USER FEEDBACK

સત્તાનું સિંહાસન હાંસલ કરવાનો મોકો હાથવેંતમાં છે અને તે માટે ક્રાંતિની હાકલ કરવાની સાહસવાદી નીતિએ નિરર્થક રક્તપાત સર્જ્યાની અને તેમાં અનેક આદર્શવાદી યુવાનોનો ભોગ લેવાયાની અનેક ઘટનાઓ ઇતિહાસનાં પાનાંઓમાં પથરાયેલી છેઃ બટુક દેસાઈનો જયંતી પારેખ વિષયક લેખ (“નિરીક્ષક” - ૧/૬/૨૦૧૯, ૧૬/૬/૨૦૧૯ તેમ જ “ઓપિનિયન” - ૨૮/૫/૨૦૧૯) વાંચતા એની યાદ તાજી થાય છે.

સામજિક, આર્થિક તથા રાજકીય વ્યવસ્થાને કારણે પીડિતો અને વંચિતો દરેક રાષ્ટ્રમાં જોવા મળે છે. હકીકતમાં આવો સમૂહ ક્રાંતિ માટેનો સહાયકવર્ગ છે. પરિણામે અઢારમી સદીના બાકુનીનથી માંડી વીસમી સદીના ચે ગ્યુવેરા સહિતના અનેક ચિંતકો અને નેતાઓ દરેક પળ અને દેશ ક્રાંતિ માટે પરિપક્વ છે, એમ માનતા રહ્યા છે.

ગઈ સદીમાં જ ચીન, ભારત, લેટિન અમેરિકા, ઇન્ડોનેશિયામાં આ પ્રકારની માન્યતાને કારણે થયેલા સામ્યવાદ પ્રેરિત બળવાઓમાં લાખો વ્યક્તિઓ મોતને ભેટી છે.

ભારતમાં સ્વાધીનતા પછીનાં વર્ષમાં આવો જ એક પ્રયાસ થયો. સ્ટાલીનનો મત હતો કે ભારતની સ્વાધીનતા વાસ્તવમાં મૂડીવાદી વ્યવસ્થાના હાથમાં જ હસ્તાંતરણ છે અને તેની સામે વિપ્લવ જગાવવો જોઈએ. અગાઉ આવાં જ મંતવ્યના આધારે ૧૯૨૭ દરમિયાન ચીનમાં બળવો કરવાની કોશિશમાં અનેક સામ્યવાદીઓ માર્યા ગયા હતા, પરંતુ તેમાંથી બોધપાઠ લેવાને બદલે ભારતમાં તેવી જ સાહસવાદી નીતિ અપનાવવામાં આવી, જે તે સમયના સામ્યવાદી નેતા રણદીવેના નામે જાણીતી છે.

આ પ્રયાસમાં અનેક સામ્યવાદીઓ જેલમાં પુરાયેલા. આપણા ઘરઆંગણે સાબરમતી જેલમાં પણ અનેક યુવાનો હતા. જયંતી પારેખ, જમાનાદાસ અને બીજા અનેક નિષ્ઠાવાન સામ્યવાદીઓએ આ હાકલને માન આપી જેલમાં બળવો કરવાની કોશિશ કરતાં પોલીસના ગોળીબારમાં મોતના મુખમાં ધકેલાઈ ગયા. બટુકભાઈ દેસાઈએ (બટુકભાઈ પણ યાદ આવે છે. સાદા, હસમુખા, ખાદીધારી અને પ્રેસનોટ આપવા પણ જાતે આવે.) જયંતી પારેખનો પરિચય આપતા લેખોમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જયંતી પારેખ ગાંધી આશ્રમમાં ઉછરેલા. અહિંસામાં માનતા, સાદા, સરળ, કર્તવ્યનિષ્ઠ, સંવેદનશીલ અને દલીત-પીડિતોના હામી આદર્શવાદી યુવાન અને તેમના જેવા પીડિતોના હામી યુવાનો આવી સાહસવાદી નીતિને કારણે આપણે ગુમાવ્યા, તે અફસોસજનક છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2019; પૃ. 11

Category :- Opinion / User Feedback

કેફિયત વધારે ગમી

સુરેશ બી. જાની
04-05-2018

નિરંજન ભગતની બહુ જ સરસ કવિતા. કવિતા તો ગમી પણ એની પછીની (મહેન્દ્ર દેસાઈની) કેફિયત વધારે ગમી. હવે 'ધાડ' વાંચવી પડશે. નેટ  પર ક્યાંય  મળે ?

-----------

ગ્રીષ્મ પર મેં એક સોનેટ લખ્યું હતું , તે યાદ અાવી ગયું -

છંદ – વસંતતિલકા

ગાગાલ ગાલ, લલગા, લલગા લગાગા

……………………………..

વાતો સમીર વીંઝતો અતિ ઉષ્ણ જ્વાળા
આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે.
પૃથ્વી તણાં રજકણો શમશેર ભાસે
દાઝે બધાંય જન આ અસુરી પ્રતાપે.

વૃક્ષો પસારી લીલુડી રમણીય છાયા
શાતા પમાડી સહુને કમનીય ભાસે
વારિ નદી, સર તણાં, સઘળાં વહે છે
નીલાં, રસાળ, મનની તરસો છીપે છે.

ઉદધિ સમાવી ઉરમાં સઘળા વિતાપો
પ્રગટાવતો પરમ શીતળ વાદળીઓ
ઘનઘોર વાદળ નભે ગરજે ન કો’દી
જો ભાનુ આગ ઝરતો ન કદીય ઊગે.

વિકરાળ ને વિકટ માનવ જિદગીમાં
શ્રમ-તાપથી ઊભરતાં સુખ, ચેન, શાતા.

—————————————————

8 ઓગસ્ટ – 2009

30 ઓગસ્ટ – 2009 ના રોજ ડલાસ- ફોર્ટવર્થના સાહિત્ય વર્તુળ ‘શોધ’ ના ઉપક્રમે યોજાયેલ સ્વરચિત કાવ્યપઠનના કાર્યક્રમમાં રજુ કરેલ ‘શેકસ્પીયરશાયી સોનેટ’.

e.mail : [email protected]

Category :- Opinion / User Feedback