LITERATURE

સળીઅો

અનિલ વ્યાસ
14-06-2013

(નિબંધ)

પડ્યા કપાઈને બે હાથ તો ય આંગળીઓ,
વીણ્યા કરે છે હજી આસપાસની સળીઓ.

સવારે આંખ ઉઘડે ત્યારે માંડ માંડ કશું વરતાય એવા ઝાંખા અજવાળાના દિવસોમાં કાગડા ગામ પહેલાં ઊઠીને કૂકડા સામે વટે ચડ્યા હોય. વાતાવરણમાં ઠરેલી ઠારની ભીનાશ ચાટવા મથતી અમારી ચાંદરી ભેંસ દોરડું તૂટી જાય એટલી લંબાય ... એ જોતી એની પાડી માંજરી અસમંજસમાં સ્થિર થઈ ગઈ છે. અવાજ ના થાય એમ તબડકું ખેસવી લઈ ફળિયું વટાવતી બાનો અણસાર આવતાં જ ચાંદરી ચામડી થથરાવતી ભોંયે ખરીઓ ઘસવા માંડે, માંજરી ચારે ય પગે ઠેકતી આરડે એટલે બા હડફડ ચાલે નજીક જઈ એની પીઠ અને માથું પંપાળે. માંજરી બેય ભેંસો સામે વિજેતાની નજરે જોઈ બાને ચાટવા માંડે. મને એ દ્રશ્યની કાયમ ઈર્ષ્યા આવતી. બાએ કોઈ દિવસ આ પાડીની જેમ મને વ્હાલ કર્યું નથી. જ્યારે જુઓ ત્યારે ભઈ આ કર ને પેલું કર ! લૉ, અમે ડોબાથી ય ગયા ? રમેશ લાડવાને જરા વાત કરી તો એ દાંત દેખાડવા માંડ્યો. ‘આ લે .. લે .. આને તો ભઈ ડોબાનું  ય ઝેર ? ફદલ એ ય ફદલ ...’ મેં એના મોઢા પર હાથ દાબી દીધો. મૂંગો મર હાળા ઝંડ .. મૂંગો ... જો કે ઘડીભર એ મોં બંધ રાખે પણ વાત અમારી ટોળકીમાં ફેલાવાની એ નક્કી. મારી વાત થાય એમાં મને કશી પીડા નહિ, પણ વાત વાતમાં જો કોઈ બા માટે આડું તેડું બોલે એ કંઈ સાંખી લેવાય ? પછી ઝઘડો પાક્કો ! ઝઘડાથી કોણ ડરે ? પણ બપોરનો પોગરામ પડી ભાંગે એની હોળીમાં લાડવાની કેટલી ય મનવર કરવી પડી. ગઈ સાલ અમારી ટોળકીએ વટ પાડી દીધેલો. આખી ય બ્રહ્મપોળમાં સહુથી વધારે ગંઠા અમે બાંધેલા. પાંદડે પાંદડું ચાવળી ચાવળીને તોડેલું. ના સડેલું ના વળેલું કે ના ખાબડિયું. દાદા રાજી રાજી થઈ ગયેલા, 'કે'જે તારી બાને દહકું આલશ્યે ગોળો ખાવા, ખાખરાનાં પાનની ભારીઓ બાંધતા બાંધતા દિનુ ટુનટુન પાંદડાં ભેગાં કરી ફુલ્લીનો એક્કો બનાવતો કે તૂટેલું પાંદડું દેખાડી 'લ્યા જો, લગડું આયું' કહી પાંદડું જમીન પર દોડાવતો,નીલેશ છત્રી ખાખરાની સુંવાળી બરડ ડાળી આંગળા વચ્ચે અવળી સરકાવી ઊભા રૂવાંની ભાત ઉપસાવવા મથતો, ભારીઓ બંધાય એટલે પછી છાપરે સૂકવવા નાંખવી પડે, પતરાં ગરમ લાય જેવા થઈ ગયા હોય ત્યારે ભારીઓ ઉથલાવવા ફદલ (કિરીટ) છાપરાં પર કૂદતો બંને હાથમાં ભારીઓ વિંઝોળતો, બળતા પગે સંતુલન જાળવવા દોડતો પગ ઠેબવતો. બહુ દઝાય ત્યારે ભારી પગ નીચે દબાવી પોરો ખાતો, એની ઠેકાઠેકથી માંડ માંડ જંપેલા શાંતાબા ઊઠી જતાં. ‘મૂઆ નખ્ખોદિયા કંઈ કામ ધંધો છે કે નહિ?’ની હાક જગવતા ખસી ગયેલો સાલ્લો સરખો પહેરતાં પહેરતાં જ બહાર આવતાં. ‘કિયો છે ઈની માનો ધણી ?’ આ ટાંણાંની રાહ જોતો બેઠો હોય, એમ રમેશ લાડવો બીલ્લી સદૃશ પ્રગટ થતો, કોઈને વઢ ખાતાં જોઈ એના મુખ પર કોઈ અનેરી કાંતિ છવાતી. ભારીઓ દિવસમાં બેથી ત્રણ વાર ઉથલાવવી પડે. પાંદડાં વધારે તડકામાં રહે ને લીલાશ ઓછી થઈ જાય, તો પતરાળું બરાબર ના લાગે એટલે સુકવણી ધ્યાનબદ્ધ કરવી પડે. એમાં ફદલ સિવાય કોઈનું કામ નહિ. એ ગરોળીની જેમ છાપરે ચડી જાય પણ સાચેસાચ ગરોળી જોઈ જાય તો રાડ પાડી ને નાસે. જો કે  અમારા  પાનાંની સુકવણી વખણાતી હોય તો એના લીધે. પાનખર ચારેકોર વેરાયેલી ઝાડ પાન ખેરવવા મંડેલા ને લીમડા તો ઝપટાવા માંડેલા. બા કે' ‘લ્યા બધા તાપમાં રખડી ખાવ છો તો થોડી સળીઓ ભેગી કરી લાવો તો કૉમમાં આવે. હવે નવા ગંઠા છોડવા પડશે ભઈ’. લાલો ઉછળીને કહે, 'બા ત્રણ ઠેકાણે લીમડાના વન છે. અમે કાલ ને કાલ ઉશેટી લાઈશું'. બોલે બંધાયા પછી ડગલું ભર્યું કે ના હટવું ના હટવું. પણ આ લાડવો હખણો નહીં મરે ને ડોબા વળી વાત વહેતી મૂકી દેશે તો ગરબડ ! મારા ભાગનો દહકો આપીશ એવી ધારણ આલી એટલે જીભ ઝાલી રહી. બપોરના જમણનો ઓડકાર આવે એ પહેલાં અમે ભાગોળે ભેગા થઈ ગયા હોઈએ. લાડવો કે' ‘પેલ્લા ધકાના માઢ પાછળ જઈએ.’ ધનજી કાનજી ઝીઝાંનો જુનો ડે’લો હવે ધકાના માઢથી ઓળખાતો. માઢ પાછળના વાડામાં લગભગ વીસેક મોટા લીમડા ફાલેલા, એના છાંયડે પતરાની પાટીવાળા પલંગ ને ખાટલા ઢાળી ઢાળી ઝુડીવાળા બેસે. સુપડા જેવા પાતરમાં અડધે સુધી તમાકુ ભરી હોય બાકીના અડધા ભાગમાં ટીમરુનાં જરાક લંબ-ચોરસ કાપેલાં પાન ને લાલ અને કાળી દોરીના પીલ્લાં. બાજુમાં પલાળીને નીચોવેલા ધોતિયાના કકડામાં ટીમરુનાં પાન બાંધ્યાં હોય. સુકાં પાન વાળીને બીડી બનાવાય નહીં ને પાણી છાંટી ને પાન કાળું પડાય નહિ એટલે ભીના કકડામાં હવા ખવડાવવી પડે. હવાયેલાં પાન કાપવાં-વાળવાં સહેલા પડે. ધનજીમામા, કા'ભૈ દાદા, ત્રંબક ઢોચકોને તળશી અદા .... આ ટોળીમાં તળશી અદા બીડીઓ વાળવામાં એક્કા ને એવી જ એમની અદા ! કલાકારની લચકથી કાતર ચલાવે. એક પાદડાંમાંથી બે પાન કતરાય એની કાળજી લે. સાંજે ઊભા થતાં ચારેબાજુ પડેલી બધી કતરણ ભેગી કરી લે ને ઘેર લાવી પતરાના ડબામાં ઠાલવે 'તેવડ તીજો ભઈ શું ? હવારે બંબો સળગાવવા કામ લાગે.’ ભગુમામા એમની ફીરકી લે' આ તેવડે તારું નખ્ખોદ કાઢ્યું, ફાડ્યા ! પણ સાંભળે એ બીજા. ત્રાંસી હથેળીએ તમાકુ વાળી ઢગલી સરખી કરતાં ડાબા હાથનો અંગુઠો અને બીજી આંગળીથી પત્તું દબાવે. તરત  પહેલી આંગળી પત્તાનો ખૂણો વાળી લે. સ્હેજ જ હથેળી હવામાં ઘૂમે ને પેલું પત્તું હથેળી પર ગોઠવાઈ જાય.  અંગુઠાથી એક ખૂણો અને બે આંગળીઓ વચ્ચે વાળેલો ખૂણો .... બાકીનું પત્તું વધેલી આંગળીઓ પર ઠેરવાયું હોય. તમાકુ ઠલવાતાં જ ટચલી આંગળી પત્તું નીચેની તરફ વાળી વળાંક બનાવે ને બીજા હાથનો અંગુઠો અને આંગળી છેડો અંદર દબાવતાંક ભૂંગળી વાળી લે. વળેલો ચપટો છેડો ચપ્પાની અણીથી અંદર દબાવી લાલ દોરાના   બે ત્રણ આટાં લપેટી દોરો તોડી વળ ચડાવ્યો કે બીડી તૈયાર! જો કે, બીડી વાળવાની ધનજીમામાની ઝડપને કોઈ ના પહોંચે. સાંજ પડ્યે એમની