AMI EK JAJABAR

રમણીકલાલ સોલંકીને 1972ના અરસે પહેલી વાર જોયાનું સ્મરણ છે. એ દિવસોમાં “જન્મભૂમિ”માં પત્રકારત્વ કરતો અને રમણીકભાઈ લંડન બેઠે “જન્મભૂમિ” જૂથનું પ્રતિનિધિત્વ કરતા. પણ મુંબઈ આવે ત્યારે રમણીકભાઈની બેઠકઊઠક તંત્રી જોડે કે તંત્રી ખાતાને બદલે સવિશેષ ‘સૌરાષ્ટૃ ટૃસ્ટ’ના તત્કાલીન વહીવટી સંચાલક રતિલાલભાઈ શેઠ જોડે રહેતી. બીજે માળે રતિભાઈની પણ કૅબિન હતી. રમણીકભાઈ બહુધા ત્યાં જ બેસતા. જ્યારે આજની જેમ તંત્રીખાતું પહેલે માળે. તંત્રીખાતાના દરવાજે આવી પટાવાળાને એ લખાણના કાગળિયા ભળાવી જાય; તે વેળાના તંત્રી મનુભાઈ મહેતાની કૅબિન લગી પહોંચવાનું એ ટાળતા. કેમ હશે ? મને ભારે અચરજ થતું. તેમ છતાં, મનમાં ને મનમાં, રમણીકલાલ સોલંકીને ક્યારેક મળવાનાં પલાખાં માંડતો રહેતો.

એ ત્યારે શક્ય થયું જ નહીં. … સન 1975ના ઉત્તર ભાગે વિલાયત જવાનો જોગ થયો. ગોઠવાઉં એની પળોજણ હતી. પાનખર બેઠી હતી, ને શિયાળાની ઝીંક સહન કરવાની હતી. સનંદી સેવામાં નોકરી સાંપડી હતી અને વળી, જોડાજોડ, પગભર થવાની કસરત થતી. પરિણામવસ, “ગરવી ગુજરાત”ના તંત્રી રમણીકલાલ સોલંકીને મળવાનો જોગ ન જ થયો. પરંતુ મારી કિશોરાવસ્થાના દોસ્ત વિનોદ એમ. પટેલ વાટે “ગુજરાત સમાચાર”નાં તંત્રી કુસુમબહેન શાહને મળવાનો જોગ જરૂર થયો. એ દિવસોમાં એમનું દફતર સાઉથહૉલમાં હતું અને મારો વાસો પડખેના હાન્સલોમાં. કુસુમબહેન કહે, બેત્રણ અઠવાડિયા પહેલાં જો તમે મળ્યા હોત ! … ખેર ! … એ દિવસોમાં કુસુમબહેન શાહ “ગુજરાત સમાચાર”ના કબજા હક અધિકાર વેંચવાની પળોજણમાં હતાં. વાટાઘાટો નિર્ણાયક સ્તરે પહોંચી ગયેલી.

આમ, “ગુજરાત સમાચાર”નો માલિકી હક ચન્દ્રકાન્ત બાબુભાઈ પટેલે મેળવી લીધો. એ પણ વિનોદ પટેલને જાણે. બન્ને વચ્ચે નિજી સંબંધ. વિનોદને કારણે સી.બી.ને નામે જાહેર ઓળખાતા આ ચન્દ્રકાન્તભાઈને મળવાનું થયું. બન્નેના આગ્રહે “ગુજરાત સમાચાર”માં તંત્રી તરીકે જોડાવાનું કબૂલ કર્યું. આ તંત્રીપદ નભ્યું તો માંડ 13 મહિના; પણ તેને પરિણામે રમણીકભાઈને મળવાનું દોહ્યલું થતું ગયું. પરિસ્થિતવસાત્‌ “ગરવી ગુજરાત” અને “ગુજરાત સમાચાર” વચ્ચે ઉગ્ર રસાકસી. જાણે કે એક જાતનો ગરાસ સાંચવવાની મથામણ !

“ગુજરાત સમાચાર”નું પ્રકરણ આટોપાયું; તો બીજી પાસ, વેમ્બલીના એક બડા વ્યાપારી હીરાભાઈ પટેલ “નવજીવન”નો આદર કરે. એમના આગ્રહે જોડાયો. બારેક મહિના આ સાપ્તાહિક ટક્યું હશે; તેમાંથી આરંભે છએક માસ મારે ફાળે હતા. અને પછી, કાયમી નોકરીની તલાશે પૉસ્ટ ઑફિસના કમઠાણમાં જોડાઈ ગયો. આટલું કમ હોય તેમ, 1977/8થી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના એક વરિષ્ઠ અધિકારીપદે નિયુક્ત થયો. અકાદમીના ઉછેરમાં, સંગોપનમાં તેમ જ તેના વિસ્તરણમાં ય ખૂંપી ગયો. બન્ને સાપ્તાહિકોથી અંતર જાળવીને અલિપ્તપણે કારભાર કરવાનો થતો. ઐતિહાસિક કારણોને લીધે “ગુજરાત સમાચાર”માંના સાથીસહોદરો અકાદમીની બેઠકોમાં સામેલ થયા કરતા. કેટલાક વળી કારોબારમાં ય સામેલ થયા.

આ સાડાચાર દાયકાઓની જાણકારી હોવા છતાં, માહિતીવિગતો છતાં, રમણીકલાલ સોલંકી જોડે ઈચ્છિત ઘનિષ્ટતા કેળવી ન જ શકાઈ. પરંતુ છતાં, એક પ્રકારના આદરમાનનું પલ્લું સતત નમતું જ અનુભવાયું છે. ઉભય પક્ષે પરિચિત હતા. ક્યારેક મળવાનું થાય તો વિવેકસભર હળવામળવાનો વ્યવહાર રહેતો. રમણીકભાઈનાં સંતાનોએ પણ આ કેડો જાળવી જાણ્યો છે.

