USER FEEDBACK

સાવરકર અને એક ગુજરાતી માતા

નરોત્તમ પલાણ
02-02-2022

૧૯૪૨માં જે બાવીશ વર્ષની છે તે સૂરત પંથકની વાણિયાની દીકરી ઉષા મહેતા (નિ. ૧૬-૧૨-૨૦૨૧ તેમ જ “ઓપિનિયન” 20 ઑક્ટોબર 2021) આઝાદીની ચળવળમાં ગુપ્ત રેડિયો સંભાળે, કેવાં કેવાં સાહસ કરે, પોતાના બચાવ માટે પોતાના કામ માટે કે આઝાદી પછી પોતાની આજીવિકા માટે એક શબ્દ પણ ન ઉચ્ચારે - દેશપ્રેમની આ દીવડી સામે ધરાર સૂરજ બનીને ચમકતા, ખરે ટાણે માફી માગતા કે આથમી જતા વીરપુરુષોની કેટલી કિંમત? સ્ટેજ ઉપર ભારતમાતાના ઝંડા ફરકાવતા અને વિરોધ ઊઠે તો સ્ત્રીનાં કપડાં પહેરીને પાછલા બારણાથી પલાયન થતા મહારાજને અભય સ્વદેશી સ્વાર્થત્યાગના ગાયત્રીમંત્રની દીક્ષા લેવા યા ઉષા સામે બેસવા જેવું છે! ઉષાની માતાને સમાચાર મળ્યા કે જેલમાંથી છૂટવા માટે ઉષાએ માફીપત્ર લખ્યો છે. બીજે દિવસે ટિફિનની એક રોટલીમાં માાતએ ચબરખી મૂકી : માફી માગીને ઘરે આવીશ તો મારા ઘરના દરવાજા બંધ હશે!

અભયમ્‌ સત્ત્વસંશુદ્ધિ: જ્ઞાનયોગ વ્યસ્થિતિ :- આ છે હિન્દુ! જે હિન્દુ-હિન્દુ કરતા નીકળી પડ્યા છે તેને અને જે સમજ્યા વિના હિન્દુને ગાળો કાઢે છે તે બન્નેને વેંત ઊંચા ઊઠવાની જરૂર છે.

પોરબંદર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 12

Category :- Opinion / User Feedback

બ્રિટિશપણામાં રાચું છું

ભદ્રા વડગામા
29-10-2020

વિપુલભાઈ લેખ [બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું] ખૂબ ગમ્યો. ફરીથી મારી પોતાની અસ્મિતા વિશે વિચારમાં પડી ગઈ. મને તો વળી એક વધારાની મથામણ પણ ખરી. મારી માતૃભાષા કચ્છી અને છતાં ય શૈક્ષણિક ભાષા ગુજરાતી. મારા મત પ્રમાણે આપણાં જેવાં ગુજરાતીઓ ઘણા બધા વારસાને લીધે જ આપણે જ્યાં વસ્યાં છે ત્યાં આનંદથી રહીએ છીએ. કદાચ તે દેશના સંસ્કારો સાથે એકમય નથી થઈ ગયાં, પણ એ દેશની અન્ય આતંકવાદીઓની જેમ બબૂરી હાલત નથી કરી કે નથી કદી એનું બૂરું ઈચ્છ્યું.

પેટલીકરે જે વાત પૂર્વ આફ્રિકાનાં ગુજરાતીઓ વિશે કહી હતી, એવી જ વાત કોઈ Western journalistએ ભારતીઓ વિશે કહી છે. એણે કહ્યું કે ‘હું ભારતમાં બંગાળીને મળ્યો, ગુજરાતી, પંજાબી, રાજસ્થાની વગેરેને મળ્યો, પણ હું કોઈ ભારતીયને ન મળી શક્યો.’

વળી [શાંતિ જેવાં] એવાં પણ લોકો હોય છે જે પોતાની અસ્મિતા કોઈ પણ વારસા સાથે ન જોડતાં ‘હું છું તે જ છું’ એ રીતે ઓળખતાં હોય છે. ત્યારે હું ભાટિયા, કચ્છી, ગુજરાતી, ભારતીય, જંગબારી, ટાન્ઝાનિયન, યુગાન્ડન, કેનિયન અને બ્રિટિશ - દરેક પ્રાંત કે દેશની અસ્મિતાના ઉચ્ચ ગુણોનાં પલ્લામાં બેસી, જ્યારે પણ મોકો મળે ત્યારે તેમની જયગાથા માણું છું અને બ્રિટિશપણામાં રાચું છું. 

સ્નેહ સહિત

ભદ્રા

Category :- Opinion / User Feedback