SAMANTAR

(ઝવેરચંદ મેઘાણીના પુત્ર કરતાં પણ જેની ઓળખ એક સારા અનુવાદક અને સંપાદક તરીકે ગુજરાતને છે એવા અબ્રામા-વલસાડ ખાતે રહેતા વિનોદ મેઘાણીનું ૧૫ ફેબ્રુઆરી, ૨૦૦૯ રવિવારે સાંજે સાડા છએ દુ:ખદ નિધન થયું છે. ડિસેમ્બર-૨૦૦૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ઘણા માટે આશ્ચર્યજનક તો ઘણા માટે આઘાતજનક હતાં. વિનોદ મેઘાણીએ એ ગાળામાં જે વિચાર્યું-લખ્યું, તે વાગોળવું આપણા સૌ માટે ફળદાયી નીવડી શકે એમ છે. તેમના દુ:ખદ નિધન પ્રસંગે શોક વ્યકત કરવા સાથે તેમના વિચારોને સમજવા અને જીવનમાં ઉતારવાનો પ્રયાસ તેમના આત્માને શાતાકારી નીવડશે એવી આશાસહ તેમનો એ લેખ 'નિરીક્ષક'ના સૌજન્યથી અહીં શબ્દશ: મૂકીએ છીએ.)

સવારમાં નાહી-ધોઈને પવિત્ર મતનો ઉપયોગ કરવા ચાલ્યો. મતદાન-કેન્દ્ર શોધવું પડયું, નામ પણ પોતે જ શોધવું પડયું.

આ જ સ્વતંત્રતાની મીઠાશ, દોરંગા દેખીને ડરીયા તે જ આ કસુંબીનો રંગ, એ મૂડ. બ્રિટિશ કાળ દરમિયાન જન્મ થયેલો. પાપા પગલી કરી ત્યાં તો હરિપુરા કોંગ્રેસમાં બા-બાપુજી સાતે ગયેલો, પણ સ્મૃતિ નથી. બાળપણમાં દફતર મૂકવાના ગોખલા પાસે દીવાલ પર ચોંટાડેલાં ગાંધી-નેહરુ-સુભાષનાં જેવાં મળ્યાં તેવાં ચિત્રો સામે દીવો કરેલો અને પ્રાર્થના કરેલી તે ફળ્યાં તે જ આ સ્વતંત્રતા. ગાંધી-નેહરુએ દાયકાઓ કેદખાનાઓમાં વિતાવેલાં હજારો વર્ષ દરમિયાન વહેલાં મરેલાંના રુધિર અને જીવતાંના આંસુડાંઓની કલ્પના પ્યારા પ્રભુને સમર્પણ કરતા સ્વપ્નશીલ શાયરની લાલમલાલ આંખડી, ઘર પર ફરકતો ત્રિરંગો જોઈને હેલે ચડેલું હૃદય...તે જ આ સ્વતંત્રા...૧૯૪૭ના ૧૪મી ઓગસ્ટની મધરાતે અમદાવાદના સસ્તાઓ પર નાચતાં ટોળાંઓ ઊંઘભરી આંખે જોયલાં , તે આજે તાદ્રશ થાય છે અને થાય છે કે પગ થનગનતા હતા છતાં એ નાચમાં જોડાયો કેમ નહોતો?

ઇલેકટ્રોનિક વોટિંગ મશીન સામે ક્ષણભર તંદ્રામાં ઊભો હતો ત્યાં મતદાનકેન્દ્રના અધિકારીનો અવાજ આવ્યો: બટન દબાવો, બટન દબાવો...

...નામ તો જોવા દ્યો...

પણ ભાન થયું કે કોને મત આપવો તે નહીં પણ કોને ન આપવો તે હું નક્કી કરી રહ્યો હતો. ચાર ઉમેદવાર, ચાર બટન. એકેને મત નથી આપવો-નું પાંચમું બટન નહોતું.
પહેલા બેને તો નથી જ આપવો એમ વિચારીને બાકીના બે અજાણ્યાં નામોમાંથી એકની સામેનું બટન દબાવ્યું ત્યારે સભાન બન્યો કે એ પણ પવિત્ર મતનો દુરુપયોગ જ હતો, એ ક્ષણે આ આઝાદી માટેની લાયકાત હું ગુમાવી બેઠો નહોતો?

