SHORT STORIES

બચ્ચાંને આવી પાંખ!

‘હરિશ્ચન્દ્ર’
10-01-2020

સવાર-સવારમાં ઊઠીને નીચે આવી, તો બાપ-બેટીની મહેફિલ જામેલી. ‘પપ્પા, લઈ લો ને આ એક પૂડો.’

‘ના બેટા, હવે નહીં. હવે પહેલાં જેવું થોડું ખાઈ શકાય છે? અમે હવે બુઢ્ઢાં થયા.’

‘જાવ, તમારી સાથે નહીં બોલું. પાછી એની એ ગન્દી વાત.’ ચિત્રા ગાલ ફૂલાવતાં બોલી. તે વખતે જાણે ફરી એ મારી નાનકી ચિત્રુ બની ગયેલી.

‘આટલી વહેલી શું કામ ઊઠી છું? નાસ્તો તો હું જ બનાવી દેત,’ અને એમની તરફ ફરીને બોલી, ‘દીકરી, ચાર દિવસ માટે આવી છે, તેને ય તમે આરામ કરવા નથી દેતા?’

‘પણ મમ્મી....ઈ.....ઈ હવે સાસરે મને વહેલાં ઊઠવાની ટેવ પડી ગઈ છે.’

‘હા….. અહીં તો મહારાણી આઠ પહેલાં પથારી બહાર પગ નહોતાં મુકતાં. સાસુએ ખરી ગૃહિણી બનાવી દીધી છે!’

ત્યાં શિરીષ આવી પહોંચ્યો :

‘અમારાં બહેનબા હવે એકદમ સમજદાર થઈ ગયાં છે, હોં ! એ તો સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ. સાસુ હાથમાં ધોકો લેતાં હશે ને!’

‘જા, જા, ચીબાવલા.’ ચિત્રા એનો કાન પકડતાં બોલી અને ભાઈબહેને આખા ઘરમાં ધમાચકડી મચાવી દીધી. પહેલાં તો એમની ધમાલથી મારો પારો સાતમે આસમાને ચડી જતો; પણ હવે હું એવું જ જોવા તો તલસી રહી છું!

પણ આવું કેટલા દિવસ? એના સસરાનો કાગળ આવી ગયો કે : ‘વહુને જલદી મોકલો તો સારું, અશોકને જરા ગોઠતું નથી.’ મને તો એવો ગુસ્સો આવ્યો. ઘરમાં બીજા માણસો છે કે નહીં? પણ વધારે ગુસ્સો તો ચિત્રુ ઉપર આવ્યો. ઘરે જવાની વાત થતાં જ એનો ચહેરો કેવો ખીલુંખીલું થઈ ઊઠેલો!

જુઓને, અહીં આવી છે પણ મારી પાસે પગવાળીને બેસે છે જ ક્યાં? પડોશમાં જઈ-જઈને નવી નવી વાનગી શીખે છે. ખબર નહીં ક્યાં-ક્યાંથી સ્વેટરના નમૂના ભેળા કરી લાવી છે. દિયરની ફરમાઈશ છે કે ‘ભાભી સ્વેટર એવું ગૂંથી આપજો કે કૉલેજમાં બધાં જોઈ જ રહે.’ નાની નણન્દ માટે ગીતો ઊતારે છે. સાસુ માટે શ્રીનાથજીની છબી મોતીથી ભરી રહી છે. બસ ચાર-પાંચ મહિનામાં તો મારી ચિત્રુ હવે મારી રહી જ નથી કે શું?

અને આજે એ પાછીયે જતી રહી. જતી વખતે મને વળગીને ડૂસકે–ડૂસકે રોઈ. કંઈ કેટલીયે વાર સુધી હું વિચારતી રહી કે એનું આ ચોધાર આંસુએ રડવું સાચું કે ઘરે જવાની વાત આવતાં ખીલું ખીલું થઈ ઊઠેલો ચહેરો સાચો?

