LITERATURE

એક મિત્રે મને પૂછ્યું - મન્તવ્યોને શીર્ષકો આપો તો? બીજા એક મિત્રે સૂચવવ્યું કે પાંચને બદલે બે કે ત્રણ મન્તવ્યો મૂકો તો સારું, પચાવી શકાય. બન્ને મિત્રોની વાત મને સમીચીન લાગી. પચાવવાની વાત ગમી ગઈ. મેં વિચાર્યું, બે જ આપવાં અને દરેક મન્તવ્યને એક કામચલાઉ શીર્ષક આપવું. આ લેખમાં ને હવે પછીના લેખોમાં સ-શીર્ષક બે બે મન્તવ્યો આપીશ.

૬ : વાર્તાનો એક ગુણ -તે શ્રાવ્ય હોય :

વાર્તા તો કહેવા માટે લખવાની હોય છે. ‘કથા’ શબ્દ જ ‘કથવું’ અથવા ‘કહેવું’ પરથી છે. અને વાર્તા કહેવાય છે તો એ પણ ખરું કે એ સાંભળવા માટે છે. કથનનો ગુણ તેમ વાર્તામાં શ્રાવ્ય ગુણ પણ હોય છે, હોવો જોઈએ.

ચારણો, બારોટો અને પહેલાંના જમાનાના સૌ કથાકારો વાર્તા માંડતા’તા. બન્ને પગને ક્રૉસમાં વાળે ને ભેટ બાંધીને નિરાંતે ચલાવે. એમની એ કહેણીમાં કથનનો ગુણ હતો, વિશિષ્ટ કથનસૂર પણ હતો. ઘણી વાર તો એમણે માંડેલી વાર્તા મધરાત લગી ચાલતી.

અમારા ઘરમાં અવારનવાર સત્યનારાયણની કથા કહેવરાવવાનો એક રિવાજ પડી ગયેલો. કેમ કે ઘરનાં દરેકે નાનીમોટી સફળતા માટે ‘સતનારાયન’-ની બાધા રાખી હોય. બે મા’રાજ હતા. એક ઉપલબ્ધ ન હોય, તો બીજા આવે. એક મા’રાજ કથાની ચૉપડીમાંથી પાંચેય અધ્યાય વાંચી જતા, જ્યારે બીજા મા’રાજ કથારસ જામે અને ભાવાર્થનો અનુભવ મળે એ રીતે સ્વમુખેથી સરસ શૈલી બાંધીને વદતા હતા. એમને કથાપોથીની જરૂર ન્હૉતી પડતી. ત્યારે એમણે આરામદાયક પદ્માસન પલાંઠી લગાવી હોય. એમની એ કહેણીમાં કથનનો ગુણ હતો, કથનસૂર પણ હતો, ઉપરાન્ત, એમાં શ્રાવ્ય ગુણ પણ હતો.

યાદ કરો, દાદીમા વાર્તા ક્હેતાં’તાં, તે પથારીદૃશ્યો. પોતરાને થોડી થોડી વારે થતું, પછી? પછી શું થયું? ‘વ્હૉટ નૅક્સ્ટ’ - પ્રશ્નને બધા હવે કથાસાહિત્યમાં જૂનવાણી ગણે છે. પણ એ પ્રશ્ન કુતૂહલને જાગતું રાખે છે એ કારણે હું એને વાર્તાકલામાં જરૂરી મહત્ત્વ આપું છું.

દાદીમાની વાર્તાનું સુખદ પરિણામ આવતું - દાદી અને પોતરો અમુક સમયે ઊંઘી ગયાં હોય ! અધૂરી રહી ગયેલી વાર્તા બીજે દિવસે આગળ ચાલે, કે પછી, કોઈ બીજી શરૂ થાય. મારા પિતાજી રાતે સૂતી વખતે કોઇ ને કોઇ વાર્તા ક્હૅતા. ઉનાળામાં અગાશીમાં સૂતા હોઇએ, આકાશમાં ચન્દ્ર હોય ને બસ વાર્તાની મૉજ અને ઊંઘ બેયનું ભેગું ઘૅન ચડતું. આમ્સ્ટર્ડામમાં મારી પૌત્રીને એની મૉમ કે એના પાપા રોજ વાર્તા વાંચી સંભળાવે તો જ એને ઊંઘી આવી શકે છે.

