LITERATURE

ગુજરાતી કાવ્યમાં રાધા

જવાહર બક્ષી
27-02-2013

પૂર્વ ભૂમિકા : 
રાધા : સંસ્કૃતનાં પ્રાચીનતમ ગ્રંથ વેદો અને પ્રાકૃત ભાષાના પ્રાચીન ગ્રંથોમાં રાધાનો ઉલ્લેખ નથી. શ્રીકૃષ્ણ વિષે યુગ પ્રવર્તક ગ્રંથ  ‘શ્રીમદ્દ ભાગવત્’ની હસ્તપ્રત આઠમી સદીની પહેલાં મળતી નથી. વેદ જેવી ‘અષ્ટ વિકૃતિવાળી કંઠ પરંપરા પણ પુરાણોની નહોતી. એટલે કે પુરાણોમાં સર્વશ્રેષ્ઠ ગણાતા એવા શ્રીમદ્દ ભાગવતમાં રાધાનું સ્પષ્ટ નામરૂપ જોવા મળતું નથી. છતાં રાધા એ પહેલાં નહોતી એમ પણ ન કહી શકાય.
માત્ર હસ્તપ્રતોના ઇતિહાસને આધારે વિદ્વાનો એમ માને છે કે દક્ષિણ ભારતના અળવારો અને નાયનારો જે ભાગવત પહેલાં હજારેક વર્ષથી ભક્તિ કવિતા લખે છે, તેની અસર શ્રીમદ્દ ભાગવતમાં જણાય છે.
આમ જુઓ તો વૈદિક આર્યોમાં સગુણ શરીરધારી બ્રહ્મના અવતારની કલ્પના નથી. દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની રચના એ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પુન:સ્થાપિત કરવા જ કરી હતી. એટલે દ્રાવિડ પ્રજાના ‘સંગમ’ કે અળવારોની રચનામાંથી ‘કૃષ્ણસ્તુ ભગવાન સ્વયમ્’  એટલે કે બ્રહ્મ એ જ નારાયણ એ જ વિષ્ણુ અને એ જ કૃષ્ણ છે. એમ મહાભારતની રચના વખતે પ્રતિષ્ઠિત થયું છે અને તે પહેલાંના ગ્રંથોમાં નથી તેમ વિદ્વાનોએ ફલિત કર્યું છે. બ્રહ્મા–વિષ્ણુ–મહેશની ત્રિમૂર્તિ પણ ત્યારે જ પ્રસિદ્ધ થઈ.
અગિયારમી સદીમાં બિલ્વ મંગલ ઉર્ફે લીલાશુકની લાંબી રચના ‘કૃષ્ણ કર્ણામૃત’ પ્રખ્યાત થઈ. તે પછી અતિ પ્રિય અને ભાષા, લય, ભાવ અને વસ્તુ વિષયના અનેક સૌંદર્ય સાથે જયદેવની બારમી સદીમાં રચિત ‘ગીત-ગોવિંદ’ કાવ્ય, રસિકો, વિદ્વાનો અને લોકમાનસમાં ઝડપભેર સન્માનનીય થઈ.
ગુજરાતી ભાષા : તે જ વખતે સંસ્કૃત-પ્રાકૃત અને લોક બોલીઓના સમાગમથી ૨૭ અપભ્રંશો તે સમયના ભારતમાં પ્રચલિત થયા. જેમાં નાગર, ગૌજર અને લાટ અપભ્રંશોથી યુક્ત ગુજરાતી ભાષા જન્મી.
અગિયારમી સદીમાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના અદ્દભુત ગ્રંથ ‘સિદ્ધહેમ વ્યાકરણ’માં ગુજરાતી ભાષાનાં મૂળ હશે, પણ તેરમી સદી સુધી તેનું આધુનિક પોત બંધાયું નહોતું. ચૌદ-પંદરમી સદીમાં જૈન અને જૈનેતરના વર્ણનાત્મક અને કથાત્મક કાવ્યો ‘ફાગુ’ અને રાસા’માં ઊર્મિસભર પદ રચના નહોતી. આ પરિસ્થિતિમાં નરસિંહ મહેતાના વૈદાંતિક જ્ઞાન અને આધ્યાત્મિક અનુભૂતિની ત્રીજા નેત્રની પ્રસાદીથી આ ખોટ પુરાઈ.
નરસિંહ મહેતા : નરસિંહના જીવનકાળ ૧૪૦૪-૧૪૧૪ વચ્ચે જન્મ અને ૧૪૬૯માં મૃત્યુ એમ સ્વીકાર્ય થયો છે. તેણે ગુજરાતી ભાષાની શબ્દ ચેતના, લય ચેતના, ભાવ ચેતના અને કાવ્ય ચેતના જગાડી એવી સરિતા વહાવી કે આજ એકવીસમી સદીમાં તે બન્ને કાંઠે લીલીછમ છે.
તેણે વાપરેલા બે પ્રમુખ લયના મૂળ ગીત ગોવિંદમાં મળે છે.
નરસિંહનાં કાવ્યોની મળેલી હસ્તપ્રતોના પદમાં જયદેવનું સ્મરણ છે. તેમ જ તેણે ટાંકેલી પંક્તિ ઝૂલણાં છંદમાં છે. ‘સ્મર ગરલ ખંડનમ્, મમ શિરસિ મંડનમ્ દેહિ પદ પલ્લવમ્ ઉદારમ્’ મળે છે. ફરક એટલો જ કે તેણે દાલદાના ૭ આવર્તનો પછી ગુરુ લઈને ૩૭ માત્રાનો સાડત્રીસિયો ઝુલણા વાપર્યો છે જે આમ છે.
દાલદા દાલદા દાલદા દાલદા, દાલદા દાલદા દાલદા દાલદાદા. 
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પ્હોંચે. જાગીને જોઉ તો, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, નિરખને ગગનમાં કે જાગને જાદવા જેવા અનેક પદોમાં આ ઝૂલણાં છે.
જયદેવના ગીતગોવિંદમાં ચરણાકુળને મળતો લય ‘લલિત લવંગલતા પરિશિલન કોમલ મલય સમીરે’ નરસિંહના વૈષ્ણવ જનનો તેને કહીએ કે નારાયણનું નામ જ લેતાં કે ભૂતલ ભક્તિ પદારથ મોટું વગેરેમાં છે.
નરસિઁહનાં કૃષ્ણ : આદિકવિ તરીકે યથોચિત ગણાયેલ નરસિઁહ જ્ઞાન, ભક્તિ અને શૃંગારની રચનામાં ખૂબ ખીલે છે. જ્ઞાન કવિતામાં : ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યા’માં માંડુક્ય ઉપનિષદના ચાર સ્તરની કાવ્યમય રજૂઆત છે.
(૧) નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો – વૈશ્વાનર જાગૃત કે વિરાટ
(૨) ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં – તેજસ કે હિરણ્ય ગર્ભની કે સ્વપ્ન
(૩) હેમની કોર જ્યાં નિસરે મૂલે (તે મૂળમાં) – પ્રાજ્ઞ કે સુષુપ્ત આનંદમય કોશ સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે.
(૪) બત્તી વિણ તેલ વિણ સૂત્ર વિણ જો વળી – તૂર્ય કે આભવ્ય અચળ જળકે સદા વિમળ દીવો
નેત્ર વિણ નિરખવો, રૂપવિણ પરખવો વણ જીહવાએ રસ સરસ પીવો.
આ બ્રહ્મ તે જ અખિલબ્રહ્માંડમાં એક તું શ્રી હરિ.
એટલે પૂર્ણ બ્રહ્મ તે જ કૃષ્ણ.
નરસિઁહની રચનામાં બાલકૃષ્ણની જાગને જાદવાથી લઈ કિશોર અવસ્થાના ‘જળ કમળ છાંડી જાને બાળા’ જેવાં પદો છે.
પરતું તેના પ્રમુખ કાવ્યો રાસ પંચાધ્યાયીના નાયક બંસીધર, નટવર નાગર કૃષ્ણનાં છે. શિવલાલ જેસલપરાએ માન્ય રાખેલાં ૮૦૭ પદોમાંથી ૪ ઝારીનાં પદો, ૯ સુદામા ચરિતનાં પદો, ૬૫ જ્ઞાનનાં પદો, ૧૦૨ આત્મ ચરિતનાં પદો અને બાકીનાં ૬૨૭ પદો કૃષ્ણ લીલાંનાં છે. તેમાં દાણલીલા, વાંસળી, ચાંદલા વગેરે પદો સાથે રતિસુખ, રાસ, ઉપાલંભ, વિરહ વગેરેનાં અદ્દભુત પદો છે.
નરસિઁહની રાધા : ‘જે નિરખને ગગન’માંથી બ્રહ્માંડના મૂળમાં છે તે આકાશને નીલવર્ણ આપનાર શ્યામ એ કૃષ્ણ છે. અને તેની શક્તિ એ શ્યામા છે. તે જ રાધા છે. વૃષભાનની પુત્રી રાધા ગૌરી છે, પણ આધ્યાત્મિક સ્વરૂપે શ્યામા-શ્યામ છે. સંભોગ શૃંગારનાં પદોમાં બે અપવાદ સિવાય ક્યાં ય રાધાનું નામ નથી. તેથી રાધાને કૃષ્ણની આધ્યાત્મિક શક્તિ ગણે છે. જે પ્રેમાનંદ, પ્રેમસખી પ્રેમાનંદ કે દયારામ કરતાં અલગ છે.
આપણે બે પદો દ્વારા તેનો આનંદ લઈએ. ભાગવતમાં ‘અન્યારાધતિ’ શબ્દમાં કથા છે. અનેક ગોપીમાંથી એક પ્રમુખ ગોપી જે કૃષ્ણને અતિપ્રિય છે. તેને રાસલીલામાં એકાંતમાં લઈ જાય છે. તે પરથી ગોપીઓ તેનાં પગલાંને જોઈ અનુમાન કરે છે, તે પછીથી આ જ ‘રાધા’ છે તેમ પ્રચલિત થયું. એમ પણ બન્યું હોય કે રામાયણ પછી એક પત્નીવ્રતની દૃઢતા સમાજમાં સ્થપાઈ એટલે બ્રહ્મા-બ્રહ્માણી, શિવ પાર્વતી અને વિષ્ણુ-લક્ષ્મીની જોડ ઉત્પતી થઈ.
ઋગ્વેદમાં વિષ્ણુનાં માત્ર ૩ સુક્ત છે. એક સુક્ત ‘પુષાન’નું છે. તેનું વર્ણન ગોપાલ, ભરવાડ-કૃષ્ણને મળતું આવે છે. એટલે આ જોડીઓ વેદકાલીન નથી. પદનું ૐની અ+ઉ+મ્ એ ત્રણ શક્તિ સત્વ, રજસ તમસ કે સર્જન શક્તિ, પાલક શક્તિ અને સંહારક શક્તિ એ સંપૂર્ણ સત્ય છે.
જેને આજે Electron, Neutron અને Proton એના કરતાં પણ જડબેસલાક પ્રત્યેક અણુમાં રહેલા શૂન્યાવકાશ (Ground State or Vacuum of Aton)માં જ્યારે પહેલી આણ્વિક ક્રિયા થાય છે, ત્યારે ત્રણ તત્ત્વોના સામૂહિક કાર્ય વિના કશું થઈ શકતું નથી. તે Creating  Operator, Propagator અને Annihilator એ જ બ્રહ્મા–વિષ્ણુ–મહેશ છે, તેનું મૂળ બ્રહ્મ છે અને તે જ કૃષ્ણ છે, તો તેની શક્તિ રાધા છે એમ જનસમૂદાય માને તે સ્વાભાવિક છે.
તો રાસલીલામાંથી એકાંતમાં જનારી રાધાનું પદ નરસિંહના લોકપ્રિય અને લોકપરંપરાથી પ્રાપ્ત છે     
નાગર નંદજીના લાલ .....
રાધાને સમજવા માટે ગોકુળ અને વૃંદાવન સમજવું આવશ્યક છે. ગો એટલે ઇન્દ્રીય અને કુળ એટલે તેનું સંકુલ કે સમૂહ એટલે કે શરીર. ભગવદ્દ ગીતામાં શરીરને ઇન્દ્રીય ગ્રામ કહ્યું છે. તે જ ભાગવતનું ગોકુળ સમજવાનું. ત્યાં બાલકૃષ્ણની વાત્સલ્ય લીલા છે. વૃંદાવનમાં ત્રણ ભાગ છે - કુંજ, નિકુંજ અને નિભૃત. વૃત્તિઓનું વન એટલે વૃંદાવન. એટલે કે મન અથવા આપણી ચેતના. કુંજમાં સર્વ સખીઓને પ્રવેશ છે અને એ private yet public garden party છે. તે જ્યાં થાય છે તે કુંજ એટલે જાગૃત મન. Conscience mind. યોગની ભાષામાં કહીએ તો અન્નમય કોશ અને પ્રાણામય કોશ. કુંજ એટલે મનોમય કોશ. નિંકુજમાં માત્ર અષ્ટ સખીઓને પ્રવેશ છે. તે વધુ ગહન સ્થળ છે. એ વિજ્ઞાનમય કોશ કે sub–conscious mind છે. સૂક્ષ્મ શરીર છે.
    નિભૃત નિકુંજ – એટલે સંપૂર્ણ શાંત એકાંત સ્થળ એટલે કે આનંદમય કોશ કે કારણ શરીર છે. તે subconscious  અને supra - consciousની વચ્ચેનો unconscious સેતુ છે. જ્યારે કૃષ્ણ અનેક ગોપીઓ વચ્ચેથી રાધાને નિભૃત નિકુંજમાં લઈ જાય છે, ત્યારે તેને અહમ્ થાય છે કે આટલામાંથી મને એકને જ પસંદ કરી છે, એટલે ‘હું’ કંઈક છું. આ ‘હું’ ભાવ ‘I’ ness છે. તે પરમાત્માના મિલનમાં બાધારૂપ થાય છે અને કૃષ્ણ તે જ વખતે અંર્તધાન (ગાયબ) થઈ જાય છે. પછી રાધા કલ્પાંત કરે છે અને મિલનમાં વિરહ અને પછી વિરહમાંથી મિલનની અદ્દભુત ગતિ રચાય છે.