°°°°°

વારુ, આપણા આ રમણીકલાલ સોલંકીનો જન્મ સુરત જિલ્લાના રાંદેરમાં 12 જુલાઈ 1931ના રોજ થયો. એમના પિતાનું નામ છોટાલાલ સોલંકી અને માતાનું નામ ઈચ્છાબહેન. ભાંડુઓમાં એ સૌથી મોટેરા. કિશોરાવસ્થાથી એમને વાંચનનો શોખ અને કહે છે કે શાળાના પુસ્તકાલયમાંનાં મોટાં ભાગનાં પુસ્તકો એમણે વાંચી કાઢેલાં. વળી એમને લેખનમાં ય રસ. અર્થશાસ્ત્રના વિષય સાથે રમણીકલાલે ઉપાધિ મેળવી અને પછી કાયદાનો ય અભ્યાસ કરેલો. નવસારી જિલ્લાના પેથાણનાં વતની મકનજીભાઈ ચાવડાનાં દીકરી પાર્વતીબહેન જોડે રમણીકલાલનું સન 1955માં લગ્ન થયું. અમદાવાદ ખાતે એ વેચાણવેરા વિભાગમાં, દરમિયાન, ઇન્સ્પેકટર તરીકે નોકરીએ લાગેલા. પાલણપુર, ભરૂચ અને વલસાડ ખાતે ય એમની બદલી થયા કરી. આ ગાળામાં દંપતીને ત્યાં સાધના, સ્મિતા અને કલ્પેશ નામે ત્રણ સંતાનો થયાં. આ ત્રિપુટીની પછીતે, છેલ્લે, શૈલેષનો જન્મ થયો.

પાર્વતીબહેનના મોટાભાઈ સુબોધભાઈ ચાવડા લંડન રહેતા હતા. મહિલાઓ માટે તૈયાર કપડાં બનાવવાનો સુબોધભાઈનો વ્યવસાય. જાહેર જીવનમાં આગળ પડતો ભાગ લેનારા સુબોધભાઈ સજ્જન તેમ જ આદરમાન વ્યક્તિ હતા. પાર્વતીબહેનના અતિ આગ્રહને કારણે રમણીકલાલ 1964માં માંડ વિલાયત જવાને તૈયાર થયા. ગુજરાન ચલાવવા નાનીમોટી નોકરી અહીં એ કરતા રહ્યા અને સાળા સુબોધભાઈની નિશ્રામાં ઠરીઠામ થવાનું ગોઠવતા ગયા. પાંચેક વરસે પાર્વતીબહેન અને સંતાનો પણ લંડન પહોંચ્યાં. રમણીકભાઈનાં માતા ઈચ્છાબહેન પણ તેમની સાથે લંડન આવ્યાં.

પાર્વતીબહેન અને સંતાનો આવવાની તૈયારીમાં હતાં તે દરમિયાન, રમણીકભાઈએ સગવડ સાંચવવા એક સાધારણ ઘરની ખરીદ કરી લીધી હતી. રમણીકભાઈની નોકરી પણ ચાલુ હતી. પાર્વતીબહેનને વળી એક લૉન્ડૃીમાં કામ મળી ગયું. આમ ગુજારો થતો ગયો.

રમણીકભાઈનો લેખનનો સળવળાટ ચાલુ હતો. સુરતથી પ્રગટ થતાં “ગુજરાતમિત્ર” માટે નિયમિત ‘લંડનનો પત્ર’ મોકલતા રહેતા. ગુજરાતના પહેલવહેલા મુખ્યપ્રધાન જીવરાજ મહેતા તે દિવસોમાં યુનાઇટેડ કિંગ્ડમ ખાતે ભારતના ઉચ્ચ આયુક્તપદે હતા. જીવરાજભાઈ મહેતા સાથે મુલાકાત થઈ તો જીવરાજભાઈએ એકાદ ગુજરાતી છાપું શરૂ કરવાનું સૂચન રમણીકભાઈને કર્યું, તેમ કહેવાય છે. ‘ઇન્ડિયા હાઉસ’માં અવારનવાર રમણીકભાઈ જતા. ત્યાંના જાહેર કાર્યક્રમોમાં ય હાજરી આપતા. જીવરાજભાઈ સાથેનો પરિચય પણ વધતો ગયો તેમ તેમનું સૂચન પણ દૃઢ થતું ગયું.

એક અહેવાલ મુજબ રમણીકભાઈ જીવરાજભાઈને સવાલતા હતા : ‘આ છાપું ચાલુ તો કરીએ પણ તેનો ખર્ચો કેવી રીતે કાઢવો ?’ આ સૂત્રો અનુસાર, જીવરાજભાઈએ જવાબ આપ્યો : ‘ખર્ચાની ચિંતા કર્યા વિના પહેલાં છાપું ચાલુ કરો.’ કહે છે કે જીવરાજભાઈએ કેટલાક ઉદ્યોગપતિઓ જોડે આ અંગે સહાયક થવાની વાત પણ કરી હોય. અને આમ, રમણીકલાલ સોલંકીએ 01 એપ્રિલ 1968ના આ સૂચિત છાપાનો ઉત્તર વેમ્બલીના પીલ રોડ પરના આવાસેથી આદર કર્યો. નામાભિકરણ પણ થયું : “ગરવી ગુજરાત”. રમણીકભાઈ તેમ જ “ગરવી ગુજરાત” વતી, વડીલ સહાયક, સલાહકાર તરીકે જાણીતા ઉદ્યોગપતિ મૂળજીભાઈ નાગડાએ પહેલા અંકની નકલ તત્કાલીન ઉચ્ચ આયુક્ત એસ.એસ. ધવનને અર્પણ કરેલી. આજ પર્યન્ત પ્રગટ થતાં “ગરવી ગુજરાત”ને હવે 52 વર્ષ થયાં. આ ખુદ એક મોટી સિદ્ધિ છે.

