SHORT STORIES

રાજાનું આગમન

લેખક : ઉમા વર્થરાજન • અનુવાદ : રૂપાલી બર્ક
03-06-2021

Illustration by Vishwajyoti Ghosh (littlemag.com)

વિસરાયેલી નગરી એકાએક ઊંઘમાંથી જાગી. રાજવી હુકમ થયેલો કે યુદ્ધ દરમ્યાન ધ્વંસ થયેલાં મંદિરના પુન:સ્થાપનના ઉદ્ઘાટન માટે રાજાનું ટૂંક સમયમાં આગમન થવાનું છે. પીઠે જાહેરાતો બાંધેલાં પ્રાણીઓ અને દુમદુમ વગાડતા પડીદારો મારફતે નગરીના ખૂણેખૂણે સંદેશો પહોંચાડવામાં આવ્યો.

લાલ નદીને કિનારે નગરી આવેલી હતી. કિનારે વાંસના વન ગાઢ એવાં કે સહેજ અમથી હવાની લહેરકીથી ઝીણો તણખો ને એમાંથી ભડકો થતા વાર ના લાગે. ત્રણ વર્ષ પહેલાં યુદ્ધનો અંત આવ્યો હોવા છતાં હાથીઓના મોટા અવાજ, હણહણતા ઘોડાઓ, સ્ટીલના ટકરાવવાના અવાજ અને લોકોની કરુણ ચીસો આજે પણ કાને પડઘાતી હતી. બળતાં શબોની ગંધ હજુ હવામાં તરતી હતી. સેનાની હાજરીથી બીજી અથડામણની અપેક્ષાએ ગીધ એમના જંગલના નિવાસ-સ્થાનો ત્યજીને નગરીમાં મહાકાય વૃક્ષો પર ખડકાયા હતા. યુદ્ધથી બરબાદ થયેલી નગરી યુદ્ધ પૂર્વે કેટલી રમણીય હતી એની ચાડી ખાતી હતી કાળીમેશ દિવાલો અને પડી ગયેલા છતવાળા ઘરો. રાતના સન્નાટામાં વારેવારે અપશુકનિયાળ પંખીઓના અને કૂતરાના સતત રડવાના અવાજોથી વિક્ષેપ પડતો હતો. ડરનો માર્યો ચંદ્ર ચમકતો નહોતો અને બાળકો માતાઓને દૂધ માટે પરેશાન નહોતા કરતા. ઘોડાના ડાબલા અને સૈનિકોના અટ્ટહાસ્યથી રાત પડઘાતી હતી. ઍનૅસ્થૅસિયાની અસર હેઠળ હોય એમ ઊમાયન સરવા કાને સૂતો હતો, એની આંખો છતને તાકતી હતી.

ઊમાયન અને બીજા અમુક નગરીમાં રોકાઈ ગયા હતાં. જેમણે મોતને હાથતાળી આપેલી તે બધાં જીવ બચાવવા નદી પારના સુરક્ષિત સ્થળોએ ખસી ગયા હતા. ઊમાયન એની માને મૂકીને જવા નહોતો માંગતો એટલે રોકાઈ ગયેલો. ઘણાં ઊમાયનનું સાચું નામ ભૂલી ગયા હતાં. ઓછાબોલો હતો એટલે બધા એને ‘ઊમાયન’ (મૂંગો) કહી બોલાવતા. માત્ર એની મા જ જાણતી હતી એણે અવાજ કેવી રીતે ગુમાવેલો.

રાજાએ એના સૈન્યને નગરીમાં થયેલા બળવાને નાથવાનું સોંપેલું. મવાલીઓ અને ગુનેગારોની ટોળકીઓ સૈનિકો સાથે ફરતી હતી. ક્રૂરતાપૂર્વક એ લોકોએ મકાનેને આગ ચાંપી, મૂર્તિઓ તોડી પાડી, સ્ત્રીઓને વાઢી નાખી અને બાળકોને પીંખી નાખ્યાં. એમના ગયા બાદ નગરી તો જાણે જંગલી હાથીના ટોળાંએ ચગદી નાખેલા શેરડીના ખેતર જેવી હાલતમાં હતી.