લોકપરંપરામાંથી મળેલું નરસિંહનું પદ આ સંદર્ભમાં જોઈએ :
નાગર નંદજીના લાલ, રાસ રમતાં મારી નથણી ખોવાણી, કાના જડી હોય તો આલ.
અહંકારનું, ગર્વનું, પ્રતિક નાક છે અને નાકનો શણગાર નથણી છે. કૃષ્ણના અંર્તધાન થતાં તે નથણી ખોવાઈ જાય છે. કવિતા આગળ વધે છે :
નાની અમથી નથણીને માહે ભરેલા મોતી
નથણી આપોને કાના, ગોતી ગોતી ગોતી.
નાની અમથી નથણી ને માંહે જડેલા હીરા
નથણી ગોતીને આપો સુભદ્રાના વીરા
જયારે ભૌતિક પદાર્થનું સ્મરણ હોય ત્યારે ‘હીરા’, ‘મોતી’ વાળી ચેતનામાં એ ન જ મળે. હજી સમજવું ન હોય તો અદ્દભુત રૂપક આપે છે.
નાનેરી પ્હેરું તો મારે નાકે ના સોહાય
મોટેરી પ્હેરું તો મારા મુખ પર ઝોલાં ખાયા
અહંકાર એવી વિચિત્ર વસ્તુ છે કે સ્વયંને પ્રતિષ્ઠિત થવું જ છે. બહુ સૂક્ષ્મ હોય તો નજર ન ચડે અને બહુ મોટા હોય તો અળખામણો થઈ જાય.
કવિતા આગળ વધે છે. નથણી ક્યાં હશે ? પ્રકૃતિ પોતે જ બ્રહ્મનું સર્જન છે અને તે ભોગ (આનંદ) અને અપવર્ગ (મોક્ષ) માટે સર્જાયેલી છે તેથી જ સંકેત આપે છે.
આંબે બોલે કોયલડી ને વનમાં બોલે મોર
રાધાજીની નથણીનો શામળિયો છે ચોર
જે અહંકાર વિરહનું કારણ બન્યો છે તે પણ કૃષ્ણએ જ આપ્યો છે. આ લીલા અને સંપૂર્ણ સત્વ સંશુદ્ધિ માટેની આવશ્યકતા પૂરી થાય તો નથણી મળે. માટે માન છોડી ને માગ.
નરસિંહ બહુ મોટા ગજાનો કવિ છે. બે વતી બે ચાર ન કરે. છેલ્લે કહે છે
    નથણી આપોને પ્રભુ નંદના કુંવર
    નરસૈયાના સ્વામી ઉપર જાઉં બલિહર.
નથણી આપવી જોઈએ કે નહીં ? આપી કે નહીં એ તમારી ઉપર છોડીને એ કૃષ્ણ પર વારી જાય છે. એટલે જ કહે છે બીજા કાવ્યમાં -
‘વારી જાઉં સુંદર શ્યામ તમારા લટાકને.’
તો આ મારી સમજ પ્રમાણ નરસિંહની રાધા-કૃષ્ણ કવિતાનો આનંદ છે. રાધા એક રૂપક અને રાધાની કાવ્યમય વાસ્તવિકતા અતિ રમણીય છે.
બીજું કાવ્ય છે જેમાં નરસિંહ રાધાને આધ્યાત્મ અને રુક્મિણીને વહેવાર એમ બે ભાગ પાડે છે. બન્ને વાસ્તવમાં ક્યારે ય મળ્યા નથી. સુરદાસની એક કવિતામાં ‘રુક્મિણી રાધા ઐસી ભેટી, જૈસે બહુત દિનનકી બીછરી હુસી એક બાપકી દોઉ બેટી’ જેવી સુંદર વાત કરે છે.
અહીં મામલો જુદો છે રાધાજી રીસાયાં છે.
આજ રે શામળિયે વ્હાલે અમ શો અંતર કીધો રે, 
રાધિકાનો હાર હરિએ રુક્મિણીને દીધો રે.
પરમાત્મા પ્રાપ્તિમાં સંસાર છોડીને આધ્યાત્મમાં પ્રવેશવાનું હોય છે. અહીં નરસિંહ ઊંધી રમત માંડે છે. આધ્યાત્મના કંઠમાંથી આભૂષણ લઈ સંસાર પક્ષને આપે છે. એટલું જ નહીં Plutonic કે આધ્યાત્મિક પ્રેમના પાત્રને નિતાંત સંસારી વાઘા પહેરાવે છે. આ હાર જવાનું દુ:ખ અને ગુસ્સો જુઓ.
શેરીયે શેરીયે સાદ પાડું, હીંડું ઘેર ઘેર જોતી રે, 
રુક્મિણીને કોટે (કંઠમાં) મેં તો ઓળખ્યાં મારાં મોતી રે
ચોરી પકડાઈ ગઈ અને ચોર પકડાઈ ગયો. કૃષ્ણ સિવાય આપે કોણ આ મોતીનો હાર અને તે પણ રુક્મિણીને ! ગુસ્સાની પરાકાષ્ઠા છે.
ધમણ ધમાવું ને ગોળી ધપાવું, સાચા સમ ખવરાવું રે
આજ તો મારા હારને કાજે નારદને તેડાવું રે
૧૦૦º નહીં પણ બસ્સો ડિગ્રી ઉકળતા પાણીની ગોળી પર હાથ રાખીને સોગંદ ખવરાવી સાચું બોલાવું. રામાયણમાં રામ સીતાની અગ્નિ પરીક્ષા કરે છે, ત્યારે નરસિંહ મહેતાની રાધા શ્રીકૃષ્ણની અગ્નિ પરીક્ષા લે છે. એટલું ઓછું હોય તો નારદજીને તેડાવું. આજની ભાષામાં આખું U.N.O.ને ભેગું કરું. એટલું જ નહીં સત્યાગ્રહ કરું. (ગાંધીજી પહેલાં પાંચસો વર્ષની રચના છે.)
   રાધાજી અતિ રોષે ભરાણાં, નેણે નીર ન માય રે
    આપો રે હરિ હાર અમારો નહિ તો જીવડો જાય રે.
હવે નિર્ણયાત્મક ઘડી આવી ગઈ છે. નટવર નાગર કૃષ્ણ શું ખુલાસો આપશે ? શું બહાનાં કાઢશે ? કેમ મનાવશે ?
ગુજરાતી સાહિત્યની અદ્દભુત પંક્તિઓમાંની એક છે.
થાળ ભરી શગ મોતી મગાવ્યાં, અણવીંધ્યાં પરોવ્યાં રે
ભલે રે મળ્યો નરસૈનો સ્વામી, રુઠ્યાં રાધિકા મનાવ્યાં રે.
આ અણવીંધ્યાં મોતીની માળામાં અનેક અર્થ અને અર્થોને અતિક્રમનો ચમત્કાર છે. તમે એનો ‘યોગ : ચિત્તવૃત્તિ નિરોધ’ અક્ષત યોનિ, નિષ્કામ કર્મ જે કરો તે થઈ શકે. પરતું ફરી આધુનિક વિજ્ઞાનની વાત કરીએ તો UNIFIED QUANTUM FIELD એટલે કે પરબ્રહ્મ અખંડ અને અલખ છે જેને perfect symmetry છે. એ symmetry કે સંપૂર્ણ ત્રિગુણાતીત અવસ્થાની અક્ષુણ્ણ્યતા એ અણવીંધ્યાં મોતીની માળા છે. એટલે નરસિંહ સંકેતથી કૃષ્ણ પાસે કહેવડાવે છે કે તારી પાસે વીંધેલાં મોતીની માળા છે તે તારા ગૌરવને અનુરૂપ નથી. ભલે રુક્મિણીની શોભા વધારે. તારે માટે આ અણવીંધ્યાં મોતીની માળા (ઢગલો નહીં) જ યોગ્ય છે. કેવું અદ્દભુત.
આમ નરસિંહથી શરૂ થયેલી રાધાની યશોગાથા આજ સુધી ચાલી આવે છે. જે ગુજરાતી કાવ્ય પ્રેમીઓને સુવિદિત છે. થોડો ચિતાર જોઈએ. પહેલાં નરસિંહને માણીએ.
નરસિંહ મહેતાએ રાધાનાં નામ સાથે અને રાધા ભાવનાં અનેક કાવ્યોમાં પ્રેમના અનેક ચહેરાઓ ઉપસાવ્યા છે. જેમ કે શિવલાલ જેસલપરાની નરસિંહ મહેતાની કાવ્ય કૃતિઓમાં :
પૃ. ૧૬૮. રાસ રમે, રાધાવર રૂડો શામલડાને સંગે રે
              માન મૂકવા કારણ કામ, અનંગર થરતી સંગે રે
પૃ. ૧૭૫. અમને રાસ રમાડ વ્હાલા ....
              એક હસે એક તાળી લે, બીજા તે કુંકુમ – રોળ
              રાધા માધવ રાસ રમે તાંહી ઝામા ઝાકળઝોળ
પૃ. ૧૮૮. રાતીમોલ ધરો, મારા વ્હાલા, રાતી ઋતુ રૂડી રે
          રાતે દાંતે હસે રાધાજી, રાતી કરમાં ચૂડી રે
          રાતાં ફૂલ ખરે ખાખરનાં, રાતી તે રજ ઉડી રે
          રાતી ચાંચ સોહે પંખીજન, સૂડોને વળી સૂડી રે
         રાતા સાળુ સહુ સહિયરને, શિરે છૂટે જૂડી રે
         નરસૈયાના સ્વામી સંગ રમતાં, રહીને રસમાં બૂડી રે
પૃ.૨૦૧. શૈં ન સરજી તારા વદનની વાંસળી અધર-અમૃત રસપાત કરતી
       શોક્ય તણું દુ:ખ દોહ્યલું દેવા, વૈકુંઠ નાથનું મન હરતી
       રાધિકા, રુક્મિણી, લક્ષ્મી, ચંદ્રાવલિ, સત્યભામા એણી પર બોલે
       ‘સોળ સહસ્ત્ર ગોપી પરી તેહમાં નાવે કોઈ નાર એની તોલે
પૃ.૨૬૬  સજની ! શામળિયો વ્હાલો, રાધા ગોરી ને કાન કાળો
             તમે નેણ ભરી નિહાળો, રસપૂરણ છે રઢિયાળો
પૃ. ૩૩૦ મારે આંગણ આવીને કોણે પંચમ ગાયો
             ચાર પહોર રમતાં હજી ન ધરાયો
             ------
             શંખ – ચક્ર – ગદાધર, ને ગરૂડ ગામી
             સેજડીએ રાધાશું મળિયો નરસૈયાનો સ્વામી.
પૃ. ૩૩૬. રોજે રમતાં ખટકે કડલાં, રાધા – માધવ તેવતેવડાં
              બાંહોડીનો લટકો મોડામોડ, રાધા – માધવ સરખી જોડ
કે વળી બીજા પદમાં કહે છે
          વૃંદાવનમાં રાધા માધવ થનક થનક થૈ સારી રે
          ચોપાસા દીપક ઘરી ચોગમ, ઝલલ જ્યોત અભ્યારી રે
આત્મ ચરિત્રના પદોમાં પણ જેમ કે મામેરાનાં પદ પૃ. ૩૪
           રાધિકા સુંદરી સકળ શિરામણી
રાધાનો ઉલ્લેખ હોય જ.
અનેક પદો એવાં છે જેમાં રાધાનું નામ સ્પષ્ટ આવતું ન હોય પણ એ ભાવ ફલિત થાય.
એક બહુ સુંદર પદથી આ પ્રકરણ પૂરું કરીએ. વસંતઋતુમાં ફૂલો ખીલ્યાં છે. રાધાએ કૃષ્ણ સાથે મળવાનું સ્થળ અને કાળ નક્કી કર્યાં છે. એ સમયે પ્રિયતમને મળવા પણ એકલાં ન જવાય, સાથે સખી હોય. રાધા સોળે શણગાર સજી સખીને ત્યાં આવે છે, અને સખી હજી છાશ વલોવતી હોય છે. ત્યારે રાધાની ઉત્કટતાનો, અભિસારિકાની આતુરતાનો અદ્દભુત ભાવ લીધો છે.
ચાલ રમીએ સહી, મેલ મથવું વહી વસંત આવ્યો વનવેલ ફૂલી
મહોરિયા અંબ, કોકિલા લવે કદંબ, કુસુમ, કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી.
પ્હેર શણગારને હાર ગજગામિની ક્યારની કહું છું જે ચાલ, ઊઠી
રસિક મુખ ચુંબિયે, વળગીયે, ઝુંબીયે
આજ તો લાજની દુહાઈ છૂટી
હેતે હરિ વશ કરી, લાવો લે ઊર ધરી
કર ગ્રહી કૃષ્ણજી પ્રીતિ વળશે
નરસૈયો રંગમાં અંગ ઉન્મત્ત થયો
ખોયેલા દિવસનો ખંગ વળશે.
તીવ્ર ભક્તિના ઉદ્રેકમાં મિલનઝંખના વાળો જીવ સંસારમાં રચી-મચી પડેલા જીવને જગાડી પરમાત્માની એકતાનો લ્હાવો લઈ ભવસાગર તરી કાલાતીત અવસ્થામાં ખોયેલા દિવસનો ખંગ વાળવાનો રંગ માણવા પ્રેરે છે.
નરસિંહ પછી પંદરમી સદીના ઉત્તરાર્ધમાં ‘રઘુનાથ ભક્ત’ ભાલણ આખ્યાન કવિ તો છે જ પણ દશમ સ્કંધના પદ રચનામાં રાધા અને રાધાભવનાં પદો મળે છે.
દશસ્કંધ પદ ૨૦૭ :
રાધા કહે : સુણો સુંદર વર તમને કહું હું વાત
અથવા – ૧૮
મુરલી વાય છે રસાલ
લોકલાજ મેં પરહરી, સોંપું રે એહને શરીર
પરવશ થયો આત્મા, રાખ્યો ન રહે ધીર
એ મારે હઈડે વસો, રહો દિન ને રાત
ભાલણ પ્રભુ રઘુનાથ, અંતરગત મલીએ સાથ
