SAMANTAR

‘નાસા’માં ૩૬ ટકા વૈજ્ઞાનિકો ભારતીય છે? દેશ વિશેના ઉંચા અને સાવ ખોટા ભ્રમમાં રાચનારાની સંખ્યા બહુ મોટી હોય છે, ચાહે તે ભારત હોય કે અમેરિકા.

ઇન્ટરનેટ પર દર થોડા વખતે અક્કરચક્કરમાંથી એક મેઇલ અથડાઇ જાય છે. કોઇ ને કોઇ ગૌરવવંતો ભારતીય એ મેઇલ ફોરવર્ડ કરે છે. ‘મેરા ભારત મહાન’ પ્રકારના એ મેઇલમાં કેટલાક આંકડા મુકવામાં આવ્યા છે. જેમ કે, અમેરિકાની પ્રતિષ્ઠિત અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’માં ૩૬ ટકા વૈજ્ઞાનિકો ભારતીય છે, અમેરિકાની તબીબી આલમમાં ૩૮ ટકા ડોક્ટર ભારતીય છે, બિલ ગેટ્સના માઇક્રોસોફ્ટ કોર્પોરેશનમાં ૩૪ ટકા કર્મચારીઓ ભારતીય છે....આવી લાંબીલચક યાદીનો સાર સ્પષ્ટ છે અમેરિકા જેવા અમેરિકાને ભારતીયોની બુદ્ધિ વગર ચાલતું નથી. માટે હે ડફોળો, તમે (ભારતીયો હોવા છતાં) હજુ ન જાણતા હો તો જાણી લો કે તમારો દેશ કેટલો મહાન છે!

આ પ્રકારના, લગભગ સંતોષીમાના પોસ્ટકાર્ડ પ્રકારના ચેઇન ઇ-મેઇલ ગંભીરતાથી લેનારો એક વર્ગ છે. એ વર્ગમાં ન આવતા લોકો પણ ‘રાષ્ટ્રીય ગૌરવ’ની વાત આવે ત્યારે પોતાનાં ધારાધોરણોમાં છૂટછાટ મુકીને ચેઇન ઇ-મેઇલમાં લખેલા દાવા માનવા લલચાય છે. એ દાવામાં જણાવાતી વિગતો સાચી હોય તો પણ શું? એ પાયાનો સવાલ છે. દા.ત. ‘નાસા’માં કામ કરનારા ૩૬ ટકા વૈજ્ઞાનિકો ભારતીય હોય, તેનાથી ભારતને કે ભારતીયોને કંઇ ફરક પડે છે? ‘આવી મોટી જગ્યાએ આપણો દેશી માણસ હોય તો ફેર પડે.’ એવો દેશી હિસાબ ‘નાસા’ પ્રકારની સંસ્થાઓમાં ચાલતો નથી. બીજી મહત્ત્વની, યાદ રાખવા જેવી અને હૈયે કોતરી રાખવા જેવી બાબત એ હોય છે કે અમેરિકાની કોઇ પણ કંપનીમાં કામ કરનારા લોકો કોઇ પણ મૂળના હોય, પણ તે અમેરિકાના નાગરિક હોય છે. કલ્પના ચાવલા કે સુનિતા વિલિયમ્સ પ્રકારના લોકોને આપણે ભારતીય કહીને છાતી ફુલાવીએ ત્યારે એ હકીકત સગવડપૂર્વક ભુલાવી દેવામાં આવે છે. ત્યાર પછી કલ્પના ચાવલા કે સુનિતા વિલિયમ્સ પાસેથી સવાયા ભારતપ્રેમની અપેક્ષા રાખવામાં આવે છે, તેમની પર ભારતપ્રેમનો દેખાડો કરવાનું જબ્બર દબાણ ઉભું કરવામાં આવે છે અને દેખાડામાં એ જરાય ઉણાં ઉતરે તો તે ટીકાને પાત્ર બને છે. આ તે ક્યાંનો ન્યાય?

