LITERATURE

સવાલ : શું ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકાર પશ્ચિમથી પ્રભાવિત છે?

વિચારીએ :

ભરત-પ્રણીત રસને કે ઍરિસ્ટોટલ-પ્રણીત અનુકરણને સમજવા છતાં તે-તે-ના પ્રયોગ કે પ્રમાણ માટે ગુજરાતી સાહિત્યકારે પોતાના સાહિત્યને તરડ્યું-મરડ્યું નથી.

એ વાયકા છે કે એ પશ્ચિમથી પ્રભાવિત છે. સાચું એ છે કે એથી એ, માત્ર જ્ઞાત છે, માહિતગાર છે. એને એમ જોવાથી, હકીકતે, એની એવી પ્રશંસનીય જિજ્ઞાસાવૃત્તિની મશ્કરી થાય છે, પોતાનાં વડે થાય છે.

એનાં પરમ્પરાનુસરણો કે એની પ્રયોગશીલતાઓ એની પોતાની છે. મારી દૃષ્ટિએ ગુજરાતી વિવેચન-સાહિત્યની કશી ‘દિશાભૂલ’ (towards wrong direction) થઇ નથી. ખરેખર તો એ અભિપ્રાય તપાસ માગે છે. નર્મદથી વિચારાતા રહેલા સૈદ્ધાન્તિક સમ્પ્રત્યયોનો ઇતિહાસ તપાસનારને જણાશે કે તે કેટલા તો તદ્ભવ સ્વરૂપના છે, અને તત્સમ નથી.

સુધારકયુગથી માંડીને આજ પર્યન્તનાં પ્રત્યક્ષ વિવેચન-લેખનોનું કાળજીથી અધ્યયન કરનારને સમજાશે કે તે એની આગવી રીતનું છે. તેમાં, ગુજરાતી પ્રજાકીય માનસિકતા આવશ્યક વસ્તુલક્ષીતાની લગીર દુશ્મન જરૂર ભાસે છે, પણ પશ્ચિમમાંથી લાધેલા એકેય સાહિત્યિક વાદનું તેમાં સીધું અનુસરણ નથી. અપવાદો બતાવી શકાય, છતાં, આ વાત નવલરામથી માંડીને સુરેશ જોષી કે તે પછીના પ્રત્યક્ષના કોઇ પણ ગણમાન્ય વિવેચકને લાગુ પડે છે.

લેખક-જીવનને ગોવર્ધનરામે સાક્ષર-જીવન કહીને તેનો એક સર્વગ્રાહી ખયાલ રજૂ કર્યો તેમાં પણ એવી પોતીકી ભાત છે. એ ચિન્ત્ય વાત છે કે એ એક ઉચ્ચગ્રાહી આદર્શ છે. એવું ભાવક કે વાચક વિશે નથી વિચારાયું તે મોટી ખોટ છે. છતાં, એ અંગે ભરત અને ઍરિસ્ટોટલ-પ્રણીત બન્ને મહા-કીર્તનોમાંથી જ્યારે જે કંઇ ઠીક વરતાયું તેનો આછોપાતળો વિચાર પણ થયો છે. તેમ છતાં, ચિન્તા તો પોતાના આગવા લેખનની અને તેના જરૂરી ભાવનની જ રખાઇ છે :

આ નિરીક્ષણ એટલે લગી સાચું ભાસે છે કે આપણા દરેક લેખકે જાણે પોતાનો વાચક કલ્પી-કલ્પીને ન લખ્યું હોય ! જાણે દરેકના મનમાં વોલ્ફગૅન્ગ ઇઝરે (૧૯૨૬-૨૦૦૭) વર્ણવેલો ઇમ્પ્લાઇડ રીડર, વિવક્ષિત વાચક, નક્કી ન હોય !

Pic courtesy : YouTube.