આ બધા દાખલા એમ સૂચવે છે કે વાર્તા સરસ લઢણથી, આકર્ષક પદ્ધતિથી, કહેવાય, પણ એવી અદાથી કે સાંભળનારનું મન ધરાઇ જાય. તૃપ્ત થઈને એ મલકી પડે. એને વાર્તાની રઢ લાગી જાય. મને મારા દાખલામાં એમ બન્યું લાગ્યા કરે છે.

પરન્તુ તૃપ્તિનું એ પરિણામ ત્યારે જ આવે જ્યારે કથનસૂર સચવાયો હોય ને એ સૂર પ્રગટે એ માટે સર્જકે પૂરતા જતનથી ભાષાકર્મ કર્યું હોય.

વાચકે પણ વાર્તાને વાંચવા છતાં, સાંભળવાની હોય છે. કેટલાક વાચકો લખાયેલું કે છપાયેલું ઝટ પતાવી દેવાની કુટેવને વર્યા હોય છે. એવો વાચક જો ગગડાવી જશે, કથનસૂરને નહીં અનુસરે, તો કલાને ચૂકી જશે. વિવેચકે પણ તપાસવું જોઈશે કે વાર્તાના પાઠમાં શ્રાવ્ય ગુણ છે ખરો? જો છે, તો કેવી રીતે રસાયો છે તેનો એ ફોડ પાડે.

વાર્તાનાં લેખન શરૂ થયાં એટલે વાચન શરૂ થયાં. બાકી તો એ એવી મજાની વસ્તુ છે કે કહ્યા જ કરીએ ને સાંભળ્યા જ કરીએ.

ટૂંકીવાર્તા આપણે ત્યાં ‘શૉર્ટ સ્ટોરી’-થી પ્રેરાઈ છે. એ વિદેશી રીતભાતે લખાવા લાગી, છપાવા લાગી, એટલે વાચનની વસ્તુ બની ગઈ. એની ના નહીં પણ કથાસરિતસાગરની, પંચતન્ત્રની, હિતોપદેશની, ઇસપની કે અરેબિયન નાઇટ્સની કથાઓ યાદ કરો, સમજાશે કે શ્રાવ્ય ગુણ જ વાર્તાને વાર્તા બનાવે છે. આ હકીકતનું વિસ્મરણ ન થવું જોઈએ - ન તો લેખકને, ન તો વાચકને, ન તો વિવેચકને.

૭ : વાર્તાનો એક બીજો ગુણ - તે દૃશ્ય હોય :

પરમ્પરાગત વાર્તાકારો વાર્તાના પ્રારમ્ભે નાનકડું પ્રકૃતિદૃશ્ય ઊભું કરતા : જેમ કે, આમ : સન્ધ્યાનું આકાશ લાલિમાથી છવાઈ ગયેલું હતું. સૂર્ય ટેકરીઓની પાછળ ઊતરી ગયો હતો. નદીનાં પાણી રતુમ્બડાં લાગતાં હતાં. પક્ષીઓએ પોતાનાં માળાની દિશા પકડી હતી. આવી રહેલી નિશા કોઈ નવી નવેલી વહુરાણી લાગતી હતી : વગેરે. એઓ આવાં આલંકારિક દૃશ્યાલેખન કરીને વાચકને તૈયાર કરતા. સૂચવતા કે હવે જે શરૂ થવાનું છે એ બધું સાહિત્યિક છે, તૈયાર થઈ જાવ. જાણે ભોજન પહેલાંનું ઍપિટાઈઝર !

પ્રકૃતિદૃશ્યનું આલેખન, જો એ પછી શરૂ થનારી વાર્તાને ઉપકારક હોય તો સારી વાત ગણાય. બાકી, વાર્તા સાથે એનો સ્નાનસૂતકનો ય સમ્બન્ધ ન જડે તો શું કરવાનું એ ફાલતુ ગદ્યને? પણ એવી એક ફૅશન પડી ગયેલી.