‘નાસા’ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ભારતીયો કામ કરતા હોય તેનું ‘રીમોટ ગૌરવ’ લઇને કરવાનું શું? કોઇ એવું વિચારે છે કે મારા ગામની સ્કૂલમાંથી હું પાંચ વિદ્યાર્થીઓ એવા તૈયાર કરીશ કે એ દુનિયાની કોઇ પણ કંપનીમાં ચાલે? અમેરિકાની નામી કંપનીઓમાં અશ્વેતોને કામ કરતા જોઇને કોઇને એવું થાય છે કે હું મારા ગામની સ્કૂલમાં ભણતા તેજસ્વી દલિત વિદ્યાર્થીઓ પર પ્રાથમિક શિક્ષણથી જ એવું ઘ્યાન આપીશ કે તે સારી રીતે ભણે અને સારા ટકા મેળવ્યા પછી પણ તેમને, ઘણા કિસ્સમાં બને છે તેમ, માત્ર દલિત હોવાને કારણે નોકરીથી વંચિત ન રહેવું પડે? ‘નાસા’માં ગમે તેટલા ભારતીયો હોય, પણ તેનાથી ભારતની-ભારતવાસીઓની સ્થિતિમાં કશો ફરક ન પડવાનો હોય, તો ગૌરવ કેવું ને વાત કેવી? પરંતુ, ઢાંકવાપાત્ર વર્તમાનને સંતાડવા માટે ભૂતકાળના ગૌરવની ચાદર ટૂંકી પડતી જણાય ત્યારે તેમાં આવાં ઉછીના ગૌરવનાં થીંગડાં મારવામાં આવે છે. દેશપ્રેમના નામે ગૌરવનું થીંગડીયું કપડું ચાલી જાય છે. કોઇ પૂછે તો એને ભારતના સંસ્કાર અને સંસ્કૃતિની આણ છે.

હદ તો ત્યારે થઇ, જ્યારે ઇન્ટરનેટ પર ચાલતી આ ગૌરવબાજીને માનવ સંસાધન ખાતાનાં રાજ્ય કક્ષાના મંત્રીએ ‘આંકડાકીય વિગતો’ તરીકે રાજ્યસભામાં રજૂ કરી. તેમણે આપેલા આકંડામાં નાસા અને માઇક્રોસોફ્ટ ઉપરાંત આઇબીએમ (૨૮ ટકા ભારતીયો), ઇન્ટેલ (૧૭ ટકા), ઝેરોક્સ (૧૩ ટકા )નો પણ સમાવેશ થાય છે.

ઉપલા ગૃહ કહેવાતી રાજ્ય સભામાં રજૂ થયેલી આ વિગતોનો આશય ભારતમાં ઉચ્ચ શિક્ષણ પાછળ થતો ખર્ચ વાજબી ઠેરવવાનો હતો. પરંતુ ઉચ્ચ શિક્ષણની જેમ તેની સિદ્ધિ સૂચવતા આંકડામાં પણ મોટે પાયે ગરબડગોટાળા છે. ‘નાસા’માં રીસર્ચ સાયન્ટિસ્ટ તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરી ચૂકેલા  સુજિત સરાફે થોડા વખત પહેલાં ‘તહલકા’ સાપ્તાહિકમાં લખ્યું હતું કે ‘નાસા’માં ૩૬ ટકા વૈજ્ઞાનિકો ભારતીય હોય તેનો અર્થ એ થયો કે દર ત્રીજો વૈજ્ઞાનિક ભારતીય થાય. પણ હું ઘણા સમય સુધી નાસા સાથે સંકળાયેલો હતો. ત્યારે મને ઝાઝા પ્રમાણમાં ભારતીયો જોવા મળતા ન હતા.’

