PHOTO STORIES

 

ઇસ્વી સન 1948માં, ચક્રવર્તી રાજગોપાલાચાર્યની ભારતના ગવર્નર જનરલ પદે નિયુક્તિ કરાઈ તે વેળા, એમના માનમાં સરદાર વલ્લભભાઈ પટેલે એક ભોજન સમારોહ યોજેલો. વડા પ્રધાન જવાહરલાલ નેહરુનું અા પહેલું પ્રધાન મંડળ હતું. મેજની સામેની બાજુએ (જમણેથી) શ્યામાપ્રસાદ મુખરજી, બાબુ જગજીવન રામ, સરદાર વલ્લભભાઈ પટેલ, ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, પંડિત જવાહરલાલ નેહરુ, રાજકુમારી અમૃત કૌર, જ્હોન મથાઈ (?) જોઈ શકાય છે. જ્યારે બીજી બાજુએ, (ડાબેથી) રફી અહમદ કિડવાઈ, નરહર વિષ્ણુ ગાડગીલ (?) સરદાર બળદેવ સિંહ, મૌલાના અબુલ કલામ અાઝાદ, જયરામદાસ દોલતરામ (?), કે. સી. નિયોગી (?), ભીમરાવ અાંબેડકર, ગોપાળસ્વામી અાયંગર દેખાય છે.

અા મહાનુભાવો માટે મેજ પરની સાદગી ભરી ભોજન રસમથી અાશ્ચર્ય થાય. અાજે તો અનેક વાનગીઅોથી મેજ ભરેલું હોય તેવું તેવું જોવા પામીએ છીએ.     

Category :- Opinion Online / Photo Stories

 

વારપરબ : રવિવાર, 28 અૅપ્રિલ 2013. સ્થળ : બૃહદ્દ લંડનના એક અાથમણા વિસ્તાર, સ્ટેનમૉરમાં અાવ્યું ભંડેરી નિવાસ. અવસર : ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સાંપ્રત કાર્યવાહી સમિતિમાં બીરાજનારાંઅોની સમૂહ છબિ.

બેઠેલી હરોળમાં (ડાબેથી) મહામંત્રી ભદ્રાબહેન વડગામા, કાર્યવાહી સભાસદ ચંપાબહેન પટેલ, કાર્યવાહી સભાસદ સુષમાબહેન સંઘવી, સહમંત્રી વિજ્યાબહેન ભંડેરી, કાર્યવાહી સભાસદ ઘનશ્યામભાઈ પટેલ તથા ખજાનચી લાલજીભાઈ ભંડેરી છે. પાછળી હરોળે, ડાબેથી, કાર્યવાહી સભાસદ અનિલભાઈ વ્યાસ, પ્રમુખ વિપુલભાઈ કલ્યાણી, ઉપપ્રમુખ પંચમભાઈ શુક્લ તેમ જ કાર્યવાહી સભાસદ નીરજભાઈ શાહ દૃષ્ટિમાન છે. કુલ 11 સભાસદોની બનેલી અા કાર્યવાહી સમિતિની અા સમૂહ છબિમાં કાર્યવાહી સભાસદ ફારુકભાઈ ઘાંચી ઉપસ્થિત રહી શક્યા નહોતા.

અાફ્રિકાથી વિલાયત અાવી વસેલાં મૂળ શિક્ષક, ભદ્રાબહેન પાયાગત કુશળ ગ્રંથપાલ. ગુજરાતી સહિત હિન્દવી જબાન ક્ષેત્રે એમણે ધ્યાનાર્હ કામ અાપ્યું છે. દક્ષિણ અાફ્રિકાના ઝિમ્બાબ્વે તથા ઝામ્બીઅાના મૂળ વસવાટી ચંપાબહેન શિક્ષિકા રહ્યાં છે. ગુજરાતીનું શિક્ષણ અાપનારાંઅોની હરોળમાં તે અગ્રેસર છે. વળી એ ચિત્રકાર પણ છે. સુષમાબહેન વ્યવસાયે કન્સલટન્ટ ફિઝિયૉથેરપિસ્ટ છે; વળી, ગુજરાતી સાહિત્યના અા અનુસ્નાતકને પત્રકારત્વ, શિક્ષણનો ય અનુભવ ગૂંજે છે. ગુજરાતી ભાષા શિક્ષણક્ષેત્રે તજજ્ઞ લેખાતાં ને લાંબા અરસાથી શિક્ષણકામ કરનાર વિજ્યાબહેન વ્યવસાયે સનંદી સેવાઅોમાં વ્યસ્ત રહ્યાં. ઘનશ્યામભાઈ વ્યવસાયે મુલકી ઇજનેર; ગંજાવર વાંચનનો શોખ તેમ જ લેખનકાર્ય એમના મજબૂત પાસાઅો. એક કર્મઠ સમાજસેવક અને વ્યવસાયે નાણાકીય નિષ્ણાત લાલજીભાઈને સંસ્થાઅોની માવજતનો તથા વ્યવસ્થાઅોનો બહોળો અનુભવ છે. અાયુર્વેદના નિષ્ણાત તેમ જ નેશનલ હૅલ્થ સર્વિસીસમાં વ્યાવસાયિક સેવાઅો અાપતા અનિલભાઈ ગણમાન્ય ગુજરાતી વાર્તાકાર છે. પત્રકાર તરીકે જાણીતા અને “અોપિનિયન” સામયિકના તંત્રી વિપુલભાઈને અકાદમીના સ્થાપનકાળથી સંસ્થાનો સર્વાંગી, બહોળો અનુભવ છે. લંડન મેટૃોપોલિટન યુનિવર્સિટીની ઇજનેરી શાખામાં અધ્યાપનકામ કરતા પંચમભાઈ ગુજરાતીના ગણમાન્ય કવિ છે તેમ જ એક અચ્છા અનુવાદક પણ. વેબ ડિઝાઇન તેમ જ પ્રૉગ્રામની દુનિયામાં વ્યસ્ત નીરજભાઈ વ્યવસાયે અાઈ.ટી. સપૉર્ટ ઇજનેર છે અને વળી, ગુજરાતી કવિતા - ગીત - સંગીતની ઉમદા વેબસાઇટ, ‘રણકાર’નું સુપેરે સંચાલન કરે છે.

અા છબિમાં અનુપસ્થિત ફારૂકભાઈ નેત્રવિદ્યાશાસ્ત્રના ઉચ્ચ નિષ્ણાત છે તેમ જ એમણે ગુજરાતી કવિતા ક્ષેત્રે ધ્યાનાર્હ ખેડાણ કર્યું છે.  

સૌજન્ય :  http://glauk.org/executive-committee/          

Category :- Opinion Online / Photo Stories