બાજુમાં ગડીઓનો ગંજ ખડકાયો હોય. મોટા ભાગે જાડી બીડી બનાવવા લાલ દોરો પાતળી બીડી વાળવા કાળા દોરાની વપરાશ થતી. વળતી જતી બીડીઓ સાથે કેટલીય વાતો વીંટાતી-ઉકેલાતી. કેટલીય વાર થડ ઓથે કે ચોતરા નીચે સંતાઈ એમની વાતો સાંભળી મોટાઓની ખાનગી વાતો જાણવાનો અમે પોરસ કરતા. પણ એ વાત કહીયે ત્યારે અમને કોઈ ખાસ ગણતું નહિ, એટલે અમારો પોરસ પાનખરમાં લીમડાની સળીઓ ગરે એમ ગરી પડતો. ઉકળતા ઉનાળે લીમડાની છાયામાં ઝૂડીવાળા સિવાય, ઠાકોરવાસના કેરમ રમવાવાળા, સાત કુકરી રમવાવાળા  ને ગંજીપાવાળાના ચોરા જામતા. જુગાર રમનારા એટલે ટકેલા કે પીવાના પાણીની કોઠીઓ ભરાવવાનો ખર્ચો દરેક બાજીના ભાગમાંથી નીકળતો. આ જુગારી ગેંગ બે ધારી તલવાર જેવી. બે-ત્રણ બાજી કોઈ જીતી જાય તો હારેલો ગાળ બોલીને કાઢે ને નજીક જઈએ ને કોઈ બાજી ગુમાવે તો,' અટિયા લગાવછ હાળા ? ઊભું થા અહીંથી'. બોલતા તગેડે. એવી દાઝ ચડે ! કાચી કટ્ટ લીંબોળી લીંબોળીએ ફટકારવા જોઈએ. લાલો કે'  'આ લોકોના નાસ્તામાં લીમડાનો  મૉર ભભરાઈ દેવો છે?' દિનુ અકળાય, ‘મૉર તો મ્હેકે ડફોળ, એવા આઈડિયા ના ચાલે. હા, એમની પપૈયાની ચટણીમાં થોડી લીંબોળીઓ છીણીને નાંખી દઇએ.'  બધા ખડખડ હસી પડે. નીલેશ આખી ય ટોળીને થુંકા થુંક કરતી જોતો હોય એમ વર્ણન માંડે. એ તો આડ વાત પણ મૉર મ્હૉરે ત્યારે આખો ય વાડો મધમધી ઊઠે. એ વખતે એ સુગંધ સમજાતી નહિ પણ કડવી મીઠી ફોરમથી મન ધરાતું નહિ. કોઠીના મોંએ બાંધેલા ટાટ (કંતાન) પર ગરેલા મૉરની સુગંધવાળું પાણી પી ઊંડો શ્વાસ લેવાની હરીફાઈમાં ભલે દિનુ ટુનટુન લાંબો શ્વાસ તાણે, પણ સુખડી ખાવાની લાલચે એની હાર વણલખી રહેતી. ચૈત્ર વૈશાખના વાયરા વરતાય એ પહેલાં ખાખરાના ગંઠા માળીએ ચડે, લીમડા મ્હોરી  ઊઠે. એવે બા નકોરડા ઉપવાસ કરતી. આસો મહિનાના નવરાત ભલે ઘેરઘેર ઉજવાય પણ બાને મહિમા તો આ ચૈતરના મોટા નોરતાનો. દાદા અંબાજીના ભગત ને કુટુંબમાં માતાજીનું કરવઠું એટલે ઘેર ગરબો લેવાતો. જો કે દીવો પૂજા બા કરતી, ‘એમને વખા પડે બચાડા જીવને.’ બદલામાં દાદા શરીર નરવું રાખવા લીમડાનો મૉર પીતા. ‘આ મૉર પીએ એટલે માતાજી પરસન્ન!’ સૂરજનો તડકો અડે ને મૉર ગરે એ પહેલાં તોડી લાવવાનું કામ અમારું. અમે મૉર લાવીએ પછી દાદા ફૂલડી ય ન ગરે એમ જાળવીને જાડી ડાંખળીઓ તોડી મૉર ધુએ. લાંબા ખરલ પર પાથરી એમાં મીઠાનો ગાંગડો ને કાળાં મરી ઉમેરી બરાબર લસોટે. મૉર લસોટતાં ય એમની નજર અમારા પર જ હોય. લ્યા છોકરોં નાહતા નહિ. એવો મેઠો મૉર બનવાનો .... બોલતાં પીત્તળની પવાલીમાં મૉરનો લચકો નાંખી તમામનાં નામ ગણી ગણી પાણી ઉમેરતાં જાય. રમેશ લાડવો કે ફદલ કોક આવી જાય તો છટકી શકાય પણ .... હું, લાલો અને નિલેશ તો ઘરનાં એટલે ઉબકા આવે તો ય  કાઢો પી જવો પડે. મોઢું બગાડીએ તો બા કે’ ‘પી લે ભઈ, લીમડો કડવો પણ નરવો બહુ. હેંડ પછી સુખડી આલું.’