એથી અવળું માનનારા વાર્તાકારો હતા - ભાઈ ! બસ વાર્તા કહો, દૃશ્યો પાછળ સમય ન બગાડો, શી જરૂર છે? એ તો નાટકમાં હોય. વર્ણનોની શી જરૂર છે? એ તો નવલકથામાં કે નિબન્ધમાં હોય. આવી સલાહો એટલે અપાતી કે વાર્તાકારોને લાબાંલાંબાં વર્ણનો કરવાની ટેવ પડી ગયેલી. એની પણ એક ફૅશન હતી.

સર્જનમાત્રને તેમ વાર્તાસર્જનને કશી પણ ફૅશન ન પરવડે. સર્જન એવા આગન્તુક શણગારોથી કદીપણ દીપતું નથી, વરવું લાગે છે.

મુદ્દો આટલો છે, વાર્તાકથન છે તેમ વાર્તાઆલેખન પણ છે - ટુ નૅરેટ તેમ ટુ ડિસ્ક્રાઇબ. એક હતો રાજા, એક હતી રાણી - કથન થયું કહેવાય. આ રાજા છે, આ રાણી છે - આલેખન થયું કહેવાય. વાર્તામાં કથક કથે તેમ આલેખે. પોતે જુએ તેમ આપણને બતાડે. વાર્તાકલા આલેખનથી પણ વિકસતી હોય છે. એથી દૃશ્યો રચાય, વાર્તાનાં પાત્રોને જોઈ શકાય, જે સ્થળે જેમ બોલતાંચાલતાં હોય, તે સ્થળે એમને તેમ જોઈ શકાય. સ્થળોને લગીરેક ધારદાર વીગતથી દર્શાવ્યાં હોય એટલે સ્થળો પણ દેખાય. બધું જીવન્ત થઈ ઊઠે. પાત્રે શું પ્હૅર્યું છે, એ શું ખાય છે, પીએ છે, વગેરે બતાવવું પણ કેટલીક વાર જરૂરી હોય છે, ખાલી કહી જાઓ તે ન ચાલે.

મારી વાર્તાઓમાં દૃશ્યો અવારનવાર સરજાય છે, વાચકો વાર્તાને સાંભળે છે તેમ જુએ પણ છે. હું વાર્તાનો એ નૉર્થટ્રેઇલ પાર્ક મારા વાચકને બતાવું છું. એ વિશાળ પાર્કનું આકાશ ઘણું નીચે ઊતરી આવ્યું હોય ને પાત્રને થાય - આ ગુમ્બજ નીચે સૂઈ જઉં, ચન્દ્રને ઊંચો કૂદકો મારીને ઝડપી લઉં … કોઇ પણ વાર્તાનું વિશ્વ ખરું - રીયલ - લાગવું જોઈએ. વાચક એક અનુભવ લઈને જવો જોઈએ.

ચિત્રકૃતિઓ સ્થિર દૃશ્યો હોય છે. એ ચિત્રોનાં આધારરૂપ મૉડેલ્સને પણ સ્થિર બેસાડાય છે. કૅમેરાની અને મૂવીકૅમેરાની શોધ પછી, ચિત્રકલાની તેમ કથાસાહિત્યના સર્જનની જાણે દિશા જ બદલાઇ ગઈ છે. વિડીઓગ્રાફીએ પેલા સ્થિર દૃશ્યને હરતુંફરતું કરી દીધું. શબ્દમાં સરજાયેલાં કથનો અને વર્ણનો ચિત્ર બલકે ચલચિત્ર બની રહ્યાં છે. સારી કથાનું મૂવી બનાવવા જાણે પડાપડી થવા લાગી છે.

