CULTURE

૧૯૫૦-૬૦ના ગાળામાં, દક્ષિણ ગુજરાતમાંથી પ્રથમ વસાહતીઓ બ્રિટન આવ્યા અને લૅન્કેશર, યૉર્કશરનાં 'મિલ નગરો' માં વસ્યા. ૧૯૬૦-૭૦માં યુગાન્ડા તથા અન્ય આફ્રિકન દેશોના ગુજરાતી મૂળના લોકો આવ્યા અને મોટે ભાગે લંડન, લેસ્ટરમાં સ્થાયી થયા. આ વસાહતીઓ પોતાની સાથે ગુજરાતી ભાષા - સાહિત્યનો વારસો લઈને આવેલા.

૧૯૬૫ના શિયાળામાં, હઝલકાર 'બેકાર' ગુજરાતથી બ્રિટનના પ્રવાસે આવેલા. તેમની ઉપસ્થિતિમાં, બોલ્ટનના સ્પિનર્સ હૉલમાં, મુશાયરો થયો, જેમાં અંજુમ વાલોડી, કદમ ટંકારવી, મહેક ટંકારવી તથા સૂફી મનુબરીએ કાવ્યપઠન કરેલું. બ્રિટનનો આ પ્રથમ ગુજરાતી મુશાયરો.

૧૯૬૭માં કદમ ટંકારવી તથા મહેક ટંકારવીએ લૅન્કેશરમાં 'ગુજરાતી સાહિત્ય મંડળ'ની સ્થાપના કરી. ૧૯૭૩માં શેખાદમ આબુવાલા જર્મનીથી બ્રિટનના પ્રવાસે આવેલા ત્યારે પ્રેસ્ટનમાં કદમ ટંકારવીના નિવાસે કવિમિલન યોજાયેલું. આ પ્રસંગે શેખાદમની પ્રેરણાથી, 'ગુજરાતી સાહિત્ય મંડળ'નું 'ગુજરાતી રાઇટર્સ' ગિલ્ડ, યુ.કે.'માં રૂપાંતર થયું, અને સંસ્થાની પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો.

૧૯૭૦ના ગાળામાં 'ગુજરાતી સાહિત્ય મંડળ' અંતર્ગત ડાહ્યાભાઈ પટેલ, કુસુમ શાહ, યોગેશ પટેલ, નિરંજના દેસાઈ લંડન - લેસ્ટરમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ ચલાવતાં હતાં. ૧૨મી ફેબ્રુઆરી ૧૯૭૭ના રોજ શ્રી સૂર્યકાન્ત દવેના નિવાસસ્થાને યોગેશ પટેલ, વિપુલ કલ્યાણી અને પંકજ વોરાએ તૈયાર કરેલ લિખિત બંધારણ પ્રમાણે આ 'સાહિત્ય મંડળ' વિધિવત 'ગુજરાતી સાહિત્ય અકાદમી'માં ફેરવાયું.

આ ચારેક દાયકા દરમિયાન બ્રિટનમાં જે ગુજરાતી સાહિત્યસર્જન થયું તેની ઇયત્તા અને ગુણવત્તાની તપાસ માટેની ભૂમિકા રચાય તે હેતુથી કેટલાક મુદ્દા અહીં પ્રસ્તુત છે :
બ્રિટિશ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : બ્રિટિશ ગુજરાતી સાહિત્ય વિશે થોડી નોંધો તથા મૉનૉગ્રૅફ્સ મળે છે, પણ એના વિકાસ, વલણો, પ્રવાહોનો તલસ્પર્શી અભ્યાસમાં સહાયરૂપ થાય એવો સર્વગ્રાહી ઇતિહાસ લખાયો નથી. મુખ્ય સર્જકો તથા તેમની કૃતિઓ વિશે અધિકૃત માહિતી મળે, એવો કોઈ ગ્રંથ નથી. દાયકાવાર વિવિધ સાહિત્યસ્વરૂપોના પ્રતિનિધિ સંચયો પણ થઈ શકે. જેમ કે, સાતમા દાયકાની બ્રિટિશ ગુજરાતી કવિતા. આવા સંચયથી જે તે ગાળાના સર્જનની દશા - દિશાનો અભ્યાસ થઈ શકે.

