SHORT STORIES

જાબાલિ

પ્રહ્લાદ જોશી
06-05-2013

અતિ ઝડપે વિકસી રહેલું એ શહેર સૌરાષ્ટ્રનું એક તાલુકા મથક હતું. એની બણબણતી બજારમાં, ચા નાસ્તાની એક રેકડી હતી. વજુભાઈ પકોડાંવાળાની દુકાન એટલે નગરના કોઠાકબાડિયાઓનો ચોરો જ હતી. પોલિસ સ્ટેશન પાસે જ હતું. પોલિસોને આપવાના હપ્તાઓ વજુભાઈને જમા કરાવાતા. કોર્ટ પણ નજીકમાં જ હતી, અને વકીલો પણ ત્યાં બેઠક જમાવતા. ઉપરાંત શાક બજારના વેપારીઓ અને કાછિયા પણ સવાર સાંજ ત્યાં ભેગા થતા. લોકોની અવરજવર જ એટલી હતી કે વજુભાઈ કોઈ મોટા રેસ્ટોરન્ટના માલિકને ઈર્ષા થાય એટલી ઘરાકી કરતા. વજુભાઈ ધંધો ચલાવવામાં જ ધ્યાન દેતા. એમના બે દીકરાઓ ધંધામાં કામ કરતા. ઉપરાંત બેએક નોકર રાખ્યા હતા. 

ત્યારે હું તેરચૌદ વર્ષનો હતો. મારાં ફઈનો દીકરો હિતેશ અને હું ગામમાં આંટો મારવા નીકળ્યા હતા. એ મને વજુભાઈનાં પકોડાં ચખાડવા લઈ ગયો. હિતેશ તાલુકા પંચાયતમાં 'મોકાની' જગ્યાએ કામ કરતો. એટલે કોન્ટ્રાક્ટરો, વકીલો, પોલિસો, બધા એને ઓળખતા. અને એ પહેલાંથી પણ એના આનંદ મિજાજ સ્વભાવના લીધે, ગામ આખામાં પ્રિય હતો જ. ચાવાળાઓ અને રિક્સાવાળાઓ મૈત્રીભાવે એની પાસેથી પૈસા પણ ન લેતા.

અમે સાઈકલ પાર્ક કરી, ત્યાં વજુભાઈએ ઘરાકોની એકધારી અવરજવર છતાં, ‘આવ, હિતેશ, આવ. ક્યાંના મે'માન છે!’ એમ કહી, નોકરને સાદ કર્યો, ‘એ ઢૂબા, મે'માનને બેસવાની જઇગા કરી દે, ને ચા પાણી પીવરાવ.’ ઢૂબાએ હાથમાંના એંઠા પ્યાલા રકાબીનો થપ્પો વાસણ ધોવાના ઓટલે મૂકી, એના ખભે રાખેલાં કપડાંથી એક ટેબલ સાફ કર્યું, ખુરશીઓ પર પડ્યા અન્નકણો ઝાપટી, અમને ઈશારાથી બેસવા વિનંતી કરી. અમે બેઠા, પછી ધોયેલા બે પ્યાલા અને તાજાં પાણીનો જગ અમારી સામે મૂકી ગયો, અને બીજા ટેબલ પરથી એંઠા પ્યાલા રકાબી ને પ્લેટ્સ ભેગાં કરી, ધોવાના ઓટલે લઈ ગયો અને ડહોળું પાણી ભરેલા એક ટબમાં નાંખ્યા. જરાતરા ધોઈ, એ બધાં એનાથી જરાક ચોખ્ખા એવાં બીજાં પાણીમાં નાંખ્યાં, સિંદરીથી બાંધેલી એક ખાટલી પર નિતરવા ઊંધાં મૂકી દીધાં, અને પછી કામે વળગી ગયો.

એ હતો ઢૂબો. ત્યારે દસેક વર્ષનો હશે. સાવ નિસ્તેજ દેખાતો હતો. શબ્દ તો એના મોઢે સાંભળવા જ મળતો ન હતો. વજુભાઈ, કે એમના દીકરા, કાંઈ કરવા કહેતા તો એ બસ એમ કરી નાંખતો. હોંકારો  પણ નહીં. ચહેરો પણ સાવ ભાવશૂન્ય.

અમારી સામે ગરમ પકોડાં અને ચટણી મૂકી ગયો.

તે દરમિયાન, એક ખુલ્લી જીપ આવી, વજુભાઈની દુકાન સામે રસ્તાને કાંઠે ઊભી રહી. આગલી પેસેન્જર સીટ પર ધોળા ઝભ્ભા લેંઘા અને કાળાં ચશ્માં પહેરેલો એક જણ, ડાબો પગ ગાડીમાં ચડવાના પગથિયા પર રાખી બેઠો હતો. વજુભાઈએ મોટેથી આવકાર્યો, ‘એ આવો આવો, વસ્તાભાય! આવો.’ ઢૂબો પાણીના પ્યાલા ને જગ લઈ એની પાસે પહોંચી ગયો. વસ્તાએ ‘કાં દીકરા!’ કહી, લગભગ તમાચો જ કહેવાય એવી, 'ટપલી' ઢૂબાના ગાલ પર મારી. ઢૂબાના ચહેરા પર ભાવોમાં કાંઈ જ ફેર ન પડ્યો. એ ટપલી એણે ચુપચાપ ગાલ પર ઝીલી લીધી.

હિતેશે કહ્યું કે વસ્તો એક ખૂની હતો, પણ મારનારનાં કુટુંબને ફરિયાદ ન કરવા ગમે તેમ કરી મનાવી લીધા હતા, અને મરણનું કારણ આત્મહત્યા તરીકે ખપાવી દેવામાં આવ્યું હતું. સ્થાનિક રાજકારણીઓ સાથે ય વસ્તાને સારા સંબંધ હતા.