દરેક યુગમાંથી એકાદા દૃષ્ટાન્તને અમસ્તુ જ યાદ કરીએ :

રણછોડભાઇ ઉદયરામે વિધવા બાઇ લલિતાનાં દુ:ખ દર્શાવતું નાટક લખ્યું ત્યારે એમને ખબર હતી કે પોતે કોને અને શા માટે સમ્બોધે છે.

ગોવર્ધનરામે ‘સરસ્વતીચન્દ્ર’ લખ્યું ત્યારે એમનો આશય સુસ્પષ્ટ હતો, ને કેમ એમ હતો, તે જાણીતી વાત છે.

ગાંધીજીએ કોશિયાને સમજાય તેવું સાહિત્ય માગ્યું તે તે જ રૂપે શક્ય નહોતું, છતાં, સુન્દરમે કોયા ભગતની કડવી વાણી લખી ત્યારે, કે ઉમાશંકરે ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે એમ ભાખ્યું ત્યારે, સાહિત્યના પ્રૉમિસને એ સ્તરે લઇ જવાનો ઇરાદો સાફ હતો.

સુરેશ જોષીએ આપણા સાહિત્યિક વાચકમાં વિશ્વ-સાહિત્યની આરત ઉગાડી ને ત્યારે એમને ખબર હતી કે પોતે શું કરી રહ્યા છે.

જોસેફ મૅક્વાનને જાણ હતી કે પોતે કોની વ્યથાનાં વીતક કોને કહી રહ્યા છે.

વગેરે.

= = =

(April 4, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Category :- Opinion / Literature

મનોવિજ્ઞાની ફ્રૉઇડે (1856-1939) મનુષ્યવ્યક્તિનાં ચેતન, અર્ધ-ચેતન અને અ-ચેતનની વિસ્તારથી નિરૂપણા કરેલી. અ-ચેતનમાં માણસ કેટલીયે સ્મૃતિઓ સંભરીને બેઠો હોય છે. તેનો પરચો તેને એકલાને જ મળતો હોય છે.

મનોવિજ્ઞાની કાર્લ યુન્ગે (1875-1961) મનુષ્યવ્યક્તિઓના અ-ચેતનની નિરૂપણા કરેલી - કલેક્ટિવ અન્કૉન્સ્યસ. એક સર્વસામાન્ય સ્વરૂપનું સામુદાયિક અ-ચેતન.

વૉલ્ટર બૅન્જામિને (1892-1940) ૧૯૩૬માં પ્રકાશિત એમના સુખ્યાત પુસ્તક “ધ વર્ક ઑફ આર્ટ ઇન ધી એજ ઑફ મિકેનિકલ રીપ્રોડક્શન”-માં દર્શાવ્યું કે આ યન્ત્રયુગમાં કલાનું કામ શું હોઈ શકે અને તેને કઇ રીતે મૂલવી શકાય. કલાકારોએ અને તેના સમીક્ષકોએ જોવું જોઈશે કે કલા કઇ ઐતિહાસિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહી છે. એમણે કલાના ક્રાન્તિ સરજી આપનારા સામર્થ્યની વાત કરી છે. દર્શાવ્યું છે કે રાજ્યે સરજેલી વાસ્તવિકતાઓ સામે કલા કેવી કેવી ક્રાન્તિકારી માગણીઓ - રીવૉલ્યુશનરી ડીમાન્ડ્સ - મૂકી શકે.

અમેરિકન સાહિત્યસમીક્ષક, કૅપિટાલિઝમ અને પોસ્ટમૉડર્નિઝમના સુખ્યાત વ્યાખ્યાકાર ફ્રૅડ્રિક જેમ્સને (1934-  ) પોલિટિકલ અન્કોન્સ્યસનો - રાજપરક અચેતનનો - વિભાવ રજૂ કર્યો.

