915ની અંતમાં તેઓ પકડાયા ત્યારે અંગ્રેજોને બરાબર જાણ ન હતી કે આ પક્ષનું કામ અહીં કેટલું બધું ફેલાઈ ગયું હતું. આ બાદ જે ગદ્દર પક્ષના સભ્યો પકડાયા તેઓને તો ફાંસી સુધીની સજા થયેલ. બે કેન્યાવાસી એશિયનો 1916માં ફાંસીને માંચડે ચઢ્યા અને બીજા ત્રણને બંદૂકથી મારી નાખવામાં આવેલ. આ સિવાય આઠ માણસોને છ મહિનાથી લઈ ચૌદ વરસની જેલની સજા કરવામાં આવેલ અને એ ઉપરાંત વીસ માણસોને દેશમાંથી બળજબરીથી કાઢી મુકવામાં આવેલ. આ શૂરવીરો ઉપર આક્ષેપ મૂકવામાં આવેલ કે તેઓ પાસે ગુપ્ત પત્રિકાઓ મળેલ હતી કે જેમાં સામ્રાજ્ય વિરોધી માહિતી હતી અને તેઓએ જનતાને અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેર્યા હતાં.

વિશ્વ યુદ્ધ પૂરું થયા પછી સીતારામ આચાર્ય પાછા કેન્યા આવ્યા અને 1923માં તેઓએ મણિલાલ દેસાઈ અને એન. એસ. ઠાકુર સાથે મળી અંગ્રેજી ભાષામાં ‘ડેમોક્રેટ’ નામનું એક છાપું શરૂ કર્યું. આ છાપામાં તેઓએ સામ્રાજ્ય શાસન સત્તાની અન્યાય ભરેલી વર્તણૂકની જાહેરાત આપી અને આફ્રિકી અને કેન્યાવાસી એશિયનોની લડતને જોરદાર ટેકો આપ્યો. દેશમાં વિલાયતી વસાહતોનાં છાપાઓમાં જે ખોટો પ્રચાર પ્રગટ થતો, તેની સામે તેઓએ ‘ડેમોક્રેટ’માં ખરી હકીકત પ્રજા સામે રજૂ કરી. આ સિવાય તેઓએ પોતાના ખબરપત્રનું જે પ્રિન્ટિંગ પ્રેસ હતું તેમાં આફ્રિકી છાપાંઓ અને પત્રિકાઓ છાપવાનું કામ પણ કર્યુ. આ છાપાઓમાં કીકુયુ સેન્ટ્રલ એસોશિયેશનનું ‘મ્વીગ્વીથાન્યા’નો સમાવેશ થાય છે. આના સંપાદક મ્ઝે જોમો કેન્યાટા હતા.

ગિરધારીલાલ વિદ્યાર્થી

જેઓનું મૃત્યુ 31 જુલાઈ 1985માં થયેલ, એ એક બીજા દેશપ્રેમી પ્રકાશક હતા. તેઓનો જન્મ ઓગષ્ટ 1907માં નાઈરોબીમાં થયો હતો. 1930માં તેઓએ હિંદી-ઉર્દૂ-અંગ્રેજી સાપ્તાહિક ‘મિત્રો’ અને 1933માં ગુજરાતી-અંગ્રેજીમાં છપાતું ‘કોલોન્યલ ટાઈમ્સ’ શરૂ કર્યાં. આ છાપું લગભગ ત્રીસ વરસ સુધી છપાયું. આ સિવાય આફ્રિકી જનતા સુધી સામ્રાજ્યશાહીઓના પ્રચાર વગરના સમાચાર પહોંચે તે માટે કિસ્વાહીલી ભાષામાં 1933માં ‘હબારી ઝા ડુન્યા’ (‘દુનિયાના સમાચાર’) અને 1952માં ‘જીચો’ (‘આંખ’) નામના સાપ્તાહિક ખબરપત્રો પણ પ્રસિદ્ધ કરવાનું શરૂ કરેલ. આ બન્ને કિસ્વાહીલી છાપાંઓમાં જે ગોરાઓની ગેરવ્યાજબી રાજ્યનીતિ વિષે સમાચાર છપાતા તે પરદેશી શાસન સત્તાને પસંદ ના પડ્યું. તેથી તેઓએ ‘હબારી’ને 1947માં અને ‘જીચો’ને 1962માં બંધ કરવાની ફરજ પાડી.

પોતાના છાપાઓ પ્રસિદ્ધ કરવાની સાથે સાથે વિદ્યાર્થીએ બીજા આફ્રિકી દેશપ્રેમીઓના ખબરપત્રો પણ છાપવામાં મદદ કરેલ. દાખલા તરીકે એક નેતા જેમ્સ બ્યુટાહસે તેઓ વિષે નીચે મુજબ લખ્યું છે :

“1937માં મે એક ખબરપત્ર પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું કે જેનું નામ હતું ‘મુથીથુ’ (‘ખજાનો’) જો વિદ્યાર્થીએ મને મદદ ન કરી હોત તો આ છાપું કદી પ્રગટ ન થાત. અમારી પાસે છપાવવા માટે પૈસા ન હતા. તેઓએ અમારા માટે બધું કમ્પોઝીંગનું તેમ જ છાપવાનું કામ કર્યુ. આમાં તેઓને ન કોઈ પૈસાની લાલચ હતી કે ન કોઈ અંગત સ્વાર્થ. તેઓને ફકત એમ જોઈતું હતું કે આફ્રિકીઓને પોતાના હકોની માંગ કરવાનો મોકો મળે.”

આ સિવાય જુદા જુદા વખતે વિદ્યાર્થીના કોલોન્યલ પ્રિન્ટિંગ વર્કસે બીજા ઘણા ખબરપત્રો છાપ્યા. આમાં ‘લુઓ મેગેઝીન’ 1937માં અને 1940-50ના દાયકા દરમ્યાન લુઓ ભાષામાં ‘રામોગી’ અને કીકુયુમાં ‘મુમેન્યેયેરે’નો સમાવેશ છે.

સૌજન્ય : “અલક મલક”, માર્ચ 1986; પૃ. 6-7 

- 2 -

એક બીજા કેન્યાવાસી એશિયન દેશપ્રેમી, હારુન અહમ્મદના સંપાદન નીચે ‘કોલોન્યલ ટાઈમ્સે’ એક જોરદાર પરદેશી હકૂમત વિરુદ્ધી ઝુંબેશ ઉપાડેલ. ઘણી શોષણખોરી અને જુલમી રાજ્યનીતિઓ સામે પડકાર કર્યો. દેશમાં જાતિય અને રંગભેદભાવની વર્તણૂક, આફ્રિકી ખેતીવાડીની જમીન બળજબરીથી ઝૂંટી લેવી, દેશની લેજસ્લેટીવ કાઉન્સિલમાં આફ્રિકી પ્રતિનિધિત્વ ન હોવાનું અને કેન્યાવાસી એશિયનોનું પ્રતિનિધિત્વ વિલાયતી વસાહતો કરતાં ઘણું ઓછું, મજૂરોની સંસ્થાઓને નાબૂદ કરવી અને તેઓના હકોની માંગને દબાવી દેવાની કોશિશ, આફ્રિકી મજૂરોને બળજબરીથી સરકારી નોંધણીપત્રકો ગળામાં તાંબાની ડબલી(કીપેડ)માં પહેરવા.

આવા અનેક સામ્રાજ્યશાહીઓના જુલમોના સમાચાર અને તેના વિરુદ્ધ અભિપ્રાય પ્રસિદ્ધ કરવાથી વિદ્યાર્થી તેમ્ જ તેઓના છાપાઓના પત્રકારો અને સંચાલકોને ગોરી સરકાર તરફથી ઘણી તકલીફો ભોગવવી પડેલ. જ્યારે 1945માં બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું ત્યારે અંગ્રેજ સરકારે ગોરા સૈનિકોને કેન્યા આવવાનું ઉત્તેજન આપ્યું અને તેઓને દેશના ફળદ્રુપ પહાડી પ્રદેશમાં હજારો એકરો જમીન આપી. પરંતુ જ્યારે આફ્રિકી સૈનિકો અંગ્રેજ લશ્કરમાં બર્મા તેમ જ ઉત્તર આફ્રિકામાં લડાઈમાં ભાગ લઈ જ્યારે દેશ પાછા આવ્યા ત્યારે તેઓને કોઈ પણ જાતનો બદલો કે ઇનામ ના મળ્યો. આવા ભેદભાવની સામે જ્યારે ‘કોલોન્યલ ટાઈમ્સે’ વાંધો નોંધાવ્યો ત્યારે વિદ્યાર્થી ઉપર મુકદ્દમો ચલાવવામાં આવ્યો અને તેઓને 2,000 શિલીંગનો દંડ ભરવો પડ્યો.

1946માં નાઈરોબી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રી ડબલ્યુ. એલ. સોહનએ ‘કોલોન્યલ ટાઈમ્સ’માં એક કાગળ લખેલ. આમાં તેઓએ અંગ્રેજ સામ્રાજ્યશાહી હકૂમત નીચેના મુલકોની રૈયત તરફ અંગ્રેજોની વર્તણૂકની સરખામણી જર્મનીના કોન્સન્ટેૃશન કેમ્પોમાં કેદીઓ સાથેની વર્તણૂક સાથે કરેલ. આ અભિપ્રાયને ગોરી અદાલતે રાજદ્રોહી ઠરાવી સોહનને અને વિદ્યાર્થીને ચાર-ચાર મહિનાની સખત કેદની સજા કરેલ. આ સાથે ‘કોલોન્યલ ટાઈમ્સ’ના એક સંચાલક, વન્શીદારને એક મહિનાની સખત કેદની સજા ભોગવવી પડેલ.

સોહને અદાલતમાં જે ન્યાય કરવાનો ઢોંગ થઈ રહ્યો હતો તેને પડકારતા કહ્યું : “હું માનું છું કે હું અંગ્રેજોનો ગુલામ છું. મારું એમ પણ માનવું છે કે દરેક ગુલામની પવિત્ર ફરજ છે કે તે પોતાની ગુલામીની હાલત સામે બળવો પુકારે. ગુલામ તરીકેની મારી ફરજ એમ પણ છે કે હું સર્વ ગુલામો પાસે બળવાનો સંદેશો પહોંચાડું. આમાં જ પીડાતી અને ગુલામી ભોગવતી માનવતાનો છુટકારો છે.”

જેલની બહાર નીકળ્યા પછી પણ સોહનએ સામ્રાજ્યશાહીઓની સામે ટક્કર લેવાનું ના મૂક્યું. આથી એક વખત જ્યારે તેઓ ભારત કોઈ કામ અર્થે ગયા અને જ્યારે પાછા આવવાનો પ્રયત્ન કર્યો, તો શાસન સત્તાએ તેઓને દેશમાં દાખલ થવાની મનાઈ કરી દીધી. અંગ્રેજ સરકારને સોહનથી ડરવાનું બીજુ કારણ એ હતું કે તેઓની કોશિશ હતી કે સામ્રાજ્ય વિરુદ્ધી ઝુંબેશમાં આફ્રિકીઓ અને કેન્યાવાસી એશિયનો હાથ મળાવીને કામ કરે. દાખલા તરીકે તેઓની આ કોશિશને કારણે નવેમ્બર 1944માં જે ઇસ્ટ આફ્રિકન નેશનલ કોંગ્રેસની સભા ભરાયેલ તેમાં કેન્યા આફ્રિકન સ્ટડી યુનિયનના પ્રમુખ જેમ્સ ગીચુરુ હાજર રહેલ. આની સામે અંગ્રેજ પદ્ધતિ હતી માણસને માણસથી અલગ કરીને શાસન કરવાની.