થોડી વારમાં એની આસપાસ ટોળું થવા માંડ્યું. વસ્તાએ જીપમાં બેઠાં બેઠાં જ પાન ખાધેલા મોઢામાંથી ગંદા થૂંકની પિચકારી કરી. અડધો ગંદવાડ એક ટેબલ પર અને અડધો ખુરશી પર પડ્યો. એના એક ચમચાએ બૂમ પાડી ‘એ દીકરા, આ સાફ કરી નાંખ તો, વજુભાઈનાં ટેબલ ખુરશી એમ ન બગડવા દેવાય.’ ઢૂબો ચુપચાપ આવ્યો. ગમો કે અણગમો કાંઈ પણ રાખ્યા વગર જ, એ સાફ કરી નાંખ્યું, અને કામે લાગ્યો.

પણ મને નવાઈ લાગી. પહેલાં વસ્તાએ એને દીકરો કહ્યો હતો, ત્યારે તો એમ લાગ્યું હતું કે સાચા ખોટા વ્હાલથી એમ કહ્યું હશે, પણ આ તો જાણે એનું નામ હોય, એ રીતે એને દીકરો કહી બોલાવવામાં આવ્યો હતો. બીજા એક જણે ફરી બૂમ પાડી ‘એ દીકરા, વસ્તાભાઈ સારુ કોફી ને અમારા સારુ ચા લઈ આવ તો!’ એક જણે એ બૂમ પડનારને કહ્યું ‘એલા, ઈ તારો દીકરો કેદુનો થ્યો!’  આખું ટોળું હસી પડ્યું.

શૂન્યમનસ્ક ઢૂબાએ કોઈની સામું જોયા વગર, ચાની કીટલી ભરી, રકાબીઓ અને પ્યાલાનો થપ્પો લઈ, ટોળાને પીરસવા આવ્યો. જીપના બોનેટ પર એ બધું મૂકી, પ્યાલા ભરી, રકાબીઓમાં મૂકી, એક પછી એક બધાને આપવા લાગ્યો. એક જણે એના માથે દૂર સુધી સંભળાય એવા જોરથી ટપલી મારી, અને ગાળ જ દઈ બોલ્યો, ‘ભડવીના, વસ્તાભાઈને કોફી આઈપા વગર અમને ચા રેડવા લાગ્યો છ!’ ઢૂબાએ, તો પણ, એની સામું ન જોયું. વસ્તાને કોફી આપવા વજુભાઈ પોતે આવ્યા.

થોડી વારમાં, ભારતીય પોલિસનું ચિહ્ન (P) ચીતરેલા મડ ગાર્ડવાળી બુલેટ મોટરસાયકલ પાર્ક કરી, મોટી ફાંદવાળો એક પોલિસવાળો ઉતર્યો અને ટોળામાં ગયો. ‘આવો વાઘેલા બાપુ’, કહેતાં વસ્તાએ બેઠે બેઠે જ હાથ લાંબો કર્યો. એણે 'જય માતાજી' કહી હાથ મેળવ્યો. ઢૂબો હજુ આ લોકોના પ્યાલાઓમાં ચા રેડતો હતો. પોલિસવાળાએ એને કહ્યું ‘જા તો, દીકરા, પાણી ભરી આવ તો!’ ઢૂબો, એ પ્યાલો ભરાઈ ગયો એટલે, જમાદાર માટે પાણી ભરી આવ્યો. જમાદારે પૂછ્યું, ‘એલા, તારો બાપ ખટારા ભેગો છે કે ઘેરે આવી ગયો છે?’ ઢૂબાએ માથું ધુણાવી જ ના કહી, અને બીજા ગ્રાહકોના એંઠા પ્યાલા રકાબી ને પ્લેટ્સ વીણવા જતો રહ્યો.

એવું લાગ્યું કે એને ઈરાદાથી જ દીકરો કહી બોલાવવામાં આવી રહ્યો હતો. એક વજુભાઈ એને ઢૂબો કહી બોલાવતા, એ પણ એનું સાચું નામ તો નહીં જ હોય. મારી ઉત્કંઠા વધી. મેં હિતેશને પૂછ્યું કે કેમ બધા એને દીકરો કહી બોલાવતા હતા.

હિતેશે કહ્યું, ‘આપણે અહીંથી વહેતા થાઇએ. આ બધા ભેગા થયા છે, એટલે બહુ બેસવામાં માલ નથી. કોકને તાલુકા પંચાયતનું કાંઈ યાદ આવશે તો મારી પત્તર ખાંડશે.’ અને ઊભો થઈ ગયો. સાથે હું પણ ઊભો થયો, અને અમે અમારી સાયકલો પર સવાર થઈ રવાના થઈ ગયા. પછી હિતેશે જે વાત કરી, એ યાદ આવતાં પણ કંપી જવાય છે. જયારે એ સાંભળી ત્યારે સમજણ જુદી હતી, અત્યારે જુદી છે. અત્યારે બુદ્ધિ પરિપક્વ હોય કે નહીં, પણ એ વખતે તો અપક્વ જ હતી. એ વખતે દરેક વાતના જુદા અર્થ થતા હતા.