ભારતભરમાં અતિ પ્રખ્યાત મીરાંબાઈ સોળમી સદીના પ્રારંભમાં ૧૫૦૩, શરદપૂનમની રાત (અન્ય ૧૪૯૮) મેડતા પ્રાંતના કુકડી ગામે જન્મ. છેલ્લાં દસ વર્ષ ગુજરાતમાં રહ્યાં તેથી અનેક ગુજરાતી પદો તેને નામે છે, જેમ કે
બોલે ઝીણા મોર, રાધે !
તારા ડુંગરિયામાં બોલે ઝીણા મોર
અથવા
બોલમાં બોલમાં બોલમાં રે
રાધાકુષ્ણ વિના બીજું બોલમાં
પરંતુ ઇ.સ. ૧૫૮૫માં ડાકોરના મંદિરના ગર્ભગૃહમાંથી મળેલી હસ્તપ્રતમાં જે ૬૯ પદો છે તે શુદ્ધ મીરાંની મેડતી – રાજસ્થાની ભાષાના છે અને તે પછી કાશીમાં બીજા ૩૪ પદો મળી ૧૦૩ પદો સિવાય મીરાં નામી પદો છે. ભાવ અને ભાષાની દૃષ્ટિએ ખૂબ જાણીતાં પદો પણ તેના નથી, તેમ કહી શકાય.
ઉદાહરણ અર્થે :
પાયોજી મૈને રામ રતન ધન પાયો
એ મીરાંનું પદ ન હોય તેવી શક્યતા વધારે છે. મીરાંનાં ૬૯ પદોમાં ક્યાંય ‘રામ’ શબ્દ આવતો નથી. ‘મ્હારા રે ગિરધર ગોપાલ દૂસરા ન કૂયા’ એ મીરાંનાં જીવન અને કવનનું સત્ય છે. વળી અસ્સલ ભાષા ‘ગોવિંદ રા ગુણ ગાણા, રાજા રૂઠે નગરી ત્યાગાં, હરિ રૂઠે જાણાં’ જેવી ભાષામાં આયો પાયો વાળી ભાષા ન આવે. અને સહુથી ધ્યાન ખેંચે એવી વાત તેમાંની પંક્તિ ‘સત્ કી નાવ કેવટિયા સદ્દગુરુ’ તો નરસિંહ કે મીરાંના કોઈ પદમાં ગુરુની વાત જ નથી. રૈદાસ જીવતા હોય તો મીરાંના જન્મ વખતે ૧૦૫ વર્ષના હોય. તે મીરાંની દાદી સાસુ ઘ્રાંગધાની રતનકુંવરબા અથવા ઝાલી રાણી (ઝાલાવાડની હોવાથી) તરીકે પ્રખ્યાત હતી અને ત્યાં રૈદાસજી અવશ્ય આવતા હતા. પરંતુ ગુરુ બનાવ્યા હોય તો પદમાં અવશ્ય આવે. જે કંઈ પદોમાં નથી.
તેવી જ રીતે ગુજરાતી પદોનું છે. છેલ્લાં દસ વર્ષ ગુજરાતમાં રહી એટલે હોઈ શકે, પણ મને શ્રદ્ધા નથી. જેમ દ્વારકાની મૂર્તિમાં સમાઈ તેમાં નથી. એ મીરાં પહેલાં સાતસો વર્ષ ગૌડા કે આંડાલની પણ વાત હતી કે તે મૂર્તિમાં સમાઈ ગઈ. એ બન્ને વાતો મને ભાવની સ્થિતિમાં અવશય માન્ય છે. ભૌતિક રીતે નહીં.
મીરાંના ૬૯ પદોમાં એક પ્રમુખ ભાવ એ જ ફલિત થાય છે કે તેને કૃષ્ણ સાથે અનેક જન્મોનાં સંબંધ છે. અને શ્રીમદ્દ ભાગવતના દશમ સ્કંધમાં નિભૃત નિકુંજમાં વિરહ પામેલી રાધા અથવા તો રાસમાંથી છૂટા પડેલી ગોપી એ પોતે જ છે. વિષયાંતર ન થાય એટલે અવતરણો મૂકતો નથી પણ ‘મિલ-બિછુડણ મત કીજો’ એ મીરાંની આજીજી કાયમની રહી છે.
મીરાં પછી કબીરના રંગે રંગાયેલા પણ અદ્દભુત વિલિક્ષણ અભિવ્યક્તિ સાથે સત્તરમી સદીના પ્રારંભમાં અખો જ્ઞાન કવિતા અને ધર્મ, સાધના કે જીવનમાં પેસેલા પાખંડ સામે ચાબખા મારી ‘અગમ અગોચર’નો અનુભવ કરવા પ્રેરે છે.
સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં રસ અને ગુજરાતી ભાષાનો અદ્દભુત કવિ પ્રેમાનંદ આશરે (૧૬૪૦-૧૭૧૨) કડવા અને પ્રબંધનો આખ્યાન કવિ છે. પરંતુ ભાલણની જેમ તેણે પણ દશમ સ્કંધની રચના કરી છે. તેની ભ્રમર પચીસીમાં સુંદર પદ કવિતાના અંશો છે. પદ : ૧૫
ગોપીનાથ મથુરા જઈ વસિયા
કુબજા હાથ કમાન ગ્રહીને દોહને બાણે અમને કસિયાં
શું મોહ્યા ચંદનને માધવ ! કપૂર – કાચલી ઘઉંલા ધસિયા
દામોદર ! દાસીને ભેટતાં એમ ન જાણ્યું જે દુરિજન હસિયા
પ્રેમાનંદ પ્રભુ ! ગોકુળ આવો, રાસ રમીયે રાધામાં રસિયા
પ્રેમાનંદના સમકાલીન મૂળદાસજી (૧૬૬૫-૧૭૭૯) નરસિંહની જેમ વેદાંતી કવિ હતા. નિર્ગુણની અનુભૂતિ સાથે પ્રેમલક્ષણા ભક્તિના સુંદર પદો મળે છે. તેમના ૧૨૪ વર્ષના જીવનકાળમાં હજારો પદની રચના કરનાર આ સંતકવિએ ગરબી પ્રકારનાં અને રાસ પ્રકારનાં પદોમાં રાધા-કૃષ્ણનું ગાન કરે છે.
હરિ વેણ વાય છે રે હો વનમાં
તેનો વ્રેહ વાધ્યો મારા તનમાં
....... બીજા પદમાં કહે છે
રંગભંગ રમતાં રે હો રજની
તે સુખ સાંભળ મારી સજની
નરસિંહના ઝૂલણામાં મૂળદાસજી ગીત ગોવિંદ નો અંતભાગ એ પદમાં કહે છે.
આજ મૈં અનુભવ્યા નાથ આનંદમાં
દીન જાણી મને દાન દીધું
કંઠસુ બાંહડી, નાથ ક્રીડા કરી,
કુસુમની સેજમાં સુખે સૂતા
જોબનનો રસ પ્રેમે પીધો ઘણો,
કૂચ કટાક્ષ તે ઉર ખૂતા
ઉર્ઘ્વ આસનનું સુખ બીજું ઘણું
મર્મ જાણી ઘણું માન રાખ્યું
મૂળદાસ માનની માન મોરારશું
દંગ (દ્રગ)ના રૂપમાં સર્વ દાખ્યું
ઉર્ધ્વ આસન એટલે વિપરિત રતિના અર્થમાં અને બ્રહ્મ રંધ્રના શૂન્ય મહેલના પરમાત્માની સાથે એકતાના ભાવમાં પણ લઈ શકાય છે.
સત્તરમી સદીમાં વિશ્વનાથ જાની અને સંત પ્રાણનાથ ‘ઈન્દ્રાવતી’ના પદોમાં રાધાભાવ મળે છે.
અઢારમી સદીમાં રસખાનની જેમ મુસલમાન કવિ રાજે (૧૬૫૦ કે ૭૦ થી ૧૭૨૦ કે ૩૦) રાધાના કૃષ્ણ સાથેના સંબંધની યોગ્યતા વિસારે છે.
ઉગત વહાણે (પરોઢે) રાધાની માડી જાડી રે
એના ચિત્તમાં ચટકી લાગી રે
તેના જવાબમાં રાધા કહે છે
એટલે ત્યાં તો બોલ્યાં છે રાધા વાત
તું સાંભળ મારી માત ! રે બહુ સારું કીધું
માતા મારી શિશ તમારાં નથી વહેર્યાં
પાનેતર પ્રભુનાં પહેર્યાં ! રે બહુ સારું કીધું
રાધા તેની માતાને બરાબર હૈયા ધારણ આપે છે કે મારા લગ્નમાં તેત્રીસ કરોડ દેવતા આવ્યા’તા અને ખુદ જગદંબા ઉમાએ કંસાર જમાડ્યો હતો. મીરાંબાઈના આ પદ સાથે સરખાવો.
માઈ મ્હાને સુપણામાં પરણ્યા રે દીનાનાથ
છપ્પ્ન કોટા (કરોડ) જણા પધાર્યા દુલ્હો શ્રી વ્રજનાથ.
એ સમયમાં સુંદર કવિ રત્નો બારમાસી કાવ્ય પ્રકારમાં મધુર ભાવો વ્યક્ત કરે છે જે ગીત ગોવિંદના પ્રારંભમાં છે.
ફાગણ આવ્યો હે સખી કેશુ ફુલ્યાં રસાળ
હૃદે ન ફૂલી રાધિકા ભ્રમર કનૈયાલાલ
વેરી વિધાતાએ લખ્યો વ્હાલા તણો રે વિજોગ
‘રત્ના’ના સ્વામી શામળા આવી કરો સંજોગ
(પ્રીતમ ૧૭૧૮ – ૯૮) જ્ઞાનમાર્ગ ને અને કૃષ્ણલીલાનાં પદોનો કવિ કહે છે.
રૂપ રાશિ-શી રાધિકા પ્રેમસાગર પ્યારી,
હિંડોળો રળિયામણો ઝૂલે પિયાપ્યારા.
આ તરફ લોકગીતો અને ભજનવાણીમાં રાધા અને રાધાભાવનો મહિમા ગવાવા લાગ્યો. ગોરખપંથી, કબીર પંથી, નિજારી, મહાપંથી વગેરે સંત મતની નિર્ગુણી વાણીના સંત કવિઓ પણ રૂપક – કાવ્યોમાં કટારી, ચુંદડી પ્રભુ મિલનની પરિભાષામાં જ્ઞાન ભક્તિના મૂળ પ્રવાહમાં અને જીવની આરાધનાની અભિવ્યક્તિ રૂપે રાધાભાવનાં સંવેદનો સ્પર્શવા લાગ્યાં.
ખાસ કરીને રવિભાણ પરંપરાના ઉદાહરણ જોઈએ. મોરાર સાહેબ (૧૭૫૮/૧૮૪૯) કહે છે.
ચુંદડી સુંદર શ્યામ સોહાગ, ઓઢે અનુરાગ, ચેતન વરની ચુંદડી
બીજું પદ છે.
    કે’જો સંદેશો ઓધા / શ્યામને અમને તમારો ઓધાર
    નિરખ્યા વિના રે મારા નાથજી સૂનો લાગે છે સંસાર
    મોરાર સાહેબનું એક પદ મીરાંથી લઈ અનેકને નામે ચડ્યું છે.
    લાવો લાવો કાગળિયો હોત કે લખીયે હરિને
    એવો શું છે અમારો દોષ, ન આવ્યા ફરીને
    માથડે ભરિયલ મહી કેરાં માટ, ગોકુળથી આવ્યાં રે
    જાદવ ! ઊભા ‘રો ને જમનાને તીર, બોલડિયે બંધાણા રે
તો જેમણે જીવણ દાસમાંથી નામ બદલી દાસી, જીવણ (૧૭૫૦-૧૮૨૫) રાખ્યું હતું તે સંતના અનેક પદો અદ્દભુત છે.
પ્રેમ કટારી આરંપાર નિકલી મેરે નાથ કી
ઔર કી હોય તો ઓખદ (દવા) કીજે હૈ હરિ કે હાથ કી.
સ્વામીનારાયણ સંપ્રદાયમાં સુંદર પદોની રચના રાધા-કૃષ્ણના અનેક ભાવમાં થઈ છે. બ્રહ્માનંદ(૧૭૭૨-૧૮૬૨)નું અદ્દભુત પદ છે, જેમાં રાધા તેની સખીઓ સાથે બાલકૃષ્ણને પોતાને ત્યાં લઈ જઈ ‘સ્ત્રી’ ‘રાધા’ બનાવે છે.
હરિ કું રાધે નાચ નચાવે, હરિ કું રાધે નાચ નચાવે
પાવનમેં નેપૂર કરી દીને, કર ચૂડી ઠહરાવે
મિલકે જુથ સબે વ્રજનારી લાલકું પ્યારી બનાવે
કછનિ કંબરિયા દૂર બહાય કે, લે લેંઘો પહરાવે
પાઘ ઉતાર, ઓઢાઈ ચૂનરિયાં, નૈનન કજરા લગાવે
માંગ સંભાર ભાલે દે બીંદી, કર ગ્રહી તાલ શિખાવે
રાધે રાધે, કહાન કહાન કહી નચવત તાન મિલાવે
રૂપ બનાય, લગાય કે ઘૂંઘટ, જસોમતી પૈં લેં જાવે
બ્રહ્માનંદ કહે તેરે સૂત કું એહિ કુંવરી પહનાવે
યશોદા પાસે ‘પ્યારી’ કૃષ્ણને લઈ જઈ, કહે છે કે તારા કૃષ્ણ માટે આ યોગ્ય ક્ન્યા છે. આની મસ્તી સ્ત્રી-પુરુષનું અન્યોન્ય ભાવ અને પરમ ઐક્યની રસ લ્હાણ છે.
બીજા એક પદમાં બ્રહ્માનંદ કહે છે
ઝુલત શ્યામ હીંડો રે, રાધે સંગ ઝુલત શ્યામ હીંડો રે
દંપતી વદન વિલોકન કારણ ભીર મચી ચહું ઓરે
ગુજરાતી ભાષી કવિઓ હિંદી, વજ્ર અને મિશ્ર ભાષામાં લખે ત્યારે અનેક ગુજરાતી પદો વચ્ચે વધુ ધ્યાન ખેંચે છે.
બીજા સ્વામીનારાયણ પરંપરાના કવિ પ્રેમસખી પ્રેમાનંદ (૧૭૮૪ – ૧૮૫૫) લખે છે.
રમ્યો રાસ પિયા ઘનશ્યામ રી 
તેમાં મૃદંગના બોલ, સરગમ, નૃત્યુનું વર્ણન વગેરે સુંદર છે. એવું જ બીજું પદ લઈએ જેમાં ઝાંઝર પ્હેરી રાધા રાસ રમે છે.
વારી લાલ નાચત ગત સંગીત ઝનનનનન નૂપર બાજે
તનનનનન લંત તાન બનવારી ... વારી
બ્રજનારી કર ગ્રહી જુગલ જુગલ પ્રતિ કરત ખ્યાલ લાલ લાલ
નાર થોગિડ ગિડ થોગિડ ગિડ બજત મૃદંગ ગત,
ઉધટ થે થે તતત તતત
