AMI EK JAJABAR

‘આ જુદે જુદે સ્થળે વસતા ગુજરાતીઓ આજે શાથી એક બને છે ? એમને શું એક બનાવે છે ? ગુજરાતીપણું - ગુજરાતીતા - ગુજરાતની અસ્મિતા એટલે શું ? એ વધે છે કે ઘટે છે ? વધે છે તો કેટલી ને કેવીક વધે છે ?

‘આ અસ્મિતા શબ્દ 1913 - 14માં હું ‘યોગસૂત્ર’માંથી આપણા ઉપયોગમાં ખેંચી લાવ્યો, ત્યારથી હું તેના પર વિચાર કરું છું, અને તેને પોષે એવી સામગ્રી એકઠી કરું છું. અમે જન્મે ગુજરાતી છીએ, અમે ગુજરાતી બોલીએ છીએ, અમારા સંસ્કાર ગુજરાતી છે એમ કહ્યે આપણામાં ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેના બે અંગ છે : ‘હું છું’ અને ‘હું હું જ રહેવા માગું છું’, એમાં એક વ્યક્તિત્વની સુરેખ કલ્પના અને એ વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાનો સંકલ્પ બન્ને રહ્યાં છે. જ્યારે આપણે ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દો ઉચ્ચારીએ છીએ ત્યારે કયા અને કેવા ગુજરાતની કલ્પના સેવીએ છીએ ? ને કયા ગુજરાતને હસ્તીમાં આણવાનો સંકલ્પ કરીએ છીએ ?’

સન 1937માં કરાંચી મુકામે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના તેરમા અધિવેશન પ્રસંગે પ્રમુખસ્થાનેથી આપેલાં વ્યાખ્યાનમાં કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આમ કહેલું.

આ વ્યાખ્યાન અંગે આચાર્ય આનન્દશંકર બાપુભાઈ ધ્રુવે ‘સાહિત્યવિચાર’માં વિષદ છણાવટ કરી છે. “વસંત” સામયિકના વર્ષ 36ના (શ્રાવણ-આશ્વિન, સં. 1993) ત્રીજા અંકમાં આનન્દશંકરભાઈ લખતા હતા : ‘અમે નિખાલસપણે કહીશું કે વર્તમાન સમયમાં પ્રાન્તિક સ્વરાજ્યને લીધે પ્રાન્તિક ‘અસ્મિતા’ ભારતના અભેદદર્શનમાં વિઘ્નકર થવાનો ભય છે.’ આગળ વધતાં એ કહેતા હતા : ‘… પ્રાન્તીય સ્વરાજ્યના આ દિવસોમાં હિન્દસમસ્તની એકતાની ભાવના લક્ષ્ય બહાર જતી રહેવાનો અમને ભય છે. અમે તો એક ગૂજરાતી તરીકેની આપણી અસ્મિતા વધારે ઉત્કટ ન બની જાય તેટલા માટે વ્યક્તિત્વવાદી વાચકોને વિચારવા વીનવશું કે રા. મુનશી જેને ગૂજરાતનું ‘સાંસ્કારિક વ્યક્તિત્વ’ કહે છે એના ઘટક અવયવો શા છે, કે જે ભારતની સામાન્ય સંસ્કૃતિમાં નથી અને જે ગૂજરાતની વિશિષ્ટતા બતાવે છે ? અમને તો ભાગ્યે કોઈ જડે છે.’

તળ ગુજરાતથી વળોટી એક મોટો સમૂહ દરિયાપાર જઈ વસ્યો છે અને આશરે સવાસો જેટલા દેશોમાં આ જમાત સ્થાયી બની છે. તેથી મુનશી સૂચવી અસ્મિતાની વ્યાખ્યા આજે કેટલે અંશે આ નવોદિત સંદર્ભે કારગત નીવડે ? આનન્દશંકરભાઈ તો ભારતના અભેદદર્શનમાં આ વિઘ્નકર થાય તેમ જણાવતા હતા. જાગતિક પરિપ્રેક્ષ્યે જોઈએ, વિચારીએ તો ય આજે આ વિચાર મુદ્દે વિશેષ ગાબડાં પડે તેમ સહજ દેખાઈ આવે.

હવે બીજી પાસ, બરાક ઓબામા લિખિત ‘ડૃીમ્સ ફ્રૉમ માઇ ફાધર - ઍ સ્ટોરી ઑવ્ રેઇસ એન્ડ ઇન્‌હેરિટન્સ’[બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું]માંથી પસાર થતા થતા ઓળખ [identity], વર્ગ [class], વર્ણ [race] સરખા પેચીદા કોયડાઓ સતત અથડાયા કર્યા. અને પરિણામે ન અહીંના, ન તહીંના તેમ ત્રિશંકુ શી હાલતમાં લપેટાયા હોઈએ તેમ લાગ્યા કરે છે.

બરાક ઓબામા વકીલાતનું ભણી રહ્યા હતા. હાર્વર્ડ લૉ સ્કૂલનો અભ્યાસ ચાલતો હતો. તેવાકમાં ‘હાર્વર્ડ  લૉ રિવ્યૂ’ના પ્રમુખપદે એમની વરણી થાય છે. અને ચોમેર જે કંઈ સમાચારો પ્રસિદ્ધ થયા તેને આધારે એક પ્રકાશન જૂથે બરાકભાઈને અમેરિકી વર્ણભેદ સંબંધક પુસ્તક કરવાનો પ્રસ્તાવ મુક્યો. ડિગ્રી મળ્યા કેડે એક વરસનો સમયગાળો લઈને પુસ્તક કરવાનું એ કબૂલે છે. પરંતુ તે ત્યારે એમ કરી ન શક્યા. ઓબામા શિકાગોમાં પગ ખોડી રહ્યા હતા. મિશેલ જોડે ઘરસંસાર માંડે છે અને નાનુંમોટું કામ કરે છે. પણ પેલો કીડો સળવળ્યા કરે છે. પુસ્તક ન થયાનો વસવસો ભીસતો ય રહ્યો છે. અને તે પોતાની માતા, સ્ટેન્‌લી એન ડનહામ પાસે ઇન્ડોનેશિયા જઈ પુસ્તકના લેખનમાં પરોવાય છે. માતા માનવશાસ્ત્ર વિજ્ઞાની છે. એ લેખકને સલાહસૂચન આપે છે અને છેવટે આ પુસ્તક આપણને મળે છે.

પુસ્તકને નવ પ્રકરણો છે. છેલ્લે ઇતિલેખ છે. પરંતુ તે ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે : ઓરિજિન, શિકાગો અને કિન્યા. હોનોલુલુ તેમ જ શિકાગોમાં પસાર કરેલા આરંભિક દિવસોની વાત આરંભથી અહીં વણી લેવામાં આવી છે. બરાક ઓબામા સ્મરણકથાની આ ચોપડીમાં પોતાના પિતા, જેમનું નામ પણ બરાક ઓબામા છે, તેમનાં મૂળને સમજવા, પામવા મથ્યા છે. અને તેને સારુ એ ખુદ કિન્યાની મુલાકાતે નીકળે છે અને પોતાના બાપીકા વિસ્તારની યાત્રાએ જાય છે. વિક્ટોરિયા સરોવરના કંઠાર વિસ્તારમાં જન્મેલા વરિષ્ટ ઓબામા લૂઓ જાતિપરંપરાનું ફરજંદ. તેથી તે વિસ્તારમાં જઈ એ ગ્રામપ્રદેશમાં રોકાણ કરે છે. તેના પિતાના સગાંશાહીને મળેહળે છે. ભાંડુંઓને હળેમળે છે તેમ પોતાનાં દાદીમા, હબીબા અકુમુ સાથે ય તાલમેલ કરે છે. દાદીમા સહિત સૌનો પારાવાર સ્નેહ મેળવે છે.

પણ આ વાત અહીં અટકતી નથી, બરાક ઓબામા પોતાની ઓળખ જાણવા સમજવામાં ખોવાયેલા રહે છે. કિશોર બરાક ઓબામા હવાઈ ટાપુના હોનોલુલુ નગરની પુનાહૂ એકેડેમીમાં ભણતા હતા, તે વેળા તે કીથ કાકુગાવા નામે તેમનાથી મોટા સહવિદ્યાર્થીના સંપર્કમાં આવે છે અને તે બરાકને આફ્રિકન-અમેરિકન જમાતમાં લઈ જાય છે. અને પછી, એમની ખોજનો, આંતરખોજનો આરંભ થાય છે. બરાક ખુદ લખે છે કે આ ખોજને કારણે એક પ્રકારે ઊંડી વેદનામાં તે જઈ પડે છે.