વિવેચન-મૂલ્યાંકન : ચારેક દાયકા દરમિયાન બ્રિટિશ ગુજરાતી સાહિત્ય વિશે કેટલાક રસપ્રદ નિરીક્ષણો થયાં છે, જેને આધારે આ સાહિત્યની વિવેચનાત્મક ચર્ચા થઈ શકે. આ નિરીક્ષણો ભાવવિશ્વ, વિશ્વદર્શન, સંવેદના, વિષયવસ્તુ, સર્જકચેતના, ભાષા-અભિવ્યક્તિ, રચનારીતિ તથા કૃતિના સાહિત્યિક મૂલ્ય જેવા મુદ્દાઓને સ્પર્શે છે.

૧. મે, ૧૯૮૫માં અકાદમીની ભાષા સાહિત્ય પરિષદની 'બ્રિટનમાં સર્જાતું ગુજરાતી સાહિત્ય - પોત અને પ્રકાશ' બેઠકમાં યોગેશ પટેલે જણાવ્યું, 'આપણા સમાજના પ્રશ્નોને આવરી લેતી કૃતિઓને ખાસ જરૂર છે.' આમાં એવો નિર્દેશ છે કે, બ્રિટનનો ગુજરાતી સર્જક જે પરિસ્થિતિમાં જીવે છે તેનો સંદર્ભ એના સર્જનમાં પ્રતિબિંબિત થતો નથી.
૨. ૧૯૯૩માં સુમન શાહ બ્રિટનના પ્રવાસે આવેલા ત્યારે અહીંના સાહિત્યકારો તથા સાહિત્યરસિકો સાથે મુલાકાતો/ચર્ચાઓ કરેલી. આના પર આધારિત તેમણે કરેલ નિરીક્ષણો નીચે મુજબ છે :

(ક) આજે ઇંગ્લૅન્ડમાં સાહિત્ય-નામે જે લખાય છે અને છપાય છે તેમાં એક સળવળાટથી વિશેષ દમ નથી. આ સાહિત્ય 'પ્રાથમિક' કક્ષાનું છે. (ખ) અહીંના સર્જકનું ગુજરાતી સાહિત્યના 'મેઇન-સ્ટ્રીમ'- મુખ્યપ્રવાહ સાથે 'પરમ્પરાનુસન્ધાન' નથી. 'મેં મારી ઘણી સભાઓમાં નોંધ્યું કે શ્રોતાઓને ૧૯૬૦ પછીના ગુજરાતી સાહિત્યની કશી જ માહિતી નહોતી!' (ગ) બ્રિટનના ગુજરાતી સર્જકનો અંગ્રેજ સાહિત્યકારો સાથે કશો સમ્પર્ક નથી. (ઘ) બ્રિટિશ ગુજરાતી સર્જક પોતાને પ્રાપ્ત અને સુલભ એવા 'તમામ સંદર્ભો'માં વિસ્તરીને વ્યક્ત થતો નથી.

૩. ૧૯૯૪માં અકાદમીની પાંચમી ભાષા-સાહિત્ય પરિષદ ટાણે ભીખુ પારેખે કહ્યું, 'ગુજરાતને ધ્યાનમાં રાખીને અહીં લખાય છે એ સંસ્થાનવાદી મનોદશા છે. જે દેશમાં આપણે રહીએ છીએ તેને ધ્યાનમાં રાખીને સાહિત્યસર્જન થવું જોઈએ.'

૪. જાન્યુઆરી ૨૦૦૯માં અમદાવાદમાં 'ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યસર્જન' વિષયક પરિસંવાદના સમાપનમાં પ્રકાશ ન. શાહે આ સાહિત્યના બે તબક્કાની વાત કરી 'વસાહતી વસવાટના પ્રારંભિક તબક્કે, બને કે વતનઝૂરાપાની લાગણી એના સર્જનમાં પ્રગટ થવા કરતી હોય, પણ આરમ્ભે 'આરત છે તો પછીથી અભિસ્થાપન પણ છે. કંઇક longing, કંઇક belonging.'
ઉપરોક્ત મુદ્દાઓ ચાર દાયકાના બ્રિટિશ ગુજરાતી સાહિત્યની તપાસ માટે ભૂમિકા રચી આપે છે, અકાદમી વિવિધ સાહિત્ય સ્વરૂપોના પ્રતિનિધિ સંચયો પ્રગટ કરે તો આવી તપાસમાં સુવિધા રહે. આવા સંચયોમાંથી પસાર થનારને ખ્યાલ આવે કે,