‘અમેરિકામાં ભારતીયોનો કેવો જયજયકાર છે એ વિશેના અખબારી અહેવાલોને અમેરિકામાં રહેતા ભારતીયો ઠંડા કલેજે વાંચીને હસી કાઢે છે.’ એવું કહેતા સરાફે રાજ્ય સભામાં મંત્રીશ્રીએ કરેલા દાવાની ચકાસણી કરી. તેમાં જાણવા મળ્યું કે ‘ભારતીય’ જેવો કોઇ વિભાગ નથી. એશિયન્સ અને પેસિફિક આઇલેન્ડર્સ - આ બેમાંથી કોઇ વિભાગમાં ભારતીયોને સમાવાયા હોય એવી શક્યતા હતી. ‘નાસા’ના કુલ ૧૧,૧૫૭ કર્મચારીઓમાંથી એશિયન્સ અને પેસિફિક આઇલેન્ડર્સની સંખ્યા ૮૮૬ હતી. તેમાં ૩૪ ‘મલ્ટીકલ્ચરલ’ (બહુસાંસ્કૃતિક) કર્મચારીઓ ઉમેર્યા પછી પ્રમાણ ૮ ટકાએ પહોંચ્યું. નાસામાં પીએચ.ડી. ધરાવનારા કુલ ૧૯૧૯ લોકોમાં ઉપરના બન્ને વિભાગોના લોકોની સંખ્યા ૨૯૩ છે. (૧૫ ટકા). આ સિવાય કોન્ટ્રાક્ટથી કે બીજી કોઇ પણ રીતે નાસામાં વિજ્ઞાનના કામ સાથે સંકળાયેલા લોકોમાંથી ભારતીયોની ટકાવારી કાઢવામાં આવે તો, સરાફની ગણતરી પ્રમાણે એ ટકાવારી ૩ થી ૬ ટકા જેટલી થાય. પરંતુ કહેનારને ગૌરવ થતું હોય અને સાંભળનારને પણ ગૌરવ થતું હોય, તો ક્યા કરેગા કાજી?

હકીકત જાણ્યા વગર ગૌરવ અનુભવવાની માનસિકતા અમેરિકાના લોકોમાં પણ છે. માનવામાં આવે કે ન આવે, પણ બાળમરણના પ્રમાણની બાબતમાં અમેરિકા ૨૮મા નંબરે છે. ત્યાં દર ૧,૦૦૦ બાળજન્મમાંથી ૭ બાળકો મૃત્યુ પામે છે. આ બાબતમાં પોર્ટુગલ, ગ્રીસ, ઉત્તર આયર્લેન્ડ અને ઝેક રિપબ્લિક જેવા દેશો અમેરિકા કરતાં વધારે ઉજળો રેકોર્ડ ધરાવે છે. બાળમૃત્યુદર માટે ગરીબી અને બેજવાબદારી જેવાં સામાજિક પરિબળો ઘ્યાનમાં લઇએ તો પણ, કેન્સર  અને ડાયાબીટીસ જેવા રોગોની સારવારમાં એ મુદ્દા લાગુ પડતા નથી.  છતાં, અમેરિકા બીજા ઘણા દેશો કરતાં પાછળ છે. બ્રેસ્ટ કેન્સરના દર્દીઓનો બચી જવાનો દર અમેરિકા કરતાં બ્રિટન, નોર્વે કે સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોમાં વધારે ઉંચો છે. જર્મની કે સ્વીડનની સરખામણીમાં અસ્થમાના કારણે મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ અમેરિકામાં બમણું છે. છતાં, મઝાની વાત એ છે કે મોટા ભાગના અમેરિકનો એમ ધારે છે કે તેમનો દેશ આરોગ્યની સુવિધાઓની બાબતમાં દુનિયાભરમાં નંબર વન છે.

લાગે છે કે દેશપ્રેમના ચળકતા પેકિંગમાં વીંટળાઇને પેશ થતા મિથ્યાભિમાન કે ભાગેડુવૃત્તિનો કોઇ ઇલાજ નથી. 

Category :- Samantar Gujarat / Samantar

એક મોટું કારણ એ પણ છે કે ત્યાં છેલ્લા બેત્રણ દસકાથી સાહિત્યકારો સામાજિક પ્રશ્નો સાથે શ્વસે છે. સાહિત્ય જયારે સામાજિક સમસ્યાઓની સાચી અભિવ્યકિત કરતું થાય છે ત્યારે જ તે સમૃદ્ધ ને ઉદાત્ત બને છે અને પોતાના સમયનો પડકાર ઝીલવાને કાબેલ બને છે. સમાજના પ્રશ્નો સાહિત્યને જીવંત બનાવે છે અને સમાજાભિમુખ સાહિત્ય સમાજને ટટ્ટાર બનાવે છે.