આરંભના એ દિવસોમાં રમણીકલાલભાઈએ નોકરી પણ ચાલુ રાખી અને બાકીના સમયમાં આ આદરેલા સાહસને સંગોપવામાં સમયશક્તિ આપવાનું રાખ્યું. સપ્તાહઅંત દરમિયાન સામયિકના પ્રચાર પ્રસાર સારુ બ્રિટન ભરમાં ઘુમવાનું જરૂરી હતું. અને એમણે શક્ય દોડધામ કરીને લવાજમ ઉઘરાવવાનું રાખ્યું. આરંભે પખવાડિયે નીકળતા આ સામયિકનું વાર્ષિક લવાજમ માત્ર દોઢ પાઉન્ડ હતું. અથાગ પરિશ્રમને કારણે શરૂઆતમાં “ગરવી ગુજરાત” માટે 150 જેટલાં લવાજમો ઉઘરાવી શકાયા હતા. બે વરસની અવધિ બાદ, આ પખવાડિકને અઠવાડિક કરવામાં આવ્યું. લંડનમાં એમને માટે હરવાફરવાનું સરળ હતું, પરંતુ દેશ ભરમાં થોડુંક મુશ્કેલ હતું. કેમ કે એ ગાડી ચલાવતા નહીં. જાહેર પરિવહનનાં વિધવિધ સાધનોનો ઉપયોગ કરતા. પાછળથી પાર્વતીબહેન ગાડી હંકારતાં શીખ્યાં અને એ રમણીકભાઈના સારથિ જ બન્યાં, એમના સાથીસહોદર પણ થયાં. ચાર સંતાનોના ઉછેરમાં પરોવાતાં રહેવા ઉપરાંત લૉન્ડૃીમાંની નોકરી કરવાની તેમ જ રમણીકભાઈને “ગરવી ગુજરાત” માટે અસીમ સહાય કરવી, એ પાર્વતીબહેનનો રોજિંદો વ્યવહાર બની ચુક્યો.

આ સામયિકના પ્રસાર માટે રમણીકલાલ સોલંકી 1970માં નોકરી છોડે છે અને પૂરો સમય તેના વિકાસમાં મચી પડે છે. આ સાપ્તાહિકમાં સામાજિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક બાબતો તેમ જ અનેકવિધ કાર્યક્રમોને આવરી લેવાયા હોઈ, તેની લોકપ્રિયતા વધતી ગઈ. તો બીજી બાજુ, કોઈ પણ આપ્રવાસી અહીંતહીં સર્વત્ર સ્વાભવિકપણે કરતો આવ્યો છે, તેમ રમણીકભાઈએ પણ પરિવારને એક પછી એક પડખે તેડાવી લીધા કે જેથી વિસ્તૃત બનતી જવાબદારીઓ સરળતાએ, વિશ્વાસે નિભાવી શકાય. મોટાં દીકરી, સાધનાબહેન આરંભે જાહેરાત વિભાગનું સંચાલન કરતાં રહેતાં. હવે એ જવાબદારીઓ નાના ભાઈ જયંતીલાલ સોલંકી નિભાવે છે. વળી, બન્ને દીકરાઓ, કલ્પેશભાઈ તેમ જ સૈલેષભાઈ તંત્રી ખાતામાં જવાબદારીઓ સાંચવે છે.

મહારાણી ઇલિઝાબૅથ બીજાંએ 1999માં રમણીકલાલ સોલંકીને ‘ઑર્ડર ઑવ્‌ ધ બ્રિટિશ એમ્પાયર’નું બિરુદ એનાયત કરેલું અને તે પછી 2007માં ‘કમાન્ડર ઑવ્‌ ધ બ્રિટિશ એમ્પાયર’ની નવાજેશ કરી હતી.

આજે “ગરવી ગુજરાત” યુનાઇટેડ કિંગ્ડમનું એક અગ્રણી પ્રકાશનગૃહ બની ગયું છે. આ જ જૂથનું અંગ્રેજી અખબાર “ઇસ્ટર્ન આઇ” તો માત્ર એશિયનો જ નહિ, પણ યુનાઇટેડ કિંગ્ડમના રાજકીય, સામાજિક અગ્રણીઓનું પણ પ્રિય અખબાર બન્યું છે. “એશિયન રિચ લિસ્ટ” એશિયાઈ વ્યાપારી જગતની પારાશીશી સમાન બન્યું છે. “એશિયન ટ્રેડર”, “ફાર્મસી બિઝનેસ” અને “એશિયન હોસ્પિટાલિટી” જેવાં પ્રકાશનો જે તે ક્ષેત્રના વ્યાપારીઓ વચ્ચે સેતુરૂપ બન્યાં છે. “ઇસ્ટર્ન આઈ”ને એમણે “જ્યુઈસ ક્રોનિકલ”ની જેમ રાષ્ટૃીય અખબાર બની રહે તેની ચીવટ રાખી છે. તેને વંશવાદી છાપાનો પાનો ન ચડે તેની તેમણે કાળજી લીધી છે. આ પગલું તેથીસ્તો ભારે સરાહનીય બની રહ્યું છે.

ભારતની અવારનાવ મુલાકાત લેતા, રમણીકલાલ સોલંકીનું અમદાવાદ ખાતે ટૂંકી માંદગી બાદ 01 માર્ચ 2020ના અવસાન થયું.

°°°°°

આરંભના વરસો દરમિયાન, લાગે છે, સમાજના વિવિધ સ્તરે રહી, પહોંચી સાપ્તાહિકને મજબૂત કરવાનું રાખ્યું છે. અનેક વ્યક્તિઓ તથા સમાજના આગેવાનોનો શક્ય સાથ લીધા કરેલો. એક દા પ્રાણલાલ શેઠનું નામ પણ પહેલે પાને તંત્રી તરીકે પ્રકાશિત થયાનું સાંભરે છે. વળી, ગુજરાતી સમાજને એક સાંકળે બાંધી શકાય તે માટે ય રમણીકલાલ સોલંકીએ તનતોડ પ્રયાસ કરેલા છે. પાંચેક દાયકાઓ પહેલાં ‘ફેડરેશન ઑવ્‌ ગુજરાતી ઓર્ગનાઇઝેશન્સ’ની સ્થાપનામાં માત્ર પૂરેવચ્ચ નહોતા રહ્યા, તેની સક્રિયતા માટે ય યોગદાન એમણે આપેલું છે. મારી જન્મભૂમિમાં જેમનો અમને નિજી પરિચય હતો તેવા અરુશાના નામી શહેરી કાશીગર ગોસ્વામીના વડપણ સાથે ફેડરેશનની પ્રવૃત્તિઓમાં રમણીકભાઈ અને “ગરવી ગુજરાત” અગ્રેસર રહ્યાં હતાં. છેલ્લા દસકાઓમાં, જો કે, રમણીકલાલ સોલંકી વિશેષપણે ગુજરાતી સમાજના વિવિધ સ્તરેથી અલિપ્ત બનતા ગયા હતા, તેથી હેરત અનુભવતો હતો.