એમના સમકાલીન અને જગતને સાંપડેલાં એક મોટાં ગજાંના અમેરિકી સાહિત્યકાર તેમ જ નોબેલ પારિતોષિક વિજેતા ટૉની મોરિસન લખે છે તેમ, બરાક ઓબામાને થયેલા અનેક અભૂતપૂર્વ અનુભવોની જાળમાંથી કુનેહપૂર્વક પોતાનો માર્ગ ગોઠવી લેનાર આ લેખકે જે રીતે સંવાદો મુક્યા છે, પ્રસંગો કંડાર્યા છે, લખાણને વહેતું રાખ્યું છે તેથી તે કોઈ સાધારણ પ્રકારની રાજકીય સ્મરણકથા રહેતી જ નથી. તે અનુપમ સ્મરણકથા બને છે. ટૉની મોરિસનના મતાનુસાર, બહુ સરળતાએ જોઈએ તો આ ચોપડીની બરોબરી કરાય તેવી બીજી ચોપડી આપણને જડશે ય નહીં.

પુનાહૂ એકેડેમીથી શરૂ થયેલી આ ખોજ એમને હાર્વર્ડમાં, ન્યૂ યૉર્કમાં, શિકાગોમાં અનેક પ્રકારના કાચાપાકા અડાબીડમાં ધકેલે છે. એ વાંચે છે ખૂબ. મબલખ વિચારે છે. તેથી આ ખોજ તેમને મજબૂત બનાવે છે અને તેનો તાગ મેળવવા તે બાપીકા મુલકની જાતરાએ ય જાય છે. બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું સમજે છે, પહેચાને છે. અને તેના પરિપાક રૂપે આપણને આ મજેદાર પુસ્તક મળે છે.

આવી આવી ખોજ આપણી પણ છે. દેશપરદેશ ગયા, વસ્યા, એક સ્થાનેથી ઉખડ્યા, કોઈ વાર મૂળ સોતાં ય ઉખડ્યા, ક્યાંક રોાપાયા, ક્યાંક કરમાયાં, ક્યાંક ઉછર્યા, ક્યાંક વળી મૂળ ઊંડાં ઊતારીને વિસ્તર્યાં પણ ખરાં; અને તેમ છતાં, આપણા વારસાને પામવાના ઓરતા તો સતત રહ્યા કર્યા છે. ઓળખ નામે જાળામાં ગુંચવાઈએ છીએ, જરૂર. બીજી પાસ, ક.મા. મુનશીને ‘યોગસૂત્ર’ વાટે મળી જે અસ્મિતા સમજાઈ છે તેને આનન્દશંકરભાઈએ પડકારી તો છે જ. તો બીજી કોરે ઓબામાએ આજના સંદર્ભે, અમેરિકા તથા આફ્રિકા નામે બે ખંડમાંના જાત અનુભવોમાંથી પસાર થઈ, વળી, તેને નાણી જોઈ છે અને એકવીસમી સદીના નવા આયામોમાં મૂકી આપી છે. આ સૌની સરાણે આપણે હવે આપણી ઓળખ પીછાણવી રહી.

આપણી ઓળખ ? તેને ભાષાની બાજુ છે, તેને ધર્મની બાજુ છે, તેને સંસ્કૃતિની બાજુ છે, તેને વારસાની બાજુ છે, તેને સમાજકારણ—અર્થકારણ—રાજકારણની ય બાજુ છે, તેને સાહિત્ય, સંગીતની તેમ જ કળાની બાજુઓ તો છે જ છે, પણ તેને ખાણીપીણીનાં વિવિધ વાનગીઓ ઉપરાંત અનેક વ્યંજનોની, તેને ભૂગોળની, અરે ઇતિહાસની ય બાજુ છે. મારા સરીખાને વળી ખુદ ત્રણ ખંડોનો અનુભવ છે અને તે ત્રણ પેરે ફંટાય તેવા ત્રિભેટે આવીને ઊભો છે. આથી આજને તબક્કે આપણે કયા ઓજાર કામે લગાડવા જોઈશે ? વિચારું છું તો સમજાય છે કે મુનશી દીધાં સાધન ટૂંકાં પડે અને તેની આનન્દશંકરભાઈના પડકારે સતત સરાણ કાઢવી રહે. વળી, બરાક ઓબામાને જે લાધ્યાં તે રાચરચીલાં ક્યાંક કામ લાગે તેમ છે. કેમ કે ઓબામા નામે લેખક વિચારક આ એકવીસમી સદીની વાત માંડે છે. એટલું જ નહીં, અમેરિકાના જાહેરજીવનમાં એક પછી એક સોપાન સર કરતાં કરતાં તે રાષ્ટૃપતિ પદ પણ સોહાવે છે. ત્યારે અને તે પછી, નિવૃત્તિમાં યે તે સતત વિધેયક રહ્યા છે અને અમેરિકા-કેન્દ્રી રહ્યા છતાં જાગિતક સ્તરે, માનવીય વિચારધારામાં લપેટાયેલા જોવા મળે છે.

વિલાયત માંહેના એક અવ્વલ વિચારક મિત્ર ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી “ઓપિનિયન”ના જુલાઈ 1995ના અંકમાં લખતા હતા : “ગુજરાતી સમાજમાં ખળભળાટ મચાવવામાં આપનો ત્રીજા અંકના અગ્રલેખનો વિષય ગુજરાતીઓની સંઘશક્તિ, કાજે મોખરે રહે છે. અને વ્યક્તિગત રીતે આ અગ્રલેખ મને એક (ઘટનાની) યાદ અપાવી જાય છે. ૧૯૬૦ના અરસામાં સ્વ. ઈશ્વર પેટલીકર પૂર્વ આફ્રિકાના પ્રવાસે આવ્યા હતા. મોમ્બાસા(કિન્યા)ના પટેલ સમાજના ખંડમાં ભાષણ કરતાં મર્મ-સ્પર્શી વાક્યો એમણે ઉચાર્યાં હતા, તેની યાદ આવી જાય છેઃ 'મારા પૂર્વ આફ્રિકાના પ્રવાસમાં પટેલને મળાયું; વણિકો(શાહ)ને મળ્યો; બાહ્મણોને મળ્યો; કાઠિયાવાડીઓને મળ્યો; પણ ન મળ્યો કોઈ ગુજરાતીને. પટેલ સમાજોમાં ભાષણો કર્યાં; બ્રહ્મસમાજમાં ભોજનો લીધાં; કાઠિયાવાડી સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો પણ એક ગુજરાતી સમાજનો સમાગમ ન થયો.’

ડાહ્યાભાઈ મિસ્ત્રીએ “ઓપિનિયન”ના જૂન 1995 અંકમાં પ્રગટ અગ્રલેખનો ઉલ્લેખ કરેલો છે. તેમાં ઇતિહાસના આપણા ઉત્તમ અધ્યાપક અને સાહિત્યકાર બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે આઠનવ દાયકાઓ પહેલાં કહેલા શબ્દો ટાંકવામાં આવેલા. બ.ક.ઠા. લખતા હતા :

'આપણાં ગુજરાતીઓમાં પ્રજાપણું નથી. આપણાંમાં પ્રજાપણાનું ઐક્ય નથી. પ્રજાપણાનો ટેક નથી. પ્રજાપણાનાં સતત આગ્રહી ઊજમ અને જોમ નથી. આપણા નેતાઓને પ્રજાપણાવાળી પ્રજાના પીઠબળનો ટેકો નથી. મતભેદ અને ચરિત્રભેદને લીધે ટીકા, ચર્ચા, વૈમનસ્ય અને મતામતિ આપણે ત્યાં જ થાય છે એમ નથી; સર્વત્ર થાય છે. પરંતુ બીજે જ્યારે પ્રજાપણાની ઉષ્માથી એ થતાં આવે તેમ ઓગળતાં પણ જાય છે, અને આરંભેલ સંસ્થા કે કાર્યપ્રવાહ આગળ વધવા પામે છે તેમ તેમ એ વૈમનસ્ય અને મતભેદની નડતર ઓછી પડી જાય છે, ત્યારે આપણે ત્યાં એ નડતર જ વખત જતાં વધુ મોટી બનીને ગમે તેવાં કાર્ય કે કાર્યપ્રવાહને મંદ કરી નાખે છે, અને થોડા જ વખતમાં રૂંધી નાખે છે. આપણા પારસીઓ ગુજરાતી નથી, આપણા મુસલમાનો ગુજરાતી નથી, આપણા કાઠિયાવાડીઓ ગુજરાતી નથી, આપણા કચ્છીઓ ગુજરાતી નથી, આપણા ઈડિરયાઓ ગુજરાતી નથી, આપણા મુંબઈગરા ગુજરાતી નથી, આપણા ગુજરાતીઓમાં પણ સૌ કોઈ ગુજરાતી છે તે કરતાં તે અમદાવાદી કે સુરતી કે ચરોતરી કે પટ્ટણી કે મારવાડી, અગર તો નાગર, બ્રાહ્મણ કે વાણિયા કે અનાવિલ કે જૈન કે પટેલ કે બીજું કંઈ વિશેષ છે.’

