SHORT STORIES

સટાક !

ચિરાગ ઠક્કર
23-01-2013

માથા ઉપર જાણે લોખંડનો દડો મૂક્યો હોય, તેમ તેનાથી ઊભું થવાયું નહિ. બંને હાથનો ટેકો લઈને તેણે ધડને ઊભું થવા ધકેલ્યું. માથું પણ તેની સાથે-સાથે ઊચકાયું. સ્નો જાણે બહાર નહિ તેની પર જ પડ્યો હોય તેમ તે ધ્રુજતો હતો. બે પગની ઉપર અને માથાની નીચે જાણે બરફની એક પાટ હોય, તેમ તેને ધડ હોવાનો અહેસાસ જ નહોતો થતો. અઠવાડિયા જૂની ગંજી, બગલમાંથી ફાટેલું થર્મલ ટોપ, શર્ટ, જમ્પર અને જેકેટ – જાણે બધું જ ગાયબ થઈ ગયું હોય, તેમ તેનું શરીર આ વિદેશી વાતાવરણમાં થરથરતું હતું. તેને જોબ પર નહોતું જવું.

‘સટાક!’ તેણે પોતાની જાતને ઊઠાડી. ‘જોબ પર નહિ જઉં તો પાઉન્ડ કોણ આપશે?’ તેના વિઝા પર તો છાપેલું હતું, ‘No recourse to public funds.’

એ જ રૂમમાં રહેનારા બીજા ત્રણ છોકરામાંથી એક તો હજુ નાઇટ-શિફ્ટ પતાવીને પાછો જ આવ્યો નહિ હોય, તેમ તેના બંકબેડ પરથી લાગતું હતું. બીજા બે છોકરાઓ બહાર સ્નો-મેનની જોડે ફોટા પડાવવામાં વ્યસ્ત હતા, તેવું તેને બારી ખોલ્યા વિના જ દેખાયું કારણ કે સિંગલ ગ્લેિઝંગવાળી એ બારીને પડદો નહોતો, માત્ર પાતળી કધોણ સફેદ વૉઇલ હતી. ઊભા થતી વખતે તેનાથી ધ્યાન રહ્યું નહિ અને તેના બેડની ઉપરના બેડ સાથે તેનું માથું અથડાયું, પણ તેને વાગ્યાનો કંઈ અહેસાસ ન થયો. આખા શરીરમાં જાણે એનેસ્થેટિક – ચેતનાવિહીન અવસ્થા પ્રસરેલી હતી. તેણે બેડની બહાર પોતાના પગ ધકેલ્યા. બંકબેડનો સળિયો પકડીને તે માંડ-માંડ ઊભો થયો, પણ એટલામાં તો તે હાંફી ગયો. જાણે ખીલા ઠોકીને તેના પગ વુડન-ફ્લોર પર જડી દીધા હોય, તેમ મહાપરાણે ડગલાં ભરતો તે રૂમના દરવાજા પાસે પહોંચ્યો. હંમેશાં બંધ રહેતા હીટર પર અજાણતાં જ તેનો હાથ અડ્યો અને એ ઠંડા સ્પર્શથી તે પાછો ધ્રુજી ગયો. લેન્ડ-લોર્ડને બે-ચાર સંભળાવી દઈને બીજે રહેવા જવાનો વિચાર આવી ગયો.

‘સટાક ! અઠવાડિયાના પાંત્રીસ પાઉન્ડમાં ક્યાં ય રૂમ મળે છે?’ દર અઠવાડિયો મળતા દોઢસો પાઉન્ડના પગારમાંથી થાય એટલી બચત કરી તેણે દેવું પૂરું કરવાનું હતું અને આવતા વર્ષે પૂરા થઈ રહેલા તેના સ્ટુડન્ટ વિઝાના એક્સ્ટેન્શન માટે પણ ત્રણેક હજાર પાઉન્ડ ભેગા કરવાના હતા.