આ ધોળી ફૂલડીઓ ક્યારે લીલી બની લીંબોળી બંધાય એનું ધ્યાન રાખવાનુ નક્કી કરીએ પણ વધેલા વાયરે ચડેલી ધૂળના તોફાન ભેગું સઘળું વહી જાય. કાચી લીંબોળી તોડી એમાંથી ઉઝતું દૂધ જોવાની, એના કરતાં ય લીમડાના થડનું છોડિયું ઊખાડ્યા બાદ ધારોમાં જામતો ગુંદર ખોતરીને ભેગો કરવાની વળી જુદી જ મજા ! કોઈ મોતી જેવા દાણા, કોઈ પારદર્શક પરપોટીઓ ને ભરભર ભૂકો  તો નરી સોનેરી ખાંડ. દિનુની મા રશિયન પત્રિકાઓની કોથળીઓ બનાવે છે. એનો જાડો લીસો કાગળ ગાલે ફેરવવાની મજા તો કંઈઈ ... ભગુમામા જાંગિયા બોડીસમાં નાચતી છોકરીના ફોટા કાતરીને ગાદલા નીચે સંતાડતા. ‘રાતે ગરમાટો રૅ જરા, બીજુ શું?’ કહી ધનજીમામાની તાળી લે. પણ નવા મેગૅઝિનથી સાચવવું પડે. લીસા કાગળની ધાર ટેરવું ચીરી નાંખે એવી તીખ્ખેવાર ! શારદામાસીનાં ટેરવું બે ત્રણ વાર કરપાઈ ગયેલું. કરપ એવી મખમલી કે કોથળી કે ગુંદરની પીંછી લોહીવાળી થાય ત્યારે ખબર પડે કે આંગળી કપાણી ! લાલો ઉમેરે, ‘નવી સરકારી નોટો ય આવી કરામતી હોય છે, હું જાણું ને.’ સાંભળી ફદલ પૂછે : ‘કેમ બીક લાગે છે સરકારની ?’ ઊંહું ... કહેતા લાલો પગ ઉતાવળે ઉપાડે.