જીવરાજ મહેતા - હંસાબહેન મહેતાનો રમણીકભાઈએ જેમ સંપર્ક મજબૂત કરેલો, તેમ એ પછીના દરેક ભારતીય ઉચ્ચ આયુક્ત જોડે સંબંધ કેળવેલો. વળી, એમને ત્યાં આ સાપ્તાહિકને પ્રતાપે “કુમાર”ના બચુભાઈ રાવત, ‘પરિચય ટૃસ્ટ’ના એક ટૃસ્ટી તેમ જ “કોમર્સ”ના તંત્રી વાડીલાલ ડગલી, આપણા વરિષ્ઠ સાહિત્યકાર ઉમાશંકર જોશી તથા નિરંજન ભગત પણ મહેમાન તરીકે પધાર્યા હતા. તે રીતે કેટલા ય સાધુસંતોની તથા પારાયણીઓની પણ આવનજાવન થતી રહેતી. આમાંના ઘણા આગંતુકોનો જો કે સમાજને સ્તરે પરિચય કેળવવો શક્ય થતો નહોતો. આના કેટલા ય અનુભવો અકાદમીને સારુ મને થયા છે. ઉમાશંકર જોશી સિવાય એમાંના મોટા ભાગના લોકો અકાદમીને કે મને હળેમળે નહીં તેવી ગોઠવણ પણ સહજ થયા કરતી, તેમ સમજાયું છે.

(ડાબેથી) શૈલેષ સોલંકી, સાધના કારીઆ, પાર્વતીબહેન સોલંકી, રમણીકલાલભાઈ સોલંકી, જયંતીલાલ સોલંકી તેમ કલ્પેશ સોલંકી

આ દેશના જાણીતા પત્રકાર અમિત રોયે અંજલિ આપતા જે લેખ કર્યો છે, તેમાંથી આટોપતાં આટોપતાં આ અવતરણ લેવાનું રાખું છું :

‘એક દિવસ હું તેમની સાથે બેઠો હતો ત્યારે મેં તેમને રોકયા બીબીની વાર્તા અક્ષરસ: સંભળાવવા કહ્યું. 1971ના ઉનાળામાં થેમ્સ નદીમાંથી મળી આવેલા 22 વર્ષની સુંદર મુસ્લિમ મહિલાના મૃતદેહ અને તેની હત્યાના ઉકેલાયેલા તાણાવાણાની તાદૃશ્ય વાત તેમણે એટલી બારીકાઈ અને સ્પષ્ટતાથી કરી હતી. … પોતાના ઉપરના કેટલાક જોખમ છતાં તેમણે ‘સ્કૉટલૅન્ડ યાર્ડ’ને આ કેસ ઉકેલવામાં જે મદદ કરી હતી તે બદલ 2003માં મેટૃોપોલિટન પોલિસના તત્કાલીન નાયબ કમિશનર સર ઇઅન બ્લેરે તેમને જાહેરમાં બિરદાવ્યા હતા.

‘તેમણે કરેલી રોકયા બીબીની વાત મને ફિલ્મની સ્ક્રીપ્ટ જેવી લાગતા મેં રમૂજ પણ કરી હતી કે જો આના ઉપરથી ફિલ્મ બનાવાય તો તમારું પાત્ર કોણ ભજવશે ? આ ક્ષણે રમણીકભાઈ હસી પડ્યા હતા.

‘રોકયા બીબીની હત્યાના 50 વર્ષ પછી પણ મને લાગે છે કે આ હત્યા-કેસ બી.બી.સી. ડૃામાના છ ભાગમાં પરિવર્તિત કરી શકાય તેમ છે. 1964માં 33 વર્ષની વયે ગુજરાતથી યુનાઇટેડ કિંગ્ડમ આવેલા રમણીકભાઈ તેમની કારકિર્દીના પ્રારંભમાં જ આ વાતમાં એક સ્ટોરી નિહાળવાની દાખવેલી રિપોર્ટરની સૂઝ અને તેના તાણાવાણાને ભેગા કરવાની તથા વ્યક્ત કરવાની જે કુનેહ દર્શાવી હતી, તે અદ્દભુત હતી.’

રમણીકલાલ સોલંકી તેમ જ “ગરવી ગુજરાત”ને ઇતિહાસ, વારુ, કઈ રીતે મૂલવશે ? આજના સંદર્ભે, પશ્ચિમના વાતાવરણમાં, ગુજરાતીની ખિદમત કરતાં કરતાં એમણે આજ પર્યન્ત 52 વર્ષ આપ્યા, તે જ સૌથી મોટી મિરાત લેખાય. રમણીકભાઈએ સાપ્તાહિક ચલાવતા ચલાવતા તેની મજબૂતાઈ કરીને વિસ્તાર કર્યો છે; અને હવે તો તે પ્રકાશનગૃહ બની ય ગયું છે. બૃહદ્દ ગુજરાતી ડાયસ્પોરાના પત્રકારત્વમાં આ સાપ્તાહિક તેમ જ રમણીકલાલ સોલંકીનું પહેલી હરોળે નામ અંકિત રહેશે. આ દેશે જે નામી ગુજરાતી પત્રકારો આપ્યાં છે : પ્રાણલાલ શેઠ, કુસુમબહેન શાહ, શિવકુમાર અય્યર, જયંતીલાલ ઠાકર ‘જયમંગલ’, કિશોર કામદાર, વગેરે વગેરે તેમાં રમણીકલાલ સોલંકીનું નામ તેમ જ કામ નિ:શંક સતત સોહતું રહેશે.