આ ચારેય વિદ્વાનોની વિચારધારાઓ સાહિત્યકારોને ટૂંકમાં એટલું જ સૂચવે છે કે કૃતિનાં સર્જન અને તેની સમીક્ષાને જ્યારે પણ સમાજ અને રાજસત્તા સાથે જોડો ત્યારે તેમાં વ્યક્તિ, સમાજ અને યન્ત્રયુગનાં પરિબળોએ જનમાવેલાં પરિવર્તનોને પણ ધ્યાનમાં લેજો.

હું આજે જેમ્સનની વધુ વાત કરું :

જેમ્સન પોસ્ટમૉડર્ન કલ્ચરમાં ‘ડેપ્થલેસનેસ’ જુએ છે. આજનું કલ્ચર એમને છીછરું લાગ્યું છે. પોસ્ટમૉડર્નિઝમમાં એમણે લેટ કૅપિટાલિઝમનું - ઔદ્યાગિક યુગ પછીના કૅપિટાલિઝમનું - કલ્ચરલ લૉજિક જોયું છે. મૂડીવાદે ઊભા કરેલા પૅંતરાઓથી, એણે રચેલી જુક્તિઓથી, મનુષ્યોની જીવન જીવવાની રીતભાત બદલાઈ ગઈ છે. ખાસ તો એમણે સર્જનાત્મક કૃતિઓની ગર્ભિતે રહેલા રાજકીય પરિમાણને લક્ષમાં લીધાં છે.

એમણે આપેલો પોલિટિકલ અન્કોન્સ્યસ - રાજપરક અચેતનનો - વિભાવ છે શું? એ જ કે રાજસત્તા અને તેની આસપાસનાં તેમ જ અન્ય તમામ શાસકીય તન્ત્રોનાં સારાં-માઠાં પરિણામોને વિશેનું સામુદાયિક અ-ચેતન. બીજા શબ્દોમાં કહેવાય કે પ્રજામાનસમાં જડ ઘાલી ગયેલું રીઢું ઊંઘરેટિયાપણું.

એમણે એમ પણ જણાવ્યું છે કે કશી ને કશી રેડીમેડ બલકે આઉટડેટેડ આઇડિયોલૉજીનો આશ્રય કરીને સમાજ પોતાના વણઉકલ્યા સંઘર્ષો અને અંદરના વિરોધોને રૂંધી રાખે છે. સંસ્કૃતિ નામના સુપરસ્ટ્રક્ચરમાં - મહાસંરચનામાં - આજે સાહિત્યનું સ્થાન ચિન્તાજનક છે અને તેનું કાર્ય ગૂંચવાડિયું બની ગયું છે.

જેમ્સન જણાવે છે કે સાહિત્ય આ રાજપરક અ-ચેતનને પામવા અને પહોંચી વળવા માટેનું ઉપકરણ, સાધન, બની શકે એમ છે. એવી ભૂમિકાએ લખાયેલી કૃતિમાં આઇડિયોલૉજિકલ-પોલિટિકલ અ-ચેતન ગૂંથાઇ ગયું હોય છે અને એની પાછળ હોય છે ક્લાસ-કૉમ્ફ્લીક્ટ. જેમ્સન જણાવે છે કે કૃતિના સર્જકે એ કૉન્ફ્લીક્ટ જોડે કલાની રીતે - ઍસ્થેટિકલિ - સમાધાન દાખવવું જોઈશે. કૃતિના વિશ્લેષકે એની ગર્ભિતે રહેલા પોલિટિકલ અન્કૉન્સ્યસને ખોલી બતાવવું જોઈશે, એના ઐતિહાસિક સ્થિતિસંજોગનાં ‘સિમ્ટમ્સ’ દર્શાવવાં જોઈશે. જેમ્સને સૂચવેલા વિશ્લેષણમાં માર્ક્સવાદ તથા સૅમિયોટિક અને સાયકોઍનાલિટિક વિશ્લેષણોની રીતભાતો ભળેલી છે.