ઢૂબાની મામાં કુદરતે સધારણ કરતાં વધારે કહેવાય એવો કામાવેગ મુક્યો હતો. હકીકત એ કે કુદરતે એના શરીરને માતૃત્વ માટે ભારોભાર ફળદ્રુપ બનાવ્યું હતું. આવી સ્ત્રીઓ એમના વર્તનથી ઓળખાઈ આવે છે. એમની ચાલમાં પણ નર્તનનું લાસ્ય હોય છે, અને નર્તનમાં લાવણ્ય. એમની આંખોનો ઉછાળ એમનો જ હોય છે, અને નકલ કરવાથી આવડતો નથી. એમના સ્વભાવમાં પણ અસામાન્ય પારદર્શકતા, પરિપક્વતા હોય છે અને દંભનો હોય છે અભાવ. જીવનપ્રેમી હોય છે અને જીવનની મધુરતા માણનારાઓની ઈર્ષા એમને નથી હોતી. તેઓ અજાણ્યા સાથે પણ તરતમાં મૈત્રી બાંધી શકે છે, અને મિત્રો માટે એમના જેવું પ્રોત્સાહન બીજું કોઈ નથી હોતું. આ છોકરીઓ-સ્ત્રીઓ કપટી નથી હોતી, પણ જરૂર પડ્યે અન્યોનાં રહસ્યો  અંતરના અનંત ઊંડાણમાં કાયમ માટે ધરબી દઈ શકે છે. પણ, આવી સ્ત્રીઓ માટે આપણા સમાજમાં સારો અભિપ્રાય નથી. એમને સારા શબ્દોથી પણ નથી યાદ કરાતી. પ્રચલિત બોલીમાં એમના માટે ચાલુ, શિથિલ ચારિત્ર્ય, વંઠેલી, છિનાળ, હલકી, રખડેલ, એવા એવા શબ્દો વપરાય છે.

ઢૂબાની મા ગરીબ ઘરમાં જન્મેલી આવી એક સ્ત્રી હતી. નાનપણથી જ એની મા ભેગી લોકોના ઘરે ઠામ ઉટકવાં, કપડાં ધોવાં, ને કચરા પોતાં કરવાં જતી. તરુણાઈના હજુ તો મોર બેઠા હતા, અને એ ખેરવવા કાંકરીચાળા શરૂ થઈ ગયા હતા. બારેક વર્ષની તો માંડ હશે, કદાચ 'દૂર બેસતી' પણ નહીં થઈ હોય, અને યૌનભૂખ્યા છોકરડાઓની બૂરી દાનતનો શિકાર બનતી. છોકરાઓ એને અવાવરુ જગ્યાએ બોલાવતા અને એક પછી એક વારા લેતા. આને ય બિચારીને મજા આવતી. એ મજાની શું કિંમત હોય, એ પણ એને ભાન નહીં. પણ ભાન થતાં બહુ વાર નહીં લાગી હોય. અપક્વ ઉંમરે યૌન સક્રિયતાએ એના શરીરનો વિકાસ વધારી દીધો. એની આંખો મદમસ્ત વિશાળ હતી. નમણાશ તો જાણે એની જ પાસે હતી. શરીર ભરાવદાર અને પુષ્ટ બન્યું. સ્તનો પણ કોઈ પણની નજર ચોંટાડી રાખે એવા ઉન્નત થયા. એનો એક વાંક એ પણ, કે શરીરની કામતૃષ્ણાને ગૂંગળાવી દેવાના બદલે એણે તૃપ્તિનો માર્ગ પસંદ કર્યો હતો.

પણ સાથે એનું શોષણ પણ વધ્યું. ગામના સીમાડે ઝૂંપડામાં રહેતાં માબાપને મન, એને હાઇ સ્કૂલમાં ભણાવવાનો કો અર્થ નહીં હોય, કે આને મન કાંઈ મહત્ત્વ નહીં હોય, એટલે એની માની જેમ, લોકોના ઘરોમાં વાસણ, કપડાં ધોવાં, અને કચરા પોતાં કરવાને પૂર્ણ સમય વ્યવસાય બનાવી લીધો. એક ટંક ખાવા તો લોકોના ઘરે જ મળી જતું. પણ, લોકોના ઘરે સાધનો, અને સગવડો જોઈ, એ પણ ભોગવવા મન થતું. સારાં કપડાં પણ પહેરવા મન થતું, જે પારખી લઈ, એ જે ઘરોમાં કામ કરવા જતી, એના માલિકોએ નાની મોટી વસ્તુઓની લાલચ આપી, એને યૌન શોષણનું સાધન બનાવી. લોકોનાં કામ કરવા સિવાય બીજી કોઈ આજીવિકા પણ નહીં, કદાચ એટલે એણે પોતાનું શોષણ થવા પણ દીધું.

માબાપને સાપનો આ ભારો ઝટ ઉતારવો હશે, એટલે અઢારની માંડ થઈ હશે, ત્યારે બેંતાલીસ વર્ષના અડધા બોખા એક બીજવર સાથે પરણાવી દીધી. દારૂડિયો અને માયકાંગલો એ એક ટ્રકનો ક્લીનર હતો. એની લાયકાત કરતાં ઘણી વધારે સુંદર સ્ત્રી એને મળી હતી, એટલે એના તાળીમિત્રોમાં છાની ઈર્ષા અને ગંદી મજાકોનું પાત્ર બનતો. એ રીસ એ ઘરે આવી બાયડી પર કાઢતો. એને મારતો, પગ દબાવડાવતો. ઘણીવાર ટ્રક સાથે લાંબી યાત્રાઓ પર જતો રહેતો, અને ઘરે બે કે ત્રણ મહિને પાછો આવતો.

એ પરણીને પતિગૃહે આવી પછી, પણ એની 'સુવાસ' પ્રસરતાં વાર ન લાગી. સાસરું શહેરના 'સારા' વિસ્તારમાં હતું, જ્યાં એ 'સારા' ઘરોમાં ઠામ, લૂગડાં, સંજવારી ને પોતાં કરવા જતી. યૌન ભૂખ્યા પુરુષો માટે કામોર્જાથી ધગધગતા લોહસ્તંભ જેવું એનું શરીર છાનું ન રહી શક્યું; અને શરૂ થયો એના શોષણનો એક નવો દોર. એના માટે સ્ત્રીઓ કહેતી કે ‘એને તો દૂર જ રાખવી, આપણા પુરુષોને બગાડે એવી છે.’ એ ગર્ભવતી થઈ, પુત્રને જન્મ આપ્યો. છોકરો પડોશમાં રમતો થયો, અને ક્યારે એનું નામ ઢૂબો પાડી ગયું, એ પણ ખબર ન નહીં. બધા એને ઢૂબો જ કહી બોલાવતા.

