PHOTO STORIES

લગ્ન

બાબુ રાજેન્દ્રપ્રસાદ
04-12-2013

દોસ્તો, ફક્ત 115 વરસ પહેલાંની જ અા વાત છે. અાજે અાપણે કેટકેટલી હરણફાળ પ્રગતિ વચ્ચે જીવીએ છીએ ! તમને તેનો અંદાજ અાવી ગયો હશે. અા યોદ્ધાઅોએ કેટકેટલા ભોગ અાપ્યા છે, તેનો ક્યાસ કાઢીએ તો જ સમજાશે કે અાપણે એમના ખભે ઊભા છીએ તેથી રૂડા લાગીએ છીએ. ખરું ને ?

રાજવંશી દેવી અને બાબુ રાજેન્દ્રપ્રસાદજી જવાહરલાલ નેહરુ સંગાથે

વારુ, બાબુ રાજેન્દ્રપ્રસાદજીની અાત્મકથામાં, ‘લગ્ન’ નામે એક પ્રકરણ છે; તેનો પાછોતરો અંશ અહીં સાદર :

એક વરસ પછી અાણું થયું અને વહુ ઘેર અાવી. અાણાની જાન લગ્નની જાન કરતાં નાની હોય છે. અા વખતે એક કે બે હાથી મળ્યા હતા અને જાનમાં ગયા હતા. અમારે ત્યાં પડદાનો રિવાજ બહુ સખત છે. મેં જોયેલું કે જ્યારે મારાં ભાભી અાવેલાં ત્યારે એમની સાથે બે દાસીઅો અાવી હતી અને તેઅો કેવળ એ બે જણની જોડે જ વાતો કરી શકતાં હતાં ! જીરાદેઈમાં એક અોરડામાં એ રહેતાં હતાં. અોસરીમાં પણ નીકળવાની એમને છૂટ ન હતી ! એ જમાનામાં અમારા ઘરમાં છેક નાની ઉંમરના તથા જેમનો જન્મ અમારી મા-કાકીની સામે ગામની અંદર થયો હોય અને જેઅો પોતાની મા સાથે બચપણથી અમારે અાંગણે અાવજા કરતા હોય એવા જ નોકરો ઘરમાં જઈ શકતા. યુવાન નોકરો હતા તે ઘરમાં જતા નહીં. એક રસોઇયો હતો તે રસોઈ કરવા ઘરના ચોકમાં જતો. પણ જતાં પહેલાં સાદ પાડતો એટલે મા અને કાકી અોરડામાં જતાં રહેતાં; ત્યાર પછી જ એ રસોડામાં પ્રવેશી શકતો. રસોડામાં ઘૂસ્યા પછી જો એને કોઈ ચીજની જરૂર પડતી તો એ કોઈ દાસીને બોલાવીને એની પાસે મંગાવી લેતો અને બહાર નીકળતાં ફરી વાર પહેલાંની જેમ જ સાદ પાડી બધાંને ખસેડ્યા પછી જ એ રસોડાની બહાર નીકળતો.

મારાં ભાભી તો અોરડાની બહાર નીકળતાં જ ન હતાં. શૌચાદિ માટે જવું હોય ત્યારે અાસપાસથી બધા લોકોને ખસેડવામાં અાવતા. લોકો એટલે જીરાદેઈની દાસીઅો ! પુરુષજાતનો તો એકે ચહેરો એ અાંગણામાં નજરે પડે એમ નહોતો. કોઈ નાનો છોકરો હોય તો એને પણ ત્યાંથી કાઢી મૂકવામાં અાવતો. અાટલું પણ પૂરતું ન હોય તેમ, એમના પિયરની દાસીઅો કપડાંની અાડ કરીને એમને લઈ જતી. હું ત્યારે સાવ નાનો હતો એટલે કેટલીક વાર રમતમાં ને રમતમાં કૂદતો કૂદતો એમના અોરડામાં પહોંચી જતો. એકાદ બે વાર એમનું મોં પણ કદાચ મેં જોઈ લીધું હશે. મારી બા, કાકી અને બહેન પણ જ્યારે એમના અોરડામાં જતાં ત્યારે એ લાજ કાઢીને બેસી જતાં. જીરાદેઈની કોઈ દાસી પણ ત્યાં જઈ શકતી નહીં.