સરર રરર ભ્રમત ભોમિ પર બ્રજલની ઉનમત બાલ
છોમ છનનન છોમ છનનન ઘુંઘરુ બાજત ગત અત ન્યારી
ઝલલ ઝલલ ઝલકત ભૂજભૂખન હાવભાવ હિતકારી – વાટી
લટક લટક લટકત લટકીલો કરત મુગટ કી છાંઈ
રાધામુખ શ્રમજલ હરિ પોંછત ગ્રહી ભુજ કંઠ લગાઈ બાલ
નિરખત ગગન સુમન સુર બરખત આનંદ ઊર ન સમાત
પ્રેમાનંદ ઘનશ્યામ છબી પર, તન મન ધન બલજાત બાલ
રાસમાં સુંદર નાચવાનો આનંદ આપ્યા બદલ, કૃષ્ણ પોતાના મુગટનો છાંયો કરી રાધાના પ્રસ્વેદ લૂછી ગળે લગાવે છે. અને વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, આંર્તપ્રાસ અને ઝડઝમકથી પદની મધુરતા વધારે છે અને મધ્યાકાલીન યુગના છેલ્લા સૂર્ય સમા દયારામ(૧૭૭૭-૧૮૫૨)ની યાદ આપે છે.
     વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ,
      રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લહી લહી લહી,
      બીજું કંઈ નહીં નહીં નહીં રે
     હાં રે નુપુર ચરણ, કનક વરણ, ઝાંઝર જોડો
     હાં રે ઘૂઘરી આળો ઓથે અક્કો તોડો
     હાં રે મોર મુગટ, મણિ, વાંકડો અંબોડો
     હાં રે કુંડલી કાન, ભ્રૂકુટિ બાન, તિલક તાન
     નેન બાણ,  કંપમાન ફફા ફેઈ ફેઈ ફેઈ રે
વૃંદાવનમાં .....
બંસીબોલના કવિ દયારામની લય, ભાષા, ભાવ અને ગીત કવિતાથી ભર્યાં ભર્યાં પદ રસનો ખજાનો છે. નરસિંહ મહેતાના ‘મારે વનરાવન છે રૂંડું વૈકુંઠ નહીં આવું’ના દયારામ પડઘા પાડે છે.
    વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું
    મને ન ગમે ચર્તુભુજ થાવું
    ત્યાં શ્રી નંદકુંવર ક્યાંથી લાવું
    જોઈએ લલતિ ત્રિભંગી મારે ગિરધારી,
    સંગે જોઈએ શ્રી રાધે પ્યારી
    તે પિતા નવ આંખ ઠરે મારી ... વ્રજ વહાલે
    રાધાભાવની અનેક સુંદર રચના
    ‘હાંવા હું સખી નહીં બોલું રે નંદકુંવરની સંગ
    મુને ‘શશીવદની’ કહી છે રે ત્યારની દાઝ લાગી છે અંગે
    ‘શ્યામ રંગ સમીપે ન જાવું’
    ‘ઊભા રહો તો કરું વાતડી બિહારીલાલ’
   ‘હું શું જાણું જે વ્હાલ મુજમાં શું દીઠું’
   ‘તું જોને સખી શોભા સલૂણા શ્યામની’
  ઉપદેશના પ્રખ્યાત પદ ‘ચિત્ત તું શીદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય ને કરે’માં છેલ્લે કહે છે.
    ‘થાવાનું અણચિતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે રે
    રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે.’
લોકગીતોમાં સમાજ નિરૂપણ, પરંપરા, પ્રશ્નો ઉપરાંત મુખ્ય વિષય શ્રીકૃષ્ણની અનેકવિધ લીલાઓની રચના છે જેનો કર્તા અજાણ છે. રાધાભાવની અનેક સુંદર રચનાઓ છે.
રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ
રાધા ગોરી ગરબે રમવા આવો
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.
ઊંચા મંદિરમાં બળતા દીવા આનંદ, સમૃદ્ધિની સાથે વિરહ કે પ્રતિક્ષામાં બળતા દીવા પણ હોઈ શકે. સહુ સાહેલીઓ પતિને મૂકી ગરબે રમવા આવે છે તો રાધા તમારા ‘મંદિર’માં કૃષ્ણ હોય કે ન હોય તમે પણ સહુની સાથે તાલ મિલાવવા આવો તેનું ઇજન છે. 
‘કાન તારી મોરલીએ માંહીને ગરવો ઘેલો કીધો’ ...
‘ખમ્મા મારા નંદજીના લાલ મોરલી કાં રે વગાડી’ …
‘ઝાલર વાગે ને કાનો હરિરસ ગાય’ …
‘હો રંગસિયા કયાં રમી આવ્યા રાસ રે’ …
‘ઓધવજી મારા ઘર પછવાડે મોહન મોરલી વગાડેજી’ …
‘ટીલ્ડી ચોડીને રાધા મંદિર પધાર્યાં સાસુને પાયે પડિયાંજી’ …
‘રાધા કરસન રમે હોળીએ રે લોલ
ઊડે છે કંઈ અબીલ ગુલાલ કાજ
કરસન વાડીમાં કમળ ઉઘડ્યાં’ …
‘રૂડાં આસો પાલવનાં ઝાડ, કદમની છાયા રે
ત્યાં બેઠાં રાધાજી નાર કસુંબલ પ્હેરીને’ …
“મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન !
ક્યાં રમી આવ્યા’ …
વગેરે અનેક પદોમાં અનેક ભાવોની ઝાકમઝોળ લોકગીતોમાં છે. ગુજરાતી કાવ્યની ઓગણીસમી સદીના પૂર્વાધ સુધીની યાત્રામાં રાધા પ્રમુખ નાયિકા છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિ બદલાય છે. ૧૮૫૭નાં સ્વાતંત્ર્ય સંગ્રામ, રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, ભારત એકહથ્થુ અંગ્રેજી રાજ્યમાં આવ્યું. મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના અને ગુજરાતી ભાષા પ્રેમી ફાર્બસની ઉપસ્થિતિ વગેરેથી રાધા-કૃષ્ણ કવિતાની ઉત્કટતા ઓછી થઈ ગઈ. સાહિત્યકારો નવલકથા, નિબંધ, હાસ્ય, ચિંતન, જીવનચરિત્ર, આત્મકથા જેવા નવા પ્રકારોમાં શક્તિ અને નિપુણતાનો ઉપયોગ કરતા થઈ ગયા. એક બાજુથી સોનેટ અને બીજી બાજુથી ગઝલનો યુગ આરંભાયો. પંડિત યુગમાં નવી ક્ષિતિજો ખેડવાનો સુંદર પ્રયાસ થયો. તે પહેલાં સુધારક યુગમાં દલપતરામ અને નર્મદની બુદ્ધિ પ્રધાન કવિતાઓ સાથે અન્ય ભાવની કવિતાઓ મળી. બાલાશંકર કંથારિયા, મણિલાલ ન. દ્વિવેદી, કલાપી ગઝલમાં તો કાન્ત અને બ.ક.ઠા. સોનેટમાં ભાવ, બુદ્ધિ અને નવી સૌંદર્યલક્ષીતા સાથે બહાર આવ્યા. તેમાં ‘મહાકવિ’નું બિરુદ પામેલા ન્હાનાલાલ (૧૮૭૭ – ૧૯૪૬) જ્યારે ‘ધાર્મિક’ જેવી ગણાતી કવિતા ‘પછાત’ ગણાવા લાગી ત્યારે  –
મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ આવોને
મ્હારે સૂની સૌ જીવન વાટ હવે તો હરિ આવો ને
મ્હારા કાળજ કેરી કુંજમાં હરિ આવોને
મ્હારા આતમ સરોવર ઘાટ હવે તો હરિ આવો ને
અથવા  તો
હલકે હાથે તે નાથ ! મહીડાં વલોવજો
મહીડાંની રીત નહોય આવી.
‘વિરાટનો હીંડોળા’ લખનાર ન્હાનાલાલના કૃષ્ણમાં બ્રહ્મભાવ અને રાધાભાવમાં જીવ ભાવ સ્પષ્ટ ઉપસી આવે છે.
નીલો કમલરંગ વીંઝણો હો નંદલાલ
રઢિયાળો રતનજડાવ મારા નંદલાલ
બ્રહ્મા વીંઝે બ્રહ્મ વીંઝણો
નરસિંહ મહેતામાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ કે નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યાં જેવી બ્રહ્મ અને કૃષ્ણની એકતા રૂપી હરિને હવે તો આવો ને કહે છે.
પંડિત યુગ પછી ગાંધી યુગમાં પણ મહાત્મા ગાંધીને કારણે સ્વાતંત્ર્ય, લોકજાગૃતિ, સત્યાગ્રહ, સ્વરાજ વગેરેમાં રાધા-કૃષ્ણ કાવ્યો પ્રમાણમાં ઓછાં મળે છે. મેઘાણીથી લઈને ઉમાશંકર જોશી સુધી તેમાં ઓછા કાર્યરત દેખાય છે. બન્ને યુગમાં વચગાળામાં કે સાથે ચાલતા નાટકનાં કાવ્યો, શયદા યુગની ગઝલોમાં, ખબરદાર, શ્રીઘરાણી, રા. વિ. પાઠક, શયદા, રઘુનાથ બ્રહ્મભટ્ટ, પ્રભુલાલ દ્વિવેદી, કરસનદાસ માણેક, પૂજાલાલ, સ્નેહરશ્મિ, બાદરાયણ, પતીલ સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરી વગેરેની ટકાવારી ગણો તો અલ્પ સંખ્યામાં મળતી રાધા કવિતા સુંદરમના આવતાં પાછી ગૌરવશાળી થઈ. મનસુખલાલ ઝવેરી(૧૯૦૭ – ૧૯૮૧)ના કાવ્યમાં ...
     ‘ગિરિધર ગોકુલ આવો
     ને તમે રાધા રસિયાજી આબન – ઠન કર અલબેલી
     કહાન ! કહાન ! કરી વન  – નિકુંજ અરે કયા શીએની
     ગિરિધર ગોકુલ આવો.’
        તો સુંદરમ (૧૯૦૮ – ૧૯૯૧) કહે છે
     ‘મારી બંસીમાં બોલ બે વગાડી તું જા.’
       બીજા કાવ્યમાં કહે છે -
    મેં એક અચંબા દીઠો, દીઠો મૈં ઘરઘર કૃષ્ણ કનૈયો
    હૃદય હૃદય મેં રાધા દીઠી હું બન્યાં મુગ્ધ નરસૈંયો.
    સુંદરમનું –
    ‘મોરે પિયા મૈં કુછ નહીં જાનું
    મૈં તો ચુપ ચુપ ચાહ રહી.’
    મેરે પિયા તુમ કિતને સુહાવન
    તુમ બરસો જિમ મેહા સાવન
    મૈં તો ચુપચુપ નાહ રહી
    મેરે પિયા તુમ અમર સુહાગી
    તુમ પાયે મૈં બહુ બડભાગી
    મૈં તો પલપલ બ્યાહ રહી
રાધાના નામ વિના ઉત્કટ રાધાભાવનું ગુજરાતી કવિએ લખેલું ઉત્તમ ગીત છે.  આવી જ રાતે અનુગાંધી ગણાતા યુગમાં રાજેન્દ્ર શાહ (૧૯૧૩ – ૨૦૧૦) શૃંગાર ગાય છે.
હો સાંવર ! થોરી અંખિયન મેં જોબનિયું ઝૂકે લાલ નાગર સાંવરિયાં
મોરી ભીંજે ચોરી ચુંદરિયાં, તું ઐસા રંગન ડાલ નાગર સાંવરિયાં
તું નંદલાલ છકેલ છોરો
મૈ હું આહિર બેટીરી
ફૂલન હાર ગલેમેં, દૂજી
હાર રહેંગી છોટી રી
હો સાંવર લીની કેસર ઝારી મૈને લીનો ગુલાલ નાગર સાંવરિયા
બીજા પદમાં કહે છે
હરિ મારે નયને બંદીવાન
એનો મોર મુગટ શિર મોરે
મુરલી અધર ધર ધારું
રહસિમહીં રસમય, ત્યાંહી રાધા કોણ ?
કોણ વળી કાન ?
રાધા-કૃષ્ણ ઓતપ્રોત થઈ જાય છે. આ વાત ઉમાશંકર જોશીના
       ‘માધવના મુખડે મોરલી / મહીં હૈયું રાધાનું રેલાય’થી આગળ વધે છે એવી જ રીતે ઉમાશંકર(૧૯૧૧ – ૧૯૮૮)ના ‘એક સમે ગોકુળમાં જાગ્યાતા સૂતા મોર’ની વાત માધવ રામાનુજ આગળ વધારે છે.
એકવાર યમુનામાં આવ્યું તું પૂર
કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળિયાની
વેણ એક વાંસળીનાં વેણ
મારગ તો મથુરાનો, પીંછું તો મોરપીંછ,
નેણ એક રાધાના નેણ,
એવાં તે કેવાં ઓ કહેણ. તમે આવ્યાં કે
લઈ ચાલ્યાં દૂર ... દૂર ... દૂર ...