આપણે આત્મશકિતનું ભાન કેળવવું પડશે. આપણે એવું વિચારીએ છીએ ખરા કે શાસન કરતાં સાહિત્ય વધુ શાશ્વત છે? શેકસપિયરે પોતાનું પ્રથમ કાવ્ય 'વીનસ એન્ડ એડોનિસ' સાઉથમહનના જે અર્લને અર્પણ કર્યું હતું અને આજે તેને કોણ યાદ કરે છે? રાજા ભોજ કરતાં કાલિદાસની ખ્યાતિ વધુ ચિરંજીવી છે. અકબર બાદશાહ કરતાં તુલસીદાસ આજે ઘણા વધારે મોટા સમુદાયના હૈયામાં વસે છે. સાહિત્યનું ગૌરવ સાહિત્યની ગુણવત્તાથી વધે છે. તત્કાલીન શાસન દ્વારા એને અપાયેલ સમ્માનથી નહિ, એટલું જો સાહિત્યકાર સમજી જશે તો એ સાહિત્યની સાચી સેવામાં મન પરોવશે અને ઘણા ક્ષુદ્ર રાગદ્વેષોથી બચી જશે.

સમાજના સળગતા પ્રશ્નોમાં જયારે સાહિત્યકાર રસ લેવા માંડશે ત્યારે એ કાંઈ જરૂરી નથી કે એ જાતે કર્મશીલ બને. વિકટર હ્યુગો કે ગોર્કીના સાહિત્યે અનેક કર્મશીલોની ગરજ સારી હતી. કર્મશીલનું જોમ જેટલું સાહિત્યકારની કૃતિમાં દેખાશે એટલી એની કૃતિઓ તેજસ્વી બનશે અને સાહિત્યકારની સંવેદનશીલતા અને લાલિત્ય જેટલા કર્મશીલમાં આવશે તેટલી તેના કર્મમાં સુસંસ્કારિતા આવશે. કર્મશીલ અને સાહિત્યકાર વચ્ચે પારસ્પરિકતાને અભાવે ઘણી વાર સાહિત્ય નિસ્તેજ અને કર્મશીલતા સંસ્કારિતામાં ઊણી ઊતરતી દેખાય છે. આખી પ્રજાની વેદના જયારે આપણા સાહિત્યમાં સ્થાન પામે છે ત્યારે એ સાહિત્ય ધરતી પર નક્કર પગલાં માંડતું છતાં ઊચે આકાશમાં મસ્તક રાખી દૂર દૂરની ક્ષિતિજો ભાળતું જણાય છે.

આજની જટિલ અને કુટિલ દુનિયામાં વ્યકિતનું વ્યકિતત્વ કુંઠિતથાય છે. પહેલાં કદી નહોતાં અનુભવ્યાં એટલાં માનસિક દબાણો, સમસ્યાઓ અને રોગો આજે જગતનો નાગરિક અનુભવી રહ્યો છે. આજનો સાહિત્કાર પોતાના જીવન અને સર્જન દ્વારા જગતના સરેરાશ નાગરિકને, સામાન્યજનને કાંઈ શાંતિ, સ્ફૂર્તિ અને આનંદની અનુભૂતિ કરાવી શકશે? આરંભ આપણે આપણી જાતથી કરવાનો છે, પણ પહોંચવાનું છે આપણે જગત સુધી. ભીતર આત્મનિરીક્ષણ, પરીક્ષણ અને શોધન અને બહાર સ્વાઘ્યાય, પરિશ્રમ અને સંશોધન કરીને તે આ દિશામાં આગળ વધી શકે છે.

સમાજ આજે ખંડ ખંડ થઈ ગયો છે. એના એક અંગને બીજા અંગની કાંઈ પડી નથી. આજે જયારે જાગતિક સ્તર પર આખી માનવતા હિતનો વિચાર કરવો જરૂરી થઈ ગયો છે ત્યારે સંકુચિત હિત પરસ્પર ટકરાય છે, તેમાંથી નીપજે છે હિંસા, આતંક, કલહ અને યુદ્ધ. ગુજરાતી સાહિત્યકાર જગતને માનવીય હિતૈકયની દિશામાં લઈ જવામાં કાંઈક સહાયક, કાંઈક માર્ગદર્શક, કાંઈક સંકેતસૂચક પણ બની શકે?