સૌજન્ય : “અલક મલક”, માર્ચ 1986; પૃ. 6-7

- 3 - 

1947માં ગુજરાતી-અંગ્રેજી ભાષાઓમાં છપાતું એક બીજું ખબરપત્ર ‘ડેઈલી ક્રોનિકલ’ શરૂ થયું. આના સંસ્થાપકો હારુન આહમદ, પીઓ ગામા પીંટો, પ્રાણલાલ શેઠ, ડી. કે. શારદા, મખનસિંહ, ચનન સિંહ અને લેજીસ્લેટીવ કાઉન્સિલના સભ્ય એ. બી. પટેલ હતા. મણિલાલ દેસાઈનું ‘ઇસ્ટ આફ્રિકન ક્રોનિકલ’ તેમ જ સીતારામ આચાર્યનું ‘ડેમોક્રેટ’નો જે સામ્રાજ્યશાહી વિરુદ્ધી પદ્ધતિનો દાખલો હતો તે ‘ડેઈલી ક્રોનિકલે’ અનુસર્યો. આ છાપાના સંપાદકો હારુન આહમદ અને પીંટો હતા.

માઉ માઉનો સ્વતંત્રતાની લડાઈ વિષે તપાસ કરવા માટે અંગ્રેજ સરકારે કોરફિલ્ડ નામના એક ગોરાની નિમણૂક કરેલ. કોરફિલ્ડે પોતાના વર્તમાન પત્રમાં ‘ડેઈલી ક્રોનિકલ’ વિષે લખેલ કે આ છાપાએ દેશની આફ્રિકી જનતાના હકોની માંગની લડતને જરા પણ પાછી પાની કર્યા વગર ટેકો આપેલ. અંગ્રેજ ગવર્નર ફિલીપ મીચલને આ ખબરપત્રના કર્મચારીઓની જે કેન્યા પ્રત્યે દેશપ્રેમની વર્તણૂક હતી, તેને અંગ્રેજ સામ્રાજય સામે રાજદ્રોહી જેવી લાગી.

1947થી 1950ના ગાળા દરમ્યાન આ છાપા ઉપર પચાસથી વધારે વખત રાજદ્રોહના આરોપ સબબ મુકદ્દમા કરવામાં આવેલ. 1947માં મોમ્બાસાના મજૂરોએ પોતાના હકોની માંગ કરતાં એક સાર્વત્રિક હડતાલ બોલાવેલ. ‘ક્રોનિકલે’ આ હડતાલને પૂરેપૂરો ટેકો આપ્યો. આ સાથે અંગ્રેજ સરકારે મજૂરો તેમ જ તેઓના નેતાઓ સામે જે સખત ગેરવ્યાજબી પગલાં લીધેલ તેની સામે પડકાર કર્યો. આ કારણસર ત્યારના સંપાદક હારુન આહમદને છ મહિનાની કેદ ભોગવવી પડેલ.

આ દેશપ્રેમીએ ‘કોલોન્યલ ટાઈમ્સ’ અને ‘ડેઈલી ક્રોનિકલ’માં એક પત્રકાર તરીકે જે લડત લડ્યા તે સિવાય રાજકીય સંઘર્ષ તેઓએ બીજા ક્ષેત્રમાં પણ ચાલુ રાખી. દાખલા તરીકે ઓકટોબર 1946માં તેઓએ ભારતીય યુવાન સંઘ(ઇન્ડિયન યુથ લીગ)ના આશ્રય હેઠળ એક ગંજાવર મોરચો યોજ્યો કે જેમાં દક્ષિણ આફ્રિકાના નાગરિકોની લડતને ટેકો આપવામાં આવેલ. મોરચા પછી જે સભા બોલાવવામાં આવેલ તેમાં અનેક નેતાઓ એ ભાષાણો કર્યાં તેમાં જોમો કેન્યાટા અને આહમદનો સમાવેશ હતો. આહમદની કોશિશ હતી કે અંગ્રેજ સામ્રાજ્યશાહી સામેની લડતમાં કેન્યાના આફ્રિકી અને એશિયાઈ લોકો સાથે મળી કામ કરે.

1953માં આહમદ હીરાભાઈ પટેલ નામના એક વકીલે સાથે મળી ગુજરાતી ભાષામાં ‘આફ્રિકા સમાચાર’ નામનું સાપ્તાહિક શરૂ કરેલ. આમાં પણ તેઓએ સર્વ નાગરિકોના હકોની બરાબરી અને લોકશાહીની જોરદાર માંગ કરવાનું ચાલુ રાખ્યું. એશિયન કેન્યનો વચ્ચે જે હિંદુ-મુસલમાનના ભેદભાવો ઊભા થયેલ તેને હટાવવાનો તેઓએ પ્રયત્ન કર્યો. આ સાથે દેશની આફ્રિકી અને એશિયાઈ જનતા વચ્ચેનું જુદાપણું પણ દૂર કરવાની તેઓની કોશિશ ચાલુ રહી.

આવા પત્રકારો સિવાય બીજા દેશપ્રેમી પ્રકાશકો અને મુદ્રકો પણ હતાં કે જેઓએ સામ્રાજ્યશાહીઓ સામેની લડતમાં પોતાના અંગત સ્વાર્થનો જરા્ પણ વિચાર ના કર્યો. દાખલા તરીકે વી. જે. પટેલ નામના એક પ્રકાશકે હેનરી મુઓર્યાના કીકુયુ ભાષાનું ખબરપત્ર ‘મુમેન્યેરેરે’ છાપવાના આક્ષેપ ઉપર જેલમાં ગયેલ. આ પછી જૂન 1950માં તેઓ તેમ જ શ્રીમતી બેસન્ત કૌર, અમરસિંહ અને તેમલ સિંહને એક મહિનાની કેદ થયેલ. આ વખતે તેઓ એક બીજા દેશપ્રેમી ખબરપત્રમાં અંગ્રેજ સરકાર વિરોધી લખાણ છાપવાનો આક્ષેપ હતો. આ છાપું હતું કે. સી. કમાઉ અને વિકટર મુરાગેનું ‘હીંડીયા ગીકુ યુ.’

એક બીજા દેશપ્રેમી પત્રકાર હતા ડી. કે. શારદા કે જેઓએ 1947-51 દરમ્યાન ‘ડેઈલી ક્રોનિકલ’માં કામ કરેલ. ત્યાર બાદ તેઓએ પોતાનું સાપ્તાહિક, ‘ટ્રીબ્યુન’ પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું. આ છાપામાં તેઓ રંગ અને જાતિય ભેદભાવ દૂર કરવાની જોરદાર માંગ કરેલ. તેઓની એમ પણ કોશિશ હતી કે એશિયન કેન્યનોની બિરાદરીના લોકોમાં જે હિંદુ, મુસલમાન અને ક્રિશ્ચન ધર્મોના ફાંટા પડેલ હતા, તે હટાડી દેવામાં આવે. તેઓને એમ પણ જોઈતું હતું કે સામ્રાજય સરકાર સામેની લડતમાં આફ્રિકી અને એશિયાઈ લોકો સાથે મળી અને રાજકીય પક્ષોની સ્થાપના કરે. આવી બધી એકતાની કોશિશોએ અંગ્રેજ શાસન સત્તાને ગભરાવી મૂકી એટલે 1952ના અંતમાં માઉ માઉના કટોકટીના કાયદાઓ હેઠળ ‘ટ્રીબ્યુન’નો અટકાવ કરવામાં આવ્યો.

આ બધા એશિયન કેન્યન દેશપ્રેમીઓ કે જેઓએ આપણા દેશની આઝાદીની લડતમાં પૂરેપૂરો અને નિસ્વાર્થ ભાગ લીધેલો તેઓ આપણા માટે ગર્વ પાત્ર છે. દેશ પ્રત્યેની લાગણી અને વફાદારીનો જે દાખલો તેઓ આપણા માટે રાખી ગયા છે તેનું પાલન કરવું એ આપણી ફરજ છે

જય કેન્યા

સૌજન્ય : “અલક મલક”, માર્ચ 1986; પૃ. 6-7

Category :- Diaspora / History

દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓનાં જીવન ચરિત્ર - 1

અંબુભાઈ પટેલ 

અંબુભાઈ પટેલનો જન્મ 1919માં ગુજરાતના ભાદરણ ગામમાં થયો હતો. નાની ઉંમરથી તેઓએ ભારતની આઝાદીની લડતમાં ભાગ લીધેલ્ો. 14 વરસની ઉંમરે તેઓએ જેલની યાત્રા કરેલી. ત્યાર બાદ બીજી બે વખત અંગ્રેજી સામ્રાજ્યશાહીઓ એ તેઓની ધરપકડ કરી જેલ ભેગા ય કરેલા.

12-13 વરસની વયે તેઓએ એક ફોટોગ્રાફર સાથે સ્વતંત્રતા આંદોલનનું કામ શરૂ કર્યું. ગુજરાતમાં જ્યાં જ્યાં દેશપ્રેમીઓ હડતાલ પાડે, મોરચાઓ કાઢે અને ત્યાં પરદેશી પોલીસ ફોજીઓ તેઓ ઉપર ક્રૂરતાથી લાઠીમાર કરે ત્યારે છુપાઈને તેઓના ફોટા પાડી દેશભરના અખબારોને પહોંચાડે.

અંભુભાઈએ ગાંધીજીના સાબરમતી આશ્રમમાં ત્રણ વર્ષ ગાળ્યા અને ત્યાં બીમારોની સેવા કરી. ત્યાર બાદ જ્યારે ગાયકવાડના મુસલમાન કાગળ બનાવનારાઓએ ગાંધીજીના કહેવા પર એક શાળા શરૂ કરી, ત્યારે તેઓએ ત્યાં બે વરસ કાગળ બનાવવાનો અને ચોપડી બાંધવાનો અભ્યાસક્રમ કર્યો.

1943માં તેઓના લગ્ન પૂર્વ આફ્રિકાના રહેવાસી લીલાબહેન સાથે થયા. લગ્ન બાદ તેઓ થોડો વખત યુગાન્ડા રહેવા ગયા અને 1946માં નાઈરોબી આવ્યા. ભારતથી સાથે લઈ આવેલી ચોપડીઓ તેઓએ રસ્તામાં ઊભા રહી અથવા તો ઘરે ઘરે જઈ વેચી પોતાનું ગુજરાન ચલાવ્યું. થોડા વખત પછી ‘જય હિંદ બુકશોપ’ ખોલી.