પાનબીડું :

બીજી તરફ છે બધી વાતોમાં હિસાબ હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.

                                                         − ‘મરીઝ’

હૅરો, 20-24 માર્ચ 2020

[1,719 શબ્દો]

e.mail : [email protected]       

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar

ભલા, તેં આ શું કર્યું ?

વિપુલ કલ્યાણી
26-02-2020

ગુજરાતીના એક અવ્વલ સાહિત્યકાર ઉમાશંકર જોશીની એક કવિતા હમણાં હમણાં સતત સાંભર્યા કરે છે :

દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
                              તેં શું કર્યું ?

અમારે ત્યાં 31 જાન્યુઆરી 2020ના મધરાત પહેલાં, છેવટે, બ્રેક્સિટની અધિકૃતતા સ્થપાઈને રહી. એટલે જ પૂછવાનું મન થાય : ‘દેશ તો યુરોપીય સંઘ મુક્ત થઈ ગયો, … તેં શું કર્યું ?’ કવિ જનતાને, નાગરિકને સવાલે છે; એમ યુનાઇટેડ કિંગ્ડમની રૈયતની સામે ય અહીં સવાલ ખડો છે : ‘ભલા, તેં આ શું કર્યું ?’

courtesy : Paresh Nath, The Khaleej Times, UAE, October 2019

વખતની વક્રોક્તિ જોવા જેવી છે : બીજા વિશ્વયુદ્ધના છેવટના દિવસોમાં બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન, કન્સર્વેટિવ પક્ષના વિન્સ્ટન ચર્ચિલ તેમ જ એમના નાયબ વડા પ્રધાન લેબર પક્ષના ક્લેમન્ટ એટલીએ યુરોપ પ્રવાસ વેળા જે કામગીરી કરેલી તેને પ્રતાપે યુરોપના દેશોનો સંઘ હળુ હળુ રચી શકાયો હતો. ફરી વાર નેપોલિયન બોનાપાર્ટ કે પછી એડોલ્ફ હિટલરનો સામનો કરવાનો સૌને ન થાય તે સારુ 1946 વેળા વિન્સ્ટન ચર્ચિલે ભારે અગત્યનું એક પ્રવચન યુરોપમાં આપેલું, તેની યાદ “ઇન્ડિપેન્ડન્ટ” દૈનિકના એક સહાયક તંત્રી, શૉન ઓ’ગ્રાડીએ એક લેખમાળામાં ય આપી છે. ચર્ચિલે આ પ્રવચનમાં યુરોપીય એકતાનો નકશો કંડારી આપેલો.

વારુ, સન 1951માં ‘ટૃીટી ઑવ્‌ રોમ’ થઈ. બીજા વિશ્વયુદ્ધ બાદ, અસ્તવ્યસ્ત થયેલા યુરોપના દેશોનું અર્થતંત્ર પાટે ચડે તે માટે તેની રચના કરવામાં આવી હતી. 1956માં ‘યુરોપીયન એકોનોમિક્સ કમ્યુનિટીનો આદર કરવાની શરૂઆતી થઈ. યુરોપના માંહેમાંહે લડતા ઝગડતા દેશો આમ એક પંગતે બેસેઊઠે, એનું પાકું એક મંડાણ થયું. ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ ચાર્લ્સ દ’ગોલ જો કે વીટો વાપરતા રહી, યુનાઇટેડ કિંગ્ડમનો સાથોસાથ પાટલો પડે તે અટકાવતા રહેલા ! યુરોપના બીજા દેશો, દરમિયાન, સંઘમાં જોડાતા ગયા. પણ આયર્લેન્ડ અને યુનાઇટેડ કિંગ્ડમનો વારો છેક 01 જાન્યુઆરી 1973ના, બાવીસ વરસને ઓવારે, આવ્યો. તે વખતે બ્રિટનમાં એડવર્ડ હીથના વડપણવાળી કન્સર્વેટિવ સરકાર હતી. સંસદમાં ઠરાવ મુકાયો તે વેળા લેબર પક્ષમાં તડા હતા. નેતા હેરલ્ડ વિલ્સને તેમ જ એમના નાયબ નેતા જિમ કેલેહાને ઠરાવની વિરુદ્ધ મતદાન કરેલું. ઑક્ટોબર 1974માં સાર્વત્રિક ચૂંટણી થઈ અને હેરલ્ડ વિલ્સનના વડપણમાં લેબર પક્ષ વિજયી થયો. પાતળી બહુમતી હોવા છતાં, 1975માં યુરોપીય મજિયારી બજારના ટેકામાં લોકમત લેવાનું ઠરાવાયું. હેરલ્ડ વિલ્સન, જિમ કેલેહાને પણ લોકમતની તરફેણે મન મૂકીને કામ કર્યું અને દેશે લેબર સરકારને યુરોપીય મજિયારી બજારમાં પ્રવેશ માટે 67 ટકાની બહુમતી આપી.

માર્ગરેટ થેચર, ફેબ્રુઆરી 1975 વેળા, બહુમતીએ કન્સર્વેટિવ પક્ષના નેતાપદે એડવર્ડ હીથને પરાસ્ત કરીને ચૂંટાયાં. હળુ હળુ પક્ષને ઉદારમત સામે જમણેરી વળાંક આપવાનો થેચરે આરંભ કર્યો. 1979માં ચૂંટણી આવી અને એ બહુમતીએ વડાપ્રધાન થયાં. એમણે પોતાના કાર્યકાળ દરમિયાન પક્ષને, દેશને નક્કરપણે જમણેરી વળાંક આપ્યો. લોકભોગ્ય ઉચ્ચારણો અને કાર્યપદ્ધતિથી શાસન ચલાવ્યું. પણ યુરોપ મુદ્દે તે યુરોપતરફી રહ્યાં. એમનાં પછી, જ્હોન મેજર વડાપ્રધાન થયા અને કન્સર્વેટિવ પક્ષનો સંસદમાં ટેકો યુરોપ તરફે જ રહ્યો. 1993 વેળા માસ્ટૃિક કરાર થયા. મજિયારી બજારને સંઘમાં પરિવર્તિત કરવામાં આવી. 1997 પછી ટૉની બ્લેરની આગેવાનીમાં લેબર સરકાર અસ્તિત્વમાં આવી. ટૉની બ્લેર પછી એમના નાણામંત્રી ગોર્ડન બ્રાઉન વડાપ્રધાન થયા અને એમના જ વખત-ગાળામાં, 2009માં લિસબન કરાર કરવામાં આવતા, યુરોપીયન યુનિયનની રચના કરવાનું ઠેરવાયું.

