SAMANTAR

દારૂબંધી શા માટે ના હઠાવવી જોઈએ?

હેમન્તકુમાર શાહ
13-10-2020

આજકાલ ગુજરાતમાંથી  દારૂબંધી હઠાવી લેવા એક ઝુંબેશ ચાલે છે. તેના સંદર્ભમાં કેટલાક મુદ્દાઃ

(૧) દારૂબંધીને લીધે ગુજરાત સરકાર દારૂ પર લાગતી આબકારી જકાતની રૂ. એક લાખ કરોડની આવક ગુમાવી રહી છે એમ કહેવાય છે. આ વાત તદ્દન ખોટી છે. સામાન્ય રીતે ગુજરાતની તુલના વિકસિત મહારાષ્ટ્ર સાથે કરવામાં આવે છે. માટે તેની સાથે જ સરખામણી કરીએ. તેની વસ્તી ગુજરાત કરતાં લગભગ બમણી છે અને તેની રાજ્ય સરકારને દારૂ પરના વેરાની થતી આવક રૂ. ૨૫ હજાર કરોડ છે. એટલે જો ગુજરાતના લોકો મહારાષ્ટ્રના લોકો જેટલો જ દારૂ અત્યારે પીતા હોય અથવા માની લો કે દારૂબંધી હઠાવી લેવામાં આવે પછી પીવાના હોય તો, ગુજરાત સરકારને રૂ. ૧૨,૨૫૦ કરોડની જ આવક થાય, રૂ. એક લાખ કરોડની નહિ.

(૨) ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ રૂ. ૨.૧૪ લાખ કરોડનું છે. એટલે રૂ. ૧૨,૨૫૦ કરોડ એ કુલ બજેટના માત્ર ૫.૭ ટકા જેટલી રકમ જ થાય.

(૩) આવક વધારવા માટે લોકોને દારૂ પીવા દેવો એ કોઈ તર્ક નથી. જો સરકારની આવક વધારવી છે તો પછી ગુટખાના વેચાણ પર કેમ પ્રતિબંધ મૂક્યો? ગુટખામાં પણ સરકારને આવક તો થાય જ છે. જે સામાજિક રીતે દૂષણ છે એમ સ્વીકારીએ તો રાજ્યે તેને ડામવા માટે પગલાં લેવાં જ પડે. ચોરી ઘણી થાય છે. પણ ચોરી કરવી એ સામાજિક દૂષણ છે એમ સ્વીકારીએ છીએ. માટે તેના વિરોધી કાયદો છે અને ચોરને સજા થાય છે. હવે આવક વધારવી હોય તો કાયદો કાઢી નાખો અને ચોરીની રકમ ઉપર સરકાર ટેક્સ લઈ લે!!

(૩) સૌથી મોટી અને પ્રભાવક લાગતી દલીલ વ્યક્તિની સ્વતંત્રતાની કરવામાં આવે છે. જેને દારૂ પીવો છે એ ભલે પીએ, તેને તેમ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ, એમ કહેવામાં આવે છે. તો તો ગુટખા ખાવાની, હશીશ, ગાંજો અને ચરસ કે બ્રાઉન સુગર જેવાં માદક દ્રવ્યો લેવાની પણ બધાને આઝાદી હોવી જોઈએ. એ બધાનાં ઉત્પાદન, વેચાણ અને વપરાશમાં સરકારને આવક થાય જ. આપી દો બધાની છૂટ, જેને જે કરવું હોય તે કરે.

(૪) ગુજરાતમાં બધે દારૂ મળે છે અને બધા પીએ જ છે એમ કહેવામાં આવે છે. આ દલીલ તદ્દન પાયા વગરની છે. બધે કપડાં, કાગળ અને કરિયાણાં જેવી અનેક વસ્તુઓ વેચાય છે, દારૂ નહિ. વળી, હું દારૂ પીતો નથી અને મારા જેવા અનેક લોકો નથી પીતા. માટે એમ નહિ કહેવાનું કે બધા પીએ છે.

(૫) દારૂબંધી છે એટલે વિકાસ નથી થતો, એમ કહેવામાં આવે છે. આ કે તે દેશી કે વિદેશી કંપનીઓ ગુજરાતમાં આવતી નથી એમ કહેવામાં આવે છે. આ વળી, એક તદ્દન વાહિયાત દલીલ છે. સમગ્ર ભારતના વિકાસ દર કરતાં ગુજરાતનો વિકાસ દર છેક ૧૯૬૦થી વધારે રહ્યો છે. એટલે ખરેખર તો એમ કહેવાય કે દારૂબંધી છે એટલે ગુજરાત વિકસિત છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે રાજ્યમાં દારૂબંધી દાખલ કરી પછી ગરીબ કહેવાતા બિહારમાં પંખો, ટ્યુબ લાઈટ અને પેન કે તેમના જેવી વપરાશી ચીજોની ખરીદી વધી છે, એમ ઘણા અભ્યાસો કહે છે. શું જોઈએ છે એ તો કહો: ઘરમાં પંખો જોઈએ છે કે દારૂ?