દાની વડ, મોટી સડક ને નેળયું વટાવી ફેદરા જવાના રસ્તે આગળ વધીએ ત્યાં ગોચર પડખે નર્યા લીમડા છે. વન વિભાગવાળા આવી દર વરસે એકે એક લીમડાના થડને અડધા મૂળમાંથી ગેરુ અને ઉપર ચૂનાનો પટ્ટો ચોપડી જાય છે. એ લીમડા વનની પાસેની નદી પર આગલા ગામે આડબંધ બંધાયા પછી પાણીનો સાવ નાનો રેલો વહે છે. એ છીછરા રેલામાં પેલા ચીકટા કાગળની હોડીઓ બનાવી તરતી મૂકવાની ને છેક લગી પલટી ખાધા વિના કોની હોડી આગળ નીકળે એ રમવાનું ચાલે. ત્યાં ઘણી સળીઓ ખરી હોય. લીમડાની દાતણ જેવી બે ડાળીઓ તોડી, બે ડાળી આંગળીમા ફસાવી દંતાળી બનાવી સળીઓ વાળી લેવાની. આ સળીઓ વાળતાં સાચવવું પડે. ગરેલાં પાંદડા ને સળીઓના થર નીચે ઠંડક ખાવા લાલ ઝેમેલો અને મંકોડા જંપ્યા હોય કે રાફડા બનતા હોય. દંતાળી ને બદલે જો આંગળીએ વળગે તો ડોકું તૂટી જાય તો ય આંકુડિયો ના છોડે એવા જિદ્દીડા હોય છે. સળીઓ ભેગી કરી કઠણ ભોંય પર ઢગલો કરતા જવાનું. ખાસ્સો ઢગલો થાય એટલે સહુ પોતપોતાના ઢગલે બેઠક જમાવે. સળીઓના પાંદડા સેરવી ભારીઓ કરવાની. આંગળી ને અંગૂઠામાં સમાય એવડી ભારી બાંધતા જવાનું, બાવળ કે ગુંદાની છાલથી ગાંઠ બરાબર વળે. એ ભારીઓ લઈ રસ્તે કૂવેચથી બચતા બચતા ચણોઠી વીણતા, કેરીઓ તફડાવતા ઘર ભણી વળીએ. ધકાના ડેલામાં ચોખ્ખાઈ બહુ એટલે સળીઓ હાથથી ય ભેગી કરાય ને ઝપાટાબંધ કામ થઈ જાય. ધનજીમામા નાકની દાંડીએ ઠરેલાં ચશ્માં ઉપરથી તાકી રે’. તળશી અદા હોઠમાં બીડી દબાવી ધુમાડો કાઢતાં, હળવેથી બીડી હોઠના એક ખૂણેથી બીજા ખૂણે ફેરવે ને થોડાક આનંદ ને થોડી રમૂજથી ડોકું હલાવે. રવિશંકરમામા ઊભા થઈ ઘટક ઘટક પાણી પીવે ને અમારી બાજુ તાકી બોલે,‘ વીણો તમતમારે વીણો ભઈ. આ કાંકરે કાંકરે જીવણલાલે હાત છોડીઓ પયણાઈ બાકી.’ તળશી અદા ટપ કરતી બીડી ચપટીમાં દબાવી કે’,‘તેવડ, લ્યા તેવડ તીજો ભઈ, શું.’ ને ચપટી સોતી બીડી હોઠે અડાડી ગોળ હોઠે ઊંડો કશ ખેંચે. અમે નીકળીએ ત્યારે એ તો કહેવાના જ, ‘આવજો, ભૈ.’