ટૂંકમાં, કેટકેટલી ઓળખોમાં આપણો સમૂહ વહેંચાયેલો એ દરેકને જોવા મળ્યો હશે ! અને આવી વહેંચણી અહીં વિલાયતમાં, પણે અમેરિકાના કે આફ્રિકામાંના મુલકોમાં ય આપણે ભાળીએ છીએને ! આપણા અગ્રિમ પત્રકાર - વિચારક પ્રકાશભાઈ ન. શાહે, કદાચ તેથીસ્તો, ક્યાંક લખ્યું છે ને: ‘ગુજરાતીઓ હજી પ્રજાપણાની ભાવનાએ પહોંચ્યા નથી અને એક પ્રજા તરીકે આપણામાં જે સંઘશક્તિ હોવી જોઈએ એમાં કેવળ બાળક છીએ.’

સમકાલીન ઘટનાઓ પર નજર કરું છું અને મને સમજાય છે. એક સમે મારી જન્મભૂમિએ જુલિયસ ન્યરેરે સરીખા મુઠ્ઠી ઊંચેરા આગેવાન જોયા છે. આજના આગેવાનો સાથે સરખામણી કરીએ તો નેતાગીરીનો આલેખ નીચે ધસમસતો લાગે. આવું મારી વારસાની ભૂમિનું છે. એક સમે જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ સરીખા સરીખા આગેવાનો ધણીધૂરી પદે હતા. આજે ? આગેવાનીનો આલેખ સપાટીએ સડક સપાટ થઈ પલોંઠ લગાવી બેઠેલો જોવા પામીએ. આવું મારા વતનભોમકાની વાત. એક દા વિન્સ્ટન ચર્ચિલ, ક્લેમન્ટ એટલી સરીખા સરીખા આગેવાનોએ અમારા મુલકનું ઘડતર કરેલું. જ્યારે આજે ? રૂદિયો બેસી પડે તેવી હાલત છે. અમેરિકે ય એક દા જ્હૉન કેનેડી શા આગેવાન હતા; આજે ? વાત ન જ કરીએ; ક્યાંક રહીસહી આબરૂ ય લજાઈ મરે ! તેના લીરા ય શોધ્યા નહીં જડે !!

આપણા એક અડીખમ પૂર્વસૂરિ રણજિતરામ વાવાભાઈ મહેતાએ, છેક 1908માં, કહ્યું હતું, તે આ સંદર્ભે યાદ કરવાનું આથી મન કરું છું :

‘સર્વત્ર સ્ફૂરણ પેઠું છે − જાગૃતિનાં ચિહ્ન દૃષ્ટિને પથે પડે છે. પણ ગુજરાતમાં નેતા નથી. બંગાળા, મહારાષ્ટૃ, પંજાબ, વગેરે પ્રાંતોમાં છે તેવા નથી. મુંબઈમાં, અમદાવાદમાં કે દેશી રાજ્યોમાં બુદ્ધિશાળી ગુજરાતીઓ અનેકધા દેશહિતનું કામ બજાવે છે. પણ ગુજરાતને દોરનાર નેતાઓની તો ખોટ જ છે. અમે સર્વે ગુજરાતી છીએ − હિન્દુ, મુસલમાન, પારસી હોવા છતાં ગુજરાતી છીએ − એવી ભાવના જનેજનમાં જગાવે અને દક્ષિણી કે બંગાળીમાં જેવા પ્રતાપ ગુજરાતીઓ ગુજરાતમાં અને ખંડેખંડના પરદેશ નિવાસમાં બતાવી શક્તિમાન કરે, એવા નેતાની આપણે ત્યાં ખોટ છે.'

આમ ચોમેર વ્યાકુળ કરી મેલે તેવી ભુલભુલામણી શો પટ પડ્યો છે, અને તેમાંથી પોતીકો કેડો શોધવાનો છે. હાંફ ચડે, હામ ખોઈએ તેમ પણ બને; પરંતુ કોઈક પ્રકારના જોમજોસ્સા સાથે પંડે વિધેયક રહ્યે રહ્યે હીંડ્યા કરવા સિવાય કોઈ ચારો ય નથી. કેમ કે, આપણામાંના અનેકોની પેઠે મારું ય વણજારાની જેમ જીવન વીત્યું છે. તેની રઝળપાટ જેમ બીજાને થઈ હોય તેમ હું ય તેનો માર્ગી. કાંઈ નવું નહીં. અને છતાં તેમાં નકરો મારો નિજી અનુભવ દેખા દે; ક્યાંક અલાયદા નિરીક્ષણો ય હોય. પરિણામે એક તરફ ઉમાશંકર જોશી લાલબત્તી ધરી ધરી સતત કહ્યા રાખે જ છે ને : ‘એ તે કેવો ગુજરાતી / જે હો કેવળ ગુજરાતી’. અને બીજી તરફ, અસમિયા કવિ ગાયક ભૂપેન હઝારિકા પોકારી પોકારીને મને ઢંઢોળતો રાખી સંભારી આપે છે : આમી એક જાજાબૉર … પ્રિથિબિ અમાકે અપોન કોરેછે … ભૂલેછી નિજેરી ઘૉર … આમી એક જાજાબૉર … …

વારુ, … આવી આવી રઝળપાટની વાત ક્યારેક, હવે પછી −

પાનબીડું :

એ તે કેવો ગુજરાતી
એ  તે  કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી

હિન્દભૂમિના નામે  જેની  ઊછળે ના છાતી
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર બધે અનુકૂલ
જ્યાં પગ મૂકે  ત્યાંનો  થઈને  રોપાયે દ્રઢમૂલ

સેવા  સુવાસ   જેની   ખ્યાતિ
તે જ બસ નખશીખ ગુજરાતી

ના ના તે નહિ ગુજરાતી જે હો કેવળ ગુજરાતી
એ  તે  કેવો  ગુજરાતી  જે હો કેવળ ગુજરાતી
ભારતભક્તિ  દેશવિદેશ
ન    જેની    ઊભરાતી
એ  તે  કેવો   ગુજરાતી

સાગરપાર    આફ્રિકા    એડન    લંકા   સિંગાપુર
મોરિશ્યસ ફિજી ન્યૂઝિલેન્ડ જાપાન બ્રિટન અતિ દૂર
કાર્ય કૌશલ આતિથ્ય સુહાતી
બધે  ઉર-મઢૂલીઓ ગુજરાતી

તે નહિ નહિ જ ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી એ તે કેવો ગુજરાતી
હિન્દભૂમિના નામે  જેની  ઊછળે ના છાતી

ભારતભક્તિ  દેશવિદેશ
ન    જેની    ઊભરાતી
એ  તે  કેવો   ગુજરાતી

                                                       — ઉમાશંકર જોશી    

[1944 શબ્દો]

હેરૉ, 08-13 જૂન 2020

e.mail : [email protected]

પ્રગટ : ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક", પુસ્તક : 85 - અંક : 3; જુલાઈ - સપ્ટેમ્બર, 2020; પૃ. 50-55

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar

‘જગતના ચોકમાં ગાંધી’

વિપુલ કલ્યાણી
24-09-2020

મહાત્મા ગાંધીએ, સન 1948માં, કરેલી કદાચ છેલ્લી નોંધમાંની એકનો ઉલ્લેખ, 1958માં પ્રકાશિત, પ્યારેલાલકૃત ‘લાસ્ટ ફેઇઝ’ના બીજા ગ્રંથમાંના 56મા પાન પર થયો છે. ‘ગાંધીજીનું તાવીજ’ તરીકે તે જાણીતો બન્યો છે. ગાંધીજીની આ નોંધ આમ છે :

"હું તમને એક તાવીજ આપું છું. ક્યારે ય તમને શંકા થાય કે અહમ્ તમને પીડવા માંડે ત્યારે આ ઉપાય અજમાવવો.

"તમે જે ગરીબમાં ગરીબ અને લાચારમાં લાચાર મનુષ્ય જોયો હોય તેનો ચહેરો યાદ કરીને તમારી જાતને પૂછો કે તમે જે પગલું ભરવાનું વિચારો છો તે આ મનુષ્ય માટે કોઈ કામનું છે ? આનાથી એને કોઈ લાભ થશે ? આનાથી એ પોતાના જીવન અને ભાગ્ય પર કાબૂ મેળવી શકશે ? આનાથી આપણા દેશના કરોડો ભૂખ્યા પેટ અને ક્ષુબ્ધ આત્માવાળા લોકોને સ્વરાજ્ય મળશે ?

"ત્યારે તમે જોશો કે તમારી શંકાઓ અને અહમ્ ગાયબ થઈ રહ્યાં હશે.”