પરિણામને દિવસે પ્રતીતિ થઈ કે આવી પરિસ્થિતિ માટેની જવાબદારીમાંથી હું છટકી શકું એમ નહોતું. વર્ષોસુધી, સાત સાગર પર ઉછળતાં ઉછળતાં પણ રેડિયો દ્વારા પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વાગતા-ગવાતા જનગણમન સાંભળતો ને ફરકતા ત્રિરંગાની કલ્પનાથી અકથ્ય આનંદની છોળો ઊઠતી... પછી તો ટીવી આવ્યું... રંગીન ટીવી આવ્યું...કલ્પનાની જરૂર ન રહી. પહેલી વાર મતદાન કરવા ગયેલો ત્યારે પણ નાહીધોઈને ગયેલો...રાષ્ટ્રીય કટોકટી પછીની ચૂંટણી વેળાએ દાંત ભીંસીને મત આપેલો અને પરિણામો આવ્યાં ત્યારે રાતભર સાંભળેલાં. રસ્તાઓ પરની ભીડ વચ્ચે નાચતાં ટોળામાં કેમ નહોતો જોડાયો તે પણ ખબર નથી કારણ કે ઉમંગ તો હૃદયમાં સમાતો નહોતો.

આ દાયકાઓ દરમિયાન કયારેય એ મૂલ્યો કોઈને પણ સમજાવવા પ્રયત્નો નથી કર્યા. આઝાદી આવી પછી બંધારણ બન્યું, ૧૯૫૦માં ભારત ગણરાજય બન્યું. ધારાકીય, વહીવટી અને ન્યાય એ ત્રણનો સમન્વય કરતી શાસન પદ્ધતિ અમલમાં આવી. એ પ્રમાણે જ દેશ ચાલવો જોઈએ, કોઈને પણ, પોલીસને કે અધિકારીને કે પ્રજાને એ ન્યાય કે કાનૂન પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી એ વાતો પ્રજાને સમજાવવાની કોશિશ આજ સુધી નથી કરી. મારામારી કરતા અને ગૃહના કિંમતી કાર્યને અટકાવી દેતા અજ્ઞાની અને જડ સાંસદો અને ધારાસભ્યોના હાથમાં કાનૂન બનાવવાની ચાવી સોંપી દીધી. ભ્રષ્ટાચારી અને સત્તાલોલુપ રાજકારણીઓએ અને અમલદારોએ પ્રજાને ફાઇલબાજી કરીને ત્રાહીમામ પોકારાવ્યું. (એ અમલદારો આજે આપણાથી પણ વધારે નિરાશ છે.) તપાસ અને કાનૂનનો અમલ એવા બેવડા અધિકાર પોલીસખાતાના હાથમાં સોંપી દીધા. પોલીસને સત્તાધારીઓના હાથા બનાવવામાં આવ્યા. જડસુ વર્તનથી માનવ-અધિકારોને ઘોળીને પી જઈને રીબામણી કરવા જેવા અમાનવીય વ્યવહાર સામાન્ય બની ગયા, એટલું જ નહિ પણ રાજકારણીઓએ પોલીસનો ગેરઉપયોગ કરવો શરૂ કર્યો. પ્રજાએ એ ભયનું સામ્રાજય સ્વીકારી લીધું. રીબામણી અને સતામણી નહીં થાય એવી બાંહેધરી કોઈ પણ નેતાએ, ગૃહપ્રધાન બન્યા પછી પણ કયારેય ન આપી-ચૂંટણી વખતે પણ નહીં. કેસ-દસ્તાવેજોનાં ગોળ ફીંડલા, વકીલો અને લાંબી લાંબી મુદત પછી મુદત પાડતા ન્યાયાધીશો, એ આપણા ન્યાયતંત્રનાં પ્રતીક બની ગયાં. એ બધું નપુંસકની જેમ જોયા કર્યું. પ્રજા થાકી ગઈ. બંધારણ, માનવીય વહીવટ સ્વપ્ન બની ગયાં, એક ભ્રાંતિ બની ગયાં.