1948માં ભારતના કેન્યા ખાતેના એલચી, આપા પંત સાથે મળી કયામ્બુના જિલ્લામાં એક કાંતવા અને કાપડ વણવાની શાળા ખોલી. ઉકામ્બાનીમાં પાણીની અછત દૂર કરવા તેઓએ ત્યાંના ખેડૂતો સાથે મળી કૂવાઓ ખોદ્યા, જે આજે પણ ત્યાંની વસ્તીને પાણી પૂરું પાડે છે.

ભારતની આઝદીની લડતનો અનુભવ ધરાવતા અંબુભાઈએ કેન્યાની સ્વતંત્રતા માટે લડી રહેલા આફ્રિકનો સાથે મળી આ લડતમાં પૂરેપૂરો ભાગ લીધો. કેન્યા આફ્રિકન યુનિયનના નેતાઓ (જેવા કે, મઝે જોમો કેન્યાટા, મ્બીયુ કોઈનાંગે, આચીયેંગ ઓનેકો, વગેરે) અને સામાન્ય સભ્યો સાથે ભળીને કામ કર્યું. સામ્રાજ્યશાહી વિરોધી આંદોલનમાં બીજા એશિયન કેન્યાવાસીઓ જેવા કે મખનસિંહ, પીઓ્ ગામા પીંટો, ગિરધારીલાલ વિદ્યાર્થી સાથે તેઓએ ભળી આ લડત આગળ ચલાવી.

1952માં જ્યારે આઝીદીની હથિયારબંધ લડાઈ શરૂ થઈ, ત્યારે તેઓએ હથિયાર, અનાજ, કપડાં તેમ જ પૈસા ભેગા કરી માઉ માઉ આંદોલનના સ્વતંત્રતાના સૈનિકોને લડાઈના ઇલાકામાં મોકલવાનો બંદોબસ્ત કર્યો. ઘણીવાર તેઓએ લડવૈયાઓને અંગ્રેજી પોલીસ અને લશ્કરના પંજામાંથી બચાવવા પોતાના ઘરમાં અથવા તો દુકાનમાં છુપાવ્યા. અંગ્રેજી પોલીસે અનેક વખત તેઓના ઘરની અને દુકાનની તલાશી લીધી પણ એકદમ કાળજી રાખવાવાળા અંબુભાઈએ તેઓના હાથમાં કાંઈ પણ પુરાવો ન આવવા દીધો.

ઘણીવાર એવું પણ બન્યું કે કોઈ માઉ માઉના લડવૈયાઓ ઘરમાં હોય અને પોલીસની ધાડ પડે. ઘરના પાછળના ભાગમાં તેઓ કોલસાની ગુણીઓ રાખતા, જલદીથી તેઓ આ લડવૈયાઓને આ ગુણીમાં સંતાડી દે. તપાસ લેતાં ફિરંગી પોલીસને કાંઈ જ ન મળતાં નિરાશ થઈ પાછું જાવું પડે.

કેપેન્ગુર્યાનો મુકદમો કે જેમાં જોમો કેન્યાટા, આચીયેંગ ઓનેકો, બીલ્દાદ કાગીઆ, થુબું કરુમ્બા અને પોલ ન્ગેને ખોટા આક્ષેપ ઉપર જેલની સજા થયેલી. કેસ જ્યારે પૂરો થયો ત્યારે સરકારે અદાલતનો ચુકાદો જાહેર કરવાની મના કરી. અંબુભાઈ અને પીંટોએ ભેગા મળી આ ચુકાદાને આમ જનતા અને આંતરરાષ્ટ્રીય જનતા સમક્ષ પેશ કરવાની એક છૂપી યોજના તૈયાર કરી. આ 100 પત્તાના ચુકાદાની ગુપ્ત રીતે 300 નકલો છાપી. 250 નકલોને ટપાલ દ્વારા અનેક દેશોના નેતાઓને અંગ્રેજી સરકારના જ કવરમાં નાખી મોકલ્યા. બીજી 50 નકલોની વહેંચણી છૂપી રીતે દેશમાં કરી. આવી રીતે દુનિયાને આ બેઇન્સાફી અને બિનપાયેદાર મુકદ્દમા વિશે જાણ થઈ.

આ કટોકટીના સમય દરમિયાન દેશની હાલત વિશેના સર્વ સમાચાર અંગ્રેજી સામ્રાજ્યશાહી સરકાર મારફત નીકળતા એટલે તે એકપક્ષી હતા. આવા ખોટા સમાચારનો વિરોધ કરતા અને દેશની જનતાને લડાઈના બારામાં સાચા ખબર પહોંચાડવામાં અંબુભાઈએ નાઈરોબીના માઉ માઉના અનેક લડવૈયાઓના ફોટા પાડી, તેઓએ શહીદી વહોરી લીધી. ત્યારબાદ તેઓની યાદી તાજી રાખવાનું શક્ય કર્યું. જ્યારે મોતને આંગણે આવા લડવૈયાઓ ઊભા હોય અને તેઓના સામ્રાજ્યશાહીઓની અદાલતોમાં મુકદ્દમા ચાલતા હોય, ત્યારે અંબુભાઈ પોતાનો કેમેરો લઈ અદાલતમાં પહોંચી જાય. ન્યેરીમાં 1957માં જયારે ફિલ્ડ માર્શલ ડેડાન કીમાથીનો મુકદ્દમો ચાલી રહ્યો હતો ત્યારે આઝાદીની લડતના આ મશહુર નેતાનો ફોટો તેઓએ પાડેલો. આ ફોટો હજી સુધી દેશના અનેક ગામના રસ્તે રસ્તે વેચાઈ રહ્યો છે અને અનેક કેન્યાવાસીઓના ઘરે જોવા મળે છે.

1955-1963 દરમિયાન એક બાજુ આઝાદીની લડત હથિયાર સાથે ચાલી રહી હતી, બીજી તરફ હતી કાયદેસરની લડત. આ લડતના વડાઓમાં આફ્રિકી નેતાઓ ઓગીન્ગા ઓડીન્ગા, ટોમ મ્બોયા વગેરે, અને એશિયન કેન્યાવાસીઓ કે. પી. શાહ, ચનન સિંહ વગેરેનો સમાવેશ હતો. આ લડતમાં પણ અંબુભાઈએ પાછી પાની ના કરી અને આ બીજા નેતાઓ સાથે મળી રાજકીય આંદોલનને સફળ બનાવવામાં અનેક ભોગ આપ્યા.

1960-61 દરમ્યાન અંબુભાઈએ એક નવી ઝુંબેશ ઉપાડી : કોઈ પણ કાનૂની કાર્યવાહી વગર અંગ્રેજ સરકારે હજારો કેન્યાના નાગરિકોને કેદમાં રાખેલ તેઓની મુક્તિ ઝુંબેશ. આ કામ માટે દેશપ્રેમી કેન્યાવાસી એશિયનો પાસેથી પૈસા એકઠા કર્યા. દેશ દેશના નેતાઓને કાગળ દ્વારા અરજી કરી કે તેઓ અંગ્રેજ સરકારને દબાણ કરે. કેદીઓની મુક્તિની માંગનો પડકાર કરતાં ભીંતપત્રો છપાવી રસ્તે રસ્તે ચોંટાડ્યા. મુક્તિની માંગ કરતાં પત્રો પર હજારો સહીઓ એકઠી કરી અનેક મોરચા રચ્યા. 

આઝાદીના આ બધા કામમાં અંબુભાઈને લીલાબહેનનો પૂરેપૂરો સાથ હતો. બંનેને આ લડતમાં કોઈપણ જાતનો અંગત સ્વાર્થ ન હતો. દેશની સ્વતંત્રતા અને આમ જનતાના હિતમાં કામ કરવું એ જ તેમનો ઉપદેશ અને તે જ તેઓનો ધર્મ. જો તેઓ ઇચ્છતા હોત તો ઘણી મૂડી કમાઈ શકત, પરંતુ તે માટે પોતાના નિ:સ્વાર્થ સિદ્ધાંતો અને દેશભક્તિની લડત છોડવી પડત. આમ કરવા આ દેશપ્રેમી જોડી જરા ય તૈયાર નહતી. એટલે જ આખી જિંદગી તેઓએ ગરીબીમાં કાઢી.

1963માં કેન્યાને સ્વતંત્રતા મળતાં અંબુભાઈ પાછાં પોતાના ચોપડી બાંધવાના ધંધામાં લાગી ગયા. તે સાથે દેશના ઇતિહાસ વિશે ચોપડીઓ, છાપાંનાં લખાણો અને ફોટાઓ (ઓક્ટોબર 1962માં કટોકટીના સમયને શરૂ થયાને દસ વરસના પ્રસંગે અંબુભાઈએ 1890થી ચાલુ થયેલો સામ્રાજ્યશાહી વિરુદ્ધની લડાઈના જે પોતાની પાસે ફોટાઓનો સંગ્રહ હતો તેનું એક ભવ્ય પ્રદર્શન યોજ્યું.) ભેગા કરવાનો જે પહેલેથી શોખ હતો તે માટે હવે તેઓએ વધારે વખત આપ્યો. આ સાથે ઐતિહાસિક લખાણ લખવાનું પણ ચાલુ રાખ્યું.

1954-55 દરમ્યાન તેઓએ જોમો કેન્યાટાની ‘માય પીપલ ઑફ કીકુયુ’ અને ‘કેન્યાઝ સ્ટ્રગલ ફોર ફ્રીડમ’નો તરજુમો ગુજરાતીમાં કર્યો. તેઓએ ન્યુ કેન્યા પબ્લિશર્સ નામ હેઠળ પ્રકાશકનું કામ શરૂ કર્યું. અને ‘જોમો ધી ગ્રેટ’ અને 12 ડિસેમ્બર 1963 એટલે કે આઝાદીના જ દિવસે, ‘સ્ટ્રગલ ફોર રીલીઝ જોમો કેન્યાટા એન્ડ હીઝ કલિગ્ઝ’ નામનાં પુસ્તકો બહાર પાડ્યા. ત્યાર બાદ ‘એડીન્ગા ઇન ઇન્ડિયા’ અને પીંટોના દુ:ખદ મૃત્યુ બાદ ‘પીઓ ગામા પીન્ટો’, ‘ઇન્ડિપેન્ડન્ટ કેન્યાઝ ફર્સ્ટ માર્ટીર’ બહાર પાડ્યા.

અંબુભાઈને કવિતા લખવાનો પણ શોખ હતો. તેઓએ એક કવિતા કિસ્વાહિલી અને કીકુયુ ભાષાઓમાં કીમાથી અને બીજા આઝાદીના શૂરવીરોની શાનમાં લખેલ. આ કવિતા તેઓ એક ગુજરાતી ગીતના રાગમાં ગાતા. એક વખત બીબીસીના એક ખબરપત્રીએ આનું રેકોર્ડિંગ કરેલ અને પછી રેડિયો દ્વારા આખી દુનિયામાં પ્રસારિત કર્યું. 

અંબુભાઈનાં છપાયેલાં લખાણો સિવાય તેઓએ એમ. એ. દેસાઈ, એ. એમ. જીવનજી, મખનસિંહ, ઓગીન્ગા ઓડીન્ગા, ટોમ મ્બોયાની આત્મકથાઓ પ્રગટ કરવા માટે તૈયાર કરેલ. સેંકડો માઉ માઉના લડવૈયાના જે ફોટો તેઓએ એકઠા કર્યા હતા તેને પણ ચોપડીના રૂપમાં છપાવવાનો તેઓનો ઇરાદો હતો.