આ છેવાડાની વાત સમજવા સારુ, જોન રસ્કિનકૃત ‘અન્‌ ટુ ધિસ લાસ્ટ’ વાટે, બાઈબલનો સંદર્ભ પણ સમજવો જોઈશે. ઈસુ શિષ્યોને કહે છે કે ઈશ્વરનું રાજ્ય દ્રાક્ષની વાડીની વાર્તા માંહેના એક દ્રષ્ટાન્ત જેવું છે. અને આ ગ્રંથને ગુજરાતીમાં ઉતારનાર ચિત્તરંજન વોરા લખે છે, તેમ આ રસ્કિનકૃત ચોપડીના મથાળાનો ગુજરાતીમાં અર્થ પૂરેપૂરો રજૂ કરવો હોય તો લખવું જોઈએ કે ‘વેતનમાં ન્યાય પામવાનો હક્ક જેટલો પહેલાનો છે, તેટલો જ છેલ્લાનો પણ છે.’

‘હિંદ સ્વરાજ’ને ગાંધીનો મેનિફૅસ્ટો ગણાવતા જાણીતા વિચારક-લેખક-સંપાદક તેમ જ કર્મઠ કર્મશીલ કાન્તિભાઈ શાહે ‘હિંદ સ્વરાજ’ : એક અધ્યયન પુસ્તકમાં લખ્યું છે તે ધ્યાનાર્હ છે :

‘તેવામાં 1904માં એક મોટા સીમાચિહ્ન રૂપ ઘટના બની, જેણે ગાંધીના જીવનમાં ધરમૂળથી પલટો આણી દીધો. ગાંધીની વય ત્યારે 35 વરસની. એકાદ વરસથી એમણે ‘ઇન્ડિયન ઓપીનિયન’ નામનું સાપ્તાહિક શરૂ કરેલું. તે ડરબનથી નીકળતું. આ છાપાના કામ માટે ગાંધીને એક વાર જોહાનિસબર્ગથી ડરબન જવાનું થયું. ચોવીસ કલાકની ટૃેનની મુસાફરી હતી. એમના પરમ અંગ્રેજ મિત્ર મિ. પોલાક સ્ટેશને મૂકવા આવેલા. “આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય એવું છે. તે વાંચી જજો. તમને ગમશે.” − એમ કહી એક પુસ્તક એમણે ગાંધીના હાથમાં મૂક્યું.

‘ટૃેન ચાલી. ગાંધીએ પુસ્તક હાથમાં લીધું. એમના જ શબ્દોમાં : “આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. ટૃેન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. મેં પુસ્તકમાં સૂચવેલા વિચારો મૂકવાનો ઇરાદો કર્યો.”’

‘આત્મકથા’માં ગાંધીજીએ ‘રાયચંદભાઈ’ પ્રકરણના અંતે લખ્યું જ છે : ‘… મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવનસંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી, ને રસ્કિને ‘અનટુ ધિસ લાસ્ટ’ - સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો.’

આચાર્ય વિનોબાને નામ એક અવતરણ છે, ‘ગાંધીજી એક વિરલ મહાપુરુષ હતા. પુરાતન પરંપરાનું ફળ અને નૂતન પરંપરાનું બીજ આપણને એમનામાં મળ્યું. પાછલા પ્રયત્નોનું ફળ મળ્યું અને આગલી આશાઓનું બીજ મળ્યું. ગાંધીજીના જીવનમાં ભૂત અને ભવિષ્યની સાંધ મળી. ગાંધીજી આવા એક યુગપુરુષ હતા.’

આ અવતરણને મજબૂત ઓજાર રૂપે ટાંકતાં કાન્તિ શાહ લખે છે, ‘ … ‘હિંદ સ્વરાજ’નું દર્શન પ્રિ-મોડર્ન (આધુનિકતા કરતાં જુનવાણી) કે એન્ટી-મોર્ડન (આધુનિકતાનું વિરોધી) હરગિજ નથી; બલકે, તે પોસ્ટ-મોર્ડન (અનુ-આધુનિક, આધુનિકતાને અતિક્રમીને વિશેષ આધુનિક) છે. ‘હિંદ સ્વરાજ’ અને ‘સર્વોદય’ની વિચારધારામાં રહેલાં આવાં કેટલાંક અનુ-આધુનિક ને નવયુગ-પ્રવર્તક તત્ત્વો ને લક્ષણો એકવીસમી સદીમાં વિશેષ પ્રસ્તુત ને ઉપયોગી થઈ રહેવાનાં છે.’

કાન્તિભાઈ કહે છે તેમ, ‘વીસમી સદી ઘણી ઊથલપાથલની, ઘણા ચઢાવ-ઉતારની, માણસની જ્વલંત સિદ્ધિઓની અને સાથોસાથ માણસનાં નપાવટ કુકર્મોની સદી રહી. આ સદીમાં માણસને આપણે એવરેસ્ટ-ઊંચી છલાંગ મારતોયે જોયો અને અતલ ઊંડી ગર્તામાં ગબડી પડતોયે જોયો. સૃષ્ટિનાં અવનવાં રહસ્યો છતાં કરતી, માણસને માટે અનેકાનેક શક્તિઓ ને કુશળતાઓ હાથવગી કરતી અને આપણી પૃથ્વીની જ નહીં, આકાશગંગાનીયે પેલે પારનાં વિશ્વોમાં ડોકિયું કરાવતી વિજ્ઞાનની અભૂતપૂર્વ શોધો આ સદીમાં થઈ, તો તેની સાથોસાથ બબ્બે મોટાં યુદ્ધો તેમ જ બીજાં તો અનેકાનેક યુદ્ધો આજ સુધી લડાતાં રહ્યાં છે અને માણસની બર્બરતાની અને અક્કલહીનતાની ચાડી ખાતાં રહ્યાં છે. અગાઉ ક્યારે ય કલ્પનાયે ન કરી હોય એટલી સાધન સમૃદ્ધિ અને વૈભવ માણસને આ સદીમાં ઉપલબ્ધ થયાં છે, અને છતાં લાખો માણસો માનવસર્જિત દુકાળમાં ભૂખમરાથી આ સદીમાં મર્યા છે. …’ 

ગાંધીવિચાર અને ગાંધી કર્મ વીસમી સદીમાં થયાં હતાં. એમની વિદાયને હવે છ દાયકા થઈ ગયા છે. આ સમય દરમિયાન વિશ્વમાં પણ અનેક પરિવર્તનો આવી ગયાં છે. એટલે આજે ગાંધીજીનું મૂલ્યાંકન કરતી વેળા આ બધી બાબતોનો વિચાર કરવાનો છે. ગાંધીજીના વિચારોને વર્તમાન રાષ્ટૃીય અને આંતરરાષ્ટૃીય સમસ્યાઓના સંદર્ભમાં જોવાના છે. આજની વૈશ્વિક સમસ્યાઓને ગાંધીવિચાર ઉકેલી શકે તેમ છે ? આજના પડકારોને તે ઝીલી શકે તેમ છે ? આજની નવી પેઢીને તેમના વિચારો ગળે ઉતારી શકાય તેમ છે ?

કિશોરલાલ ઘ. મશરૂવાળાએ ‘ગાંધી-વિચાર-દોહન’ પુસ્તકની પ્રાસ્તાવિક નિવેદનમાં કહેલું, ‘… કોઈ સત્પુરુષના વિચારોને માત્ર એમના પુસ્તકોના અભ્યાસથી પૂરેપૂરા નથી જાણી શકાતા : એમનો સહવાસ જોઈએ. પણ સહવાસ ઉપરાંત પણ એમનું હૃદય સમજવાનો અને એમની સમગ્ર વિચારસરણીના મૂળ પાયા પકડવાનો પ્રયત્ન હોવો જોઈએ. એ પાયા જો હાથ લાગે, તો એમની આખી વિચારસૃષ્ટિ, જેમ ભૂમિતિમાં એક સિદ્ધાંતમાંથી બીજા સિદ્ધાંતો નીકળે છે તેમ, દેખાતી આવે. …’

આ સહવાસ એટલે શું ? સાર્થ ગૂજરાતી જોડણીકોશ અનુસાર, સાથે વસવું તે; સોબત; સંબંધ; અભ્યાસ; મહાવરો સરીખા અર્થ પામીએ. અને તેમાંથી અભ્યાસ; મહાવરો વિશેષપણે આ તબક્કે અહીં કામ આવે તેમ છે.