Pic courtesy : French Institute Alliance Franchise

હમણાં મેં ‘નેટફ્લિક્સ’ પર એક ફ્રૅન્ચ મૂવી જોયું. એમાં, એક સુન્દરી મૉડેલ છે. એને સ્થિર બેસાડાય છે. મૉડેલ છે એટલે એને નગ્ન બતાવી છે, સમ્પૂર્ણ નગ્ન, સમ્પૂર્ણ એટલે સમ્પૂર્ણ. ચિત્રકામો શરૂ થાય, પૂરાં થાય કે અધૂરાં છોડી દેવાય, એ તમામ સર્જનવ્યાપારને અનુવર્તીને વારંવાર એને જુદા જુદા પોઝિઝમાં બેસાડાય છે. મૉડેલ અને ચિત્રકારની છે આ કથા. ચિત્રકારની વર્કશોપ, બધો જરૂરી અસબાબ, ચીતરવાની પદ્ધતિઓ, સર્જનની આદિ મધ્ય અન્ત લગીની પ્રક્રિયા વગેરે બધું હૂબહૂ પૂરી કાળજી લઈને ધીમેશથી બતાવ્યું છે. દીર્ઘ મૂવી છે. બોલ્ડ છે. જો કે એમાં કશી સૅક્સલાઇફ નથી, કશું એમાં અભદ્ર કે અશ્લીલ નથી.

છતાં, આ મૂવી સમજુ યુગલોએ જ જોવું, એકલાં જોવું. હું જાણીને જોવા ન’તો બેઠો. આઇ નેવર ચૂઝ બીફોર કેમકે હમેશાં મારે અન્કન્ડિશન્ડ રહેવું હોય છે. આ મૂવીના કલાગુણ અને મૅસેજ લગી પ્હૉંચતાં સામાન્ય દર્શકને વાર લાગશે. ફ્રૅન્ચ નામ છે, La Belle Noises (1991). અંગ્રેજી નામ છે, The Beautiful Troublemaker.

બીજાં બે મન્તવ્યો હવે પછી, અવકાશે.

= = =

(August 19, 2021 : USA)

Category :- Opinion / Literature

સમસામયિક ગુજરાતી સાહિત્યલેખનની એક સર્વસામાન્ય ક્ષતિ કે ખામી એ છે કે કેટલાં ય લેખન ભાષાશુદ્ધ નથી. શબ્દપસંદગી, જોડણી, વાક્યરચના અને વિરામચિહ્નો - એ ચાર બાબતે દોષયુક્ત લખાણોનાં અનેક દૃષ્ટાન્તો મળે છે. સુખદ અપવાદો નથી એમ નથી, પણ એ અપવાદોની સંખ્યા પણ હવે નાની થવા માંડી છે.

ક્ષતિ કે ખામીનો આ મુદ્દો નીવડેલા કે નવોદિત સર્જક વિવેચક અધ્યાપક વિદ્યાર્થી - સૌને લાગુ પડે છે. એમાંથી ટૂંકીવાર્તાના લખનારાઓને બાદ કરી શકાય એમ નથી.

આ મુદ્દો વ્યાકરણસંગત પરિશુદ્ધ લેખનની શિસ્ત સાથે સંકળાયેલો છે, એટલે હાલ જતો કરું છું.

++

મારે રજૂ કરવાં છે, ટૂંકીવાર્તાને વિશેનાં મારાં પોતાનાં મન્તવ્યો. એ મન્તવ્યો, પહેલી વાત એ કે ટૂંકીવાર્તાઓ મેં સરજી, તેનાં ફળ છે. બીજી વાત એ કે છેલ્લાં લગભગ ૨૫ વર્ષથી અન્યોની વાર્તાઓ જોતો-તપાસતો રહ્યો છું તેનાં પરિણામે છે. ત્રીજી વાત એ કે ટૂંકીવાર્તાના કલાસ્વરૂપ વિશે વર્ગમાં વ્યાખ્યાનો આપ્યાં કે અન્યત્ર હજી આપું છું, લેખો લખ્યા, હજી લખું છું, તે વિદ્યાવ્યાસંગનો એમાં ફાળો છે. ચૉથી વાત એ કે આ મન્તવ્યો કોઈ સિદ્ધાન્તગ્રન્થમાંથી તો નથી જ નથી, અને કોઇ કોઇ મન્તવ્યોના સગડ કોઇ કોઇ સિદ્ધાન્તગ્રન્થમાં જડી આવે, તો એ પાંચમી વાત ખુશ થવા જેવી વાત છે.

આ મન્તવ્યો મુખ્યત્વે ટૂંકીવાર્તાના સર્જન અંગે છે. વાર્તાપઠન વાર્તાશ્રવણ વાર્તાવાચન અને વાર્તાવિવેચન અંગેની મારી માન્યતાઓ ને ટીકાટિપ્પણીઓ એમાં જરૂરત પ્રમાણે ઉમેરાતી રહેશે. તમામ મન્તવ્યો ફેરવિચાર અને સુધારને પાત્ર ગણીને ચાલીશ, છતાં, સંલગ્ન દરેક વિચારને પૂરતો ન્યાય આપીશ, કાચોપાકો છોડી નહીં દઉં.