પરંતુ આ બધું કામ પૂરું થાય તે પહેલાં આ દેશપ્રેમીનું હૃદયરોગને કારણે 58 વર્ષની ઉંમરે નાઇરોબીમાં ડિસેમ્બર 1977માં દુ:ખદ અવસાન થયું. આવા દેશપ્રેમીઓના જીવનમાંથી આપણે પણ આપણાં જીવનમાં કાંઈક સદ્દકાર્ય – દેશભક્તિનો ગુણ ઉતારીએ અને તેઓના અધૂરાં રહેલાં કાર્યોને પૂર્ણ કરવા પ્રયત્નો કરીએ તો ....

સૌજન્ય : “અલકમલક”, ઓક્ટોબર 1985; પૃ. 26 - 28

**********

દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓનાં જીવન ચરિત્ર - 2

મખન સિંહ (1913 - 1973)

મખનસિંહનો જન્મ પંજાબના ઘરજખ નામનાં ગામડામાં 27 ડિસેમ્બર 1913માં થયો હતો. તેઓના પિતા સુઘસિંહ સુથાર હતા. 1920માં સુઘસિંહ કેન્યા આવ્યા અને રેલવેની નોકરી કરી. 1927માં મખન સિંહ અને તેઓનાં માતા ઈશર કૌર કેન્યા આવ્યાં.

સુઘ સિંહે રેલવેના મજૂર સંઘમાં મજૂરોના હક માટે જોરદાર લડત ઉપાડેલ. આ કારણસર તેઓને કામમાંથી રજા આપી દેવામાં આવી. પછી તેઓએ પંજાબ પ્રિન્ટીંગ પ્રેસ ખોલ્યું.

મખન સિંહ નાઈરોબીની ગર્વન્મેન્ટ ઇન્ડિયન હાઈસ્કૂલ(હમણાંની જમહુરી હાઈસ્કૂલ)માં ભણ્યા અને 1931માં લંડન મેટૃીક્યુલેશનની પરીક્ષામાં સફળ થયા. તેઓને આગળ ભણતરનો બહુ શોખ હતો, પરંતુ પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી એ વધારે ભણી ન શક્યા. તેઓ પંજાબ પ્રિન્ટીંગ પ્રેસમાં કામે લાગી ગયા. 1934માં તેઓ ભારત ગયા અને સતવંત કૌર સાથે લગ્ન કરી ફરી કેન્યા આવી ગયા.

મખન સિંહને નાની ઉંમરથી જ દુનિયવી રાજનીતિ અને મજૂર-કિસાન આંદોલનમાં બહુ રસ હતો. તેઓ આવા વિષયો તેમ જ કેન્યા અને ભારતની સામ્રાજ્યશાહી સામેની આઝાદીની લડત ઉપર પણ પંજાબીમાં કવિતાઓ લખી જાહેર સભાઓમાં જનતાને સંભળાવતા.

માર્ચ 1935માં મખન સિંહ કેન્યા ભારતીય મજૂર સંઘ(કેન્યા ઇન્ડિયન ટ્રેડ યુનિયન)ના મંત્રી તરીકે ચૂંટાયા. તેઓ અને તેઓના બીજા સાથી નેતાઓએ જોયું કે મજૂરોને પોતાના હિતની રક્ષા માટે એકતાની બહુ જરૂર છે. ત્યારે સામ્રાજ્ય સરકારનો પ્રયત્ન હતો કે ભારતીય અને આફ્રિકી મજૂરો વચ્ચે ખટપટ રહ્યા કરે. જાતિય ભેદભાવ દૂર કરવા ભારતીય મજૂર સંઘે તેનું નામ બદલાવી કેન્યા મજૂર સંઘ (લેબર ટ્રેડ યુનિયન ઑફ કેન્યા) રાખ્યું અને તેનું સભાસદપણું સર્વે જાતિના મજૂરો માટે ખુલ્લું કર્યું. મખનસિંહ આ નવા સંઘના પણ મંત્રી ચૂંટાયા.

મખન સિંહની આગેવાની હેઠળ આ મજૂર સંઘને ઘણી સફળતા પ્રાપ્ત થઈ. 1935ની રેલવે સામેની ઝૂંબેશમાં તેઓ ફતેહમંદ થતાં રેલવેના કારીગરો કે જેઓ ઘણાં વર્ષોથી અનિયમિત મજૂરો તરીકે રાખેલ તેઓને કાયમી રીતે રાખવા રેલવેને કબૂલ કરવું પડ્યું.

એપ્રિલ-મે 1937માં મજૂર સંઘે નાઇરોબીના કારખાનાઓના કામદારોના પગારમાં વધારાની માંગ માટે એક હળતાલ બોલાવી. તેમાં પણ સફળતા મળતા મજૂરોના પગારમાં કારખાનાઓના માલિકોને 15-25%નો વધારો કરવાની ફરજ પાડી.

આ મજૂર સંઘ પૂર જોશમાં કામ ચલાવી રહ્યા હોવાં છતાં પણ અંગ્રેજ સામ્રાજ્યશાહી હકુમતે તેને સરકારી રીતે નોંધવાની મના કરેલ. સંઘને તોડવાના પણ ઘણાં પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ મજૂરોની એકતા તો વધતી જ ગઈ. જૂન-1935 અને જૂન 1937 દરમ્યાન સંઘના સભ્યો 480થી વધી 2,500 થયા. મજૂરોના આ જોર સામે સરકારને મે 1937માં સંઘને સરકારી દસ્તાવેજમાં નોંધવું પડ્યું.

મજૂર સંઘના કામને જાહેરાત આપવા માટે કિસ્વાહીલી, પંજાબી, ગુજરાતી તેમ જ ઉર્દૂમાં ચોપાનિયા છપાવી ગામે ગામ વહેંચવામાં આવ્યા. 1936માં મખન સિંહના તંત્રીપદ નીચે ‘કેન્યા વર્કર’ નામનું છાપું પંજાબી અને ઉર્દૂમાં મજૂર સંઘે બહાર પાડ્યું.

છેલ્લા બે વર્ષમાં કેન્યા મજૂર સંઘનું જોર એટલું બધું વધી ગયું હતું કે કેન્યાના ગામો ઉપરાંત યુગાન્ડા તેમ જ ટાંગાનિકા(ટાન્ઝાન્યા)માં પણ તેના સભ્યો હતા. એટલે માર્ચ 1937માં ફરી તેનું નામ બદલાવી પૂર્વ આફ્રિકા મજૂર સંઘ (લેબર ટ્રેડ યુનિયન ઑફ ઇસ્ટ આફ્રિકા) રાખવામાં આવ્યું.

1939ની સંઘની સભામાં મખન સિંહ સાથે જેસી કર્યુકી અને જ્યોર્જ ડેગવા પણ સંઘની સમિતિમાં ચૂંટાયા. આ સભામાં આફ્રિકી અને કેન્યાવાસી ભારતીય મજૂરોએ મોટી સંખ્યામાં ભાગ લીધેલો. સભામાં ભાષણો કિસ્વાહીલી, હિંદુસ્તાની અને અંગ્રેજીમાં કરવામાં આવેલા.

મખન સિંહે મજૂરોના હકની લડતની સાથે સાથે બીજી લડતોમાં પણ ભાગ લીધેલો. તેઓની નેતાગીરી હેઠળ મજૂર સંઘે ભારત, ચાઇના, પેલેસ્ટાઈન, ઇથિયોપિયા વગેરે દેશોની સ્વતંત્રતાની લડાઈઓને સાથ આપતાં ઠરાવો પસાર કર્યા. તેઓએ કેન્યામાં સામ્રાજ્યશાહી સરકાર પાસે કોઈ પણ પ્રતિબંધ વગર બોલવાની, સભા બોલાવવાની, સંસ્થાઓ સંગઠિત કરવાની વગેરે છૂટો માટે પડકાર કરેલો.

મખન સિંહ ઇસ્ટ આફ્રિકન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સમિતિના સભ્ય તેમ્ જ ઇન્ડિયન યુથ લીગના મંત્રી પણ હતા.

1940માં મખનસિંહ ભારત ગયા. ત્યાં તેઓએ મજૂર સંઘોનો અભ્યાસ કર્યો અને ત્યાંની આઝાદીની લડતમાં ભાગ લીધો. અંગ્રેજ સામ્રાજ્ય સરકારે અમદાવાદમાં તેઓની ધરપકડ કરી બે વર્ષના સમય સુધી અટકાયતી કેદમાં રાખ્યા. કેદમાં તેઓએ 160 બીજા કેદીઓ સાથે મળી, કેદીઓ તરીકે પોતાના હકોની માંગ કરતાં ભૂખ હડતાળ કરી.

1942માં કેદમાંથી છૂટ્યા પછી પણ મખનસિંહને પરદેશી સરકારે ઘરજખ નામના ગામડાની બહાર નીકળવાની મના કરી. તેઓ ત્યાં 1945 સુધી રહ્યા. ત્યાર બાદ તેઓએ સામ્યવાદી પક્ષનું છાપું ‘જંગે આઝાદી’માં સહાયક તંત્રીનું કામ કર્યું.

ઓગષ્ટ 1947માં જ્યારે તેઓ પાછા કેન્યા આવ્યા તો તેઓને અંગ્રેજ સરકારે દેશ નિકાલ કર્યા. આ હુકમ માનવાની તેઓએ ચોખ્ખી મના કરી અને અદાલતમાં હુકમનામા સામે લડી અને જીત્યા. ત્યાર બાદ તેઓ પાછા મજૂર સંઘ અને રાજનીતિના કામે પૂરજોશમાં લાગી પડ્યા.

જ્યારે 1948માં ગોરી સરકારે કેન્યાવાસી ભારતીઓમાં હિંદુ-મુસલમાન ભેદભાવોને ઉત્તેજન આપ્યું ત્યારે મખન સિંહે તે ચળવળની વિરુદ્ધ ભૂખ હડતાલ કરી.

ઑક્ટોબર 1948માં અંગ્રેજ સરકારે મખનસિંહની ધરપકડ કરી અને ફરી દેશ-નિકાલ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ બે અઠવાડિયા પછી પોતાની હાર માની તેઓને મુક્ત કર્યા.

1949માં જ્યારે આફ્રિકી અને કેન્યાવાસી એશિયન મજૂરોના નેતાઓએ સાથે મળી એક નવું કેન્દ્રિય સંઘ – ઇસ્ટ આફ્રિકન ટ્રેડ યુનિયનસ કૉંગ્રેસ ઊભું કર્યું ત્યારે તેના પ્રમુખ તરીકે ફ્રેડ કુબાઈ અને મંત્રી તરીકે મખનસિંહ ચૂંટાયા હતા.