વડા પ્રધાન બ્રાઉનના શાસનકાળમાં યુરોપીય સંઘ નામે અહીંતહીં ગોકીરો થયા કરતો. અને આવો ગોકીરો કન્સર્વેટિવ પક્ષમાં ઝાઝેરો અને લેબર પક્ષમાં નહીંવત દેખાતો. એની વચ્ચે ગોર્ડન બ્રાઉને ચૂંટણી માટેની જાહેરાત કરી. તેમના પક્ષને ધારી બહુમતી સાંપડી નહીં. આમ સભામાં ડેવિડ કેમરુનના વડપણ હેઠળના કન્સર્વેટિવ પક્ષને ગૂંજે બહુમતી સાંપડ્યા વિના ઝાઝેરાં સાંસદોનો જુમલો હતો. તેમ છતાં આમ સભામાં બહુમત ન હોઈ, લિબરલ ડેમોક્રેટ પક્ષ સાથે વાટાઘાટ કરી સંયુક્ત સરકારની રચના કરાઈ. બ્રિટન માટેના ફાયદારૂપ સુધારાઓ મેળવવા ડેવિડ કેમરુને યુરોપીય સંઘ સાથે વાટાઘાટ આદરી. બીજી પાસ, કન્સર્વેટિવ પક્ષમાં યુરોપમાંથી ફારતગી લેવાની તરફદારી વધતી ચાલી હતી. આમ સભામાં વરસો જૂનાં આવાં સાંસદો ઉપરાંત બીજાં અનેકોનું ઊમેરણ થયું હતું. આ કોયડાનો કાયમી ઊકેલ લાવવા માટે લોકમત લેવાનું આથી વડા પ્રધાન વિચારતા રહ્યા. તેમની નજર તેમના પક્ષનાં સાંસદોને સારુ ટાઢા પાડવાનો હોય તેમ લાગતું હતું. પ્રધાનમંડળમાંના તેમના બે વરિષ્ટ સાથીદારો કેમેરુનને વારતા રહ્યા. લિબરલ ડેમોક્રેટ તો પાયાગત આ વિચારની વિરુદ્ધમાં હતા. અને છતાં, વડા પ્રધાને 2016માં જુગાર ખેલવા ચોપાટ માંડી. ડેવિડ કેમેરુન ખુદ પોતે યુરોપમાં સામેલ રહેવાના મતમાં હતા અને તેમને ખાતરી હતી કે લોકમતમાં તે જીતશે. પણ, તેમ બન્યું નહીં. આશરે 52% લોકોએ ફારગત થવાને મત આપ્યા. સંબંધ જારી રાખવાની ટકાવારી સામી બાજુ ઝાઝી છેટી નહોતી, તેનો આંક આશરે 48% જેવડો રહેલો. ડેવિડ કેમેરુને વડાપ્રધાન પદેથી રાજીનામું ધરી દીધું અને તેને સ્થાને ટરિઝા મે આવ્યાં.

યુરોપીય સંઘ સાથે અનેક જાતની, અનેક સ્તરે વાટાઘાટ બેઠકો યોજાતી રહી. ટરિઝા મે ‘બ્રેક્સિટ’ માટેની યોજના પણ મેળવી આવ્યાં. પરંતુ આમ સભામાં તેમની સરકારને બહુમતી ટેકો હતો નહીં. અઢી વરસ ઉપરાંતનો સમય વેડફાતો રહ્યો. તેમના કન્સર્વેટિવ પક્ષમાં ચરુ ઊકળતો રહ્યો. અને છેવટે પક્ષે તેમને દૂર કર્યાં અને તેને ઠેકાણે બોરિસ જોનસનને લાવ્યા. સાર્વત્રિક ચૂંટણી લેવાઈ અને મોટી બહુમતીએ તે અને તેમનો પક્ષ ચૂંટાયો. અને આમ સભાએ બ્રેક્સિટ અંગેની બોરિસ જોનસન મેળવી લાવેલી યોજનાને બહાલ રાખી અને હવે 01 ફેબ્રુઆરી 2020થી યુનાઇટેડ કિંગ્ડમ યુરોપીય સંઘથી ફારગત થયું. ફરી વાર તે ટાપુ દેશ તરીકે ‘આઝાદ’ થયું.

courtesy : CHAPPATTE, International New York Times

પણ હવે શું ?