હવે એ થાકેલી પ્રજાએ ટૂંકો માર્ગ અપનાવ્યો છે. મૂલ્યો અને આદર્શોનાં મેણાં સાંભળવા એ તૈયાર છે, ન્યાય અને માનવીય વ્યવહારમાંથી એ શ્રદ્ધા ગુમાવી બેઠી છે. કાનૂન ઘડવાની, એનો અમલ કરવાની અને યોગ્યતા વિશે ન્યાય કરવાની સત્તા હાથમાં લેવા કોઈ વ્યકિત તૈયાર હોય તો પ્રજા એ આપવા તત્પર છે, એવું પરિણામ (૨૦૦૭ની વિધાન સભાની ચૂંટણીઓનું પરિણામ) પરથી પ્રતીત થાય છે. આ ચૂંટણીમાં પ્રજાને કોને સત્તા સોંપવી એ નક્કી કરવા માટે કોને નથી સોંપવી તે વાતનો આધાર લીધો છે.

લાઇનમાં ઊભાં છો કોઈ વાર? સ્કોલરશિપ કે લોન લેવા પ્રયત્ન કર્યો છે? લાંચ આપ્યા વિના બિલો ભરવાનો પ્રયાસ કર્યો છે? એ સત્તાલાલચુઓ તમારામાંના જ એક છે, એટલું જ નહીં પણ તમને ત્રાસગ્રસ્ત કરીને તમને પણ તેમણે પોતાનાં જેવા બનાવ્યાં છે કે જેથી તમે પણ એવું જ કરશો, ભૂલેચૂકેય તમારા હાથમાં સત્તા આવી તો. અરે ઘરસંસારના વ્યવહારોમાં પણ હવે આપણે ચાલાકી દાખલ કરી છે. પ્રજાનું ધ્રુવીકરણ તો કર્યું. સહેલો અને સરળ વ્યવહાર માગતી બહુમતીને અન્યને અન્યાય થાય તેની પરવા નથી રહી, વિલંબ પોતાને ન થવો જોઈએ એની જ એને પરવા છે. ન્યાય અને કાનૂન સૌને માટે સરખાં હોવાં જોઈએ એવું માનનારા આપણે હવે લઘુમતીમાં છીએ અને તેને માટે જવાબદાર આપણે જ છીએ તે કબૂલ કર્યે જ છૂટકો.

૧૯૩૪ની આસપાસ ગાંધીજીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, કોંગ્રેસ-સભ્યો સાથેના મતભેદોને કારણે. મુખ્ય મતભેદ હતો કાંતવા વિશે. કોંગ્રેસના સભ્યે રોજ કાંતવું જોઈએ એ નિયમ ગાંધીજીએ પસાર કરાવેલો તે કોંગ્રેસ-સભ્યોએ ખુલ્લંખુલ્લા અમાન્ય કર્યો. કેટલા બધા સામાજિક સેવાનાં કાર્યો કરવાનાં હતાં, ગામડાંમાં પ્રવાસો કરવાના હતા, એમને સમય નહોતો વગેરે. જવાહર સાથેનો મતભેદ હતો ૧૯૩૧ની કરાંચી કોંગ્રેસ પૂર્વેથી સમાજવાદ અને સર્વોદયને કારણે... સમાજવાદમાં બહુમતીના હિતની વાત હતી, સર્વોદયમાં સૌના-અન ટુ ધિસ લાસ્ટ-હિતની. ગાંધીજી વર્ધામાં પોતાનો રચનાત્મક કાર્યક્રમ લઈને બેસી ગયા. હાર્યા નહોતા. કોંગ્રેસ કયારે પણ બેફામ ન બની જાય એની સાવચેતી તરીકે તેમણે સંસ્થા સાથેનો સંબંધ અખંડ રાખ્યો હતો.

આપણે હારવાની જરૂર નથી. લોકશાહીમાં બહુમતી અને લઘુમતી હોય જ. એક પરિચિતે ચૂંટણીનાં પરિણામો પછી અકળાઈને ફોન કરેલો કે આપણને જે અન્યાયી લાગતા હતા તેવા એક પણ માંધાતા હાર્યા નહોતા. આ જ આઝાદી. ખુશ થવાનું છે અને કમર કસીને એ બહુમતીને સમજાવવાના પ્રયત્નો કરવાના છે કે એમની પસંદગી ખોટી હતી, દેશમાં કાનૂન અને ન્યાય તો હોવાં જ જોઈએ.