29 એપ્રિલ 1950 કેન્યા માટે એક ઐતિહાસિક દિવસ છે. આ દિવસે કલોલેની હોલ, નાઇરોબીમાં કેન્યા આફ્રિકન યુનિયન અને ઇસ્ટ આફ્રિકન ઇન્ડિયન કૉગ્રેસના હસ્તકે એક સભા બોલાવવામાં આવેલી. આ સભામાં જે ઠરાવો પસાર થયા તેમાંનો એક ઠરાવ મખનસિંહે પેશ કરેલો. તેમાં તેઓએ જોરદાર માંગણી કરી કે પૂર્વ આફ્રિકાના સર્વે મુલકોને સામ્રાજ્યશાહીના કબજામાંથી છૂટકારો મળવો જોઈએ અને કોઈ પણ શરત વગર અને ઢીલ વગર આઝાદી મળવી જોઈએ.

મખન સિંહની મજૂરોના હક્કો અને દેશની આઝાદી માટેની લડત તેમ્ જ તેઓને આફ્રિકી અને કેન્યાવાસી એશિયન જનતાનો મળતો ટેકો, આ બધું જોઈ અને ગોરી સરકાર ગભરાઈ ગઈ હતી. 15 મે 1950ના દિવસે તેઓની ધરપકડ કરવામાં આવી. મખન સિંહની સાથે ચેંગે કિબાશ્યા અને ફ્રેડ કુબાઈની પણ ધરપકડ કરવામાં આવેલી. પોતાના નેતાઓને કેદ કરવામાં આવ્યા તેની વિરુદ્ધ આખા દેશના મજૂરોએ દસ દિવસ માટે હડતાલ કરેલી.

કોઈ પણ આરોપ વગર મખન સિંહને કાયર સરકારે સાડા અગિયાર વર્ષ સુધી કેદમાં રાખ્યા. તેઓએ આ વર્ષો લોકીટીંગ, મારાલાલ અને ડોલ ડોલમાં ગુજાર્યા. આ હિંમતવાન લડવૈયાની લડત તો કેદમાં પણ ચાલુ જ રહી.

1952માં દસ દિવસની, 1959માં 12 દિવસની અને 1961માં 21 દિવસની ભૂખ હડતાલ તેઓએ કરી. આ સાથે કેદખાના અને ડીટેન્શન કેમ્પોમાંથી પણ છૂપે રસ્તે પોતાના સાથીઓને અને સામ્રાજ્યશાહી સરકારને પડકાર કરતાં સંદેશાઓ તેઓએ મોકલવાનું ચાલુ રાખ્યું.

1952થી 1961 સુધી માઉ માઉની આઝાદીની લડાઈ પૂર જોશમાં ચાલી. છેલ્લે અંગ્રેજ સરકારે હતાશ થઈ આઝાદીના લડવૈયાઓને કેદમાંથી છોડવા પડ્યા. હજારો કેદીઓ છૂટ્યા તેમાં મખનસિંહ પણ હતા. તેઓ 22 ઑક્ટોબર 1961માં આઝાદ થયા.

કેદમાંથી નીકળ્યા બાદ મખનસિંહે દેશ અને મજૂરોના હિત માટે લડવાનું ચાલુ રાખ્યું. આ સાથે કેન્યાના મજૂરોની લડતનો ઇતિહાસ પણ લખ્યો. 1969માં તેઓનું પુસ્તક ‘હિસ્ટરી ઑફ કેન્યાઝ ટ્રેડ યુનિયન મુવમેન્ટ ટુ 1952’ પ્રસિદ્ધ થયું અને 1980માં ‘કેન્યાઝ ટ્રેડ યુનિયનસ, 1952-1956’ પ્રગટ થયું. આ સિવાય તેઓએ કેન્યાની ઐતિહાસિક સંસ્થા (કેન્યા હિસ્ટોરીકલ એસોસિએશન)ની વાર્ષિક સભાઓમાં પણ અનેક લેખો રજૂ કર્યા.

મખન સિંહનું મૃત્યુ 63 વર્ષની ઉંમરે 1973માં થયું. તેઓની યાદી હંમેશ માટે કાયમ રહે તે માટે નાઇરોબીનો એક રસ્તો કે જે તેઓની જૂની નિશાળ જામ્દુરી હાઈ સ્કૂલની સામે છે તેનું નામ મખનસિંહ રોડ રાખવામાં આવ્યું છે.

સૌજન્ય : “અલક મલક”, દીવાળી અંક, નવેમ્બર 1985; પૃ. 19-21

••••••••••

દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓનાં જીવન ચરિત્ર - 3

પીઓ ગામા પીન્ટો (1927 - 1965)

પીઓ ગામમાં પીંટોનો જન્મ નાઇરોબીમાં 31 માર્ચ 1927માં થયો હતો. નાની ઉંમરમાં જ પિતાએ તેઓને ભારત ભણતર માટે મોકલ્યા હતા. ભણતર પૂરું કર્યા પછી થોડો વખત મુંબઈની પોસ્ટ એન્ડ ટેલિકોમ્યુિનકેશન કંપનીમાં કામ કર્યું. ત્યાં મજૂર સંઘના કામમાં ભાગ લઈ અને મજૂરોના હકો માટે હડતાલમાં ભાગ લીધો.

ગોવાની આઝાદી માટે પોર્ટુગીઝ સામ્રાજ્યશાહી વિરુદ્ધી ઝુંબેશમાં જોરદાર કામ કર્યું અને તે માટે છૂપે રસ્તે ગોવામાં દાખલ થયા. સામ્રાજ્‌ય સરકારે ગિરફતારીનો હુકમ બહાર પાડ્યો, પરંતુ બીજા આઝાદીના લડવૈયાઓની મદદથી તેઓ બહાર નીકળી ગયા અને 1949માં પાછા કેન્યા આવ્યા.

નાઇરોબીમાં પાછા આવ્યા પછી પીંટોએ કારકૂનનું કામ કર્યું પણ અંગ્રેજી સામ્રાજ્યશાહી નીચે દેશની ખરાબ હાલત જોતા સ્વતંત્રતાની લડત તરફ ખેંચાયા. 1951માં ઇસ્ટ આફ્રિકન ઇન્ડિયન કોંગ્રેસની કચેરી કે જે દેસાઈ મેમોરિયલ બિલ્ડિંગમાં હતી ત્યાં કામે લાગ્યા. તેઓએ આફ્રિકી આઝાદી સંઘ, કેન્યા આફ્રિકન યુનિયન, તેમ્ જ મજૂર સંઘોના સભ્યો અને નેતાઓ સાથે સંપર્ક સાધ્યો અને આફ્રિકી-એશિયન એકતા માટે કામ કર્યું. 1950માં જ્યારે મજૂરોના નેતા ચેંગે કિબાશ્યા, મખનસિંહ અને ફ્રેડ કુબાઈની ધરપકડ કરવામાં આવી ત્યારે પીંટો એ મજૂરો સાથે મળી, સંઘનું કામ ચાલુ રાખવામાં મદદ કરી.

આ બધું કામ સરળ રીતે થાય તે માટે તેઓએ કિસ્વાહીલી ભાષાનો અભ્યાસ કર્યો. આફ્રિકી જનતા સાથે ભળીને કામ કરવા માટે આ ભાષા શીખવી જ જોઈએ તેમ તેમને લાગ્યું.

અંગ્રેજી સામ્રાજ્યશાહી પ્રચારનો સામનો કરવા માટે તેઓએ પત્રકારત્વનું કામ ઉપાડ્યું. કોંકણી ભાષાના ‘ઉઝવાદ’ નામના ખબરપત્રના તંત્રી બન્યા. ‘કોલોનિયલ ટાઈમ્સ’માં લખાણ લખ્યા, અને 1953માં ગુજરાતી-અંગ્રેજી ‘ડેઇલી ક્રોનિકલ’નું તંત્રીપણું પીંટોએ સ્વીકાર્યું. ડી. કે. શારદા, હારુન અહમ્મદ અને પ્રાણલાલ શેઠના સહકારથી અનેક અંગ્રેજી સરકાર વિરોધી આફ્રિકી ખબરપત્રોને છપાવવામાં મદદ કરી.

20 ઓકટોબર 1952માં આઝાદીના સૈનિકો અને સામ્રાજ્યશાહીની ફોજ વચ્ચે જોરદાર લડાઈ શરૂ થઈ. અનેક આફ્રિકી નેતાઓ તેમ્ જ હજારો જનતાના માણસોને જેલો અને ડીટેન્શન કેમ્પોમાં ધકેલી દેવામાં આવ્યા. ઘણા દેશપ્રેમીઓની જમીન પરદેશી સરકારે જપ્ત કરી. બિન ગુનેગાર આમ જનતા ઉપર જુલમ થવા લાગ્યા. આવા ક્રૂરતા ભરેલા કાયર સરકારના કામને પ્રસિદ્ધ કરવાનું કામ પીંટો તેમ જ બીજા દેશપ્રેમીઓએ જેવા કે અંબુભાઈ પટેલે ઉપાડ્યું.

જે લડવૈયાઓને અદાલતમાં લઈ જવામાં આવ્યા તેઓ માટે વકીલો શોધવાનું કામ પણ પીંટોએ કર્યું. સરકાર સામે લડી આઝાદીના સૈનિકોનો બચાવ કરવા માટે ઘણા દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓ આગળ આવ્યા. દા.ત. એફ. આર. ડીસુઝા, જે. એમ. નાઝારેથ, ઈ. કે. નવરોજી, એ. આર. કપીલા, એસ. એમ. અક્રમ, એ. એચ. મલીક, શેખ અમીન,  કે. ડી. ત્રવાડી, અરવિંદ જમીનદાર વગેરે.

આ બધાં કામ સાથે માઉ માઉના લડવૈયાઓને હથિયારો અને બીજી જરૂરિયાતની ચીજો લડાઈના ઈલાકાઓમાં મોકલવાની સગવડ બીજા હિમ્મતવાન દેશપ્રેમીઓ સાથે મળીને કરી.

દેશની આઝાદી માટે આ બધુ કામ કર્યું તે ગોરી સરકારને ખટક્યું. 19 જૂન 1954માં પીંટોની ધરપકડ કરવામાં આવી અને માંડા ટાપુમાં ટાકવા ડીટેન્શન કેમ્પમાં કેદ રાખવામાં આવ્યા. ધરપકડના ખાલી પાંચ મહિના પહેલાં તેઓના લગ્ન એમા સાથે થયા હતા.

માંડામાં બીજા 200 દેશપ્રેમી કેદીઓ હતા જેમાં આચિએંગ ઓનેકો, મુઈન્ગા ચોકવે અને જે. ડી. કાલીનો સમાવેશ હતો. પીંટોએ તેઓ સાથે મળી સર્વે કેદીઓમાં એકતા રહે તેવું કામ કર્યું. સરકારે કેદીઓમાં અંદર અંદર ખટપટ ઊભી કરવાની અને ખોટી વાતો ફેલાવવાનો પ્રયત્ન કરેલ કે જેનાથી જેનાથી કેદીઓ આઝાદીની લડત છોડી દે. આ કોશિશની સામે પીંટો અને બીજા આગેવાનોએ આ આઝાદીની લડતને ઉત્તેજન આપતા, મોઢેથી વાત ફેલાવતા એવા ‘ખબરપત્રો’ શરૂ કર્યા કે જેનાથી કેદીઓનો ઉત્સાહ વધ્યો. પીંટો જ્યારે ડીટેન્શનમાં હતા ત્યારે તેઓના પિતાનું અવસાન થયું. મરણ પથારીએથી પિતાએ પુત્રને છેલ્લીવાર મળવાની અરજી સરકારને કરી પરંતુ દયાહીન સરકાર કે જેના માટે તેઓએ 30 વરસ સુધી વફાદારીથી કામ કરેલ, એ સરકારે ચોખ્ખી ના પાડી દીધી. પિતાનું મોત પુત્રને જોયા વગર જ થયું.