અમે સળીઓ  આંગણામાં નાંખી ખાવા દોડીએ. બા બધી ય સળીઓ ગમાણના પતરે મેલે, ‘સુકાશે પડી પડી.’ ઘરમાં આવી દસ પૈસાનો સિક્કો દેખાડતાં કહે, ‘બરફ ના ખાવાનો હોય તો જ આપું. ગોળા ખઈ ખઈને કાકડા પકવો છો. બોલો કબૂલ ? હું ને લાલો એક સાથે બોલીએ, ‘કબૂલ.’

*   *   *

ઘણાં વરસો પછી ફરીથી મોસાળ પાસેથી પસાર થવાનું બનેલું. થયું, ચાલો નાના બની જઈએ.

અમે જ્યાં ધીંગામસ્તી કરી ખાતા એ ફળિયું પથ્થરોથી મઢાઈ ગયું હતું. છાણા થેપેલી દિવાલો સુવિચારના રંગો પાછળ ચાલી ગયેલી. નકશીદાર ટોડલા ને પરસાળમાં ઝૂલતા હિંચકા ને બદલે તસોતસ જગા બોટી લેતી દિવાલો. આખી ય જાળીવાળી ઓસરીથી સાવ નોખું તરતું અમારું ઘર આરસ મઢ્યા ચોસલાં પાછળ ગારદ. ગમાણમાં મેડીબંધ મકાન ને લાંબુ પહોળું આંગણું જાણે નવેરી !

કોઈ અણસાર પારખે એવું ય નહિ, નહિ મારો અણસારો આપતી ધૂળ. ક્યાં હશે મારી પિલુડીની તીખાશ. કઈ રવેશમાં સંતાયું હશે બચપણ ? સ્હેજ આગળ જઈ જોવાની, ટેકરો વળોટી શરુ થતું વાઘું ઉતરવાની ઇચ્છા જ ન થઈ. પાછલા પગલે  પેલો કાયમ જીતતો એ ઊંડો શ્વાસ લીધો. ક્યાંય થી ય કહોવાયેલા ઘાસ અને પલળેલા પોદળાની સુગંધ ના આવી. સાવ અજાણ્યો એક છોકરો બહુ જાણીતી નજરથી જોતો નજીક આવ્યો.

‘કોને શોધો છો ?’

થયું કહું, તને જ.

પણ પેલી જાણીતી લાગતી નજરની શેહમાં પાછા વળી જવાયું.

(શીર્ષક પંક્તિ : ભરત વિઝુંડા)

16, Eton Court, Eton Avenue, Wembley, Middlesex HA0 3BB [U.B.]

Category :- Opinion Online / Literature

અંગ્રેજી ભાષાના લેખનમાં અનુસ્વારનું ચિહ્ન નથી. આપણી ભાષામાં એનું ચોક્કસ સ્થાન છે. આ અને આ પહેલાંનાં બન્ને મળીને ત્રણ વાક્યોમાં મેં ૯ વખત અનુસ્વારનું ચિહ્ન વાપર્યું છે.

ગયા અઠવાડિયે યોજાયેલી એક સાહિત્યસભામાં હાજરી આપવાનું બનેલું. એક મહાનુભાવ સાહિત્યકારના ગ્રન્થ વિશે સમીક્ષાનો ઉપક્રમ હતો. ગ્રન્થકાર પણ એક વક્તા રૂપે હાજર હતા. ગ્રન્થનું નામ છે, “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો”. પહેલા સમીક્ષકે શરૂઆતમાં જ પોતાની મીઠી મૂંઝવણ રમૂજમાં રજૂ કરી, કે ટાઇટલ-પેજ પર ગ્રન્થના શીર્ષકમાં હોવું જોઇતું અનુસ્વાર કેમ નથી ! એમનું તાત્પર્ય એમ હતું કે ગ્રન્થમાં જો અમેરિકાવાસી પુરુષ અને સ્ત્રી, નર અને નારી, બન્ને જાતિના સર્જકોની વાત છે, તો શીર્ષકના “કેટલાક” શબ્દ પર અનુસ્વાર હોવું જોઇએ-- “અમેરિકાવાસી ‘કેટલાંક’ ગુજરાતી સર્જકો”, એમ હોવું જોઇએ. તો બરાબર કહેવાય. એમની ફરિયાદ સાચી હતી, છતાં, સભાના અન્ત ભાગમાં ચર્ચા-ચર્ચી ચાલેલી.

