INTERVIEW

શોરબકોર અને સ્વાર્થી થનગનાટ સર્વ ક્ષેત્રે વ્યાપ્ત છે. સાહિત્ય પણ આનાથી બાકાત નથી. આવા માહોલમાં કોઈક સર્જક પોતાનો દીવડો બાળીને એની કલમને સમર્પિત થઈ ચૂપચાપ અજવાસમય લખ્યા કરે એ એક વિરલ ઘટના છે. આપણા સમર્થ વાર્તાકાર પ્રવીણસિંહ ચાવડા છેલ્લા બે દાયકાથી આ રીતે સતત સર્જનશીલ રહ્યા છે. એમની વાર્તાઓમાં વહેતા શાંતરસ જેવું એમનું સર્જકજીવન રહ્યું છે. એમણે લેખન તો છેક બાળપણથી શરૂ કરેલું, પણ સરકારી નોકરીની વ્યાવહારિકતા અને વ્યસ્તતાને કારણે એમની કલમે વચ્ચે થોડાં વર્ષ વિસામો લીધો. એ દરમિયાન વિશ્વસાહિત્યનું વાંચન એમની સાથે રહ્યું. એ વિસામા પછી એમની કલમમાંથી સાહિત્યસર્જનો સતત વહેતાં રહ્યાં છે. વાર્તા, આત્મકથા, પ્રવાસલેખન, નિબંધ જેવા ગદ્યપ્રકારો દ્વારા આપણા સાહિત્યમાં વિપુલ પ્રદાન કરનાર પ્રવીણસિંહ ચાવડા સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક અને સરકારી શિક્ષણ સેવાઓમાં, પબ્લિક સર્વિસ કમિશનમાં કાર્યરત રહ્યા પછી હાલ, વ્યવસાયમાંથી નિવૃત્ત છે. એમનાં સર્જનોના હિન્દી, મરાઠી ઉપરાંત અંગ્રેજીમાં અનુવાદ થયા છે. ‘નવનીત સમર્પણ’માં બે દાયકાથી નિયમિતપણે પ્રગટ થતી એમની વાર્તાઓ દ્વારા, ધારાવાહિક પ્રગટ થયેલી ‘એક બાળલેખકની આત્મકથા’ અને ‘મારો એડિનબરાનો પ્રવાસ’ દ્વારા વાચકો એમની સર્જનાથી સુપેરે પરિચિત છે. તેમની સાથે થયેલો આ વિસ્તૃત સંવાદ વાચકો માટે સર્જકચિત્તનો અને એ રીતે સર્જનશીલતાનો પ્રવાસ બની રહેશે.

છબિસૌજન્ય : પ્રજ્ઞેશ વ્યાસ, “ચિત્રલેખા”

આરાધના : તમારી આત્મકથા સૂચવે છે એમ લેખનની શરૂઆત બહુ નાની વયે થઈ; તેના મૂળમાં રહેલ બાળપણ અને ઉછેર વિશે જાણવાની ઇચ્છા છે.

પ્રવીણસિંહ : મહેસાણાની પાસે પીલુદરા તે મારું ગામ. મારો જન્મ ૧૯૪૫માં. પિતાજીને ગાયકવાડ સરકારના રેવન્યુ ખાતામાં નોકરી હતી તેથી પિલાજીગંજમાં સરકારી મકાન મળેલું, બે મોટા ભાઈઓનું હાઈ સ્કૂલનું શિક્ષણ મહેસાણામાં થયું, પરંતુ અમારો સ્થાયી નિવાસ ગામમાં. તેથી મને ગ્રામજીવનનો પૂરેપૂરો લાભ મળ્યો. (ગેરલાભ? એક પણ નહીં.) વગડામાં અને નદીનાં કોતરોમાં ભાઈબંધો સાથે રઝળપાટ કર્યો છે, નદી અને તળાવ જ નહીં, કૂવામાં ભૂસકા મારીને નાહ્યો છું, આંબલીપીપળી રમતાં બે-ત્રણ વાર સરકારી ચોરાના પીપળા ઉપરથી પડ્યો છું.

ગામને તમે નાનું ન સમજો; એ એક વિશ્વ હતું. નાનું કે મોટું, ભૌતિક કદથી નથી બનતું. વૈવિધ્ય અને સૂક્ષ્મતાઓથી બને છે. (આ અર્થમાં આજનું મહાનગર તે વિશ્વ નથી.) એક આફ્રિકન કહેવત છે: 'It takes a village to bring up a child.' બાળકના ઉછેર માટે માત્ર મા-બાપ પૂરતાં નથી: એને કાકા-કાકી, મામા-મામી, ફોઈ, દાદાદાદી, પડોશીઓ જોઈએ, ચકલી, કાબર, ખિસકોલી, લીમડો, તળાવ, નદી - આ સૃષ્ટિમાં વિસ્મયની આંખો ઊઘડે. મદારી, ભવૈયા અને બહુરૂપી આવે. કુટુંબોનો ઇતિહાસ હોય, દંતકથાઓ હોય.

એક બાજુ વૈવિધ્યસભર આ જીવન અને બીજી બાજુ અમારી મેડી, જેમાં કબાટ ભરીને પુસ્તકો હતાં, રમણલાલ દેસાઈ, મુનશી, શરદચંદ્ર અને કાલિદાસનું શાસન હતું. એમ કહી શકું કે હું એકસાથે બે દુનિયાઓમાં જીવતો હતો. આવા તત્ત્વનો સંયોગ તે સરવાળો નથી; ગુણાકાર છે.

પ્ર.: પુસ્તકો હોય તેથી વાંચવાની, જોવાની ઇચ્છા થાય તે સહજ છે.

ઉ.: મારા નસીબમાં તો પુસ્તકો જ નહીં, આંગળી પકડીને એમની પાસે લઈ જનાર માર્ગદર્શક પણ હતા. અમરસિંહભાઈ મારાથી સાત વર્ષ મોટા, તે બાળવાર્તાઓ, શિકારકથાઓ, કાવ્યો, વાર્તાઓ લખતા, જેમાંનું ઘણું પ્રકાશિત પણ થતું. રમણલાલ દેસાઈ, મુનશી, ધૂમકેતુ અને પન્નાલાલ જેવા દેવતાઓનાં ગુણગાન કરતાં થાકે નહીં. કલાપી એમના પ્રિય કવિ. ‘હું જાઉં છું, હું જાઉં છું, ત્યાં આવશો કોઈ નહીં’ – એવા ભાવ સાથે ગાતા કે આજે પણ મને એ સ્વર સંભળાય છે.

એ વાદ્યને કરુણગાન વિશેષ ભાવતું.

પ્ર.: વાંચનની શરૂઆત તો બાળસાહિત્યથી જ થઈ હશેને?

ઉ.: બકોર પટેલ અને મિયાં ફુસકી. જીવરામ જોશી, ‘ઝગમગ’, ‘રમકડું’, ‘ગાંડિવ!’ તે પછી આવી ડિટેક્ટિવ વાર્તાઓ. નામો કેવાં, ખબર છે? ‘લાલનો એક્કો’, ‘ખવીસની ખોપરી’, ‘દસ લાખનો દસ્તાવેજ.’ પુસ્તકોનું વર્ગીકરણ શાસ્ત્રીય રીતે થયેલું નહીં અને આ વાચકને દિશાનું ભાન નહીં, તેથી ‘સિકંદરની સંદૂક’ની પાસે બીજી કોઈ ચોપડી હોય તેને હાથ અડી જાય – ‘ચંદ્રનાથ’, ‘દ્વિરેફની વાતો’, ‘સ્મરણયાત્રા.’ વાચનમાં કોઈ મર્યાદા નહોતી. સમજ પડવી – ન પડવી તે મુદ્દો જ અપ્રસ્તુત.

પ્ર.: પછી બાળલેખકનો જન્મ કેવી રીતે થયો?

ઉ.: અમરસિંહભાઈ મને નોટબુક આપીને બારી પાસે બેસાડે. વાર્તા લખ. પછી સુપરવાઈઝરની જેમ મેડી પર આંટા મારે. વચ્ચે વચ્ચે પૂછે – શરૂ કર્યું? કેટલે આવ્યો? હું કંઈક ચિતરામણ કરું તેને નાપાસ જાહેર કરે. આમ લખાતું હશે!

પરાણે સર્જનનો પ્રયોગ નિષ્ફળ ગયો પણ આવ્યું ત્યારે અનાયાસે ગેબી રીતે આવ્યું. છઠ્ઠા ધોરણમાં હતો. નિશાળેથી આવીને મેડીની પાછળની બારીએ બેસી ગયો અને છંદ : મંદાક્રાંતા; સ્વરૂપ : સોનેટ; કાવ્યનો વિષય : મારા ગામની નદી રૂપેણ.

પ્ર.: એકાદ પંક્તિ યાદ છે?

ઉ.:ધીમે ધીમે સરળ ગતિએ વ્હેતી
                                          વ્હાલી સરિતા;
એ તો નામે રૂપેણ તરીકે સદા ઓળખાય, ભ્રાતા.’

હસવાની છૂટ, છંદની ભૂલો માફ કરવાની શરતે.

હાથ ખૂલી ગયો પછી તો રોજનાં એકાદ-બે કાવ્યોના હિસાબે નોટબુકો ભરાતી ગઈ. એમાં કાવ્યતત્ત્વ તો શું હોય? બાળકની રમત હતી, પરંતુ એક લાભ થયો. કાગળ અને પેન. લખવું તે મારે માટે સહજ બની ગયું.

પ્ર.: કાવ્યધારા કેમ અને ક્યારે અટકી?

ઉ.: હું માનું છું કે દરેક સર્જકને પોતાની પ્રકૃતિને અનુકૂળ એવું અમુક જ સાહિત્ય સ્વરૂપ હોય છે. વાર્તાઓ લખવાનું શરૂ કર્યું ત્યારે મને, હું મારે ઘેર આવ્યો હોઉં એવું લાગ્યું. તે પછી પણ વર્ષમાં એકાદ-બે કાવ્યો લખાતાં, ક્યારેક રમૂજ માટે. ૧૯૭૦-૭૨ના ગાળામાં થોડાં કાવ્યો અંગ્રેજીમાં લખ્યાં, જેમાંનાં બે-પાંચ ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ જેવાં સામયિકોમાં પ્રગટ થયેલાં.

પ્ર.: પ્રથમ કાવ્યની વાત કરી; પ્રથમ વાર્તા ક્યારે લખાઈ?

ઉ.: પ્રથમ અમુક વાર્તા – એવું યાદ નથી, પણ વાર્તાલેખન આઠમા-નવમા ધોરણમાં શરૂ થયું. ‘વર્ષા’ નામનું વાર્તામાસિક મુંબઈથી પ્રગટ થતું; એણે ‘આક્રંદનો અર્થ’ વાર્તા છાપી. વાર્તા માસિકોમાં સૌથી ઊંચું સ્થાન હતું ‘આરામ’નું; એના સંપાદક પીતાંબરભાઈ પટેલ. એમણે મારામાં અંગત રસ લીધો. શરૂઆતની એકાદ-બે વાર્તાઓ પરત મોકલી, પણ તે પછી સતત માગણી ચાલુ રહી – વાર્તા મોકલો. દિવાળી અંક માટે વાર્તા, સાથે ફોટોગ્રાફ અને ટૂંકો પરિચય. ‘આરામ’માં તે જમાનાના લગભગ બધા જ સમર્થ લેખકોની વાર્તાઓ પ્રગટ થતી – પન્નાલાલ, મડિયા, ચંદ્રકાન્ત બક્ષી, શિવકુમાર જોશી, મોહનલાલ પટેલ. વીસનગરની નૂતન હાઈ સ્કૂલના વિદ્યાર્થીને એમણે એ દુનિયામાં સ્થાન આપ્યું.

‘નવનીત’ (ગુજરાતી ડાયજેસ્ટ) ૧૯૬૨માં શરૂ થયું ત્યારે કુંદનિકાબહેને પહેલા વર્ષમાં જ ‘સમાચાર’ નામની વાર્તા પ્રગટ કરી. ગામડાનો વિદ્યાર્થી, નવમું ધોરણ – આ જાણ્યું તે પછી મારા પ્રત્યે એમનો પક્ષપાત રહ્યો એમ જ કહી શકાય. એ દસકામાં મારી પંદર-વીસ કે કદાચ વધારે વાર્તાઓ એમણે છાપી.

આમ, ‘નવનીત-સમર્પણ’ સાથેનો મારો સંબંધ ખૂબ જૂનો છે, ૧૯૬૨ની સાલથી.

પ્ર.: પ્રમાણમાં ઘણી નાની વયે તમે આત્મકથા લખી. મોટા ભાગના લેખકો જીવનના અંતિમ અધ્યાયમાં, બધું કહેવાઈ કે લખાઈ ગયું હોય ત્યારે આત્મકથા તરફ વળે છે. તમારી આત્મકથા નવોદિત સર્જકો માટેની ગીતા કહેવાઈ છે.

ઉ.: પુસ્તકનું નામ ધ્યાનથી વાંચશો તો તમને આનો ઉત્તર મળી જશે: ‘આત્મકથા’ નહીં, ‘બાળલેખકની આત્મકથા.’ મૂળ નામ વિચાર્યું હતું ‘નાનપણનાં સાહિત્યિક સંસ્મરણો’ કે એવું કંઈક. પછી રમૂજમાં આ સૂઝ્યું. ‘આત્મકથા’ એવો ભારેખમ શબ્દ: એની જોડાજોડ મૂકો ‘બાળલેખક’ નાદાન બાળક અને સાથે સાથે, એને યાદ કરનાર આ સાઠેક વર્ષનો માણસ – બંનેની રમૂજ છે.

હવે એક સ્પષ્ટતા. આત્મકથા લખવા માટે વયનું કોઈ બંધન નથી. અંગ્રેજી કવિ રોબર્ટ ગ્રેવ્ઝે ‘ગુડબાય ટુ ઓલ ધેટ’ ચોત્રીસ વર્ષની ઉંમરે લખી હતી; આજે વિશ્વની શ્રેષ્ઠ આત્મકથાઓમાં તેનું સ્થાન છે. રશિયન કવિ યેવટુશેન્કોની ‘પ્રિકોશિયસ ઓટોબાયોગ્રાફી’ ત્રીસની વયે લખાઈ હતી.

પ્ર.: તમારો ‘એડિનબરાનો પ્રવાસ’ વાચકોએ વધાવ્યો, સાહિત્યવર્તુળોમાં વખણાયો –

ઉ.: તમને વચ્ચે અટકાવીને કહું કે પુસ્તક વખણાયું હોય તો સારી વાત છે, મને જાણીને આનંદ થયો, પણ કોઈએ એના વિશે લખ્યું નથી, એક પણ રિવ્યુ પ્રગટ થયો નથી; અપવાદ છે રઘુવીર ચૌધરી. એમણે વર્તમાનપત્રની એમની કોલમમાં ત્રણ-ચાર પ્રસંગે મારા પુસ્તક વિશે લખ્યું છે. હવે આગળ બોલો.

પ્ર.: આ પુસ્તક એ પ્રવાસવર્ણન ઓછું અને વાર્તાસંગ્રહ જેવું વધુ બન્યું છે. સ્થળોનું વર્ણન પાંખું અને માનવમનની બારીકીઓનું નિરીક્ષણ અને આલેખન આબેહૂબ, એક મનોવૈજ્ઞાનિકની અદાથી, આ સ્વરૂપ કઈ રીતે સિદ્ધ થયું?

ઉ.: એક રીતે કહું તો સ્વરૂપ આવ્યું મારી મર્યાદાઓમાંથી. પ્રવાસ થયો હતો ૧૯૯૦માં અને પુસ્તક લખાયું ૨૦૦૭માં, એટલે કે સત્તર વર્ષ પછી મારી પાસે કાચીપાકી નોંધ નહોતી. માત્ર કેટલાંક નામ, સરનામાં અને ટેલિફોન નંબર અંગૂઠા જેવડી ડાયરીમાં સચવાયાં હતાં. એમાં ઉમેરો અહીં આવ્યા પછી મળેલા બે-પાંચ પત્રો. લખવા ઇચ્છું તો પણ સ્થળોનું વર્ણન લાવું ક્યાંથી?

નોંધ નહોતી, પરંતુ સ્મરણોનો ખજાનો હતો. કેટલાક માણસો, ચહેરા, કોઈ પ્રસંગ, ચોક્કસ સંદર્ભમાં બોલાયેલું એક વાક્ય – સ્મરણમાં જે અને જેટલું સચવાયું હોય, જે સ્વરૂપે, તેને કાગળ પર ઉતારવાનું હતું.

સ્મૃતિનો એક પ્રકાર છે: ફોટોગ્રાફિક મેમરી. તે બધા માણસોમાં હોય, પરંતુ સર્જકમાં કદાચ એ વધારે પ્રવૃત્ત હોય. જીવન એની એકધારી ગતિએ વહેતું હોય; તેની બધી વિગતો યાદ ન રહે, પરંતુ ક્યારેક કંઈક બને જે અસાધારણ હોય, તમને આંચકો આપે, આઘાત આપે. તે સુંદર હોઈ શકે, વિકૃત હોઈ શકે. એમાં વિરોધાભાસ હોય, વિપરીતતા હોય, તમને એ વિચિત્ર લાગે, એબ્સર્ડ લાગે તેવી ક્ષણોમાં જોનાર-અનુભવનારનું સમગ્ર તંત્ર એટલું જાગ્રત થઈ જાય કે જે તે ઘટના કે દૃશ્યને આખેઆખું, તેની અંદર બહારના બધા આયામો, બધી છાયાઓ સાથે, એના સમગ્રપણામાં ઝીલે. બીજા શબ્દોમાં કહીએ તો, સિક્કો વાગ્યો હોય એમ ધડાક દઈને ચિત્તમાં છપાઈ જાય. કહેવાય ફોટોગ્રાફિક મેમરી, પરંતુ એ ફોટોગ્રાફ કરતાં પણ વધારે સમૃદ્ધ છે. તેમાં માત્ર દૃશ્ય નથી; તેની સાથે જોડાયેલા સ્વર, સ્પર્શ, સંવેદનાઓ, કેન્દ્રવર્તી ભાવ–સઘળું જળવાઈ રહે છે.

સ્મરણોનું સ્વરૂપ હતું તે જ લખાણને મળ્યું.

વાર્તા જેવું ક્યાંક ક્યાંક લાગે તો એનું કારણ એ કે કેન્દ્રમાં મનુષ્ય છે.

પ્ર.: હવે મિનિસ્ટર જગુભાઈની વાત. આ જગુભાઈ કેવી રીતે અને ક્યાંથી આવ્યા?

ઉ.: જગુભાઈ ચાલતાં ચાલતાં, સદેહે ગાંધીનગર મારી ઓફિસમાં આવતા. મારા એક મિત્રના મામા હતા. બગાસું ખાતાં પતાસું મળે તે ન્યાયે તેઓ ધારાસભ્ય બન્યા. બસ, તે મૂર્તિ મારી સમક્ષ હતી. પ્રથમ અવતાર થયો ‘અંતિમ અધ્યાય’ નામની વાર્તામાં.

આવ્યા તે આવ્યા; ખસતા નહોતા. તેથી ‘જગુભાઈનો પુનર્જન્મ’ લઘુનવલ લખાઈ.

પ્ર.: છાપું ન વાંચવાનું પસંદ કરનાર સર્જક રાજકીય વિષયવસ્તુ લઈને લખવા ક્યાંથી પ્રેરાય?

ઉ.: સર્જનનો એક પાયાનો સિદ્ધાંત સમજો: સર્જકને સમજો: સર્જકને વિષયવસ્તુ પેટી-પટારા કે ગાડાં ભરીને ન જોઈએ; એને તો એક ચપટી જ જોઈએ. અહીં રાજકીય વિષયવસ્તુ છે તો તે જરીક જેટલું છે. પ્રધાનમંડળનું વિસ્તરણ થવાની શક્યતા હતી અને નવા ચહેરાઓમાં જગુભાઈનો પણ સમાવેશ થઈ શકે – આ સમાચાર હળવા ધક્કે જગુભાઈની ગાડીને ચાલુ કરી દે છે. જગુભાઈનો મિત્ર ગણેશ અને ભાણેજ રાજશેખર (મામા મિનિસ્ટર તો ભાણો એમનો પી.એ.) પણ એ ગાડીમાં કૂદી પડે છે.

પ્ર.: પછી ગાડી સ્પીડ પકડે છે!

ઉ.: ગાડી નહીં, રોકેટ. એ ત્રણેની અસંબદ્ધ, અપ્રસ્તુત વાતોના ઇંધણથી રોકેટ ઊડે છે.

મને લાગે છે કે, આ પ્રક્રિયા દરમિયાન જગુભાઈના પાત્રનો વિકાસ થાય છે. એ માણસને કોઈ ભ્રમ નથી. કોઈ વાતને, કોઈ વિષયને એ ગંભીરતાથી લેતો નથી. અન્યો પર હસે છે એનાથી વધારે એ પોતાની જાત પર હસે છે. વાસ્તવિકતાથી દૂર ગણેશભાઈનો બંગલો ‘સ્વપ્નલોક’, તે એક જુદી જ સૃષ્ટિ છે. જગુભાઈ ઉપરાંત ગણેશ, રાજશેખર, નોકર છોકરો વિકાસ અને રસોઈવાળાં તારાબાઈ: બાળકો રેતીમાં ઘરઘર રમે એમ આ બાળકો ‘મિનિસ્ટર મિનિસ્ટર’ની રમત રમતાં હોય એવું લાગે.

આ મારી સમજ છે; કોઈ એને જુદી દૃષ્ટિથી જોઈ શકે. અંગ્રેજી અનુવાદ ‘ઓનરેબલ મિનિસ્ટર જગુભાઈ’નો રિવ્યુ અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’માં પ્રગટ થયો એમાં લેબલ આપી દીધું હતું – ‘પોલિટિકલ સેટાયર.’

પ્ર.: જગુભાઈનો અનુવાદ થયો, તમારી કેટલીક વાર્તાઓના પણ અનુવાદ થયા છે. એક સર્જકને એની કૃતિના અનુવાદથી ક્યારે સંતોષ થાય? સારો અનુવાદ કોને કહેશો?

ઉ.: કૃતિનો માત્ર દેહ નહીં, એનો આત્મા અન્ય ભાષામાં ઊતરવો જોઈએ. સારા અનુવાદનું આ મુખ્ય લક્ષણ. બીજું એ કે, અનુવાદ તે અનુવાદ ન લાગવો જોઈએ. અનૂદિત કૃતિના વાચકને, તે પોતાની ભાષામાં લખાયેલી તાજી રચના હોય એવું લાગવું જોઈએ.

ક્યાંક ક્યાંક એવું લાગે કે અનુવાદક સપાટી પર જ ફર્યા કરે છે, શબ્દો અને વાક્યોને વફાદાર રહેવાની મથામણમાં એ કૃતિના હાર્દ સુધી પહોંચતો નથી. આને કહેવાય 'to miss the wood for the tree.' વ્યક્તિગત વૃક્ષો પર ધ્યાન કેન્દ્રિત થઈ જાય અને એ લાયમાં વન ભુલાઈ જાય! હું માનું છું કે આ હેતુ સિદ્ધ કરવા માટે અનિવાર્ય જણાય ત્યાં છૂટ પણ લેવી જોઈએ. બે વાક્ય રદ્દ કરવાં પડે, એકાદ ઉમેરવું પડે.

પ્ર.: આજે એવું સાંભળીએ છીએ કે આપણી ભાષામાં વિશ્વ કક્ષાનું સાહિત્ય રચાય છે પણ એના સારા અનુવાદ થતા નથી એટલે એ બીજા ભાષકો સુધી પહોંચતું નથી.

ઉ.: તદ્દન સાચી વાત છે. હિન્દી, મરાઠી અને બંગાળીમાંથી સાવ સામાન્ય લેખકોની સામાન્ય કૃતિઓના અનુવાદ આપણી ભાષામાં થયા છે. હું કોઈ કોઈ નોબેલ પારિતોષિક વિજેતા લેખકની કૃતિ વાંચું ત્યારે વિચાર આવે કે આ ભાઈ અથવા બહેનને મળ્યું તે પહેલાં નોબેલ પારિતોષિક શરદચંદ્રને, પ્રેમચંદજીને અને આપણા પન્નાલાલને મળવું જોઈતું હતું.

પ્ર.: સરકારી નોકરીની સમાંતરે સર્જન કેવી રીતે ચાલ્યું? એ તાલમેલ કેવો રહ્યો?

ઉ.: તાલ ન રહ્યો, મેળ ન રહ્યો.

હકીકત એ છે કે સરકારી નોકરીમાં જોડાયો તે પછીના બે દસકા દરમિયાન એક અક્ષર પણ લખાયો નહીં. આનું એક કારણ તે ઓફિસના કામનું ભારણ અને વ્યસ્તતા. જો કે, ઘણા સાહિત્યકારોએ નોકરીની સાથે સાથે વિપુલ પ્રમાણમાં સાહિત્યનું સર્જન કર્યું છે. તેથી, આને હું મારી મર્યાદા ગણું છું. લખવા માટે મારે માત્ર સમય નહીં, માનસિક અવકાશ જોઈએ; તે ન મળ્યો.

બીજી હકીકત એ કે લખાયું નહીં, પણ વંચાયું ખૂબ, અધ્યાપક તરીકે વાંચતો એના કરતાં પણ વધારે. વધારે મહત્ત્વની વાત એ કે ક્ષિતિજો વિસ્તરી, વાંચનમાં વૈવિધ્ય આવ્યું. નવલકથા, વાર્તા, કાવ્યનું વાંચન ઓછું, મારા રસનાં અન્ય ક્ષેત્રોમાં વધારે.

પ્ર.: રસનાં અન્ય ક્ષેત્રો કહ્યાં તે કયાં?

ઉ.: મુખ્યત્વે ઇતિહાસ, તત્ત્વજ્ઞાન અને ધર્મ. પ્રવાસમાં જાઉં ત્યારે સાથે ચાર-પાંચ પુસ્તકો હોય. ઓફિસમાં ટેબલના ખાનામાં હોય. પ્રદર્શન કરવા નથી માગતો; માત્ર થોડા લેખકો, ચિંતકો અને ગ્રંથોનાં નામ આપું : જે. કૃષ્ણમૂર્તિ, શ્રી અરવિંદ, ઓસ્પેન્સ્કી, બર્ટ્રેન્ડ રસેલ, કોસ્ટલર, એરિક ફ્રોમ, ઉપનિષદો અને ‘યોગવાસિષ્ઠ’ જેવા ગ્રંથો.

પ્ર.: આટલા લાંબા વિરામ પછી ફરીથી લેખન શરૂ થયું : આ ઘટનામાં મને રસ છે.

ઉ.: રૂપેણ નદી વહેતી હતી; વચ્ચે એ લુપ્ત થઈ ગઈ, જમીનમાં ઊતરી ગઈ; વળી એ પ્રગટ થઈ અને વહેવા લાગી.

હું એકલો ચાલતો નહોતો; રેતીમાં મારાં પગલાંની જોડાજોડ અન્ય કોઈનાં પણ પગલાં પડતાં હતાં.

વ્યક્તિ માટે એની પોતાની ઓળખ (Self Perception) ખૂબ મહત્ત્વની છે. લખતો નહોતો, છતાં એ સમય દરમિયાન કોઈએ પૂછ્યું હોત – તમે કોણ છો? શું છો? – તો તત્ક્ષણ મેં કહ્યું હોત – લેખક છું. અન્ય પાસાં ગૌણ નહીં, નગણ્ય હતાં. જીવનને જોવાની, સમજવાની દૃષ્ટિ સર્જકની હતી. આખું તંત્ર જાગ્રત હતું. સરકારી નોકરીને તો માત્ર એક અંશ વડે ધારણ કરવાની હોય; આરબ અને ઊંટવાળી વાર્તા અહીં ચાલે નહીં.

કંઈક બને, કંઈક જોઉં કે સાંભળું અને મને થાય – આ વાર્તા! આ ઋતુઓ આવી અને ગઈ. જળમાં આંદોલનો ઊઠ્યાં અને શમી ગયાં. મારી વાર્તાઓ હવામાં વહી ગઈ.

એટલે કે, યંત્ર પડ્યું નહોતું રહ્યું, કટાયું નહોતું. આનું શ્રેય જ્યાં મેં કામ કર્યું તે વાતાવરણ, તે માણસો અને તે તંત્રને પણ આપવું જોઈએ. સરકારી તંત્રમાં અનેક દોષો હશે, મર્યાદાઓ હશે; છતાં એણે મારા ‘સ્વ’ને નુકસાન કર્યું નહીં.

વીસ વર્ષના વિરામ પછી એક દિવસ કાગળ અને પેન લઈને બેઠો તો ત્રણ જ કલાકમાં વાર્તા ઊતરી – ‘જન્મ.’

પ્ર.: તમે સાહિત્ય ઉપરાંત જુદા જુદા વિષયોના વાંચનની વાત કરી; આજના લેખકો લગભગ વાંચતા નથી એવી ફરિયાદ મળે છે.

ઉ.: વાંચતા નથી તેમના દારિદ્ર્ય વિશે તો શું કહેવાનું હોય? સામાન્ય શિક્ષિત વ્યક્તિ માટે પણ સત્ત્વશીલ સાહિત્યનું વાંચન જરૂરી છે. વ્યક્તિનાં મન, હૃદય, આત્માને સતત પોષણ મળવું જોઈએ – કુટુંબી, માનવીય સંબંધો, પ્રેમ, મૈત્રી, નોકરી, ધંધો કે વ્યવસાય, પ્રવાસ – અનેક દિશાઓમાંથી પ્રવાહ આવે છે; એ બધાની સાથે અને ખૂબ મહત્ત્વનો સ્રોત તે વિવિધ ક્ષેત્રોના ઉત્તમ ગ્રંથોનું પરિશીલન. વાચનના સંસ્કારો ચિત્ત પર પડતા રહે છે, વ્યક્તિત્વનો એક ભાગ બને છે. તેનાથી જીવનને જોવાની નવી દૃષ્ટિ મળે છે.

થોડી સ્પષ્ટતા: છાપાં, સસ્તાં સામયિકો, કોઈ કારણે ચર્ચાસ્પદ બનતાં પુસ્તકો, પોપ્યુલર બેસ્ટસેલર – આ વાંચવું તે વાંચન નથી. સમકાલીન સાહિત્ય સાથે સંપર્ક જરૂરી છે, પરંતુ વાંચન માટે મળતા સમયનું આયોજન એ રીતે થવું જોઈએ કે સત્ત્વવિહીન વાંચન પાછળ ઊર્જા વેડફાઈ ન જાય. સમર્થ સાહિત્ય સ્વામીઓ (masters) એ તો સમુદ્ર જેવા છે, આકાશ જેવા છે. એક વાંચને એ પામી શકાતા નથી, તમે વાંચ્યા તેથી તે ખાલી થતા નથી. ફરી વાર તમે એમની પાસે જાઓ ત્યારે જોશો કે કૂવો ઊભરાઈ રહ્યો છે, નદી છલકાઈ રહી છે.

સંકોચ સાથે બીજી સ્પષ્ટતા: લેખક માટે અન્ય સાહિત્યકારોની કૃતિઓનું વાંચન તે પોતાની ફેક્ટરી માટે કાચો માલ મેળવવાનું ક્ષેત્ર નથી.

પ્ર.: પ્રવીણસિંહ, વાર્તા એ તમારું પ્રિય સ્વરૂપ. વાર્તાનું મૂળ ક્યાં? જાગ્રત – અજાગ્રત મનમાં વાર્તા કઈ રીતે સ્ફુરે અને એનો આકાર કે પિંડ કઈ રીતે બને? પાત્ર પહેલું કે કથાવસ્તુ?

ઉ.: સર્જનની પ્રક્રિયા રહસ્યમય છે; તે બુદ્ધિગમ્ય નથી, તેનું વિશ્લેષણ શક્ય નથી. આટલી સમજ સાથે, મારા અનુભવને આધારે થોડી વાત કરી શકું.

વાર્તા જીવનમાંથી આવે, પોતે અનુભવ્યું હોય, જોયું હોય, કોઈની પાસેથી સાંભળવા મળ્યું હોય, કોઈ વ્યક્તિ, કોઈ ઘટના – એમાંથી વાર્તા બને એમ આપણે સરળતા ખાતર કહી શકીએ. એ વાર્તાની સામગ્રી છે. લેખકને એમાં વાર્તાની શક્યતા દેખાઈ શકે.

પરંતુ પ્રસંગ, પાત્ર કે ઘટના પૂરતાં નથી, મગજને કસવાથી, બુદ્ધિ વડે એ સામગ્રીને આમતેમ ગોઠવવાથી વાર્તા નથી બનતી. વાર્તાનો પિંડ બંધાય છે અજાગ્રત મનમાં. નિદ્રામાંથી જાગીને પથારીમાં પડ્યો રહ્યો હોઉં અથવા લાંબું ચાલવા ગયો હોઉં ત્યારે અચાનક ક્ષણમાં ઝબકારો થાય છે અને વાર્તાનો દેહ (Form) મળે છે.

કોઈ વાર તો પાત્ર, કથાવસ્તુ, ઘટના આમાંનું કંઈ હોતું નથી. બસ, ચિત્તમાં એક ભાવ બંધાય છે. દૂરથી સંભળાતા સંગીતની જેમ. એ તમારો કબજો લઈ લે છે.

કહે છે – તમે મને દેહ આપો!

પ્ર.: તમારી વાર્તાઓ વાંચીએ ત્યારે એકાંકી નાટક ભજવાતું હોય એમ એ વાર્તાઓ ભજવાય છે. પ્રલંબ વર્ણનો નથી આવતાં પણ પાત્રો જાતે જ પોતાની રીતે ઊઘડતાં જાય છે.

ઉ.: તમારી સમક્ષ ભજવાતું હોય એવું તમને લાગે તો એનું કારણ એટલું જ કે લખતી વખતે એ મારી સમક્ષ ભજવાયું હોય છે. અસ્તવ્યસ્ત કેશને ગાંઠ વાળતાં શુભલક્ષ્મી ઊભી થઈ અને તીક્ષ્ણ નજરે આગંતુકની સામે જોયું – આ મને દેખાયું અને કાગળ પર ઉતાર્યું. વાર્તા આગળ આગળ ચાલે, લેખકશ્રી પાછળ પાછળ.

કલાનો આ ધર્મ છે : પાત્ર, ઘટના પરિસ્થિતિ કે વાતાવરણ – તેનું વર્ણન નહીં, સ્પષ્ટીકરણ નહીં, તાત્ત્વિક વિશ્લેષણ નહીં, પરંતુ તેના સમગ્રપણામાં ભાવકને તેનો અનુભવ કરાવવો એક શબ્દમાં કહીએ તો પ્રત્યક્ષીકરણ. બધી ઇંદ્રિયો, હૃદય અને આત્મા સુધી વાર્તા પહોંચવી જોઈએ.

પ્ર.: આનો અર્થ એ થયો કે વાર્તા આયોજન પ્રમાણે લખાતી નથી પણ સહજ રીતે વિકસે છે.

ઉ.: એમ જ હોય; સર્જન કોને કહ્યું?

એક વાર્તાકારે મને પૂછેલું – તમે વાર્તાનો અંત કેવી રીતે ગોઠવો? અરે ભાઈ, સર્જક કંઈ ગોઠવવા બેસે છે? બુદ્ધિ કસીને વાર્તાનો અંત શોધી કાઢે છે?

પાયાની વાત એ કે વાર્તામાં ‘પ્લોટ’નો ખ્યાલ છોડી દેવો પડે; આરંભ, મધ્ય અને અંત – ટ્રેનને ચાલવા માટે પાટા તૈયાર! તમારી વાર્તા પણ બિચારી એવી ડાહી, કહ્યાગરી અને રાંક કે દોરો ત્યાં જાય!

વાર્તાને આપણે મનુષ્ય જેવા એક જીવંત અસ્તિત્વ તરીકે સ્વીકારવી પડે; તો જ સર્જનની પ્રક્રિયા સમજી શકાય. લખતી વખતે લેખક, તમે જેને ઓળખતા હો તે વ્યક્તિ રહેતો નથી. એકાગ્રતા એવી સધાય છે કે જેમાં જાગ્રત મન રહેતું નથી. ચેતનાના એક જુદા સ્તરમાં પ્રવેશ થાય છે જ્યાં વ્યક્તિ તરીકેની એની ઓળખ, એના ખ્યાલો, આગ્રહો, પૂર્વગ્રહો – કશું રહેતું નથી. ચિત્તના અવકાશમાં વાર્તા વિકસ્યે જાય છે. મધ્ય અને અંત શોધવાના નથી, બીજની ભીતર એ છે જ; એને પ્રગટ થવા માટે મોકળાશ આપવી પડે છે. એક વાક્યમાંથી બીજું વાક્ય, એક દૃશ્યમાંથી બીજું દૃશ્ય – ડાળીની જેમ ફૂટે છે. લેખક કર્તા પણ છે અને સાથે સાથે સાક્ષી પણ. આ માટે શ્રદ્ધા હોવી તે અનિવાર્ય છે – જીવનમાં શ્રદ્ધા, સર્જનશક્તિમાં શ્રદ્ધા, તમને ચારે બાજુએથી આલિંગનમાં લઈ રહેલ ચૈતન્યમાં શ્રદ્ધા.

પ્ર.: મુક્તિ?

ઉ.: હા; સર્જક માટે મુક્તિનું સ્વરૂપ આ જ હોઈ શકે.

પ્ર.: સુગંધિત પવન’ વાર્તાસંગ્રહની અને શરૂઆતની વાર્તાઓની તાજગી ધ્યાન ખેંચે એવી છે. પછીની વાર્તાઓમાં પ્રૌઢતા આવી છે, છતાં સહજ વિસ્મયનો ભાવ સતત ચાલુ રહ્યો છે. બાળક રમતું રમતું ચાલતું હોય એવી રીતે વાર્તાઓ રમતી રમતી ચાલે છે.

ઉ.: મુદ્દો આ છે: પ્રૌઢતા કે પરિપક્વતા અને બાળસહજ વિસ્મય – આ બેનું સહઅસ્તિત્વ હોઈ શકે કે નહીં.

આનો સાવ સાદો ઉત્તર આપવામાં આવ્યો છે: 'A poet is a person who has retained his childhood.' વૃદ્ધ થયો હશે, છતાં બાળપણથી દૂર થયો નથી, પોતાની ભીતર રહેલા બાળકને એણે જીવતું રાખ્યું છે.

એ કહે છે – આ સૃષ્ટિ જૂની થઈ એવું કોણે કહ્યું? હું વૃદ્ધ છું એવું કોણે કહ્યું? તમારે આંખો નથી, નહીં તો જોઈ શકત કે સૃષ્ટિ આ ક્ષણે જ અસ્તિત્વમાં આવી છે, તમારો અને મારો જન્મ આ ક્ષણે જ થયો છે. પછી વિસ્મય કેમ ન હોય?

વિસ્મયનો શત્રુ છે ટેવ, પરિચિતતા. રોજેરોજ સામે હોય; એને વળી શું જોવાનું! વરસાદ વરસે છે? તો ઊભા થાઓ અને બારી બંધ કરો. માનવજીવનની એક મોટી કરુણતા એ છે કે અદ્ભુતમાં અદ્ભુત પણ કોઠે પડી જાય. ચૈતન્યની ઉપર એક પડ બંધાઈ જાય; અંગ્રેજી કવિ શેલીએ આને માટે શબ્દપ્રયોગ કર્યો છે– a film of familiarity. પરિચિતતાનું આવરણ. આપણી ભાષામાં કહીએ તો, તરણા ઓથે ડુંગર.

આ માટે બિચારા મનુષ્યને પણ દોષ દઈ શકાય નહીં. માનવનિયતિ(Human condition)ની આ ક્રૂરતા છે: માણસને ચૈતન્ય બતાવવામાં આવ્યું છે, તે તરફ એને ગતિ કરવી છે, પણ જડત્વમાં, પૃથ્વી તત્ત્વમાં તાકાત ખૂબ છે, એ નીચે ખેંચી જાય છે.

એમાંથી ક્ષણ માટે પણ મુક્તિ કોઈ આપી શકે તો કવિ આપી શકે. પેલું આવરણ હઠાવીને એ કહે – જો!

પ્ર.: તમારી સંવેદનશીલતા વાર્તાઓમાં પ્રગટ થાય છે, છતાં તમે લાગણીવેડામાં ફસાતા નથી; આ તટસ્થતા કેવી રીતે સિદ્ધ થાય?

ઉ.: તમારો આ અભિપ્રાય જાણીને આનંદ થયો, કારણ કે લખતી વખતે લાગણીની તીવ્રતા ખૂબ હોય છે. લાગણી અનુભવાય, પણ એના ઊભરા કાગળ પર ઠાલવી દેવાય નહીં. ‘યશુફોઈનું સ્વદેશાગમન’ વાર્તા વાંચીને એક વાર્તાકાર મિત્રે મને મેસેજ કર્યો – ‘તમે તો અમને રડાવી દીધા!’ આમ જુઓ તો એ વાર્તામાં શરૂઆતથી અંત સુધી રમૂજ છે. વેદના ઘેરી બની હોય તો તે સંયમને કારણે. કલામાં સંયમ (restraint) ખૂબ જરૂરી છે.

તટસ્થતા સિદ્ધ થાય છે તે કલા દ્વારા. જીવનને તેની સમગ્રતામાં, સ્થિર દૃષ્ટિએ જોવાની શક્તિ કલા આપે છે. (To see life steadily and to see it whole.)

પ્ર.: તમારી અનેક વાર્તાઓ વાંચીએ ત્યારે એમાં કેટલીક ખાલી જગ્યાઓ પમાય, કશુંક અધ્યાહાર રહ્યાનો અનુભવ થાય. આ અવકાશો (space) એ શું છે?

ઉ.: વાર્તાકારે વાર્તામાં શું કહેવું (what to tell) એનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ શું ન કહેવું (what not to tell) એનું છે. આ કોઈ મિકેનિકલ ટેક્નિક નથી, યુક્તિ નથી. લેખકનો હેતુ વાચકને મૂંઝવવાનો નથી. વાર્તા એ કોયડો નથી. વાર્તા એનું વિષયવસ્તુ જીવનમાંથી લે છે તે જ રીતે એનું સ્વરૂપ (form) પણ જીવનમાંથી જ લે છે. જીવનમાં પણ આપણે જે કંઈ જોઈએ કે અનુભવીએ - માણસો, પ્રસંગો, દૃશ્યો – તેને પૂરેપૂરું પામી શકતા નથી. થોડું દેખાયું, બાકીનું ઢંકાયેલું રહ્યું.