નિરંજન ભગત (૧૯૨૬) રાધાનું નામ લીધા વિના કહે છે. હરિવર મુજને હરી ગયો. મેં તો વ્હાલ કીધું ન્હોતું તો યે મુજને વરી ગયો. હરિવર મુજને હરી ગયો.
એ પછી હેમંત દેસાઈ, પ્રિયકાંત મણિયાર, હરીન્દ્ર દવે, રાધા ભાવની યમુના વહાવી છે. મણિલાલ દેસાઈ અને લાભશંકર પણ તેમની રીતે રાધાને યાદ કરે છે.
અંતમાં થોડામાં ઝાઝુની કહેવત અને કવિઓના કાવ્યોમાંથી આચમન કરીએ.

સ્નેહરશ્મિ (૧૯૦૩ – ૧૯૭૧)

રૂમઝૂમ પગલે ચાલી
જો ! રાધા ગોપ દુલારી
ઉષાનું સિંદુર સેંથે છલકે
ભાલશશીની ટીલડી પલકે
શરદની તારક ઓઢણી ઢળકે
અંગંશી મતવાલી

વેણીભાઈ પુરોહિત (૧૯૧૬ – ૧૯૮૦)
શ્રાવણ વરસે સરવડે ને ઝરમરિયો વરસાદ
કાના આવે તારી યાદ
ગોપી થઈ ઘૂમૂં કે કાના બનું યશોદા મૈયા
કે રાધા થઈ રીઝવું તુજને
હે સતપત રખવૈયા કાના ! આવે તારી યાદ

મકરંદ દવે (૧૯૨૨ – ૨૦૦૫)

માધવ મોરપીચ્છ અવલોકે શોકે
વારંવાર કંથિત કરથી ધરતા વિરહાકુલ
આતુર અપલક રાધા કેરી ઝાંખી ઉરે જગાડી
મોરપીચ્છ મહીં અનુખન નિરખે અંક્તિ આંખ ઉઘાડી .....
મોરપીચ્છ નિજ શિરે લગાવત ધારી પ્રેમ અગાધ !
માધવ ડોલત વન વન કુંજે બોલત રાધા રાધ.

હરીન્દ્ર દવે (૧૯૩૦ – ૧૯૯૫)
અધમારગડે
(૧) મથુરામાં ઝૂરે માધવ, મધુવનમાં ઝૂરે રાધા
     અધમારગ ઝૂરે ઓધવજી નીરખી નેહ અગાધા
(૨) એક જશોદાના જાયાને માણું
    એ દેવકીના છોરાને જાણે મારી બલ્લા
    હોય ગોરસ તો પરસીને નાણું
    આ નીરના વલોણાને તાણે મારી બલ્લા
    હોય વાંસળીના સૂર તો પિછાણું
    આ કાલી ઘેલી બોલીને જાણે મારી બલ્લા
    રાધાનું નામ એક સાચું, ઓધાજી
    બીજું સાચું વૃંદાવનને ઠામ
    મૂળગી એ વાત નહીં માનો કે કોઈ અહીં
    વારે વારે બદલે ના નામ
    એક નંદના દુલારાને જાણું
    વસુદેવજીના કુંવરને જાણે મારી બલ્લા
   
જગદીશ જોશી (૧૯૩૨ – ૧૯૭૮)
   વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક
    ઢુંઢે કદંબની છાંય
    મારગને ધૂળની ઢંઢોળી પૂછે
    મારા માધવને દીઠો છે ક્યાંય
    યમુનાના વ્હેણ તમે મુંગા છો કેમ
    કેમ રાધાની આંખો ઉદાસ
    વહી જતી લ્હેરખીને વ્યાકુળ કરે છે અહીં
    સરતી આ સાંજના ઉજાસ
    બાવરી વિભાવરીનાં પગલાંથી લાગણીની
    રાતરાણી ઝાકળથી ન્હાય

પ્રિયકાંત મણિયાર (૧૯૨૭ – ૧૯૭૬)

    આ નભ ઝૂક્યું તે કાનજી
    ને ચાંદની તે રાધા રે
    આ સરવર જલ તે કાનજી
    ને પોયણી તે રાધા રે
    આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે
    આ પરવત શિખર ને કાનજી ને કેડી ચડે તે રાધા રે
    આ ચાલ્યાં ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધા રે
    આ કેશ ગુંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે
    આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે
    આ લોચન મારાં કાનજી ને નજરૂં જુએ તે રાધા રે
   

સુરેશ દલાલ (૧૯૩૨ - ૨૦૧૨)
(૧) રાધાનું નામ તમે વાંસળીના સૂરમાં
     વ્હેતું ના મેલો ઘનશ્યામ
     સાંજ ને સવાર નિત નિંદા કરે છે
     ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ
(૨) રાધા શોધે મોરપીચ્છ ને શ્યામ શોધતાં ઝાંઝરિયાં
    રાધિકાની આંખ જપે છે સાંવરિયા ઓ સાંવરિયા
    ઉજળો દિવસ શ્યામ થયો ને રાધિકા થઈ રાત
    યમુના જળ દર્પણ થઈને કહે હૃદયની વાત
    ભરી ભરીને ખાલી ખાલી કરતી ગોપી ગાગરિયાં
    રાધિકાની આંખ જપે છે સાંવરિયાઓ સાંવરિયા
  
ચંદ્રકાંત દત્તાણી (૧૯૩૩)
    તારી રાધા રહી ન હવે રાધા
    આંસુની લિપિ થઈ આખ્ખા વનરાવનમાં
    રેલાતી ગઈ તારી રાધા
    તારી રાધા રહી ન હવે રાધા

સુરેશ ગાંધી (૧૯૧૨)

     રાધા ચાલી પગલાં જોતી
     જ્યાં જ્યાં હરિપગલાંને જોયાં ફૂલડાં મેલ્યાં ગોતી

હેમંત દેસાઈ (૧૯૩૪)

     વ્રજમાં ઢળી સાંજથી સરી વેદના ભરતી ફાળ
     ચખ રાધાનાં બળતાં એની ગગને અડતી ઝાળ

ઘનશ્યામ ઠક્કર (૧૯૪૬)

     રાધાના ગુસ્સાનું ગીત
     મળવાનું મન પહોંચ્યું જોજનવા દૂર તો ય ખેંચાતી જાઉં પછી તે
     ગોકુળમાં ઓળખેલો શ્યામ, તને દ્વારકામાં ઓળખી શકીશ કઈ રીતે

યશવંત ત્રિવેદી (૧૯૩૪)

(૧) કૃષ્ણ તરૂના વનથી સરતી પ્રેમઘૂસર તવ છાંય
      હે રાધા તવ, મંદ્ર મંદ્ર શ્રાવણને કોરી વર્ષાજલની કાય
(૨) પોતાની છબછબતી છાયા માધવને સોંપીને રાધા સુધબુધ
       પાણી કેરાં વસ્ત્ર પહેરી, વ્હેલું ઓઢે આભ – કુંજગગનમાં વિસરી નિહાળી
    મજીઠ જેવું ચુંબન લઈને આજ કનૈયે લીધી હોય ના ધૂળંટડીની ગોઠ
    હોય નહીં આ અમથા અમથા રાતારાતા ચણોઠડી શા આટલા રાતા હોઠ

મણિલાલ દેસાઈ (૧૯૩૯ – ૧૯૬૬)

    મળે રાધા જો કોઈને તો કહેજો
    કે નીર મને યમુનાનાં વ્હાલાં છે એટલાં જ
    મળે માધવ જો કોઈને તો કહેજો
    કે તીર મને સૂરના વ્હાલાં છે હજુ એટલાં જ

રમેશ પારેખ (૧૯૪૦ – ૨૦૦૬)

રાધાનું ગીત
    સાચા પડેલ કોઈ શમણા સમીરે
    સાંજ વેળાથી શેરીઓ છવાતી
    ફળિયે અણોસરી હું બેસીને જોઉં
    મારી એકલતા આમતેમ વાતી
    વાગે ઓસાણ ઘોર જંગલનાં એમ જેમ છાતી આરપાર ખીલા
    વનરાતે વનની વાટે હો શ્યામ, હવે ફૂંકાતી ઝાંઝવાની લીલા

હર્ષદ ચંદારાણા (૧૯૪૭)

    રાધા એક કોળતું બીજ છે
    શ્યામ તમે તાજી કુંપળ
    અળગા ન થાજો એક પળ
    રાધા કોઈ વણજારી વાવ છે
    શ્યામ તમે ઝંપેલું જળ
   અળગા ન જોમે એક પળ
આમ રાધાના અનેક વિરહ-મિલનની નાયિકાના ભાવ ગુજરાતીમાં સબળ રીતે અને સૌંદર્યથી ભરપૂર ભાષા પ્રતીકો – કલ્પનાઓ અને શબ્દચિત્રમાં ઝીલાયા છે. સમાપનમાં બે કવિતા મૂકું છું.

બાલમુકુંદ દવે (૧૯૧૬ – ૧૯૯૩) રાસમાં કશુંક અનેરૂં તત્ત્વ ઉમેરે છે.

   અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક
   રઢિયાળો જમનાના મલ્લક
   એથી સુંદર રાધા ગોરી
   મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક
   આભે પૂનમ ચાંદ ઊગ્યો છે
   રાસ ચડ્યો છે છમ્મક છમ્મક
   ગોપી ભેળા કાન ઘૂસ્યો છે
   ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક
   રાધિકાનો હાર તૂટે છે
   મોતી ચળકે ચલ્લક ચલ્લક
   બધાં જડ્યાં પણ એક ખૂટે છે
   રૂએ રાધિકા છલ્લક છલ્લક
   લીધું હોય તો આલને કાના
   મોતી મારું ચલ્લક ચલ્લક
   તારાં ચરિતર છે ક્યાં છાનાં
   જાણે આખો મલ્લક મલ્લક
   કાને ત્યાંથી દોટ મૂકી છે
   રીસ ચડી ગોપી જન વલ્લભ
   કદંબ છાયા ખૂબ ઝૂકી છે
   બંસી છેડે અલ્લપ ઝલ્લપ
   રાધા દોડે ચિત્ત અધીરે
   રાસ રહ્યાં છે અલ્લક દલ્લક
   સૂર વણાયે ધીરે ધીરે
   ઉર તણાયે પલ્લક પલ્લક
   અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક
   રઢિયાળો જમનાનાં મલ્લક
   એથી સુંદર રાધા ગોરી
   મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક

નરસિંહ મહેતાના નાગરનંદજીના લાલમાં નથણી ખોવાઈ એનો સૂર અહીં મળે છે. એક જ મોતીની રાધા પણ અને છેલ્લે ઉર તણાયે પલ્લક પલ્લક છે.
સમગ્ર ભારતમાં રાધાના પ્રેમ અને આધિભૌતિક, આધિ દૈવિક તથા આધ્યાત્મિક પ્રતિભાનો યશગાન કરતાં કાવ્યોનો હિલ્લોળ ઉઠ્યો તેમાં ગુજરાત પણ ગૌરવભેર અગ્રેસર રહ્યું છે. ગુજરાતી ભાષા તથા સાહિત્યના દરેક યુગમાં રાધા-કૃષ્ણનાં કાવ્યોએ પોતાની વિશિષ્ટ મુદ્રા ઊભી કરી છે. ગઝલમાં અરવિંદ ભટ્ટનો શેર ટાંકી કહું તો


    એક પીછું મોરનું શોધતાં શોધતાં
    છેક પ્હોંચી જવાયું છે ગોકુળમાં
ગની દહીંવાલાની પચાસેક વર્ષ પહેલાં લખાયેલી ગઝલમાંથી - 
    એ રીતે ઝબકી દિલની ઝંખના જાગી હશે
    સૂતી હશે કો રાધિકા ને વાંસળી વાગી હશે


ત્યાંથી લઈ, ગયે વર્ષે, પુષ્પા પારેખના સંગ્રહમાં આવેલી રાધા રદીફવાળી ગઝલ સુધી ક્યાંક ક્યાંક એ સૂર પૂરાતો રહે છે.
અછાંદસના શ્રેષ્ઠ ગણાતા કવિ લાભ શંકર ઠાકરની (૧૯૩૫) તોટક લયની આ અનુપમ કવિતામાં આધુનિક સંવેદના સાથે આપણી આંખની શ્યામલ કીકી રૂપ કૃષ્ણ કનૈયો સમગ્ર સૃષ્ટિના રૂપને રાધા સ્વરૂપે જોઈ ધન્યતા અનુભવે છે.

લાભશંકર ઠાકર
વરસાદ પછી
    જલ ભીંજેલી જોબનવંતી
    લથબથ ધરતી અંગઅંગથી
    ટપકે છે કૈં રૂપ મનોહર
    ને તડકાનો ટુવાલ ધોળો
    ફરી રહ્યો છે ધીમે ધીમે
    યથા રાધિક જમુના જલમાં
    સ્નાન કરીને પ્રસન્નતાથી
    રૂપ ટપકતાં પારસ દેહે
    વસન ફેરવે ધીરે ધીરે
    જોઈ રહ્યાં છે પરમ રૂપના
    ઘૂંટ ભરતાં શું મુજ શ્યામલ
    નેનન માંહે છુપાઈ ને એ કૃષ્ણ કનૈયો


   આમ છ સદીની યાત્રા મારા સ્મરણના સહારે અને તેને આધારે છપાયેલી કૃતિઓમાંથી સાચો પાઠ મેળવી, અહીં રજૂ કરવામાં ખૂબ આનંદ આવ્યો, અને સ્મરણ ચૂક કે શરત ચૂકથી કશું અગત્યનું છૂટી ગયું હોય તો રાધે રાધે !