આ દેશના એક વરિષ્ટ સમીક્ષક, વિશ્લેષક અને લેખક સ્ટીવ રિચર્ડ્‌સે હાલ એક મજેદાર પુસ્તક - ‘ધ પ્રાઈમ મિનિસ્ટર્સ’ આપ્યું છે. હેરલ્ડ વિલ્સનથી માંડીને ટેરિઝા મે લગીનાં દરેક વડા પ્રધાન અંગે વિગતે આલોચક સમીક્ષા આપી છે. ઉપસંહારમાં, સ્ટીવ રિચર્ડ્‌સ કહે છે : યુનાઇટેડ કિંગ્ડમમાં એક અરસાથી આગેવાનની સરિયામ ખોટ વર્તાય છે. ચોમેર લોકરંજનવાદી જમણેરી વિચારધારાની અસર વર્તાતી હોય, વૈષ્વિક બજારુ અર્થતંત્રને લીધે અસીમ અસલામતી અનુભવાતી હોય તેમ બ્રેક્સિટને કારણે ક્યારે ય અંત આવી ન શકે તેવી દેખીતી ધડાકાભડાકા કરતી માગણીઓ સતત વિંઝાતી રહેતી હોય, તેવે સમે લોક સાથે સંવાદ રચીને આગેવાની આપી શકાય તેમ વર્તાતું ન હોય, પક્ષોને કાબૂમાં રાખી શકાતા ન હોય, આમ જનતાને ફાયદામંદ બને તેવી નીતિરીતિ અમલમાં ન હોય, તેથી ભારે વિમાસણ પેદા થાય. એકાદી ટેલિવિઝન મુલાકાતમાં જરાતરા રંગ જમાવાયો હોય અને પછી જોડાજોડ ટ્વીટર, વૉટ્સએપ તેમ જ સોશિયમ મીડિયાના ઓજારોથી સંતોષના ઘૂંટડા લેવાતા રહ્યા હોય, તેવા, આવા આગેવાનને થાય છે કે, લાવ, હું ય વડા પ્રધાન થઉં. પણ વડા પ્રધાન પદ પાસે આજે ઝાઝેરી અપેક્ષા બંધાઈ છે, અને સામે માપને સારુ ગજ સતત ટૂંકો જ પડતો અનુભવીએ છીએ.

એક સમે રાજકારણને સમર્પિત રાજકારણીઓ ચોમેર હતા. આજે નિગમિક ક્ષેત્ર(કોરપોરેટ સેક્ટર)માં રચ્યાપચ્યા ખેલંદા ય આંટોફેરો કરી જાય છે, જેમને છેવાડાના માણસ જોડે કોઈ અનુસંધાન હોય તેમ લાગતું નથી. 1979 પછી જેમ માર્ગરેટ થેચરે રાજકારણની, તેમ દેશસમાજની કાયાપલટ કરી નાંખેલી, તેમ વડા પ્રઘાન પદે નહીં પહોંચવા છતાં 2015થી લેબર પક્ષમાં જે લોકશાહીનો પવન ફૂંકાતો થયો અને લેબર પક્ષને યુરોપનો સૌથી મોટો પક્ષ બનાવવાનો તેનો કાયમી યશ જેર્‌મી કોરબિનને ફાળે સતત બોલતો રહેવાનો છે.

આવી આવી પરિસ્થિતિઓની પછીતે યુરોપીય સંઘમાંથી બ્રિટનની ફારગતીની આ વેળાને જોવાતપાસવાની છે.

સાંપ્રત વડા પ્રધાન બોરિસ જોનસનની કાબેલિયત, તેમનું વ્યક્તિત્વ પણ સરાણે રહેવાનું છે. પહેલી નજરે તે મોઢે ચડાવેલું બાળક હોય અને તેનો ઉછેર તેની હાજી હાજીમાં થયો હોય તેમ વર્તાય છે. પત્રકાર બોરિસ જોનસને વિન્સટન ચર્ચિલની એક મજેદાર જીવનકથા, નામે - ‘ ધ ચર્ચિલ ફેક્ટર હાઉ વન મેન મેઇડ હિસ્ટૃી’ આપી છે. સપનાં તો ચર્ચિલને પગલે ચાલવાના તે જૂએ છે. પણ લોર્ડ નૉર્થે એક દા તેમના અખબાર “ડેયલી ટેલિગ્રાફ”માં પત્રકારુ કરતા બોરિસભાઈ વિશે કહેલું તે સાંભરે છે : તેનો સ્વભાવ શિયાળ શો છે ! તેની કામ કરવાની ઢબછબ પણ લહેરીલાલાને સારા કહેવડાવે તેવી છે. અને તેથી ધાર્યું કરાવવાની ધૂનમાં પ્રધાનમંડળમાં તાજેતરે જે ફેરફારો કર્યા, જે રસમોને કામ લગાડાઈ તેનાથી તે ખુદ વિરોધ, અલગ વિચારસરણીનો સ્વીકાર કરે તેમ લાગતું નથી.

ડેવિડ કેમરુન સામે કન્સર્વેટિવ પક્ષને સાંચવી લેવાનો સવાલ હતો અને તે વેળા યુનાઇટેડ કિંગ્ડમ ઇન્ડિપેન્ડન્ટ પક્ષને મલાઈલાભ મળી ન જાય તેની ચિંતા હતી. ચોમેર છવાયેલા, એક રોચક વક્તા તેમ જ ઉમરાઉ સમાજની ચાડી ખાતા હોય તેવા નાઇજલ ફરાજને દાબમાં રાખવાની કેમેરુનને ચિંતા હતી. બોરિસ જોનસન સામે નાઇજલ ફરાજ તો રહ્યા છે, પણ આ ફેરે તે ‘બ્રેક્સિટ પક્ષ’ને નામે ગરબે ઘૂમતા હતા. આ બન્ને પક્ષોનું વજન તો ભારે ઓસરી ગયું છે, પણ નાઇજલ ફરાજનો તોખાર તેવો જ તાજાતર અને હણહણતો દેખાય છે.

ટૉની બ્લેર વડાપ્રધાન હતા તે સમયે વેલ્સ તેમ જ સ્કૉટલૅન્ડને પ્રાંતીય સ્વરાજની જોગવાઈ અપાઈ. વેલ્સમાં લેબર શાસન ચાલુ છે, પણ સ્કૉટલૅન્ડમાં લેબરના મૂળિયાંનું ધોવાણ થયું છે અને ત્યાંની રાષ્ટૃવાદી પક્ષની બોલબાલા વધી છે. તે સ્કૉટિશ નેશનાલિસ્ટ પક્ષનું શાસન એક અરસાથી ત્યાં છે. અને તે પક્ષ, તેનાં સંચાલકો અને સ્કૉટલૅન્ડનો બહુ મોટો પ્રજાજન યુરોપ જોડે રહેવાનું જ માને છે. પરિણામે સ્કૉટલૅન્ડમાં આઝાદીની હવા ફૂંકાતી રહી છે. એક વખતના લોકમતમાં સ્કૉટિશ લોકો નહીંવત મતે જ આઝાદી મેળવી શક્યા નહોતા. ફરી વખત આ નાદ સતત વીંઝાતો રહ્યો છે. વારેપરબે સ્થાનિક શાસક પક્ષ તેની રજૂઆત સંસદમાં અને અન્યત્ર કરે જ છે.