મને સૂઝશે તેમ લખતો જઈશ એટલે લેખોનો ક્રમ ટૂંકીવાર્તાની ઍનેટોમીને - દેહના સંરચનાશાસ્ત્રને - અનુસરતો નહીં લાગે. જેમ કે, ઘડીમાં ટૂંકીવાર્તાના શિરની વાત કરતો હોઈશ, ઘડીમાં ધડની, તો ઘડીમાં એના હાથપગની. પણ એ ન નભે એવું નથી. હવે પછીના આવા દરેક લેખમાં પાંચ મન્તવ્યો રજૂ કરીશ. આવા અનેક લેખોની શ્રેણી કલ્પી છે.

++

૧ :

ટૂંકીવાર્તામાં એકાદ ઘટનાનું નિરૂપણ હોય છે એ જાણીતી વાતમાં હું એક ઉમેરણ કરવા માગું છું.

જીવનમાં ઘટના ઘટે પછી એક સંવેદન બચી જતું હોય છે. દાખલા તરીકે, કોરોનાને કારણે સંભવેલી મૃત્યુની ઘટના આજકાલ એક દુખદ સંવેદન છોડી જતી હોય છે.

એ કે એવું કોઇપણ સંવેદન વાર્તાકારનું પોતાનું હોય, એના કોઇ સ્વજનનું હોય, પરાયા જનનું પણ હોય. ટૂંકમાં, અંગત હોય તેમ બિનંગત પણ હોય.

મારું મન્તવ્ય છે કે વાર્તાકારે જીવનમાંથી મળેલી ઘટના લઈને સીધા જ મંડી પડવાને બદલે સૌ પહેલાં ઘટનામાંથી જન્મેલા સંવેદનનું સંવનન કરવું જોઈશે - જેમ કામભોગ પૂર્વે સંવનન જરૂરી મનાય છે તેમ.

તો સમજાશે કે અમથાલાલને કોરોના કેમ વળગ્યો - માસ્ક ન્હૉતા પ્હૅરતા - ડિસ્ટન્સ ન્હૉતા જાળવતા, વગેરે. એમના એ બેહૂદા વર્તનનાં અનેક કારણો હતાં. એમની વિકૃત માનસિકતા, માનિસકતામાં જવાબદાર એમનો ઉછેર, ઉછેરમાં કારણભૂત સામાજિક સાંસ્કૃતિક વગેરે પરિબળો. એ બધાં જ તત્ત્વોએ ભાગ ભજવેલો. લેખક સંવેદનનું સંવનન કરશે એથી એ પરિબળોનાં એને બહુરૂપ દર્શન થશે. સમજાઈ જશે કે ઘટનાનાં મૂળિયાં ક્યાં ક્યાં ફેલાયેલાં છે, ઘટના કેવી કેવી રીતેભાતે ઘડાઈ છે. જીવનમાંથી મળેલી એ ઘટનાનું એને સરળ વિશ્લેષણ મળી જશે, એનો એને સહજ સાક્ષાત્કાર થઈ જશે.

એ સાક્ષાત્કારની ભૂમિકાએથી લેખક પોતે લખવા ધારેલી વાર્તાનો પ્રારમ્ભ કરી શકશે. એને થશે કે મળી આવેલી એ ઘટનામાં પોતે કશુંક ઉમેરી શકે એમ છે. ઘટનાનું પોતાની દૃષ્ટિમતિ અનુસારનું અર્થઘટન કરશે. જીવનની ઘટનાનું પોતાની વાર્તાને માટેનું એને એક કામચલાઉ રૂપ દેખાઈ જશે. એ રૂપનું એ એવું લેખન શરૂ કરી શકશે જે એની સર્જકતાને પ્રતાપે એક લીલા રૂપે આગળ વધશે. વાતનો સાર એ કે જીવન અને સર્જન વચ્ચે એક ચૉક્કસ અનુબન્ધ ઊભો થશે. પરિણામે, વાર્તા ઠોસ લાગશે, તકલાદી કે વાતૂલ નહીં લાગે.

૨ :

ટૂંકીવાર્તામાં પાત્ર પાત્ર વચ્ચેના સમ્બન્ધો લેખકે સ્પષ્ટ કરી દેવા અથવા સૂચવી દેવા એ ખૂબ જ જરૂરી મુદ્દો છે. દાખલા તરીકે, આ ભાઇ તો નાયિકાના ભાઈ નથી પણ વર છે, એવી જાણ વાચકને કે શ્રોતાને બહુ જ મૉડેથી થાય તે ન ચાલે. આ સસરા છે, બાપ નથી; આ દીકરી નથી, પુત્રવધૂ છે; બગીચામાં બેઠેલું યુવક-યુવતીનું જોડું પ્રેમલા-પ્રેમલી લાગે, પણ એમ ન યે હોય, બન્ને ભાઇ-બેન હોય ને મા-ની બીમારીની ચિન્તા કરતાં હોય ! યથાસમયે સમ્બન્ધની સ્પષ્ટતાઓ કરી દેવી અનિવાર્ય છે. યાદ રહે કે જીવન પણ સમ્બન્ધોને લીધે એક વાર્તા જેવું ભાસે છે ! એ જ રાહે, સાહિત્યમાં પણ વાર્તા, પાત્ર પાત્ર વચ્ચેનાં વિચાર વાણી વર્તનથી રચાતી હોય છે. ત્યારે એ સમગ્ર માનવીય વ્યવહારને સમજવા માટે કોણ કોનું શું થાય છે તે ઝટ જણાવી દેવું જરૂરી બની જતું હોય છે.

૩ :

લેખકે સમજીવિચારીને નક્કી કરી લેવું જોઈએ કે વાર્તા કહેશે કોણ.

પાત્ર પોતે કહી શકે - જેને આપણે ‘પ્રથમ પુરુષ કથનકેન્દ્ર’ કહેતા આવ્યા છીએ. (પણ એને સુધારી લેવાની જરૂર છે. ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’ કહેવું જોઈએ. મૂળે એ, ફર્સ્ટ ‘પર્સન’ નૅરેટિવ કે નૅરેશન છે. સમાજમાં બધે તેમ અહીં પણ ‘પુરુષ’ ઘુસાડી દીધું છે, એ અનાચાર છે.) આ કેન્દ્રથી રચાતી વાર્તા વધારે પ્રામાણિક લાગશે કેમ કે પાત્ર પોતે જ પોતાનાં વીતક કહેતું હોય છે.

બીજું, લેખક પણ વાર્તા કહી શકે. એમ મનાય છે કે બધાં પાત્રોનો તેમ જ સ્થળકાળ અને બધી પરિસ્થતિઓનો એ જાણકાર છે. એને આપણે ‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’ કહીએ છીએ.

ત્રીજું, બન્ને કથનકેન્દ્રના જરૂરી સંમિશ્રણથી પણ વાર્તા કહી શકાય.

તેમ છતાં, વાર્તાકારોએ એ સમજી રાખવાનું છે કે કોઈ પણ ક્ષણે સર્વજ્ઞની જરૂર પડવાની છે. વાર્તા ફર્સ્ટ પર્સનમાં ચાલતી હોય ત્યારે સર્વજ્ઞનો પ્રવેશ કોઇક વખતે અનિવાર્ય બની જાય છે. એવા પ્રસંગે સર્વજ્ઞ મને ડાયરેક્ટર તેમ જ સિનેમેટોગ્રાફર રૂપે ઉપકારક લાગ્યો છે. ત્યારે ઘટનાના સઘળા પરિવેશનું કામ સર્વજ્ઞ કરી દે. સ્થળો વગેરેની ગોઠવણી કહી બતાવે, દૃશ્યોનાં સૅટિન્ગ્સ સૂચવી દે. કેમ કે પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્રથી સરજાયેલું પાત્ર તો બાપડું જીવે કે આપણને સ્થળો બતાવે?