ઇતિહાસના કોઈક ગાળામાં પ્રજાજનો ધીમા કે નબળા પડે તેથી હાથ ધોઈ નાખવાની જરૂર નથી. એની જવાબદારી બીજા પર નાખી ન શકાય. આપણી પોતાની જવાબદારી કેટલી? પોતાની જાતને વધારે હોંશિયાર અને મૂલ્યપ્રેમી માનનારા સૌ આટલાં વર્ષોકયાં હતા? ચૂંટણીમાં નહોતું પડવું પણ ઉપદેશો આપવાનો પોતાનો અધિકાર અકબંધ રાખીને એ બેઠા રહ્યાં. સરકારી નોકરી નહોતી કરવી, હોલિયર ધેન ધાઉ! ગુનેગારો ઉપર સુધી પહોંચી ગયા તોપણ કયારેય અવાજ ન ઉઠાવ્યો. લાંચ આપનાર વડાપ્રધાન હોય, હુલ્લડો કરાવનાર મોટા રાજકારણીઓ હોય કે ધર્માંધો હોય પણ સજા થવી જ જોઈએ એવું આપણામાંથી કેટલા બોલ્યા? ચાલો, જવાબદારીનો સ્વીકાર કરીએ કે સૌથી વધુ જવાબદારી એ ઘૂસણખોરોની નહીં પણ એમને છૂટો દોર આપનારાંની, આપણી.

ચાલો, હારી જવાને બદલે ફરીથી વિચાર કરીએ કે હવે શું?

લઘુમતીએ બહુમતીને સમજાવવાના પ્રયત્નો જારી રાખવાના હોય કે મૂલ્યો અને આદર્શોથી જ દેશ ચાલવો જોઈએ, નહિ તો અરાજકતાનો એ રેલો કયારેક આપણા પગ નીચે પણ આવી શકે. મહાયુદ્ધ પછી પ્રખ્યાત નુરમ્બર્ગ અદાલત બેઠી હતી. હિટલરની નેતાગીરી હેઠળ જર્મનીએ કરેલા અત્યાચારોના કિસ્સાઓ તપાસતી અદાલત સમક્ષ એક પછી એક આરોપીઓએ બચાવ કરેલો કે શું થઈ રહ્યું હતું તેની એમને ખબર નહોતી. નુરમ્બર્ગ અદાલતે એ બચાવ માન્ય નહોતો કર્યો. ત્યારથી આજે પણ કાનૂનનું અજ્ઞાન કાનૂની બચાવ તરીકે નથી સ્વીકારાતું. આપણે જો આ વાતો બહુમતીને નહીં સમજાવી શકીએ તો દેશ આખો વિનાશને માર્ગે જશે. બહુમતીને એ પણ સમજાવવાની જરૂર છે કે સત્તા મળે એટલે માત્ર બહુમતીના હિતને નહિ, માત્ર આપણા રાજયના શ્રેયને નહિ, માત્ર રાષ્ટ્રીય હિતને નહિ, પણ વિશ્વભરની વસતી, રીબાતી, રૂંધાતી માનવતાના હિતને નજરમાં રાખવાનું હોય. જો સાચી દ્રષ્ટિ હશે તો એકનું હિત તે બીજાનું બની જ રહેશે. આ સમજાવટનું કામ હવે લઘુમતીનું છે, જો લઘુમતી ખરેખર તેમાં માનતી હોય તો. પણ આપણી લઘુમતીનું સૌથી ભગીરથ કાર્ય તો જુદું જ છે. આપણે માનીએ છીએ કે એક નેતા ગેરમાર્ગે જઈ રહ્યાં છે, એને સાચે માર્ગે લાવવાનું શકય નથી? ભલાભલાને આપણે ચલાવી લીધા છે: નેહરુએ ચીન પર વધારે પડતો વિશ્વાસ મૂકેલો એ કારણે ભારતનો મોટો વિસ્તાર ચીનના કબજામાં ગયો. યુદ્ધ, ખુંવારી અને ખર્ચ થયાં, પ્રજાનું ગૌરવ હણાયું. પ્રજાએ એમને પોતાના નેતા માન્યા હતા અને માનતી રહી. રાષ્ટ્રીય કટોકટી બીજું ઉદાહરણ છે. અન્યાયોના અગ્નિધખારા થયા પણ ઇન્દિરા ગાંધીને એક જ દિવસની કેદ થઈ, કેદખાનાનો એ ખંડ સજજ કરવા અને તેમાં એ કાળમાં દુર્લભ એવું ટીવી મૂકવામાં કેટલો બધો ખર્ચ થયો હતો? પણ આખરે આખરે આપણાં ચૂંટેલાં નેતા હતાં. તો પછી નિષ્પક્ષ ચૂંટણી કમિશન દ્વારા થયેલી ચૂંટણીમાં એક વ્યકિતને ગુજરાતના મતદાતાઓએ બીજી વાર બહુ મોટી બહુમતી આપી છે, એ યાદ રાખીને એ વ્યકિત આપણે જેને સાચો માર્ગ ગણીએ છીએ એ માર્ગે વળે એવો પ્રયત્ન કરવો ન જોઈએ? એ પણ શકય લાગતું ન હોય તો એને ખસેડવાના માર્ગો કયાં ખલાસ થયા છે? વર્ષોપહેલાં આપણે ચીન-રુસથી જુદો માર્ગ અપનાવેલો અને અજ્ઞાન પ્રજાને શિક્ષણ દ્વારા જ પ્રગતિને માર્ગે આગળ વધારવાનું સ્વીકારેલું. એ દિશામાં આપણે પૂરતા પ્રયત્નો નથી કર્યા એ તો નિર્વિવાદ છે. બહુમતીને આપણી વાત સમજાવવાનું કામ આપણને એટલું બધું જટિલ લાગે છે?