બીજી પેરે, ઉત્તર આર્યલૅન્ડમાં છેક બે વરસે પ્રાંતીય શાસન લાવી શકાયું. મડાગાંઠ જે પડેલી તેનો ઉકેલ રાજકારણીઓને જડતો નથી, અને સતત નડતો રહ્યો છે. કેથલિકો અને પ્રૉટેસ્ટન્ટો વચ્ચેનું પરાપૂર્વનું વેરઝેર તો ઊભું જ છે. તેની વચ્ચે શિન ફિયેન પક્ષનું જોર વધવામાં છે. અત્યારના શાસકોમાં બંધારણ મુજબ પક્ષનો પગપેસારો તો છે જ. હવે સીમાની પહેલે પાર, પ્રજાસત્તાક આર્યલૅન્ડની તાજેતરની સાર્વત્રિક ચૂંટણીઓમાં પણ શિન ફિેયેન પક્ષે કલ્પનાતીત કાઠું કાઢ્યું છે. બની શકે કે ઉત્તર આર્યલૅન્ડને દક્ષિણ જોડે સાંકળવાનું જો કામયાબ બને, તો યુનાઇટેડ કિંગ્ડમનું ભાવિ કેટલે ?

ઘરઆંગણે રંગભેદ અને પૂર્વગ્રંથિઓ વારેપરબે માથું ઊંચકે છે. 1948 દરમિયાન ‘એમ્પાયર વિન્ડરસ’ નામે સ્ટીમર ટીલબરી બંદરે લાંગરી ત્યારથી આણેલાં આ લોકો માટે વચનોનું પાલન થયું નથી અને ભેદભાવનું આચરણ થતું આવ્યું છે. વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓ તેમ જ કેરેબિયાથી અનેક લોકો જાહેર સંચાલનોમાં કામદાર તરીકે ભરતી કરાયાં હતાં. તેમને થાળે પાડવામાં ગૃહ ખાતું ગલ્લાંતલ્લાં કરતું રહ્યું છે અને કેટલાંકને દેશવટો ય અપાઈ રહ્યો છે. બીજી તરફ ઇસ્લામોફોબિયાએ પણ જોર પકડ્યું છે. જ્યારે બીજી તરફ, સેમાઇટ વિરોધી સૂર પણ ગાજતોફરતો સંભળાય.

courtesy : CHAPPATTE, Der Spiegel

‘ઇન્ટોલરન્ટ ઇન્ડિયા’વાળા ચકચાર મથાળા સાથેના 25 જાન્યુઆરી 2020ના ‘ધ એકોનોમિસ્ટ’માં, આ બધા કોયડાની રજૂઆત થઈ છે અને જોડાજોડ, બ્રિટનમાં વસતા યુરોપીય દેશોના નાગરિકોને સારુ આવી પડનારી મુશ્કેલીઓ તેમ જ યુરોપીય દેશોમાં જ્યાંત્યાં કામધંધાને સારુ લાગેલાં અને ઠરીઠામ થયેલાં, બ્રિટિશ નાગરિકોને માટે જે સવાલો ઊભા કરાયા છે તેનો વ્યવહારુ  ઊકેલ ઝડપે લાવ્યા વગર છૂટકો જ નથી. હજુ તો વેપાર વગેરેને સાંકળતા કરારો થયા નથી અને સઘળે લીલુંછમ્મ છે, એ સમયે જ આ જમાતને જે સહેવાનું થાય છે તેથી ભવાં ચડી જાય છે.

યુરોપીય સંઘને સારુ બાકી રહેલા 27 દેશોને સાંચવવાના છે. તેથી આ ફારગત થયેલા અગત્યના મુલક સાથે વાટાઘાટ કરવામાં, નિર્ણયો લેવામાં અંદાજે પારાવાર આલ્પસની પર્વતમાળા ચડતાં જે હાંફ ચડે તેવી પરિસ્થિતિ સર્જાય તો ય નવાઈ નહીં. અને એ પછી કોઈ પણ જાતના વેપાર વાણિજ્યના કરારો ન થાય અને યુનાઇટેડ કિંગ્ડમ એક સાર્વભૌમ આઝાદ ટાપુ વેપારીઓનો મુલક બનવા ફરીવાર સજ્જ બની બેસે તો લગીર નવાઈ નહીં.

ભારતના એક અવ્વલ વિચારક અને સમીક્ષક ભાનુ પ્રતાપ મહેતાએ અન્યત્ર લખ્યું છે તેમ જગતની સામે આજે નિગમીય ક્ષેત્રની દાદાગીરીવાળા પૂંજીવાદ સામે લોકશાહીનો ઝંડો સાંચવવાની આ ઘડી છે. … જોઈએ.

પાનબીડું :

દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
                        તેં શું કર્યું ?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
                  એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું ?
‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના,
કાળાં બજારો, મોંઘવારી : ના સીમા !’
                   -રોષથી સૌ દોષ ગોખ્યા,
                     ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાને શિર આવે ન, જો ! તેં શું કર્યું ?
- આપબળ ખર્ચ્યું પૂરણ ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું ?
               સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે;
               સ્વાતંત્ર્યના ગઢકાંગરા : કરવત ગળે.
ગાફેલ, થા હુશિયાર ! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે ?
શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે !
               હર એક હિંદી હિંદ છે,
               હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ : એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.

                                                                                        — ઉમાશંકર જોશી

હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ; 17/18.02.2020

e.mail : [email protected]

[1762 words]  

સૌજન્ય : "નિરીક્ષક", 01 માર્ચ 2020; પૃ. 08-10

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar