SAMANTAR

આપણા દેશમાં બીજા રાજ્યમાં રહેતા લોકો ગુજરાતની વાત કરે ત્યારે તેમના મનમાં ગુજરાતનું એક જુદું જ ચિત્ર છે. કદાચ તેઓ ક્યારે ય ગુજરાત આવ્યા નથી અને ગુજરાત આવ્યા છે, તો બે ચાર દિવસના પ્રવાસ તરીકે તેમણે જે ગુજરાતનો અનુભવ કર્યો છે તે સ્મરણને તેઓ આખું ગુજરાત માની લે છે. તે વાતનો સ્વીકાર કરવામાં જરા પણ સંકોચ નથી કે બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત અનેક મુદ્દે ઉત્તમ છે, પરંતુ ઉત્તમતાના વખાણની વચ્ચે આપણે આપણી મર્યાદાઓની અવગણના કરીએ અથવા નજરંદાજ કરીએ તે પણ વાજબી નથી.

આપણે અવારનવાર દેશના નેતાઓને પોતાના ભાષણમાં ગુજરાત મૉડેલનો ઉલ્લેખ કરતાં સાંભળ્યા છે. ભાષણનો સરળ અને સાદો અર્થ એવો છે કે ગુજરાત દેશના તમામ રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ છે. એક ગુજરાતી તરીકે મને ગુજરાતનું ગૌરવ છે, પણ ગુજરાતની મર્યાદાઓને હું શાહમૃગની જેમ અવગણી શકું નહીં. કંગનાએ જ્યારે મુંબઈને પી.ઓ.કે. સાથે સરખાવ્યું ત્યારે સંજય રાઉતે અમદાવાદનો ઉલ્લેખ કર્યો અને આપણા ગુજરાતીઓનું કહેવાતું સ્વાભિમાન ઘવાયું. તેમણે સંજય રાઉતના નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યું. ગુજરાતમાં ખરેખર સુશાસન અને લોકો ભયરહિત જીવી રહ્યા છે તેવું આપણે માનીએ તો તે આપણો ભ્રમ છે.

ભયરહિત શાસન છે તેવું જે નેતાઓ અને પોલીસ અધિકારીઓ એવું માને છે તેમણે પોતાની છાતી પર હાથ મૂકીને પૂછવું જોઈએ કે આપણે દિવસમાં સાદો કૉલ કરવાને બદલે કોને કેટલી વખત વૉટ્સએપ કૉલ કર્યો દરેકના મનમાં એક છૂપો ભય પડેલો છે કે તેમના ફોન કોલ આંતરવામાં આવે છે.

થોડા મહિના પૂર્વે ગુજરાતના એક સિનિયર મંત્રીના દીકરાનું લગ્ન હતું, આ મંત્રી પોતે મંત્રી થયા ત્યાર પહેલાંના મારા જૂના મિત્ર છે. સ્વાભાવિક રીતે મંત્રીએ પોતાના દીકરાના લગ્નમાં હજારો લોકોને આમંત્રણ આપ્યું હતું. મારા મિત્ર હોવાને કારણે તેઓ મને પણ આમંત્રણ આપવા માગતા હતા, પરંતુ મને મંત્રીની ઓફિસમાંથી ફોન આવ્યો કે સાહેબની વિનંતી છે કે તમને લગ્નમાં આમંત્રણ આપવામાં આવે તો પણ તમે લગ્નમાં હાજરી આપતા નહીં. કારણ કે તમારી હાજરી સાહેબની મુશ્કેલી વધારી નાખશે. આમ એક શાસકને પોતાની જ પાર્ટીના નેતાઓનો ડર લાગે. કારણ કે શાસક વિરુદ્ધ લખનાર પત્રકારને તેની પાર્ટી પસંદ કરતી નથી. તો આ પણ આપણું ગુજરાત મૉડેલ છે.

આવી જ સ્થિતિ શિક્ષણ અને આરોગ્યમાં પણ છે. સરકારી ગ્રાન્ટ મેળવતી શાળાઓ બંધ થતી જાય અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની સંખ્યા વધતી જાય. આજે જે વાલીઓ પોતાના સંતાનની એક વર્ષની ફી ભરે છે, તેના કરતાં અડધી રકમમાં તેમનું સમગ્ર શિક્ષણ પૂરુ થઈ ગયું હતું. તેવી જ રીતે સરકારી હોસ્પિટલ જે સામાન્ય માણસ માટે જ છે પણ તે હોસ્પિટલમાં જતાં સામાન્ય માણસને ડર લાગે છે. જ્યાં જીવન મળવાનું છે ત્યાંથી મોત મળશે તેવી આશંકા આપણને થાય. છતાં તેને આપણે ગુજરાત મૉડેલ કહીએ છીએ.

ગુજરાતના નેતાઓ રસ્તા ઉપર કોરોનાકાળમાં પણ રાજકીય રેલી કાઢી શકે પણ બેરોજગાર વ્યક્તિ નોકરી માટે અને ખેડૂત પોતાના પાકવીમા માટે જો રસ્તા ઉપર ઊતરે તો તેમની 144 કલમ અંતર્ગત અટકાયત કરવામાં આવે. આ પણ આપણું ગુજરાત મૉડેલ છે. આમ ઉત્તમમાંથી અતિઉત્તમ થવા માટે આપણે હજી ઘણું બધું કરવાનું બાકી છે, અને આપણી નબળાઈઓ તથા નિષ્ફળતાનો સ્વીકાર જ આપણને એક નવી સવાર તરફ લઈ જશે, પરંતુ આપણે બીજાં રાજ્યોની સરખામણીમાં ઉત્તમ છીએ તેવો સંતોષ લેવા લાગીશું, તો તે દાઉદ કરતાં લતીફ સારો છે તેવું કાંઈક કહેવા જેવું થશે.

e.mail : [email protected],com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 21 સપ્ટેમ્બર 2020; પૃ. 11

Category :- Samantar Gujarat / Samantar

ગુજરાતમાં પહેલી ઓગસ્ટના રોજ કોવિડ-૧૯ના ૨૬,૩૦૩ સેમ્પલ ટેસ્ટિંગ થયા હતા. જે પછીના બે દિવસે ક્રમશ: ઘટીને ૨૩,૨૫૫ અને ૧૯,૭૬૯ થયા  દસમી ઓગસ્ટની ૨૯,૬૦૪ ટેસ્ટિંગની સંખ્યા પછીના દિવસોથી રોજેરોજ વધી રહી છે. અગિયારમી ઓગસ્ટે તેમાં અચાનક ઉછાળો આવ્યો અને ટેસ્ટિંગની સંખ્યા થઈ ૪૧,૬૪૭  તે પછીના દિવસોમાં તે પચાસ હજારનો આંક વટાવી ગઈ. ૧૪મી ઓગસ્ટે અત્યાર સુધીના સૌથી વધુ કોરોના ટેસ્ટિંગ ૫૧,૨૨૫ થયા છે !

કોરોના ટેસ્ટમાં અચાનક ઉછાળો કેમ ?

રાજ્યમાં ૧૪મી ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં કુલ ૧૨,૧૧,૦૪૭ ટેસ્ટિંગ થયા છે. તેમાં ૧,૯૩,૮૧૩ એટલે આશરે બે લાખ ટેસ્ટ તો છેલ્લા ચાર જ દિવસના છે. ગુજરાતમાં દર દસ લાખે ૧,૧૨૭ લોકો સંક્રમિત છે પરંતુ ટેસ્ટિંગ ૪૨૧ થાય છે. માર્ચના આરંભથી ૭મી મે સુધીમાં એક લાખ ટેસ્ટિંગ થયા હતા. પણ હવે રોજના પચાસ હજાર અને દર બે દિવસે એક લાખ કરતાં વધુ ટેસ્ટિંગ થાય છે. આવો ચમત્કાર કઈ રીતે શક્ય બન્યો છે ? શું ટેસ્ટિંગ કીટની છત ઊભી થઈ છે ? તે સસ્તી થઈ ગઈ છે ? સરકાર અને તેની ચાપલુસ નોકરશાહીને ગુજરાતની પ્રજા પર હેત ઉભરાઈ આવ્યું છે ?

આ બધી ધારણાઓ ખોટી છે. ૧૧મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ૮૦ ટકા કરતાં વધુ કોરોના કેસીસ ધરાવતા ગુજરાત સહિતના દસ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મિટિંગ યોજી હતી. તેમાં વડાપ્રધાને પોતાના મોડેલ સ્ટેટ ગુજરાત સહિતના રાજ્યોના મુખ્યપ્રધાનોને ટેસ્ટિંગ વધારવાની સલાહ આપી હતી. વડાપ્રધાનું સૂચન કે સલાહ ભા.જ.પા.શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો માટે આદેશ જ હોય છે. એટલે ૧૧મી એપ્રિલના મોદી ચાબુકના દિવસે જ આગલા દિવસ કરતાં ૧૨,૦૪૩ ટેસ્ટિંગ વધારે કરવામાં આવ્યા અને પછીના દિવસોએ તો ટેસ્ટિંગ અગાઉના કરતાં બમણા થઈ ગયાં.!

અલ્પ ટેસ્ટિંગ, અલ્પ સંક્રમિત, તો સબસલામત

કોરોના મહામારીના મુકાબલા માટેનું મજબૂત હથિયાર ટેસ્ટિંગ છે. પરંતુ મોદી-મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે તેમ જો ભારતમાં મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કરવામાં આવે તો સંક્રમિતોની સંખ્યા અમેરિકા કરતાં પણ વધી જાય .એટલે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પોતાની છબી ઉજળી દેખાડવા અને સબસલામત દર્શાવવા મહામારીની શરૂઆતથી જ મર્યાદિત સંખ્યામાં જ ટેસ્ટિંગ કરવાની રણનીતિ અખત્યાર કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળ એ ૧૦ રાજ્યોમાં દેશના કુલ કોરોના સંક્રમિતોના ૮૦ ટકા દરદીઓ છે, પરંતુ આ રાજ્યોમાં ટેસ્ટિંગ હજુ પણ ઓછા થાય છે. મહારાષ્ટ્રમાં દર ૧૦૦ ટેસ્ટે ૧૮.૯ % દરદીઓની ભાળ મળે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં માંડ ૩.૯ % જ દરદી મળે છે. એનો અર્થ એ નથી કે ત્યાં દરદીઓની સંખ્યા જ ઓછી છે. પણ ટેસ્ટ જ ખૂબ ઓછા થાય છે.

પાંચ પ્રકારના ટેસ્ટિંગ

કોરોના વાઈરસના પરીક્ષણ માટે દેશમાં પાંચેક પ્રકારના પરીક્ષણો પ્રચલિત છે. RT-PCR (REAL TIME POLYMERASE CHAIN REACATION) તેમાં સૌથી અગત્યનો અને વિશ્વસનીય ટેસ્ટ મનાય છે. તે ઉપરાંત રેપિડ એન્ટીજન ડિટેકશન ટેસ્ટ, રેપિડ એન્ટી બોડી ટેસ્ટ, IGG (ઈમ્યુનોજીલોબિલીન-જી) અને TRUTAT AND CBNAAT ટેસ્ટ પણ કરવામાં આવે છે. આર.ટી.-પી.સી.આર. સિવાયના ટેસ્ટ પૂરક મનાય છે. તે ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દરદીને તો પોઝિટિવ માની લેવાય છે પરંતુ નેગિટિવને ભયમુક્ત માનવામાં આવતો નથી અને તેણે મુખ્ય પરીક્ષણ કરાવી લેવું હિતાવહ હોય છે.

આક્રમક ટેસ્ટિંગથી ૭૦% પોઝિટિવનો સરકારી હાઉ

ગુજરાતમાં પ્રથમ લૉકડાઉનના આરંભે જ તબલિઘી જમાતના માથે સંક્રમણનું ઠીકરું ફોડીને ટેસ્ટિંગનો શોર મચાવવામાં આવ્યો. સંક્રમણને ફેલાતું અટકાવવા મુસ્લિમો ટેસ્ટિંગ કરાવે તે માટે મુસ્લિમ ધર્મગુરુઓ અને ધારાસભ્યોનો સાથ લેવામાં આવ્યો હતો. અમદાવાદના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિજ્ય નહેરાએ પણ આક્રમક ટેસ્ટિંગની નીતિ અપનાવી હતી. તેને કારણે અમદાવાદમાં અને રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ વધી ગઈ. સરકાર અને તેના આરોગ્ય તંત્ર પાસે તેને પહોંચી વળવા હોસ્પિટલો, આઈ.સી.યુ. અને વેન્ટિલેટર્સ નહોતા. તેને કારણે દરદીઓને સારવાર મળવામાં વિલંબ થવા માંડ્યો હતો. લોકોની ધીરજ ખૂટી જાય અને સારવારના અભાવે મૃત્યુ થાય તેવું બનતું હતું. જે મોડેલ અને વાઈબ્રન્ટ ગુજરાતના તુંબડે મોદી ભારતના વડા પ્રધાન થયા હતા તેની બૂરી વલે હતી. એટલે સરકારે આક્રમક ટેસ્ટિંગની નીતિ અપનાવનારા મ્યુનિસિપલ કમિશનર નહેરાની બદલી કરી નાંખી અને ટેસ્ટિંગની સંખ્યા જ સાવ ઘટાડી દીધી !ગુજરાતમાં કોરોનાનો કેર વધી રહ્યો છે અને ટેસ્ટનું પ્રમાણ રાજ્યમાં ખૂબ જ ઓછું છે તે વધારવા ગુજરાતની વડી અદાલતમાં ધા નાંખવામાં આવી ત્યારે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે જો સરકાર વધારે ટેસ્ટ કરશે તો રાજ્યની ૭૦% વસ્તી પોઝિટિવ આવવાની શક્યતા છે. એને લીધે રાજ્યમાં માનસિક ભયનું વાતાવરણ ઊભું થશે. જો કે કોર્ટે સરકારનું આ વલણ સ્વીકાર્યું નહોતું કોર્ટનું નિરીક્ષણ હતું કે સરકાર કોરોનાના કેસોને ઓછા ટેસ્ટિંગથી કૃત્રિમ રીતે નિયંત્રિત કરવાની કોશિશ કરે છે.

અદાલતી હસ્તેક્ષપ પછી અને છતાં

કોરોના ટેસ્ટિંગ માત્ર અને માત્ર સરકારી લેબોરેટરીઓમાં જ થતું હોઈ તેનું નિયંત્રણ સરકારના હાથમાં હતું. સરકાર જેમને કોરોના વોરિયર્સ ગણાવીને તેમના માનમાં આકાશમાંથી પુષ્પવર્ષા કરાવતી હતી તે ડોકટર્સ સહિતના આરોગ્યકર્મીઓ શિક્ષકો અને અન્યના કોરોના ટેસ્ટ સરકારની મંજૂરી વિના થઈ શકતા નહોતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ૨૫ વર્ષીય એક અનામી રેસિડન્ટ ડોકટરના પત્રને હાઈકોર્ટે જાહેર હિતની અરજી ગણીને સરકારને કાર્યવાહી કરવા આદેશ કરવો પડ્યો હતો. આ ડોકટરમાં કોરોનાનાં લક્ષણો જણાયાં હોવા છતાં સરકારે તેમને ટેસ્ટની મંજૂરી તો ના આપી ઉપરથી ખુલાસો માંગ્યો હતો. આવી સ્થિતિ અનેક કોરોના લડવૈયાઓની હતી. તેમણે સંક્રમણ સામે લડવાનું હતું એના કરતાં વધુ તો સરકારની અનુમતી માટે લડવાનું હતું. રાજ્યનો કોઈ પણ નાગરિક કોરોનાનો ટેસ્ટ કરાવવા મુક્ત નહોતો. સરકારે હાઈકોર્ટમાં બાકાયદા એફિડેવિટ કરીને જણાવ્યું હતું કે કોવિડ ટેસ્ટને લોકોનો મૂળભૂત અધિકાર ભલે રહ્યો, પરંતુ સરકાર તેના પર વાજબી પ્રતિબંધો લગાવી શકે છે. સરકાર નાગરિકના મૂળભૂત અધિકારો પર ઉચિત પ્રતિબંધ લગાવવા સક્ષમ છે. જો કે અદાલતના ન્યાયમિત્ર અને એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ સરકારની આ વાત સ્વીકારી નહોતી અને અદાલતને જણાવ્યું કહ્યું હતું કે કોઈ પણ નાગરિકને ટેસ્ટ કરતાં  રોકવાનો સરકારને અધિકાર નથી. રાજ્યમાં ૧૯૭૫ જેવી કોઈ આંતરિક કટોકટી નથી. આ માત્ર મહામારી છે. એટલે સરકાર નાગરિકના મૂળભૂત અધિકારનું હનન કરી શકે નહીં. હાઈકોર્ટે સરકારને ટેસ્ટિંગની સૌને છૂટ આપવા અને ટેસ્ટિંગ કીટ, પી.પી.ઈ. કીટ વગેરે અધિક માત્રામાં ખરીદવા નિર્દેશ આપ્યો હતો.

કોરોનાના ટેસ્ટિંગ માત્ર સરકારી હોસ્પિટલોમાં જ થતા હતા. તેના પરિણામો પણ ખૂબ જ મોડા મળતા હતા; તેમ છતાં સરકાર ખાનગી લેબોરેટરીઓને પરીક્ષણની છૂટ આપતી નહોતી. જાણે કે સરકારને જ લોકોની ભારે ચિંતા છે તેવી દલીલો કરતાં તેણે કોર્ટેને જણાવ્યું હતું કે ખાનગી લેબોરેટરીઝ લોકોને બિનજરૂરી ટેસ્ટ કરાવશે તેનાથી નાગરિકોના પૈસાનો વ્યય થશે એટલે જો સરકારી લેબોરેટરીની ક્ષમતા સમાપ્ત થઈ જાય તો જ ખાનગી લેબોરેટરીને મંજૂરી મળશે. હાઈકોર્ટના આદેશો અને ભારે પ્રયાસો પછી જ્યારે સરકારને ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણની છૂટ આપવી પડી ત્યારે તેણે એમ.ડી. ડોકટરની ભલામણ પછી જે તે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીનો લેખિત મંજૂરી આદેશ મેળવવાની શરત દાખલ કરી હતી. આ બાબત સામે પણ અમદાવાદ મેડિકલ એસોસિયેશને વાંધો લીધો હતો. રાજ્યમાં ખાસ તો જિલ્લા-તાલુકા લેવલે એમ.ડી. ડોકટરો જ નથી અને સરકારની મંજૂરીમાં ૩થી ૫ દિવસનો સમય લાગે છે એટલે તત્કાલ જરૂરી સર્જરી, અકસ્માત અને પ્રસૂતિના કેસોમાં ખૂબ જ મુશ્કેલી પડે છે. હાઈકોર્ટે આ બાબત સ્વીકારીને સરકારને એમ.ડી. ડોકટરની ભલામણ અને સરકારી તંત્રની મંજૂરીની શરત રદ્દ કરી માત્ર જાણ કરાવાનો આદેશ કર્યો હતો. સરકાર અને તેના બાબુઓનો આ તમામ અંતરાયોમાં ઊભા કરવાનો  એક માત્ર ઉદ્દેશ ઓછા ટેસ્ટિંગ અને  ઓછા સંક્રમિતો દર્શાવવાનો રહ્યો છે.

ગુજરાતના છ જિલ્લામાં ટેસ્ટિંગની સુવિધા જ નથી

મહામારીના આરંભે માર્ચ મહિનામાં ગુજરાતમાં માત્ર અમદાવાદ અને જામનગરમાં જ કોરોનાના ટેસ્ટિંગની સુવિધા હતી. વળી આ બંને સ્થળે પણ માત્ર સેમ્પલ લેવાતા હતા અને પરીક્ષણ માટે પૂના મોકલાતા હતા. આજે રાજ્યમાં ૩૪ સરકારી અને ૨૫ ખાનગી મળી ૫૯ કોરોના ટેસ્ટિંગ લેબ આવેલી છે. અને સંપૂર્ણ પરીક્ષણ અહીં જ થાય છે. પરંતુ અનેક રીતે સમૃદ્ધ ગણાતા ગુજરાત રાજ્યના ૧૧ જિલ્લામાં આજે પણ કોરોનાના ટેસ્ટિંગની કોઈ જ લેબોરેટરી નથી. સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ એ ત્રણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના ભરુચ ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મધ્ય ગુજરાતના પાંચ જિલ્લા આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં કોરોનાના ટેસ્ટિંગની સુવિધા નથી. હાઈકોર્ટે તાજેતરમાં જ આ બાબતે રાજ્ય સરકારની સ્પષ્ટતા માંગી છે અને સરકાર જાતે જ સુવિધા ઊભી કરવા માંગે છે કે કોર્ટ કોઈ આદેશ આપે તેમ પણ પૂછાવ્યું છે.

સરકારી મહેરબાનીથી ઊંચા ટેસ્ટિંગ ચાર્જ

કોરોના ટેસ્ટિંગના ઊંચા ચાર્જ લોકોની લૂંટ સમાન છે. સરકારી સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ૧૮મી માર્ચ ૨૦૨૦ના રોજ ખાનગી લેબોરેટરીઓમાં કોવિડ ટેસ્ટિંગનો દર (ચાર્જ) રૂ. ૪૫૦૦/- નક્કી કર્યો હતો. સુપ્રીમ કોર્ટેની જસ્ટિસ અશોક ભૂષણ અને એસ. રવીન્દ્ર ભટ્ટની બેન્ચે ૯મી એપ્રિલે ચુકાદો આપી સરકારને આદેશ કર્યો હતો કે સરકારી અને ખાનગી તમામ લેબોરેટરીમાં કોરોનો ટેસ્ટ મફત થવો જોઈએ. જે નાગરિક રૂ.૪૫૦૦/-  જેટલો ઊંચો દર ચૂકવી ન શકે તેને પરીક્ષણથી વંચિત ન રાખી શકાય. જો કે સરકાર અને આઈ.સી.એમ.આરે. આ બાબત સ્વીકારી નહોતી. એટલે સુપ્રીમ કોર્ટેને આ ચાર્જ માન્ય રાખવો પડ્યો હતો. જે સુપ્રીમ કોર્ટ એપ્રિલ મહિનામાં સરકારને મફત કોરોના ટેસ્ટ માટે આદેશ કરતી હતી તે જુલાઈના અંતે કેન્દ્ર સરકારને દેશમાં કોરોના ટેસ્ટિંગના ચાર્જમાં એકરૂપતા લાવવા વિનંતી કરે છે!  કેમ કે રાજ્યેરાજ્યે ટેસ્ટિંગના ચાર્જ અલગઅલગ છે. આઈ.સી.એમ.આરે. છેક મે માસના અંતે રૂ. ૪,૫૦૦ના ચાર્જની મર્યાદા ઉઠાવી લીધી તે પછી ઘણાં રાજ્યોએ આ દરમાં ઘટાડો કર્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશને પણ ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરીને માંગણી કરી હતી કે આ ટેસ્ટનો વાસ્તવિક ખર્ચ રૂ.૧,૬૦૦/-થી ૧,૮૦૦/- જ છે એટલે સરકાર વધુમાં વધુ રૂ.૨,૦૦૦/ ચાર્જ રાખી શકે ખાનગી લેબોરેટરીઓનો કોવિડ ચાર્જ નફા વગરનો, ન્યાયપૂર્ણ, વાસ્તવિક અને વાજબી રાખવાની માંગણી પણ આ તબીબોની સંસ્થાએ કરી હતી. બે એક મહિના ખાનગી લેબોરેટરીઓને કમાવા દીધા પછી જુદી જુદી રાજ્ય સરકારોએ ચાર્જમાં ઘટાડો કર્યો છે. મધ્ય પ્રદેશમાં રૂ.૧,૯૮૦/-, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં રૂ.૨,૨૦૦/, દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં, રૂ.૨,૪૦૦/-, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં રૂ. ૨,૫૦૦/- અને કર્ણાટકમાં રૂ.૨,૬૦૦/-નો ચાર્જ રાજ્ય સરકારોએ નક્કી કર્યો છે. સર્વોચ્ચ અદાલતની વિનંતી છતાં અગાઉ રૂ. ૪,૫૦૦/-નો ઊંચો દર નક્કી કરનાર કેન્દ્ર સરકારે તે દર જાતે ઘટાડવાને બદલે રાજ્યો પર નિર્ણય છોડ્યો હતો. તેથી સમગ્ર દેશમાં ચાર્જમાં કોઈ એકરૂપતા નથી.

અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં ખાનગી લેબોરેટરીઓને કોવિડ ટેસ્ટિંગની મંજૂરી મળશે તો તે લોકોને આવશ્યક નહીં હોય તો પણ ટેસ્ટ કરાવી બિનજરૂરી ખર્ચા કરાવશે તેવી દલીલ કરનારા ગુજરાત સરકારના આરોગ્ય તંત્રે જાતે નહીં લોકોની રજૂઆત પછી ટેસ્ટિંગ ચાર્જ ઘટાડ્યો છે !  ખર્ચ રૂ. ૧,૬૦૦થી રૂ. ૧,૮૦૦નો જ થાય છે અને વધુમાં વધુ રૂ. ૨,૦૦૦/- જ રાખી શકાય તેવી ડોકટરોના મંડળની ભલામણની ઉપરવટ જઈને સરકારે રૂ. ૨,૫૦૦/-નો દર ઠરાવ્યો છે. તે દર્શાવે છે કે સરકારના હૈયે કેટલું પ્રજાનું હિત વસ્યું છે અને કેટલું ખાનગી લેબોરેટરીના સંચાલકોનું વસ્યું છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે દેશમાં આરોગ્ય ક્ષેત્રે મોટું કામ કરવાનો દાવો કરનાર અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્હીમાં યુ.પી. સરકાર પછી કોરોના ટેસ્ટિંગના ચાર્જ ઘટાડ્યા હતા !