પીંટો 1954-1957 દરમ્યાન માંડામાં અને 1958થી 1959 સુધી કાર્બાનેટમાં કેદ રહ્યા અને જુલાઈ 1959માં મુક્ત થયા. મુક્તિ બાદ તેઓના બીજા સાથીઓ જેઓ હજી કેદ ભોગવી રહ્યા હતા તેઓ તેમ જ તેઓના કુટુંબીઓ માટે પૈસા અને બીજી જરૂરિયાતની વસ્તુઓ એકઠી કરવાનું કામ કર્યું. કેદીઓ તેમ જ બીજા લડવૈયાઓના કુટુંબીઓ બીમાર હોય અને સારવાર કરાવવા માટે પૈસા ના હોય તેઓના મફત ઈલાજ માટે ઘણા એશિયન કેન્યાવાસી ડૉક્ટરો જેવા કે યુસુફ ઈરાજ વગેરે સાથે સગવડ કરી. કેદીઓની મુક્તિ માટેની ઝુંબેશમાં પણ જોરદાર કામ કર્યું.

આ સાથે દેશની આઝાદી માટેની લડત પણ પાછી ઉપાડી. બીજા આફ્રિકી અને કેન્યાવાસી એશિયનો સાથે મળી અનેક પત્રિકાઓ અને ભીંત પત્રો લખ્યા અને છપાવ્યા. ચોપાનિયાની વહેંચણી દેશભરમાં કરી અને ભીંતપત્રોને મધરાતે ગામના રસ્તે રસ્તે ચોંટાડ્યા.

1960માં ઓગીન્ગા ઓડીન્ગા તેમ જ જેમ્સ ગીચુરુ સાથે મળી પીંટોએ એક કિસ્વાહીલી પખવાડિક ખબરપત્ર ‘સાઉટી યા કાનુ’ શરૂ કર્યું. આઝાદીની લડત જે આફ્રિકી જનતા અને નેતાઓ લડી રહ્યા હતા તેને એશિયન કેન્યાવાસીઓનો પૂરેપૂરો સાથ આપવા માટે ચનન સિંહ, કે. પી. શાહ વગેરે સાથે મળી તેઓએ કેન્યા ફ્રિડમ પાર્ટીની સ્થાપના કરી.

આ વખત દરમ્યાન સામ્રાજ્યશાહીઓની કોશિશ હતી કે મજૂર સંઘના નેતાઓ ગદ્દારીના રસ્તા ઉપર ચડી જાય અને મજૂરોના હિત માટેની લડત છોડી દે. તેઓને એમ પણ જોઈતું હતું કે કેન્યાના સંઘો આફ્રિકી ખંડના બીજા સંઘો સાથે ભળીને સામ્રાજ્‌યશાહીને પડકાર ના કરે. બીજા મજૂરના નેતા જેવા કે ડેનીસ અક્રમુ સાથે મળી પીંટોએ આનો સામનો કર્યો. એટલું જ નહિ પણ ‘ઓલ આફ્રિકા ટ્રેડ યુનિયન ફેડરેશન’ કે જેનું મથક ધાનામાં હતું તેની સાથે સંપર્ક સાધ્યો અને આફ્રિકી એકતા આગળ વધારી.

1961માં ઓગીન્ગા ઓડીન્ગા, જોસેફ મુરુમ્બી અને પીંટોએ પાન આફ્રિકન પ્રેસની સ્થાપના કરી. પીંટો તેના જનરલ મેનેજર બન્યા અને ‘સાઉટી યા મ્વાફિકા’, ‘પાન આફ્રિકા’ તેમજ ‘ન્યાન્ઝા ટાઇમ્સ’ નામના ત્રણ ખબરપત્રો છાપવાનું કામ શરૂ કર્યું.

પૂર્વ આફ્રિકાની એકતા માટે તેમ જ કેન્યા, યુગાન્ડા અને ટાન્ગાનિકાનું એક સંઘ યાને ફેડરેશન બને તે માટે તેઓએ ઘણી કોશિશ કરેલ. 1963માં તેઓ ઇસ્ટ આફ્રિકન સેન્ટ્રલ લેજિસ્લેટીવ એસેમ્બલીના સભ્ય તરીકે ચૂંટાયા.

1963 - આ જ વરસે તેઓ કેન્યાની રાજ્ય સભા, નેશનલ એસેમ્બલીના સભ્ય તરીકે પણ ચૂંટાયા, સભામાં જરા પણ પાછી પાની કર્યા વગર કામ કર્યું તે બદલ તેઓની ‘બેક બેન્ચર્સ ગ્રુપ’ના પબ્લિસીટી સેક્રેટરી તરીકેની નિમણૂક તેઓના બીજા સાથીઓએ કરી.

12 ડીસેમ્બર 1963ના રોજ કેન્યા આઝાદ થયું પરંતુ આફ્રિકા ખંડમાં હજુ સામ્રાજ્યશાહીઓનો પગ હતો. મોઝામ્બીક, અંગોલા, રોડેશ્યા, દક્ષિણ આફ્રિકા અને નામીબ્યાની આઝાદી માટે આ દેશોના દેશપ્રેમીઓ લડી રહ્યા હતા તેઓને પીંટોએ ઉત્તેજન આપ્યું. પોર્ટુગીઝ સામ્રાજ્‌યશાહી જે લડાઈ મોઝામ્બીકમાં ચાલી રહી હતી તેને મદદ કરવા માટે મુઈન્ગા ચોકવે સાથે મળી તેઓએ 1962માં મોમ્બાસામાં મોઝામ્બીક આફ્રિકન નેશનલ યુનિયનની સ્થાપના કરવાની કોશિશ કરી, પરંતુ અંગ્રેજ સરકારે આ સંસ્થાને કોઈ પણ કામ કરવાની મનાઈ કરી. કેન્યાની આઝાદી પછી પીંટોએ મોઝામ્બીકના સ્વતંત્રતાના લડવૈયા, ફ્રેલીમો સાથે સંપર્ક સાધ્યો. ઓર્ગેનાઈઝેશન ઑફ આફિકન યુનિટીની સ્વતંત્રતા સમિતિમાં તેઓએ બીજા આફ્રિકી મુલકોની આઝાદી માટે ઘણું કામ કર્યુ.

પીંટોનું માનવું હતું કે દેશને રાજનીતિ આઝાદી મળે તે દેશની પ્રગતિનું પહેલું પગલું છે, ત્યારબાદ જનતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે બીજા પણ પગલાં લેવા પડશે. દેશની તિજોરી ઉપરથી સામ્રાજ્યશાહીઓની બેંકો તેમ્ જ મોટી મોટી ઓદ્યોગિક અને વેપારી કંપનીઓનો કબજો હઠાડવો પડશે. તે સાથે એવાં પણ પગલાં લેવાં જોઈએ કે જેથી દેશની મિલકત થોડાં જ માણસોના હાથમાં ન રહે પણ આખી જનતામાં તેની વહેંચણી થાય.

આવી માન્યતા રાખતા દેશપ્રેમીના દુશ્મનો ઘણા હોય તે સ્વભાવિક છે. આવા કાયર દુશ્મનોએ આ શૂરવીર દેશપ્રેમી, પીઓ ગામા પીંટોને 24 ફેબ્રુઆરી 1965ના દિવસે 38 વરસની ઉંમરે ગોળીબાર કર્યા અને ત્યાં જ તેઓએ શહીદી વહોરી લીધી.

સૌજન્ય : “અલક મલક”, ડિસેમ્બર 1985; પૃ. 07-09 

**************

દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓનાં જીવન ચરિત્ર - 4

મણિલાલ એ. દેસાઈ (1878 - 1926)

મણિલાલ એ. દેસાઈનો જન્મ 1878માં સુરતમાં થયો હતો. ભારતમાં નિશાળ પતાવી તેઓએ વકીલાતનો અભ્યાસ શરૂ કર્યો અને ત્યાં નોકરી કરી. 1915માં તેઓ કેન્યા આવ્યા અને એક વકીલોની અંગ્રેજી પેઢીમાં કામ શરૂ કર્યું. જેમ દેશભરમાં અંગ્રેજ સામ્રાજ્ય સરકારે જાતિય ભેદભાવ સ્થાપિત કરેલ તેમ આ વકીલોની કચેરીમાં પણ આવા ભેદભાવનો અનુભવ દેસાઈને થયો. આવી વર્તણુકને તેઓ સહન ન કરી શક્યા અને કામમાંથી રાજીનામું આપી દીધું.

તેઓએ રીવર રોડ ઉપર એક નાનકડી દુકાન ખોલી. પરંતુ વેપાર કરતાં તેઓનું ધ્યાન વધારે કેન્યાની રાષ્ટ્રીય આંદોલન અને કેન્યાવાસી એશિયનોના હકોની માંગ માટે જે ઝુંબેશ ચાલી રહી હતી, તેમાં ખેંચાયું અને તેઓ ઇન્ડિયન એસોશિયેશનના કામમાં લાગી ગયા. 1917માં તેઓ નાઇરોબી મ્યુિનસિપલ કાઉન્સીલમાં કેન્યાવાસી એશિયનના પ્રતિનિધિ તરીકે દાખલ થયા.

કેન્યા આવ્યા પહેલાં દેસાઈને ભારતમાં અંગ્રેજી સામ્રાજ્યશાહી વિરુદ્ધ જે જોરદાર આંદોલન ચાલુ હતું તેનો અનુભવ હતો. અહીં આવ્યા બાદ તેમણે જોયું કે ગોરાઓના શોષણ અને જુલમ જેવા ભારતમાં હતા તેવા જ આ દેશમાં પણ હતા. આથી બન્ને દેશોની લડતમાં પણ ઘણું ખરું સરખાપણું હતું.

વીસમી સદીની શરૂઆતથી કેન્યાવાસી એશિયનોની અંગ્રેજ શાસન પદ્ધતિ વિરુદ્ધ લડત બે દરજ્જા ઉપર હતી. એક હતી મજૂરોની પોતાના હકોની લડત, દાખલા તરીકે 1900ની સાલમાં કેન્યાવાસી એશિયન અને આફ્રિકી મજૂરો તેમ જ નીચેના દરજ્જાના અંગ્રેજ કામદારો જેઓ રેલવેમાં કામ કરતા હતા તેઓએ ભેગા મળી એક હડતાલ કરેલ. 1914માં રેલવે સરકારના પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના કેન્યાવાસી એશિયન તેમ જ આફ્રિકી મજૂરોએ હડતાલ કરેલ. આ હડતાલના કારણે મજૂરોના નેતાઓ મેહરચંદ પુરી અને તીરથરામની ધરપકડ અંગ્રેજી સરકારે કરેલ અને તેઓને દેશનિકાલ કર્યા.