[૧૨૨, પૂર્ણાનંદ, ડોંગરશી રોડ, વાલકેશ્વર, મલબાર હીલ, મુંબઈ – 400 006, ભારત]

 e.mail : [email protected]

 

 

Category :- Opinion Online / Literature

ઇંગ્લિશ ડિક્શનરીમાં એક શબ્દ છે ‘Dickensian’, અને તેની વ્યાખ્યા આ મુજબ છેઃ ‘the environments and situations most commonly portrayed in Dickens’ writings, such as poverty and social injustice and other aspects of Victorian England’. આ વ્યાખ્યાથી કેટલાક પ્રશ્ન ઉદ્દભવે છે ઃ કોણ હતા આ ચાર્લ્સ ડિકન્સ? કેવું હતું તેમણે આલેખેલું વિક્ટોરીઅન ઇંગ્લેન્ડ? અને તે સમયમાં લખાયેલું ડિકન્સનું સાહિત્ય આજના જમાનામાં કેટલું પ્રાસ્તાવિક છે?

પર્સનલ લાઈફ = ૨૦ નવલકથાઓ ઉપરાંત ટૂંકી વાર્તાઓ, નાટક, કવિતા, નિબંધ અને કેરેકટર સ્કેચીસસ જેવું આજીવન લખતાં રહેલા ચાર્લ્સ ડિકન્સનો જન્મ ૭ ફેબ્રુઆરી, ૧૮૧૨ના રોજ પોર્ટ્સમાઉથમાં મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. તેમના પિતા જ્હોન ડિકન્સ નેવીની પે-ઓફિસમાં ક્લર્ક હતા. જ્હોન ડિકન્સમાં કાબેલિયત હતી અને સર્વિસમાં તેઓ ધીમે-ધીમે આગળ વધ્યા હતા, પરંતું તેમની જીવનશૈલી આવકથી વધુ ખર્ચવાળી હતી.

૧૮૧૪માં ચાર્લ્સના પિતાને નોકરી અંતર્ગત અનિશ્ચિત મુદ્દત માટે લંડન મોકલવામાં આવ્યા. બે-એક વર્ષ રાહ જોઈને ૧૮૧૭માં ડિકન્સ ફેમિલી, ચટામમાં સ્થાયી થયું હતું અને ત્યાં ચાર્લ્સ ડિકન્સના બાળપણના સુખદ દિવસો વીત્યા હતા. બાળ ચાર્લ્સને શરૂઆતનું શિક્ષણ માતા પાસેથી મળ્યું અને પછીથી તેમણે ચટામમાં જ શાળાનું ભણતર લીધું. એ સમય દરમિયાન જ તેઓએ પોતાના પિતાના પુસ્તકસંગ્રહમાંથી ટોબિઆસ સ્મોલેટ અને હેન્રી ફિલ્ડિંગ જેવા લેખકોને રસપૂર્વક વાંચ્યા હતા. એ સમય દરમિયાન ચાર્લ્સ ડિકન્સના મનમાં Gad’s Hill Palaceમાં રહેવાની મહેચ્છા પણ પ્રગટી હતી.

ડિકન્સના પિતાને લંડનની નોકરીમાંથી ૧૮૨૨માં પાછા મોકલવામાં આવ્યા અને ડિકન્સ ફેમિલીના સુખદ દિવસોનો અંત આવ્યો હતો. ‘આમદની અઠ્ઠની, ખર્ચા રૂપૈયા’વાળી જીવનશૈલીના કારણે જ્હોન ડિકન્સ ગળાડૂબ દેવામાં હતા. ચાર્લ્સની માતાએ એક સ્કૂલમાં નોકરી શરૂ કરી, આ દેવું ઘટાડવાનો પ્રયત્ન કર્યો, પરંતું દેવું તો વધતું જ ચાલ્યું. ઘરે રોજરોજ લેણિયાતોની ઉઘરાણી થવા લાગી અને ડિકન્સ કુટુંબની ઇજ્જત દિવસે-દિવસે ઘટતી ચાલી.

આવા વિષમ આર્થિક સંજોગોમાં ડિકન્સ ફેમિલી ચટામ છોડીને લંડનના કેમડન ટાઉનમાં આવી વસ્યું. બાર જ વર્ષના ચાર્લ્સ ડિકન્સનું ભણતર અટકાવી દેવામાં આવ્યું અને તેમને એક શૂ-બ્લેિકગ વેરહાઉસમાં ખૂબ જ ઓછા પગારે (અઠવાડિયાના ૬ શિલિંગ) દિવસના ૧૦ કલાક કામ કરવા માટે મોકલવામાં આવ્યા. બે અઠવાડિયા બાદ જ ચાર્લ્સના પિતાને દેવું ભરપાઈ ન કરી શકવાના કારણે જેલમાં મોકલવામાં આવ્યા. થોડા સમયમાં ચાર્લ્સની માતા અને તેમના ચાર નાના ભાઈઓને પણ એ સમયના કાયદા પ્રમાણે જેલમાં મોકલવામાં આવ્યા.

પછીના ચાર-પાંચ મહિના ચાર્લ્સના જીવનના બહુ પીડાદાયક દિવસો હતા. શરીર તોડી નાખે તેવી મજૂરી ઉપરાંત અપૂરતો ખોરાક, ઝૂંપડપટ્ટી જેવું રહેઠાણ અને એકદમ બરછટ સાથીદારોએ ચાર્લ્સના માનસને બહુ પીડ્યું. આ શરમિંદગીભરી પરિસ્થિતિએ ચાર્લ્સના સંવેદનશીલ માનસ પર પ્રગાઢ અસર છોડી હતી, પણ તેઓ ‘ડેવિડ કોપરફિલ્ડ’ના થોડાંક પાનાંઓ સિવાય જીવનપર્યંત એ અનુભવ વિષે કદી બોલ્યા નહીં. ગરીબ અને ગરીબીનો જે પ્રત્યક્ષ અનુભવ થયો, તેણે ચાર્લ્સના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. એ પરિસ્થિતિને યાદ કરતાં તેમણે પોતાના બાયોગ્રાફર જ્હોન ફોસ્ટરને કહ્યું હતું ઃ ‘The blacking-warehouse was ... a crazy, tumble-down old house, ... literally overrun with rats. Its wainscoted rooms, and its rotten floors and staircase, and the old grey rats swarming down in the cellars, and the sound of their squeaking and scuffling coming up the stairs at all times, and the dirt and decay of the place, rise up visibly before me, as if I were there again. The counting-house was on the first floor, looking over the coal-barges and the river. There was a recess in it, in which I was to sit and work. My work was to cover the pots of paste-blacking; first with a piece of oil-paper, and then with a piece of blue paper; to tie them round with a string; and then to clip the paper close and neat, all round, until it looked as smart as a pot of ointment from an apothecary's shop. When a certain number of grosses of pots had attained this pitch of perfection, I was to paste on each a printed label, and then go on again with more pots. Two or three other boys were kept at similar duty down-stairs on similar wages. One of them came up, in a ragged apron and a paper cap, on the first Monday morning, to show me the trick of using the string and tying the knot. His name was Bob Fagin; and I took the liberty of using his name, long afterwards, in Oliver Twist.’ (from The Life of Charles Dickens)

જેલવાસના ત્રણ-ચાર મહિના બાદ જ્હોન ડિકન્સની માતા, એટલે કે ચાર્લ્સ ડિકન્સની દાદીનું મૃત્યું થયું અને તેને કારણે જે વારસો જ્હોન ડિકન્સને મળ્યો, તેનાથી દેવું ભરપાઈ કરીને તેઓ જેલમાંથી મુક્ત થઈ શક્યા. જો કે દેવું ભરપાઈ થઈ ગયા પછી પણ ચાર્લ્સને શૂ-બ્લેિકગ વેરહાઉસમાંથી તાત્કાલિક મુક્તિ ન મળી. તેમની માતાએ તેમની પાસે થોડોક વધારે સમય એ કામ શરૂ રખાવ્યું. આ બાબતની ડિકન્સના લાગણીતંત્ર પર ખૂબ જ અસર પડી હતી. તેમણે એક વાર કહ્યું હતું ‘I never afterwards forgot, I never shall forget, I never can forget, that my mother was warm for my being sent back’. તેમનો સ્ત્રીઓ પ્રત્યેનો જે ચોક્કસ અભિગમ હતો તે પણ કદાચ આ જ ઘટનાને કારણે ઘડાયો હશે.

પછીથી તેઓએ પોતાનું શિક્ષણ પૂરું કર્યું, લોયર ઓફિસમાં કામ કર્યું, શોર્ટ હેન્ડ શીખ્યા, પત્રકારત્વમાં હાથ અજમાવ્યો અને ‘પિકવિક પેપર્સ’થી નવલકથાકાર તરીકે સાહિત્યની સફર શરૂ કરી, એ તો ઈતિહાસ છે. ૪૪ વર્ષની ઉંમરે તેમણે બાળપણમાં જે Gad’s Hill Palaceમાં રહેવાનું સપનું જોયું હતું તે પણ પૂરું કર્યું. તેમની પ્રથમ નવલકથા ‘પિકવિક પેપર્સ’ માટે તો એવું કહેવાય છે કે તેણે જેટલું ઇંગલેન્ડનું ભલું કર્યું હશે, તેટલું તો બાઇબલે પણ નથી કર્યું. આ ‘પિક્વિક પેપર્સ’માં તેમણે તે સમયના ઇંગ્લેન્ડ અને તેની સમસ્યાનોએ આબાદ રીતે પ્રતિબિંબિત કર્યા છે. તેમના લેખનમાં તેમના આ અનુભવોની અસર લગભગ બધે જ જોવા મળે છે. આ ઉપરાંત તેમના સમયના ઇંગ્લેન્ડની પણ એક તાસીર હતી જેણે તેમની અનુભવ સૃષ્ટિમાં ઘણું ઉમેર્યું હતું.

તે સમયનું ઇંગ્લેન્ડ ઃ કોઈ પણ લેખકને સમજતા પહેલાં લેખક જે સમય અને પરિસ્થિતિમાં જન્મ્યા અને ઉછર્યા તે સમયને સમજવો જરૂરી બને છે. કારણ કે છેવટે તો લેખક પણ એ જ સમાજનો હિસ્સો છે ને. કેવું હતું તે સમયનું ઇંગ્લેન્ડ? ઇ.સ. ૧૭૮૯થી ૧૭૯૨ દરમિયાન થયેલું ફ્રેન્ચ રિવોલ્યુશન (ક્રાંતિ) અને ત્યાર બાદ ૧૮૧૫ સુધી ચાલેલા નેપોલિયન એરા(યુગ)ની ગંભીર અસર સમગ્ર યુરોપ પર પડી હતી. ઇંગ્લેન્ડ પણ એમાંથી કેવી રીતે બાકાત રહે? એ ફ્રેન્ચ રિવોલ્યુશનની અસર હેઠળ જ ઇંગ્લેન્ડવાસીઓએ સમાજના સ્થાપિત હિતોને ઉખાડી ફેંકીને સમાજની પુનર્રચનાના વિચારને ઉત્સાહપૂર્વક વધાવ્યો હતો. પરંતું જ્યારે ફ્રાન્સમાં હિંસા અને ભયનું સામ્રાજ્ય ચોમેર ફેલાઈ ગયું ,ત્યારે ઇંગ્લેન્ડનો ઉચ્ચવર્ગ – શાસકો અને ધનિકો – આ સ્થિતિથી ખાસ કરીને ચિંતિત બન્યા. જ્યારે બીજી બાજુ, ગરીબો અને લિબરલ (ઉદારમતી) વિચારસરણી ધરાવનારા વિચારકોને ફ્રાન્સની ક્રાંતિ અને તેના પરિણામોથી પ્રોત્સાહન મળ્યું હતું. ઇંગ્લેન્ડ જ્યારે ફ્રાન્સ સાથે યુધ્ધ કરવા ઉતર્યું ,ત્યારે ઇંગ્લેન્ડમાં આંતરિક અવ્યવસ્થા ફેલાઈ અને દમનકારી પગલાં લેવામાં આવ્યાં.

યુરોપમાં ચાલી રહેલા આ સંઘર્ષોને કારણે અંગ્રેજ પ્રજાનું જીવન ખૂબ જ મુશ્કેલીભર્યું બન્યું હતું. યુધ્ધના ખર્ચને પહોંચી વળવા પ્રજા પર જે ભારે કર નંખાયા હતા તેની સૌથી ખરાબ અસર ગરીબો પર પડી હતી. મોંઘવારી અને ખાદ્ય સામગ્રીની અછત જેવી મુશ્કેલી તો હતી જ, પણ જ્યારે પ્રશાસને પેપર કરન્સી દાખલ કરી અને તેને કારણે નાણાંકીય ફુગાવો થઈ ગયો, ત્યારે તો હાલત તેનાથી પણ ખરાબ થઈ ગઈ. ફ્રાન્સ અને તેના શત્રુઓ વચ્ચે ચાલી રહેલ લાંબા યુધ્ધના પરિણામે ઇંગ્લેન્ડનું, તૈયાર વસ્તુઓ(manufactured goods)નું બજાર તૂટ્યું હતું અને ૧૮૧૧થી ૧૮૧૩ દરમિયાન બેકારીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું. ૧૮૧૧માં બેકાર થયેલા લોકોનું એક ગ્રુપ (જૂથ) કે જે લ્યુિડટસ (Luddites) નામે ઓળખાતું હતું તેઓ આખા ઇંગ્લેન્ડમાં ફરીને મોટા-મોટા પ્રોડક્શન મશીનોને તોડી રહ્યું હતું કારણ કે તેઓ માનતાં હતાં કે આ મશીનોથી જ તેમનું લેબર માર્કેટ તૂટ્યું હતું.