૪ :

પોતે વાર્તા લખનારો છે એટલે વાર્તાકારે શું વાર્તા જ કહ્યા કરવાની છે? ના. એણે એવી રચના કરવાની છે જે ટૂંકી હોવા છતાં પોતાની ચોપાસ અર્થભાવનાં વલય સરજી રહી હોય અને એમ કશી વ્યંજનાની રીતે વિકસી હોય. નહિતર, વાર્તાકાર જો વાર્તા જ કહ્યા કરશે તો એ કૃતિ ઇતિહાસનું, નવલકથાનું કે પાત્રની જીવનકથાનું કે આત્મકથાનું પ્રકરણ બનીને ઊભી રહેશે !

વાર્તા તો નાનકડા જોકમાં, લઘુકથામાં, લઘુનવલમાં, નવલકથામાં કે મહાનવલમાં પણ હોય છે. પરન્તુ એનો અર્થ એ નહીં કે દોર આપ્યા જ કરીએ ને વાર્તારૂપી પતંગને ચગતો જાય એ દિશામાં ચગવા જ દઈએ. વાચક જ કાપી નાખશે ! એવી સહેલગાહ ટૂંકીવાર્તાના સર્જકને નથી છાજતી.

ઘણા એમ માને છે કે ટૂંકીવાર્તા લખું છું એટલે ટૂંકી પણ કહું તો વાર્તા જ ! પણ ટૂંકી એટલે કેટલી? માપ કોણ નક્કી કરે? સામયિકના તન્ત્રીએ તો શરત મૂકી છે કે તમારી વાર્તા ૨૦૦૦ શબ્દની મર્યાદામાં હોવી જોઈશે. વાર્તા ટૂંકી થશે, લાઘવના ગુણ થકી. થોડામાં ઘણું સૂચવાઈ જાય, ઇશારામાં કે લસરકામાં કહેવાઈ જાય. બાકી કહ્યા જ કરીએ તો એનો તો અન્ત જ નથી. જીવનની કઇ વાતને છેડો છે?

૫ :

સમગ્ર લેખન ટૂંકીવાર્તાની શરતે થવું જોઈએ. સંગીત તો બધે હોય છે, પણ રાગે રાગે આગવી રીતે પ્રગટે છે. યમનકલ્યાણનું ગાયન કરવા માગતા હોવ તો યમનકલ્યાણના બંધારણનું પૂરી અદબ જાળવીને પાલન કરવું પડે. એમાં બાગેશ્રી કે ભૈરવીના સૂર ન ભેળવાય. સમજાય એવું છે.

બધી જ રમતો આનન્દ આપે છે, પણ આનન્દ આપવાની દરેકની રીત જુદી હોય છે. એટલે, તમે ક્રિકેટ રમો ત્યારે તમને યાદ રહેવું જોઈએ કે એ થપ્પો કે પકડદાવ નથી. હુતુતુ, લંગડી નથી કે લંગડી, કોથળાદોડ નથી. ટૂંકીવાર્તા ટૂંકીવાર્તા જ રહેવી જોઈએ. યાદ રહે કે એ વહીવંચો નથી, રીપોર્તાજ નથી, નિબન્ધ નથી, પત્રલેખન નથી.

હા, કાવ્યથી માંડીને કોઈ પણ સાહિત્યપ્રકારનું કિંચિત્ ક્યારેક એ જરૂર લઈ શકે છે - પણ ત્યારે એ એની સર્જકતાની મોટી કસોટી હશે.

બીજા પાંચ મુદ્દા હવે પછી, અવકાશે …

નૉંધ : આ પાંચ મુદ્દા બહારની કોઈ પણ ચર્ચાને અહીં સ્થાન નથી. અભદ્ર ભાષામાં પુછાયેલા વિવેકહીન પ્રશ્નોને અહીં જરા પણ સ્થાન નથી. કોઈપણ ભોગે વિષયસંલગ્ન રહેવું એ વિદ્યાપ્રેમીઓ માટે કશી મુશ્કેલ ચીજ નથી. લિટરરી ઍટિટ્યુડ અને ઍટિકેટ દાખવવાનું પણ સાહિત્યપ્રેમીઓ માટે કદી કઠિન નથી હોતું.

= = =

(August 15, 2021: USA)

સૌજન્ય : લેખક, સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલ પરેથી સાભાર

Category :- Opinion / Literature