બહુમતીએ એક ખૂબ જ જોખમી રસ્તા ઉપર પગલાં માંડયાં છે. વિકાસને નામે કોઈ પણ લઘુમતી પર જબરજસ્તી ન થાય તે ધોરણ આ બહુમતીએ સ્વીકારવું જ રહ્યું. એને કારગત પણ બનાવવું રહ્યું નહીં તો અરાજકતા ફેલાતી જ જશે. રાજા જયસિંહ સિદ્ધરાજ અને પાટણની વાત આપણને ગુજરાતની અસ્મિતાને નામે કરવામાં આવે છે. તો આ પણ સાંભળો: મલાવ તળાવ બંધાતું હતું. તળાવની યોજનાના વિસ્તારમાં વચ્ચોવચ્ચ એક વેશ્યાનો આવાસ હતો. એણે તળાવ માટે એ આપવાની ના પાડી. વહીવટકારોએ હુકમ છોડયોં જમીનદોસ્ત કરો. રઘવાઈ બનેલી રૂપજીવિની મીનળદેવી પાસે પહોંચી. રાજમાતાએ પુત્રને બોલાવીને રાજધર્મ સમજાવ્યો. એ આવાસને આંચ નહોતી આવી.

રાજકીય પક્ષોએ વધારે વિચારીને ઉમેદવારો નક્કી કરવા પડશે. સૌરાષ્ટ્રના મતદારોએ નાત-જાત વિશે જે પાઠ ભણાવ્યો તે ધર્મવાદી સત્તાધારી પક્ષ નહિ ભલે એવી આશા રાખીએ. પ્રજાને મજબૂત અને અડિખમ નેતા ગમે છે, એ ગુજરાતના વિરોધ પક્ષે સ્વીકારવું પડશે. લોકશાહી છે એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના નેતા ચૂંટશે એ રટણ આઉટ ઓફ ડેટ બની ગયું. માનવ માત્ર પોતાનાથી વધારે સક્ષમ વિચારકને જ નેતા તરીકે સ્વીકારે છે, ભારતમાં ગાંધી-નેહરુ-સુભાષ-વલ્લભભાઈએ એ પ્રતીતિ કરાવી છે. વિદેશોમાં પણ આવા દાખલા ઓછા નથી: કાસ્ટ્રો, કેનેડી, ચર્ચિલ...કયારેક આ પસંદગીમાં ભૂલ થવાનો સંભવ હોય છે, તેનાં ઉદાહરણો હિટલ કે મુસોલિની કે સુકર્ણો. આપણી પાડોશમાં પણ એવા દાખલા જોવા મળશે. ખોટી વ્યકિતઓ સત્તા ધારણ કરે ત્યારે પ્રજા કેટલી હાલાકી ભોગવે છે તેની પ્રતીતિરૂપ છે ગુજરાતનો તાજો ભૂતકાળ.

