ભારેલા અગ્નિ જેવું મૌન
એ જ તો
કવિની શક્તિ.
હું ચૂપ છું,
અત્યારે તો
બોલી શકાતું નથી;
પણ
મારા - કવિના મૌનમાં -
ધીમી ધીમે
એકઠું
થતું
જાય છે -
રૂપૅરી-ગ્રે
યુરેનિયમ.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 16
Category :- Poetry / Poetry
ભલે હો પીડ પારાવાર, તારે બોલવાનું નહિ,
કરે હૈયું ભલે ચિત્કાર, તારે બોલવાનું નહિ.
તને આદેશ છે કે જીભ કાપીને મૂકી દેજે,
થશે તારો ય જયજયકાર, તારે બોલવાનું નહિ.
જરા ઇતિહાસનાં થોથાં ઉઘાડીને મનન કરજે,
જે બોલ્યા તે થયા છે ઠાર, તારે બોલવાનું નહિ.
કદાચિત બોલવાથી બોર વેચાઈ જતા હો પણ,
નથી કંઈ બોલવામાં સાર, તારે બોલવાનું નહિ.
ન બોલ્યામાં હશે નવ ગુણ તારા ગોત્રમાં તેથી,
પુરોગામી કરે પોકાર, તારે બોલવાનું નહિ.
તને તો એક શું, લાખો ખભાઓ આપશે ટેકો,
શરત છે એટલી દોસ્તાર, તારે બોલવાનું નહિ.
અગર બહેરાં નગરજન સત્યની મહેફિલ સજાવીને
કરે ઇર્શાદ સો-સો વાર, તારે બોલવાનું નહિ.
‘તીર્થ, ૧૫૩-ગુરુકૃપા નગર, ચિત્તલ રોડ, અમરેલી - ૩૬૫ ૬૦૧.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 16
Category :- Poetry / Poetry