નંબર વન ગુજરાત ટેસ્ટિંગમાં તળિયે

મહામારીને નાથવા ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની રણનીતિ અપનાવવાની હોવા છતાં ભારત સરકાર અને રાજ્ય સરકારો  ટેસ્ટિંગના મામલે નિષ્ફળ રહી છે. યુ.કે.માં દર દસ લાખની વસ્તીએ ૨.૭ લાખના, અમેરિકા અને રશિયામાં ૨ લાખના ટેસ્ટિંગના થાય છે જ્યારે ભારતમાં તેની સંખ્યા ૧૮,૦૦૦ જ  છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ દરદીઓની સંખ્યા ૧૪મી ઓગસ્ટ સુધીમાં ૭૬,૫૬૯ છે અને તેમાંથી ૨,૭૪૮ના મોત થયા છે. રિકવરી રેટના ઊંચા અને મૃત્યુ દરના નીચા આંકડા પર ગુજરાતનું સરકારી તંત્ર મુસ્તાક રહે છે. પરંતુ જે ૨૦ રાજ્યોના દર દસ લાખે કોરોના ટેસ્ટિંગના આંકડા ઉપલબ્ધ છે તેમાં દિલ્હી પ્રથમ અને જમ્મુકશ્મીર બીજા ક્રમે છે. બે મહિના પછી જ્યાં નવી વિધાનસભા રચાવાની છે અને અત્યારથી જ ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે તે બિહાર સાવ તળિયે ૨૦મા ક્રમે છે. ભા.જ.પા.શાસિત અસમ, કર્ણાટક અને હરિયાણા અનુક્રમે પાંચમા, સાતમા અને આઠમા ક્રમે છે પરંતુ  ગુજરાત ચૌદમા ક્રમે અને તે પણ ઉત્તર પ્રદેશથી એક જ ક્રમ ઉપર છે.

હવે જ્યારે કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવાની ફરજ પડી છે ત્યારે અગાઉ જો ટેસ્ટિંગ વધારીશું તો રાજ્યની ૭૦% વસ્તી પોઝિટિવ આવશે અને લોકોમાં ભય ફેલાશે એવી દલીલ કરનાર રાજ્ય સરકારે એવી અદ્દભુત કારીગરી કરી છે કે ટેસ્ટિંગ વધારવા છતાં કોરોના સંક્રમિતોની સંખ્યા સ્થિર રહે છે. આ  ન સમજાય તેવી બાબત છે. ૯મી ઓગસ્ટે ૩૦,૯૮૫ના ટેસ્ટિંગ સામે કેસોની સંખ્યા ૧,૦૭૮ હતી. ૧૦મી ઓગસ્ટે ૨૯,૬૦૪ના ટેસ્ટિંગ સામે સંક્રમિતો ૧,૦૫૬, ૧૧મી ઓગસ્ટે ટેસ્ટિંગ ૪૧,૬૪૭ અને કેસો ૧,૧૧૮, ૧૪મી ઓગસ્ટે ૫૧,૨૨૫ જેટલા ઊંચા દરના ટેસ્ટિંગ સામે કેસો ૧,૦૮૭ જ છે. ગુજરાત સરકારનું ટેસ્ટિંગ મુદ્દે વલણ ઉદાસીન, ગુનાહિત બેદરકારી કે નકારાત્મક માનસિકતાનું જ નહીં ભારોભાર લોકવિરોધી છે. જો કે ટેસ્ટિંગના ટેસ્ટમાં ફેલ ગુજરાતના હાકેમોને તેનો લગીરે રંજ નથી.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ [સંવર્ધિત] આવૃત્તિ; 17 ઑગસ્ટ 2020; પૃ. 04-07

Category :- Samantar Gujarat / Samantar