ગાંધીવિચારનો અભ્યાસ મહાવરો સતત રહે તો તેને ય સહવાસ જાણવો. અને તેને આધારે ગાંધીની, ગાંધીવિચારની પ્રસ્તુતતા તપાસવી રહી. ‘नवजीवनનો અક્ષરદેહ’ સામયિકનામાંના પોતાના એક લેખમાં ચંદુ મહેરિયા કહે છે તેમ, ‘એકવીસમી સદીના બીજા દાયકે ગાંધી દોઢસોના દિવસોમાં ઊભા રહી, જ્યારે ગાંધીવિચારની પ્રસ્તુતતા વિશે વિચારીએ છીએ ત્યારે તે પ્રસ્તુત જ નહીં, ગતિશીલ પણ લાગે છે. ‘હું સૌથી મોટો સામ્યવાદી છું’ એમ કહેનાર ગાંધીજીએ માર્ક્સ કરતાં એ રીતે આગળનું વિચાર્યું હતું કે ગાંધીજી અને માર્ક્સ બંને સંપત્તિની સમાન વહેંચણી, સંસાધનોની સમાન વહેંચણીમાં તો માનતા જ હતા, પણ માર્ક્સ રાજ્યને સર્વોચ્ચ અને નિરંકુશ માનતા હતા, જ્યારે ગાંધીજી સઘળી સત્તા રાજ્યના હાથમાં રહે તેમ ઇચ્છતા નહોતા. એ રીતે તેઓ શ્રમિકોના નિરંકુશ રાજ્ય શાસનના માર્ક્સના વિચારથી જુદા પડતા હતા. આજે જે રીતે ‘રાજ્ય’ નામનું તત્ત્વ હાવી થઈ રહ્યું છે અને તેની નિરંકુશતા જણાઈ આવે છે તે જોતાં ગાંધીજી રાજ્યને કઈ રીતે અંકુશમાં રાખવા માગતા હતા તે દેખાય છે.’

આ જગત મૂડીવાદી શાસન, સામ્યવાદી શાસન, સરમુખત્યારશાહી શાસન, એકહથ્થુ નિરંકુશ શાસન તેમ જ મૂડીવાદી લોકશાહી શાસનમાંથી પસાર થયું છે અને તે દરેકમાં છેવાડાના માણસની ચિંતા થઈ હોય તેમ દેખાયું જ નથી. હવે તો નિગમિત સામૂહિક સંસ્થાઓની (corporate sector) બોલબાલા સર્વત્ર વર્તાય છે ત્યારે આમ લોક, ભલા, ક્યાં જડે ? અસસ્ત્રશસ્ત્રો બનાવતાં નિગમો, દવાદારુ બનાવતી નિગમિત પેઢીઓનો અંકુશ શાસનને અને આમ જનતાને ભીડી રહ્યો છે.

કાંતિભાઈ શાહ નોંધે છે તેમ, 1955માં એરિક ફ્રોમે આધુનિક સભ્યતાની વિશદ છણાવટ કરતું પુસ્તક ‘શાણો સમાજ’ (The Sane Society) આપ્યું. લેખકે વર્તમાન વ્યવસ્થાનાં અનેક રોગિષ્ઠ ને વિચારહીન વલણોની તળિયાઝાટક સમીક્ષા આ ચોપડીમાં રજૂ કરેલી. વળી 1982માં ફ્રિટ્જોફ કાપ્રાએ ‘The Turning Point’ (વળાંક-બિંદું) પુસ્તક આપ્યું છે. લેખક આપણને ચેતવણી આપતાં આપતાં કહે છે, ભૂલ્યા ત્યાંથી ફરી ગણીએ ! કાન્તિભાઈ શાહ તેથીસ્તો નોંધે છે, ‘… અંધાધૂંધ ઉદ્યોગીકરણ તેમ જ અતિ શહેરીકરણનાં વિપરીત પરિણામો, ભયાનક પર્યાવરણીય સમસ્યાઓ, પરમાણુ વિભીષિકા, માણસનું થઈ રહેલું ડી-હ્યુમનાઈઝેશન (અમાનવીકરણ) − આવાં બધાં ભયાનક દુષ્પરિણામોને કારણે ધરમૂળના પરિવર્તન માટે એક માનસિકતા ઊભી થયેલી, પરંતુ આજે હવે પરિવર્તન માટેની એ માનિસકતાને હાંકી કઢાઈ છે એટલું જ નહીં, તેને દકિયાનુસી, પ્રગતિ-વિરોધી અને વિજ્ઞાનદ્રોહી ઠેરવી દેવાઈ છે. સામ્યવાદના પતનને મૂડીવાદ પોતાનો ભવ્ય વિજય માની તેમ જ મનાવી રહ્યો છે.’

અને આનો ઉકેલ ‘હિંદ સ્વરાજ’ તેમ જ ‘સર્વોદય’માં પડેલો છે. ગાંધીએ આપણને 1909માં ચેતવેલા. જ્યારે ગાંધી પહેલાં, ટૉલ્સ્ટોય અને રસ્કિને આપણને વારવાનો મજબૂત પ્રયાસ કરેલો. ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ના ગુજરાતી અનુવાદને આવકારતાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ લખે જ છે ને, ‘પુસ્તકો લખ્યે કે વાંચ્યે શું વળે ? દુિનયા તો કાં બળથી ચાલે, કાં છળથી ચાલે અને કાં ધનથી. ચોપડીથી ? જવા દો એ વાત !’ એમ કહેનારા હતા અને છે. પણ ચોપડીએ ચોપડીએ ફેર છે, એક લાખ દેતાં  યે ન મળે ને બીજી ત્રાંબીઆના તેર લેખે મળે. જે લાખ દેતાં ન મળે તેવાં પુસ્તકોમાં ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ અક્ષયપાત્ર છે.’

જાણીતા અર્થશાસ્ત્રી પ્રૉફેસર એમ.એલ. દાંતવાલા લખે છે તેમ, ‘રસ્કિનગાંધી વિચારધારામાં છેલ્લામાં છેલ્લા ને તરછોડાયેલા વર્ગ દરિદ્રનારાયણ તરફ કર્તવ્યની સભાનતા છે. એ જ તેને વિશ્વભરની પ્રજાઓનાં કલ્યાણ અને સંસ્કૃિત માટે શાશ્વત પ્રસ્તુત બનાવે છે.’ આની જોડે અહિંસાના ગાંધી પ્રણીત ખ્યાલને જોડી દેવાનો અનુરોધ કરતા દાંતવાલા સાહેબ કહે છે, ‘અહિંસા, ઉપભોગ-જરૂરિયાત પર મર્યાદા અને વિકાસથી થતા લાભમાં સામાજિક સહભાગિતા જેવાં મૂલ્ય એ ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ની વિચારધારાનો પાયો છે. આ વિચારધારા વડે વહેલાં કે મોડાં, કદાચ મોડાં મોડાં પણ માનવજાતિ અવશ્ય સમજશે કે ટેક્નોલૉજીમાં ગમે તેટલી પ્રગતિ થાય, તેમ છતાં ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’નો કોઈ વિક્લ્પ નથી.’

તો બીજી પાસ, કાન્તિભાઈ શાહ ટકોરાબંધ મજબૂતાઈએ કહે છે, ‘ગાંધીની વાતો હંમેશાં સાદી, સીધી ને સરલ હોય છે. એ શાસ્ત્રીય માણસ નહોતા, તેથી તેમણે જે કેટલીક વાતો કરી છે, તે અત્યંત સરળ છે. ખરું જોતાં, સત્ય અતિ સરલ જ છે, આપણે લોકો નાહક તર્કથી ને બુદ્ધિથી તેને ગૂંચવી નાંખીએ છીએ. ‘હિંદ સ્વરાજ’માં વિશુદ્ધ હૃદયથી બતાવાયેલાં તથ્ય આવાં જ સરલ છે. વિશુદ્ધ હૃદયથી ગ્રહણ કરવાની અને સમજવાની કોશિશ કરીશું, તો તે તુરત આત્મસાત્‌ થઈ જશે. …’

દક્ષિણ અમેરિકા, આફ્રિકા તેમ જ એશિયાના કેટકેટલા ય દેશોમાં ધનવાનો અને નિર્ધનો વચ્ચેની ખાઈ વધતી ચાલી છે. વળી, ક્યાંક ક્યાંક આંતરવિગ્રહો, લડાઈ, કે પછી યુદ્ધને કારણે પરિસ્થિતિ વકરતી રહી છે. તેને પરિણામે માનવસમૂહોનું સ્થળાંતર વધ્યું છે અને ઠેકઠેકાણે વરવું સ્વરૂપ પણ જોવાં પામીએ છીએ. આટલું ઓછું હોય તેમ, આવા મુલકોમાં વેપાર અર્થે નિગમિત સામૂહિક સંસ્થાઓનું [corporate sector] ફલક પણ વિસ્તરતું રહ્યું છે. કેટલા ય દેશોના શાસકો પણ તેમની પકડમાં આવી ગયા હોઈ, આમ પ્રજાને વેઠવા સિવાયનો ચારો રહ્યો જ નથી. ઉત્તર આફ્રિકાના દેશોમાંથી સૂપડા મોઢે લોકો દાણચોરોને હવાલે જઈને પણ પેટિયું રળવા યુરોપની વાટ પકડે છે અને પરિણામે આ હિજરતથી ચોમેર પરેશાની વધતી રહી છે. આવું દક્ષિણ અમેિરકાના દેશોમાંથી આરંભાયેલી વણઝારમાં જોવા મળે. અફધાનિસ્તાન, સિરિયા, લિબિયા માંહેના પશ્ચિમી હુંકારક આક્રમક ચડાઈને કારણે વળી પરિસ્થિતિ વિશેષ બગડી છે. અસંખ્ય લોકોએ યુરોપના દેશ ભણી વણઝાર કરી. દોજખમાં પડ્યાનું વાતાવરણ પશ્ચિમમાં ખડું થયું છે. ઉદારમત તેમ જ લોકશાહી સમાજવાદને વરેલા યુરોપીય દેશોમાં એકાન્તિક જહાલ વલણ તેમ જ રંગભેદ વકરી રહ્યા છે. તેની અસર શાસકો પર, સમાજ પર પડતી રહી છે.