એક વખત સેફ્ટી રેઝર સાથે રાખવા માટે ઊમાયનની ધરપકડ થયેલી. ખુલ્લા પગે, પીઠ પછવાડે બાંધેલા હાથ સાથે એને તપી ગયેલી ધૂળિયા શેરીઓમાં ફેરવેલો. રસ્તા પર સૂર્યનમસ્કાર કરવા મજબૂર કરેલો. ત્યારબાદ સૈનિકોએ એના મોઢામાં પત્થરો ભરીને એને પેટમાં લાતોનો માર મારેલો. “અ....મમ...આ....!” એણે દર્દભરી ચીસ પાડી પરંતુ એ શબ્દ એના ગળામાં ફસાઈ ગયેલો.

નમતા પહોરે ઊમાયન અને બીજા અમુક લથડિયા ખાતા નગરીમાં આવ્યા, થાકેલા અને ભૂખ્યા. એક ચકલું પણ ફરકતું નહોતું. શેરીઓ સુમસામ હતી. યમદૂતોના સકંજામાં ફસાવવાના ડરથી એ લોકોમાં પાછું વળીને જોવાની હિંમત નહોતી તેમ છતાં આગળ વધતા ગયા એમના લાંબા પડછાયા એમની પડખે લઈને. આગળ વળાંકે પહોંચ્યા ત્યાં પોતાના પતિઓને શોધતી અમુક સ્ત્રીઓ એમના તરફ ધસી આવી અને એમના ચહેરા તપાસવા લાગી. એમના સ્વજનો નહીં દેખાતા એમણે પોતાના કેશ ખેંચવાના અને માથા-છાતી કૂટવાના શરૂ કરી દીધા. “શું થયું? કંઈક તો બોલો?” એમણે પૂછ્યું. પોતાની માની કેડે લટકતા, મોંમાં એની નાની આંગળીઓ નાખેલા, એક બાળકે નિર્દોષ હાસ્ચ વેર્યું. એના પિતાના મૃત્યુથી એ બેખબર હતો. બીજી એક સ્ત્રીએ ઊમાયનને ખભેથી ઝાલીને ઘેરો નિસાસો નાખ્યો. આજે પણ કૉન્વૅન્ટના કમ્પાઉન્ડમાં કાજુનાં વૃક્ષોનાં પાનના સરસરાટમાં વિધવાઓ અને બાળકોનું રૂદન સંભળાતું હતું.

ઊમાયનને એક સમયે લાગતું કે એ નસીબદાર છે અને સુખી જીવન જીવવા માટે નિર્માયેલો છે. આજે એને એના બાલીશપણા પર શરમ અનુભવાતી હતી. એને ખ્યાલ આવી ગયેલો કે જિંદગી કઠોર અને અસુરક્ષિત હતી અને ડૅમૉક્લીઝની તલવારની માફક મૃત્યુ માથા પર ઘૂમરાતું હતું. જિંદગીથી નાખુશ, એ ચાર દિવાલમાં રહેવા લાગ્યો અને મૌનમાં સમય ગાળવા લાગ્યો. ફસાઈ ગયેલા પ્રાણીની માફક એ ફિક્કો, હતાશ અને આકળવિકળ થઈ ગયો.

અનિદ્રાને કારણે દિવસ અને રાત ઊમાયન સપનાં જોતો. એને આભાસ થતા — લોકોના, અમુકના ડોળા કાઢી લીધેલા હોય એવા, બીજા એવા જેના હાથના અને પગના નખ ખેંચી કાઢેલા હોય, લથડિયા ખાતા, એની સમક્ષ આવીને ન્યાય માગતા. બળતી ચિતાઓ પરથી અર્ધ-બળેલાં શબ ઉછળીને પ્રશ્ન કરતા, “અમારો શો વાંક હતો?” તીવ્ર વેદનામાં મોતના મુખમાં ધકેલાતું માથા વગરનું મરઘું, ઘોડાગાડીથી કચરાઈ જતી સગર્ભા બકરી અને રાહદારીઓ પર હુમલો કરતા શેરીના કૂતરા એને દેખાયા.