વીસમી સદીમાં એક ચૂંટણી વખતે વિનોબાજીએ કહેલું કે વ્યકિત જોઈને મત આપવો જોઈએ. આજના મતદાતાએ એ વિશે વિચાર કરવા જેવો છે. પક્ષો સિદ્ધાંતોથી ચલિત થયા છે, સામ્યવાદીઓ પણ. દરેક પક્ષ વિકાસનાં બણગાં ફૂંકે છે, પણ વાદોની અને ધર્માધતાની ભ્રાંતિ ફેલાવ્યે જાય છે. આદર્શહીન પક્ષપલટા કરનારાંનો પાર નથી રહ્યો ત્યારે હવે પછીની ચૂંટણીમાં વ્યકિત જ મહત્ત્વની રહેવી ન જોઈએ? ટીવી પર એક જાહેરખબર સૌએ જોઈ હશે: મત માગવા આવેલા ઉમેદવારને ચા પીતો યુવાન પૂછે છે કે લાયકાત જણાવો, હા, ઇન્ટરવ્યૂ જ સમજો, દેશને ચલાવવા માટેના કામ માટે ઇન્ટરવ્યૂ તો આપવો જ પડે ને!

ચાલો, સંકલ્પ કરીએ કે ન્યાય અને કાનૂન સાબૂત રાખવા બધું કરી છૂટીશું, નિરાશા આપણને ઘેરી વળે એવું નહિ થવા દઈએ. આ પરિણામને લોકશાહીની જીત માનીશું. આઝાદીના લક્ષણ તરીકે સ્વીકારીશું અને આવતી કાલનો વિચાર કરીશું. જેને માટે ભગતસિંહ (હસતાં હસતાં) ફાંસીએ ચડેલા, જેને માટે સુભાષે જાનની બાજી લગાવી, જેને માટે ગાંધીએ પોતાનું સર્વસ્વ હોડમાં મૂકેલું-પોતાનો પ્રિય વાંચનશોખ જતો કરેલો, જવાહરલાલ નીવડયા તેથી મહાન લેખક બન્યા હોત, અનામી ક્રાંતિકારીઓ વર્ષોનાં વર્ષોસુધી જંગલોમાં રઝળેલાં...ના, નિરાશાએ એમને ડરાવ્યા નહોતાં. આપણે તો ઘણી વધારે સારી હાલતમાં છીએ. ફાંસીએ ચડવાની, જંગલોમાં રઝળવાની કે કેદખાનાઓમાં સબડવાની જરૂર નથી. ચાલો, ધારાસભાઓને, વહીવટી તંત્રને, ન્યાયપાલિકાને, સાહિત્ય અને કલાઓની રાષ્ટ્રીય સંસ્થાઓને મજબૂત બનાવવા મથીએ. એક સ્વતંત્ર રાષ્ટ્ર માટે આ બધી સંસ્થાઓને મજબૂત બનાવવા મથીએ. એક સ્વતંત્ર રાષ્ટ્ર માટે આ બધી સંસ્થાઓ કેટલી મહત્ત્વની છે તે સૌને સમજાવતાં રહીએ. ચાલો, એ ભગતસિંહને નામે સોગંદ લઈએ કે લાંચ તો નહિ આપીએ કે નહિ લઈએ.

આ છે ગુલામ ભારતમાં જન્મેલા એક ભારતીયની આહ અને આરઝુ...

લાળી રાત ચોગમ ઘૂઘવે
લાખો શાપ બંધુજનો લવે,
વાલા વેરી થૈ રોવે-મૂંઝવે
છુપ્યા ચંદ્ર-સૂરજ તારલા, મધસાગરે મારી નાવડી
ત્યાં યે જોઉં દૂર ઝબૂકતી, તારા દ્વારાની ઝીણી દીવડી
-તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી.
(ડિસેમ્બર-૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ વિચારપત્ર 'નિરીક્ષક'ના ૧ ફેબ્રુઆરી,૨૦૦૮ના અંક પ્રસિદ્ધ થયેલો લેખ)

Category :- Samantar Gujarat / Samantar

વિનોદ મેઘાણીની વિદાય

ઉર્વીશ કોઠારી

મેઘાણી સાહિત્યનાં ઉત્તમ સંપાદનો અને કેટલાકના અનુવાદ દ્વારા સાહિત્યરસિકોમાં પ્રિય બનેલા વિનોદ મેઘાણીનું ગઈ કાલે કીડનીની બીમારીથી અવસાન થયું. સુરતથી ફયસલ બકીલી અને અમદાવાદથી સંજય ભાવેએ સમાચાર આપ્યા, ત્યારે સહજ સવાલ થયોઃ વિનોદભાઈ અત્યારે શાનું કામ કરતા હતા? સંજયભાઈએ કહ્યું,’મહાદેવભાઈની ડાયરીનું સંપાદન’.