• બ્રિટિશ ગુજરાતી સાહિત્ય મુખ્યપ્રવાહને કહેતાં ગુજરાતી ગુજરાતી સાહિત્યથી કઈ રીતે જુદું પડે છે.

• બ્રિટિશ ગુજરાતી સાહિત્યની પોતીકી મુદ્રા છે? અને છે તો કેવી છે?

• મુખ્યપ્રવાહના સાહિત્યનો એના પર કેટલો/કેવો પ્રભાવ છે?

• આ સર્જન પર સમકાલીન અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ છે?

• અનુભૂતિ - અભિવ્યક્તિ સંદર્ભે વસાહતના આરમ્ભથી લઈ અત્યાર સુધીના સર્જનમાં કેવાં સ્થિત્યંતરો પ્રગટ થયાં છે?

• બ્રિટિશ ગુજરાતી સર્જકે પોતાની ચેતનાને અનુરૂપ diction પ્રયોજી છે કે ગુજરાતની પડઘાશૈલીથી કામ ચલાવે છે?

• ૬ જૂન ૨૦૦૯ના રોજ લંડનના નેહરુ સેન્ટર ખાતે યોજાયેલ પરિસંવાદમાં પ્રકાશ ન. શાહે સર્જકનો એના પરિવેશ સાથેના encounterનો મુદ્દો ચર્ચેલો. બ્રિટિશ ગુજરાતી સર્જક જે દેશકાળમાં શ્વસે છે તેને કઈ રીતે સંવેદે છે અને કઈ રીતે વ્યક્ત કરે છે?

બ્રિટનમાં સર્જાતા ગુજરાતી સાહિત્યનું સાહિત્યિક મૂલ્ય કેટલું?  આ સર્જન પાછળ ઊંડી કલાસૂઝ છે કે પછી સુમન શાહ કહે છે તેમ, એ માત્ર 'પાસ ટાઇમ ઍક્ટિવિટી' છે? જો આમ હોય તો સુમનભાઈના શબ્દોમાં એ 'કામચલાઉ' બની રહેશે.

ચાર દાયકાના બ્રિટિશ ગુજરાતી સર્જનને અંકે કરી એની તલસ્પર્શી તપાસ માટેની ભૂમિકા રચી આપવાનું ભગીરથ કાર્ય ઇંગ્લૅન્ડની ગુજરાતી સાહિત્ય અકાદમી સામે પડેલું છે, અને આ ક્રમ અગ્રતાક્રમમાં મોખરે છે.

(૬ જૂન ૨૦૦૯ના, લંડનસ્થિત ‘નેહરુ કેન્દ્ર’માંના, ગુજરાતી સાહિત્ય અકાદમીના પરિસંવાદ ટાંકણે રજૂ કરેલા મૂળ અંગ્રેજી નિબંધનો સારાંશ)

(મુદ્રાંકન સદ્દભાવ : શ્રુતિબહેન અમીન)