વાત એમ છે કે આપણને ગુજરાતીઓને “ઝીણું” જીરું, “ટુકડી” ઘઉં, કે “પૉણિયા” ચોખા -- જેવા ભેદ પાડવામાં મહેનત નથી પડતી, પણ હ્રસ્વ અને દીર્ઘ “ઇ” કે “ઉ” લખવામાં જોર પડે છે ! તે તે ભેદ મુજબના તે તેના ભાવતાલને વળગી રહેવામાં લહેર પડે છે, પણ હ્રસ્વ-દીર્ઘ સાચવવામાં આપણી પ્રજાને કંટાળો આવે છે ! આવી સુસ્ત અને મતલબી મનોદશાને કારણે નિયત જોડણી કરવા તેમ જ લખવા-બોલવા બાબતે આપણે સૌ સ્વૈરવિહારી છીએ. એને અંગેની એકવાક્યતાના અભાવમાં આપણું ભાષા-ગાડું જેમનું તેમનું ગબડે છે. એમાં, આ અનુસ્વારની તો ભારે દુર્દશા છે. એ બાપડાની જાણે કશી વિસાત જ નથી ! સર્વસાધારણ મનોવલણ એવું જોવા મળે છે કે અનુસ્વાર હોય તો ય શું ને ન હોય તો ય શું ! આમે ય દેખાવમાં એ બચારું નાનું છે !

જુઓ, જ્યાં જરૂર ન હોય ત્યાં અનુસ્વાર હોય : “રમેશ, રમા અને એમનું કૂતરું નામે સાજન ટાવર બાજું જતાં હતાં.” આ વાક્યમાં “બાજુ” પર અનુસ્વારનું હોવું બિનજરૂરી છે. તો વળી, જ્યાં જરૂર હોય ત્યાં એ ન હોય : “ટાવર બાજુ જતા હતા” -- એમ જોવા મળે ! એમાં, “જતા” અને “હતા” બન્ને પર અનુસ્વારનું હોવું જરૂરી છે. આ અનાચાર, લેખનમાં જોવા મળે છે તેમ બોલવામાં પણ જોવા મળે છે. કેટલાક શિક્ષકો તેમ જ સારા સારા સાહિત્યકારો પણ આમાંથી બાકાત નથી ! સારસ્વતો જ બેફામ હોય, પછી પ્રજાને શું કહેવાનું !

ટૂંકમાં, “મમ મમ”થી કામ છે ! એ કાજે વ્યાકરણી વ્યવસ્થાનો અનાદર કરવામાં આપણને કશી નાનમ નથી !

આપણા વ્યાકરણમાં, સામાન્યપણે, નર અને નારી જાતિની ભેગી વાત કરવાની હોય તો યથાસ્થાને અનુસ્વારો આવે છે. નર, નારી અને નાન્યતરની ભેગી વાત કરવાની હોય તો પણ તેમ કરાય છે. “રમેશ, રમા અને એમનું કૂતરું નામે સાજન ટાવર બાજુ જતાં હતાં” -- એ આખું વાક્ય આ બન્ને વાતનું સમર્થક છે. શિષ્ટમાન્ય વ્યવહારો વખતે દરેકે આ વ્યવસ્થાને વળગી રહેવું જોઇએ. સીધી વાત છે ! પરન્તુ, થોડું જુદું કહું : આપણી ભાષામાં, કુંભાર-કુંભારણ, બામણ-બામણી, મોચી-મોચણ, દરજી-દરજણ, વાણિયા-વાણિયણ, જેવી જાતિ-સૂચક વ્યાકરણી વ્યવસ્થા સ્થિર થયેલી છે. પણ એનો અર્થ એ નથી કે તમે કુંભારણબાઈને “કુંભાર” કે વાણિયણબાઈને “વાણિયા” કહીને સમ્બોધો તો ન ચાલે, ને તેને ખોટું લાગે ! ખોટું તો ત્યારે લાગશે, જ્યારે તમે એમાં કશો દુર્ભાવ દબાવીને બોલતાં હશો. કેમ કે, દુર્ભાવનો સ્વભાવ છે કે પોતાના હોવાપણાની તરત ચાડી ખાય !