નિશાળમાં એ છોકરાઓની મજાકનું પાત્ર બનતો. બધાને ખબર હતી કે એનો બાપ માયકાંગલો છે ને કાંઈ કરી શકવાનો નથી, એટલે એને મન ફાવે એમ ચીડવતા. માસ્તરો પણ એના માબાપને લઈ મજાક કરી લેતા. ઢૂબાને કાંઈ ખબર નહીં કે એની મજાકો કેમ થાય છે. એ પ્રાથમિક શાળાનું પણ શિક્ષણ પૂરું ન કરી શક્યો. એનું કોઈ માન ન હતું. એને શિક્ષણની જરૂર છે, એમ એના શિક્ષકોને પણ ન લાગતું. એ રોજ માર ખાતો; કોઈ વાર શિક્ષકોનો, કોઈ વાર સહાધ્યાયીઓનો. દારૂ પીને પાંસળીઓ દેખાતા ઉઘાડા શરીરે, ખાટલી પર બેસી, બીડીઓ ફૂંકતા બાપને ફરિયાદ કરતો તો બમણો માર પડતો, કારણ કે દીકરાની ફરિયાદો એને ભાન કરાવતી કે દીકરાને રક્ષવાની એનામાં તેવડ ન હતી. એ ગુસ્સો, હતાશા એ એને મારીને ઉતારતો. કંટાળેલા, હારેલા ઢૂબાએ ભણતર પડતું મુક્યું અને વજુભાઈ પકોડાંવાળાની રેકડીએ મજૂરી કરવા લાગી ગયો. ત્યારે માંડ દસ વર્ષનો હશે.

ત્યાં કોઈએ સૌરાષ્ટ્રની ખાસિયત પ્રમાણે વજુભાઈને પૂછ્યું કે ‘કેનો દીકરો સે?’ ત્યારે એમણે એની ઓળખાણ એની માની આપી,  કારણ કે ઢૂબાના બાપ કરતાં એની મા વધુ 'ખ્યાતિ પ્રાપ્ત' હતી. પૂછનાર દુષ્ટતાપૂર્વક હસ્યો, ‘તો તો એમ જ ને, કે એની માની તો તમને ખબર છે પણ બાપ કોણ છે, એ તો એની માને ય ખબર નહીં હોય.’ હાજર હતા એ બધા હસ્યા. નીચ વૃત્તિના માણસો ત્યાં આવીને આવી મજાકો કરતા, ‘કાંઈ કહેવાય નહીં, એ દીકરો તારો ય હોય ને કદાચ મારો ય હોય.’ ઢૂબો કાંઈ ન બોલી શકતો. કાંઈ સમજતો ય નહીં.

વજુભાઈને ઢૂબા પર સહાનુભૂતિ હતી, પણ ઘરાકોને નારાજ કરવા પોસાશે નહીં, એમ વિચારી, એમને કાંઈ ન કહેતા, અને ઢૂબાને સાંભળ્યું ન સાંભળ્યું કરી નાંખવા કહેતા. ઢૂબાએ 'ન સાંભળવું' શરૂ કર્યું. જાણે બહેરો જ હોય એવું વર્તન થઈ ગયું. લોકોની મજાકો અને અપમાનો જાણે અસર કરવા બંધ થઈ ગયાં. હજુ એને ખબર તો ન જ પડતી, કે કેમ આટલા બધા લોકો એને દીકરો કહી બોલાવે છે. એને દીકરો કહી બોલાવવાવાળાઓમાં એ લોકો પણ હતા, જેમણે એની માનું શોષણ કર્યું હતું, એવાઓ પણ હતા, જે એને દીકરો કહી, બીજાઓ સામે એવી છાપ ઊભી કરવા માંગતા, કે એવી સુંદર સ્ત્રીને તેઓ પણ ભોગવી ચુક્યા હતા. પોતે કાંઈક ઊંચા છે, એવો ભ્રમ તેઓ ઢૂબા સામે નીચ નજરે જોઈ મેળવતા.

હિતેશે જે વાત કરી હતી, એનું આ મારું હાલનું અર્થઘટન છે. એ વખતે ‘પુરુષો સાથે અવૈવાહ્ય સંબંધ રાખનારી સ્ત્રીને જો શિથિલ ચારિત્ર્ય કહેવાય, તો અનેક સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવામાં નિપુણ પુરુષોને તમે શા માટે ખેલાડી કહો છો!’ એવું પૂછી શકવાની બુદ્ધિ હજુ આવી ન હતી.

આ વાતના ત્રણ વર્ષ પછી ફઈના ઘરે ગયો હતો. હું અને હિતેશ ફરી ત્યાં ગયા. ઢૂબો ત્યાં જ હતો, એ જ કામ કરતો હતો, જે એને પહેલાં કરતો જોયો હતો. યંત્રવત્. પણ, આ વખતે એક ફેર જોયો. ઢૂબો પહેલાં જેવો નિસ્તેજ નહોતો દેખાતો, તેજસ્વી પણ નહીં. પહેલાં ભાવશૂન્ય હતો, આ વખતે પણ પ્રફુલ્લિત તો નહીં જ. પહેલાં બાળક હતો, હવે કુમારતા ઓસરી રહી હતી, અને તારુણ્ય પ્રગટી રહ્યું હતું. મા પાસેથી વારસામાં મળેલી મોટી મોટી આંખો પહેલાં દયામણી લાગતી, પણ આ વખતે એમાં ભારોભાર વ્યાકુળતા ભરી હતી.