Category :- Diaspora / Culture

વિદેશમાં વસતા ગુજરાતીઓની હલચલ-પ્રવૃત્તિઓ-પ્રયાસોના ખબરઅંતર આપણા સુધી કોઈક ને કોઈક પ્રકારે પહોંચતા રહે છે. તેમાં પણ "ઓપિનિયન" અને ‘ગુજરાતી લેક્સિકોન ડૉટ કૉમ’ જેવા મહાપ્રયાસો તેમના બુલંદ યોગદાનથી ગુજરાતી ડાયસ્પોરાની હાજરી વર્તાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ગુજરાતી ડાયસ્પોરા પોતાની વાત લઈને આપણી પાસે આવી રહ્યો છે. એના જ ભાગરૂપે આ વર્ષે બ્રિટનસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’, "ઓપિનિયન" અને ‘ગુજરાતી લેક્સિકોન ડૉટ કૉમ’ના સંયુક્ત ઉપક્રમે, અમદાવાદમાં, તારીખ ૧૦ જાન્યુઆરીએ, ગૂજરાત વિદ્યાપીઠના નવા સભાગૃહમાં, ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : દિશા અને દશા’ વિષય પર અડધા દિવસનો પરિસંવાદ ગોઠવવામાં આવ્યો હતો. વળી, ડાયસ્પોરાની પ્રવૃત્તિને વાંચતી કરવાના હેતુ વિષયને અનુરૂપ એવાં બે પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ પણ સાથે વણી લેવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બ્રિટનના ગુજરાતી ડાયસ્પોરાના પ્રતિનિધિઓ કહેવાય તેવા વિપુલ કલ્યાણી ("ઓપિનિયન" તથા ગુજરાતી સાહિત્ય અકાદમી), રતિલાલ ચંદરયા (ચંદરયા ફાઉન્ડેશન), ભદ્રા વડગામા (પ્રમુખ - ગુજરાતી સાહિત્ય અકાદમી), દાઉદભાઈ ઘાંચી તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગર, વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાન્ત વખારિયા, ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ મંગુભાઈ ર. પટેલ,સમાજસેવિકા ઈલાબહેન પાઠક, ઇતિહાસવિદ્દ દંપતી શીરીન મહેતા અને મકરન્દ મહેતા તથા રઘુવીર ચૌધરી મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતાં. શ્રોતા તરીકે બ્રિટન અમેરિકાથી પચાસેક ડાયસ્પોરિકો તથા બીજા અનેક સ્થાનિક લોકો સાથે નારાયણભાઈ દેસાઈ પણ સહભાગી બન્યા હતા. કાર્યૐમના સંચાલનનો દોર વિપુલ કલ્યાણીએ સંભાળ્યો હતો.

ગૂજરાત વિદ્યાપીઠના જાણે કે ગણવેશમાં સજ્જ વિપુલભાઈએ બ્રિટનસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની વાતથી વિષયની માંડણી કરી હતી. ‘૧૨ ફેબ્રુઆરી, ૧૯૭૭ના સ્થપાયેલી અકાદમી ચોથા દસકામાં પ્રવેશી ચૂકી છે. સૈકાઓથી ગુજરાતી પ્રજા જાણે તેનો લાંબો દરિયાકિનારો તેને પડકારતો હોય તેમ દરિયાગમન કરતી રહી છે. અને આ દરિયાપાર વસેલા ડાયસ્પોરાના મિત્રોએ વારસાના વતન માટે કોઈ પણ એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઑવ્ અન્ડરસ્ટેન્ડીંગ શ સમજૌતા એક્સપ્રેસ) વગર ઘણું ઘણું કર્યું છે - તેમના આ પ્રયાસોની ઇતિહાસમાં કોઈ નોંધ નથી લેવાઈ, જે લેવાવી ઘટે.’

તેમની ટૂંકી પૂર્વ ભૂમિકા પછી, પરિસંવાદની અધિકૃત શરૂઆત કરતાં  પહેલાં જાણીતા સાહિત્યકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ રઘુવીર ચૌધરીના હસ્તે બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું.   પ્રથમ પુસ્તક હતું ઇતિહાસવિદ્દ દંપતી શીરીન મહેતા અને મકરન્દ મહેતા કૃત  ‘બ્રિટનમાં  ગુજરાતી  ડાયસ્પોરા : ઐતિહાસિક  અને  સાંપ્રત પ્રવાહો’.    (પ્રકાશક : વિશ્વ ગુજરાતી સમાજ, મણિપ્રભુ, નવરંગ સ્કૂલ છ રસ્તા પાસે, અમદાવાદ - ૩૮૦ ૦૧૪, વિક્રતા : રંગવાર, યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯; પૃષ્ટ : ૧૬ + ૩૪૨; કિંમત : રૂ. ૨૨૦) આ પુસ્તક અંગે માહિતી સંશોધન માટે શીરીનબહેન અને મકરન્દભાઈએ લગભગ ત્રણેક મહિના લંડનમાં રહીને મહેનત કરી હતી અને તેમને તમામ પ્રકારનો ટેકો આપ્યો હતો "ઓપિનિયને", ‘ચંદરયા ફાઉન્ડેશને’ તથા ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ. બંને લેખકોએ પોતે તો માત્ર નિમિત્ત હોવાનું અને ખરેખરા ઇતિહાસના રચયિતાઓ તો અત્યારે અહીં મંચ પર અને શ્રોતાગણમાં બેઠેલા હોવાનું કહી આભાર વ્યક્ત કર્યો હતો. નાત-જાત-ધર્મ-કોમથી નિરપેક્ષ રહી, ગુજરાતી મુસ્લિમો સુદ્ધાંનાં કેસ સ્ટડી વણી લેતું આ પ્રકારનું આ કદાચ પહેલું પુસ્તક હશે.