ઊમાયનના સ્વપ્નમાં રાજા પણ દેખાયેલો, કરુણાની મૂર્તિ, એના બુદ્ધસમા ચહેરા પર ફરિશ્તા શું સ્મિત. પરંતુ કહેવાતું કે એ છેતરામણું હતું, માત્ર દેખાડો — કે વાસ્તવમાં એ ચાલાક, ક્રૂર, દ્વેષપૂર્ણ, ડંખીલો, રહેમ કે રંજ રહિત પુરુષ, સાક્ષાત્ શેતાન હતો. બીજી પણ કથાઓ હતી — કે એને સફેદ પારેવાં પાળવાનો અને માનવ ખોપડીઓનો હાર ગળામાં પહેરવાનો શોખ હતો. કેટલી ય કથાઓ, ક્યારેક વિરોધાભાસી, ફરતી રહેતી. એવી અફવા હતી કે એના વડવાઓનો દાટેલો મુગટ એણે મેળવી લીધેલો અને પોતે જ ધારણ કરી લીધેલો અને જ્યાં જતો ત્યાં સિંહાસન સાથે લઈ જવાની એને આદત હતી.

દરબારના કલાકારો દ્વારા રાજાને ચાહતથી જેવો દર્શાવેલો એવા જ સ્વરૂપે તે ઊમાયનના સ્વપ્નમાં આવેલો, મોહક સ્મિત ધરાવતો વ્યક્તિ. સવારનો વહેલો પહોર હતો. ધુમ્મસ હજુ ઓગળ્યું નહોતું. મંદિરના ઘંટારવ વચ્ચે પંખીઓ આકાશમાં ઊડાઊડ કરતાં હતાં અને સંતો વેદોચ્ચાર કરતા હતા. શ્વેત વસ્ત્રોમાં સજ્જ, શ્વેત પારેવાને પંપાળતો રાજા નદી કિનારે ચાલી રહ્યો હતો. એની પછવાડે ઊમાયન હતો. રાજાના ઝાકઝમાકથી અંજાઈને સૂર્ય થોડો સંકોચ અનુભવી રહ્યો હતો.

રાજાએ આકાશ ભણી નજર કરતા કહ્યું, “આકાશ સ્વચ્છ થઈ રહ્યું છે. જલદી પ્રકાશ દેખાશે.”

રાજાના ખુશખુશાલ મિજાજથી પ્રોત્સાહિત થઈને ઊમાયને હિંમતભેર કહ્યું, “મહારાજ, તમને નથી લાગતું કે પોહ ફાટે એ પહેલાં આપણે બધાં મૃત્યુ પામી જઈશું? આમેય, ચાલતીફરતી લાશો જ છીએ ને?”

ડોક ફેરવીને રાજાએ ઊમાયન તરફ જોયું અને મલકાટ સાથે બોલ્યો, “યુદ્ધ વખતે યુદ્ધ! શાંતિ વખતે શાંતિ!”

શબ્દો તોલીને ઊમાયને સંકોચ સાથે રાજાને કહ્યું, “તમને નથી લાગતું કે યુદ્ધને પણ એની નૈતિક્તા હોય છે. લોકોએ શો ગુનો કર્યો છે? શિશુઓની, સ્ત્રીઓની, માંદા અને અશક્તની, સાધુઓની હત્યા કરવી શું ઉચિત છે?”

રાજાએ સ્મિત ફરકાવ્યું. “દોડતા રથથી ઘાસ ચગદાવાનું અને જીવ જવાના. એનો કોઈ ઉકેલ નથી. આવી નજીવી બાબતે શું રડે છે? હું બધું … હું બધું … જાણું છું …”

“હા, તમારા માટે બધું શક્ય છે …” ઊમાયન બોલ્યો. રાજાના પગ થંભી ગયા.

“હા, હું ધારું તો બધું શક્ય છે … જુઓ!” રાજા બોલ્યો. એણે હાથમાંથી સફેદ પારેવું રહસ્યમય રીતે ગાયબ  કર્યું અને એની જગ્યાએ સસલાનું લોહી નિતરતું માથું લાવી દીધું!

રાજાની મુલાકાતનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો એમ નગરીમાં ચહલપહલ વધી ગઈ. વરસાદ બાદ બિલાડીના ટોપની પેઠે નવા નાકા ઠેરઠેર ફૂટી નીકળ્યા. નગરીને રમણીય બનાવવા માણસો તનતોડ મહેનત કરવા લાગ્યા. રંગીન છોડવા અને સુગંધિત ફૂલછોડ પાછળ કબરો ઢાંકી દેવામાં આવી. પાડોશમાંથી વૃક્ષો ઉખાડીને નગરીના દ્વાર સુધીના માર્ગની બેઉ બાજુ રોપી દેવામાં આવ્યાં. રાજાની છબીઓ સર્વત્ર લગાવી દેવાઈ.

નાકાઓ પર બળદગાડાંની લાંબી કતારો થવા લાગી. માથા પર પોટલાં લઈ લોકો મુશળધાર વરસાદમાં ધીમી ગતિએ આગળ વધતા હતા. સૈનિકો નિષ્ઠાપૂર્વક સરકાર વિરોધી સામગ્રી શોધતા હતા તે દરમ્યાન પુરુષોને જીભ દેખાડવાની ફરજ પડાતી હતી. નગરીમાં આવી ચડેલી એક ગાયના પેટમાં ક્યાંક હથિયાર સંતાડેલા હોય એ શંકાએ એનું પેટ ચીરી નાખ્યું.

મૂછો પર તાડીના ફીણ સાથે દારુડિયાઓ શેરીઓમાં નાચતા અને મસ્તી કરતા ગાતાં હતાં :

એણે આપ્યું મંદિર અમને
રાજાએ અમારા આપ્યું મંદિર અમને
તે આપશે બીજું ઘણું અમને
જે માગીશું એ આપશે અમને
તીલ્લાના … તીલ્લા … તીલ્લાના …

ઊમાયનના દાદા વરંડામાં સોપારી ખાંડતા હતા. કામ અટકાવી ઢોલ અને ગાયનના ધ્વનિની દિશામાં એમણે નજર ફેરવી. એ દેખતા નહોતા પરંતુ એમના કાન ખૂબ સરવા હતા. બેસુરા સંગીતથી એ ખિન્ન થયા હશે કારણ કે એ સોપારી અને નાગરવેલનાં પાન પૂરજોશથી ખાંડવા લાગ્યા.

“ભેટમાં આપેલા મંદિરનો વિનાશ કરવામાં વ્યક્તિ કેટલો સમય લગાડે?” એ વૃદ્ધે મનોમન વિચાર્યું. વિચારને બાજુએ હડસેલી એણે સોપારી-પાનનું મિશ્રણ મોંમાં મૂકી ચાવવા માંડ્યું.

માત્ર એક દિવસ બાકી હતો. ઘોડાઓના હણહણાટથી ઝોકું ખાતા વૃદ્ધ ઝબકીને જાગી ગયા. સ્ત્રીઓ બહાર ડોકિયા કરી ફટાફટ ઘરની અંદર ચાલી ગઈ. ઊમાયન એની ત્રસ્ત માને એકધાર્યો તાકી રહ્યો. એના હોઠ સુકાયેલા હતા અને આંખોમાં ભય હતો. આકાશ તરફ હાથ ઊંચા કરી એણે પ્રાર્થના કરી.

હંમેશની પેઠે સર્ચ ઑપરેશન માટે ઘેરો નાખવામાં આવેલો. દરેક ઘરમાં સશસ્ત્ર માણસોએ ઘૂસીને પદ્ધતિસરની શોધ આદરી. જતી વેળા એ લોકો ઊમાયનને સાથે લેતા ગયા. એની મા કગરતી રહી. ઊમાયનના વફાદાર કૂતરાએ સૈનિકો સામે ઘૂરકિયાં કર્યા અને એના માલિકના કપડાં ઝાલ્યાં. એ માણસોએ લાત મારીને કૂતરાને ભગાડી દીધો. જેમના ઘરના પુરુષોની ધરપકડ કરી લઈ જવામાં આવતાં હતાં એવી સ્ત્રીઓ રડતી રડતી એમની પૂંઠે જતી હતી. સૈનિકોએ તલવાર બતાવી એમને ડારી. ધૂળની ડમરીમાં એમના પુરુષોને અદૃશ્ય થતા જોઈ લાચાર બનીને એ સ્ત્રીઓ ઊભી રહી ગઈ.

પેલા વૃદ્ધે એમને સાંત્વના આપીને હૈયાધારણ આપી કે એમના સ્વજનોને કશું નહીં થાય. “છે ને, આવતી કાલે રાજા આવવાના છે અને એમને આવકારવા માટે સૈન્યને મોટી મેદનીની જરૂર છે. એટલે આ બધાંને લઈ ગયા છે,” એ બોલ્યા. વાતનું સમર્થન કરતી હોય એમ ગરોળીએ કક … કક અવાજ કાઢ્યો.

નગરીના હકડેઠઠ વિશ્રામગૃહોમાં પુરુષોને પૂરી દીધા હતા. કોઈ બોલતું ન હતું. પોતાના નસીબને ગાળો આપતાં બધાં જમીન પર બેસી રહેલા. ચોકીદારોનું હાસ્ય એમને મનમાં ખૂંચતું હતું.

ઠંડી દિવાલને અઢેલીને ઊમાયને આંખો મીચી. વ્યાપક અંધકારમાં એણે બલિની વેદી પર એક ચમકતી તલવાર જોઈ. એને એવું લાગ્યું કે એ ગળા સુધી જમીનમાં દાટેલો છે અને એક બેકાબૂ હાથી એની ભણી ધસી રહ્યો છે. પછી, સૂસવાટા મારતા પવનમાં જલ્લાદનો ગાળિયો લોલકની જેમ ડોલી રહ્યો છે. પોતાના નિર્વસ્ત્ર શરીર પર એને તાજા ઘા દેખાયા.

એને પોતાનું ઘર દેખાયું. વાળેલું નહોતું. કરમાયેલી પાંખડીઓ અને સૂકાં પાંદડાં વિખરાયેલાં પડ્યાં હતાં. એનું નબળું પાતળું કૂતરું દરવાજા વચ્ચે પડી રહ્યું હતું. બંધ ચૂલા પાસે આળસુ બિલાડીએ લંબાવેલું હતું. રસોડામાં એઠાં વાસણકૂસણ પડી રહેલાં. એના નિદ્રાહિન દાદા ઘર આખામાં કાળા ભમરાની માફક અથડાતા, પડતા, આખડતા ફરતા હતાં. ખાધા વગર, ઊંઘ્યા વગર એની મા આંસુ સારતી સાદડી પર પડી રહેલી. સમય મસમોટી શિલાની માફક માથા પર તોળાઈ રહેલો. ઊમાયન પરોઢની અને તાજી હવાની ઝંખના કરતો રહ્યો.

જેવું અજવાળું થયું કે સેનાના એક કૅપ્ટને બારણું ઉઘાડીને બધાં પુરુષોને બહાર આવવાનો આદેશ કર્યો. નાહ્યાધોયા વગર, લઘરવઘર અને ભૂખ્યાં, એમને બળદગાડાંમાં ભરીને નગરીની શેરીઓમાંથી લઈ જવાયા. ઘંટડીઓના અવાજથી વેપારીઓ એમની દુકાનો ખોલીને નજારો જોતા ઊભા રહ્યાં. અશુદ્ધ જાનવરની માફક ગાડાંમાં ભરીને લઈ જવામાં આવતો હતો એથી ઊમાયન ખૂબ શરમ અનુભવતો હતો. એક જર્જરિત મંદિરને પડખે એક ટાંકાની પાળ અગાડી બધાં પુરુષોને ઠાલવીને હારબંધ બેસવાનો હુકમ કરવામાં આવ્યો.

આકાશમાં ગાઢ વાદળ છવાયેલાં હતાં. “રાજા એની સાથે વરસાદ લાવ્યો છે,” સૈનિકોમાં ગણગણાટ સંભળાયો.

“રાજા અમર રહો!” એક અવાજે ઘોષણા કરી. તે સાથે જ બેન્ડ વાગવા લાગ્યું અને છોકરાં નાચવા લાગ્યાં. તાડી પીનારા અને ચેષ્ટાઓ કરતા મુષ્ઠિયોદ્ધાઓ રાજાની આગળ ચાલતા હતા, નાચતા, ગબડતા ને ગાતા. ત્યાર બાદ રાજા ચાલતો હતો, દબદબાપૂર્ણ, માપીને ડગ ભરતો. લોકો એના પર ફૂલ વરસાવતા હતાં અને સંતો એને આશીર્વાદ આપતા હતા.

રાજાને ખાસ ઊભા કરાયેલા મંચ પર વોળાવવામાં આવ્યો. મોટા અનુમોદન સાથે માનવમેદનીનું સર્વેક્ષણ કરતા રાજાએ લોકો સામે હાથ હલાવ્યો. દિવસ ઠંડો હતો તેમ છતાં રાજાની પડખે ચાલતા ગુણગાાન ગાનારા હવા નાખતાં હતાં. રાજાની પૂંઠે ઉદ્ધત ચેલાઓ ચાલતા હતા, પડ્યો બોલ ઝીલવા અને જરૂર પડે તો પીઠ પણ ખંજવાળી આપવા તૈયાર.

ઊમાયને ગોરંભાયેલા આકાશ તરફ નજર કરી. વરસાદ તૂટી પડવાની તૈયારીમાં હતો. નાનાં પંખીની ચરક જેવડું એક ટીપું એના ચહેરા પર પડ્યું. અનુક્રમે વધુ ટીપાં પડ્યાં. પછી તો જાણે સ્વર્ગ ખૂલી ગયું. વાવાઝોડું ફૂંકાયું ને વીજળીથી આકાશ ચિરાઈ ગયું. રાજાએ લોકોની જે દશા કરેલી એ જોઈને દેવતાઓ દાંત કચરતા હોય એવો વાદળોનો ગડગડાટ  થતો હતો.

રાજા બોલવા ઊભો થયો. મુશળધાર વરસાદમાં પણ મેદની હાલ્યા વગર, લાગણીશૂન્ય બનીને બેસી રહી હતી. રાજા ચકિત થયો હશે?

“મારાં વહાલાં લોકો …”

ઢંકાયેલા મંચ પર સુરક્ષિત રાજાએ વરસાદના અવાજ વચ્ચે પોતાનો અવાજ મોટો કર્યો. વળગાડ પામેલી સ્ત્રીની માફક પવનના ચારે તરફના હુમલા દરમ્યાન ઊમાયન ધ્રુજતો ઊભો હતો.

“આ મંદિરને પુન:સ્થાપિત કરવા આવ્યો છું. બીજી શી માગ છે? કહો!”

માત્ર પવન અને વરસાદે રાજાને ઉત્તર આપ્યો. સૈનિકોના વિકરાળ ચહેરા અને ધારદાર ભાલાના ડરથી મેદની મૌન રહી.

“મારા આવકાર માટે આટલા ભારે વરસાદ વચ્ચે પણ હજારોની સંખ્યામાં તમે હાજર છો એને મારું સન્માન  માનતા પોરસાઉં છું. શું જોઈએ છે તમને મારી પાસેથી? બોલો!” રાજા બોલ્યો.

ઊમાયને ફરી નજર આકાશ તરફ ઊંચી કરી. વરસાદ પોરો ખાવનું નામ લેતો નહોતો. ઊલટાનું વીજળીની ખંપાળીઓ ચમકતી હતી અને આકાશમાં લસરકા પાડતી હતી. કાન બહેરા કરી નાખે એવી વાદળોની ગર્જના સંભળાતી હતી. ધરતી પર પાણી ઘુમરાતું, વમળ સર્જતું, ધસમસતું નવા જળમાર્ગો બનાવતું જતું હતું.

હું તમને ભવ્ય આવાસો બનાવી આપીશ, રસ્તાનું તાત્કાલિક સમારકામ કરાવી આપીશ, જળાશયો પુન:સ્થાપિત કરી આપીશ … સ્ટેડિયમો, અનાજ, રેશમની જરૂર છે તમને? માગો, હું તમને આ બધું અને બીજું કેટલું ય આપીશ પરંતુ ક્યારે ય … નહીં …”

રાજા પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા આંખો આંજી દેતા વીજળીના ચમકારાએ પૃથ્વી અને આકાશને સાંધી દીધા. ડરના માર્યા ઊમાયનની આંખો બંધ થઈ ગઈ. જ્યારે એણે પાછી આંખો ખોલી, રાજા ગાયબ હતો. રહસ્યમય રીતે એ અદૃશ્ય થઈ ગયો હતો.

~

તામીલમાંથી અંગ્રેજી અનુવાદ : એસ. રાજસિંઘમ અને પ્રતીક કાંજીલાલ

(અંગ્રેજી અનુવાદકોની નોંધ : ઊમા વર્થરાજન્‌ શ્રીલંકાના વાર્તાકાર છે. એમના લેખનમાં એમના દેશમાં આંતરવિગ્રહની અમાનવીય અસરો કેન્દ્રમાં છે. રણસિંઘે પ્રેમદાસાના રાષ્ટ્રપતિપદના છેલ્લા ૧૮ મહિના અને ૧૯૯૩ની  મે ડે  રૅલી દરમ્યાન એલ.ટી.ટી.ઈ.ના માનવબોંબ દ્વારા એમની હત્યા સંદર્ભે આ વાર્તા એક બોધકથા છે.)

સ્રોત :  Little Magazine, Special Issue ‘Security’ (Vol VII : Issue 3 &4). littlemag.com

e.mail : [email protected]

Category :- Opinion / Short Stories

પ્રાણવાયુ

દુર્ગેશ ઓઝા
13-05-2021

કોરોના વાયરસની પરિસ્થિતિમાં ઠેરઠેર જોવા મળે છે કે ઓક્સિજનના મશીન, ઇન્જેક્શન વગેરેનું પ્રમાણ ઓછું .. દરદીઓથી ઊભરાતી હોસ્પિટલ્સ. ભયનો માહોલ .. એ સામે એવું લાગે છે કે માણસ પોતે પણ આ બીમારી માટે જવાબદાર નથી શું? પ્રદૂષણ, વૃક્ષોનો વાળી દેવાતો સોથ, અસ્વચ્છતા વગેરે ... જો એ હટે તો રોગ ઘટે / મટે, પર્યાવરણનું જતન માણસજાતના અસ્તિત્વનો એક આધાર છે. એવો સંવાદી સંદેશ મારી આ લઘુકથામાં વણી લેવાનો પ્રયત્ન છે. આશા છે એ આપને ગમશે. 

લઘુકથા

વતનમાં કે બહારગામમાં, સરકારી હોય કે ખાનગી, એકેય દવાખાનામાં ક્યાં ય જગ્યા જ નહોતી. શહેરના અગ્રણી ને ધનવાન એવા મનોજકુમાર કોરોના વાયરસની બીમારીમાં સપડાયા હતા. એ મોં માંગ્યા પૈસા દેવા તૈયાર હતા, પરંતુ એકેય પથારી ખાલી નહીં! દરદીઓનો ધસારો ને તનને ઘસારો. સરકારી દવાખાનાની બહાર ખુલ્લામાં ખાટલાની વધારાની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યાં માંડમાંડ મેળ પડ્યો. ઓક્સિજન લેવલ ઘણું નીચું. ફેફસાંમાં કફ વધારે, જેમાં ચેપનું પ્રમાણ સાઈઠ ટકા, જે ચિંતાજનક! ઇન્જેક્શનો ખૂટી પડ્યાં હતાં. ઓક્સિજન પૂરો પાડતા મશીનમાંનું એકેય ફાજલ નહોતું. જો કે તબીબો ભલા ને કુશળ. એમણે થઇ શકે એ સઘળી સારવાર તરત જ શરૂ કરી દીધી.

લીંબુનું શરબત, હળદર, સૂંઠ, આદુ, તાજાં ફળો .. વગેરેનો મારો ચાલુ. અચાનક, થોડી વારમાં જ મનોજકુમારનું ઓક્સિજનનું લેવલ સુધર્યું. એ સ્વસ્થ ને કુટુંબીજનો સ્તબ્ધ! અકલ્પ્ય ..!

બે જ દિવસમાં એ સાજા થઈ ગયા. ત્રીજા દિવસે તો એ સાજાસારા પણ થઇ ગયા. અત્યાર સુધી એણે બહુ પૈસા બનાવ્યા હતા. રસ્તા પહોળા કરવામાં જરૂર ન હોવા છતાં ..! હવે એણે પોતાના મકાનના વિશાળ ફળિયામાં રહેલી લાદીઓ ઉખડાવી માટી નખાવી અને ..! આ ફળિયા ઉપરાંત સમગ્ર શહેરમાં એ ...!

પેલા સરકારી દવાખાનાના સંકુલમાં બહાર જે ખુલ્લી જગ્યાએ મનોજકુમારને રાખવામાં આવ્યા હતા, એની ઉપર ઘટાદાર કડવા લીમડાનું ઝાડ હતું, ને બાજુમાં હતો વડલો.

0 0 0 - - - 0 0 0 

(‘ફૂલછાબ’ સમાચારપત્રની તા.૨૧/૦૪/૨૦૨૧ની પંચામૃત પૂર્તિમાં પ્રકાશિત અહીં થોડા ફેરફાર સાથે)

E Mail: [email protected]

Category :- Opinion / Short Stories