મારી પત્નીનું અાણું થયું અને એ અાવી ત્યારે એની બાબતમાં પણ અાવી બધી ખટપટ ચાલી. બહુ દિવસ સુધી એ બધું ચાલ્યાં કર્યું અને ધીમે ધીમે એ અોછું થયું. પહેલાં તો એના પિયરની દાસીઅો જતી રહી. ત્યાર પછી જીરાદેઈની એક દાસી એની પાસે જતી અાવતી થઈ. એની સાથે થોડી થોડી વાતો કરવાની છૂટ મળી. જ્યાં સુધી મારાં બા જીવતાં રહ્યાં ત્યાં સુધી મારાં ભાભી કે મારી પત્ની કદી પણ પોતાના અોરડાની બહાર અાવીને અાંગણામાં છૂટથી બેસી ન શક્યાં કે હરીફરી ન શક્યાં. હું રજાઅોમાં ઘેર અાવતો ત્યારે મારે તો બહાર જ સૂઈ રહેવું પડતું. રાત્રે જ્યારે બધાં સૂઈ જતાં ત્યારે બા એક દાસીને મને જગાડવા મોકલતી. તે મને જગાડતી અને મારી પત્નીના અોરડામાં મૂકી અાવતી. મને એટલી મોડી રાતે ઊંઘમાંથી જાગવું બહુ અાકરું લાગતું. દાસી ગમે તેટલો પ્રયત્ન કરે તોપણ ઘણીવાર હું જાગતો નહીં એટલે બીજે દિવસે મારાં બા કે કાકી મને વઢતાં કે રાતે તું ઊઠતો નથી અને બોલાવવા છતાં ઘરમાં અાવતો નથી. રાત્રે ઘરમાં સૂતો હોઉં તોપણ સવારના પહોરમાં બધા સૂતા હોય ત્યારે ઊઠીને પાછા અાવતા રહેવું પડતું અને બહાર ખાટલા પર સૂઈ જવું પડતું, જેથી કોઈને ખબર ન પડે કે રાત્રે હું બીજે ક્યાંક ગયો હતો ! એ ચોક્કસાઈ એટલી બધી રાખવી પડતી કે મારી પાસે જે સૂઈ રહેતા નોકરોનેય એ વાતની ભાગ્યે જ ખબર પડતી.

પરદાની પ્રથાને પ્રતાપે અમારું દંપતી જીવન અા પ્રકારનું હતું. હું તો બાળપણથી જ મોટે ભાગે ઘરની બહાર રહેલો. રજાઅોમાં ઘેર જતો ત્યારે અમને મળવાની તક મળતી અને તેયે ઉપર જણાવ્યું એ રીતે ! એટલે જોકે અાજ લગ્ન થયે લગભગ 44-55 વરસ થયાં હશે છતાં બધા દિવસો મળીને એટલા મહિના પણ અમે બન્ને માંડ સાથે રહ્યાં હોઈશું. મારા ભણવાના દિવસો છપરા, પટણા, કલકત્તા વગેરેમાં વીત્યા. વકીલાતના દિવસોમાં પણ હું સાથે કલકત્તામાં એકલો જ રહ્યો અને પટણા અાવ્યા પછી પણ ઘરનાં માણસો જોડે રહેવાનું એક બે વાર થોડા દહાડા પૂરતું બન્યું. અસહકાર શરૂ થયા પછી તો મને ઘેર જવાનો વખત પહેલાં કરતાંયે અોછો મળ્યો અને ઘરના લોકોને સાથે રાખવાની ન તો મને સગવડ મળી, કે ન કામની ધમાલ અાડે એને સારુ ફુરસદ મળી.