(૬) સામાજિક રીતે મહિલાઓ અને બાળકો પરિવારમાં અને પરિવારની બહાર દારૂબંધી હોવાથી વધુ સુરક્ષા અનુભવે છે, એ મોટી હકીકતને કેવી રીતે નજરઅંદાજ કરી શકાય?

(૭) દારૂબંધીના કાયદાનો અમલ નથી બરાબર થતો, એટલે દારૂબંધી કાઢી નાખવી જોઈએ એમ સતત કહેવામાં આવે છે. તો કડક અમલ કરો ને. કોણ ના પાડે છે? પક્ષ ગમે તે હોય, કડક અમલની ઇચ્છાશક્તિનો અભાવ હોય છે. ગુજરાતના ગૃહ પ્રધાન એમ કહે છે કે સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે. જરા કટિબદ્ધતા બતાવે તો સારું. બોલો છો તો કરી દેખાડો. ભ્રષ્ટાચાર બંધ કરો, પોલીસને કાયદા મુજબ કામ કરવા દો અને એની કામગીરીમાં રાજકીય ઘોંચપરોણાં ના કરો. કાયદાને કાયદાનું કામ કરવા દો.

(૮) એમ તો ખૂન, બળાત્કાર, ચોરી બહુ થાય છે, જુગાર બહુ રમાય છે, માટે તેમાં સજા કરતા કાયદા કાઢી નાખો એમ દારૂબંધી કાઢવાની તરફેણ કરનારા કહેતા નથી?

(૯) પહેલાં દારૂ પીઓ, પછી કેન્સર થાય તો હૉસ્પિટલો, ડોક્ટરો, નર્સો, મેડિકલ કોલેજો, દવાઓ અને ઑપરેશનનાં સાધનો પેદા કરો અને જી.ડી.પી. વધારો. આને વિકાસ કહેવાય? લિવરના કેન્સરથી માણસને મારવાનો વિકાસ? 

(૧૦) અને છેલ્લે, ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કલમ-૪૭ માદક દ્રવ્યો પર પ્રતિબંધની વાત કરે છે. એટલે ગુજરાત બંધારણનું પાલન કરે છે એમ કહેવાય. 

ગાંધીજીએ કહ્યું કે ના કહ્યું, એ મહત્ત્વનું નથી, બંધારણ કહે છે તે મહત્ત્વનું છે. બીજાં રાજ્યોને જે કરવું હોય તે કરે. એમની નકલ કરવી હોય તો એમ કરોને કે દિલ્હીમાં જેવી શાળાઓ અને દવાખાનાં સરકારે બનાવ્યાં છે એવાં ગુજરાત સરકાર બનાવશે.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 14-15

Category :- Samantar Gujarat / Samantar

આપણા દેશમાં બીજા રાજ્યમાં રહેતા લોકો ગુજરાતની વાત કરે ત્યારે તેમના મનમાં ગુજરાતનું એક જુદું જ ચિત્ર છે. કદાચ તેઓ ક્યારે ય ગુજરાત આવ્યા નથી અને ગુજરાત આવ્યા છે, તો બે ચાર દિવસના પ્રવાસ તરીકે તેમણે જે ગુજરાતનો અનુભવ કર્યો છે તે સ્મરણને તેઓ આખું ગુજરાત માની લે છે. તે વાતનો સ્વીકાર કરવામાં જરા પણ સંકોચ નથી કે બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત અનેક મુદ્દે ઉત્તમ છે, પરંતુ ઉત્તમતાના વખાણની વચ્ચે આપણે આપણી મર્યાદાઓની અવગણના કરીએ અથવા નજરંદાજ કરીએ તે પણ વાજબી નથી.