છેવટે એના લગ્નના ફોટાઓનું આલ્બમ લઈને બેઠી. મને પુષ્પાકાકી યાદ આવ્યાં. બન્ને દીકરીઓ પોતપોતાને ઘેર. એક દીકરો પરણીને લંડન રહે છે. બીજો અમેરિકામાં ભણે છે. અહીં રહ્યાં બે જ જણ! જ્યારે મળવા જાઉં ત્યારે દીકરાઓના ફોનની જ વાત કરે. ‘જો, અમેરિકાથી આ ફોટા આવ્યા છે ... લંડનથી રમુએ આ મોકલ્યું છે ... એની વહુ ત્યાં કાંઈક નોકરી પણ કરે છે ...’ જ્યારે જાવ ત્યારે બસ, આ જ વાત! મારે પણ હવે શું ચિત્રુનું આલ્બમ જ જોવાનું?

મનને હળવું કરવા હું મન્દિરે ગઈ. ત્યાં ઢળતી સાંજના ઝાંખા અજવાળામાં એક આકૃતિ પરિચીત જેવી લાગી. ‘અરે, શિરીષ તું? તું આજે ભગવાનને દર્શન આપવા ક્યાંથી આવ્યો?’

‘એ... તો.. એ... તો...’ એ જરા થોથવાયો. ‘એ... તો... આ જોને, રેણુની જીદને કારણે આવવું પડ્યું ... એ બડી ભગત છે ...’ ત્યાં તો મન્દિરનાં પગથિયાં ઊતરતી એક છોકરી હાથમાં પ્રસાદ સાથે સામે આવી ઊભી. શિરીષે પરિચય કરાવ્યો ત્યારે એ લજ્જાથી લાલ-લાલ થઈ ઊઠી અને મને પગે લાગી. શિરીષ આંખને ઈશારે એને વારતો હતો પણ રેણુ બોલી ગઈ : ‘મમ્મી, એ તો ગયે અઠવાડિયે આમને અકસ્માત થતાં થતાં રહી ગયેલો ને એટલે મન્દિરે લાવેલી. મમ્મી, એમને કહો ને કે સ્કૂટરને સ્કૂટરની જેમ ચલાવે, એરોપ્લેનની જેમ નહીં.’

‘અકસ્માત? ક્યારે? મને તો ખબર જ નથી ને!’

‘અરે મમ્મી, એ નકામી ગભરાઈ જાય છે.’

હા, તે દિવસે મને નવું જ્ઞાન થયું. મારા દીકરા શિરીષ માટે ‘નકામું ગભરાઈ જનારું’ બીજું પણ કોઈ છે. ઘેર જઈને મેં રેણુ વિશે વિશેષ જાણવાની કોશિશ કરી, તો શરમાઈને શિરીષ બીજા ઓરડામાં ચાલી ગયો, અને એણે ધીરેથી બારણું વાસી દીધું.

ક્યાં ય સુધી હું એ બન્ધ બારણાને જોઈ રહી. મારી ને ચિત્રુ વચ્ચે આવો જ એક દરવાજો ઊભો થઈ ગયો છે. હવે શું આ રેણુ પણ બારણાની જેમ મારી અને શિરીષની વચ્ચે આવીને ઊભશે? મારું મન ઘડીભર ખિન્ન ખિન્ન થઈ ગયું.

પરન્તુ એકાએક હું જોરજોરથી હસી પડી. મને મારા જુવાનીના દિવસો યાદ આવી ગયા. શું હું પણ પાંખો આવતાં નવો માળો બાંધવા નહોતી નીકળી પડી?

(‘શ્રી માલતી જોશી’ની ‘મરાઠી’ વાર્તાને આધારે)

સ્વ. ‘હરિશ્ચન્દ્ર’

‘વીણેલાં ફૂલ’, ભાગ નવમાનાં પાન ક્રમાંક 8, 9, 10 ઉપરથી સાભાર ..

♦●♦

સૌજન્ય :  ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ પંદરમું – અંકઃ 444 –January 19, 2020

Category :- Opinion / Short Stories

ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ

આશા વીરેન્દ્ર
26-12-2019

‘કેટલો સમય થયો લગ્નને? ’લેડી ડૉક્ટરે સુષમાને તપાસતાં તપાસતાં પૂછ્યું.

‘આઠ મહિના.’

‘યુ આર વેરી લકી. આ ઉંમરે લગ્ન પછી આટલી જલદી પ્રેગનન્સી મોટે ભાગે રહેતી નથી. કોન્ગ્રેચ્યુલેશન્સ. પણ હવે તમારે તમારી પોતાની અને આવનારા બાળકની બરાબર કાળજી લેવી પડશે હં!’

‘એટલે? એટલે શું હું મા બનવાની છું?’ સુષમાનું હૃદય ખુશીથી ઉછળી રહ્યું. ડૉક્ટરે જ્યારે આ સમાચાર બહાર એમની કેબિનમાં બેઠેલા સુશાંતને આપ્યા ત્યારે એનો ચહેરો કાળો ધબ્બ પડી ગયો.

‘ઓહ! સુષમા પ્રેગ્નન્ટ છે? પણ ડૉક્ટર, આટલી ઉંમરે પ્રેગ્નન્સી રહે તો બહુ જોખમ કહેવાય એવું મેં સાંભળ્યું છે એ સાચું?’

‘એ બધી ચિંતા મારી પર છોડી દો અને તમે ફક્ત તમારી પત્નીનું ધ્યાન રાખો.’

સુષમાના પિતા, એ દસમા ધોરણમાં હતી ત્યારે ગુજરી ગયેલા. નાનો ભાઈ મયંક સાતમામાં ભણતો અને મા હંમેશાં સાજી-માંદી રહેતી. આ સંજોગોમાં એણે નક્કી કરેલું કે જ્યાં સુધી મયંક પોતાની જિંદગીમાં ઠરીઠામ નહીં થાય ત્યાં સુધી પોતે લગ્ન નહીં કરે. ટ્યુશનો  કરીને, સ્કોલરશીપ મેળવીને પોતે ડબલ ગ્રેજ્યુએટ થઈ અને કૉલેજમાં પ્રોફેસર બની. મયંક સિવિલ એંજીનિયર થયો, શિવાની સાથે એનાં લગ્ન થયાં. આ બધાં વર્ષો દરમ્યાન ચૂપ રહેલી મા હવે ઉતાવળી થઈ હતી,

‘હવે શેની રાહ જોવાની છે, બેટા? આ ઘર માટે તેં ઘણું કર્યું. હવે તારી જિંદગી માટે પણ વિચાર.’

કૉલેજના સ્ટાફરૂમમાં સખીઓ પણ આ જ વાત કરતી.

‘જો સુષમા, મા અને ભાઈ માટે તેં ઘણો ભોગ આપ્યો; પણ હવે તારે જલદી નિર્ણય કરવો જોઈએ. અમારાં છોકરાઓ મોટાં થઈ ગયાં ને તું હજી કુંવારી બેઠી છે. આવું ન ચાલે.’

સુષમા પણ હવે ગંભીરતાપૂર્વક પોતાના ભવિષ્ય અંગે વિચારતી થઈ હતી અને એટલે જ, જ્યારે બે દીકરીઓના પિતા એવા સુશાંતની વાત આવી ત્યારે એણે સ્વીકારી લીધી. અવઢવ ઘણી હતી, આ સંબંધ માટે બાંધ-છોડ પણ ઘણી કરવી પડે એમ હતું; પણ હવે આ ઉંમરે બધું જોઈતું, ફાવતું અને ગમતું નથી જ મળવાનું એમ સમજીને, એણે સમાધાન કરી લીધેલું. વીતેલા દિવસોમાં ડૂબકી લગાવીને સુષમા પાછી વર્તમાનમાં આવી.

ચૂપચાપ ગાડી ચલાવી રહેલા સુશાંત તરફ એણે એક નજર નાખી. પંદર જ મિનિટ પહેલાં ડૉક્ટરે જે વધામણી આપી હતી એની ખુશીનો કોઈ અણસાર એના ચહેરા પર દેખાતો નહોતો. સુષમાએ કહ્યું, ‘મને  કૉલેજ પર જ ઊતારી દેજો. હવે ઘરે જવા જઈશ તો કૉલેજનું મોડું  થઈ જશે.’

‘સારું, પણ સાંજે સીધી ઘરે આવી જજે. હું પણ ઑફિસેથી વહેલો આવી જઈશ. થોડી જરૂરી વાત કરવાની છે.’

સુશાંતની ‘જરૂરી વાત’ શી હશે એની અટકળ કરવામાં કૉલેજમાં સુષમાનો આખો દિવસ બેચેનીભર્યો વીત્યો. મનમાં ઊચાટ સાથે ઘરમાં પ્રવેશી ત્યારે એણે જોયું કે સુશાંત એની પહેલાં આવી ગયો હતો.

‘જો સુષમા, જે થઈ ગયું તે થઈ ગયું; પણ વધુ મોડું થાય એ પહેલાં તું કાલે જ ડૉક્ટરને મળીને પૂછી જો કે હવે આ બાળક .. એટલે કે આ પરિસ્થિતિનો નિકાલ .. લાવી શકાય કે ...’

બળબળતા અંગારા પર પગ પડી ગયો હોય એમ સુષમા પગ પછાડતી, ઝાટકા સાથે ઊભી થઈ ગઈ, ‘હું પૂછી શકું કે મારા માતૃત્વ અંગેનો નિર્ણય લેવાનો અધિકાર તમને કોણે આપ્યો?’

સુષમાના ફુંફાડાથી ઓઝપાઈ ગયેલો સુશાંત એની સાથે નજર ન મેળવી શક્યો. સુષમા વધારે ઉશ્કેરાઈને બોલી, ‘આ સમાચાર સાંભળીને તમે ખુશીથી નાચી ઊઠશો, એવી કલ્પના કરવાની મૂર્ખાઈ તો મેં કરી જ નહોતી; પણ તમે આટલી નીચી કક્ષાએ જઈ શકશો એવું પણ નહોતું વિચાર્યું. તમને આ ‘સુવિચાર’ આવવા પાછળનું કારણ જણાવશો?’

‘તારે જાણવું જ હોય તો કારણો તો ઘણાં છે. એક તો આટલી મોટી ઉંમરે પ્રેગનન્સી રહેવાથી તારે માટે જીવનું જોખમ રહેશે. બીજું, સગાં-સંબંધી, સમાજ- સૌ કોઈ આપણી મજાક ઉડાવશે. આ ઉપરાંત સૌમ્યા અને રિયા બંને સમજણી થઈ ગઈ છે. હૉસ્ટેલમાંથી આવશે અને જ્યારે આ વાત જાણશે ત્યારે એ બેઉને કેટલું વિચિત્ર લાગશે?’

‘મારી સાથે લગ્ન કરતી વખતે તમને આ બધામાંથી કોઈ કારણનો વિચાર નહોતો આવ્યો? હું પણ મૂરખી, તે એ સમજવામાં મોડી પડી કે, તમે ફક્ત અને ફક્ત તમારી અને તમારી દીકરીઓની સગવડ અને સલામતી માટે જ મને આ ઘરમાં લઈ આવ્યા છો.’

‘ના ના, એમ નહીં; પણ તું જ વિચાર કે, આ ઉંમરે થયેલું સન્તાન શું કામ લાગવાનું? એ કંઈ થોડું જ ઘડપણમાં આપણી ટેકણ–લાકડી બનવાનું છે?