મધ્યપૂર્વના દેશોમાં, આફ્રિકાના મુલકોમાં, દક્ષિણ અમેરિકાના રાજ્યોમાં ઘરઆંગણે વિકાસવૃદ્ધિ કરાય તો આ પરિસ્થિતિને ખાળી શકાય. અને તેને માટે સમૃદ્ધ દેશોએ પહેલ કરવી રહી. સમૃદ્ધ દેશોના આગેવાનો અને શાસકો આ વિસ્તારની મુલાકાતે જાય છે પણ તે વેપારવાણિજ્યની શોધમાં. પરંતુ આ અણવિકસિત વિસ્તારોના વિકાસને સારુ નક્કર પગલાં ભરાતાં હોય તેમ ઝાઝું બનતું નથી. રસ્કિનગાંધી વિચાર અહીં સો ટકા કામે આવી શકે.

મુરિયલ લેસ્ટરનાં સંસ્મરણોને આલેખતું પુસ્તક છે : Ambasssador of Reconciliation. તેમાં With Gandhi in India and at Kingsley Hall નામક રોચક પ્રકરણ છે. વિલાયતના લેન્કેશર પરગણામાં વિદેશી માલના બહિષ્કારને કારણે ઊભી થયેલી હાલાકીથી બેકારોની સંખ્યા વધી હતી. કલકારખાનાં ઠપ્પ થઈ ગયેલાં. આ વિસ્તારના આવા એક બેકાર પરંતુ સમજુ આદમીએ ઊભી થયેલી હાલાકી જોઈ જવા ગાંધીને આમંત્ર્યા. ગાંધીને જોઈતું હતું તે મળ્યું. હિંદની પરિસ્થિતિનો ચીતાર એમણે લેન્કેશરની પ્રજાને આપ્યો અને બહોળા પ્રમાણમાં તે લોકોનાં દિલ જીતીને પરત થયેલા.

આ એક દ્રષ્ટાન્તમાંથી બોધપાઠ લઈને આ હિજરતનો, નિગમિત સામૂહિક સંસ્થાઓના ઉપાડાને ખાળવા નક્કર પગલાં લઈ શકાય તેમ છે. પહેલ, અલબત્ત, સમૃદ્ધ દેશોએ કરવાની છે.

ચંદુ મહેરિયા જણાવતા હતા તેમ, ગાંધીજીનો ‘સત્ય’ માટેનો આગ્રહ કે સત્ય માટેની શોધ એ જીવનભર એમની મથામણ રહી છે. શું ‘સત્ય’ જેવું શાશ્વત મૂલ્ય ક્યારે ય અપ્રસ્તુત ગણાય ખરું? ‘હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું’ એમ કહેનાર ગાંધીજી માટે સત્ય એ માત્ર કોઈ સ્થૂળ વાચાનું સત્ય નથી. એ જેમ વાચાનું સત્ય છે તેમ વિચારનું પણ છે જ. મૂળભૂત રીતે ધાર્મિક કે આધ્યાત્મિક એવા ગાંધીજી માટે ‘સત્ય’ એ જ ઈશ્વર છે. એટલે જ તે ‘મરતાં પણ સત્ય ન છોડવું’ એમ કહી શકે છે. “ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ. પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.”

ગાંધી માનતા, ‘અહિંસા એ માત્ર આચરણનો સ્થૂળ નિયમ નથી, પણ એ મનની વૃત્તિ છે. જે વૃત્તિમાં ક્યાં ય પણ દ્વેષની ગંધસરખી રહે નહીં તે અહિંસા.’ આગળ જઈ એ કહે છે, ‘એવી અહિંસા સત્યના જેટલી જ વ્યાપક છે. એવી અહિંસાની સિદ્ધિ થયા વિના સત્યની સિદ્ધિ થવી અશક્ય છે. માટે સત્ય એ, બીજી રીતે જોઈએ તો, અહિંસાની પરાકાષ્ઠા જ છે. પૂર્ણ સત્ય અને પૂર્ણ અહિંસામાં ભેદ નથી; છતાં, સમજવાની સગવડ માટે સત્યને સાધ્ય અને અહિંસાને સાધન ગણ્યું છે. વળી, ‘આ − સત્ય અને અહિંસા − સિક્કાની બે બાજુઓની જેમ એક જ સનાતન વસ્તુની બે બાજુઓ જેવી છે.’

ચંદુ મહેરિયાએ નોંધ્યું છે તેમ, ગાંધીજીએ અંગ્રેજોની બેરહમ હિંસા સામે ઉંહકારો પણ કર્યા સિવાય, કશા જ પ્રતિકાર વિના, માત્ર ને માત્ર અહિંસા દ્વારા જ સમગ્ર આઝાદીની લડત ચલાવી. બબ્બે વિશ્વયુદ્ધો કે લાંબા ગાળાનાં ઠંડા યુદ્ધો, પરમાણુ-અણુબૉમ્બથી માંડીને અત્યાધનિુક શસ્ત્રોથી દેશ અને દુનિયા સજ્જ હોય, સર્વત્ર હિંસા અને યુદ્ધની જ બોલબાલા હોય ત્યારે ગાંધીજીના અહિંસાના પ્રયોગો દુનિયામાં આજે પણ ક્યાંક ને ક્યાંક અજમાવાય છે અને તે સફળ પણ થતા રહ્યા છે. દેશના જુદા જુદા ખૂણે મહિલાઓના દારૂબંધી આંદોલન હોય કે સુંદરલાલ બહુગુણાનું ચીપકો આંદોલન, પૂર્વોત્તર હોય કે પશ્ચિમના દેશો આજે પણ એવા ઘણાં જૂથો દુનિયામાં કાર્યરત છે; જે માત્ર ને માત્ર અહિંસક માર્ગે જ પોતાના કાર્યક્રમો યોજે છે અને સફળ પણ થાય છે. માર્ટિન લ્યૂથર કિંગ, નેલ્સન મંડેલા કે આંગ સાન સૂકીની લડતમાં ગાંધીજીની ‘અહિંસા’ના વિચારનો સિંહફાળો હતો, તે તો હવે દુનિયા સ્વી કારે જ છે. ગાંધીજી માટે અહિંસા એ કોઈ આંદોલન પૂરતો મુદ્દો નહોતો એટલે જ એ કહેતા કે, “માણસ બીજાઓ સાથેના પોતાના વ્યવહારમાં અહિંસાનું આચરણ નહીં અને મોટી બાબતોમાં એનો પ્રયોગ કરવાની આશા રાખે તો તે ભીંત ભૂલે છે. માણસ પોતાના જ મંડળમાં અહિંસક રહે ને બહાર હિંસક રહે એ ન બની શકે. વ્યક્તિ ને અહિંસાની તાલીમ લેવાની જરૂર હોય, તો રાષ્ટ્રને તો એવી તાલીમ લેવાની જરૂર એથી પણ વધારે રહે છે.”

ગાંધીજી સતત વિચારનારા અને વિચારમાં પણ ફેરફાર આણનારા હતા. તેઓ લોકશાહીના પ્રબળ સમર્થક હતા, પણ રાજ્યની સત્તા ઓછી કરવામાં માનતા હતા. તેઓ વિકેન્દ્રીકરણના પ્રખર હિમાયતી હતા. તેઓ ધનસત્તા અને રાજ્યસત્તા બંને કેન્દ્રીત રહે તેમ ઇચ્છતા નહોતા.