ઇ.સ. ૧૮૧૨માં, એ વર્ષ કે જેમાં આપણા પ્રિય ચાર્લ્સ ડિકન્સનો જન્મ થયો, manufacturing equipmentનો નાશ કરનાર માટે ફાંસીની સજા જાહેર કરવામાં આવી હતી. (તે સમયે કુલ ૨૨૦ ગુનાઓ ફાંસીની સજાને પાત્ર હતા.) ૧૮૧૫માં જ્યારે નેપોલિયનનો પરાજય થયો અને તેને સેંટ હેલેનાના ટાપુ પર આજીવન કેદ કરવામાં આવ્યો, ત્યારે લોકોમાં સુખ અને શાંતિની એક આશા બંધાઈ. પણ કેવી ઠગારી હતી એ આશા! થોડા સમયમાં જ ઇંગ્લેન્ડે ક્યારે ય ન જોઈ હોય તેવી મંદી આવી અને working class આ બધામાં પીસાતો રહ્યો. ફરી એક વાર, આખા દેશમાં હિંસા અને તોડફોડ વ્યાપક બન્યા અને શાસક્વર્ગે તેનો જવાબ પ્રતિહિંસાથી વાળ્યો. આ હિંસા-પ્રતિહિંસા તેની ટોચ પર ત્યારે પહોંચી જ્યારે ૧૬ ઓગસ્ટ, ૧૮૧૯ના દિવસે આ દેશનો પોતાનો ‘જલિયાવાલાબાગ કાંડ’ થયો, જેને ‘પીટરલૂ મેસેકર’ તરીકે ઓળખવામાં આવે છે. એ દિવસે માન્ચેસ્ટરના સેંટ પિટર્સ ફિલ્ડમાં સેનાની એક ટુકડીએ જાહેર સભામાં ભેગા થયેલા શાંત અને નિ:શસ્ત્ર નાગરિકો પર ગોળીઓ વરસાવી, જેમાં ૧૧ પ્રજાજનો મૃત્યુ પામ્યાં અને ૪૦૦થી વધારે ઘાયલ થયાં. લોકોમાં હાહાકાર થઈ ગયો અને પ્રશાસને એ હિંસાનો માર્ગ છોડવો પડ્યો.

ત્યારબાદ ધીમે-ધીમે બધું થાળે પડવા માંડ્યું. ગુલામી પ્રથા નાબૂદ થવા માંડી, ટોરી પક્ષના હાથમાંથી સત્તા વ્હિગ પક્ષના હાથમાં આવ્યા બાદ, પાર્લામેન્ટરી રિફોર્મ થયું, અને બાળ-મજૂરીને લગતા કાયદા અસ્તિત્વમાં આવ્યા. ક્વિન એલિઝાબેથના સમયથી ગરીબોને, જેને એ સમયે પૉપર્સ (paupers) તરીકે ઓળખવામાં આવતા, સીધી જ નાણાંકીય મદદ મળતી હતી. આર્થિક મંદી બાદ આ સમસ્યા વધારે ગંભીર બની હતી. કેટલાયે સાજા-નરવા, તંદુરસ્ત લોકો, કે જે કામ કરી શકે તેમ હતા, તેઓ કામ કરવાને બદલે આ મદદ લેવાનું વધારે પસંદ કરવા લાગ્યા. કારણ કે કામ મળતું નહોતું અને જો મળતું તો ઓછા વળતરવાળું મળતું. સરવાળે જે નિયમિત કામ કરતાં તેમના પર આ સમસ્યાનું ભારણ કર સ્વરૂપે આવવા માંડ્યું, અને કરદાતાઓમાં અસંતોષ વ્યાપી ગયો. આ સમસ્યાનું સમાધાન લાવવા માટે ૧૮૩૪માં ‘ધ પૂઅર લૉ’ લાવવામાં આવ્યો. કાયદો ‘પૂઅર’ નહોતો, તેનું નામ હતું ‘ધ પૂઅર લૉ’. આ કાયદા હેઠળ કામ કરી શકે તેવા પૉપર્સે વર્કહાઉસમાં રહેવું પડતું અને કામ કરવું પડતું. તેમ છતાં સામાન્ય કરદાતાઓની નજરે તેઓ ઘૃણાસ્પદ હતા. આ વર્કહાઉસીઝમાં વધારે લોકો આવે નહીં અને આવેલા વધારે ટકે નહીં તે માટે વર્કહાઉસીઝમાં જીવવું ખૂબ કઠિન બનાવવામાં આવ્યું. તનતોડ કામ, અપૂરતો ખોરાક અને અમાનવીય વ્યવહાર, આ વર્કહાઉસીઝમાં રહેનારા લોકોના દૈનિક જીવનનો ભાગ બની ગયા. જો કે એની અસર પણ પડી. ૩ વર્ષમાં જ આ વર્કહાઉસીઝને નિભાવવાનો ખર્ચ ત્રીજા ભાગનો થઈ ગયો. પણ આ વર્કહાઉસીઝમાં રહેનારા દરેક લોકો આ સિસ્ટમનો ગેરલાભ ઊઠાવવા નહોતા આવતા. જેમ સૂકા જોડે લીલું બળે તેમ ખરેખર આ મદદની જરૂરત હતી, તેઓનું જીવન આ બધાના કારણે ખૂબ દુષ્કર બની ગયુ હતું. ચાર્લ્સ ડિકન્સની બીજી જ નવલકથા ‘Oliver Twist’નું કથાબીજ અહીંથી રોપાય છે.

આટલી ઐતિહાસિક પશ્ચાદભૂમિની મદદથી ડિકન્સના સમયના ઇંગ્લેન્ડને બરાબર સમજી શકાય તેમ છે. ક્વિન વિક્ટોરિયા, કે જેના નામથી એ સમયને ‘વિક્ટોરીઅન એજ’ તરીકે ઓળખવામાં આવ્યો. જ્યારે ૨૦ જૂન, ૧૮૩૭ના રોજ તે સત્તાધીન થયાં, ત્યારે આપણા પ્રિય ચાર્લ્સ ડિકન્સ પચીસ વર્ષના હતા. તેમના ‘પિકવિક પેપર્સ’ પ્રસિદ્ધ થઈ રહ્યાં હતા અને તેઓ ધીમે-ધીમે લોકપ્રિય થઈ રહ્યા હતા.

ઓલિવર ટ્વિસ્ટ ઃ હમણાં જ જેની વાત કરી, એવા એક વર્કહાઉસમાં ઑલિવર ટ્વિસ્ટનો જન્મ થાય છે અને જ્યારે ઑલિવર પહેલો શ્વાસ લે છે ત્યારે તેની માતા અંતિમ શ્વાસ લે છે. પિતા કોણ છે તેની તો જાણ પણ નથી હોતી માટે ઑલિવર ટ્વિસ્ટને એ વર્કહાઉસમાં જ રાખવામાં આવે છે. ઑલિવર ટ્વિસ્ટ નામ કોણે પાડ્યું તેના જવાબમાં Mr Bumble (ટ્રાન્સફોર્મરવાળા નહીં) સગર્વ જવાબ આપે છે ઃ ‘I, Mrs. Mann. We name our fondlings in alphabetical order. The last was S, - Swubble, I named him. This was a T, - Twist, I named him. The next one as comes will be Unwin, and the next Vilkins.’ કેવું સંવેદનાહીન! અનાથ બાળકો તેમના માટે alphabetical order છે.

આ બાળકોને ખાવા માટે શું આપવામાં આવતું? એક નાનકડી વાટકી જેટલી રાબ. (gruel) એ વાટકી વિશે ડિકન્સે પોતાની આગવી શૈલીમાં લખ્યું છે ઃ ‘The bowls never wanted washing. The boys polished them with their spoons till they shone again; and when they had performed this operation (which never took very long, the spoons being nearly as large as the bowls) ....’ આવી ભૂખમરા જેવી પરિસ્થિતિમાં બધાં અનાથ બાળકો અંદર-અંદર ચર્ચા કરી નક્કી કરે છે કે આપણે થોડું વધારે ખાવાનું માંગવું જોઈએ. પણ બિલાડીના ગળે ઘંટ બાંધશે કોણ? છેવટે તેના માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવે છે (to draw lots) અને તેના દ્વારા એવું નક્કી થાય છે કે એ કામ ઑલિવર કરશે. (આખી નવલકથામાં ઑલિવર કોફિન મેકરને ત્યાંથી ભાગી જવા સિવાય ક્યારેય કશું જ નક્કી નથી કરતો. બધું જ તેના નસીબ કે હિતેચ્છુઓ દ્વારા જ નક્કી થતું હોય છે.) એટલે ઑલિવર એ દિવસે સાંજે ચમચી જેવડી વાટકીની રાબ પીધા પછી કહે છે ઃ ‘Please, sir, I want some more.’ બસ, આ જ એનો ગુનો. એક ચમચી રાબ વધારે માંગવા માટે તેને જે સજા કરવામાં આવે છે તેની કલ્પના પણ ન કરી શકાય. જે પોતે માતા કે પિતા બન્યા છે તે જાણે છે કે બાળકને એક ચમચી વધારે ખવડાવવા માટે મા-બાપ કેટલાં કાલાંવાલાં કરતાં હોય છે અને જે હજી માતા કે પિતા બન્યા નથી તેમને પોતાનાં બાળપણમાં એક ચમચી વધારે ખાવા માટેની માતા-પિતા લડાવેલા લાડ તો યાદ જ હશે. પણ આ અનાથ ઑલિવરને લાડ લડાવે કોઈ ક્યાં હતું? (આ ‘Please, sir, I want some more.’વાળું દ્રશ્ય વિશ્વ સાહિત્યમાં લખાયેલા સૌથી યાદગાર દ્રશ્યોમાંનું એક છે. આપણે બધાએ સ્કૂલે કે કૉલેજમાં ક્યાંકને ક્યાંક તો એ વાંચ્યું જ હશે.) તેને તો એક ચમચી રાબ વધારે માંગવા માટે આ વર્કહાઉસમાંથી કાયદેસર કાઢી મૂકવાનો નિર્ણય લેવાયો. તેના માટે જાહેરાત મૂકવામાં આવી કે જે વ્યક્તિ આ છોકરાને પોતાના ઍપ્રિન્ટિસ તરીકે લઈ જશે તેને વર્કહાઉસ તરફથી પાંચ પાઉન્ડ આપવામાં આવશે. અને છેવટે તેને કોફિન બનાવનારાના Mr Sowerberryના ઍપ્રિન્ટિસ તરીકે વર્કહાઉસની બહાર મોકલી દેવામાં આવે છે.

ત્યાં પણ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે. ઓલિવર ખૂબ જ સંવેદનશીલ બાળક છે. ડિકન્સે તેના માટે લખ્યું છે ઃ ‘Oliver, instead of possessing too little feeling, possessed rather too much.’ જ્યારે એક દિવસ ઑલિવરની માતાનું ઘોર અપમાન કરવામાં આવે છે, ત્યારે આ સંવેદનશીલ બાળક ત્યાંથી ભાગી નીકળે છે. લંડન આવીને તે આર્ટફુલ ડોજર દ્વારા ફેગિનના શિકંજામાં સપડાય છે જે તેને પાકીટમાર અને ચોર બનાવવાનો પ્રયત્ન કરે છે. (લાગે છે ને કોઈ હિન્દી ફિલ્મની વાર્તા જેવું!) પછી તેને કિસ્મત ક્યાં-ક્યાં ઢસડી જાય છે અને શું-શું કરાવે છે તે તો બહુ લાંબી વાત છે. પણ અંતમાં ‘All’s well that ends well’ આવે છે. ઑલિવરને જેટલા ખરાબ માણસો મળ્યા છે તેટલા જ સારા માણસો પણ મળે છે અને ટિપિકલ ડિકન્સીઅન સ્ટાઇલમાં સારાને અંતે સારુ અને ખરાબને અંતે ખરાબ મળે છે. Poetic justiceની જેમ જ બધા પોતપોતાનાં કર્મોનું ફળ પામે છે. ઑલિવર ઉપરાંત ચાર્લ્સ ડિકન્સે મિસ્ટર બમ્બલ, આર્ટફુલ ડોજર, ફેગિન, નેન્સી, સાઇક્સ, મોન્ક્સ જેવાં ઘણાં યાદગાર પાત્રો સર્જ્યા છે.

Characters from real life : અહીં એક નાનકડી આડવાત અપ્રસ્તુત નહીં ગણાય. ચાર્લ્સ ડિકન્સે પોતાની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓમાં ૪૦૦થી વધારે પાત્રોનું સર્જન કર્યું છે અને તેમના પાત્રોમાંથી અમુક નામ તો ખૂબ જ યાદગાર અને અર્થસૂચક બની ગયા છે. જેમ કે ‘ક્રિસમસ કેરોલ’માં તેમણે સર્જેલ Scroogeનું નામ હવે કંજૂસ શબ્દનો સમાનાર્થી શબ્દ બની ગયો છે. ‘લેખકને આટલા બધા પાત્રો અને તેના નામની પ્રેરણા ક્યાંથી મળતી હશે?’ એવા સવાલ સાથે રુથ રિચર્ડસન નામની એક અન્વેષકે થોડુંક સંશોધન કર્યું છે. [Dickens and the Workhouse: Oliver Twist and the London Poor, by Ruth Richardson (Oxford University Press)]

ડિકન્સ જ્યારે ૧૭થી ૨૦ વર્ષની ઉંમરે મેર્લિબૉન સ્ટ્રીટ પર રહેતા હતા ત્યારે તેમના ઘરથી થોડેક જ દૂર એક દીવા માટે તેલ અને ટૅલો વેચતો વેપારી હતો, જેનું નામ હતું William Sykes જેના પરથી ‘ઑલિવર ટ્વીસ્ટ’ના Bill Sikes નું સર્જન થયું હોય. નજીકમાં જ બીજા એક વેપારી હતો Goodge જેને તે સમયે લોકો કંજૂસ કહીને હસતા હતા. ‘ક્રિસમસ કેરોલ’ના કંજૂસ Scroodge કદાચ અહીંથી જન્મ્યા હશે. ત્યારે Marley નામક ચીઝ બનાવનાર પણ ત્યાં જ હતા, જે કદાચ ‘ક્રિસમસ કેરોલ’ના Mr Marley બન્યા હોય. નાનકડી કોર્નર શોપની ઉપરનું ડિકન્સનું જે 10, Norforlk Street નું ઘર હતું (જે હવે 22 Cleveland Street થઈ ગયું છે.) ત્યાંથી આ બધા વેપારીઓ એકદમ નજીકમાં જ હતા. સૌથી અગત્યની વાત એ કે ડિકન્સના આ ઘરથી માત્ર નવ બારણા દૂર જ એક વર્કહાઉસ પણ હતું, જેને ‘ઑલિવર ટ્વિસ્ટ’ની પ્રેરણા માનવામાં આવે છે. ત્યાં જ એક વીશી ચલાવનારા Mr Sowerby પણ હતા, જે ‘ઑલિવર ટ્વિસ્ટ’ના Mr Sowerberry હોઈ શકે. તે સમયના ડિકન્સના ઘરની સામે જ Dan Weller નામની વ્યક્તિની બૂટની દુકાન હતી અને ‘પિકવિક પેપર્સ’ના Mr Sam Weller પણ બૂટ જ ચમકાવતા હતા. આટલી બધી સમાનતાઓ એમ સૂચવે છે કે આ માત્ર coincidence ન હોય.

