POETRY

બે કાવ્યો

બકુલા ઘાસવાલા
13-09-2021

છેલ્લા કેટલાક દિવસોમાં કાળજું કંપાવે એવી બનેલી આ બે ઘટનાઓ પર અમારી સંવેદનશીલ નાનકી સખી ખેવનાનું ચિત્ત ડહોળાઈ ગયું છે. એનો બળાપો મારાથી સહન ન થયો તે વેદનાની  આમ કાવ્ય ગણો તો અભિવ્યક્તિ થઈ. 

૧: 

*કોણે શરમને નેવે મૂકી : 

 
કોણ જાણે કેમ શરમ નો’તી
એટલે એને નેવે મૂકી! 
આમ તો સાબરમતી  સૌને મન ગંગા જેવી 
એટલે 
એમાં વળાવી ને વહાવી કો’ અજ્ઞાત દુહિતા 
અમારો વિકાસ પાગલ જેવો 
શરમબરમ રાખીએ તે પાલવે નહીં 
અમે તો છાપરે ચડીને પોકારીએ 
જુઓ, જુઓ …. નદીમાં વહેતી એ દીકરી! 
દીકરી? 
કેવા દીકરી ને કેવી વાત? 
એ તો ફક્ત કેસ બનીને ફાઈલે જશે. 
બે-ચાર દિવસ થોડું આક્રંદ અને થોડો આક્રોશ
 પછી બધું ત્યાં ને ત્યાં 
ખબર નથી બાયોલોજિકલ એક્સિડન્ટ હતો કે 
બળાત્કાર … કે પછી કશું જ નહીં 
વાત એમ હતી કે એ જોઈતી ન હતી
એટલે એને ગર્ભમાં જ …
બાકી અમે તો માતૃદેવો ભવ અને 
દીકરી વહાલનો દરિયોનું રટણ કરનારાં
ફક્ત અમને શરમબરમ નડે નહીં 
એટલે એક બાજુ આમ ને બીજી બાજુ તેમ 
જવા દો બધી વાત …
અમારે તો તૈયારી કરવાની  છે 
શાની? 
કેમ, ભૂલી ગયા નવરાત્રિ આવે છે તે! 
જેણે મૂકી લાજ, તેનું નાનું સરખું રાજ 
આમ પણ શરમ તો નેવે મુકાયેલી જ છેને! 

**************************************

૨ :

એક સ્ત્રી રહેતી હતી ફૂટપાથ પર.

એક સ્ત્રી રહેતી હતી ફૂટપાથ પર, 
એની પાસે કોઈ સામાન હતો કે નહીં 
તે તો ખબર નથી. 
પણ એનું ઘર જ ફૂટપાથ પર હતું તે તો નક્કી વાત. 
આમ તો કોઈને નડતી નો’તી
લોક તો કહેતું કે મગજ સ્થિર નો’તું 
અને જે મળે તે ખાઈ-પી લેતી હતી. 
આમ તો બધાંને માટે સાવ નગણ્ય 
પરંતુ કોઈની આંખે તો ચડી ગયેલી
એટલે એક દિવસ એને માણસ કેવો હોય 
તેની જાણ થઈ, ખબર નથી કે એને એ સમજાયું હોય ...
પરંતુ માણસની ક્રૂરતાનો પરચો તો એને મળ્યો. 
એનાં સર્જનદ્વારને તહસનહસ કરીને સળિયો નાંખ્યો અંદર ગર્ભાશયે ! 
અને વટાવી દીધી હદ બર્બરતાએ! 
પણ એને ક્યાં ભાન હતું કે એની સાથે શું થયું? 
હોસ્પિટલ ભેગી તો થયેલી પણ છેવટે જાનથી ગઈ …
હવે આવી ઘટનાઓ પર ખાસ ઊહાપોહ થતો નથી. 
બે-ચારને ‘આક્રંદ અને આક્રોશ’ પ્રગટ કરવાની ખેવના 
એટલે વાત થોડી હવામાં ફેલાઈ, 
બાકી આજકાલ તો આવી ઘટનાઓ 
‘કેસ ફાઈલ’ બનીને રહી જાય … 
અને હા, હવે એ ફૂટપાથ પર 
કોઈ સ્મારક નથી બનવાનું. 
કદાચ,એનાં જેવી બીજી કોઈ ત્યાં 
ગોઠવાય પણ ગઈ હોઈ તો આપણને નથી ખબર! 

*********************************

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Category :- Poetry / Poetry

વિચારું છું :

મૂકેશ પરીખ
09-09-2021

વિચારીને હસું છું, અને હસીને ય વિચારું છું,
કદીક ગમતું તો કદીક અણગમતું વિચારું છું.

વિચારો ઉપર અંકુશ રાખી શકાતો જ નથી,
તેથી જ તો હું આમ આડું અવળું વિચારું છું.

કોણે શું શું કહ્યું અને કોણે શું શું કહેવાનું છે?
એની જ ગડમથલમાં જાણે શું ને શું વિચારું છું.

બોલેલું સંભળાતું નથી, સાંભળેલું સમજાતું નથી,
થોડું સમજીને તો ઘણું સમજ્યા વિના વિચારું છું.

શ્રદ્ધા-અંધશ્રદ્ધાનો ફરક સમજાતો નથી ‘મૂકેશ’,
માથું ક્યાં કોની આગળ નમાવવું તે વિચારું છું.

ન્યુ જર્સી, યુ.એસ.એ.

e.mail : [email protected]

Category :- Poetry / Poetry