આ પ્રસંગે બીજા જે પુસ્તકનું વિમોચન થયું તે હતું ‘વાર્તાની છાજલી’. "ઓપિનિયન"ના આંરભિક દાયકાના અંકોમાં છપાયેલી વાર્તાઓમાંથી ચૂંટેલી ૩૨ વાર્તાઓનો સંગ્રહ. વલ્લભભાઈ નાંઢા, રમણભાઈ પટેલ અને ઉપેન્દ્રભાઈ ગોરે તેનું સંપાદન કર્યું છે. (પ્રકાશક :  નવભારત સાહિત્ય મંદિર, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ - ૪૦૦ ૦૦૨; પૃષ્ટ : ૧૬ + ૨૩૩; કિંમત રૂ. ૧૭૫).

આ અવસરે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગરે ગુજરાતી ડાયસ્પોરાના જૂના સભ્ય ગણાય એવા મોહનદાસ ગાંધીને યાદ કરીને તેમણે મૂકેલી સ્વસ્થ અને જીવનદર્શક મૂડીને અનુસરવા - અપનાવવાની વાત મૂકી હતી. ‘ભવિષ્યની પેઢી પાસે ફક્ત ગૌરવવંતો ઇતિહાસ નહીં, પૂરતી છણાવટ આપતો હોય તેવો ઐતિહાસિક દસ્તાવેજ હોવો ઘટે’, એવું કહીને તેમણે ડાયસ્પોરાના ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહોના લેખનને બિરદાવ્યું હતું અને શુભકામનાઓ પાઠવી હતી. વળી સૌની સ્વાગતવિધિ જેમણે કરી તે વિપુલ કલ્યાણીનું સ્વાગત કરવું રહી ન જાય તે ધ્યાનમાં રાખી સુદર્શનભાઈએ વિપુલભાઈનું પણ નાના ગુચ્છથી સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ, પોતાના વ્યવસાયને લઈને લાંબું વક્તવ્ય માત્ર અંગ્રેજીમાં (હાઈકોર્ટમાં માત્ર અંગ્રેજી ભાષા જ માન્ય હોવાથી) અને તે પણ સવેતન જ કરવા ટેવાયેલા જાણીતા ધારાશાસ્ત્રી તથા ‘વિશ્વ ગુજરાતી સમાજ’ના પ્રમુખ કૃષ્ણકાન્ત વખારિયાએ નવા પરિવર્તનની ગતિ સાથે ઊભા થનારા પ્રશ્નો માટે - ભાષાની તેમ જ સમાજજીવનની દૃષ્ટિએ - ડાયસ્પોરાએ તેમ જ સ્થાનિક ગુજરાતવાસીઓએ તૈયાર થવાની બાબત વિશે ચર્ચા કરી. ‘માતૃભાષા પર પ્રેમ હોવો જોઈએ તે ખશં, પરંતુ છેવટે ભાષાની ઉપયોગિતા પર જ પૂરો આધાર રહે છે. ભાષા કેટલું જીવશે તેનો માપદંડ માત્ર તેની ઉપયોગિતા જ છે. આપણા ન હોય તેવા બીજા કેટલા ય ઉત્સવો આપણે ઉજવતા થઈ ગયા છીએ ત્યારે ભાષાની દૃષ્ટિએ - સમાજજીવનની દૃષ્ટિએ નવા નવા પ્રશ્નો ઊભા થશે જ અને એના માટે આપણે આ બધાનો સમન્વય કરીને જ આગળ વધવું પડશે.’