સાહિત્યનો કાળજીપૂર્વકનો સઘન અભ્યાસ હાથ ધરાય તો એ બધાંને પામી શકાય, એટલું જ નહીં, વિચારસરણીઓના બીબાંઢાળ વિનિયોગોને પણ જોઇ શકાય. કલાકૃતિઓને તેઓ વાસ્તવના પ્રતીકાત્મક ઉકેલો ગણે છે ખરા પણ જણાવે છે કે ખરેખર તો એ અભાનપણે અનુભવાતા સામાજિક અને સાંસ્કૃતિક કોયડાઓ હોય છે. સમીક્ષકે એ કોયડાઓને ઉકેલી શકાય તેવા રસ્તા દર્શાવવા જોઈશે. એની સમીક્ષા છેવટે તો એ પ્રશ્ન પાસે જઈને ઊભશે કે એવી કૃતિ તમારા સમાજમાં અવતરી જ કેમ -? વગેરે.

ચાર સવાલ :

૧ :

રાજકારણ અને બધાં જ શાસકીય તન્ત્રોનાં સારાંમાઠાં પરિણામોને વિશે પ્રજાના કયા સમૂહો આપણે ત્યાં જાગ્રત છે? રાજસત્તાથી ન ડરનારાં, સર્વથા સ્વાયત્ત કેટલાંક છાપાં, અને અમુક ગણગાંઠ્યા બૌદ્ધિકો, લખે કે બોલે એથી શું વળે? કેટલીક વાર તો એમાં પણ અભિપ્રાય કે મન્તવ્યની ચમકદમકથી વિશેષ કશું હોતું નથી. ઘણી યે વાર એમાં વસ્તુલક્ષીતા નહીં પણ હૂંસાતૂંસીભરી આત્મલક્ષીતા હોય છે, જેને નાહકની કાગારોળ અથવા અમસ્તી ગપસપ કહી શકાય.

તેમ છતાં, એને ડિસૅન્ટ અથવા અ-સમ્મતિ ગણી શકાતી હોય તો ભલે, પણ એનો પરિણામદાયી વિકાસ ઊહાપોહ, ચળવળ, ધરણાં કે લડત લગી કેમ નથી થતો? સરવાળે પ્રજામત કેળવાવો જોઈએ ને ચૂંટણીઓમાં પ્રતિબિમ્બિત થવો જોઈએ, તે કેમ થતું નથી? બૌદ્ધિકતા આપણે ત્યાં આઇવરી ટાવરમાં વસતી હોય અને નામની હોય, એક સ્વાંગ હોય, એવું જ કેમ લાગ્યા કરે છે?

૨ :

સામ્પ્રત ગુજરાતી સાહિત્ય રાજપરક અ-ચેતનને પામે ને તેને પ્હૉંચી વળે એવી એમાં અભિલાષા અને એવું એમાં સામર્થ્ય છે ખરું? નવા કે જૂના કયા સાહિત્યકારોની કઈ રચનાઓને ગણાવી શકીશું? કયાં નામો આપી શકીશું?

ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે વાસ્તવાભિમુખ નથી અને લગભગ હમેશાં ઊર્મિશીલ રહ્યું છે એ મારા મતનું નિરસન આ ૨૧-મી સદીમાં ય મારાથી નથી કરી શકાતું. કદાચ આપણે સાહિત્યને નામે મનગમાડાની રમતો તો નથી રમી રહ્યા ને?

૩ :

આપણે ત્યાં રાજસત્તા, સમાજ અને સંસ્કૃતિની વીગતે ટીકાટિપ્પણી અને સમીક્ષા કરી શકે, અવારનવાર ઉપકારક વિચારો પૂરા પાડે, એવા સાહિત્યસમીક્ષકો કેટલા? કોનાં કોનાં નામ લઈ શકાય?

૪ :

ગુજરાતી સાહિત્યના અભ્યાસક્રમોમાં આવા વિષયોને સ્થાન છે ખરું? કઈ યુનિવર્સિટીનું નામ લઈ શકાય એમ છે?

= = =

(April 1, 2022 : Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Category :- Opinion / Literature