આપણે અવારનવાર દેશના નેતાઓને પોતાના ભાષણમાં ગુજરાત મૉડેલનો ઉલ્લેખ કરતાં સાંભળ્યા છે. ભાષણનો સરળ અને સાદો અર્થ એવો છે કે ગુજરાત દેશના તમામ રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ છે. એક ગુજરાતી તરીકે મને ગુજરાતનું ગૌરવ છે, પણ ગુજરાતની મર્યાદાઓને હું શાહમૃગની જેમ અવગણી શકું નહીં. કંગનાએ જ્યારે મુંબઈને પી.ઓ.કે. સાથે સરખાવ્યું ત્યારે સંજય રાઉતે અમદાવાદનો ઉલ્લેખ કર્યો અને આપણા ગુજરાતીઓનું કહેવાતું સ્વાભિમાન ઘવાયું. તેમણે સંજય રાઉતના નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યું. ગુજરાતમાં ખરેખર સુશાસન અને લોકો ભયરહિત જીવી રહ્યા છે તેવું આપણે માનીએ તો તે આપણો ભ્રમ છે.

ભયરહિત શાસન છે તેવું જે નેતાઓ અને પોલીસ અધિકારીઓ એવું માને છે તેમણે પોતાની છાતી પર હાથ મૂકીને પૂછવું જોઈએ કે આપણે દિવસમાં સાદો કૉલ કરવાને બદલે કોને કેટલી વખત વૉટ્સએપ કૉલ કર્યો દરેકના મનમાં એક છૂપો ભય પડેલો છે કે તેમના ફોન કોલ આંતરવામાં આવે છે.

થોડા મહિના પૂર્વે ગુજરાતના એક સિનિયર મંત્રીના દીકરાનું લગ્ન હતું, આ મંત્રી પોતે મંત્રી થયા ત્યાર પહેલાંના મારા જૂના મિત્ર છે. સ્વાભાવિક રીતે મંત્રીએ પોતાના દીકરાના લગ્નમાં હજારો લોકોને આમંત્રણ આપ્યું હતું. મારા મિત્ર હોવાને કારણે તેઓ મને પણ આમંત્રણ આપવા માગતા હતા, પરંતુ મને મંત્રીની ઓફિસમાંથી ફોન આવ્યો કે સાહેબની વિનંતી છે કે તમને લગ્નમાં આમંત્રણ આપવામાં આવે તો પણ તમે લગ્નમાં હાજરી આપતા નહીં. કારણ કે તમારી હાજરી સાહેબની મુશ્કેલી વધારી નાખશે. આમ એક શાસકને પોતાની જ પાર્ટીના નેતાઓનો ડર લાગે. કારણ કે શાસક વિરુદ્ધ લખનાર પત્રકારને તેની પાર્ટી પસંદ કરતી નથી. તો આ પણ આપણું ગુજરાત મૉડેલ છે.

આવી જ સ્થિતિ શિક્ષણ અને આરોગ્યમાં પણ છે. સરકારી ગ્રાન્ટ મેળવતી શાળાઓ બંધ થતી જાય અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની સંખ્યા વધતી જાય. આજે જે વાલીઓ પોતાના સંતાનની એક વર્ષની ફી ભરે છે, તેના કરતાં અડધી રકમમાં તેમનું સમગ્ર શિક્ષણ પૂરુ થઈ ગયું હતું. તેવી જ રીતે સરકારી હોસ્પિટલ જે સામાન્ય માણસ માટે જ છે પણ તે હોસ્પિટલમાં જતાં સામાન્ય માણસને ડર લાગે છે. જ્યાં જીવન મળવાનું છે ત્યાંથી મોત મળશે તેવી આશંકા આપણને થાય. છતાં તેને આપણે ગુજરાત મૉડેલ કહીએ છીએ.

ગુજરાતના નેતાઓ રસ્તા ઉપર કોરોનાકાળમાં પણ રાજકીય રેલી કાઢી શકે પણ બેરોજગાર વ્યક્તિ નોકરી માટે અને ખેડૂત પોતાના પાકવીમા માટે જો રસ્તા ઉપર ઊતરે તો તેમની 144 કલમ અંતર્ગત અટકાયત કરવામાં આવે. આ પણ આપણું ગુજરાત મૉડેલ છે. આમ ઉત્તમમાંથી અતિઉત્તમ થવા માટે આપણે હજી ઘણું બધું કરવાનું બાકી છે, અને આપણી નબળાઈઓ તથા નિષ્ફળતાનો સ્વીકાર જ આપણને એક નવી સવાર તરફ લઈ જશે, પરંતુ આપણે બીજાં રાજ્યોની સરખામણીમાં ઉત્તમ છીએ તેવો સંતોષ લેવા લાગીશું, તો તે દાઉદ કરતાં લતીફ સારો છે તેવું કાંઈક કહેવા જેવું થશે.

e.mail : [email protected],com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 21 સપ્ટેમ્બર 2020; પૃ. 11

Category :- Samantar Gujarat / Samantar