આને જાળીની ઉપમા આપવામાં આવે છે. જાળી (net) ટેનિસના રેકેટની કે મચ્છરદાનીની, તાર લોખંડના હોય કે સૂતરના – એ શાની બનેલી છે? ઉત્તર છે : તાર + એમની વચ્ચે રહેલો અવકાશ = જાળી.

વાર્તા વાંચતાં અવકાશ આવે ત્યાં વાચક થોભે છે, પોતે એ અવકાશ પૂરવાનો પ્રયત્ન કરે છે; આ રીતે એ સર્જનની પ્રક્રિયામાં સામેલ થાય છે, ભાગીદાર બને છે. વાર્તાકારને એના વાચકમાં વિશ્વાસ છે, શ્રદ્ધા છે. એ જાણે છે કે વાચક ભોટ નથી, એની સ્લેટ ખાલી નથી, હૃદય ખાલી નથી, આંખો ખાલી નથી, હું બે લીટી મૂકીશ તો એ એકાદ ટપકું મૂકશે. વળી હું અટકીશ તો હળવા પગલે આવીને કોઈ પોતાની આંખનું ફોરું મૂકશે.

પ્ર.: હવે તમારી લેખનશૈલીની વાત કરીએ. એકાદ ફકરો વાંચીએ અને ખબર પડી જાય કે આ વાર્તા પ્રવીણસિંહની. આવી યુનિક, અદ્વિતીય શૈલી કેવી રીતે વિકસી, પ્રાપ્ત થઈ?

ઉ.: આદર્શ સ્થિતિમાં તો દરેક લેખકની શૈલી, તમે કહ્યું તેમ, યુનિક હોવી જોઈએ. ઘાસનું દરેક પર્ણ, જળનું દરેક બિંદુ અલગ છે, અદ્વિતીય છે એમ આપણે કહીએ છીએ. ચૈતન્યનું આ એક લક્ષણ : ક્યાં ય પુનરાવર્તન નથી. પુનરાવર્તન તો મૃત્યુ છે. દરેક મનુષ્ય અલગ હોય, એણે વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રાપ્ત કર્યું હોય, તો સર્જક પાસેથી તો અદ્વિતીયતાની આપણે વધારે અપેક્ષા રાખીએ.

શૈલી એ બાહ્ય આવરણ નથી જે કવિતા કે વાર્તાને ઓઢાડવામાં આવે. એ વ્યક્તિના સમગ્ર અસ્તિત્વમાંથી, એના ભાવવિશ્વમાંથી આવે છે. તેથી તો કહેવાયું છે: 'Style is the man' લેખક જ્યારે લખતો હોય ત્યારે તેનું આખું જીવન, જીવનની એક એક ક્ષણ હાજર હોય છે. ઇંદ્રિયો, હૃદય અને આત્મા – આખું અસ્તિત્વ જાગ્રત હોય છે. વાણી એમાંથી આવે છે.

વિશ્વભરનું સાહિત્ય વાંચ્યું, સાહિત્યસ્વામીઓને પૂજ્યા, એમને આત્મસાત્ કર્યા; હવે એમને વિનંતી કરો કે બાજુએ ખસે. સર્જનની પ્રક્રિયામાં (ભક્તિમાં અને પ્રેમમાં પણ) વચ્ચે કોઈ મધ્યસ્થી ન જોઈએ. અહીં હું અને સામે તું. સામે જીવન છે અને અહીં સર્જક ચેતના. સામસામાં લટકાં ચાલે. એમાંથી નીપજે તે અન્ય જેવું હોઈ શકે જ નહીં.

'Look within yourself and write’ - આ મહામંત્ર છે. કાફકાએ આ જ વાત જુદી રીતે કહી છે. એ કહે છે, બહાર ફાંફાં મારવાની જરૂર નથી; તમે તમારા લખવાના ટેબલ પર બેસો અને આખું વિશ્વ તમારી સામે આવીને ઢગલો થઈ જશે!

આ અહંકાર નથી; સમર્પણ છે.

પ્ર.: શૈલીની સાથે સંકળાયેલો બીજો મુદ્દો છે ભાષાનો. તમારા ગદ્યમાં આપણી ભાષાની શક્તિ, તેની સમૃદ્ધિની પ્રતીતિ થાય છે. આ ભાષા આવે ક્યાંથી?

ઉ.: ભાષાને આપણે એક વ્યાપક અને બહુઆયામી અસ્તિત્વ તરીકે સમજવી પડે. એ શબ્દકોશમાં પુરાયેલી નથી. એ સક્રિય (dynamic) છે અને સતત સર્જનશીલ છે. માતૃભાષા આપણા મસ્તકમાં નહીં, શરીરના કોષોમાં ઊતરી ગઈ હોય છે. હું એમ ન કહી શકું કે હું ભાષાનો ઉપયોગ કરું છું, મારી પસંદગી પ્રમાણે શબ્દો મૂકું છું અને વાક્યો ગોઠવું છું. ના, ભાષા એનાં રહસ્યો મારી સામે પ્રગટ કરે છે. બ્રોડસ્કી (Brodsky) જેવા કેટલાક લેખકો-કવિઓ તો ત્યાં સુધી કહે છે કે અમે લખતા નથી; અમારી રશિયન ભાષા અમારી પાસે લખાવે છે.

‘શબ્દનો સ્વામી’ એ શબ્દપ્રયોગ ખોટો છે, વિકૃત છે.

૧૯૯૭માં પ્રથમ વાર્તા લખતી વખતે અમુક દૃશ્યો, અમુક સંવાદો આવ્યાં અને મને આપણી ભાષાની, રોજ વપરાતા એના સાદા શબ્દોમાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ. સમજાય નહીં કે આ શું બન્યું; આ શબ્દ ક્યાંથી આવ્યો, આ વાક્ય ક્યાંથી આવ્યું?

‘જ્ઞાનેશ્વરી’ તમે વાંચી જ હશે. સંત જ્ઞાનેશ્વર વચ્ચેવચ્ચે ક્યારેક વિસ્મય સાથે ઉદ્ગાર કરે છે – આ વાણી આવી ક્યાંથી?

પ્ર.: પ્રવીણસિંહ, તમારી ગંભીર વાર્તાઓમાં પણ સૂક્ષ્મ કહેવાય એવી રમૂજ પમાય છે.

ઉ.: તમને એ નડે છે?

પ્ર.: ના.

ઉ.: રસક્ષતિ થાય છે?

પ્ર.: સહેજ પણ નહીં, ઊલટાની વેદના ઘેરી બને છે.

ઉ.: મેથ્યુ આર્નલ્ડ સાહિત્ય પાસેથી એક અપેક્ષા, આ રાખે છે: High Seriousness. વાર્તા અનિવાર્યપણે ગંભીર જ હોય; એ સપાટી ઉપર છબછબિયાં નથી કરતી; ગહન રહસ્યોમાં પ્રવેશ કરે છે. શબ્દોની રમત અને ગતકડાંને ત્યાં સ્થાન નથી. વિચારશીલ, સંવેદનશીલ મનુષ્ય માટે જીવન એ ગંભીર વિષય છે. ('Life is a serious business').

એક સ્પષ્ટ ભેદ ધ્યાનમાં રાખવો પડશે: જોક્સ કે હાસ્યલેખોની રમૂજ જુદી, ગંભીર સાહિત્યમાં જેનો વિનિયોગ થાય તે રમૂજ જુદી, યોગ્ય શબ્દના અભાવે આપણે એને ‘રમૂજ’ કહીએ છીએ, પણ એને રુદનથી જુદી પાડી શકાય એમ નથી. આંસુની સરહદ આવી જાય ત્યાં મરકમરક કરતો ફિરસ્તો ઊભો છે.

‘વિશાખાનો ભૂતકાળ’ની નાયિકાને જુઓ. તૂટી ગયેલી, ખતમ થઈ ગયેલી સ્ત્રી. એ નાનીમોટી કોઈ પણ વાત પર હસ્યા જ કરે છે! જીવન વિશેના, સંબંધો લાગણી પ્રેમ સુખદુ:ખ – બધા સ્વીકૃત ખ્યાલો. પોકળ બની ગયા હોય – બહુ રડી લીધું; હવે એને હસવું જ આવે. તમે એની દૃષ્ટિથી જુઓ – બધું એને નિરર્થક, ઢંગધડા વગરનું, એબ્સર્ડ લાગે. પોતાની જાત, પોતાની વેદના પર પણ એને હસવું આવે. ‘દર્દ કા હદ સે ગુઝર જાના, દવા હો જાના’ – તે આ.

હવે આને સહેજ જુદી રીતે જોઈએ. જ્ઞાની હંમેશાં હસતો જ હોય. જેણે જીવનના બધા ખેલ જોયા, બધા રંગ જોયા, એક્સ-રે જેવી આંખો વડે – એ શું કરે : હસે કે રડે? ‘દેખ કબીરા રોયા’; એક શબ્દ બદલીને આપણે કહીએ ‘દેખ કબીરા હંસા’, તો કોઈ ફેર પડતો નથી, અર્થ બદલાતો નથી.

સાવ બદલાતો નથી એમ પણ ન કહી શકાય; ઘેરો બને છે.

પ્ર.: તમારી વાર્તાઓમાં સમકાલીન જીવનનું આલેખન છે, એની કુરૂપતા પણ છે, છતાં એમાં નકારાત્મકતા નથી. આ પોઝિટિવિટીના મૂળમાં જીવનદૃષ્ટિ જ હોઈ શકે. જીવનને કઈ રીતે અનુભવો છો?

ઉ.: અભિશાપ કહો તો અભિશાપ અને આશીર્વાદ કહો તો આશીર્વાદ: મનુષ્યનું શરીર પશુનું છે અને આત્મા દેવદૂતનો. મારે મનુષ્યનું ચિત્ર દોરવું હોય તો આવું દોરું: કમરથી નીચે પશુ અને કમરથી ઉપર દેવદૂત (angel). દેવદૂત શબ્દ બહુ મોટો લાગતો હોય અને બાદ કરવો હોય, તો વિકલ્પે આ ચિત્ર: મનુષ્યના પગ કાદવમાં છે અને મસ્તક વાદળોમાં.

નીચે તમસ, ઉપર પ્રકાશ.

નીચે જડત્વ, ઉપર ચૈતન્ય.

બધી સંસ્કૃતિઓમાં, દુનિયાના બધા ધર્મોમાં મનુષ્યના સ્વરૂપની આ વિભાવના હતી. 'know thyself' (તારી જાતને ઓળખ, તું શું છે, કોણ છે તે સમજ) – તેનો આ અર્થ.

વીસમી સદીના પશ્ચિમના વિચારકોએ મનુષ્યને વામણો બનાવી દીધો.

મનુષ્ય વિશેની, જીવન વિશેની ઉપર કહી તે વિભાવનાને એક રૂપક દ્વારા સમજાવવામાં આવે છે :

એક મહાલય છે, જેને અનેક નહીં, અસંખ્ય અગણિત માળ છે. તમે દાદર ચડતા જાઓ અને નવો માળ આવે. માળની સંખ્યા મર્યાદિત નથી; ઉપર ચડતા જાઓ, નવા માળ આવ્યા કરે. દરેક માળ પર પણ, જે દિશામાં જાઓ ત્યાં એક પછી એક, નવા અને અદ્ભુત ખંડ ઊઘડ્યે જ જાય. બીજી દિશામાં જાઓ, ત્યાં વળી સાવ જુદા ખંડ, બાલ્કનીઓ.

આ મહાલયને સ્થૂળ દેહ નથી. એવું નથી કે તમે દૂર ઊભા રહીને જુઓ તો દેખાય. અંદર પ્રવેશ કરો ત્યારે પણ બધા માળ તમારે માટે તૈયાર નથી. દાદર ચડો તો ઉપરનો માળ આપોઆપ અસ્તિત્વમાં આવે; દાદર ઊતરો પછી એ વિલીન થઈ જાય.

આ મહાલય સાર્વજનિક છે, આપણા બધા માટે ખુલ્લો છે, ક્યાં ય તાળાં નથી; પણ કરુણતા એ છે કે મોટા ભાગના માણસો એના ભોંયરાના એક અંધારા ખૂણામાં આખી જિંદગી કાદવ વચ્ચે પડ્યા રહે છે.

મારી વાર્તાઓમાં ક્યાંક શુભ તત્ત્વ દેખાય તો માનવું કે વાર્તા, વધારે ઊંચે તો નહીં, પહેલા-બીજા માળ સુધી સહેજ આંટો મારી આવી છે.

છબિસૌજન્ય : પ્રજ્ઞેશ વ્યાસ, “ચિત્રલેખા”

પ્ર.: ટૂંકી વાર્તા કહેવાય છે ટૂંકી, પણ વાસ્તવમાં એ ટૂંકી નથી હોતી. એની લેખનપ્રક્રિયા વિશે કંઈક કહેશો?

ઉ.: મારો લખવાનો સમય વહેલી સવારનો છે. ત્રણેક કલાક કામ થાય, એટલે કે સામાન્ય રીતે બીજા માણસોનો દિવસ શરૂ થાય તે પહેલાં મારો પૂરો થયો હોય. જો કે, નિયમો ચાલતા નથી તેથી, વાર્તાનો આગ્રહ હોય તો કોઈ વાર બાર-સાડાબાર સુધી પણ કામ ચાલે. શરૂઆતની કેટલીક વાર્તાઓ એક બેઠકે લખાઈ હતી; હવે એવું નથી બનતું. સામાન્ય રીતે એક વાર્તા માટે ત્રણ-ચાર દિવસ જોઈએ.

કોઈ વાર્તા સાવ સહજતાથી, સડસડાટ ચાલે છે. કોઈકોઈમાં, ખાસ કરીને શરૂઆતના એકાદ-બે ફકરામાં, મથામણ થાય છે, કારણ એ કે વાર્તાનો ભાવ, પાત્રના મનની સ્થિતિને અનુરૂપ લય ગદ્યમાં ન આવ્યો હોય. બળજબરી થઈ શકતી નથી, પ્રયત્નથી વાર્તા લખાતી નથી, તેથી છોડી દેવું પડે છે. પરંતુ વાર્તાને તો કાગળ ઉપર ઊતરવું જ છે, તેથી બે-પાંચ દિવસ પછી, મહિના પછી, અચાનક કોઈ ક્ષણે પહેલો પેરેગ્રાફ, પહેલું દૃશ્ય કે સંવાદ આપોઆપ આવે છે.