બીજી તરફ મજૂર નોકરિયાત અને વેપારી વર્ગોની સંયુક્ત લડત હતી કે જેમાં સામ્રાજ્યશાહીઓને બળજબરીથી આપણા મુલકમાંથી નિકાલ કરવાનો પ્રયત્ન હતો. 1914-1918ની લડાઈ દરમ્યાન આ લડતમાં ભાગ લેવાવાળા અનેક દેશપ્રેમીઓને ફાંસીની અથવા તો બંદૂકની ગોળીથી મારી નાખવાની સજા સામ્રાજ્યશાહી અદાલતોએ કરેલ. આવા દેશપ્રેમીઓમાં સીતારામ આચાર્ય અને બી. આર. શર્માનો સમાવેશ હતો. આચાર્ય ઉપર પરદેશી શાસન-સત્તા વિરોધી પત્રિકાઓની છૂપી રીતે વહેંચણી કરવાનો આક્ષેપ હતો.

આ સાથે કેન્યાવાસી એશિયન વેપારી વર્ગની લડત દેશમાં અનેક રંગ ભેદભાવ હટાવવાની અને રાજ્યનીતિય હકો માટેની લડત હતી. આ લડત માટે તેઓએ ઇન્ડિયન એસોશિયેશનની સ્થાપના કરેલ. આ વખત દરમ્યાન શાસન સત્તા એ ફળદ્રુપ જમીન ઉપર વિલાયતી એટલે કે ગોરા વસાહતોની જ માલિકી હોય એવો ઠરાવ પસાર કરેલ. આ સિવાય કામ, પગાર, શહેરમાં રહેવાના ઈલાકા, ભણતર વગેરેમાં રંગભેદ ભાવ લાવવામાં આવ્યા હતા જેથી વિલાયતી વસાહતોનો પક્ષપાત થાય અને આફ્રિકી દેશવતનીઓ અને કેન્યાવાસી એશિયનોના હિતો સાચવવામાં જ ન આવે.

આવા ભેદભાવ સામે ઇન્ડિયન એસોશિયેશનની લડત હતી. આમાં દેસાઈએ પૂરેપૂરો ભાગ લઈ આ લડતને ઘણી વધારે જોરદાર બનાવી. તેઓએ બી. એસ. વર્મા., શમસુદીન, હુસૈન સુલેમાન, વીરજ, સી. જે. અમીન અને મંગળ દાસ સાથે મળી ઇન્ડિયન એસોશિયેશનને સારા પાયે સંગઠિત કરી.

દેસાઈએ સર્વ પ્રથમ આફ્રિકાવાસી એશિયનોની એકતા માટે કેન્યા સિવાય યુગાન્ડા, ટાંગાનિકા અને ઝાંઝીબારના નેતાઓને ભેગા કરી ઇસ્ટ આફ્રિકન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો પણ નવેસર પ્રચાર કર્યો. તેઓ કોંગ્રેસના પ્રમુખ ચુંટાયા. તેઓની નેતાગીરી હેઠળ ભારતની કોંગ્રેસ પાર્ટી સાથે પણ સંપર્ક સંધાયો.

આ વખતે સામ્રાજ્યશાહી અને વિલાયતી વસાહતોનો કેન્યાવાસી એશિયનો અને આફ્રિકનો વિરુદ્ધ પ્રચાર તેઓના કબજા હેઠળના ખબરપત્રોમાં પૂરજોર ચાલુ હતો. આ ખોટા પ્રચારનો સામનો કરવા માટે દેસાઈએ ‘ઇસ્ટ આફ્રિકન કોનિકલ’ નામનું સાપ્તાહિક છાપું ચાલુ કર્યું. આમાં તેઓએ સામ્રાજ્યશાહીઓના અન્યાયો સામે પડકાર કર્યો. આ ખબરપત્રમાં તેઓએ આફ્રિકી જનતાની અંગ્રેજી શાસનસત્તા સામેની ફરિયાદોને પણ જાહેર કરવામાં મદદ કરી.

દેસાઈની કચેરી આફ્રિકી અને કેન્યાવાસી એશિયન નેતાઓને મળવાનું મથક બન્યું. તે વખતના આફ્રિકી નેતા હેરી થુકુ સાથે મળી તેઓએ આફ્રિકી અને કેન્યાવાસી એશિયનોના હકો માટે શાસનસત્તા સામે પડકાર કર્યો અને કેન્યાના રાષ્ટ્રીય આંદોલનમાં પૂરેપૂરો ભાગ લીધો. થુકુનું ખબરપત્ર ‘ટંગાઝો’ તેમ જ બીજી ઘણી પત્રિકાઓ છપાવવામાં દેસાઈએ તેઓને મદદ કરી.

1921માં અંગ્રેજી સામ્રાજ્યશાહી ગવર્નર એડવર્ડ નોર્થોએ વિલાયતી અને એશિયન વસાહતોના નેતાઓની એક પરિષદ બોલાવી, દેશના ભવિષ્યની ચર્ચા થાય અને ત્યાં આફ્રિકી નેતાઓ ન હોય તે દેસાઈને અનુકુળ ન લાગ્યું, એટલે તેઓએ પરિષદમાં આફ્રિકી અને આરબોના હકો માટે પણ જોરદાર માંગણી કરી.

1922માં એક અંગ્રેજ નેતા ચર્ચિલે વિલાયતી વસાહતોને ખાતરી આપી કે દક્ષિણ આફ્રિકાની જેમ કેન્યા પણ હંમેશ માટે ગોરા લોકોનો મુલક રહેશે. આ વખતે ગોરાઓની વસ્તી 10,000થી ઓછી હતી. કેન્યાવાસી એશિયનોની 25,000 અને કેન્યાવાસી આરબોની 10,000 અને આફ્રિકી દેશવતનીઓની વસ્તી 2,500,000ની હતી. ચર્ચિલની આવી ગેરવ્યાજબી વાતને પડકાર કરતો દેસાઈએ અંગ્રેજ સરકારને એક તાર મોકલ્યો કે જેમાં તેઓએ કહ્યું કે કેન્યા આફ્રિકી મુલક છે અને અહીં ગોરાઓ અથવા તો એશિયનોનાં હિત નહિ પરંતુ આફ્રિકી લોકોનાં હિત સર્વશ્રેષ્ઠ હોવાં જોઈએ.

1923માં કેન્યામાં વિલાયતી વસાહતોનું જોર બહુ વધી ગયું હતું. તેઓએ કેન્યાને રોડેશિયાની જેમ બળજબરીથી ગોરાઓનું સ્વતંત્ર રાજ્ય બનાવવાનું કાવતરું રચેલ. દેસાઈની નેતાગીરી હેઠળ કેન્યાવાસી એશિયનોના નેતાઓએ (જેવા કે એ.એમ. જીવનજી, રામશુદીન, બી. એમ. વર્મા. હુસૈન સુલેમાન વીરજીએ જોરદાર સામનો કર્યો. તેઓએ એક પ્રતિનિધિમંડળ લંડન મોકલેલ. ભારતથી પણ તેઓને સાથ આપતું એક પ્રતિનિધિમંડળ ગયું હતું અને તેઓએ ભેગા મળી અંગ્રેજી સામ્રાજ્યશાહી સરકારને ગોરાઓના કાવતરાને નિષ્ફળ બનાવવાની ફરજ પાડી.

આ વખતે હેરી થુકુની નેતાગીરી હેઠળ આફ્રિકી વિરોધ પણ અંગ્રેજ સામ્રાજ્યશાહી સામે ઘણો વધી ગયો હતો. થુકુ દેશભરમાં ફરી આફ્રિકી જનતાને અંગ્રેજી શોષણ વિરુદ્ધ ઉશ્કેરવાનું કામ કરતા હતા. આથી પરદેશી શાસનસત્તાએ ગભરાઈ જઈ માર્ચ 1922માં થુકુની ધરપકડ કરી. નાઈરોબીના મજૂરોએ પોતાના નેતાની ગિરફતારીની વિરુદ્ધ એક જબરજસ્ત મોરચો કાઢ્યો. નિર્દય સરકારની ફોજે આ બિનહથિયાર ટોળા ઉપર ગોળીબાર કર્યો, જેમાં 150થી વધુ માણસો માર્યા ગયા અને સેંકડોને ઈજા પહોંચી. ઈજા થયેલા લોકોમાં કેન્યાવાસી એશિયનનો પણ સમાવેશ હતો. આ બાદ સરકારે કોઈપણ મુકદ્દમા વગર થુકુને કિસ્માયુમાં કેદ રાખ્યા.

દેસાઈએ ઇસ્ટ આફ્રિકન ક્રોનિકલમાં ગોરી સરકારના અત્યાચારને દેશ અને દુનિયા સમક્ષ રજૂ કર્યા. આ સિવાય તેઓએ થુકુ સાથે પત્રવ્યહવાર રાખ્યો અને થુકુની ઘરડી માને ઘણી મદદ કરેલ. થુકુની મા દેસાઈને પોતાના પુત્ર તરીકે ગણતાં.

ઇસ્ટ આફ્રિકન ક્રોનિકલની કચેરીમાં શાસનસત્તાના પોલીસે અનેકવાર ધાડ પાડી. આખરે 1922માં સરકારે આ ખબરપત્રને બંધ કરવાની ફરજ પાડી. પરંતુ દેસાઈ, સીતારામ આચાર્ય અને એન. એસ. ઠાકુરે લડત ‘ડેમોક્રેટ’ નામના છાપા દ્વારા ચાલુ રાખી. તેઓએ ‘મ્વીગ્વીથાન્યા’ [Muĩgwithania (Reconciler)] નામના એક આફ્રિકી ખબરપત્રને છાપવામાં મદદ કરી. આના તંત્રી જોમો કેન્યાટા હતા.

1924માં બીજા દેશપ્રેમીઓ સાથે મળી દેસાઈએ પરદેશી સરકારને કર ન ભરવાની ઝુંબેશ ઉપાડી અને તે માટે સામ્રાજ્યોની જેલની યાત્રા પણ કરવી પડી.

1925માં કેન્યાવાસી એશિયનોએ દેસાઈને અંગ્રેજી લેજસ્લેટીવ કાઉન્સિલમાં પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા. અહીં તેઓએ બીજા પ્રતિનિધિઓ જેવા કે એ.એમ. જીવનજી અને બી. એમ. વર્મા સાથે મળી સામ્રાજ્ય સરકારની જાતિય ભેદભાવની નીતિ વિરુદ્ધ અનેક ભાષણો કર્યા. આ કાઉન્સિલમાં આફ્રિકી પ્રતિનિધિઓ ન હોવાને કારણે તેઓની ફરિયાદોને રજૂ કરવાનું અને તેઓના હકોની માંગ કરવાનું કામ પણ દેસાઈએ પોતા ઉપર લીધું. ગોરી સરકારે કેન્યાવાસી એશિયનોની કોઈ પણ માંગને દરકાર ન આપી એટલે દેસાઈ, જીવનજી, વર્મા તેમ જ જે. બી. પંડ્યાએ લેજ્સ્લેટીવ કાઉન્સિલનો બહિષ્કાર કરેલ.