સૃષ્ટિ સાથેનો માનવનો સંબંધ પણ આજે ઊંડી વિચારણા માંગી લે છે. સૃષ્ટિનો ધણી થવા માગતો માનવી આજે ધરતીને ધૂળધાણી કરવા લાગ્યો છે. વસુંધરાના વસુઓ આજે માણસનાં કરતૂતોથી વસુકાવા લાગ્યા છે. શું આપણે આપણા સાહિત્ય દ્વારા માણસના પોતાના જાતના સાથેના, માણસના સાથી માણસ સાથેના, માણસના સૃષ્ટિ સાથેના પ્રશ્નોના જવાબ આપવામાં સહાયક થઈ શકીએ ખરા? આજથી શરૂ થતી ભાવિ દુનિયાના આ યક્ષપ્રશ્નો છે. આ યક્ષપ્રશ્નો ઉકેલવામાં આપણો સાહિત્યકાર કેટલો ફાળો આપી શકે એ પ્રશ્નના જવાબ ઉપર આધાર રાખે છે-ગિરાગુર્જરીનું વિશ્વગુર્જરી થવું. સાહિત્ય હંમેશાં માત્ર સમાજનો આયનો થઈને બેસી નહીં રહી શકે. માનવતાની આગેકૂચમાં સાહિત્યે પણ પોતાનો ફાળો આપવો પડશેને? દુનિયાના યક્ષપ્રશ્નો બાબત સાહિત્ય જો કાંઈ ઇંગિત પણ કરી શકશે તો આપણું સાહિત્ય વિશ્વસાહિત્યમાં સ્થાન પામશે.

ગુજરાત, દેશ અને દુનિયા જે કોયડાઓનો અનુભવ કરી રહ્યાં છે તેને ઉકેલવામાં સાહિત્યકાર તરીકે આપણો શો ફાળો હશે, એ આપણને પડકાર આપતો પ્રશ્ન છે. ગાંધી તો આપણને એમ કહેતા ગયા કે આ દુનિયા જ એક થવાની નહીં હોય તો એમાં જીવવાનું એમને નહીં ગમે. આપણે જાણીએ છીએ કે દુનિયાને એક કરવા સારુ ગુજરાતે એક થવું પડશે, ભારતે એક થવું પડશે. ગાંધીજીએ જે વાકય કવિ અંગે કહ્યું હતું તે સૌ સાહિત્યકારોને પણ લાગુ પડે એવું છે: આપણામાં જે સારી ભાવનાઓ સૂતેલી હોય તેને જાગૃત કરવાની શકિત જે ધરાવે છે તે કવિ છે. સાહિત્યના સેવકો તરીકે આપણી સામે પડકાર મોટો છે. પરંતુ ગાંધીજીએ પોતાના જીવનમાં મોટા મોટા પડકાર સામે આવ્યા છતાં એને ઝીલવા અંગે સ્વાનુભવને આધારે જે ઉપાય સૂચવ્યો તે આપણને કામ લાગે એમ છે. તેમણે કહ્યું હતું 'મને તો કદીયે નાસીપાસીનો અનુભવ થયો જ નથી. નાસીપાસી તો આપણી પોતાની કમજોરી અને અશ્રદ્ધામાંથી જ ઉદભવે છે. જયાં સુધી આપણે આપણી જાતમાંથી શ્રદ્ધા ન ખોઈ બેસીએ ત્યાં સુધી હિંદનું કુશળ જ છે.' પોતાના જીવનઆપણે વાત (ગાંધીનગર ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૪મા અધિવેશમાં તારીખ ૨૧ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ આપેલા અઘ્યક્ષીય ભાષણના સંકલિત અંશો)

નોંધ: આમ તો આ આખી વાત ગુજરાતી સાહિત્યકારને કહેવામાં આવેલી છે, પરંતુ સમગ્ર વાતમાં રહેલું તત્ત્વ સૌ કોઈને સ્પર્શી શકે એવું છે અને એટલે જ અહીં મૂકવાની પ્રાસંગિકતા જણાઈ છે.

Category :- Samantar Gujarat / Samantar