પહેલા લખાણે વાર્તા નખશિખ સુંદર લાગે તો પણ હું એને બાજુએ મૂકી રાખું છું. થોડો સમય જવા દેવામાં આવે તો, બીજા વાચને ક્યાંક ક્યાંક ક્ષતિઓ, મર્યાદાઓ દેખાય છે. સુધારાવધારા, કાપકૂપ, પુનર્લેખન-ઓછામાં ઓછું બારેક મહિના ચાલે છે.

તમે કહ્યું તે સાચું છે. વાર્તા એ ખૂબ ચુસ્ત સાહિત્ય-સ્વરૂપ છે. નાની પણ અશુદ્ધિ એ ચલાવી લેતી નથી. જરૂર વગરનું એક વિશેષણ, એક બોદું વાક્ય ન ચાલે. અહીં કાપો. આને દૂર કરો. આ ટૂંકાવો. ત્યાં થોડું વજન મૂકવાની જરૂર છે–

લગભગ સંતોષ થાય તે પછી જ પ્રકાશન માટે મોકલવામાં આવે. લગભગ સંતોષ; સર્જકને પોતાની કૃતિથી પૂરેપૂરો સંતોષ ક્યારે ય થાય નહીં. તેથી તો કહેવાયું છે, 'A poem is never finished; it is given up.'

હું વારંવાર કવિતાની વાત કરું છું, કારણ કે કવિતા મારો આદર્શ છે; વાર્તા એ આદર્શની નજીક પહોંચવાનો પ્રયત્ન કરે છે.

પ્ર.: વાર્તા લખતાં પહેલાં અને લખાઈ ગયા પછીની મનોસ્થિતિ કેવી હોય?

ઉ.: કિશોરાવસ્થા અને યુવાનીમાં લખતો ત્યારે આત્મવિશ્વાસ ખૂબ હતો. બસ, લખવા બેસું અને જાણે ડાબે હાથે વાર્તા લખાઈ જાય. વાર્તા પર આપણી માસ્ટરી – એવો કંઈક અસ્પષ્ટ ખ્યાલ હશે. હવે એ આત્મવિશ્વાસ નથી, માસ્ટરીનો ખ્યાલ તો – એ શબ્દનો ઉલ્લેખ કરતાં પણ સંકોચ થાય છે. અનિશ્ચિતતા હોય છે. અને નમ્રતા. ઝાંખો આકાર દેખાયો છે, લાવ, જોઈ જોઉં, પ્રયત્ન કરું, કંઈક બને છે કે નહીં.

સર્જનની પ્રક્રિયાની વાત અગાઉ કરી ચૂક્યો છું. એને સાહસ (adventure) કહ્યું છે તે અમસ્તુ નહીં. એમાં આખી જાત નીચોવાઈ જાય છે. એ જ પ્રાપ્તિ પણ છે. વાર્તા પ્રાપ્ત થઈ એટલું જ નહીં, આપણામાં કંઈક ઉમેરાય છે.

લખતાં પહેલાં નમ્રતા (humility); લખાઈ ગયા પછી ધન્યતા (gratitude).

પ્ર.: ગુજરાતી ટૂંકી વાર્તા મરી રહી છે એવું કહેવાય છે. આજે થતાં સર્જનો અને સર્જનશીલતા વિશે તમારો શું અભિપ્રાય છે?

ઉ.: અન્ય સાહિત્ય સ્વરૂપો માટે પણ ચિંતા થાય એવી સ્થિતિ છે, છતાં ગુજરાતી વાર્તા મરવા પડી છે એવું તો નહીં કહી શકાય. નવી પેઢી વિશે ખાસ જાણતો નથી, પણ મારા સમકાલીનો, સાથી વાર્તાકારોમાં ઘણા પાસેથી સમયાંતરે સારી કૃતિઓ મળતી રહે છે. એમની વાર્તાઓમાં અનુભવની સચ્ચાઈ છે, પ્રામાણિકતા છે, વૈવિધ્ય છે.

વાત નીકળી છે તો, મને બે મર્યાદાઓ દેખાઈ છે તેમનો ઉલ્લેખ કરું. મોટા ભાગની વાર્તાઓમાં વિષયવસ્તુનો ભાર વધારે લાગે છે. (content-heavy) પરિણામે વાર્તા બોલકી બને છે. વિષયવસ્તુનું રૂપાંતર થાય, એ ઓગળી જાય, તો જ લાઘવ સિદ્ધ થાય. વિવેચનમાં અને વાર્તા વિશેની ચર્ચામાં પણ મોટે ભાગે વિષયવસ્તુની ચર્ચા થાય છે.

આની સાથે જોડાયેલો બીજો મુદ્દો એ કે, વિષયવસ્તુમાં પણ અમુક વાદો અને વિચારસરણીઓનું આક્રમણ છે. પશ્ચિમમાં તો આ મોટા પાયે થયું છે અને સાહિત્યને લગભગ સમાજશાસ્ત્રની શાખા બનાવી દેવામાં આવ્યું છે. વાર્તા તે સાધન, સાધ્ય નહીં. નિબંધના વિકલ્પે વાર્તા.

પાયાની વાત એ છે કે કલા વિચારોમાંથી નહીં, જીવનમાંથી સીધેસીધી આવે છે. અમૂર્ત વિચારો નહીં પણ જીવાતું જીવન. મજૂરો, વિધવાઓ કે અન્ય કોઈ વર્ગ વિશે લખાયેલું હજાર પાનાંનું પુસ્તક નહીં કરે તેટલી અસર પાંચ પંક્તિનું કાવ્ય, આઠ-દસ પાનાંની વાર્તા ભાવકના ચિત્ત પર કરશે.

પ્ર.: આટલી લાંબી સર્જનયાત્રા છતાં તમારી પૂરતી નોંધ નથી લેવાઈ એવું લાગે છે? તમે સાહિત્યિક વાર્તાલાપો, શિબિરો, પ્રવચનો, કાર્યક્રમોમાં સ્ટેજ પર ભાગ્યે જ દેખાઓ છો.

ઉ.: ‘સર્જનયાત્રા’ ખૂબ મોટો શબ્દ છે. અન્યોની જેમ જીવન આખું સાહિત્યને સમર્પિત કરી શક્યો નથી. નિવૃત્તિના સમયમાં, બીજું કોઈ કામ આવડતું નથી તેથી લખું છું. ક્યારેક કોઈનો પત્ર આવે છે (હવે આ ઓછું થઈ ગયું), ફોન આવે છે, કોઈ રૂબરૂ મળે છે તે પરથી માનું છું કે વાચકોના એક નાના વર્ગમાં મારી વાર્તાઓ ખૂબ રસથી વંચાય છે.

એકવીસ વર્ષથી સતત લખું છું, દસ વાર્તાસંગ્રહો અને અન્ય ત્રણ પુસ્તકો થયાં છે. આ સમય દરમિયાન કોઈ કાર્યક્રમમાં, વક્તવ્ય માટે કે વાર્તાપઠન માટે કહેવામાં આવ્યું હોય એવા પંદરથી વધુ પ્રસંગો નહીં; એમાંથી અડધા કરતાં વધારે ગુજરાતી સાહિત્ય પરિષદમાં. આમંત્રણ હોય અને મેં અનિચ્છા દર્શાવી હોય એવું બન્યું નથી. તેથી, હું સાહિત્યિક કાર્યક્રમોમાં ભાગ લેતો નથી એવી છાપ હોય તો મારે નમ્રતાપૂર્વક જણાવવું જોઈએ કે ક્યાંક કંઈક ગેરસમજ છે.

હકીકતો રજૂ કરી છે; ફરિયાદ નથી. કાર્યક્રમના આયોજકો જે તે વિષયના નિષ્ણાત અને સારા વક્તાને પસંદ કરે અને તે પસંદગી યોગ્ય જ હોય.

હવે, નોંધ લેવાવા વિશે.

૨૦૦૪ પછી મારાં દસેક પુસ્તકો પ્રગટ થયાં (વાર્તાસંગ્રહો ઉપરાંત ‘એડિનબરાનો પ્રવાસ’ તથા ‘બાળલેખકની આત્મકથા’) એમાંથી એકેનો રિવ્યુ પ્રગટ થયો નથી, કોઈ વિદ્વાને કે વિવેચકે એના વિશે લખ્યું નથી.

ફિલ્મ ‘શોલે’નો પેલો ડાયલોગ હમણાં - હમણાં યાદ આવે છે: ‘ઇતના સન્નાટા ક્યું હૈ, ભાઈ?

પ્ર.: હવે અંગત જીવનનો એક મુદ્દો, જેનો ઉલ્લેખ અગાઉ આપણી ચર્ચા દરમિયાન થયેલો છે. તમારાં સંતાનો વિદેશમાં વસતાં હોવા છતાં તમે ત્યાં જઈને સ્થાયી થવાનો વિચાર સુધ્ધાં કર્યો નથી, આ અભિગમ આ સમજને કોઈ રીતે સર્જન સાથે સંબંધ હોઈ શકે?

ઉ.: વર્ષે-બે વર્ષે થોડાં અઠવાડિયાં માટે જવાનું થાય છે, પરંતુ ગ્રીન-કાર્ડનો મુદ્દો આવ્યો ત્યારે નકાર મનમાંથી નહીં, મારા સમગ્ર અસ્તિત્વમાંથી ઊઠ્યો. હું અન્ય કોઈ દેશનો નાગરિક હોઉં એવી કલ્પના પણ કરી શકતો નથી. કોઈ આને પછાતપણું કહે, સંકુચિતતા કહે તો મને તે સામે વાંધોે નથી.

હવે લેખનની વાત કરીએ. શરૂઆતમાં કોરા ચોપડા અને પેનો લઈ જતો. છોકરાં બધી વ્યવસ્થા કરી આપે. લેખન માટે ઉપરના માળે અલાયદો રૂમ, પાછળની બારી પાસે ટેબલ-ખુરશી. સામે સ્વિમિંગ પૂલ, વિશાળ લોન, એની પાછળ મોટાં વૃક્ષો. સસલાં આવીને નૃત્ય કરી જાય, કયારેક હરણ પણ ડોકિયું કરે. અવકાશ છે, એકાન્ત છે, સામે કોરો કાગળ અને હાથમાં કલમ –

એ બેનું મિલન ન થયું તે ન જ થયું.

અહીં પાછો આવું, એક-બે દિવસ આરામ કરીને મારા નિત્યક્રમ પ્રમાણે બેસું અને કાગળભાઈ અને કલમબહેન એકબીજાને કાંઈ લાડ કરે છે!

આપણા ઘણા સાહિત્યકારોને પરદેશ જવાનું થાય ત્યારે એમનું લેખનકાર્ય અટકતું નથી; તેથી, આને મારી મર્યાદા જ ગણવી જોઈએ.

પ્ર.: તમારી વાર્તાઓમાં વિષયવસ્તુનું વૈવિધ્ય ખૂબ છે; એમાં સ્ત્રી-પુરુષના સંબંધની વાર્તાઓનું પ્રમાણ નોંધપાત્ર છે. આ પક્ષપાત માટે કોઈ ખાસ કારણ ખરું?

ઉ.: પક્ષપાત નહીં, એક સમયે તો પૂર્વગ્રહ હતો. ૧૯૯૭માં વાર્તાલેખનનો પ્રારંભ કર્યો ત્યારે એક ક્ષેત્ર પર ચોકડી મૂકી દીધી હતી – સ્ત્રીપુરુષના સંબંધની વાર્તાઓ લખવી જ નહીં. પ્રતિબંધ!

પ્ર.: સર્જક પોતાને માટે આવી મર્યાદા બાંધે ખરો? એવો નિર્ણય કરવાનું કોઈ કારણ ખરું?

ઉ.: સભાનપણે માત્ર આટલું વિચાર્યું હતું. જીવનમાં દુ:ખો ઓછાં નથી. એકલતા, વિચ્છેદ, હીનતા, લાચારી, ગરીબી, બીજા અનેક જાતના અભાવો, બંધનો : વાર્તા એની હોય.

પછી ભાન થયું કે માણસને દુખનું એક મોટું કારણ હોય તો તે પ્રેમ, એને બાકાત કેવી રીતે રાખી શકાય? એમ પણ કહેવાયું છે કે બધી વાર્તાઓનું વિષયવસ્તુ એક જ હોય છે – માનવીય સંબંધો, લોહીના સંબંધો, મૈત્રી, રસ્તે થોડી ક્ષણો માટે ભેટી ગયેલ વ્યક્તિ સાથેનો સંબંધ, યાદીને આટલે જ અટકાવી દેશો?

ઠપકાભરી હજારો આંખો તમારી સામે જોઈ રહી છે. અંધારામાં ઝાડ નીચે ઊભીઊભી એક છોકરી રડે છે.

પ્ર.: એને માટે જગ્યા કરવી જ જોઈએ.

ઉ.: તમે કરો કે ન કરો, તમારા આમંત્રણની રાહ જોયા વગર એ કાગળ પર આવીને ઊભી રહેશે. ટૂંકમાં, આરાધના, વાંધો હતો રોમેન્ટિક વાર્તા સામે, પ્રેમ સામે નહીં. પછી પહેલા સંગ્રહમાં વાર્તાઓ આવી તે તમે જુઓ :

‘ચાકરી’, ‘લાચારી’, ‘ઉઘાડ’, ‘ભૂત’, ‘શાસ્ત્રોનું જ્ઞાન.’

પ્ર.: પ્રેમનું તમારું વિભાવન જાણવું છે.