કોઈ એને દીકરો કહી બોલાવતું તો આંખો ફરિયાદ કરી ઉઠતી, પણ ફરિયાદ કરવા એની પાસે શબ્દો ન હતા, કે ન હતું એના અપમાનનો વિરોધ કરવાનું સામર્થ્ય. એકધારું કામ કર્યે રાખતો, પણ એના નમણા ચહેરા પર એક સરખી વિકળતા દેખાઈ રહેતી. ઢૂબાને સમજણ પડવી શરૂ થઈ ગઈ હતી કે ચાલુ, વંઠેલ, શિથિલ ચારિત્ર્ય, હલકટ, રખડેલ, સ્ત્રી લોકો કોને કહે છે, અને એનો અર્થ શું થાય. એને ખબર પડી ગઈ હતી કે શા માટે આટલા બધા લોકો એની નીચ મજાક 'દીકરો' કહીને કરે છે. બાપ તો મરી ગયો હતો, મા હતી, જેને એ પોતાની અપમાનપાત્ર પરિસ્થિતિ માટે કારણભૂત માનતો. મા માટે એના મનમાં નફરત રોપાઇ ચુકી હતી. પણ, સમાજની કઈ વિડંબનાનો ભોગ એની મા બની હતી, એ સમજણ બિચારામાં આવી ન હતી. એને શું ખબર, કે એની મા કુદરતે જેવી ઘડી હતી એવી જ બની હતી, એમાં એનો શું દોષ! 

ઢૂબો કડવાં અપમાન ઘૂંટડે ઘૂંટડે ઉતારતો જ ગયો. વિરોધ કરતાં તો શીખ્યો જ ન હતો. સામું બોલતાં જ શીખ્યો ન હતો. એને તો આવડતું હતું અપમાન સહન કરતાં, માર ખાઈ લેતાં.

આ વાત મારા માસિયાઈ ભાઈ અભયને કરી, ત્યારે એણે કહ્યું હતું કે એ છોકરો એવો તો ગુનેગાર બનશે કે જેની ક્રૂરતા વર્ણવતાં કોઈને નહીં આવડે, અને જો ગુના કરવાની હિંમત એનામાં નહીં હોય તો એ આપઘાત કરીને મરશે.

ઢૂબાએ ઉંદર મારવાનું ઝેર વાટીને પી લીધું. ચત્તોપાટ પડી ગયો. કોઈએ જોઈ લીધો. દવાખાને લઈ ગયા. બચી ગયો. મા રોતી કકળતી દીકરા પાસે આવી. નર્સે ભૂકો કરી, પ્યાલામાં પાણી સાથે મેળવી આપેલી દવાઓ પોતાના હાથે દીકરાને પાવા પ્રયાસ કર્યો, તો દીકરાએ એના મોઢા પર જ કોગળો કર્યો; અને ત્રાડ નાંખી બોલ્યો ‘સાલી છિનાળ, તારા થકી હું કોઈને ઈજ્જતથી મોઢું ય દેખાડી શકતો નથી.’

મા ડઘાઈ ગઈ. ત્યાંથી ઊઠી ચાલતી થઈ. રાત્રે ઢૂબો હોસ્પિટલેથી ભાગ્યો. જીવનનો અંત જ કરવો હતો. આ વખતે એણે અકસીર ઉપાય વિચાર્યો હતો. સવારે ગામની સીમમાં રેલવે ટ્રેક પર એના શરીરના કટકા મળ્યા.

પણ મરતાં પહેલાં એને એ ખબર ન હતી કે સાંજે હોસ્પિટલથી નીકળી એની મા પણ ઘરે નહતી પહોંચી. એનું પણ શરીર એ જ સવારે એક કૂવામાં તરતું મળ્યું હતું.  

[Thursday, 2 May 2013]

સૌજન્ય : https://www.facebook.com/notes/prahlad-joshi/જાબાલિ/574384095928132  

Category :- Opinion Online / Short Stories

અગિયારીનો સેવક

વિરાફ કાપડિયા
30-04-2013

માલ્કમબાગની અગિયારીમાં કોઈ બાળકના ધર્મપ્રવેશની ક્રિયા ‘નવજોત’ની વિધિઓ હવે પૂરી થઈ ચૂકી હતી, પણ અરદેશર સોરાબજી બલસારાએ પોતાનો અગિયારીના સેવકનો ડગલો હજી પહેરી રાખ્યો હતો. એ ડગલો એ બહુ આત્મસંતોષથી પહેરતા. એમના હોદ્દાનું એ ગૌરવાન્વિત પ્રતીક હતું. ઘરે પાછા ફરતી વખતે ડગલો જ્યારે કાઢીને ખીંટી પર લટકાવી દેતા ત્યારે પોતે કંઈક અડધાપડધા ઢંકાયા હોય તેવી અસ્વસ્થ ભાવના એમને ઘેરી વળતી. ડગલાની એ ખાસ કાળજી લેતા અને જાતે ઇસ્ત્રી કરતા. છેલ્લાં સોળ વરસમાં અગિયારીના સેવક તરીકે એમને એવા પાંચેક ડગલા મળ્યા હતા. પણ જૂના વપરાઈ ગયેલા ડગલા ફેંકી દેવાનું એમનાથી બનતું નહીં. એ સર્વે એમના બેડરૂમના કબાટના નીચલા ખાનામાં વ્યવસ્થિત ગડી કરેલા મળી આવતા.

નવજોત-કક્ષમાં રોકાઈ રહેલા વડા દસ્તૂર ક્યારે બહાર નીકળે તેની પ્રતીક્ષામાં એ ઊભા હતા કે જેથી ત્યાં બધું  ઠીકઠાક કરીને પોતે ઘરે જાય. થોડી જ વારમાં વડા દસ્તૂર ત્યાંથી ધીમે પગલે બહાર આવ્યા અને આતશના ઓરડા આગળથી પસાર થતાં ભક્તિભાવે નમન કરી કૉરિડૉરમાં થઈને આવતા જણાયા. વડા દસ્તૂર એમના લાંબા જામા સહિત હજીય પૂરા ધાર્મિક લેબાસમાં સજ્જ હતા.