‘ઓહ! મા બનવાના ઉત્સાહમાં મને આવા નફા-તોટાના હિસાબ માંડવાનું તો સુઝ્યું જ નહીં! પણ હવે જ્યારે તમે પૂછો છો ત્યારે કહી દઉં કે મને જોઈએ છે, માત્ર માતૃત્વ પ્રાપ્ત કરવાનો લહાવો. તમારા થકી એ સુખ મને મળશે એ બદલ હું તમારી આભારી છું; પણ આવનારું બાળક તમારી મિલકતમાં ભાગ પડાવશે, તમને સમાજમાં હાસ્યાસ્પદ બનાવશે, તમારી દીકરીઓની નજરમાં તમને હલકા પાડશે - એવી બધી બીક મનમાંથી કાઢી નાખજો. હું એકલે હાથે મારા બાળકને ઉછેરીશ - તમારી પાસેથી કોઈ અપેક્ષા વગર, સમજ્યા મિ. સુશાંત?’

‘અરે એવું કંઈ નથી. હું તો એમ કહેતો હતો કે ...’

‘આટલા વખતમાં તમે ઘણું કહી દીધું. આજે મારું કહેવું સાંભળો. હવે ભવિષ્યમાં કદાચ ત્રીજાં લગ્ન કરો તો આવનારીને તમારા ‘ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ’ પહેલેથી જ સમજાવી દેજો. ચાલો, મારી વાત પૂરી થઈ .. હવે તમે જે કોઈ નિર્ણય કરો એ નિરાંતે જણાવજો.’

‘પણ જરા બેસ તો ખરી! શાંતિથી વાત કરીએ. આ આપણા જીવનની ખૂબ મહત્ત્વની વાત છે.’

‘મારે હવે કશું કહેવા કે સાંભળવાનું બાકી રહેતું નથી ને આમ પણ; હું બહુ થાકી ગઈ છું. મારે સૂવા જવું છે. ગુડ નાઈટ.’

બેડરૂમ ભણી જતી સુષમાનાં મક્કમ પગલાંને સુશાંત જોઈ જ રહ્યો.

(‘માલતી જોશી’ની ‘મરાઠી’ વાર્તાને આધારે)

(તા.16-10-2019ના ‘ભૂમિપુત્ર’ પાક્ષીકમાં છેલ્લે પાને પ્રકાશિત થયેલી આ વાર્તા, લેખિકાબહેનની અનુમતિથી સાભાર .. .. ઉ.મ.)

સર્જક–સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર, વલસાડ– 396 001

ઈ.મેઈલ : [email protected]

♦●♦

આવી ટચુકડી વાર્તાઓની ઈ.બુક

તમને આવી નાનકડી, માત્ર 750 શબ્દોની મર્યાદામાં રચાયેલી વાર્તાઓ વાંચવાનો શોખ હોય તો તમારે માટે એક શુભ સમાચાર છે. 2005થી પ્રકાશિત થતી આ ‘સ.મ.’માં આવી વાર્તાઓ, બહુ વખાણાઈ અને વિશેષ આદર પણ પામી છે. અમે તેવી પચીસ વાર્તાની એક રૂપકડી ઈ.બુક બનાવી છે.. તમને તે જોવા–વાંચવાનો ઉમળકો થાય તો, તમારું પૂરું નામ, સરનામું અને કૉન્ટેક્ટ નંબર લખીને જ, મને ઈ.મેલ લખજો. (વૉટસેપ મારફત તે મોકલી શકાય તેમ નથી, તેથી..) તમને તે મોકલી આપીશ .. .. ઉત્તમ.મધુ ગજ્જર.   [email protected]il.com

♦●♦

સૌજન્ય :  “સન્ડે ઈ.મહેફીલ” – વર્ષઃ પંદરમું – અંકઃ 443 – January 05, 2020

અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર - [email protected]

Category :- Opinion / Short Stories