ઉ.: વિભાવન આપવું, વ્યાખ્યા બાંધવી, વિશ્લેષણ કરવું, તારણો કાઢવાં – આ કામ વિદ્વાનોનું અને તત્ત્વજ્ઞાનીઓનું છે. હું મારી સમજ પ્રમાણે થોડી વાત કરું. મનુષ્ય ભલે સર્જનહારનું શ્રેષ્ઠ સર્જન ગણાતું હોય પણ એ છે કાચુંપાકું. એમાં અનેક ક્ષતિઓ છે, ગૂંચવાડા છે, મર્યાદાઓ છે અને વિરોધાભાસી તત્ત્વો છે. જેવું છે તેવું પણ છે અદ્ભુત. એ સંપૂર્ણ હોત તો બીજું જે થયું હોત તે પણ અમે વાર્તાકારો નવરા થઈ ગયા હોત.

પ્રેમની વાર્તા કાગળ પર લખાયેલી હોય કે જીવનમાં જિવાયેલી, મોટે ભાગે એ સુખાંત નથી હોતી. વ્યક્તિનો દોષ ન હોય, સારામાં સારી ભાવના હોય તો પણ મનુષ્ય તરીકેની આપણી મર્યાદાઓ ક્યાંક ને ક્યાંક નડે છે. પ્રેમ એ મૂળભૂત રીતે આત્માની જરૂરિયાત છે. સામી વ્યક્તિના આત્મા સુધી પહોંચવાની ઝંખના છે પણ શરીરમાં જ અટવાઈ જાય છે, ભોંયરાના અંધારિયા ખૂણામાં. ઉપરના ખંડોની ઝાંખી થઈ હોય તો પણ એનાં દ્વાર ઊઘડતાં નથી.

પ્રેમ મુક્તિ આપે. મારી જાતમાંથી બહાર નીકળું તે મુક્તિનું પહેલું પગથિયું. સામી વ્યક્તિ સુધી પહોંચ્યા પછી મુક્તિનો બીજો આયામ તે એ કે હું એને મુક્તિ આપું, એને બાંધી રાખું નહીં, પરંતુ એ માટે જોઈએ હિંમત, ઉદારતા, સામી વ્યક્તિમાં શ્રદ્ધા અને કદાચ મોંઘી જણસ ગુમાવી દેવાની તૈયારી. અંગ્રેજીમાં આ વિચારને બહુ સુંદર રીતે અભિવ્યક્તિ આપવામાં આવી છે.

If you love a person, give her freedom,
If she comes back to you, she is yours;
If she doesn't, she never was.

માલિકીપણું કરી શકાય, પકડી રાખી શકાય, પણ ક્યારેક ભાન થાય છે કે બાથમાં ઝકડી રાખ્યું તે તો ખોખું છે. પંખી ક્યારે ઊડી ગયું તેની ખબર ન પડી.

આપણે વાર્તાના સંદર્ભમાં જાળી(net)-ની વાત કરી હતી. એ સંબંધોને પણ લાગુ પડે છે. ખલીલ જિબ્રાને લગ્ન સંદર્ભે કહ્યું છે, ‘‘તમારી બેની વચ્ચે અવકાશ રાખો, જેથી સ્વર્ગના પવનોનો તમારા સંબંધમાં પ્રવેશ થઈ શકે.’’

પ્રેમ શૂન્યાવકાશમાં ટકતો નથી. કુટુંબ, સમાજ, સગપણ તથા મૈત્રીના અનેક તંતુઓ, વ્યવસાય, હૃદય અને આત્માના પોષણ માટે જરૂરી તેવી અન્ય પ્રવૃત્તિઓ, આ વિશાળ અને ખુલ્લી દુનિયામાં છૂટથી હરફર કરતાં, વચ્ચે વચ્ચે એકબીજાની સામે જોઈ લેતાં; સ્ત્રી અને પુરુષ.

કોઈએ તો ત્યાં સુધી કહ્યું છે કે પ્રેમને નામે ઓળખાતા બધા સંબંધો એકપક્ષી જ હોય છે. સફળ પ્રેમના કિસ્સાઓમાં પણ ભીતરનું સત્ય આ હોય છે: એક જણ પ્રેમ કરે છે બીજું પ્રેમ કરવા દે છે. કહેવાય ભાગીદારી પેઢી, પણ બંનેનું રોકાણ (investment) સરખું નહીં, કોઈ કોઈ કિસ્સામાં એકનું રોકાણ શૂન્ય પણ હોઈ શકે. મજાની વાત એ છે કે રોકાણ અને અધિકાર વચ્ચેનો સંબંધ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પરિણામે પ્રેમની કહેવાતી યાત્રામાં ગાડીનું સ્ટિયરિંગ હોય જેનું રોકાણ ઓછું છે તેની પાસે: ‘બાંધી કોણે રાખી છે હેંડતી થા.’

બીજી વ્યક્તિ, પેલી કે પેલો, એની પાસે વિકલ્પ કયો રહ્યો? તે તો અવશ છે. રડે, માથા પછાડે, ન કરેલા અપરાધોની માફી માગે.

મળે છે, કોઈને નથી મળતું એવું નથી પણ તેનું સ્વરૂપ છે જરીકનું, લગીરનું. કેટલીક વાર્તાઓ જુઓ: ‘મુક્તિ’, ‘ગેસ્ટ બેડરૂમ’, ‘હું દૂર નથી.’ એના ચટકા હોય છે કૂંડાં નથી ભર્યાં હોતાં.

પ્ર.: આટલી લાંબી લેખનયાત્રા અને જીવનયાત્રામાંથી શું શીખવા મળ્યું?

ઉ.: 'Everyman, I shall go with thee!' જ્ઞાન (knowledge) દ્વારા મનુષ્યને આ વચન આપવામાં આવ્યું છે. ‘માતા-પિતા, સંતાનો, મિત્રો, ધન-દોલત, સત્તા, કીર્તિ - એક પછી એક પાછળ રહી જશે, પરંતુ હે માનવી! જીવનની તારી યાત્રામાં હું છેક સ્મશાનઘાટ સુધી તારો સાથ નહીં છોડું.’

સુંદર સંવાદ છે. લાગણી બતાવી તે માટે આભાર!

આરાધના, આપણે મનુષ્યો પણ ક્યાં કાચી માટીના છીએ! આપણે પણ સામો વિવેક કરીએ; જ્ઞાનને કહીએ, ‘તું છોડવા માગે તો પણ, છોગાળા, હું તને છોડવાનો નથી!’

હવે, પેલો સંવાદ ફરીથી તપાસીએ. જ્ઞાન નામના પાત્રે, પોતાની મહાનતા અને અદ્વિતીયતા સિદ્ધ કરવાના ઉત્સાહમાં, અન્યોને વામણા બનાવી દીધા. બસ, હું એક જ; અન્ય કોઈ નહીં – આ તો જ્ઞાન કહેવાય કે અજ્ઞાન? જીવનને તો અનંત આયામો છે; તું એકલું ઓછું છે? અને, તારું અસ્તિત્વ છે તો તે અન્યો થકી છે.

મારે કહેવાનું એ છે કે સગાંવહાલાં, સંતાનો, ભાઈભત્રીજા કે મિત્રો – કોઈએ મારો ત્યાગ કર્યો નથી, મને સાથ જ આપ્યો છે. કોઈ પ્રયત્ન વગર, માગણી વગર, હાથ લંબાવ્યા વગર, જીવન તો મને આપ્યે જ ગયું છે. માનવીમાં, સંબંધોમાં, સૌંદર્યમાં, મંગલ તત્ત્વમાં શ્રદ્ધા રાખવી જોઈએ માટે પરાણે પકડી રાખી નથી; એ છે જ અને દિવસેદિવસે દૃઢ થતી જાય છે.



સૌજન્ય : “નવનીત સમર્પણ”, જાન્યુઆરી 2019; પૃ. 27-45

Category :- Opinion / Interview

ડો. બાબુ સુથાર એ ગુજરાતી ભાષા-સાહિત્યનું એક વિરલ વ્યક્તિત્વ, સર્જક, ભાષાવિજ્ઞાની અને ભાષાના તત્ત્વચિંતક હોવા ઉપરાંત તેઓ એક સંપાદક છે. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરીને એમણે યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયામાં સાઉથ એશિયા સ્ટડીઝ વિભાગમાં ગુજરાતીનું અધ્યાપન કર્યું. અમેરિકા વસવાટ પહેલાં થોડોક સમય એમણે ગુજરાતમાં પત્રકારત્વની ભૂમિકા પણ નિભાવેલી. ગુજરાતી ભાષાની પ્રથમ ‘લર્નર્સ ડિક્શનરી’ તૈયાર કરવાનું માતબર શ્રેય પણ એમને જાય છે. એ ઉપરાંત ભાષાવિજ્ઞાનનાં પુસ્તકો અને સાહિત્યક્ષેત્રે પણ એમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. નવલકથા, નવલિકાઓ, કવિતા ઉપરાંત બાળસાહિત્ય સ્વરૂપોમાં એમની સર્જનશીલતા સતત વહેતી રહી છે. તેમણે “સંધિ” ત્રિમાસિકનું સંપાદન પણ સંભાળેલું. એમની સાથેનો ભાષાવિજ્ઞાન વિષયક આ વાર્તાલાપ માહિતીપાત્ર બની રહેશે.

પ્રશ્ન : બાબુભાઈ, આપણા લોકોમાં ભાષાવિજ્ઞાન એ થોડોક અલ્પ પરિચિત વિષય છે. સાહિત્યની ચર્ચાઓ વારંવાર થાય છે, પરંતુ જે સામગ્રીથી સાહિત્ય રચાય છે તે, એટલે કે ભાષા, એના વિજ્ઞાન અને એના શાસ્ત્ર વિષે આપણું થોડું દુર્લક્ષ રહ્યું છે. ભાષાવિજ્ઞાનીના કાર્યક્ષેત્ર વિષે સૌપ્રથમ થોડી સમજણ આપશો?

ઉત્તર : મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે ભાષાવિજ્ઞાની એક કરતાં વધુ ભાષાઓ જાણતો હોય છે. પણ એ વાત સાચી નથી. ભાષાવિજ્ઞાની એક જ ભાષા જાણે તો પણ ચાલે. એક કરતાં વધારે ભાષા જાણે એને પોલિગ્લોટ કહેવામાં આવે છે. પણ પોલિગ્લોટ હોય એ ભાષાવિજ્ઞાની હોય એ જરૂરી નથી. આ એક પ્રકારનું વિજ્ઞાન છે. ભાષાવિજ્ઞાની જગતની કોઈપણ ભાષાનો, એની સામગ્રી એકત્ર કરીને, એનું વિશ્લેષણ કરીને એનું વ્યાકરણ લખી શકે. જેમ કે મેં આફ્રિકાની કિસી ભાષાનું નાનકડું વ્યાકરણ તૈયાર કરેલું, પણ કિસી ભાષાના બે વાક્યોથી વધારે મને બોલતાં નહોતાં આવડતાં. એટલે ભાષાવિજ્ઞાની સૌ પહેલાં તો જે તે ભાષાનો ડેટા ભેગો કરે, પછી એ ડેટાનું વર્ગીકરણ કરે, પછી એના આધારે એનુ અર્થઘટન કરે અને એમાં કોઈ સામન્ય સિદ્ધાંત બનાવે અને પછી એ સિદ્ધાંતને ચકાસે. બીજું એ છે કે, ‘આ સાચું, આ ખોટું’, એ માથાકૂટમાં ભાષાવિજ્ઞાની નહીં પડે. કોઈ માણસ ‘મેં ખાધું’ની જગ્યાએ ‘હુંએ ખાધું’ એમ કહે તો ભાષાવિજ્ઞાની એને એમ નહીં કહે કે આ ‘હુએ ખાધું’ એ ખોટું છે. ભાષાવિજ્ઞાની એ વાક્યને ડેટા તરીકે લઇ લેશે, પછી એવાં બીજાં કયાં વાક્યો કેવા માણસો બોલે છે અને એની સંરચના શું છે એની તપાસ કરશે. એટલે ભાષાવિજ્ઞાની કોઈ નિયમો નહીં બનાવે કે ‘આ સાચું અને આ ખોટું’. બીજું, ભાષાવિજ્ઞાનીઓ જે પણ ભાષાનો અભ્યાસ કરતા હોય એને ક્લાસિકલ ભાષામાં ન્યૂન નહીં કરે. કોઈ એમ કહે કે ‘સંસ્કૃતમાં આમ છે એટલે ગુજરાતીમાં પણ આમ હોવું જ જોઈએ’ તો એ વાત ભાષાવિજ્ઞાની નહીં સ્વીકારે. એ એમ કહેશે કે ગુજરાતી એક સ્વતંત્ર ભાષા છે. ઉદાહરણ તરીકે, થોડોક વખત એ ચર્ચા ચાલેલી કે ‘પુનઃ’માં જે વિસર્ગ આવે છે એને કારણે ગુજરાતી સંધિમાં વિસર્ગનો ર કરવો જોઈએ. પણ ગુજરાતીઓ જો વિસર્ગ બોલતા જ ન હોય તો એ વિસર્ગનો ર કઈ રીતે થઇ શકે? તો, આ ત્રણ મુખ્ય સિદ્ધાંતોનું પાલન મોટા ભાગના ભાષાવિજ્ઞાનીઓ કરતા હોય છે. 

પ્રશ્ન : હવે ભાષાવિજ્ઞાનની મુખ્ય શાખાઓ વિષે વાત કરીએ.