(‘મારી જીવનકથા’ - રાજેન્દ્રપ્રસાદ : અનુવાદક - પ્રભુદાસ છગનલાલ ગાંધી : નવજીવન પ્રકાશન મંદિર : જાન્યુઅારી 1950 : પૃ. 33-35)

Category :- Opinion Online / Photo Stories

અમારો નેતા

મહાવીર ત્યાગી
17-11-2013

સરદાર વલ્લભભાઈ પટેલ પર ઇજારો સાબિત કરતા વામણા રાજકારણીઓએ વાંચવા જેવો એક પ્રસંગ અને સાથે પ્રખ્યાત “LIFE” સામયિકના ફોટોગ્રાફર Margaret Bourke-White એ લીધેલી મણિબહેન અને સરદાર વલ્લભભાઈ પટેલની તસ્વીર −

વિશેષ તસ્વીરો : http://www.oldindianphotos.in/2010/12/sardar-vallabhbhai-patel-and-his.html

અમારો નેતા

અને સરદાર ! ક્યારે ય ભારત નહોતું તેવડું મોટું ઘડનાર લોહપુરુષની તો અનેક ગાથાઅો. પણ અાજે એ બધામાં જવા અવકાશ નથી. અહીં મહાવીર ત્યાગીનું એક સંસ્મરણ ટાંકી અાપણી સ્મરણાંજલિ અર્પીશું.

એક પ્રસંગે સરદાર વલ્લભભાઈ પાસે હું ગયો હતો. ત્યારે મણિબહેનના સાડલા પર એક મોટું થીંગડું જોઈને બોલાઈ જવાયું : ‘મણિબહેન, રાજા રામનું કે કૃષ્ણનું નહોતું એવડું મોટું રાજ્ય, અશોકનુંયે નહીં કે અકબરનું નહીં અને અંગ્રેજોનું નહીં એવું અખંડ ચક્રવર્તી રાજ્ય જેમણે સ્થાપી દીધું છે એવા મોટા રાજામહારાજાઅોનેય ઝુકાવનારનાં પુત્રી થઈને અાવો થીંગડાવાળો સાડલો પહેરતાં તમને શરમ નથી અાવતી ? અમારા દહેરા ગામની બજારમાંથી નીકળો તો લોકો સમજશે કે કોઈ ભિખારણ જાય છે ને અાના-બે અાના તમારા હાથમાં મૂકશે !’ મારી મજાકથી સરદાર પણ હસ્યા અને બોલ્યા : ‘બજારમાં ઘણાં લોકો હોય છે, એટલે અાનો-બે અાનો કરતાં મોટી રકમ ભેગી થઈ જશે !’

સુશીલા નય્યર ત્યાં હાજર હતાં. તેઅો કહે, ‘ત્યાગીજી, અા મણિબહેન અાખો દિવસ ઊભે પગે સરદાર સાહેબની સેવા કરે છે, ડાયરી લખે છે, અને પાછા રોજ નિયમિત ચરખો ચલાવે છે. તેમાંથી જે સૂતર નીકળે એનાં સરદાર સાહેબનાં ધોતિયાં ને પહેરણ બને છે. તમારી જેમ સરદાર સાહેબ ખાદીભંડારમાંથી ખાદી ક્યાં ખરીદે ? અને સરદાર સાહેબનાં ઊતરેલાં કપડાંમાંથી મણિબહેન પોતાનાં કપડાં બનાવી લે છે !’

ફરી સરદાર બોલી ઊઠ્યા, ‘ગરીબ માણસની દીકરી છે. સારાં કપડાં ક્યાંથી લાવે ? એના બાપ ક્યાં કશું કમાય છે ?’ એટલું કહીને સરદારે પોતાનાં ચશ્માંનું ખોખું બતાવ્યું. વીસેક વરસનું જૂનું હશે. ચશ્માંની એક દાંડી હતી અને બીજી તરફ દોરો બાંધ્યો હતો. ત્રીસ વરસની જૂની એમની ઘડિયાળ પણ જોઈ.

કેવો અમારો એ નેતા હતો ? કેવો પવિત્ર અને ત્યાગી હતો ! એ ત્યાગ ને એ તપસ્યાની સિદ્ધિ અમે બધાં નવું નવું ઘડિયાળ કાંડે બાંધનાર દેશભક્તો ભોગવી રહ્યા છીએ.

(સૌજન્ય : “શાશ્વત ગાંધી”, પુસ્તક - 25, પૃ. 9)

Category :- Opinion Online / Photo Stories