ત્યારે, ગયા અઠવાડિયાની એ સાહિત્યસભામાં, “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો” શીર્ષકમાં અનુસ્વારના મુદ્દા અંગે મારા મનમાં થોડા જુદા વિચારો વિચરતા થયેલા. પણ અન્ય ચર્ચાઓમાં સભાની નિયત સમય-મર્યાદા સાવ નજીક આવી ગયેલી, એટલે મેં મૌનને ગમતું કરેલું. પણ અહીં એને વાચા આપું છું :

એમ કે, એક અર્થમાં “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો” પ્રયોગ ખોટો નહીં લાગે. એમ કે,  “કેટલાક” પર અનુસ્વાર નથી તે બરાબર છે. એટલા માટે કે, સાહિત્યસર્જન કે કશું પણ સર્જન જે વ્યક્તિ કરે એને સર્જક કહેવાય, ભલેને એ સ્ત્રીએ કર્યું હોય કે પુરુષે કર્યું હોય કે પછી બાળકે. એ સૌ સર્જકો છે. એ ન્યાયે એ ગ્રન્થમાં બધા સર્જકો છે. (ખરેખર તો, સમીક્ષા અને ચર્ચાથી સભા એવા સૂર અને સારની દિશામાં વધારે સફાઈથી વિકસી શકી હોત -- કે એ અમેરિકાવાસીઓમાં કાચા-પાકા આછા-ઓછા અને ખરા કે ખરેખરા સર્જકો કોને ગણી શકાય એમ છે અને કોના કોનાથી ગુજરાતી સાહિત્ય આછુંપાતળું પણ રળિયાત થઈ શકે એમ છે. ગ્રન્થકાર એ સારને સ્વ સૂરે સુદૃઢ પણ કરી શકયા હોત.) આપણા જમાનામાં “ઍક્ટ્રેસ”ને પણ હવે “ઍક્ટર” કહેવાય છે. જુલિયા રૉબર્ટને લોકો “ઍક્ટર” કહેવાનું પસંદ કરે કે અનુષ્કા શર્મા પોતાને “ઍક્ટર’ કહે એમાં કશું ખોટું નથી. હવે કોઈ “પોએટેસ” નથી બોલતું.  તમે “કવયિત્રી”, “લેખિકા” કે “સ્ત્રી-લેખિકા” કહો તે ન ગમે, કેમ કે ન ચાલે. નારીવાદીઓ તો ન જ ચલાવી લે ! આ બહેન “પોએટ” છે --  “રાઇટર” છે --  “કવિ” છે --  “વાર્તાકાર” છે --  એમ કહીએ તો મને તો વધારે સારું લાગે છે. જો કે આમ તો એમને “બહેન” પણ નહીં કહેવાય !

તે છતાં, ટૂંકમાં, સ્ત્રી-પુરુષ કે નર-નારી ભેદને ઉલ્લંઘીને વિકસેલી આ નવતાનું આપણે સ્વાગત કરવું જોઇએ. એની સામે આંખમીંચામણાં કરવાથી સંભવ છે કે આપણે જીવનની ગતિશીલતાનો અનાદર કરી બેસીએ.

જોવા જઇએ તો આપણે એવા અનુ-આધુનિક કાળમાંથી ગુજરી રહ્યાં છીએ, જેમાં બધાં મૂલ્યો, બધી શાસ્ત્રસમ્મત વાતો, આગ્રહો, નિયમો કે આચાર-વિચાર પ્રશ્નાર્થ હેઠળ આવી ગયાં છે. એ પ્રશ્નાર્થોને ઉકેલવામાં મોડા પડીશું તો વિમાસણો વધશે ... કશાં સુખદ સમાધાનો જડશે નહીં ...

(૨૭ મે ૨૦૧૩)

e.mail : [email protected]

Category :- Opinion Online / Literature