1926માં દેસાઈ, સીતારામ આચાર્ય સાથે ‘ડેમોક્રેટ’ માટે પૂર્વ આફ્રિકાવાસી એશિયનો પાસે પૈસા ભેગા કરવા સફરે નીકળ્યા. પરંતુ આ સફર દરમ્યાન તેઓ બીમાર પડ્યા અને 48 વર્ષની ઉંમરે, જુલાઈ 1926માં, બુકોબા, ટાંગાનિકા ખાતે અવસાન પામ્યા.

આ દેશપ્રેમીની યાદ કાયમ રાખવા માટે નાઈરોબીમાં એક સ્મારક ‘દેસાઈ મેમોરિયલ બિલ્ડિંગ’ બંધાવવામાં આવેલ કે જે અત્યારના ટોમ મ્બોયા સ્ટ્રીટ ઉપર આવેલ છે. આ ઈમારતમાં એક જાહેર જનતાની સભા ભરાય તેના માટે એક મોટો ઓરડો અને એક પુસ્તકાલય બનાવવામાં આવેલ. આનો કોઈ પણ જાતિય ભેદભાવ વગર સર્વ કોમના માણસો ઉપયોગ કરી શકે તેવી યોજના કરવામાં આવેલ. ન્ગારાના ઈલાકામાં એક રસ્તાનું નામ દેસાઈ રોડ પણ આ દેશપ્રેમીની યાદમાં રાખવામાં આવેલ.

વોઈસ ઓફ કેન્યાના કિસ્વાહીલીમાં પ્રસારિત થતા નેશનલ સર્વિસમાં 12 એપ્રિલ 1981ના એક કાર્યક્રમમાં દેસાઈને અંજલિ આપતા કહેવામાં આવેલ કે :

“દેસાઈ એક એવા એશિયન હતા કે જેઓ પાસે કેન્યાના ઇતિહાસને લાંબી દૃષ્ટિથી જોવાની શક્તિ હતી. તેઓ એક હિંમતવાન નેતા હતા. તેઓને પોતાના અંગત સ્વાર્થ અને સુખની પરવા જરા પણ નહતી. તેઓની લગન અને લડત બસ એક હતી : સર્વ માટે ઇન્સાફ અને સરખાપણું.”

સૌજન્ય : “અલક મલક”, જાન્યુઆરી 1986; પૃ. 23, 23 અને 27 

*****************

દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓનાં જીવન ચરિત્ર - 5જસવંત સિંહ ભારાજ

1952માં શરૂ થયેલ કેન્યાની આઝાદીની સશસ્ત્ર લડતમાં જે ફાળો દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓએ કરેલ છે, તેનો ઇતિહાસ આજ સુધી ઘણો ખરો અનલિખિત છે. ત્રીસ વર્ષનો ગાળો વીતી જવાથી આ અહેવાલ હવે તો ભૂલાવા પણ મંડાયો છે. આપણી ફરજ છે કે કોઈ પણ કિસ્સાઓ વિશે આપણી પાસે માહિતી હોય, તેને આપણે પ્રસિદ્ધ કરી, આપણા આ દેશમાંના ઇતિહાસની જાણ વધારીએ.

જશવંત સિંહ ભારાજ વિશે આપણે વધારે જોઈએ તે પહેલાં એક-બે બીજા દેશપ્રેમીઓની જાણ કરીએ કે જેઓની જિંદગી ઉપર વધારે પડતી માહિતી નથી, પરંતુ તેઓએ સ્વતંત્રતાની લડાઈમાં સહાયકારક કામ કર્યું હતું.

માઉ માઉની લડાઈ દરમ્યાન કરાટીના ગામની બાજુના ઇલાકામાં યાકુબદ્દીન નામના એક દેશપ્રેમી લાકડાની મીલ ચલાવતા હતા. ન્યાન્ડારુઆના જંગલમાં ઝાડ કાપવા જાય ત્યારે માઉ માઉના લડવૈયાઓ માટે અનાજ, કપડાં, જોડા, દવા અને બીજી અનેક જરૂરિયાતોની વસ્તુઓ તેઓ પહોંચાડતા. ઘણો વખત આ કામ કર્યા બાદ આ માહિતી અંગ્રેજ સામ્રાજ્યશાહીના જાસૂસોને મળી અને ફિરંગી સરકારે તેઓને પકડવાનું કાવતરું કર્યું. પરંતુ આ સમાચાર સરકારમાં કામ કરતા કોઈ રાષ્ટ્રપ્રેમીએ યાકુબદ્દીનને પહોંચાડ્યા અને તેઓ વખતસર દેશની બહાર નીકળી ગયા. જો તેઓ પકડાયા હોત તો ફાંસીને માંચડે ચઢત. લડાઈના બાકીનાં વર્ષો તેઓએ પાકિસ્તાનમાં ગાળ્યા. કેન્યા સ્વતંત્ર થયા પછી તેઓ પાછા આવ્યા અને નાગરિકત્વ મેળવ્યું.

કરાટીનામાં જ હસનુમન્નાજી ટ્રાન્સપોર્ટરનું કામ ચલાવતા. આ સાથે લડાઈના આખા ગાળા દરમ્યાન તેઓએ લડવૈયાઓને અને તેઓના કુટુંબીઓ કે જેઓના વડીલો લડવામાં મશગૂલ હતા અથવા તો ફિરંગીઓના ડીટેન્સહન કેમ્પોમાં હતા તેઓને અનાજ અને બીજી ઘણી જરૂરિયાતો પૂરી પાડી. લડાઈને અંતે જ્યારે કાનુ પાર્ટીની પહેલી ચૂંટણી યોજાઈ, ત્યારે તેઓ આ ઇલાકાની શાખાના સભ્ય ચૂંટયા હતા. લગભગ 15 વરસ પહેલાં જ્યારે તેઓનું અવસાન થયું, ત્યારે તેઓની અંતિમ ક્રિયા માટે આખા પ્રાંતમાંથી 20થી વધારે લોરીઓ ભરીને માણસો તેઓને છેલ્લે સલામ આપવા આવેલા.

નકુરુની નજીકના મોલો નામના ગામડામાં જસવંત સિંહ નામના એક કારીગર રહેતા હતા. તેઓ રિફટ વેલી પ્રાંતમાં જે માઉ માઉના સિપાહી લડી રહ્યા હતા તેઓને છૂપી રીતે હથિયાર, કારતૂસ અને બંદૂકો બનાવવાની સામગ્રી પહોંચાડતા. આ આરોપસર તેઓને જુલાઈ 1954માં નકુરુની અદાલતમાં કાળી સજા કરવામાં આવેલ.

જસવંત સિંહ ભરાજનો જન્મ 1935માં લખપુર પંજાબમાં થયો હતો. તેઓના પિતા રેલવેમાં કામ મળવાથી 1914માં કેન્યા આવ્યા. 5 વર્ષની ઉંમરે જસવંત કેન્યા આવ્યા. 1947માં તેઓ ભણતર માટે ભારત ગયા હતા. ત્યાં તેઓએ અંગ્રેજ સામ્રાજ્યશાહીની ગુલામી વિરુદ્ધી આંદોલનોનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓ ભારતીય ઇન્કલાબી પક્ષ (રેવોલ્યુશનરી પાર્ટી ઑફ ઇન્ડિયા) કે જેનું માનવું હતું કે હથિયારબંધી લડત સિવાય ફિરંગીઓનો દેશ નિકાલ ના થઈ શકે – આ પક્ષના વિચારોની ભારે અસર થઈ.

જસવંત સિંહ 1953માં જ્યારે કેન્યા પાછા આવ્યા ત્યારે દેશમાં આઝાદીની લડત પૂર જોશમાં ચાલી રહી હતી. માઉ માઉના સ્વતંત્રતાના સૈનિકની વિરુદ્ધ લડવા માટે અંગ્રેજ શાસન સત્તા અનેક જુવાનિયાઓને બળજબરીથી લશ્કર અને પોલીસ-ફોજમાં ભરતી કરતા. જસવંતને પરદેશી સરકારે કેન્યા પોલીસ રિઝર્વમાં દાખલ થવાની ફરજ પાડી. પરંતુ સામ્રાજ્યશાહી વિરુદ્ધ વિચારવાવાળા આ ક્રાંતિકારી યુવાનને એ ક્યાંથી પાલવે ! આ ઉપરાંત લશ્કરની કેળવણી દરમ્યાન ગોરા અફસરોના બીજી જાતિના સિપાહીઓ પ્રત્યે અત્યાચારો પણ તેઓથી જોવાયા નહિ.

જસવંત સિંહે માઉ માઉના લડવૈયાઓ સાથે સંપર્ક સાધ્યો અને તેઓની સાથે મળી બંદૂકો બનાવવા માટે સાધન સામગ્રી એકઠી કરવાનું અને બંદૂકો અને બીજા હથિયારો બનાવવાનું કામ ઉપાડ્યું. મે 1954માં આવું કામ કરતાં તેઓ પકડાયા. તેઓની વિરુદ્ધ ફિરંગી અદાલતમાં મુકદમો ચાલ્યો અને ફાંસીને માંચડે ચડાવવાનો હુકમ બહાર પડ્યો. દેશપ્રેમી વકીલોની લડતોને લીધે મોતનો ચુકાદો જન્મકેદમાં બદલાયો. તેઓ માંડવા ટાપુમાં ટાકવા ડીટેન્શન કેમ્પમાં કેદ થયા. આ કેમ્પમાં સૈંકડો કેદીઓમાં પીઓ ગામા પીન્ટોનો સમાવેશ હતો.

આ વર્ષો દરમ્યાન દેશમાં સશસ્ત્ર આઝાદીની લડાઈ સાથે રાજકીય આંદોલન પણ ચાલી રહ્યું હતું. રાષ્ટ્રપ્રેમીઓની એક માંગ હતી કે તમામ રાજકીય કેદીઓને સામ્રાજય સરકારે કોઈ પણ શરત વિના છોડી મૂકવા જોઈએ. આ ઝુંબેશની સામે ફિરંગીઓ લાચાર બન્યા અને તેઓને કેદીઓને મુક્ત કરવાની ફરજ પડી. 1958માં જસવંત સિંહની સાડાચાર વર્ષની કેદ ભોગવ્યા બાદ મુક્તિ થઈ.

લેખકની નોંધ :

આ લેખ અંબુભાઈ પટેલની 1963માં છપાયેલ ચોપડી ‘સ્ટ્રગલ ફૉર રીલિઝ જોમો કેન્યાટા ઍન્ડ હીઝ કલિગ્ઝ’ પર આધારિત છે. કેદમાંથી નીકળ્યા બાદ જસવંત સિંહ ભારાજ વિશે કોઈ વાચક પાસે માહિતી હોય તો લેખકને ‘અલક મલક’ના સરનામે મોકલવા મહેરબાની કરશો.

સૌજન્ય : “અલકમલક”, ફેબ્રુઆરી 1986; પૃ. 10-11

Category :- Diaspora / History