ઇંગ્લેન્ડ અને ડિકન્સ ઃ આપણે આગળ નોંધ્યું તેમ ડિકન્સના સમયના ઇંગ્લેન્ડમાં પ્રજા પર ભારે કર, નાણાંકીય ફુગાવો, ઇંગ્લેન્ડે ક્યારેય ન જોઈ હોય તેવી મંદી, સાજા-નરવા લોકો દ્વારા ગરીબો-અશક્તોને મળતી મદદનો થતો દુરુપયોગ (benefit frauds), બેકારી, ધનિકોનું વર્ચસ્વ અને મધ્યમવર્ગ તથા ગરીબોનો સંઘર્ષ આ બધું જ હતું. આજના ઇંગ્લેન્ડમાં આમાંથી શું નથી?

ગરીબ અને ગરીબીની વાત ડિકન્સે તો જાતે અનુભવી હતી અને માટે જ તેઓ આજીવન એ મુદ્દાને વારંવાર ઉઠાવતા હતા. ડિકન્સના મૃત્યુના ૧૪૨ વર્ષ બાદ, આજે પણ, સામાજિક વ્યવસ્થા એ જ છે. ગરીબો વધુ ગરીબ થતાં જાય છે, ધનિકો વધુ ધનવાન થતાં જાય છે અને મધ્યમવર્ગ તે બન્ને વચ્ચે પીસાતો જાય છે. ડિકન્સના સમયમાં ઇંગ્લેન્ડના ફ્રાંસ સાથેના યુદ્ધનો ખર્ચ કાઢવા પ્રજાજનો પર ભારે કર નંખાયા હતા. અત્યારે અફઘાનિસ્તાન સાથે લડવા પ્રજા પર કર નંખાય છે. બીજું બધું તો છોડો પણ જેમનો શાહી ઠાઠ અને લક્ઝરીઓ કરદાતાઓના રૂપિયા વડે પોષાય છે, એવા Royal familyના ડાયમન્ડ જ્યુબિલી સેલીબ્રેશનમાં ડિકન્સને પણ ભૂલી જવામાં નથી આવ્યા? વેસ્ટમિન્સ્ટર એબેમાં આવેલી ડિકન્સની કબર પર બે-ચાર ફૂલ ચડાવી દીધા, બ્રિટીશ મ્યુિઝયમમાં એકાદ શો ગોઠવી દીધો અને આપણા જેવા થોડાક રસિકોએ ભેગા થઈને તેમને એકાદ-બે કલાક સ્મરી લીધા ! પણ ડિકન્સે ઉઠાવેલ પ્રશ્નોનું શું?

ડિકન્સ અને ભારતઃ તેમણે ઉઠાવેલા પ્રશ્નો અત્યારે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં એટલા જ દાહક છે, જેટલા એક સમયે ઇંગ્લેન્ડમાં હતાં. ભારતના સંદર્ભે તો એમ પણ કહી શકાય કે અત્યારે ડિકન્સ ભારત માટે જેટલા રેલેવન્ટ છે એટલા કદાચ ઇંગ્લેન્ડ માટે નહીં હોય. આમ પણ ભારતમાં ડિકન્સનો અભ્યાસ ઇંગ્લેન્ડ પહેલાં શરૂ થયો હતો. ભારતમાં જ્યારે બ્રિટિશ રુલ હતું ત્યારે બ્રિટિશ ઓફિસર્સને તેમની અને તેઓએ જેની પર શાસન ચલાવવાનું હતું તે પ્રજાની વચ્ચે સંવાદ સાધી શકે તેવા લોકોની જરૂર હતી. તેમાં માત્ર અંગ્રેજી અને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું પૂરતું નહોતું. તેઓને એવી વ્યક્તિઓ જોઈતી હતી કે જે ભારતમાં જન્મ્યા-ઉછર્યા હોય, સ્થાનિક ભાષાની સાથે તેમની મુશ્કેલીઓ સમજતા હોય, અંગ્રેજી ભાષા જાણતા હોય પણ જેમનો ટેસ્ટ બ્રિટિશ હોય. તો જ તેઓ બ્રિટિશ રુલને વફાદાર રહીને કામ કરે. બ્રિટિશ કલ્ચર, બ્રિટિશ પ્રાઇડ અને બ્રિટિશ ટેસ્ટ એ કોઈ ક્લાસીસમાં શીખવા-શીખવવાની વસ્તુ તો છે નહીં. એ માટે શિક્ષણમાં બ્રિટિશ લિટરેચર દાખલ કરવામાં આવ્યું હતું. જે સમયે ઇંગ્લેન્ડમાં ડિકન્સ માત્ર મનોરંજનાર્થે વંચાતા તે સમયે ભારતમાં તેમનો પદ્ધતિસરનો અભ્યાસ થતો હતો. માટે ભારતીય સાહિત્ય અને સમાજ પર ડિકન્સની નોંધપાત્ર અસર જોવા મળે છે. આજે દરેક ગુજરાતી વર્તમાનપત્ર અને સામાયિકના અભિન્ન હિસ્સા જેવું બની ગયેલ ધારાવાહિક નવલકથાનું એક પ્રકરણ ચાર્લ્સ ડિકન્સના ખોળે અવતરેલ છે. આવી રીતે ધારાવાહિક નવલકથા લખનાર એ પ્રથમ સાહિત્યકાર હતા. આજે અહીં ઇંગ્લેન્ડમાં એ જોવા નથી મળતું પણ ડિકન્સે શરૂ કરેલી એ પરંપરા આપણા ગુજરાતે હજી પણ ચુસ્તપણે સાચવી રાખી છે.

‘ઑલિવર ટ્વિસ્ટ’માં જો ભારતને શોધવાનો પ્રયત્ન કરીએ તો એ ઠેર ઠેર મળી આવશે. બીજા જ પ્રકરણમાં ઑલિવરના જન્મ બાદ વર્કહાઉસ અને પૅરિશ સત્તા વચ્ચે તે બાળકની જવાબદારી માટે મંથરગતિએ પત્રવ્યવહાર થાય છે અને બાળકનું શું કરવું તેનો નિવેડો ૧૦ મહિના સુધી આવતો નથી. ૧૦ મહિના બાદ છેવટે બાળકને ‘બેબી ફાર્મ’(અનાથાશ્રમ)માં મૂકવાનો નિર્ણય લેવામાં આવે છે. બેબી ફાર્મની સંચાલક Mrs Mann આ બાળકો માટે તેને આપવામાં આવતા સ્ટાઇપેન્ડમાંથી મોટાભાગનું પોતાના માટે રાખી લેતી દર્શાવવામાં આવે છે. આ ઘટનાઓ ભારતમાં ચાલતી બ્યુરોક્રસી અને ભ્રષ્ટાચારની યાદ અપાવશે. દસેક વર્ષના ઑલિવરને Mr Sowerberryને ત્યાં એપ્રિન્ટિસ તરીકે મૂકવામાં આવે છે અને તેની પાસે ખૂબ જ કામ કરાવવામાં આવે છે. ભારતમાં બાળ મજદૂરીને લગતા કાયદા હોવા છતાં આપણને ચાની કિટલીએ, રેલવે સ્ટેશન પર કે નાની-નાની દુકાનોમાં કામ કરતાં બાળકો ઠેર-ઠેરે જોવાં મળે છે. પ્રકરણ ૧૨ અને ૧૩માં ન્યાયપાલિકાની વાત છે. તેમાં જેલમાં પૂરાયેલા એક ગુનેગારની વાત આવે છે જેને વાંસળી વગાડવા માટે સજા કરવામાં આવ્યાની વાત છે. તેને જેલની સજા આપતી વખતે ન્યાયાધીશ Mr Fang કહે છેઃ ‘He had so much breath to spare, it would be much more wholesomely expended on the treadmill than in a musical instrument.’ પ્રકરણ ૫૦માં થેમ્સની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીનું (Jacob’s Island) વર્ણન આવે છે (‘every imaginable sign of desolation and neglect.’) જે સહજપણે મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીની યાદ અપાવી દે છે. Working Classને પડતી મુશ્કેલીઓ અને ઝડપથી થઈ રહેલું Urbanisation પણ ડિકન્સે તેમની નવલકથાઓમાં આલેખ્યું છે અને આજના ભારતના સંદર્ભે એ બહુ જ વાસ્તવિક છે.

પણ બધી નકારત્મક વાતો જ માત્ર ભારતની યાદ અપાવે છે તેવું નથી, સકારાત્મક બાબતો પણ ભારતની યાદ અપાવે તેમ છે. Faginના શિકંજામાંથી છૂટેલા ઑલિવરને અજાણ્યા લોકો જ આશરો આપે છે. અજાણ્યાને આશરો આપવો કે ભૂખ્યાની ભૂખ ભાંગવી જેવા આજના ઇંગ્લેન્ડમાં ભાગ્યે જ જોવા મળતા સદ્દગુણો ભારતના ઘરે-ઘરમાં આજે પણ જોવા મળે છે.

‘ઑલિવર ટ્વિસ્ટ’ વાંચતી વખતે ધ્રુવ ભટ્ટની ‘કર્ણલોક’ વારે-વારે યાદ આવતી હતી. તેમાં નિરૂપાયેલ અનાથાશ્રમ અને અનાથ બાળકની કરૂણતા તેને ‘ઑલિવર ટ્વિસ્ટ’ની બહુ જ નજીક લાવીને મૂકી દે છે. ભારતમાં અંગ્રેજીમાં લખતા તત્કાલિન લેખકોમાં વિક્રમ શેઠ અને વિકાસ સ્વરૂપને ડિકન્સીઅન નવલકથાકારો ગણવામાં આવે છે કારણ કે તેઓ માત્ર વાર્તા લખીને અટકી નથી જતાં પણ એ વાર્તામાં જ ભારતના કેટલાયે પ્રશ્નો ગૂંથીને રજૂ કરે છે. વિકાસ સ્વરૂપના એક પુસ્તક ‘Q & A’ (Questions and Answers) પરથી હોલિવુડમાં બનેલ મૂવી ‘Slumdog Millionaire’ તો આપ સૌ એ જોઈ જ હશે. તેમાં પણ બાળમજૂરી, ગરીબીમાંથી ઉત્પન્ન થતા અપરાધીઓ અને એવી ઘણી બધી વાતો છે જે વિકાસ સ્વરૂપના ડિકન્સીઅન સ્વરૂપને આપણી આંખ સામે બહુ સારી રીતે ઉજાગર કરે છે.

હોલિવુડની વાત આવી છે, તો સાથે-સાથે એમ પણ કહેવાનું મન થાય છે કે ડિકન્સને વાંચતી વખતે બોલિવુડની યાદ આવ્યા વગર નહીં રહે. બોલિવુડની જે લાક્ષણિકતાઓ છે, જેમ કે melodrama, છૂટા પડ્યા અને મળ્યા, બુરાઈ પર સચ્ચાઈનો અંત, આવું બધું ડિકન્સની નવલકથાઓને અભિન્ન હિસ્સો છે. બોલિવુડના સુવર્ણયુગની કેટલીય મૂવીઝમાં ડિકન્સીઅન ક્વોલિટી જોવા મળે છે.

એક સમય હતો કે જ્યારે ભારતની દરેક સ્કૂલ અને કૉલેજમાં ડિકન્સનું કોઈ ને કોઈ પુસ્તક અભ્યાક્રમમાં રહેતું જ. પણ નવી પેઢી, કે જેને આખું જગત એક ક્લિકવગું છે, તે હવે થોડીક આગળ વધી છે. એ ડિકન્સને વાંચે છે, સમજે છે, ડિકન્સ સાથે connect પણ કરે છે. તેમ છતાં ડિકન્સથી પણ આગળ વધીને જગત સાહિત્યના કેટલાયે રત્નોને તેમને સુલભ છે. ઉપરાંત સમાજમાં પુસ્તકોનું જે સ્થાન હતું, જે દરજ્જો હતો, તે ધીમે-ધીમે નીચે આવતો જાય છે. વાંચનનો શોખ ઘટતો જાય છે. નવું પુસ્તક પ્રગટ થયાં બાદ તેના પરથી બનનારી મૂવીની રાહ વધારે આતુરતાથી જોવાય છે. એટલે નવી પેઢી માટે ડિકન્સ એક icon નહીં પણ એક author છે. તેમ છતાં ડિકન્સ આજના ઇંગ્લેન્ડ, ભારત કે અન્ય કોઈ પણ દેશમાં એટલા જ પ્રસ્તુત છે જેટલા બે શતાબ્દી પહેલા હતા.

કાર્લ માર્કસના ડિકન્સ વિશેના એક અવતરણ સાથે વિરમું છું. કાર્લ માર્કસે કહ્યું હતુ ં: ‘He present splendid brotherhood of fiction-writers in England whose graphic and eloquent pages have issued to the world more political and social truths than have been uttered by all the professional politicians, publicists and moralists put together.’

(ગુજરાતી સાહિત્ય અકાદમી તેમ જ હૅરો કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા, ડિકન્સ દ્વિ-શતાબ્દી અવસર પ્રસંગે, રજૂ થયેલું વક્તવ્ય)

e.mail : [email protected]

Category :- Opinion Online / Literature