ઉત્તર : પહેલાં તો, ધ્વનિવિન્યાસનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, જેને ધ્વનિવિન્યાસશાસ્ત્ર કહે છે, એટલે કે ફોનોલોજી. કોઈપણ ભાષાના ધ્વનિની ભાત કયા પ્રકારની છે, એનો એ શાખા અભ્યાસ કરે છે અને એમાં ઘણું બધું કામ થયું છે. એના અનેક સિદ્ધાંતો પણ છે. ત્યાર પછી રૂપતંત્ર, એટલે કે નવા શબ્દો કઈ રીતે બનાવવામાં આવે છે અને એ શબ્દો એકબીજા સાથે કઈ રીતે જોડાય છે, એને મોર્ફોલોજી કહે છે. જેમ કે ‘સારો છોકરો’, ‘સારી છોકરી’, ‘સારું છોકરું’. પછી શબ્દો કઈ રીતે વાક્યમાં આવે છે એને લાગતું એક શાસ્ત્ર છે તે વાક્યતંત્ર - એ પણ ભાષાવિજ્ઞાનની એક શાખા છે - એને સિન્ટેક્સ કહેવાય છે. ત્યાર પછી ભાષાના અર્થની વાત કરે છે તે, એટલે કે ભાષાનો અર્થ કઈ રીતે સમજવો - એ સેમેન્ટિક્સ. પછી ભાષા રોજબરોજના ઉપયોગમાં કઈ રીતે આવે છે - દાખલા તરીકે ‘તું’ અને ‘તમે’ શબ્દો ક્યારે વપરાય છે. ભાષાનો યુસેજ કે વપરાશ, એનો અભ્યાસ કરતી શાખા તે પ્રેગ્મેટિક્સ. આટલી મૂળભૂત શાખાઓ છે. ત્યાર પછી અનેક ઇન્ટર-ડિસિપ્લિનરી શાખાઓ છે. મગજ અને ભાષાના સંબંધની વાત કરે તે ન્યુરો-લિન્ગ્વિસ્ટિક્સ, ચિત્ત અને ભાષાના સંબંધની વાત કરે તે સાયકો-લિન્ગ્વિસ્ટિક્સ, ભાષા અને સમાજ વચ્ચેના સંબંધની વાત કરે તે સોશિયો-લિન્ગ્વિસ્ટિક્સ, અથવા સમાજભાષાવિજ્ઞાન, ભાષાનો ઐતિહાસિક અભ્યાસ કરે તે ઐતિહાસિક ભાષાવિજ્ઞાન, ભાષાઓની તુલના કરતું શાસ્ત્ર તે તુલનાત્મક ભાષાવિજ્ઞાન. અત્યારે તો ભાષાવિજ્ઞાનની ઘણી બધી શાખાઓ થઇ ગઈ છે, અમેરિકામાં તો ફોરેન્સિક લિન્ગ્વિસ્ટિક્સના ખાસ વિભાગ છે. ગુના પકડવામાં ભાષાવિજ્ઞાન કઈ રીતે મદદ કરી શકે એનો અભ્યાસ એમાં થતો હોય છે. કોમ્પ્યુટેશનલ લિન્ગ્વિસ્ટિક્સ પણ હવે આવ્યું છે. એટલે જ્યાં જ્યાં ભાષા છે ત્યાં ત્યાં ભાષાવિજ્ઞાન હાજર થઇ જાય છે. એમાં પણ ઘણું સુપર-સ્પેશ્યલાઈઝેશન છે.

પ્રશ્ન : બાબુભાઈ, તમે અવારનવાર ભારત જાવ છો. ગુજરાતની અનેક શિક્ષણસંસ્થાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તમે મળો છો, વ્યાખ્યાનો આપો છો. ભાષાની બારીકીઓ વિષે, એના પદ્ધતિસરના અભ્યાસ વિષે, કેટલી સજાગતા અને પ્રતિબદ્ધતા ત્યાં તમને જોવા મળે છે? અને, ગુજરાતમાં ભાષાવિજ્ઞાનનું શિક્ષણ ક્યાં અને કેવું અપાય છે?

ઉત્તર : કમનસીબે ગુજરાતમાં ભાષાવિજ્ઞાનના શિક્ષણની ગુણવત્તા વધારે ને વધારે બગડતી જાય છે. પહેલાં આપણી પાસે વડોદરામાં સારું ડિપાર્ટમેન્ટ હતું. વડોદરામાં હજુ પણ એ ડિપાર્ટમેન્ટ છે, પણ એક જમાનામાં ત્યાં પ્રો. માહુલકર, પ્રો. ભારતી મોદી, કે પ્રો. નાથ, પ્રો. ઉષા દેવી જેવાં જે વિદ્વાનો હતાં, એ પ્રકારના વિદ્વાનો હવે ત્યાં મળતા નથી. ભાષાવિજ્ઞાન એ એક વિજ્ઞાન છે એટલે એમાં પુષ્કળ સંવાદ, રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે, થવો જોઈએ; તે કમનસીબે હવે ત્યાં થતો નથી. હું રૂબરૂ વડોદરા જાઉં છું ત્યારે મારી સાથે પણ કોઈ સંવાદ થતો નથી, હું ત્યાનો વિદ્યાર્થી છું છતાં. સુરતમાં ડિપાર્ટમેન્ટ હતું તે બંધ થઇ ગયું. અને અમદાવાદમાં એ લોકો ૧૯૩૨ની સાલમાં જે વર્ણનાત્મક ભાષાવિજ્ઞાન હતું એના આધારે થોડુંક ભણાવે છે. ત્યાર પછી એ લોકો આગળ ગયા નથી. હકીકતમાં ૧૯૫૭ની સાલમાં ચોમ્સ્કી નામના ભાષાવિજ્ઞાનીએ એક નાનકડી પુસ્તિકા લખી - Syntactic Structures,  એના પગલે ભાષાવિજ્ઞાનમાં એક બહુ મોટી ક્રાંતિ આવી ગઈ. ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં ચોમ્સ્કીના સિદ્ધાંતોનો અભ્યાસ નહીં થતો હોય. પણ અમદાવાદમાં નથી થતો. એટલે ભાષાવિજ્ઞાનનો અભ્યાસ ગુજરાતમાં નબળો છે અને એમાં પણ ગુજરાતી ભાષાવિજ્ઞાનનો અભ્યાસ તો બહુ જ નબળો છે.

પ્રશ્ન : હવે જોડણીની વાત કરીએ. એક દલીલ એવી છે કે ક્લિષ્ટ જોડણીને કારણે આપણા ભાષકો ગુજરાતીથી વિમુખ થઇ રહ્યા છે. કેટલાકે એનો જવાબ ઊંઝા જોડણી રજૂ કરીને આપ્યો. જોડણીના મુદ્દે તમારા વિચારો જાણવાની ઈચ્છા છે.

ઉત્તર : જોડણી વિષે આપણે બહુ જાણતા નથી. વર્ણનાત્મક ભાષાવિજ્ઞાન ૧૯૨૧માં શરૂ થયું. એમાં એવું કહ્યું છે કે જોડણી ભાષાના ધ્વનિની રજૂઆત કરે છે. એટલે આપણે એવું માની લીધું કે જેવું બોલાય એવું લખાવું જોઈએ. અથવા તો જે લખાય છે તે આપણે જે બોલીએ છીએ એની રજૂઆત છે. પણ ત્યાર પછી ભાષાવિજ્ઞાનનો જે વિકાસ થયો એમાં લેખનવ્યવસ્થા અને જોડણીવ્યવસ્થા વિષે બહુ સરસ વાત કરી છે, કે જોડણી અને ધ્વનિ વચ્ચે સમાનતા હોવી એને અકસ્માત સમજવો. અસમાનતા જ નિયમ છે. એટલે જેમ જોડણીની એક વ્યવસ્થા છે એમ ધ્વનિની એક વ્યવસ્થા છે. અને એ બંનેને જોડવા માટે એક ત્રીજી વ્યવસ્થા છે. હવે, આપણી જોડણી કાચી છે એનું મુખ્ય કારણ એ છે કે આપણે શાળામાં વિદ્યાર્થીઓને કહેતા જ નથી. હું મારી વાત કરું તો મેં ગુજરાતીમાં એમ.એ કર્યું ત્યાં સુધી મને કોઈએ એમ નથી કહ્યું કે મારી જોડણી ખરાબ છે. છેક અમેરિકા આવ્યો ત્યારે મધુ રાયે મારું ધ્યાન દોર્યું કે ‘બાબુભાઈ તમારી જોડણી આટલી બધી ખરાબ કેમ છે?’ પછી મારી રીતે મેં મારી જોડણી સુધારવાનું શરૂ કર્યું ને અત્યારે એ પ્રમાણમાં ઠીકઠીક થઇ ગઈ છે, તો પણ ભૂલ પડે છે. એટલે બાળકોમાં પહેલેથી એક જાતની સજાગતા કેળવવામાં આવે તો એની ભૂલો ન થાય. જોડણીમાં કેટલીક અરાજકતા જરૂર છે પણ એ અરાજકતા દૂર કરી શકાય એમ છે. પણ ઊંઝા જોડણીનું જે આયોજન છે તે બરાબર નથી. એમાં ઘણી બધી સૈદ્ધાંતિક મુશ્કેલીઓ પણ છે. એટલે હું એમ માનું છું કે અત્યારની આપણી જોડણીવ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે બીજું શું કરી શકાય એ વિચારવું જોઈએ. એક જ અક્ષર જુદીજુદી રીતે લખાતો હોય છતાં એનું સામાન્યીકરણ અને સરળીકરણ કેવી રીતે કરી શકાય ... જોડણી-આયોજન એ ભાષાવિજ્ઞાનની એક આખી શાખા છે. અંગ્રેજીની જોડણી પણ કંઈ એટલી સરળ નથી. છતાં આપણા બાળકો અંગ્રેજી ભણે છે. એક જ અક્ષર સી, એનો ઉચ્ચાર અંગ્રેજીમાં ક થાય, ચ પણ થાય અને સ પણ થાય. અંગ્રેજીમાં આ બધી અવ્યવસ્થા છે છતાં બાળકોને કે વાલીઓને એની સામે ફરિયાદ નથી. એ એમ નથી કહેતા કે અંગ્રેજીની જોડણી સહેલી કરી આપો. ગુજરાતીની જ જોડણી શા માટે સહેલી કરવાની? બાળકોને આ સહેલું પડશે, એ મોટેરાંઓ નક્કી કરે એ સૌથી મોટો ડિઝાસ્ટર છે. બાળકો શીખી લેતાં હોય છે, એમને શીખવાની વ્યવસ્થા આપણે પૂરી પાડવી પડે. કોઈ ગુજરાતી છોકરો ગણિત બરાબર ન કરે તો મા-બાપ કહેશે કે તું બરાબર ભણતો નથી, પણ ગુજરાતી બરાબર નહીં લખે તો કહેશે કે માસ્તર બરાબર ભણાવતા નથી. આ આખી માનસિકતા બદલવાની જરૂર છે. ગુજરાતી ભાષાને ટેકનોલોજીને લાયક બનાવવા માટે કેટલુંક આયોજન કરવાની જરૂર છે, પણ સરકાર જ્યાં સુધી એ હાથમાં ન લે ત્યાં સુધી એ શક્ય નથી.

પ્રશ્ન : જોડણીની ચર્ચા કરીએ છીએ તો આપણી ભાષાના કોશોની વાત કરીએ.તમે એ દિશામાં પણ કામ કર્યું છે.

ઉત્તર : હા, સાર્થ જોડણીકોશ અને બીજા અનેક કોશો બન્યા છે, પણ મારી દૃષ્ટિએ એ પ્રભાવવાદી, એટલેકે ઇમ્પ્રેશનિસ્ટિક છે, વૈજ્ઞાનિક ઢબે કોશ તૈયાર થવા જોઈએ એ થયા નથી. એને કારણે કોશમાં જે ઉદાહરણ આપવામાં આવે છે એ ઉદાહરણ પણ ખોટાં હોય છે. આપણે એ પણ નક્કી કરવાની જરૂર છે કે કેટલી ધ્વનિવ્યવસ્થા કોશમાં પ્રવેશવી જોઈએ. નવાં સંશોધનો અને નવી ટેકનોલોજીનો લાભ ગુજરાતી ભાષાને મળવો જોઈએ એ પણ મળતો નથી. જોડણીકોશ કે શબ્દકોશ સાથે જે લોકો સંકળાયેલા છે એ પરંપરામાં તૈયાર થયેલા લોકો છે. એમની ભાષા વિશેની સૂઝ ઉપર હું શંકા નથી કરતો, પણ સાયન્સ ઓફ લેક્સિકોગ્રાફી, કોશનું વિજ્ઞાન - એમાં તો એ લોકો નબળા છે જ. શબ્દના અર્થ કઈ રીતે આપવા એ પણ નક્કી કરવાની જરૂર છે. દાખલા તરીકે, એક શબ્દકોશમાં ‘છોકરો’ શબ્દના અર્થો પૈકી એક અર્થ ‘ચાવાળો’ પણ છે. એટલે આ રીતે પ્રભાવવાદી શબ્દકોશો તૈયાર થયા છે એ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો બહુ નબળા છે. પણ ગુજરાતમાં આ બધું ચાલે છે.

પ્રશ્ન : ગુજરાતી ભાષા બાબતે આપણા લોકોની માનસિકતા વિષે તમે કેટલાક ઉલ્લેખો કર્યા, પણ બાબુભાઈ આ સમય વૈશ્વીકરણનો છે. હું અને તમે બંને, દરિયાપાર જઈને વસ્યાં છીએ. ગુજરાતી ભાષા લુપ્ત થઇ રહી છે એવી ચિંતા સતત વ્યક્ત થાય છે. તમને લાગે છે કે ગુજરાતી ભાષા લુપ્ત થઇ જશે?