સમગ્ર વિશ્વમાં બેથી અઢી કરોડ ભારતીયો જુદે જુદે ઠેકાણે જઈને વસ્યા છે, તેમાંથી ૩૦થી ૪૦ લાખ જેટલા તો માત્ર ગુજરાતીઓ જ છે. આટલી મોટી સંખ્યા જ આ વિષયને અગત્યનો બનાવે છે. સહકારની ભાવના વધે તો બ્રિટનની જેમ ફિજીમાં ગુજરાતી ડાયસ્પોરા, કેનેડામાં ગુજરાતી ડાયસ્પોરા - એમ કેટલા ય ડાયસ્પોરા અભ્યાસો થઈ શકે, એવો મત મકરન્દ મહેતાએ રજૂ કર્યો હતો.

ત્યાર બાદ, વિપુલભાઈએ ૮૪ વર્ષના યુવાન રતિલાલ ચંદરયાને પોતાનું વક્તવ્ય રજૂ કરવા આમંશયા હતા. રતિલાલભાઈએ ખૂબ નિખાલસતાપૂર્વક પોતાની વાત કરી - ‘હું આફ્રિકામાં જન્મ્યો. ઇતિહાસકારોએ અમને ‘કુલી’ તરીકે ઓળખાણ આપી. જ્યાં જઈએ ત્યાં અમને ‘કુલી’ - ‘મજૂર’ - ‘બ્લડી ઇન્ડિયન્સ’ - ‘બ્લેક’ તરીકે સંબોધન થતું. મેં આ જાતે અનુભવ્યું છે. પછીથી, એક વાર મને વિપુલભાઈએ ‘ગુજરાતીપણાની શોધમાં’ નામનું પુસ્તક આપ્યું. એ પુસ્તક વાંચ્યા પછી પહેલીવાર મને થયું કે શાબાશ, તું ગુજરાતી છે !’ રતિલાલભાઈએ પોતાની માન્યતા પણ મક્કમપણે કહી - ‘અહીં ક્યાંક બોલાયું કે ગુજરાતી ભૂલાઈ ગઈ છે - એ હકીકત નથી. વીસ લાખ લોકોએ ‘ગુજરાતી લેક્સિકોન’ની સાઈટ જોઈ છે. એ પુરાવો છે કે લોકોને ભાષા માટે લગની છે, પ્રેમ છે.’ રતિલાલભાઈએ વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તેમના માટે આવું પુસ્તક લખાય તેવી શુભેચ્છા પ્રગટ કરી હતી.

આટલું વાતાવરણ બંધાયા પછી, વિપુલભાઈએ વિધિવત્ ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા - દિશા અને દશા’ પરિસંવાદની શરૂઆત કરી હતી.  પરિસંવાદના સૌથી પહેલાં વક્તા હતાં ભદ્રાબહેન વડગામા. તેઓ ઊંડા અભ્યાસુ છે, બ્રિટન સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ છે તથા વ્યવસાયે ગ્રંથપાલનું કાર્ય કરે છે. તેમણે વિગતવાર ઐતિહાસિક વિગતો ટાંકીને જુદા જુદા ક્ષેત્રે બ્રિટનમાં ગુજરાતીઓએ મેળવેલી સિદ્ધિઓની વાત કરી - રમતગમત સિવાય બીજું એક પણ એવું ક્ષેત્ર નથી જ્યાં ગુજરાતીઓએ કોઈ નોંધનીય ન કર્યું હોય ! તેમણે ગુજરાતીઓએ કરેલા સંઘર્ષની વાત પણ કરી અને છેલ્લે ‘તળ ગુજરાતી કરતાં અમારો ડાયસ્પોરિક ગુજરાતી લાંબા સમય સુધી ગુજરાતી બોલશે, વાંચશે, લખશે, સાંભળશે અને જીવશે’, તેવો બુલંદ વિશ્વાસ વ્યક્ત કર્યો.