ગાંધીના મતે, ‘અંગ્રેજી ભાષાના જ્ઞાન વિના કેળવણી અધૂરી જ ગણાય, એ વહેમમાંથી નીકળવાની જરૂર છે.’ ‘માતૃભાષાનો અનાદાર સુપુત્રને છાજે નહિ’ તેવા મથાળા સાથે ‘શાશ્વત્‌ ગાંધી’ સામયિકમાં ગાંધીને નામ આ અવતરણ છે :

‘જે યુવાનો એમ કહેતા હોય કે અમારા વિચારો અમે સ્વભાષા દ્વારા બરાબર બહાર પાડી શકતા નથી તે જુવાનો માટે હું તો એટલું કહું કે તેઓ માતૃભૂમિને ભારરૂપ છે. માતૃભાષામાં અપૂર્ણતા હોય તે દૂર કરવાને બદલે તેનો અનાદર કરવો, તેનાથી મોં ફેરવી બેસવું, એ કોઈ પણ સુપુત્રને છાજતું ગણાય નહિ. હાલની પ્રજા જો પોતાની માતૃભાષા માટે બેદરકાર રહેશે તો ભાવિ પ્રજાને તેમને માટે અફસોસ કરવો પડશે. ભાવિ પ્રજાના ઠપકામાંથી તેઓ કદી બચી શકશે નહિ.

‘છોકરાનાં માતાપિતાએ પણ જમાનાના પૂરમાં તણાતાં જરા સાવધ રહેવું જોઈએ. અંગ્રેજી ભાષા આપણને જોઈએ છે. પણ તે આપણી સ્વભાષાનો નાશ કરવા માટે નહિ. આપણા જનસમાજની સુધારણા આપણી સ્વભાષા દ્વારા જ થશે. આપણા વ્યવહારની સરળતા અને ઉચ્ચતા એ પણ આપણી સ્વભાષા દ્વારા જ થશે. સ્વભાષાના વિશાળ જ્ઞાનની અપેક્ષા વિદ્યાર્થીઓ અને તેમનાં માતાપિતા સર્વેએ રાખવી જોઈએ.’

‘સ્વભાષા પછી બીજું સ્થાન રાષ્ટૃભાષાને હોય. રાષ્ટૃભાષા એટલે હિંદુસ્તાની.’ ‘ગાંધી-વિચાર-દોહન’માં કિશોરલાલભાઈ ગાંધીવિચાર રજૂ કરતા દર્શાવે છે : ‘આપણે સ્વભાષાને કે પડોશના પ્રાંતની ભાષાને શુદ્ધ રીતે બોલી કે લખી ન શકીએ તેથી ન શરમાઈએ, અને અંગ્રેજી ભાષામાં થતી ભૂલોથી શરમાઈએ કે તેવી ભૂલો કરનારની ઠેકડી કરીએ, એ તે ભાષાએ આપણા ઉપર કેટલો જાદુ ફેલાવ્યો છે તે બતાવે છે. વાસ્તવિક રીતે, અંગ્રેજી એ અત્યંત વિજાતીય ભાષા હોવાથી એના ઉચ્ચારણ અને લેખનમાં આપણાથી દોષો થાય તેમાં કશું નવાઈ જેવું નથી.’ અને પછી આ દલીલ, આપણી સમક્ષ લાલબત્તી ધરતાં આગળ ધપે છે; ‘… પણ, એ જાદુને લીધે, આપણે કેળવણીના કાળનાં અર્ધા કે વધુ વર્ષો એ ભાષા પર કાબૂ મેળવવા પાછળ ખર્ચીએ છીએ. વિદ્યાર્થીના કેટલાયે શ્રમ અને સમયનો આમ દુર્વ્યય થાય છે.’

ગુજરાતી ઉપર આજકાલ અંગ્રેજીનો જ પ્રભાવ માત્ર વર્તાતો નથી, સંસ્કૃતપ્રચૂર હિન્દીના ધસમસતા પૂરે પણ માઝા મેલી છે. કેળવણી અંગ્રેજોનો તેમ જ હવે હિન્દી ઝનૂનીઓનો ઉતાર બનીબેઠી છે અને આપણે જાણે કે તેને શણગાર તરીકે અપનાવી લીધી છે ! 

ચંદુ મહેરિયાના મત મુજબ, ‘આપણા દેશમાં જો કોઈ એક ક્ષેત્રમાં સૌથી વધુ બગાડ થયો હોય તો તે શિક્ષણ. આઝાદી પછી અક્ષરજ્ઞાન જરૂર વધ્યું છે, સાક્ષરતાદર પણ વધ્યો છે. પણ ગાંધીજીની પાયાની કેળવણી કે બુનિયાદી શિક્ષણનો અભાવ તીવ્રપણે વર્તાય છે. ગાંધીજી જીવનલક્ષી નઈ તાલીમને શિક્ષણનું માધ્યમ બનાવવા માગતા હતા. ઘણા ગાંધીવાદીઓ થાણાં નાંખીને બેઠા અને તે કામ કરી દેખાડ્યું; પણ આજે ગાંધીવિચાર કેન્દ્રી નઈ તાલીમના વળતાં પાણી છે. અંગ્રેજી શિક્ષણની બોલબાલા છે અને શિક્ષણના ભાગરૂપ શરીરશ્રમ ભુલાયો છે. પુસ્તકો અને દફતરથી લદાયેલાં ભૂલકાઓના ભાર વિનાના ભણતરની ઘણી વાતો થાય છે, પણ બાળકોનો શ્રમ સાથેનો, ભૂમિ સાથેનો નાતો સાવ જ તૂટી ગયો છે.’

કિશોરલાલભાઈએ આપેલા ‘ગાધી-વિચાર-દોહન’ મુજબ, ‘દરેક યુગમાં અને દરેક પ્રજામાં સત્યના તીવ્ર શોધકો અને જનકલ્યાણ માટે અત્યંત ધગશ ધરાવનારા વિભૂતિમાન પુરુષો અને સંતો પેદા થાય છે. તે યુગના અને તે પ્રજાના બીજા માણસો કરતાં તેમણે સત્યનું કાંઈક વધારે દર્શન કરેલું હોય છે. એમનું કેટલુંક દર્શન સનાતન સિદ્ધાંતોનું હોય છે, અને કેટલુંક પોતાના જમાનાની પરિસ્થિતિમાંથી ઉદ્દભવેલું હોય છે. વળી, કેટલાક સિદ્ધાંતો તેના સનાતન સ્વરૂપમાં તેમને સમજાયા હોય, છતાં તેનો વ્યાવહારિક અમલ કરવા જતાં તે યુગ અને પ્રજાની પરિસ્થિતિ બંધબેસતી આવે એની મર્યાદામાં જ તેની પદ્ધતિ તેમને સૂઝે એમ બને છે. આ બધામાંથી જગતના જુદા જુદા ધર્મો ઉદ્દભવ્યા છે.’

આ વિચારદોહન આપણને આગળ લઈ જઈ કહે છે : ‘આમ વિચારનાર કોઈ ધર્મમાં સત્યનો સર્વથા અભાવ નહીં જુએ, તેમ કોઈ ધર્મને સંપૂર્ણ સત્ય તરીકે નહીં સ્વીકારે. સર્વ ધર્મોમાં ફેરફારો અને વિકાસને સ્થાન છે એમ જોશે. વિવેકપૂર્વક અનુસરાય તો પ્રત્યેક ધર્મ તે પ્રજાનું કલ્યાણ સાધી શકે એમ છે, અને જેને વ્યાકુળતા હોય તેને સત્યની ઝાંખી કરાવવા તથા શાંતિ અને સમાધાન આપવા સમર્થ છે એમ જોશે.

‘એવો માણસ એવું અભિમાન નહીં રાખે કે, પોતાનો જ ધર્મ શ્રેષ્ઠ છે, અને મનુષ્યમાત્રને પોતાના ઉદ્ધાર માટે તેનો જ સ્વીકાર કરવો આવશ્યક છે. એ તેને છોડશે પણ નહીં, તેમ તેના દોષો તરફ આંખમીંચામણાંયે નહીં કરે. એ જેવો પોતાના ધર્મ પ્રત્યે આદરભાવ રાખશે, તેવો જ આદરભાવ બીજા ધર્મો અને તેના અનુયાયીઓ પ્રત્યે પણ રાખશે; અને દરેક માણસ પોતપોતાના ધર્મના જ ઉત્તમોત્તમ સિદ્ધાંતોને બરાબર પાળે અને તે મારફત પોતાનું શ્રેય અને શાંતિ સાધે એવી જ ઈચ્છા કરશે.

‘નિંદક બુદ્ધિ પરધર્મમા છિદ્રો જ શોધશે. સત્યશોધક દરેક ધર્મમાં સત્યની જે બાજુ વિકસેલી જણાશે, તેનો તે અંશ ગ્રહણ કરી લેશે. આથી સત્યશોધક પુરુષ દરેક ધર્મના અનુયાયીને જાણે એ પોતાના જ ધર્મનો બંદો હોય એમ જણાશે. આમ સત્યશોધક પોતાના જન્મધર્મનો ત્યાગ કર્યા વિના સર્વ ધર્મોના અનુયાયી જેવો લાગશે.’