અને નારાયણભાઈ દેસાઇના એક ઇન્ટરવ્યુ વખતે તેમની સાથે થયેલો સંવાદ યાદ આવ્યો. મહાદેવભાઈની ડાયરીના અધૂરા કામ વિશે પૂછતાં તેમણે કોઈ અંધશ્રદ્ધાની રીતે નહીં, પણ દુઃખદ સંયોગ તરીકે કહ્યું હતું કે એ કામ કરી શકે એવા માણસો ઓછા છે અને જે હાથમાં લે તે પૂરું કરે એ પહેલાં જ વિદાય થાય છે. તેમણે અગાઉના બે-ત્રણ દાખલા (નરહરિભાઈ પરીખ, ચંદુભાઈ દલાલ, મહેન્દ્ર દેસાઇ) પણ આપ્યા હતા. વિનોદભાઈના અવસાનથી એ સંયોગ વધુ દૃઢ થશે.
વિનોદભાઈ-હિમાંશીબહેન (શેલત)ની જોડીમાંથી હિમાંશીબહેનનું નામ વાર્તાકાર-સાહિત્યકાર તરીકે જાણીતું, જ્યારે વિનોદભાઈનું વધારે જાણીતું પ્રદાન એ તેમનાં સંપાદનો અને અનુવાદો. અરવિંગ સ્ટોને લખેલા ચિત્રકાર વાન ગોગના ચરિત્રનો વિનોદભાઈએ ‘સળગતાં સૂરજમુખી’ શીર્ષકથી અનુવાદ કર્યો હતો. એ પુસ્તક દ્વારા વાન ગોગના જીવનસંઘર્ષના સ્ટોને કરેલા આલેખનને વિનોદભાઈએ પૂરી સફળતાથી ગુજરાતીમાં ઉતાર્યું અને ગુજરાતી વાચકોને ન્યાલ કર્યા. અરવિંગ સ્ટોનની પરવાનગી મેળવ્યા પછી આ પુસ્તકનો પહેલો અનુવાદ તેમણે 1971માં કર્યો. પછી 1990માં વાન ગોગની શતાબ્દિ નિમિત્તે એ જ પુસ્તકના અનુવાદનું નવેસરથી કામ વિનોદભાઈએ નવેસરથી હાથમાં લીધું. કારણઃ ‘શબ્દે શબ્દે વાક્યે વાક્યે અનુવાદની નબળાઇઓ દાંતિયા કરવા લાગી.’

વિનોદભાઈએ મેઘાણીની કેટલીક કૃતિઓના અંગ્રેજી અનુવાદનું મોટું કામ કર્યું. ‘માણસાઇના દીવા’ને ‘અર્થન લેમ્પ્સ’ તરીકે તથા સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓને ‘એ નોબેલ હેરીટેજ’, ‘ધ શેડ ક્રીમ્સન’ અને ‘એ રુબી શેટર્ડ’ એમ ત્રણ અંગ્રેજી સંગ્રહોમાં તેમણે મુકી. હિમાંશીબહેન સાથે મળીને તેમણે કરેલું પિતા ઝવેરચંદ મેઘાણીના પત્રોનું દળદાર સંપાદન ‘લિ.હું આવું છું’ ઉડઝૂડિયાં સંપાદનોથી ગ્રસ્ત સાહિત્યક્ષેત્રે જુદું તરી આવે એવું છે.

ઝવેરચંદ મેઘાણીના પત્રોમાં જેમનો ઉલ્લેખ ‘બાબો’ અથવા ‘બાબાભાઈ’ તરીકે વાંચવા મળે છે તે વિનોદભાઈ, મેઘાણીનાં નવ સંતાનોમાંથી મૃત્યુમાર્ગે પિતા પાસે પહોંચનારા પ્રથમ છે. થોડા દિવસ પહેલાં મહેન્દ્રભાઈ મેઘાણીએ ભાઈ બીરેન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મેઘાણીનાં નવે સંતાન હયાત છે, પણ હવે મારો નંબર છે.’

73 વર્ષના વિનોદભાઈના અવસાનથી મેઘાણીના વારસોની બિરાદરીમાં ખોટકો પડ્યો છે. એ તેમની અંગત ખોટ તો છે જ. સાથે અનેક સાહિત્યરસિકોની પણ ખોટ રહેશે. 

Category :- Samantar Gujarat / Samantar