‘હજુ એવન સાને વરે (માટે) વાર લગારેછ ?’ અગિયારીના સેવકે વિચાર્યું, ‘એવનને ખબર નથી કે મને ઘેર જવાનુંછ?’

વડા દસ્તૂર હાલમાં જ નવા નિમાયા હતા, ચાલીસની થોડા ઉપરના, ગૌરવર્ણા અને જોશીલા. એમના પુરોગામી દસ્તૂરની વિદાય અરદેશર બલસારાને હજીયે સાલતી હતી. એ શ્વેતકેશી દસ્તૂર મિલનસાર હતા, ગુંજનકારી સ્વરમાં ધર્મશ્લોકોની ધારા વહેડાવતા, તથા અમીરઉમરાવોને ત્યાં વારંવાર ભોજનનિમિત્તે જતા. એમને અગિયારીમાં બધું ઠીકઠાક, બધું જોઈએ તેમ હોય તે જરૂર ગમતું, પણ એ કશી વાતમાં ચોળીને ચીકણું કરવાવાળા માણસ નહોતા. આ નવા દસ્તૂરની જેમ નહીં, જે દરેક બાબતમાં માથું મારવાનું જરાય ચૂકતા નથી. તેમ છતાં અરદેશર બલસારા સહનશીલ હતા.

‘આટલી બધી ધાંધલ સાની ?’ અરદેશર બલસારા કહેતા. ‘પન વખત જવા દેવ, ઢીરે ઢીરે બધું સીખસે.’

કૉરિડૉરમાંથી પાસે આવી પહોંચીને વડા દસ્તૂરે કહ્યું, ‘બલસારા, જરા એક મિનિટ મીટિંગરૂમમાં આવજોની, મને તમારી સાથે એક વાત કરવાનીછ.’ અને વડા દસ્તૂર આગળ આગળ મીટિંગરૂમ તરફ ચાલવા લાગ્યા. મીટિંગરૂમમાં અગિયારીના બે પ્રૌઢ ટ્રસ્ટીઓને પણ બેઠેલા જોઈ અરદેશર બલસારા નવાઈ પામી ગયા. એ બન્ને એટલાં જ વરસોથી ટ્રસ્ટી હતા જેટલાં વરસોથી પોતે સેવક હતા.

અરદેશર બલસારાએ ત્રણે તરફ નજર કરી અને સહેજ બેચેનીમાં વિચારવા લાગ્યા કે બાબત શું છે. પરંતુ એમની કુલીન મુખાકૃતિ પર વ્યગ્રતાની કોઈ રેખા ઊપસી નહીં. એ ત્યાં ઊભા રહ્યા, વિનય સાચવીને જરૂર પણ લઘુતા સૂચવીને નહીં. ધાર્મિક હોદ્દા ઉપરની આ નિમણૂક પહેલાં પણ એ કેટલીક નોકરીઓ પર રહી ચૂક્યા હતા, પણ એ બધી સ્વમાનભેર થાય તેવી જ નોકરીઓ હતી. અને એમનું આચરણ હમેશાં દોષરહિત રહેતું. એ લાગતા જ એવા કે બાદશાહ નહીં તો બાદશાહની ભૂમિકા ભજવનાર કોઈ વિશેષ અભિનેતા હોય. એમનું વ્યક્તિત્વ આરોપથી પર હતું.

વડા દસ્તૂરે સમય બગાડ્યા વિના કહ્યું, ‘બલસારા, તમે આય જગા પર ઘનાં વરસથી કામ કીધુંછ, ને મને લાગેછ કે ટ્રસ્ટીઓ કબૂલ કરસે કે તમારી જવાબદારી તમે સહુ કોઈને ખુસી થાય તેમ બજાવીછ.’

બન્ને ટ્રસ્ટીઓએ હકારમાં માથું હલાવ્યું.

‘પન થોરા દિવસ પર એક ગજબની વાત મારા જાનવામાં આવી ને તે ટ્રસ્ટીઓને જનાવવાની મેં મારી ફરજ સમજીછ. મને એ જાનીને ઘની જ નવઈ લાગેછ કે તમે વાંચી કે લખી નથી સકતા.’

અગિયારીના સેવકના ચહેરા પર નાનમનું કોઈ પણ ચિહ્ન ફરક્યું નહીં.

‘પેલ્લેના વરા દસ્તૂર એ વાત જાનતાતા જ, દસ્તૂરસાહેબ,’ એમણે કહ્યું. ‘એવને કહેલું કે એનાથી કોઈ ફરક પરતો નથી. એવન તો હમ્મેસાં એમ કેતાતા કે દુનિયામાં ઘનું વધારે પરતું એડ્યુકેશન છે.’

‘આય તો મેં અત્યાર સુધીમાં એકદમ અમેઝિંગ ચીજ સમજી,’ એક ટ્રસ્ટીએ વિસ્મય બતાવ્યું. ‘તમે સું એમ કેવા માગોછ કે આય અગિયારીના તમે સોલ વરસથી સેવક છેવ પન કારે બી વાંચવા-લખવાનું સીખિયા નથી ?’

‘હું બાર વરસનો ઉતો તહારે નોકરી પર લાગેલો, સાહેબ. મારા ઉપરીએ એક વખત મને સીખવવાની કોસિસ કીધેલી, પન મને કંઈ બરાબર ઠસિયું નઈ. ને પછી એક ચીજ ગઈ ને બીજી આવી ને મને જાને કે વખત જ નઈ મલિયો. પન મને કારે બી એની કોઈ કમી નથી લાગી. મારા ઘેરમાં મારી બૈરી એતલું બધું જાનેછ કે કોઈ કાગલ લખવાનો હોય તો હું એની પાસે લખાવી લેઉંછ.’

‘હાજી, બલસારા,’ વડા દસ્તૂરે કહ્યું, ‘પન આપરી માલ્કમબાગની આય અગિયારીમાં આપરે એવો સેવક નઈ રાખી સકિએ કે જેને વાંચતાં-લખતાં નઈ આવરતું હોય. મને તમારી સામ્ભે કોઈ બી ફરિયાદ નથી તે તો હું સાફ કેઉંછ. તમારા કામ સારુ ને તમારી ચાલચલગત સારુ મને ઘનું જ માન છે; પન અમુને એવું જોખમ લેવાનો કોઈ જ હક નથી કે તમારી આય અભનતાને લીધે અઈયાં કોઈ એક્સિડંટ થઈ જાય. અમે તમારી સાથે જરા બી કરક થવા નથી માગતા, પન ટ્રસ્ટીઓએ ને મેં બધો નિરનય લઈ લીધોછ. તમુને તન મહિનાની મુદત આપિએછ, ને તેના પછી જો તમુને વાંચતાં-લખતાં નઈ આવરે તો તમુને જવું પરસે.’

અરદેશર બલસારાને આ નવા વડા દસ્તૂર ક્યારેયે ગમ્યા નહોતા. એ શરૂઆતમાં જ બોલેલા કે એમને અગિયારી સોંપવામાં સૌએ ભૂલ કરી હતી. અરદેશર બલસારાએ હવે વાંસો જરાક ટટ્ટાર કર્યો. પોતાની કિંમતની એમને જાણ હતી; આમ એ ખુદને હલકા પડવા દેવાના નહોતા.

‘હું ઘનો દિલગીર છેઉં, સાહેબ. મને લાગેછ કે એમ કરવાનો કોઈ ફાયદો નથી. હવે નવી સીરી પર પગથિયાં ચરવાની મારી ઉમ્મર નથી. હું તમોને ઘની ખુસીથી મારું રાજીનામું આપવા તૈયાર છેઉં, પેલ્લાં કોઈ લાયક માનસને તમે આય જગાને વરે સોધી કારો.’

પરંતુ જ્યારે રૂમની બહાર નીકળી અરદેશર બલસારાએ પોતાની સ્વાભાવિક સભ્યતાથી બારણું બંધ કર્યું ત્યારે જે અડગ ગૌરવની અદાથી એમણે આવી પડેલો હુમલો ઝીલ્યો હતો તેને તેઓ જાળવી શક્યા નહીં, અને એમના હોઠ ફફડવા લાગ્યા. એમણે ધીમે પગલે સામાન્ય રૂમમાં આવી પોતાનો સેવકનો ડગલો ત્યાં ખીંટી પર લટકાવી દીધો. એમણે ક્રિયાકાંડરૂમમાં બધું સરખું કર્યું, પોતાનો કોટ પહેર્યો, રોજની ટોપી હાથમાં લીધી, ને કૉરિડૉરમાંથી બહાર ચાલ્યા. કમ્પાઉન્ડમાંથી પસાર થઈ લોખંડનો દરવાજો આગળો સરકાવી બરાબર બંધ કર્યો. પછી જાહેર રસ્તા પર આવી લટાર મારતા આગળ વધ્યા, પરંતુ ખિન્ન ખયાલોમાં ખોવાયેલા અરદેશર આજે ઘરને રસ્તે નહોતા જઈ રહ્યા.

એ મંદ ચાલે ચાલતા રહ્યા. એમનું હૃદય ભારી હતું. હવે શું કરવું એની એમને કશી સૂઝ પડી નહીં. એમણે ઠીકઠીક રકમ બચાવી હતી પણ કશુંય કર્યા વિના જિવાય તેટલી તો નહોતી. આવી ઉપાધિ, એકાએક આવી રીતે, આવી અવસ્થામાં આવી પડશે એવું એમણે ક્યારેયે વિચાર્યું નહોતું. અગિયારીનો સેવક અગિયારીની સેવા થઈ શકે ત્યાં સુધી તો કરતો જ રહે છે.

અરદેશર બલસારા ધૂમ્રપાન નહોતા કરતા, પણ યદાકદા, થાક્યા હોય ત્યારે, કોઈ જુએ નહીં તેમ સિગરેટના દમ લગાવવાનું એમને અમાન્ય નહોતું. એમને થયું કે અત્યારે એક પીધી હોય તો સારું, અને એ પેકેટ ખરીદવા દુકાન શોધવા લાગ્યા. એ લાંબી સડક જાતજાતની દુકાનોથી મઢેલી હતી, પરંતુ તેમાં એકે એવી ન મળી જ્યાં સિગરેટ મળતી હોય.

‘કોઈ માનસ અઈયાં નાલ્લી જેવી ડુકાન ખોલે તો ઘની સરસ ચાલે તેમાં કોઈ સક નથી,’ એમણે કહ્યું. ‘સિગરેટ એન્ડ સ્વીટ્સ, એવું કંઈ.’

અને એ સાનંદાશ્ચર્ય ચમકી ઊઠ્યા.

‘આય તો એક આઇડિઆ થયો,’ એમણે કહ્યું. ‘કમાલ છે કે આપરે જરા બી ધારેલું જ નઈ હોય તહારે બી કંઈનું કંઈ સામ્ભે આવીને ઊભું રે.’

એમણે ઘર તરફ પ્રયાણ કર્યું.

ઘરમાં એમની પત્નીએ ચા પીતાં પીતાં પૂછ્યું, ‘અદી, તું આજે આટલો મૂગોમૂગો કાંય, ડિઅર ?’

‘હં... તેમી, હું જરા વિચાર કરી રયોછ,’ એમણે કહ્યું.

બીજે દિવસે અરદેશર બલસારા ફરી તે સડક પર ગયા અને સદ્ ભાગ્યે ભાડે આપવા મૂકેલી એક નાની દુકાન એમને મળી ગઈ જે એમની જરૂરિઆતને બરાબર બંધબેસતી જણાતી હતી. ચોવીસ કલાક પછી એમણે એ દુકાન લઈ લીધી હતી; અને મહિના પછી જ્યારે એ અગિયારીની નોકરીમાંથી સદાના અલગ થઈ ગયા હતા ત્યારે અરદેશર બલસારા એમના ખુદના ધંધામાં ‘ટોબેકો એન્ડ સ્વીટ્સ’ની દુકાન પર વિરાજમાન હતા. એમની પત્નીએ એમ કહ્યું કે અગિયારીની નોકરી પછી ‘આય ઘનું એબલગામનું અઢોપટન ઉતું’, પણ એમણે માત્ર એટલો જ જવાબ વાળ્યો કે માણસે ‘વખતની સાથે કડમ મિલાવવા જોઈએ.’

અરદેશર બલસારા બહુ સફળ થયા; એટલા સફળ કે એક વરસ પછી એમણે બીજી દુકાન લીધી અને મેનેજર રાખ્યો. પછી એમને થયું ‘હું જો બે ચલાવી સકું તો બાર કાંય નઈ ?’ એટલે એ મુંબઈમાં અમુક સ્થળો પર આંટા મારવા લાગ્યા અને જ્યાં જ્યાં એમને લાંબા રસ્તા પર કોઈ તમાકુ-સિગરેટની દુકાન ન દેખાઈ ત્યાં ત્યાં એમણે દુકાન ખોલી અને ન્યૂસપેપર-ચોપાનિયાંની વિક્રી પણ શરૂ કરી. દસ વરસમાં તો એ ઓછામાં ઓછી દસ દુકાનોના માલિક હતા. દર અઠવાડિયે એ ચક્કર મારીને દુકાનોમાંથી વકરો એકઠો કરતા અને બેન્કમાં જઈને જમા કરતા.

એક સવારે જ્યારે એ બેન્કમાં ગયા ત્યારે કેશિઅરે એમને કહ્યું કે મેનેજર એમને મળવા માગતા હતા. એમને એક ઑફિસમાં લઈ જવામાં આવ્યા જ્યાં મેનેજરે એમની સાથે હાથ મિલાવ્યા.

‘મિસ્ટર બલસારા, તમને ખબર છે તમે કેટલા પૈસા અહીં ડિપૉઝિટ પર મૂક્યા છે ? એક સારી એવી મિલકત જમા છે. એને ખાલી ડિપૉઝિટ પર રાખવાને બદલે ઇન્વેસ્ટ કરો તો મને લાગે છે કે એ ઘણી વધશે.’

‘હું કોઈ બી રિસ્ક લેવા નથી માગતો, મિસ્ટર ચોકસી. બેન્કમાં તો મને ખબર છે કે એ સલામત છે.’

‘તમારે કશી ચિંતા કરવા જેવું નથી. અમે તમને એકદમ સદ્ધર કંપનીઓનું એક લિસ્ટ બનાવી આપશું. તેમાંથી તમને ઘણું સારું રિટર્ન મળશે, જે આ ડિપૉઝિટમાં તો નહીં જ મળે.’

મિસ્ટર બલસારાના ચહેરા પર ગભરામણની આછી રેખાઓ ફરી વળી. ‘સેરબજારમાં તો મેં કારે બી કઈ કીધું નથી. એ બધું મને તમારા હાથમાં જ છોરવું પરસે.’

મેનેજર હસ્યા. ‘હા, અમે બધું કરીશું. તમે બીજી વાર આવો ત્યારે ખાલી ટ્રાન્સફરનાં કાગળિયાં પર તમારે સહી કરવાની એટલું જ.’

‘હા, એ હું કરી સકું,’ અરદેશરે સંદિગ્ધ ભાવે કહ્યું. ‘પન મને કેમ ખબર પરે કે હું સું સાઇન કરી રયોછ ?’

‘હું માનું છું કે તમે વાંચી શકો છો,’ મેનેજેરે જરાક રૂક્ષતામાં કહ્યું.

બલસારાના હોઠ ઉપર એક મોટું અને મોહક સ્મિત ફેલાયું. ‘એ જ તો વાત છે, મિસ્ટર ચોકસી. હું વાંચી નથી સકતો. હું જાનુંછ કે એ કેટલું વાહિયાત ને ફની જેવું લાગેછ, પન ચોખ્ખું જ કેઉંછ કે હું વાંચી કે લખી નથી સકતો. ખાલી મારું નામ, ને તે બી હું બિઝનેસમાં પરિયો તહારે જ સીખિયો.’

આશ્ચર્યના આંચકાથી મેનેજર ખુરશી ઉપરથી અડધા ઊંચા થઈ ગયા. ‘તમે શું એમ કહેવા માગો છો કે આ આવડું બિઝનેસ તમે જમાવ્યું અને આ આટલી સંપત્તિ તમે એકઠી કરી ને તમને વાંચતાં કે લખતાં જરા પણ આવડતું જ નથી ? ઓ ભગવાન, અને જો આવડતું હોત તો તો તમે અત્યારે શું હોત ?

‘એ તો, મિસ્ટર ચોકસી, હું તમુને ચોક્કસ કહી સકું,’ મિસ્ટર બલસારાએ એમના કુલીન ચહેરા પર ઝબકતા સ્મિત સાથે કહ્યું. ‘તો હું અગિયારીનો સેવક હોતે, માલ્કમબાગમાં.’

——————————————————

(અગિયારી = પારસી ધર્મમંદિર)                                                           

(સમરસેટ મોઅમની વાર્તા ‘ધ વર્જર’ ઉપરથી)

e.mail : [email protected]

Category :- Opinion Online / Short Stories