હિન્દુ-મુસ્લિમ પ્રશ્ન એટલે સર્વ ધર્મ સમભાવ. એ ગાંધીજીના વિચારનો અને તેમના રચનાત્મક કાર્ય ક્રમોનો કસોટી કરનારો મુદ્દો હતો. આજના સમયમાં ગાંધીજીનો સર્વ ધર્મ સમભાવનો વિચાર જરૂર વધુ તીવ્રપણે પ્રસ્તુત લાગે છે. જે મુદ્દે દેશના રાષ્ટ્રપિતાની હત્યા થઈ તે મુદ્દો એટલે કે સર્વ ધર્મ સમભાવ હજુ આ દેશમાં પૂર્ણપણે પ્રગટી શક્યો નથી તે આ દેશની કમનસીબી છે, તેમ ચંદુ મહેરિયા દલીલ કરે છે.

નારાયણ દેસાઈ ‘જિગરના ચીરા’ પુસ્તકમાં લખે છે, ‘… ગાંધી સપનાં જોઈને અદબ વાળીને બેસી રહે એવા નહોતા. એમણે તો પોતાનું ધ્યાન ક્યારનુંયે દેશમાં હિંદુ-મુસ્લિમ એકતા અને બની શકે તો ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચે મૈત્રીભર્યા સંબંધ સ્થપાય તે તરફ વાળ્યું હતું. બંને દેશો પોતપોતાને ત્યાંની લઘુમતીની રક્ષા કરવાને બંધાયેલા હતા. ઝીણા સાહેબે તો પાકિસ્તાનની પૂર્વ સંધ્યાએ આપેલા ભાષણમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે પાકિસ્તાનની સરકારને મન એના સૌ નાગરિકોનો સરખો અધિકાર છે, ભલે સૌ પોતપોતાના ધર્મ મુજબ પોતાનું વ્યક્તિગત જીવન ગોઠવે.’

‘ગાંધી, મહાપદના યાત્રી’ પુસ્તકના કર્તા જયન્ત મ. પંડ્યા ‘પ્રેમપંથ પાવકની જ્વાળા’ પ્રકરણમાં કહે છે, તે પ્રસંગ અહી ખૂબ પ્રસ્તુત છે:

‘રમખાણોનો વાવર ઉપદ્રવી રોગની જેમ ફેલાતો જતો હતો. એમાં ક્યાંક હિંદુ હોમાતા તો બીજે ક્યાંક મુસલમાન. એવામાં પૂર્વ બંગાળના નોઆખલી જિલ્લામાં મુસલમાનોએ હિંદુઓ પર ગુજારેલા ઘોર અત્યાચારની વાતો આવવા માંડી. ગાંધીએ દિલ્હી છોડી, નોઆખલી જવાનો નિર્ણય કર્યો. જગતને વાંકદેખાઓની કદી અછત નડી નથી. કોઈકે એમને કહ્યું પણ ખરું કે હુલ્લડો તો ઘણી જગ્યાએ થાય છે એ બધાને બાજુએ મૂકી નોઆખલી કેમ જાઓ છો ? ત્યાં હિંદુ પર આફત આવી એટલે ? એ અંગે ગાંધીજીનો જવાબ સુરુચિપૂર્ણ છે. પ્રશ્નકર્તાને એ એમ કહે છે કે − હું હિંદુ નથી, મુસલમાન પણ નથી. બલકે કોઈ ધર્મનો પ્રતિનિધિ નથી. ભલે ગુજરાતમાં જન્મ્યો હોઉં, બંગાળ પણ મારો જ મુલક છે. હું હિંદી છું અને હિંદને ચાહું છું. હું નોઆખલી જાઉં છું કારણ કે જેમનાં શિયળ ચહેરાઈ ગયાં છે એવી અનાથ નારીઓ મને પોકારે છે. નોઆખલીમાં પ્રવર્તેલા દુરિતનું પૂતળું દફનાવી ન દઉં ત્યાં સુધી ત્યાંથી હું ખસવાનો નથી.’

આજે દેશપ્રેમ વિ. દેશદ્રોહ, સાંસ્કૃતિક રાષ્ટૃવાદ, કટ્ટરવાદ, જાતિભેદ, નસ્સલભેદ સરીખાં વાતાવરણનાં વાદળાં પ્રસરેલાં છે, તેવે સમયે ગાંધીવિચાર અને ગાંધીજીવનમાંથી ભારે મોટી શાતા સાંપડે છે અને જીવવા બળ મળે છે. આ મુદ્દે પણ ગાંધીની પ્રસ્તુતતા અપરંપાર છે.

આ પ્રકરણમાં એક પ્રસંગ તરફ જયન્તભાઈએ ઉચિત ધ્યાન ખેંચ્યું છે. તેને સમાપનને નામ સૌજન્યભેર લઈએ:

‘આ પહેલાં પણ મનુબહેન દ્વારા આવી ચૂક થઈ ગઈ હતી. ગાંધીજી સાથે વાત કરતાં એમણે કહેલું કે, સુહરાવર્દી જેવા હોય ત્યાં સુધી આપ આવા જુઠ્ઠાણામાં કેમ ફરી શકશો ? પ્રશ્નનો જવાબ તો બાજુએ રહ્યો પણ એક નવો પાઠ એમને શીખવા મળ્યો : તારાથી સુહરાવર્દી કેમ બોલાય ? સુહરાવર્દી સાહેબ કહેવું જોઈએ. તેઓ ગમે તેવા હોય પણ આજે એક ઊંચા દરજ્જા પર છે. વળી બીજી દૃષ્ટિએ કહું તો તારા કરતાં ઉંમરમાં મોટા છે.

‘સામાન્ય રીતે ધ્યાન બહાર જાય એવા નાના મુદ્દા એટલા માટે મૂક્યા છે કે જેથી ગાંધીની ચીવટ, ગાંધીનો વિવેક જોઈ શકાય. આવા નાના નાના મુદ્દા ઉપર જ એમની મોટાઈની ઈમારત ચણાઈ છે. માંદા ઈમામની ખબર જોવા ન ગયા હોત, ડાકરિયા નદીને પેલે પાર વસતા સામાન્ય વૃદ્ધજનને મળવા ન ગયા હોત તો એમનો કોઈ જવાબ માંગવાનું ન હતું. મનુબહેનની ડાયરીમાં નૂરન્નબી સાહેબ ન લખ્યું તેથી સાહેબ કે સુહરાવર્દી કોઈ કરમાઈ જવાના ન હતા. હા, સૌજન્ય કરમાયું હોત પરંતુ ગાંધી જેવા જાગ્રત પ્રહરી એવું થવા શાને દે ?

તેથી જ નિર્મળકુમાર બોઝે વાતવાતમાં મનુબહેનને કહેલું કે, ‘આ બુઢ્ઢાની એ જ ખૂબી છે કે એને મન કોઈ વાત કે વસ્તુ નકામી નથી, સંકુચિત નથી. એથી જ તેઓ એક અજોડ નેતા છે. બાકી તો ગાંધીજી જેટલું ભણેલા માણસો ઘણા ય પડયા છે. ગાંધીજી કરતાં દેખાવમાં ય ઘણા રૂપાળા માણસો છે, પણ ગાંધીજીની વિશાળતા અજોડ છે.’

પાનબીડું :

“બર્ટ્રાન્ડ રસેલનું એક ચોટડૂક કથન છે :

‘આજે વિજ્ઞાન દ્વારા માણસ પંખીની માફક હવામાં ઊડી શકે છે, માછલીની જેમ જળમાં તરી શકે છે; પરંતુ માનવીની માફક પૃથ્વી ઉપર જીવતાં માણસને હજી આવડતું નથી.’ ‘હિન્દ સ્વરાજ’નો કોઈ સંદેશો હોય, કોઈ ઉદ્દેશ હોય, તો તે આટલો જ છે — માણસને પૃથ્વી ઉપર માણસની માફક જીવતાં આવડે.”

— કાન્તિ શાહ

(‘હિંદ સ્વરાજ’ એક અધ્યયન; પૃ. 169)

હેરૉ, 12-30 નવેમ્બર 2018

e.mail : [email protected]

[3,473 શબ્દો]

(પ્રગટ : ‘સુશીલ ટૃસ્ટ’, ભુજ સંચાલિત અતીત, સાંપ્રત અને અનાગત સંદર્ભે સર્વથા પ્રસ્તુત ગાંધીજીવન દર્શનનું માસિકપત્ર - “અકાલ પુરુષ”, સપ્ટેમ્બર 2020; પૃ. 22-28)

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar