વિપુલભાઈ લેખ [બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું] ખૂબ ગમ્યો. ફરીથી મારી પોતાની અસ્મિતા વિશે વિચારમાં પડી ગઈ. મને તો વળી એક વધારાની મથામણ પણ ખરી. મારી માતૃભાષા કચ્છી અને છતાં ય શૈક્ષણિક ભાષા ગુજરાતી. મારા મત પ્રમાણે આપણાં જેવાં ગુજરાતીઓ ઘણા બધા વારસાને લીધે જ આપણે જ્યાં વસ્યાં છે ત્યાં આનંદથી રહીએ છીએ. કદાચ તે દેશના સંસ્કારો સાથે એકમય નથી થઈ ગયાં, પણ એ દેશની અન્ય આતંકવાદીઓની જેમ બબૂરી હાલત નથી કરી કે નથી કદી એનું બૂરું ઈચ્છ્યું.
પેટલીકરે જે વાત પૂર્વ આફ્રિકાનાં ગુજરાતીઓ વિશે કહી હતી, એવી જ વાત કોઈ Western journalistએ ભારતીઓ વિશે કહી છે. એણે કહ્યું કે ‘હું ભારતમાં બંગાળીને મળ્યો, ગુજરાતી, પંજાબી, રાજસ્થાની વગેરેને મળ્યો, પણ હું કોઈ ભારતીયને ન મળી શક્યો.’
વળી [શાંતિ જેવાં] એવાં પણ લોકો હોય છે જે પોતાની અસ્મિતા કોઈ પણ વારસા સાથે ન જોડતાં ‘હું છું તે જ છું’ એ રીતે ઓળખતાં હોય છે. ત્યારે હું ભાટિયા, કચ્છી, ગુજરાતી, ભારતીય, જંગબારી, ટાન્ઝાનિયન, યુગાન્ડન, કેનિયન અને બ્રિટિશ - દરેક પ્રાંત કે દેશની અસ્મિતાના ઉચ્ચ ગુણોનાં પલ્લામાં બેસી, જ્યારે પણ મોકો મળે ત્યારે તેમની જયગાથા માણું છું અને બ્રિટિશપણામાં રાચું છું.
સ્નેહ સહિત
ભદ્રા
Category :- Opinion / User Feedback
પત્રકારિતા એ સંપાદક, કટારલેખક અને વાચક એનો સમુચિત સમાહાર છે. એક પ્રસંગ કહું.
૨૦૧૦ની સાલમાં મારા અંગત જીવનની ઘણી ક્રાઈસિસ ભોગવતો હતો. ત્યારે મેં “ઓપિનિયન”નો ડિજિટલ અંક જોયો. ગુજરાતી લૅક્સિકન માટે મેં ઇ.મેલ દ્વારા પૂછાવેલું એ પરથી એમને મારો પત્તો લાગ્યો હશે.
મને એ અંક બહુ ગમ્યો. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં આ નામના પત્રનો ઐતિહાસિક ફાળો, વિપુલભાઈની એ જ ભૌગોલિક (સૌરાષ્ટ્ર, પૂર્વ આફ્રિકા, મુંબઈ, ઇન્ગલૅન્ડ) ચેઇન, એ જ આદર્શો, એ જ ઍમ્પથી, સર્વસમાવેશિતા અને સમસંવેદન, આ બધાથી હું તરત અભિભૂત થઈ ગયો. પછી તો બે ત્રણ અંકો જોયા. એકમાં ઉમાશંકર અને બીજામાં ‘હિન્દ સ્વરાજ’નો વિદ્વત્તાભર્યા લેખો દ્વારા અભ્યાસ થયો હતો.
મારા ઉમાશંકર સાથેના રોમાંચક, સ્વપ્નવત, લિરિકલ, કુમારાવસ્થ નાટકીય પ્રસંગોત્થ અનુભવ અને ‘હિન્દ સ્વરાજ’ સાથે મારી વૈચારિક ભાવનિક એકતા મને ઢંઢોળી ગયાં.
ગુજરાતી લિપિ કંપ્યૂટર પર આવડતી નહોતી, એટલે મારા પ્રવાહી (અને ફૉલ્ટી) અંગ્રેજીમાં મારા ઉદ્ગાર વિપુલભાઈને મોકલાવ્યા. માત્ર એક પ્રતિભાવ તરીકે. ઋણસ્વીકાર તરીકે, કારણ મારી એ વખતની પીડા ભરી સ્થિતિમાં મને એણે અકલ્પ્ય સંબલ આપ્યું હતું. મને એ લખ્યા પછી સારુ, હળવું લાગ્યું અને હું મારા કામે, ચિન્તાઓના વ્યવસાયની સ્તો, લાગ્યો.
પણ, વિપુલભાઇ જેનું નામ. હું તો એમને ઓળખતો પણ નહોતો. છતાં એમનો સરસ મેઇલ આવ્યો. ઔપચારિક આભાર ઉપરાંત એમને ઉમાશંકર વિષે લખેલો પ્રસંગ ગમ્યો હશે, તો એ “ઓપિનિયન”માં મૂકવા માટે મારા ઢંગધડા વગરના અંગ્રેજી ફકરાનું સરસ ગુજરાતી ભાષાન્તર કરીને મને બતાવ્યું. મેં તો છાપવાને ઈરાદે લખ્યુ જ નહોતું. એથી એમના અનુવાદમાં ફેરફારો સૂચવ્યા. એમણે એટલી મહેનત લીધી. મારો કોઈ જ લેખનનો અનુભવ નહિ, આથી મારા લખાણને printable કરવામાં બહુ મહેનત લાગી એ મને જણાયું.
આમ ત્રણ ચાર ઈ.મેઈલ ગયા આવ્યા અને ત્યાર બાદ આ મજકૂર એમણે “ઓપિનિયન”માં છાપ્યો. કૉલેજ મેગેઝિન બહાર મારો પહેલો છાપેલો લેખ!
પછી તો ‘હિન્દ સ્વરાજ’વાળો મારો લેખ છાપ્યો (અંગ્રેજીથી અનુવાદ કર્યો એમણે જ), અને જે વિદ્વાનનો પ્રતિભાવ મેં આપ્યો હતો (ડૉ ઉષાબહેન મહેતા, મણિભવનનાં ડિરેક્ટર) એમને પણ એ ફોર્વર્ડ કર્યો.
પછી તો મને ગુજરાતી ન આવડવાની શરમ આવી, અને એમની સલાહથી, ‘ગુજરાતી લેક્સિકોન’વાળા મૈત્રીબહેનની મદદથી થોડું ગુજરાતી ટાઈપ કરતાં શીખ્યો; એ એમને જ આભારી.
આટલી બધી કમિટમૅન્ટ અને ઍમ્પથી એક નવા નિશાળિયા માટે. પત્રકારત્વમાં અંગત રાગદ્વેષથી પ્રેરાઈ કેટલા ય લોકો કેવું કેવું કરતા હોય છે, ત્યારે આ ઉદાહરણ પણ જોવા મળે.
“ઑપિનિયન” એટલે મારો જ નહિ, બીજા કોઇનો પણ, એ એમનો credo છે.
ગાંધીના પત્રકારિત્વના વારસ નિ:સંદેહ વિપુલભાઈ જ છે.
સલામ.
https://www.facebook.com/satishchandra.joshi.54?epa=SEARCH_BOX
Category :- Opinion / User Feedback