SHORT STORIES

ચાડિયો

દુર્ગેશ ઓઝા
12-08-2020

લઘુકથા :

‘પપ્પા, મને ચાડિયો જોવા ક્યારે લઇ જશો? ’

‘બેટા, એક દિવસ લઇ જઈશ, પછી વાત.’

‘શું પછી વાત?’ પત્ની સહેજ ઊંચા અવાજે બોલી. ‘તમારો એ એક દિવસ ક્યારે આવશે! તમે દર વખતે ‘’પછી, પછી’’ કહીને બિચારાને ટટળાવો છો. એક વાર લઇ જાવ ને! આપણો રઘુ દૂધવાળો પણ ઘણીવાર વાડીએ આવવાનું કહ્યા કરે છે. ને આમે ય ચિંતનને આ વખતે ભણવામાં ચાડિયાનો પાઠ આવે છે. એ પ્રત્યક્ષ જોશે ને તમે સમજાવશો એટલે પાઠે ય પાકો થશે.’ ને રવિવારે બધાં સાથે ગયાં. ચિંતન હરખભેર પૂછી રહ્યો. ‘પપ્પા, આ ચાડિયો ખેતરમાં શું કામ રાખ્યો છે? કસરત કરવા?’

‘ના બેટા, એ તો કસરત કરાવે. જો ધ્યાનથી સાંભળ. ખેતરમાં પશુપંખી આવીને પાક સાફ ન કરી જાય એટલે ચાડિયો રાખ્યો છે. કાંટાળી વાડ હોય એટલે ગાયભેંસ તો કદાચ ન આવી શકે, પણ પંખીને થોડું પહોંચાય છે? એ તો ફરરર કરતાં આકાશમાંથી ટપ દઈને ઊતરી પડે ને પાક સફાચટ ... પણ આ ચાડિયો જોઈને એને એમ લાગે કે કોઈ માણસ ચોકી કરવા ઊભો છે એટલે ડરના માર્યાં ઊડી જાય, ને પાક બચી જાય.’

‘પણ પપ્પા, એવું થોડું કરાય? એને ભૂખ ન લાગે?’

‘બેટા ચિંતન, ખેડૂતે આખું વરસ મહેનત કરીને ઘઉં, ચણા વગેરે ઊગાડ્યું હોય, એ સાફ થઇ જાય તો એ ને આપણે બધા ખાઈએ શું?’

‘પપ્પા, સાચુકલો માણસ ઊભો કેમ નથી રાખ્યો?’

‘બેટા, રાત ને દિવસ માણસ ઊભો કેમ રહે? થાકી ન જાય? એટલે માણસ નહીં, પણ માણસ લાગે એવું પૂતળું ગોઠવી દેવાય એનું નામ ચાડિયો.’

‘પપ્પા, એટલે પંખીની ચાડી ફૂંકી તેને ઉડાડી મૂકે એનું નામ ચાડિયો, બરાબર ને?’

‘અરે વાહ, તને તો આવડી ગયું! હવે તને પાઠે ય બરાબરનો પાકો થઇ જશે. ચાલો હવે ઘરે ..’

..... ઘણા વખતથી નોટબુકની માંગણી કરી રહેલો ચિંતન ચમક્યો. ‘પપ્પા, આટલાં બધાં કોરાં પાનાં? આમાંથી તો આટલી બધી નોટ બનશે. કેટલાનાં આવ્યાં, પપ્પા? ’

‘સાવ મફતમાં. હવે તો રાજી ને? એટલે તો કહેતો’તો કે થોડી ધીરજ ધર. મારી ઓફિસમાં આવાં તો કેટલાં ય પાનાં છે. પણ સાંભળ, કોઈ પૂછે તો બાફી ન મારતો કે પપ્પા ઓફિસમાંથી લાવ્યા છે. આજ લાગ મળ્યો કે ..’

આવાં પાનાં લેવાની ધડ ના પાડતો ચિંતન પોતાની વાતને વળગી રહી ઊલટું મને નીતિનો પાઠ ભણાવવા બેઠો એટલે મેં બે ધોલ મારી એને બરાબરનો પાઠ ભણાવ્યો એટલે પત્ની બોલી ઊઠી, ‘શું કામ એને મારો છો? તમે ઓફિસમાંથી શા માટે પાનાં લઇ આવ્યા?’

હું બોલું એ પહેલાં જ રડમસ અવાજે ચિંતન કહી રહ્યો, ‘મમ્મી મમ્મી, એની ઓફિસમાં ચાડિયો નથી રાખ્યો ને એટલે.’

સૌજન્ય: ‘નવચેતન ’ સામયિક અને લેખક દુર્ગેશ ઓઝાના લઘુકથાસંગ્રહ ‘અક્ષત’માંથી

e.mail : [email protected]

Category :- Opinion / Short Stories

'અસ્તવ્યસ્ત'

દુર્ગેશ ઓઝા
12-08-2020

અજય પાછો કહેતો પણ નથી કે અત્યારે ઘર બંધ હશે! ક્યાં ગયો હશે એ, ને ઘર અત્યારે કેમ બંધ? સારું થયું મારી પાસે ઘરની વધારાની ચાવી છે, નહીંતર તો ..! ‘એક દિવસ પિયરથી વહેલી ઘેર આવી ગયેલી રાશિએ આમ વિચારી ઘર ખોલ્યું, ને અંદર જઇ જૂએ છે તો .. આ શું?! એના પોશ એરિયામાં આવડો વિશાળ ડ્રોઈંગ રૂમ બીજા કોઈ ઘરમાં ન્હોતો. એ જ જો આવો ઢંગધડા વગરનો હોય તો તો એની આબરૂનાં ચીંથરાં જ ..!

સૂટકેસ ઉઘાડી .. કપડાં હેંગરની બદલે ઠેકઠેકાણે વેરવિખેર .. એ પણ ચોળાયેલાં ને ગડી કર્યાં વિનાનાં. ખુદ હેંગર નીચે પડ્યા હતા! ફોન ક્રેડલ પર નહોતો. પાણીની આડી પડેલી બોટલ, જેમાંથી મોટા ભાગનું પાણી ઢોળાઈ ગયું હતું. સોફાસેટની ગાદી અડધી જમીન પર ને અડધી સોફા પર .. એક ખુરશી ધરાશાયી ને બીજી આડી. પેકેટમાંની મોટા ભાગની વેફર્સ જમીન પર વેરાયેલી. ટોમેટો કેચઅપની બોટલનું ઢાંકણું બેશરમ થઇ ક્યાં ય દૂર રખડતું હતું. કાચનો ફૂટેલો ગ્લાસ નાનીનાની કરચોમાં ફેરવાયો હતો. નસીબ ફૂટી ગયા જાણે ..!

કબાટ અધખુલ્લો. તેમાંની થોડીક ચીજવસ્તુ નીચે ફર્શ પર આરામ ફરમાવી રહી હતી. વોશબેસિનનો નેપકિન સેટી પર પડ્યો હતો ને સેટી પરની રજાઈ વોશબેસિનની નીચે પડી પડી ધીરેધીરે ભીંજાતી હતી. માણસ એટલો ચીવટવાળો કહેવાય, કેમ કે એના નળમાંથી ઝાઝું નહીં, પણ ટીપુંટીપું પાણી જ સતત ટપકતું હતું! દાંતિયા ડ્રેસિંગ ટેબલના ડ્રોઅરની બદલે જમીનસ્થ થઇ એની સામે દાંતિયા કરી રહ્યા હતા. બધું વેરણછેરણ!

આ બધું જોઈ પહેલાં તો એ માથું પકડી આડી ખુરસીમાં સીધી બેસી ગઈ. બધું સરખું કરતા તો ભવ લાગશે એમ લાગ્યું. પણ પછી એણે કમર કસી. મહામહેનતે એણે બધું સરખું કર્યું. થોડીવાર પછી અજય ઘરમાં પ્રવેશ્યો કે .. 'તમારી આદત ન સુધરી. હજી એવા ને એવા જ રહ્યા. ને આજે તો તમે હદ કરી નાખી. થોડું વેરવિખેર હોય એ તો સમજ્યા, પણ આટલું બધું ...? મેં માંડમાંડ બધું ... કોઈ ચોર લૂંટારુ તો ધસી નથી આવ્યા ને? ’

અજયે આખા રૂમમાં નજર ફેરવી, પગ પછાડ્યા, ને પછી પત્ની સામે જોઈને બરાડ્યો. ‘આ તે શું કર્યું? ને કોને પૂછીને કર્યું? અરે આ બધું વિચારવામાં ને કરવામાં મારા પૂરા પાંચ કલાક ગયા હતા. હમણાં બધા આવશે તો એને શું જવાબ દઈશ? મને એમ કે શાબાશી મળશે. એને બદલે તારે લીધે હવે ...! તે બધું ચોપટ, અસ્તવ્યસ્ત કરી નાખ્યું. અરે, સિચ્યુએશન પ્રમાણે મેં ફિલ્મનો આ સેટ ગોઠવ્યો હતો!!! '

0 0 0 - - - 0 0 0                              

*સૌજન્ય:* ‘કુમાર’ સામયિક 

1, જલારામનગર, નરસંગ ટેકરી, હીરો શો રૂમ/ ડો. ગઢવીસાહેબના મકાન પાછળ, પોરબંદર. ગુજરાત. 360 575

Category :- Opinion / Short Stories