ઉત્તર : ભાષા સંપૂર્ણપણે લુપ્ત નહીં થાય પણ ભાષાનું ધોવાણ તો ઘણું થયું છે. એટલું બધું ધોવાણ થયું છે કે અત્યારે ગુજરાતમાં પણ ગુજરાતી ભાષા પર માતૃભાષા જેવું નિયંત્રણ હોય એવા માણસો મળવા મુશ્કેલ છે. એટલે કે જો એ માણસે દસ મિનિટ ગુજરાતીમાં બોલવાનું હોય તો એ નહીં બોલી શકે. એ ઘણા બધા અંગ્રેજી શબ્દો બોલશે, ઘણી અંગ્રેજી પ્રભાવવાળી વાક્યરચનાઓ પણ લઇ આવશે. એનો અર્થ એ થયો કે ગુજરાતી ભાષાનું ધોવાણ થઇ રહ્યું છે. જેમ કે આપણા સંબંધવાચક શબ્દો - બા, બાપુજી, બહેન. આ બધા શબ્દોનું ધોવાણ થઇ ગયું છે. કારણ કે શહેરમાં લોકો એમ જ કહેશે કે ‘મારા ફાધર આવવાના છે, મધર કાલે આવશે અને સિસ્ટર જરા બિમાર છે’. હવે આ શબ્દો આપણી પાસે નથી એવું તો નથી. સમાજ-ભાષાવિજ્ઞાનમાં કોઈએ એક બહુ સરસ કન્સેપ્ટ આપ્યો છે- લેન્ગવેજ લોયલ્ટી. એટલે કે ભાષા-વફાદારી. ગુજરાતી પ્રજાની ભાષા-વફાદારી બહુ નબળી છે. એને પાછી લાવવા માટે સરકારે પગલાં લેવાં જોઈએ, કારણ કે પ્રજા તો શું કરે? આમાં કોઈ મંદિરનો મહંત તો પગલાં લે નહીં. ભાષાવિજ્ઞાનીઓએ ઘણું કામ કર્યું છે અને દુનિયાની ઘણી ભાષાઓ એમણે રીસ્ટોર કરી છે. હમણાં મેં વાંચ્યું કે કોઈ શિક્ષણના અધિકારીએ એવો નિર્ણય લીધો છે કે પ્રાથમિક શાળામાં ગણિત અને વિજ્ઞાનનું શિક્ષણ ગુજલિશમાં આપવું, ગુજરાતીમાં નહીં. એટલે આપણે વિદ્યાર્થીઓને કહીશું કે ‘પહેલાં વોટર લો, પછી એમાં ફિંગર બોળો’. આ નિર્ણય સત્તાવાર રીતે લેવામાં આવ્યો છે. અને ગુજરાતી પ્રજા ચૂપ છે, કારણ કે એને એની પડી નથી. એટલે ભાષાનું એટલું બધું ધોવાણ થશે કે એને કારણે માનવતાનું ધોવાણ થશે, માનવસંબંધોનું અને એના પર્યાવરણનું ધોવાણ થશે. કારણ કે એક તત્ત્વજ્ઞાનીએ કહ્યું છે કે ભાષા આપણી હયાતીનું ઘર છે. જે ઘર આ રીતે કરપ્ટ થઇ જાય એ ઘરનાં મૂલ્યો પણ પાછળથી એવાં જ થઇ જશે. હું એમ નથી કહેતો કે આપણે પરંપરાગત મૂલ્યો જ જાળવી રાખવાં જોઈએ, પણ જે મૂલ્યોની માણસજાતને જરૂર છે એ મૂલ્યોને ટકાવી રાખવાં માટે ભાષાને ટકાવી રાખવી પડે. ગુજરાતી ભાષાનું બહુ મોટા પાયે ધોવાણ થઇ રહ્યું છે અને એના માટે હું સ્પષ્ટપણે કહીશ કે પ્રજા તો જવાબદાર છે જ પણ સરકાર પણ એટલી જ જવાબદાર છે. હું આ સંદર્ભે ‘કલાપી’ની પંક્તિઓ વારંવાર વાપરું છું. ‘રસહીન થઇ છે ધરા, દયાહીન થયો નૃપ.’ ગુજરાતી પ્રજા રસહીન થઇ છે અને સરકાર દયાહીન થઇ છે. તમને કદાચ ખબર હશે કે આપણે ત્યાં ગુજરાતી ભાષામાં પાસ થવાથી વધારે માર્ક મેળવવાની જરૂર નથી. એકંદર ટકાવારીમાં ગુજરાતીના માર્ક ગણાતા નથી. એટલે સરકાર જો આમ માળખાગત રીતે ભાષાને અવગણે તો પ્રજાને પણ એમ થાય કે ખાલી પાસ જ થવાનું છે. તમે અંગ્રેજી ભાષામાં ભણો એની સામે મને વાંધો નથી, પણ તો પછી અંગ્રેજી ભાષા ઉપર તમારું માતૃભાષા જેવું પ્રભુત્વ હોવું જોઈએ. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે બાળક ગર્ભમાં હોત ત્યારે એ માતૃભાષા શીખવાની શરૂઆત કરે છે. હવે બાળકોને જ્યારે તમે અંગ્રેજી માધ્યમમાં મૂકો ત્યારે એ ગર્ભમાં જે શીખ્યું છે એ ભૂલવાની પ્રક્રિયા શરૂ થાય છે. એમાં નુકસાન તો બાળકને જ થાય છે. 

પ્રશ્ન : બાબુભાઈ, આપણે ત્યાં જૂની કહેવત છે, ‘બાર ગાઉએ બોલી બદલાય’. આપણી આ કહેવત ભાષા વિષે શું કહે છે? બોલી એટલે અંગ્રેજીમાં ડાયલેકટ અને ભાષા એટલે લેન્ગ્વેજ.

ઉત્તર : હા, ઘણા લોકો અમુક રીતે કંઇક બોલે અને હું કંઇક કહું એટલે સામે કહે કે ‘એ તો બાબુભાઈ, બાર ગાઉએ બોલી બદલાય’. એ વાત બરાબર છે, પણ તમે આ કહેવતને બરાબર સમજો. એમાં કહ્યું છે કે બોલી બદલાય, ભાષા બદલાય એમ નથી કહ્યું. ભાષા તો સરખી જ રહે છે. આપણા ચિત્તમાં એનું જે વ્યાકરણ છે એ વ્યાકરણ તો એ જ રહે છે. સ્થળ પ્રમાણે બોલચાલની ભાષા બદલાય છે છતાં પણ આપણે એકબીજાને સમજી શકીએ છીએ કારણ કે વ્યાકરણ એક જ રહે છે. બોલી બદલાય એ સ્વાભાવિક છે અને બોલી બદલાવી જોઈએ. એક આખું શાસ્ત્ર ઊભું થયું છે જે ભાષાને વેરિયેશન્સ તરીકે જુવે છે. એટલે ભાષા ભૂગોળ પ્રમાણે બદલાય, ભાષા સમય પ્રમાણે બદલાય, ભાષા પરિસ્થિતિ પ્રમાણે પણ બદલાય. ભાષામાં આ બધા બદલાવો આવે એ ભાષાની સમૃદ્ધિ બતાવે છે. પણ કોઈપણ ભાષાકીય ભૂલને આ કહેવતનું ઉદાહરણ આપીને જસ્ટિફાય ન કરી શકાય.

પ્રશ્ન : આ જ રીતે અખાની ‘ભાષાને શું વળગે ભૂર’ વાળી કહેવત પણ આપણે વારંવાર ટાંકીએ છીએ.

ઉત્તર : અખાને એ વખતે સંસ્કૃતના પંડિતો બહુ હેરાન કરતા હતા. સંસ્કૃતમાં જે કહેવાય એ જ બરાબર છે અને આવી પ્રાદેશિક ભાષામાં કહેવાય એ બરાબર નથી. વિદ્વત્તા સંસ્કૃતમાં જ શોભે. અત્યારે જેમ ઘણા લોકો માને છે ને કે અંગ્રેજીમાં બોલે તો વટ પડે, ગુજરાતીમાં બોલે તે વિદ્વાન ન લાગે. તો આ સંસ્કૃતવાળી માન્યતા સામે આક્રોશ વ્યક્ત કરવા માટે આ કહેલું. એટલે અહીં ભાષાનો અર્થ સંસ્કૃત ભાષા કરવાનો છે. સંસ્કૃત ભાષા વાપરે તો જ જ્ઞાની કહેવાય એવું નથી, ગુજરાતી ભાષામાં પણ જ્ઞાન પ્રગટ કરી શકાય, એવું કહીને અખાએ ગુજરાતી ભાષાનું ગૌરવ કર્યું છે. પણ આપણે એને સંદર્ભ બહાર કાઢીને એનો અર્થ કરીએ છીએ અને આપણી ભૂલોને ન્યાયી ઠેરવવાનો પ્રયત્ન કરીએ છીએ.

પ્રશ્ન : બાબુભાઈ તમારી વાત કરીએ તો તમારી અંદર એક સર્જક એટલે કે કલાકાર છે અને એક વૈજ્ઞાનિક પણ છે, કારણ કે તમે ભાષાવિજ્ઞાની છો. ભાષાના સિક્કાની આ બે બાજુનો તાલમેલ કેવી રીતે જાળવો છો?

ઉત્તર : વર્ષો પહેલાં મેં ભણવાનું શરૂ કર્યું ત્યારે મેં ક્યાંક એરિસ્ટોટલને વાંચ્યો અને પછી મને થયું કે મારે પહેલાં તો ભાષાના ફિઝિક્સને સમજવું જોઈએ. બીજું કે ભાષાની ક્રિયેટિવિટી કઈ રીતે થાય છે એ સમજવું જોઈએ. અને ત્રીજું ભાષાની ફિલસૂફી શું છે એ જાણવું જોઈએ. આ ત્રણ મોડેલ મારા મનમાં હતાં. મને થયું કે હું સર્જક છું એટલે ભાષાની સર્જનાત્મકતાનો ખ્યાલ તો મને આવે છે. હવે ભાષાની સંરચનાનો અભ્યાસ કરવો હોય તો માટે ભાષાવિજ્ઞાન પાસે જવું પડે. એટલે એમ કરીને હું ભાષાવિજ્ઞાન પાસે ગયો. પછી મને સમજાયું કે ભાષા સાથે ફિલસૂફી પણ જોડાયેલી છે તો એ માટે ભાષાનું તત્ત્વચિંતન સમજવું જોઈએ એટલે હું ફિલોસોફી ઓફ લેન્ગ્વેજ પાસે ગયો. એટલે આ ત્રણેત્રણમાં આખરે તો મારો રસ ભાષાના સત્ત્વને પામવાનો છે. એટલે લખવું એ મારા માટે મારી અંગત લાગણી કે સંવેદનાને વ્યક્ત કરવી એ તો બરાબર છે પણ પરંતુ એની સમાંતરે ભાષા શું છે અને એમાં સર્જનાત્મકતા કઈ રીતે કામ કરે છે એ પણ હું સમજવા પ્રયત્ન કરતો હોઉં છું. એટલે મારા માટે લખવું - સર્જન કરવું, વિશ્લેષણ કરવું, અને ભાષા વિષે ચિંતન કરવું એ ત્રણે એક જ પ્રકારની પ્રવૃત્તિઓ છે. ભાષાનું સત્ય સમજવા માટે મને આ ત્રણેત્રણ જરૂરી લાગે છે, કારણકે મને રસ છે આખરે ભાષાના સત્ત્વમાં.

પ્રશ્ન : ગુજરાતી ભાષાના દરજ્જાને ઊંચો લાવવા માટે ગુજરાતી પ્રજાએ શું કરવું જોઈએ?

ઉત્તર : મારું એમ કહેવું છે કે કોઈપણ ભાષા ચડિયાતી કે ઊતરતી નથી હોતી. ભાષાને ચડિયાતી કે ઊતરતી એના ભાષકો બનાવતા હોય છે. કોઇ પણ ભાષામાં એવું કોઈ વ્યાકરણમૂલક લક્ષણ નથી જેને કારણે આપણે એમ કહી શકીએ કે આ ભાષા ઊંચી છે. પ્રજા ભાષાને ઊંચી કે નીચી બનાવતી હોય છે. એટલે ભાષા પરત્વેનો પોતાનો અભિગમ પ્રજા બદલે તો ગુજરાતી ભાષાનો દરજ્જો ઊંચો આવે. આપણે ભાષાને આર્થિક ઉપાર્જન સાથે જોડી છે. અંગ્રેજી ભાષા સારી આવડે તો નોકરી જલદી મળે. મને એનો કોઈ વાંધો નથી. પણ ભાષાવિજ્ઞાનીઓ બે પ્રકારની બહુભાષિતાની વાત કરે છે. એક એડિટિવ, એટલે કે વધારાનું. એમાં માતૃભાષા જળવાઈ રહે અને બીજી ભાષા ઉમેરાય અને તમને એ મદદ કરે. અને બીજા પ્રકારની બહુભાષિતા એવી છે જેમાં બીજી ભાષા પહેલી ભાષાની જગ્યા લઇ લે. આને સબટ્રેક્ટિવ બાયલિન્ગ્વલીઝમ કહે છે. એમાં પહેલી ભાષાની બાદબાકી થઇ જાય છે. આપણે આ બીજા પ્રકાર તરફ જઈ રહ્યાં છીએ. અંગ્રેજીને ઉમેરણ તરીકે લઈએ તો ગુજરાતી ભાષાનો દરજ્જો ઊંચો આવે. એનો દરજ્જો ઊંચો લાવવા માટે બીજું ઘણું કરી શકાય એમ છે, એનું રીતસરનું આયોજન કરવું પડે. શિક્ષણમાં ઉપયોગી થઇ પડે એવા પ્રૂફ-રીડિંગના, અનુવાદના, જાહેર વ્યાખ્યાનના કોર્સ કરી શકાય. ભાષા સાથે કેટલું બધું જોડાયેલું છે. અત્યારે ગુજરાતીઓ ગુજરાતી ટી.વી. ઉપર જે ગુજરાતી બોલે છે એ સાંભળીને આપણને ત્રાસ થાય છે. એમને જો તાલીમ આપવામાં આવે. બીજું ભાષાને જો ઇન્ડસ્ટ્રી સાથે, વેપાર સાથે જોડવામાં આવે તો એનો સામાજિક દરજ્જો ઊંચો આવે. પણ આપણે એવું કશું કરતા નથી. એટલે ગુજરાતી મા-બાપે એવું માનવાની જરૂર નથી કે મારું બાળક ગુજરાતી ભણશે તો પછાત રહી જશે. મારું એવું માનવું છે કે એ કેવળ અંગ્રેજી જ ભણશે અથવા અંગ્રેજી અને ગુજરાતી બંને બરાબર નહીં જાણે તો એ સૌથી વધુ પછાત રહી જશે. એન.આર.આઈ.એ પણ સરકારને કહેવું જોઈએ. મોટા ભાગના એન.આર.આઈ. વિષે તમે પણ નોંધ્યું હશે કે ગુજરાતી માધ્યમમાં ભણીને આવ્યા છે. અને એમની ભારત પ્રત્યેની વફાદારી છે એને હું ભાષાની વફાદારી સાથે જોડું છું. પણ હવે અંગ્રેજીમાં ભણીને આવેલા જે નવા એન.આર.આઈ. છે એમની વફાદારીનું પોત જરા જુદા પ્રકારનું છે. જેમ એમની ગુજરાતી પરત્વેની વફાદારી ઓછી છે એમ એમની દેશ પરત્વેની વફાદારીમાં પણ ક્યાંક ઊણપ જોવા મળે છે. દેશ પરત્વેની લાગણી, સમાજસેવા, અને ભાષા પરત્વેની વફાદારી વચ્ચે ગાઢ સંબંધ છે. 

e.mail : [email protected]

[પ્રગટ : “નવનીત સમર્પણ”, ફેબ્રુઆરી 2019; પૃ. 30-38]

Category :- Opinion / Interview