એ પછીનાં વક્તા ‘અવાજ’નાં ઈલાબહેન પાઠકે પોતાની વાંકદેખી નજરનો હવાલો આપતાં પહેલાં જ સ્પષ્ટ કહી દીધું કે અત્યાર સુધી કહેવાયું છે તેનાથી કંઈક અલગ તેઓ કહેવા ધારે છે. તેમણે ડાયસ્પોરાની દશાને બ્રિટનમાં ગુજરાતી બહેનોની સ્થિતિના સંદર્ભે મૂલવી હતી. અલબત્ત, તેમણે ડાયસ્પોરાની સારી અને નરસી બ;ને બાબતોની ચર્ચા કરી હતી. ડાયસ્પોરાની સારી બાબતો ગણાવતાં તેમણે કહ્યું હતું - (૧) પરદેશમાં વસતા ગુજરાતીઓ બાળલગ્નો નથી કરાવતાં. (૨) પરદેશમાં છોકરીઓને ભણાવાય છે. અમુકતમુક કે ગણતરીની સ્ત્રીઓની સિદ્ધિની નહીં પરંતુ મોટા ભાગની સ્ત્રીઓની સ્થિતિ પરથી જ ડાયસ્પોરા સાચી દિશાનો અંદાજ કાઢી શકે. બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરાનો આડો છેદ લેવામાં આવે તો ત્યાં લગ્ન માટે હજી પણ નાત-જાત-ગામ જોવાય છે, બાળક હોય તો જ સ્ત્રીઓ પાસે પોતાના માટે સમય નથી - તેમનું એ માનસ બદલાય તેવું કોઈ વાતાવરણ સમાજ તરફથી પૂશં પડાયું નથી. પોતાની વાતના લંડનની મુલાકાત વખતના દાખલાઓ ટાંકીને ઈલાબહેને તેમાં સંશયને કોઈ સ્થાન રહેવા દીધું નહીં.

ઈલાબહેને સ્ત્રીઓનાં દુ:ખોના સંદર્ભે ડાયસ્પોરાને મૂલવ્યો તો તેમના પછી આવેલા વક્તા અને લેખક દાઉદભાઈ ઘાંચીએ કોઈ મજબૂરીથી નહીં પણ ઈરાદાપૂર્વક ડાયસ્પોરાનો ભાગ બનવા આવી રહેલા યુવાનો વિશે વાત કરી. પહેલાં અર્થોપાર્જન માટે અને આફ્રિકામાંથી તો ઈદી અમીનના ત્રાસના કારણે બ્રિટનમાં આવીને પોતાનો રસ્તો કાઢનારા ગુજરાતી ડાયસ્પોરાની એ પેઢી વિદાય લઈ રહી છે અને નવા જોમ, તરવરાટ અને ત્યાંની સંસ્કૃતિમાં ભળી જવાના ઉત્સાહ સાથે ઇમિગ્રેશન કરી રહેલા નવયુવાનોની પેઢી આવી રહી છે.

‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’ના લેખક-દંપતીમાંથી શીરીનબહેન મહેતાએ ૧૯૬૦ પછીના વિતીય સ્થળાંતરની વિગતવાર વાત કરી. આફ્રિકામાંથી બ્રિટનમાં સ્થળાંતરિત થયેલા ગુજરાતી પરિવારો અને તેમાં પણ વિશેષપણે સ્ત્રીઓના સંઘર્ષોની સામાન્ય રીતે બહુ નહીં જાણીતી એવી વાત પણ તેમણે ઉદાહરણ સાથે કરી. જેમ કે ત્યારે ખૂબ કડક બનાવી દેવાયેલા બ્રિટિશ કાયદા અનુસાર માત્ર મેઈન પાસપોર્ટ હોલ્ડરને અને તેનાં સોળ વર્ષથી નાનાં બાળકોને જ બ્રિટનમાં પ્રવેશ આપવામાં આવતો. એ અરસામાં યુગાન્ડાથી કેટલી ય સ્ત્રીઓ આ રીતે પોતાનાં બાળકો સાથે બ્રિટનમાં પ્રવેશ મેળવતી પણ પછી સંઘર્ષોનો એક આખો મહાસાગર તેણે પાર કરવાનો રહેતો. જુદી ભાષા, કાયદા વચ્ચે ઘર શોધવાથી માંડીને આજીવિકા રળવા સુધીનો. અલબત્ત, ત્યારે ત્યાં જ રહેતા કેટલા ય ગુજરાતી પરિવારોએ દાખવેલી સજ્જનતા અને મદદની પણ તેમણે વાત કરી.