હંમેશની જેમ ઠંડા પાણીથી બ્રશ કર્યું પણ મોઢું ધોતા પહેલાં તેણે હિંમત એકઠી કરવી પડતી. ત્રણ બેડરૂમના આ ઘરમાં કુલ ચૌદ છોકરાઓ રહેતા, પરંતુ ગરમ પાણી માત્ર સવારે સાતથી નવ જ ચાલુ કરવામાં આવતું. તેને સાત વાગે તો જોબ પર જવા નીકળી જવું પડતું. એટલે ખાલી રવિવારે ગરમ પાણીથી નહાવાનો મોકો મળતો. આજે ઠંડા પાણીથી નહાવાની તેની હિંમત નહોતી એટલે બોડી-સ્પ્રે છાંટીને કામ ચલાવી લીધું. ‘આસદા’ની Smart Price લખેલી બે કોરી બ્રેડ અને પાતળી અંગ્રેજી ચાને ગળા હેઠળ ઉતારીને, સાતને પાંચની ૧૮ નંબરની બસ પકડવા, તે પોતાના શરીરને દોડાવવા મંડ્યો. બસ તો મળી ગઈ, પરંતું બેસવા માટે જગ્યા ન મળી. ઉપરના માળે ચડવાની તેની હામ નહોતી એટલે એક સળિયાના ટેકે તે ઊભો રહ્યો. ઇચ્છા થઈ આવી કે આગલા સ્ટોપે આ બસમાંથી ઊતરી જઈને સાતને બાર વાળી બસ લેવી.

‘સટાક! મોડો પડીશ તો શેઠ બે પાઉન્ડ કાપી લેશે. આખા અઠવાડિયાનું બજેટ ગડબડાઈ જશે.’ એ બીકથી એ જ બસમાં તે ઊભો રહ્યો.

બસ જ્યારે પાર્ક પરેડ પહોંચી ત્યારે તે યુગયુગાંતરથી ઊભો હોય તેમ થાકી ગયો હતો. બસ-સ્ટોપની લાલ રંગની બેઠક જોઈને બેસવા મન લલચાયું પણ આગળના ચાર રસ્તે રેડ સિગ્નલને કારણે ઊભેલી ૧૮૭ નંબરની બસ દેખાઈ અને તે કાળા થઈ ગયેલા લપસણા સ્નો પર સાચવી-સાચવીને દોડવા લાગ્યો. આ બસમાં સીટ તો મળી પણ દરવાજાની પાસે જ. જેવો દરવાજો ખુલતો કે તાવથી ધખતું તેનું શરીર સૂકા પાંડદાંની જેમ ધ્રુજી ઊઠતું. એ સીટ પર કાઢેલી પંદરેક મિનિટમાં જાણે તે નોર્થ-પોલની મુલાકાત લઈ આવ્યો હતો. વોરિક એવન્યુ આવતાં તેણે પાછું સ્નો પર ઊતરવું પડ્યું અને ચાલતો-ચાલતો તે ‘લેટનાઇટ ઑફ લાઇસન્સ’ પર પહોંચ્યો ત્યારે આઠ વાગવામાં એક મિનિટની વાર હતી. તેને આવતો જોઈને શેઠે ઘડિયાળમાં સમય જોયો, હકારમાં માથું હલાવ્યું અને તેને દુકાનના પાછલા દરવાજાની ચાવી આપી. અંદર જઈને તેણે લાઇટ કરીને હીટર ચાલું કર્યું અને તેના પર હાથ ગરમ કરવા માંડ્યો. પાછળ-પાછળ શેઠ અંદર આવ્યો. શેઠ બહુ ઓછું બોલતો પણ તેની તીણી નજરથી તે બધું જ સમજાવી દેતો. શેઠને જોઈને તે હીટર પાસેથી ખસી ગયો અને પોતાની ડિગ્રીઓને યાદ કરતાં-કરતાં દારૂની બાટલીઓ અને કાઉન્ટર પરની ધૂળ સાફ કરવા માંડ્યો.

‘સટાક! બી.એસ.સી. અને બી.એડ.ની ડિગ્રીઓ શું આ ધૂળ સાફ કરવા લીધી હતી?’ એક માધ્યમિક શાળામાં તે ગણિત ભણાવતો, ટ્યુશન્સ કરતો અને લોકો તેને સાહેબ..સાહેબ કહીને બોલાવતાં. એક વિદ્યાર્થીના પપ્પાએ વાતમાંથી વાત નીકળતા તેને ઑફર આપી, ‘સાહેબ, સાવ અભણને ગમાર લોકો લાખો ખર્ચીને લંડન જાય છે અને ખર્ચ્યાના બે ગણા પહેલા જ વર્ષે કમાઈ લે છે. તમે તો ભણેલા છો. તમે ધારો તો સસ્તામાં લંડન જઈને લાખો બનાવી શકો.’ અને તેણે ગેરંટી પણ આપી કે ‘વિઝા આવે પછી જ મને પૈસા આપજો. પહેલા ખાલી વિઝાની ફી ને કૉલેજ રજીસ્ટ્રેશનના થઈને પાંત્રીસેક હજાર થશે અને એ ય તમારે મને નઈ આપવાના, સીધે-સીધા ભરી જ દેવાના.’ તેને વિચાર આવ્યો કે લોકો પચીસ-ત્રીસ લાખ ખર્ચીને ગેરકાયદેસર રીતે અમેરિકા જાય છે જ્યારે અહીં તો માત્ર પાંચ લાખ જ ખર્ચવાના અને લંડનના કાયદેસરના દોઢ વર્ષના વિઝા મળે અને એમ.બી.એ.ની ડિગ્રી પણ ખરી અને ના ફાવે તો દોઢ વર્ષમાં બધો ખર્ચો કાઢીને બે-ચાર લાખ બનાવીને પાછા. તેના મનમાં એજન્ટનું પેલું વાક્ય વસી ગયું હતું, ‘અમેરિકાના ડોલર કરતાં લંડનનો પાઉન્ડ મોટો ખરોને! સીધા એકના એંસી થાય.’ એટલે એકના એંસી કરવા માટે બચતના એકાદ લાખ અને ચાર લાખની ઉધારી કરીને તે લંડન આવી ગયો. અહીં આવ્યાના દોઢેક મહિનામાં તો તેની એક ક્લાસીસ જેવી નાનકડી કૉલેજ બંધ થઈ ગઈ અને ત્યારથી તે આ સવારના આઠથી સાંજના આઠની બાર કલાકની નોકરી કરતો હતો. તેને સોમથી શનિના ૬૦ કલાકના ઉચ્ચક દોઢસો પાઉન્ડ મળતા. આમ તો સ્ટુડન્ટ વિઝા પર ૨૦ કલાક કાયદેસર કામ કરી શકાતું અને તેમાં જે કાયદેસર પગાર મળે તે આ દોઢસો પાઉન્ડથી વધારે જ હોય, પણ એ નોકરી માટે કૉલેજનો એનરોલમેન્ટ લેટર, એકેડેમિક કેલેન્ડર અને ટાઇમટેબલ જેવા કેટલાયે કાગળો આપવા પડતા, અને એની કૉલેજ તો ક્યારનીય બંધ થઈ ગઈ હતી, એટલે તેણે ગેરકાયદેસર રીતે આવી કેશ-જોબ કરીને સામે ચાલીને શોષાવું પડતું.

આખી દુકાનની ધૂળ સાફ કરવામાં કલાક ક્યાં જતો રહ્યો તેની ખબર જ ન પડી અને નવ વાગ્યે જેવો શેઠે દુકાનનો આગલો દરવાજો ખોલ્યો કે ઠંડી હવાની લહેરથી તેના શરીરમાં આવેલું થોડુંક ચેતન કંપવા માંડ્યું. દુકાનમાં કોઈ ગ્રાહક ન હોય, કામ ન હોય અને તે સ્ટૂલ પર બેસે, તે શેઠને ગમતું નહિ માટે સ્ટૂલ જોઈને તેને બેસવાની ઇચ્છા થતી તો પણ તે ઊભો રહેતો. બપોરે બે વાગ્યે લંચ-બ્રેક પડતાં સુધીમાં તે લગભગ મૃતપ્રાયઃ થઈ ગયો હતો. તે જ્યાં રહેતો ત્યાં માત્ર એક જ વાર, તિહાડ-જેલ જેવું ચવડ ખાવાનું મળતું એટલે લંચ-બ્રેક તેના માટે ખાવાનો સમય નહિ પણ ઇન્ડિયા ફોન કરવાનો સમય. એ એક જ સુખ હતું અહીં. એક પેન્સમાં ઇન્ડિયા વાત થતી એટલે રોજ ઇન્ડિયા ફોન કરવો પોસાતો. આજે જો કે એવી કોઈ ત્રેવડ નહોતી. સ્ટોરરૂમાં જઈને એક રૅક પર પીઠ ટેકવી, પગ લાંબા કરીને આંખો મીચીને તે બેસી ગયો. અચાનક તેનો મોબાઇલ વાઇબ્રેટ થવા લાગ્યો. રોજ તે આ સમયે જ ઇન્ડિયા ફોન કરતો અને ઇન્ડિયામાંથી કોઈને કામ હોય તો તે લોકો પણ આવા જ સમયે મિસ-કોલ કરતાં. તેણે ચેક કર્યું. સાઢુભાઈનો મિસકોલ હતો. આ સાઢુભાઈને એક નાનકડી કરિયાણાંની દુકાન હતી અને ગામડા-ગામમાં રહી-રહીને ય તે શેઠ બનીને સુખેથી જીવવા જોગુ કમાઈ લેતો હતો, છતાં તેને એમ જ લાગતું કે ‘જે નીકળી ગયાં તે સુખી અને રહ્યાં તે દુઃખી.’ એ સાઢુભાઈને ગમે તેમ કરીનેય લંડન આવવું હતું. એટલે દર બીજે દિવસે તેમનો મિસકોલ અચૂક આવતો. પણ આજે તેનું શરીર તૂટતું હતું માટે તેણે એ મિસકોલનો સામે જવાબ આપ્યો નહિ.

‘સાહબજાદે, અબ બાહર આઓ. આધા ઘંટા હો ગયા.’ તેના શેઠે બૂમ પાડી. તેણે ઘડિયાળમાં જોયું. હજી ત્રણ મિનિટની વાર હતી પણ ત્રણ મિનિટ માટે શેઠને નારાજ થોડા કરાય? ‘તુમ ઘાસફૂસ ખાનેવાલે ગુજરાતી લોગોકા ઇસ દેશમે કામ હી નહિ.’ શેઠે તેને રોજની જેમ જ આ સંવાદ સંભળાવ્યો, ‘થોડા ચિકન-મટન ખાઓ. દો-ચાર પેગ લગાઓ. બૉડિમે ખુદ-બ-ખુદ ગર્મી આ જાયેગી.’

‘સટાક!’ તેને વિભા યાદ આવી. ‘આ કઢીનો વાટકો લે’તો જરા …’ શિયાળામાં તે લસણનો વઘાર કરીને લવિંગ નાખેલી કઢી બનાવતી અને તેને વાટકો ભરીને આપી જતી. ‘પી લે … શરીરમાં ગરમાવો આવી જશે.’ તે કાયમ કહેતી. ‘કેટલા વર્ષ થયા હશે એ કઢી પીધાને?’ તેણે વિચાર્યું, ‘પાંચ? .. ના .. ના .. સવા પાંચ.’ તેની પ્રેમકહાની પર વડીલોએ જ પૂર્ણવિરામ મૂકી દીધું હતું. વિભા નડિયાદ પરણી ગઈ અને તેને નયના જોડે પરણાવવામાં આવ્યો હતો. તેની નયના સાથે કુંડળી મેળવાઈ ત્યારે ૩૨ ગુણાંક મળતા હતા અને પંડીતજી મુજબ આવો મેળ ભાગ્યે જ મળતો હોય છે પણે તેમનો મેળ ન મળ્યો. એટલે જ કિસ્મતના તમાચા ખાવા તે લંડન આવી ગયો હતો.

સાંજ સુધીમાં તો તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેના ક્રુર હૃદયના શેઠને પણ દયા આવી ગઈ. સાત વાગ્યે શેઠે કહ્યું, ‘જા બચ્ચા આજ એક ઘંટા જલદી ઘર જા, નહિ તો તુ કલ કામપે નહિ આ પાયેગા.’ શેઠે આઠથી બાર જે છોકરો આવતો હતો તેને એકાદ કલાક વહેલો બોલાવી લીધો હતો. ‘ફિકર મત કરીયો, તેરા એક ઘંટેકા પૈસા નહિ કાટુંગા.’ તે થેંક્યું કહીને બહાર નીકળી ગયો. ૧૮૭ પકડીને તે પાર્ક પરેડ તો પહોંચી ગયો, પણ હવે તેનામાં એક ડગલું ભરવાની ય તાકાત નહોતી. તેને તેના પંજાબી શેઠની સલાહ યાદ આવી ગઈ. તે પાર્ક પરેડની એક ‘ફૂડ એન્ડ વાઇન’ સ્ટોરમાંથી વ્હિસ્કીની નાનકડી બાટલી લઈ આવ્યો. વ્હિસ્કી કઈ રીતે પીવાય તેનું તેને કંઈ જ્ઞાન નહોતું. બાટલી ખોલીને તેણે એક મોટો ઘૂંટ ભર્યો … બીજો ઘૂંટ ભર્યો …

નીટ વ્હિસ્કીનો કડવો સ્વાદ તેને ગમ્યો નહિ પણ શરીરમાં થોડોક ગરમાવો જરૂર આવ્યો. ત્રીજા ઘૂંટડા પછી સંસ્કૃિત, ગાંધીજી, મા-બાપ, સંસ્કાર અને વિભાની કઢી ધીમે-ધીમે ભૂલાતા ગયા .. તે ગણગણતો રહ્યો, ‘જે નીકળી ગયાં તે સુખી અને રહ્યાં તે દુઃખી.’

જાતને તમાચો માર્યા વિના તેનું શરીર સરકવા માંડ્યું.

e.mail : [email protected]

Category :- Opinion Online / Short Stories