મકરન્દભાઈ મહેતાએ  લાગણી - સંઘર્ષો - વતન માટે ઝુરાપાથી અલગ હટીને બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરામાંથી ગુજરાતી શીખવા જેવી બાબત તરફ અંગુલિનિર્દેશ કર્યો, ‘જેમ સ્ત્રીઓ સંદર્ભે અલગથી વાત થઈ તેમ દલિતની વાત પણ અલગથી કરવી જોઈએ. આપણા દલિત-કોળી-મોચી વગેરેએ ત્યાં જઈને વ્યાવસાયિક અને અન્ય શિક્ષણ મેળવીને ઘણી સારી સ્થિતિ પ્રાપ્ત કરી છે. આમ જોઈએ તો બ્રિટન એક તરફ સુધારાવાદી છે અને બીજી તરફ ત્યાં પણ ઉગ્ર રંગ/વંશીય ભેદભાવો છે. છતાં ત્યાં કંઈક એવું મલ્ટીકલચર છે જ્યાં આવું શકય બની શક્યું. ગુજરાત આ મલ્ટીકલચરમાંથી શીખે છે.’

આમ આ પરિસંવાદમાં, ‘ડાયસ્પોરા’ શબ્દનો ઉપયોગ કરવા - ન કરવાથી માંડીને જન્મના કારણે મળતા બ્રિટિશ નાગરિક હક સ્પષ્ટપણે ન બંધાતી બ્રિટિશ સરકારને કારણે ઊભી થતી અસલામતી જેવા ગંભીર મુદ્દાઓ, ગુજરાતી ડાયસ્પોરાને અને તમામ ગુજરાતીઓને હરખ થાય તેવી સિદ્ધિઓ - પ્રયાસો અને ક્યાંક ક્યાંક આત્મનિરીક્ષણ કરવાની તક આપતા અનેક મુદ્દાઓ વિશે કવિતાઓ અને ગઝલોની ઉક્તિઓ સંગાથે ચર્ચાઓ થઈ. બ્રિટનના ગુજરાતી ડાયસ્પોરાની વાત ઠીક ઠીક પહોંચી અને ગુજરાતી ડાયસ્પોરાને પણ કંઈક ભાથું મળ્યું.

વિપુલ કલ્યાણીએ શ્રોતાગણથી માંડીને ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક, અને કુલસચિવ, લેક્લિસકોન જૂથ અને ચંદરયા ફાઉન્ડેશન એમ તમામનો આભાર માન્યો અને ‘ગુજરાત ઇતિહાસ પરિષદ’ના પ્રમુખ મંગુભાઈ પટેલે ‘અહીંથી જ્યાં સુધી તમામ સંતો-મહંતો-ઓલિયાઓ બ્રિટનમાં ચાલ્યા નહીં જાય ત્યાં સુધી બ્રિટનના ગુજરાતી ડાયસ્પોરાને કોઈ વાંધો આવવાનો નથી !’ એવા હળવા ગંભીર વ્યંગથી સમાપનવિધિ કરી. તેમણે ટાંકેલી કાવ્યપંક્તિઓ પૈકી એક હતી કવિ ‘ખય્યામે’ રચેલી  પંક્તિઓ :

અમે ગુજરાતનું નામ રોશન કરી લઈશું,

હોઈશું જ્યાં ત્યાં ગુજરાતનું સર્જન કરી લઈશું.

(સદ્દભાવ : "નિરીક્ષક", ૧૬.૦૧.૨૦૦૯; "ઓપિનિયન", ૨૬.૦૨.૨૦૦૯) 

Category :- Diaspora / Culture